પ્રેમની મોસમ Alok Chatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની મોસમ

Alok Chatt

morbitiles09@yahoo.in

“પ્રેમની મોસમ”

રોજની જેમ આજે પણ સંધ્યા સાંજના સમયે કોમર્સ કોલેજની પાસે આવેલા ગાર્ડનના ફરતે બે ચાર આંટા મારીને એક નિયત બાંકડે આવીને બેઠી. તેણે ગાર્ડનમાં આમ તેમ નજર ફેરવી, જાણે કોઈને શોધતી હોય, પરંતુ એવું કંઈ નજરે ન ચડતાં અંતે તેણે એક નિસાસા સાથે ચશ્માં કાઢીને કાચ લૂછ્યા. ફરીથી ચશ્માં પહેરીને ગાર્ડનનું અવલોકન કરવા માંડી, ખાસ કરીને ગાર્ડનમાં આવેલા તેનાં વરસો જૂનાં મિત્રો જેવાં આસોપાલવ, સરુ અને લીમડાનાં ઝાડનું. આટલાં વરસોથી બીજી કોઈ વ્યક્તિ તેની સાથે હોય કે ન હોય પણ આ બધાં ઝાડ એ ખાસ સાથ આપ્યો હતો. લગભગ ૩૧ વર્ષનો સમય વીતી જવા છતાં સંધ્યા ન તો એ બાંકડાને ભૂલી શકી હતી, કે ન તો જેની સાથે આ બાંકડાની સ્મૃતિ જોડાયેલી હતી તેવા પ્રભાતને. ઘડીભર આંખો મીંચીને બેસતાં તેનાં જીવને થોડી રાહત મળી. પરંતુ ખરી રાહત તો તે જે ચહેરાને શોધતી હતી તે જોવા મળે તો જ થાય એવું હતું. સંધ્યાની આંખો ખુલી ત્યાં અંધારું થોડું વધી ગયું હોય તેવું લાગતાં તે ઉઠીને ઘર તરફ જવા માંડી. જો કે ઘરે રાહ કોઈ જોનાર હતું નહીં, પોતે એકને જ જમવાનું હોય રાતે તે રસોઈ પણ કંઈ બનાવતી નહીં. ગાર્ડનથી ઘર પણ ખાસ દૂર નહીં હતું માંડ દસેક મિનીટ ચાલીને ઘરે પહોંચી ગઈ. નિત્યક્રમ મુજબ એક સફરજન સુધારીને ખાઈને પછી યમુનાષ્ટકના પાઠ કરવા બેસી ગઈ. ખબર નહીં કેમ પણ આજે યમુનાષ્ટકમાં તેનું ચિત્ત ચોંટતું ન હતું. રહી રહીને આજે તેને પ્રભાતની ખૂબ યાદ આવતી હતી. અંતે થાકીને તેણે યમુનાષ્ટક બાજુ પર મૂક્યું અને આંખો બંધ કરી ભૂતકાળમાં સરી પડી.

