પિતૃત્વ નું બલિદાન Sachin Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • શંખનાદ - 15

  કેન્દ્રીય ગૃહ પ્રધાન Shri સતીશ શાહ સાહેબે સીબીઆઈ ઓફિસર વિક્ર...

 • નિયતી - 1

  આખી ઓફિસનું વાતાવરણ ગમગીન હતું. એકદમ શોક છવાયેલો હતો. બધા એક...

 • પ્રેમ સમાધિ - પ્રકરણ-87

  પ્રેમ સમાધિ પ્રકરણ-87 કાવ્યા કલરવનાં પ્રેમભીનાં સ્પર્શથી આકર...

 • બચપન કા પ્યાર...

  ગીરજાને સ્કૂલનો આજે પહેલો દિવસ હતો. એની મમ્મીએ એને બહુ મસ્ત...

 • કાળું ગુલાબ

  કાળું ગુલાબ​​મંગલપુર માં રાજા ઉદયસેનનું રાજ હતું. રાજા ઉદયસે...

શ્રેણી
શેયર કરો

પિતૃત્વ નું બલિદાન

પિતૃત્વ નું બલિદાન

કમલા ઓ કમલા !!! સાંભળ હું સ્કૂલ જવા નીકળુ છુ સંદિપ ને પૂછી જો એને મારી સાથે આવવુ હોય તો!! પોતાની સાઈકલ પર કપડુ ફેરવતા ફેરવતા જશુભાઈ એમની પત્નિ ને સાદ આપે છે.ખાખી કપડા માં ૪૫ વર્ષ ના જશુભાઈ સાઈકલ પાસે ઊભા ઊભા પોતાના નાના ઘર ની બહાર એમના દિકરા ની વાટ જોઈને ઊભા છે. અને હંમેશા ની જેમ કમલા બેન નો એ જ જવાબ સાંભળવા ઊભા હોય એમ એમનો એક પગ સાઈકલ ના પેંડલ પર અને અડધી સીટ પર બેઠેલા જશુભાઈ ના કાન એમની પત્નિ નો એ રોજિંદો જવાબ સાંભળવા આતુર હતા કે તરત કમલા બેન એ અંદર થી જવાબ આપ્યો " સંદિપ ને વાર લાગશે તમ તમારે નીકળો"

"એ સારુ" આ જવાબ જાણે એમના પગે સાંભળ્યો હોય એમ પગ તરત સાઈકલ ના પેંડલ પર ચાલવા માંડ્યા.

"બેટા સંદિપ ,તુ કેમ તારા બાપુજી સાથે સ્કૂલ નથી જતો? મારે હંમેશા ની જેમ તુ તૈયાર નથી થયો એવુ બહાનુ બનાવુ પડે છે."

સંદિપ થોડી વાર ચૂપ રહે છે અને નીચે જોતા જોતા જ જવાબ આપે છે " બા તમને તો ખબર જ છે બાપુજી મારી જ સ્કૂલ માં પટાવાળા છે."

"તો શુ થયુ બેટા? એ એમની નોકરી છે, જેના થી આપણે બે ટંક નુ ખાવાનુ ખાઈ શકીયે છીએ, એ આપણી જરુરિયાતો પૂરી કરવા નોકરી કરે છે અને બેટા કોઈ નોકરી નાની કે મોટી નથી હોતી નોકરી નોકરી હોય છે"

"હા તો ભલે ને કરે પણ હું મારી સ્કૂલ માં કોઈને ખબર નહિ પડવા દઉ કે મારા બાપુજી પટાવાળા છે , તને ખબર છે બા મારા સ્કૂલ માં મારા બધા મિત્રો ના પપ્પા કોઈના કોઈ સારી પદવી પર છે અને મારા પપ્પા !!! સાચુ કહુ બા મને શરમ આવે છે અને ડર છે જો મારા મિત્રો ને આ વાત ની ખબર પડશે તો એ બધા મારી મજાક ઊડાવશે."