તેની સ્મૃતિમાં પ્રભાત નામ આવતાં જ તેનાં ચહેરા પર ખૂશીની રેખાઓ ઉપસી આવી. વનપ્રવેશ પછી ચહેરા પર વધતી જતી કરચલીઓમાં પણ જુવાનીની તાજગી ઉભરી આવી. સંધ્યા દસમા ધોરણમાં હતી ત્યારે પ્રભાત તેનાં પપ્પા મમ્મી સાથે સંધ્યાની બાજુમાં જ આવેલા મકાનમાં રહેવાં આવેલો. તે મકાનમાં રહેવાં આવ્યાના બીજા જ દિવસે પ્રભાતે સંધ્યાને બાજુમાં આવેલી કરિયાણાની દુકાન પર જોયેલી, જોતાં સાથે જ ગમી પણ ગયેલી. કરિયાણાની દુકાનથી બધો સામાન લઈને પરત ફરતી સંધ્યાનો પગ એક પત્થર સાથે અફળાતાં તે પોતાનું સમતોલન ગુમાવી બેઠી અને હાથમાંથી બધો સામાન પડી ગયો તેમજ તેનો પગ પણ મચકોડાઈ ગયો. સંધ્યાને પડતી જોતાં જ પ્રભાત સંધ્યા તરફ દોડ્યો અને તેને ઉભી કરી. બધો સામાન ફરીથી સમેટીને પોતે તે થેલી ઊંચકી લીધી. સંધ્યાનો એક હાથ પોતાનાં ખભા પર રાખીને ટેકો આપીને સંધ્યાને ચલાવીને તેનાં ઘર સુધી મૂકવા ગયો. ઘરે પહોંચતા જ તેનાં મમ્મીની નજર પડતાં જ તે દોટ મૂકીને બહાર આવ્યા. તેમણે પ્રભાતના ખભા પરથી સંધ્યાનો હાથ લઈને પોતે જ ટેકો આપીને અંદર સોફા સુધી લઈ જઈને ત્યાં તેણે બેસાડી દીધી. પ્રભાતે સામાનની થેલી આપતાં પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે ગઈકાલે જ એ લોકો પડોશમાં રહેવા આવ્યા હતાં. આંટીએ પ્રભાતનો આભાર માન્યો સાથે જ તેને ચા પીને જ જવાનો હુકમ કરી પોતે ચા બનવવા ગયા. સંધ્યા હજી દર્દથી કણસતી હતી પરતું તેનું ધ્યાન એકધારું પ્રભાત પર જ હતું. તેણે પણ પ્રભાતનો આભાર માન્યો ત્યારે બંનેની નજર એક થતાં જ સંધ્યાની નજર નીચી નમી ગઈ. આ પહેલી મુલાકાત બન્ને માટે અવિસ્મરણીય બની ગઈ. તે દિવસ પછી તો બંને વચ્ચે એવી તો દોસ્તી જામી ગઈ કે બંને સ્કૂલ પણ સાથે જ જવા લાગેલા. પ્રભાત થોડો અંતર્મુખી સ્વભાવનો હતો પરંતુ તે સંધ્યાની સાથે બહુ વાત કરતો તેમજ તેને ખૂબ હસાવતો. પ્રભાત આડોશપાડોશમાં બધાંને બહુ જ મદદ પણ કરતો તેમાં સૌથી વધુ મદદ તે સંધ્યાના મમ્મીને કરતો. ગમે તેવું કામ હોય પ્રભાત ક્યારેય આંટીને ના પાડતો નહીં તેનું એક કારણ સંધ્યા પણ હતી જ કે તે બહાને તે સંધ્યા સાથે રહી શકતો.

દિવસે દિવસે બંનેની દોસ્તી પ્રગાઢ બનતી ગઈ. બંને એ બોર્ડમાં સારા ટકાવારી લાવીને કોમર્સ કોલેજમાં એડમીશન મેળવ્યું. પ્રભાત મનોમન સંધ્યાને અનહદ ચાહતો, તેનાં માટે કંઈ પણ કરી છૂટતો. સંધ્યાને કોઈ વસ્તુ જોઈતી હોય કે કોઈપણ કામ હોય પ્રભાત એ બધું જ કરી આપતો. આમને આમ કોલેજ પૂરી થવા આવી. રીઝલ્ટનો દિવસ પણ આવી ગયો. બંને હંમેશની જેમ સાથે જ રીઝલ્ટ લેવા ગયા. પ્રભાત ડીસ્ટીંકશન સાથે સમગ્ર કોલેજમાં પ્રથમ આવ્યો. તો સંધ્યા પણ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયેલી. કોમર્સ કોલેજની બાજુમાં જ આવેલા ગાર્ડનના એક ખાસ બાંકડા પર બધાં મિત્રોની રોજ બેઠક જામતી. ખાસ કરીને સંધ્યા અને પ્રભાત તો એ બાંકડા પર જ બેસતાં. એ લોકો વાંચવાનું હોય કે કંઈ એસાઈનમેન્ટ પૂરું કરવાનું હોય તો પણ આ જ બાંકડે આવીને બેસતાં. બંને આજે પણ પોતાનાં ગ્રુપ સાથે તે જ બાંકડા પર બેઠાં રીઝલ્ટની વાતો કરતાં હતાં. બધાં જ મિત્રો જતાં રહ્યાં પછી પ્રભાત સંધ્યાને ધારીને જોઈ રહ્યો હતો. સંધ્યા થોડી શરમાઈ જવાં છતાં તેણે પ્રભાતને પૂછ્યું,

“કેમ આજે આમ ધારી ધારીને જુએ છે પ્રભાત...?”

“હું એ વિચારું છું સંધ્યા કે થોડાં દિવસોમાં કેમ્પસ ઇન્ટરવ્યુ થવાના છે, એમાં મને ક્યાં જોબ મળે એ મને પણ ખબર નથી. આપણે હવે આગળ કેટલું સાથે રહી શકીશું એ પણ નક્કી નથી. છેલ્લાં કેટલાંય વરસોથી આપણે વધુમાં વધુ સમય એક બીજા સાથે ગાળ્યો છે તો હવે અલગ પડવું પડશે તો દુઃખ નહીં થાય..?”

“હમ્મ્મ્મ...દુઃખ તો થાય જ ને..!!.”

“તો પછી આપણે કઇંક એવું કરીએ તો કે આપણે આખી જીંદગી સાથે જ રહી શકીએ..?”

“ઓહ...! એવું કઈ રીતે બને...?”

“સંધ્યા, મેં તને ક્યારેય કહ્યું નથી પણ હું તને ખૂબ પ્રેમ કરું છું.....શું તું મારી સાથે લગ્ન કરીશ..? મારી જીવનસંગીની બનીને આખું જીવન મારી સાથે વ્યતીત કરીશ...?”

“ના.........હું ક્યારેય તારી સાથે લગ્ન નહીં કરી શકું..!!!!!!” આટલું બોલતાં જ સંધ્યા એકદમ ઉદાસ થઈને દોડીને ગાર્ડન બહાર નીકળી ગઈ અને પોતાનું મોપેડ લઈને ઘરે જતી રહી. પ્રભાતને કંઈ સમજાયું નહીં. તે સંધ્યાના નામની બૂમો પાડતો રહ્યો પણ સંધ્યા ન જ રોકાઈ. પછીના ત્રણ ચાર દિવસ સુધી પ્રભાત સંધ્યાને જોઈ પણ ન શક્યો. તેનાં ઘરે જતો, તો પણ સંધ્યા પોતાનાં રૂમમાં જ ભરાઈ રહેતી. કોલેજનાં કેમ્પસ ઇન્ટરવ્યુમાં પણ સંધ્યા ન આવી. પ્રભાતને પૂનાની એક કંપનીમાં સારા પગારની જોબ મળી ગઈ. તેણે તત્કાલીક ત્યાં જોઈન કરવાનું હતું. તેનાં પપ્પા પણ રીટાયર્ડ થઈ ગયેલા એટલે આખું ફેમીલી જ પૂના શિફ્ટ થવાનું હતું. જતાં પહેલાં તે એકવાર સંધ્યાને મળીને કારણ જાણવા માંગતો હતો. તે સંધ્યાને છેલ્લી વાર મળ્યો પણ ખરો પરંતુ સંધ્યાએ લગ્ન સિવાય વાત કરવાનું કહીને કાયમ માટે અલવિદા કહી દીધું એટલે ભગ્ન હ્રદયે પૂના જવા રવાના થઈ ગયો.

પ્રભાત ગયાને ૩૧ વરસોના વ્હાણા વીતી ગયા. સંધ્યાએ પ્રભાત તો શું ..? બીજા કોઈની પણ સાથે લગ્ન કર્યા જ નહીં. એક સામાન્ય કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરી તેમાંથી પણ હવે નિવૃત થઈ ગયેલી સંધ્યા જીવનનાં સંધ્યાકાળે સાવ એકલું-અટુલું જીવન પસાર કરતી હતી. માતાપિતાના અવસાનને પણ હવે ખાસ્સો સમય થઈ ગયો હોય તેને એકલા રહેવાની આદત પડી ગઈ હતી. પરંતુ મનમાં કોઈક ખૂણે હજીયે એવી આશા હતી કે એક દિવસ પ્રભાત ફરી તેની પાસે આવશે. એ જ આશાએ તે ગાર્ડનના એ જ બાંકડા પર રોજ બેસવા જતી કે ક્યારેક પ્રભાત પણ એ બાંકડા પર તેને શોધતો શોધતો જરૂર આવશે.