"સંદિપ એમ સત્ય ને શુ કામ છુપાવુ પડે અને તને હજારો વખત મે તારા બાપુજી ના ભૂતકાળ ની સ્થિતી વિષે કહેલુ જ છે અને આજે ફરીવાર કહુ છુ તારા દાદા નાની ઊંમરે જ સ્વર્ગવાસ પામ્યા હતા, તારા બાપુજી અને એમની ત્રણ બહેનો ની જવાબદારી નાની ઊંમરે તારી દાદી મા પર આવી ગઈ. આ પરિસ્થિતી માં તારા બાપુજી પાસે એક જ રસ્તો હતો એ હતો શહેર માં જઈ નોકરી કરવી અને ઘરની જવાબદારી ઉઠાવવી, આ બધી જવાબદારી માં એમને ભણવાનો મોકો પણ ના મળ્યો બેટા, અને થોડા વર્ષો પછી એ જે મીલ માં કામ કરતા હતા એ પણ બંધ થતા એમને મીલ માંથી છૂટા કરવામાં આવ્યા. એમની પાસે આ સ્કૂલ માં પટાવાળા ની નોકરી સ્વિકારવા સિવાય કોઈ રસ્તો નહોતો. અને બેટા એમને તને ભણાવી ગણાવી ને મોટો માણસ બનાવો છે.તુ એમની દશા સમજ એ બધુ આપણા માટે જ કરે છે.તુ એમને સમજ આવુ એમની સાથે ના કરીશ બેટા એ કાંઈ બોલતા નથી પણ અંદર અંદર બહુ મૂંઝાય છે"

કમલા બેન ની વાત સાંભળી ના સાંભળી કરી સંદિપ સ્કૂલ જવા પોતાના બૂટ શોધવા લાગ્યો.

"સંદિપ સાંભળ બેટા તારા બાપુજી પૂછતા હતા તારા દસમા ધોરણ ના બોર્ડ ની પરિક્ષા માટે ની રસીદ આવી ગયી છે તો એ લેતા આવે? "

" ના હું જાતે લઈ લઈશ" મનમાં બબડતો બબડતો સંદિપ જોરથી દરવાજો વાખી નીકળી ગયો.

પ્રિન્સિપાલ ની ઓફિસ ની બહાર બેઠા બેઠા જશુભાઈ સ્કૂલ માં આવતા દરેક વિધ્યાર્થી ને પોતાના પુત્ર સંદિપ ને જોતા હોય એમ હળવુ હળવુ સ્મિત આપે છે અને હંમેશા ની જેમ સંદિપ મિત્રો ના ટોળા ની આડે પોતાના બાપુજી ની નજર છૂપાવી નીકળી જાય છે.

સંદિપે પોતાના પિતા જશુભાઈ આ સ્કૂલ માં પટાવાળા છે એ વાત બધાથી છૂપી રાખેલ છે. કદાચ કોઈ મિત્ર ને શક જાય તો પણ જુઠ્ઠાણા નો સહારો લઈ આખી વાત ટાળી દે છે.આ સત્ય છૂપાવા માટે સંદિપ એના મિત્રોને ઘરે પણ નહોતો આવવા દેતો.મિત્રો સાથે ના કામ એ બહાર જ પતાવી દેતો.

કમલા બેને સંદિપ ને ઘણો સમજાવાનો પ્રયત્ન કરેલો કે આપણે વાસ્તવિકતા થી ભાગવુ ના જોઈએ પણ ખબર નહિ સંદિપ ના મગજ માં શું ગરકાવ થઈ ગયેલુ કે એ હંમેશા એની સાથે ભણતા બીજા બાળકો સાથે સરખામણી કરતો રહેતો અને પોતાના બાપુજી ને વધુ ને વધુ અવગણતો હતો.

જશુભાઈ આ વાત ની કદી ફરિયાદ નહોતા કરતા પણ અંદરોઅંદર એ પોતાના પુત્ર ની અપેક્ષાઓ પર ખરા નથી ઊતરી શકતા એનું પારાવાર દુખ હતુ એમને.પોતે જે એમના પુત્ર તરફથી તિરસ્કાર પાત્ર બન્યા છે એ એમનો દિકરો ના ભોગવે એટલા માટે જશુભાઈ સંદિપ ના ઊછેર અને ભણતર માટે લોહી પરસેવો એક કરતા.

સંદિપ ની અપેક્ષાઓ અને સરખામણી કરવાના સ્વભાવ થી એ ઘરે પણ જશુભાઈ નું અપમાન કે ઊપેક્ષા કરતો.પણ જશુભાઈ આ બધુ હસતે મોંઢે પચાવી જતા અને સંદિપ હજુ બાળક છે એમ માની પોતાના મન ને મનાવી લેતા.

સંદિપ ભણવાનાં ખૂબ જ હોંશિયાર હતો અને ઘરે થી ભણવામાં મળતો મા-બાપ નો સહકાર એને આગળ આવવામાં ખૂબ મદદ કરતા.

દસમા ના બોર્ડની પરિક્ષા ને લગભગ એકાદ મહિનો જ બાકી હતો. સંદિપ સવારે વાંચવા ઊઠતો તો જશુભાઈ અને કમલા બેન પણ ઊઠતા સાથે અને સંદિપ ને જરુરી દરેક વસ્તુ નુ ધ્યાન રાખતા.પરિક્ષા સંદિપ ને હતી પણ ઉજાગરો આ મા-બાપ કરતા હતા.

બોર્ડની પરિક્ષા શરુ પણ થઈ ગયી.સંદિપ નો જે ક્લાસરુમ માં નંબર હતો, જશુભાઈ એ રુમ માં પાણી આપવા ના બહાને એમનો સંદિપ પેપર બરાબર લખી રહ્યો છે કે નહિ એ જોઈ આવતા.સંદિપ ને મગ્નતા થી લખતો જોઈ ને એમને સંતોષ થતો.

"કમલા જોયુ આપણો સંદિપ દસમા માં આખા જીલ્લા માં પ્રથમ આવ્યો છે" ગર્વ થી છાપા માં આવેલા સંદિપ ના સમાચાર વાંચે છે.

"હવે મૂકો આ છાપુ બાજુમાં સવારના સો વાર વાંચી લીધા તમે આ સમાચાર" જશુભાઈ ના હાથ માંથી છાપુ ખેંચી જશુભાઈ નો હાથ પોતાના ખોળા માં મૂકતા કમલા બેન જશુભાઈ ની આંખો માં આંખો મિલાવતા કહે છે " જો જો સંદિપ ને જ્યારે તમારી કિંમત સમજાશે ત્યારે તમારા આ હાથ પકડી ને છાનો નહિ રહે."

કમલા બેન થી આંખો ચોરી કોઈક ચિંતા સતાવતી હોય એમ જશુભાઈ નિસાસો નાખતા કહે છે.." ત્યાં સુધી બહુ મોડુ ના થઈ જાય કમલા"

સમય વિતતો ગયો અને સંદિપ ની પ્રગતિ પણ ઉત્તરોત્તર વધતી ગઈ. બારમા ધોરણ માં પણ સંદિપ જીલ્લા મા પ્રથમ આવ્યો પણ આ બધા નો શ્રેય એ પોતાની આવડત અને બુધ્ધી ને આપતો.

સંદિપ ને દિલ્હી ની સારા માં સારી કોલેજ માં એન્જિનીયરિંગ માં એડમિશન મળી ગયુ.

આજે લગભગ સંદિપ ના ગયે ચાર વર્ષ થઈ ગયા પણ કોલેજ માં ગયા પછી પહેલી દિવાળી કરવા સિવાય સંદિપ ઘરે આવતો નહિ કે કદીયે ફોન પર પણ મા-બાપ ના સમાચાર લેતો નહિ.

સંદિપ ને કોલેજમાં થી સ્કોલરશીપ પણ મળતી હોવાથી પોતાના ખર્ચા જતે ઉઠાવી લેતો.મા- બાપ ના વાત્સલ્ય ની તો એને પહેલે થી જ જરુર નહોતી હવે તો પૈસા ની બાબત માં પણ સ્વનિર્ભર બનતા એણે એના મા- બાપ સાથે સંબંધ રાખવો યોગ્ય નહિ જણાયુ હોય.

"સંદિપ નો કોઈ ફોન આવ્યો આજે?" ઘરમાં જતા જ જશુભાઈને કમલા બેન નો આ પ્રશ્ન હરરોજ સાપની જેમ વિંટળાઈ જતો અને જશુભાઈ "ના" માં જવાબ આપે એના પહેલા કમલાબેન મનને સમાધાન આપી જવાબ આપી દેતા કે " બિચારો ભણવામાં લાગેલો હશે સમય નહિ હોય, જ્યારે સમય મળશે એ કરશે ફોન જરુર."