એક દિવસ નિત્યક્રમ મુજબ સંધ્યા ગાર્ડનમાં બાંકડા પાસે આવી, જોયું તો તે બાંકડા પર એક આધેડ ઉંમરનો કોઈ વ્યક્તિ બેઠો હતો. સંધ્યાને જરાં નવાઈ લાગી કારણકે એ સમયે એ બાંકડા પર ભાગ્યે જ કોઈ બેસેલું જોવા મળતું. સંધ્યા તે બાંકડાની બાજુમાં એક બીજો નવો બાંકડો બેસાડેલો ત્યાં જઈને બેઠી. નજીકથી પેલી વ્યક્તિને જોતાં સંધ્યાની આંખોમાં ચમક આવી. તે તરત ઉભી થઈને એ વ્યક્તિ પાસે જઈને બોલી,

“તમારું નામ પ્રભાત છે...?”

અચાનક કોઈ અજાણી વ્યક્તિએ તેને નામથી બોલાવ્યો એટલે પ્રભાત પણ જરાં અચંબિત થઈ ગયો. તેણે પણ આંખો ઝીણી કરીને સામી વ્યક્તિને ઓળખવાની કોશિષ કરી.

“હા...! પણ તમે...?”

આટલું પૂછતાં પ્રભાત અટક્યો અને એકદમ નજીકથી જોતાં તેણે પણ સંધ્યાને ઓળખી લીધી.

“ઓહ...! તું ક્યાંક સંધ્યા તો નથી ને...?”

“હા...હું સંધ્યા જ છું પ્રભાત...આટલાં વરસે તને જોઈને ખુબ આનંદ થયો...” સંધ્યાની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. તેણે ચશ્માં કાઢીને આંખો સાફ કરી. પ્રભાતની આંખોમાં પણ ઝાકળ બાઝી ગઈ.

“તને અહીં જોઈને હું પણ ખુબ રાજી થયો સંધ્યા. બહુ વરસો પછી મળ્યાં આપણે...”

“હા પુરા ૩૧ વરસ થયા...પણ તું અહીં ક્યાંથી...? તું ક્યાં રહે છે...? હજી પૂનામાં જ છે...?” સંધ્યાએ બાંકડા પર બેસતાં પૂછ્યું. સંધ્યાની આંખોમાં કંઈક અલગ જ પ્રેમની લાગણી અને પોતાનાં વિશે જાણવાની ઉત્કંઠા જોઈને પ્રભાતે માંડીને વાત કરી.

“આપણે છુટા પડ્યા પછી અમે આખો પરિવાર પૂના જઈને સ્થાયી થઈ ગયો હતો. ત્યાંની જોબ ખૂબ સારી હતી. ત્રણેક વરસ પછી મમ્મીની તબિયત બહુ કથળતાં એમના આગ્રહને વશ થઈને મેં નિશા સાથે લગ્ન કર્યા. નિશાએ મને ઉજ્જ્વલ અને રોશની નામના બે ફૂલ આપ્યાં. રોશની લગ્ન કરીને કેનેડા સ્થાયી થઈ છે. ઉજ્જવલનાં લગ્ન નાસિકમાં જ કર્યા છે. તે જે કંપનીમાં જોબ કરે છે તે કંપનીએ પોતાની અમેરીકા સ્થિત હેડ ઓફિસમાં ઉજ્જ્વલને જોબ ઓફર કરી તેથી તે પણ છ એક મહિનાથી અમેરીકા જઈને સ્થાયી થઈ ગયો છે. બધાં જ પોતાના જીવનમાં મશગુલ છે, ખૂબ ખૂશ પણ છે. પંરતુ આ બધી ખૂશી જોઈ શકે તે પહેલાં જ નિશાનું એક જીવલેણ હૃદયરોગના હુમલામાં અવસાન થયું. હું હવે અહીં એકલો જ અને નિવૃત્ત હોવાથી ઉજ્જવલ જીદ કરે છે કે હું પણ ત્યાં અમેરીકા જઇને તેની સાથે જ રહું, એટલે પંદરેક દિવસમાં કાયમ માટે અમેરીકા જતો રહેવાનો છું. અહીં થોડાં લીગલ ડોક્યુમેન્ટ્સ માટે આવેલો તો થયું કે લાવ કોલેજના સમયની યાદો તાજી કરી લઉં. કોલેજ આખી ફર્યો પછી આ ગાર્ડન અને બાંકડો જોવા આવ્યા વિના ન રહેવાયું. સારું થયું અહીં આવ્યો તો અહીં મને તું મળી ગઈ. કેટલી આશ્ચર્યની વાત કહેવાય...!!!”