સમય જતાં ક્યા વાર લાગે છે સંદિપ ના ઘર છોડે આજે ૯ વર્ષ થઈ ગયા હતા ,વચ્ચે વચ્ચે એકાદ બે વાર ફોન આવ્યો હશે એ પણ પોતે જીવે છે એવુ આશ્વાસન આપવા કરતો હોય એવુ લાગતું.

સંદિપ ના મા-બાપ એમના તેજસ્વી પુત્ર ની હરરોજ રાહ જુએ છે.

"સંદિપ શું કરતો હશે? ક્યાં રહેતો હશે? એને નોકરી તો મળી હશે ને?" આવા બધા સવાલોની વણઝાર કમલાબેન જશુભાઈ પર રોજ કરતા પણ જશુભાઈ ને કમલાબેન ની વાત બદલવા સિવાય કોઈ રસ્તો નહોતો.

" કમલા મને કાલે વહેલો ઊઠાડજે કાલે મારે વહેલા માળી પાસે જવાનુ છે ફૂલો લેવા" પથારી પર પોતાનુ ઓશિકું સરખુ કરતા કરતા જશુભાઈ કમલા બેન ને કહે છે.

" ફૂલો લેવા? કેમ કોણ આવાનું છે? મારો સંદિપ આવાનો છે" પથારી માંથી સફાળે ઊઠી કમલા બેન પૂછે છે.

" ના કાલે અમારી સ્કૂલ માં ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ નો સન્માન સમારંભ છે એના માટે મારે પૂષ્પગૂચ્છ લેવા જવાનુ છે"

"તો સંદિપ તો આવશે જ ને એ તો તમારી સ્કૂલ નો સૌથી વધુ તેજસ્વી વિધ્યાર્થી હતો" કમલા બેન ના આંખો માં અચાનક આશા જન્મે છે.

"અરે ના !! કેવી ગાંડી વાતો કરે છે જો સંદિપ આવવાનો હોય તો એ આપણ ને જાણ કર્યા વગર રહે?? "કમલા બેન ના ખભા ઉપર હાથ મૂકતા જશુભાઈ કહે છે.

"તો શું સ્કૂલવાળાઓ એ આપણા સંદિપ ને આમંત્રણ નહિ આપ્યુ હોય?"આશા ભરેલી આંખો માં ફરી પાછી ગમગીની છવાયી જાય છે.

થોડીક વાર આમ પથારી માં પડ્યા પડ્યા સંદિપ ના બાળપણ ના દિવસો વાગોળતા વાગોળતા અચાનક કમલા બેન બબડી ઊઠે છે " જો જો તમે કાલે સંદિપ આવશે અને સાંજે તમે જ એને ઘરે લઈને આવશો, મારો અંતરઆત્મા આવુ કહે છે મને."

છેલ્લા દસ વર્ષ માં આવો સત્કાર સમારંભ યોજયો નહિ હોય એવા ઊમળકા સાથે આ સત્કાર સમારંભ યોજાયી રહ્યો હતો. આખુ ઓડિટોરીયમ વિધ્યાર્થીઓ થી ખચાખચ હતુંં. સ્ટેજ પર ૬ ખુરશી ગોઠવીયેલી હતી.

ઓડિટોરીયમ ની પહેલી હરોળ સ્કૂલ ના શિક્ષકો માટે આરક્ષિત હતી.ફંક્શન ચાલુ થવામાં એકાદ કલાક ની વાર હતી.

" જશુભાઈ મહેમાન આવી ગયા છે હું એમને આવકારવા જાઉં છું તમે રસોઈ ની તૈયારીઓ જોતા આવો, કોઈજ કચાશ ના રહેવી જોઈએ" પ્રિન્સિપાલ ઊતાવળા પગલે જશુભાઈ ને કહીને નીકળી જાય છે.

"જશુભાઈ તમને સ્ટેજ પર પ્રિન્સિપાલ સાહેબ બોલાવે છે.પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે" દોડતો એક વિધ્યાર્થી જશુભાઈ ને રસોડા માં બોલાવા આવે છે.

પ્રોગ્રામ ચાલુ થયે લગભગ પંદર મિનિટ થઈ ગઈ હતી.

મુખ્ય મહેમાનો નું સ્વાગત સત્કાર ચાલુ થઈ ગયો હતો.

" જશુભાઈ ક્યાં જતા રહ્યા હતા, જાઓ સ્ટેજ પર પૂષ્પગૂચ્છ લઈને પ્રિન્સિપાલ તમને બોલાવે છે"સ્ટેજ ની નીચે ઉભેલા એક પટાવાળા એ જશુભાઈ ને ઝડપ કરવાનું કહે છે.

જશુભાઈ સ્ટેજ ની પાછળથી પુષ્પગૂચ્છ લઈ સ્ટેજ ના ખૂણા પર અનાઉંસમેંટ ની રાહ જોઈને ઊભા રહે છે.

પોડિયમમાંથી અનાઉંસમેંટ થાય છે. " વિધ્યાર્થીઓ તાળીઓના ગડગડાટ સાથે આપણે આપણી વચ્ચે જ ભણેલા આપણા ભૂતપૂર્વ વિધ્યાર્થી સંદિપ રાણા ને વધાવી લઈકે જેઓ આ શાળા માં ભણ્યા અને દેશ ની અધરા માં અઘરી પરીક્ષા યુ.પી.એસ.સી પાસ કરી આજે કલેકટર નુ પદ શોભાવી રહ્યા છે."

સંદિપ રાણા નું નામ સાંભળતા જ જશુભાઈ સ્તબ્ધ બની જાય છે.આટલા વર્ષ પછી પુત્ર ને મળવાની ઝંખના એમના રોમે રોમ માં વ્યાપી જાય છે. પોતાનો પુત્ર એમને જોઈને શુ પ્રતિભાવ આપશે એ કલ્પના માત્ર થી જશુભાઈ અસ્તવ્યસ્ત થઈ જાય છે. જે પુત્ર નાનો હતો ત્યાર થી એમના આ બાપ ને અને એની નોકરી ને નફરત કરતો હતો એ આજે અહિંયા કલેક્ટર બનીને આવ્યો છે. મારે જ એના માન ખાતર અહિંયા થી નીકળી જવુ જોઈએ. આ બધા વિચારો માં દટાયેલા જશુભાઈ સ્ટેજ ના ખૂણા પર મૂર્તિ બનીને ઊભા હતા ત્યાં જ કલેક્ટર સંદિપ રાણા નું સ્વાગત કરવા ઊભા થયેલા પ્રિન્સિપાલ જશુભાઈ ને તાલી પાડી વિચારો માંથી પાછા ખેંચે છે.

આખો ઓડિટોરીયમ તાલીઓના ગડગડાટ થી ગૂંજી ઊઠે છે.પણ જશુભાઈ ના અંતરમન માં શૂન્યતા વ્યાપી ગયી હોય એમ નીચા માથે એ પ્રિન્સિપાલ ને પૂષ્પગૂચ્છ આપવા આગળ આવ્યા.

સંદિપ ની નજર સ્ટેજ ની સામે હોવાથી એ જશુભાઈને જોઈ શકયો ન હતો, કાંપતા હાથે જશુભાઈ એ પૂષ્પગૂચ્છ પ્રિન્સિપાલ ને આપ્યું ત્યારે પ્રિન્સિપાલ જશુભાઈ ને સંદિપ ની સામે ઈશારો કરતા કહે છે " જશુભાઈ આોળખો છો આમને? આ આપણો ભૂતપૂર્વ વિધ્યાર્થી, આજે કલેક્ટર છે"

જશુભાઈ નું નામ સાંભળતા જ સંદિપ ને છાતી માં ફાળ પડી અને એ નીચું માથુ રાખેલા પૂષ્પગૂચ્છ લઈ આવેલા એ વ્યક્તિ નું મોઢુ જોઈ સંદિપ ને પગે પરસેવો વળી ગયો.પણ તરત એણે પોતાની જાતને સંભાળી પોતાના બાપુજી તરફ થી ધ્યાન હટાવી પ્રિન્સિપાલ સાથે હાથ મિલાવી લોકોનુ અભિવાદન ઝીલી પોતાની જગ્યાએ બેસી ગયો.

આટ આટલા વર્ષો પછી એમનો દિકરો સામે હતો,આજે એમને એમના દિકરા ની ઊપલબ્ધિ પર ગર્વ હતો, જશુભાઈ એમના દિકરા ને ગળે મળી અભિનંદન આપવા માંગતા હતા પણ જશુભાઈ ને સંદિપ તરફ થી મળેલી અવગણના એટલી મજબૂત થઈ ગયી હતી કે જશુભાઈ ને એમની પિતૃત્વ ભાવના દબાવી દેવું જ યોગ્ય લાગ્યું.