“ઓહ...!! ખૂબ સરસ...તારા સંતાનો વિશે જાણીને ખૂશી થઈ. પરંતુ નિશા અવસાન પામી એ જાણીને દુઃખ પણ થયું.”

“હમ્મ્મ્મ.....!! ઇટ્સ ઓકે....પણ તું અહીં ક્યાંથી..? મેં તો મારાં વિશે બધું જ જણાવી દીધું હવે તારા વિશે તો તું કંઈક જણાવ. તું ક્યાં રહે છે...?”

“ચોક્કસ જણાવું પણ અહીં નહીં, તું મારાં ઘરે જ ચાલ ત્યાં ચા પીતાં પીતાં નિરાંતે વાતો કરીશું.”

પ્રભાતે માત્ર હકાર ભણી સંધ્યા સાથે તેનાં ઘર તરફ ચાલવા માંડ્યું. પ્રભાત માટે આ ઘર જાણીતું જ હતું. આ એ જ જુનું ઘર હતું જેના પડોશમાં પ્રભાત રહેતો હતો. સંધ્યાએ ઘરે પહોંચીને બન્ને માટે ચા બનાવી, પછી પોતાની જીવન કથની કહેવાનું શરુ કર્યું.

“જેમ તે જોયું પ્રભાત, હું આ જુના ઘરમાં જ રહું છું. આપણે છુટા પડ્યા પછી મને એક સામાન્ય પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં એકાઉન્ટ આસીસ્ટન્ટની નોકરી મળી. ગયા વરસે જ હું રીટાયર થઈ. બસ આ જ છે મારું જીવન...”

“ઓહ....!! તે લગ્ન નથી કર્યા..? અંકલ આંટી..?”

“ના મેં લગ્ન નથી કર્યા પ્રભાત. છ વરસ પહેલાં પપ્પા હાર્ટ સ્ટ્રોકનો શિકાર બનીને અવસાન પામ્યાં. મમ્મીને પણ કિડનીની બીમારી થઈ હોવાથી તે પણ ત્રણ વરસ પહેલાં મૃત્યુ પામી.”

પ્રભાત સુનમુન બની સાંભળતો રહ્યો. તેને પ્રશ્ન થયો કે સંધ્યાએ મને લગ્ન માટે ના પાડી પણ બીજા કોઈ સાથે પણ કેમ લગ્ન નહીં કર્યા હોય...? પણ તે કંઈ પૂછે તે પહેલાં જ સંધ્યાએ તેનું મન કળી લેતાં કહ્યું,

“પ્રભાત હું ખરાં દિલથી તારી માફી માગું છું કે મેં તારા લગ્નનાં પ્રસ્તાવનો અસ્વીકાર કરેલો. આ અસ્વીકારની સજા તારા કરતાં મેં વધુ ભોગવી છે. તેં અહીંથી ગયા પછી ક્યારેય જાણવાની કોશિષ નહીં કરી પરંતુ મેં ત્યારે લગ્નની ના એટલા માટે પડેલી કે હું માંડ તેર વર્ષની હતી ત્યારથી જ એક ગાંઠ થઈ હોવાને કારણે મારું ગર્ભાશય કાઢી નાખવામાં આવેલું. હું નહોતી ઈચ્છતી કે હું તને સંતાન સુખ ન આપી શકું અને તું આજીવન નિસંતાન રહીને હિજરાયા કરે. પ્રેમ તો હું પણ તને અનહદ કરતી હતી, આજે પણ કરું જ છું, પણ લગ્ન કરીને સદાય તને દુઃખી જોવા માગતી ન હતી. તું ચાલ્યો ગયો પછી હ્રદયના તળે તારા પ્રેમને ભંડારીને તારી વાટમાં જ જીવન વિતાવ્યા કર્યું. તને ખબર છે..? કેટલાંય વરસોથી હું રોજ એ બાંકડે જઈને બેસતી. જ્યાં તે મને પ્રપોઝ કર્યું હતું. મને એટલો વિશ્વાસ હતો કે ક્યારેક તો તું મને યાદ કરીશ. મને શોધતો શોધતો આ બાંકડા પાસે જરૂર આવીશ. જો આજે મારો વિશ્વાસ સાચો ઠર્યો, આટલાં વરસો પછી આપણે મળ્યાં એ પણ એ જ બાંકડા પાસે.”

છેલ્લાં વાક્યે સંધ્યાથી મોટું ડૂસકું ભરાય ગયું સાથે તેની આંખો બેફામ છલકાઈ ઉઠી. પ્રભાતની આંખમાં પણ પાણી આવ્યા વિના ન રહ્યું. તેણે ઉભા થઈને સંધ્યાના માથા પર હાથ ફેરવીને શાંત પાડવાની કોશિષ કરી.

“સંધ્યા, મને ખબર જ નહીં હતી કે તું પણ મને આટલો પ્રેમ કરતી હશે. મારાં માટે આટલો મોટો ભોગ આપ્યો હશે. આજે હું પણ કોલેજની યાદો તાજી કરવા નહીં પણ તારી જ તલાશમાં એ ગાર્ડનમાં આવેલો. કોઈ લીગલ ડોક્યુમેન્ટ્સ માટે નહીં પરંતુ તારો પત્તો લગાવવા માટે જ હું અહીં આવેલો. ભગવાન પણ ગજબ ખેલ કરતો રહે છે. તેણે આટલાં વરસ આપણને તડપાવ્યા પછી હવે છેક મળાવ્યા.”
“તેમાં પણ તેનો કોઈક સારો સંકેત હશે પ્રભાત....”
“હા સંધ્યા..! એ જ ભગવાને મને કઇંક સુઝાડ્યું છે...”
“શું...?!!”

“સંધ્યા, શું આપણે આ પંદર દિવસ સાથે વિતાવી શકીએ..? હું અમેરીકા જતો રહું તે પહેલાં આ દિવસો આપણે આપણી બધી જ યાદો તાજી કરીએ. જે જીવન સાથે જીવી ન શક્યા તેનાં થોડાં તો થોડાં દિવસો સાથે વિતાવીએ. પહેલાંની જેમ જ ખુબ મસ્તી કરીએ. બોલ તું શું કહે છે..?”

સંધ્યાએ શબ્દોમાં કંઈ જ ન કહ્યું પરંતુ તેની આંખોમાં આવેલી ચમકે મૂક સંમતિ આપી દીધી. પ્રભાત સંધ્યાના ઘરે જ રોકાઈ ગયો. એ પંદર દિવસ તેમણે બંનેએ ભરપૂર જીંદગી માણી. બંને સવારે ઘરેથી નીકળી જતાં, રોજ નવી નવી જગ્યાએ જતાં જ્યાં તેઓ ક્યારેય ગયા નહોતા. એ જગ્યાઓ પર પણ જતાં જ્યાં તેઓએ તેમનાં અનમોલ સ્વર્ણ દિવસો વિતાવેલા. અવનવા રેસ્ટોરેન્ટસ, નીતનવા ઠેલા વાળા, મોટામોટા શોપિંગ મોલ્સ, નવામાં નવા અને જૂનામાં જૂનાં મંદિરો, બાગ બગીચા, આ બધું જ એ પંદર દિવસોમાં બંને ફર્યા. ક્યારેક બાઈક પર તો ક્યારેક કારમાં. બંનેએ ખૂબ મસ્તી કરી, મન ભરીને જીંદગી નામની વાનીની ઝીયાફ્ત ઉડાવી. જાણે કે બંનેની જુવાની આ દિવસોમાં પાછી ફરી હતી. આ દિવસોમાં બંને એકબીજામાં એટલાં પરોવાઈ ગયા જાણે વરસોથી સાથે જ રહેતાં હોય. જયારે પ્રભાતને નીકળવાનું હતું તેની આગલી રાતે સંધ્યાએ પ્રભાતને ભાવતું જ બધું બનાવેલું. પ્રભાત પણ કેક લાવેલો બંનેએ કેક કાપીને શાનદાર ઉજવણી કરી.