સ્ટેજ ની પાછળ બેઠા બેઠા જશુભાઈ એમના દિકરા નું પ્રવચન સાંભળી રહ્યા હતા. એમને મનોમન આશા હતી કે ભલે સંદિપ એના મા-બાપ ને દુનિયા સમક્ષ લાવવામાં શરમ અનુભવતો હશે પણ એ એની સફળતા નું થોડુ ઘણુ શ્રેય એના મા -બાપ ને આપશે જ.પણ હંમેશા ની જેમ સંદિપે પોતાની સફળતા પાછળ એની આવડત ના જ ગુણગાન ગાયા.

પ્રોગામ નું સમાપન થયુ. બધા નીકળી ગયા પછી જશુભાઈ ઘરે જવા નીકળ્યા.સંદિપ નું રાત નુ જમવાનુ આમંત્રણ સ્કૂલ ના ટ્રસ્ટી ને ત્યાં હતુ.

જશુભાઈ ના સાઈકલ ના અવાજ થી તરત જ કમલાબેને ઘરનુ બારણું જશુભાઈ ની સાથે સંદિપ પણ આવ્યો હશે એ આશા થી ખોલ્યું

"સંદિપ ના આવ્યો? એને આમંત્રણ કેમ નહોતુ મોકલ્યુ તમારા સ્કૂલવાળાઓએ?" જશુભાઈ ની આંખો માં આંખો પૂરાવી કમલા બેને પ્રશ્નો પૂછવા માંડ્યા.

" ના નહોતો અાવ્યો" જશુભાઈ કમલાબેન ની નજર છૂપાવતા છૂપાવતા ઘરમાં ગયા.

"પણ એક સારા સમાચાર છે સંદિપ નો ફોન આવ્યો હતો આપણો સંદિપ કલેક્ટર બની ગયો છે એણે તારા ખબરઅંતર પૂછ્યા હતા" પહેલી વાર કમલાબેન આગળ જુઠ્ઠુ બોલતા જશુભાઈ કહે છે.

" સાચે ?? આપણો સંદિપ કલેક્ટર બની ગયો? એ ક્યારે આવાનો છે? તમે એને પૂછ્યું? " પ્રશ્નો પૂછતા પૂછતા કમલાબેન ને હાંફ ચડી જાય છે.

"હા કમલા તારા ભોગ નો બહુ માટો ફાળો છે એની સફળતા માં, પણ કમલા એ હવે બહુ વ્યસ્ત રહે છે એટલે નહિ આવી શકે ઘરે" પોતાનો ખાખી શર્ટ ટીંગાળતા જશુભાઈ કહે છે.

" હાસ્તો !!! હવે એને સમય ના જ હોય ને મારો દિકરો કલેક્ટર જો બન્યો છે." કમલા બેન ની આંખો માં સપના સેવાવા માંડ્યા.

" આવા શુભ સમાચાર નુ સ્વાગત આપણે મોઢું મીઠુ કરીને કરવુ જોઈએ. હું આજે રાતે જમવામાં સંદિપ નો મનપસંદ સોજી નો શીરો બનાવીશ."

સાંજ પડે છે.

જેવો જશુભાઈ શીરા નો કોળીયો ભરે છે કે તરત એમની શેરી આગળતી સાઈરન વગાડતી બે-ત્રણ ગાડીઓ નીકળે છે. કલેક્ટર સંદિપ નો કાફલો ત્યાંથી નીકળે છે.જશુભાઈના હાથમાંથી શીરા નો કોળીયો થાળી માં પડી જાય છે.અને સાથે આંખ માંથી એક આંસુ પણ થાળી માં સરકી જાય છે.

"આપણો સંદિપ પણ આવી સાઈરન વાળી ગાડી માં ફરતો હશે હે ને? " પોતાના પુત્ર ની સફળતા ની ખુશીમાં કમલાબેન જશુભાઈ ના આંસુ નથી જોઈ શકતા.

"હં......" ભરાયેલા હ્દયે નીચું જોયી જશુભાઈ હુંકારો આપે છે......

- સચીન મોદી