અંતે અઘરો દિવસ આવ્યો જયારે બન્નેએ ફરી સદાય માટે અલગ થવાનું હતું. સવારમાં બંને નિત્યક્રમ પતાવીને નજીકમાં જ આવેલી હવેલી પર દર્શન કરવાં ગયા. ઘરે આવીને ભારે હૃદયે પ્રભાત પોતાનું પેકિંગ કરવા લાગ્યો. સંધ્યા તેમાં તેને મદદ કરતી હતી. કપડાં ગડી કરીને આપતી હતી તે પ્રભાત બેગમાં ગોઠવતો હતો. ક્યારથી બંને એકબીજા સાથે નજર મેળવવાનું ટાળતાં હતાં કે ક્યાંક આંખોની ભીનાશ છતી ન થઈ જાય. પ્રભાત વિદાય થાય તે પહેલાં બંને એક બીજાને ભેટ્યા, પરંતુ સવારથી કોઈ કંઈ બોલતું ન હતું, બધું યંત્રવત જ થઈ રહ્યું હતું. વાતાવરણ ગોરંભાઈ ગયેલું લાગતું હતું. જેવો પ્રભાત બેગ લઈને દરવાજા તરફ વળ્યો સંધ્યાએ તેનો હાથ પકડી લીધો અને એક હીબકાં સાથે મૌન તોડતાં કહ્યું,

“પ્રભાત, તે દિવસે તને એક સંકેત ભગવાને આપેલો એવો જ આજે મને પણ એક વિચાર આવ્યો છે. તું પહેલાં જયારે મને છોડીને ગયેલો ત્યારે હું તને રોકી શકી નહોતી પરંતુ આજે હું તને રોકવા માગું છું.....શું હવે એવું ન બની શકે કે આપણે હવે કાયમ સાથે જ રહીએ...? શું એવું ન બની શકે કે જે પંદર દિવસ આપણે આપણી જીંદગીનાં સૌથી યાદગાર વિતાવ્યા એવી જ રીતે બાકીનું જીવન આપણે સાથે વિતાવીએ...? જે પ્રેમ માટે આપણે આખી જીંદગી તરસતાં રહ્યાં એ પ્રેમ આપણે હવે એક બીજાને આપીએ ...? મેં ક્યાંક વાંચેલું કે દરેકના પ્રેમનો એક સમય હોય છે, એક મોસમ હોય છે. શું આપણા પ્રેમની મોસમ હવે ન આવી શકે....?”

પ્રભાતનાં હાથમાંથી બેગ છુટી ગઈ, સાથે ક્યારથી રોકી રાખેલાં આંસુ પણ છૂટીને વહી નીકળ્યાં. તે કંઈ જ બોલી ન શક્યો બસ સંધ્યાને પોતાના આલિંગનમાં સમાવી લીધી. બંને એવી રીતે ભેટી પડ્યા જાણે ક્યારેય છુટા જ ન પડવાનાં હોય. જાણે કે પ્રેમની મોસમ આવી ગઈ. ઉજ્જળ હૈયાઓમાં પ્રેમની ફસલ લહેરાવા લાગી. ત્યારે મધ્યાહ્ન સમયે પ્રભાત અને સંધ્યા કાયમ માટે એક થઈ ગયા.......

અસ્તુ