સૌમિત્ર - કડી ૨ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌમિત્ર - કડી ૨

સૌમિત્ર

પ્રકરણ - ૨

સિદ્ધાર્થ છાયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સૌમિત્ર : પ્રકરણ - ૨

“ઈ તો મેં હમણાંજ કીધું ભૂરાને કે ભૂમિ મેડમ પણ આયવા પણ જીરીક મોડા પઈડા...પાંચ’ક મિનીટ એમ્મ...” હિતુદાને તરતજ પરીસ્થિતિ સંભાળી લીધી.

“હા જોવો ને? આજે ખબર નહીં પણ મને બસ જ ન મળી. બધીજ બસો ભરેલી. મણીનગર ચાર રસ્તાથી છેક બસ સ્ટેન્ડ ગઈ ત્યારે મળી. ચાર રસ્તે તો કોઈ બસ ઉભી જ નહોતી રહેતીને?” ભૂમિએ પોતાનું મોડા આવવાનું કારણ ફરીથી જણાવ્યું.

“તે મણીનગરનું જણેજણ આપણા સોમિતરભાયનું ભાસણ હાંભરવા આવતા હઈસે.” હિતુદાને પોતાની કોમેન્ટ્રી ચાલુ રાખી. સૌમિત્રને શાંતિ તો થઈ પણ હિતુદાન હવે સહેજ વધારે પડતું બોલી રહ્યો છે એવું તેને સતત લાગી રહ્યું હતું, કારણકે હવે ભૂમિ અને હિતુદાન વાતો કરી રહ્યા હતા, સૌમિત્રને તો પોતાને ભૂમિ સાથે વાત કરવી હતી.

“આજે રામમંદિરના ઈશ્યુ પર હિંદુ જાગરણ સભાનો કોઈ પ્રોગ્રામ છે, સરદાર પટેલ સ્ટેડિયમમાં એટલે બધીજ બસો ભરેલી જાય છે.” વ્રજેશે હવે મુદ્દાની વાત કરી અને સૌમિત્રને એ ગમ્યું.

“હમમ.. મને ખબર હોત તો હું ઘરેથી નીકળીજ ન હોત ને?” ભૂમિ વ્રજેશની વાત સાંભળીને આપોઆપ બોલી પડી.

“સોમિતરના ભાસણમાં તમે નો આવો એમ હાલે કાંય? સોમિતરને કેવું લાગે હે?” હિતુદાને હસતાંહસતાં સૌમિત્રની સામે જોયું, પણ સૌમિત્ર ડઘાઈ ગયો.

હિતુદાનનો આશય તો સારો જ હતો, કે એ ભૂમિ અને સૌમિત્રને વધુ નજીક લાવે, પણ આમ કરવામાં એ બધું બાફી રહ્યો હતો એનો એને ખ્યાલ નહોતો. સૌમિત્રને પણ પરિસ્થિતિ કાબુ બહાર જઈ શકે છે એની ખબર પડી ગઈ હતી, પરંતુ તે ભૂમિની તેની સામેની હાજરીથી જ એટલો બઘવાઈ ગયો હતો કે તે આ સ્થિતિને કાબુમાં કેમ કરે એનો તેને ખ્યાલ આવી રહ્યો ન હતો.

“એટલે?” ભૂમિએ ફરીથી આશ્ચર્ય વ્યક્ત કર્યું અને તેની મોટી મોટી આંખો વધુ મોટી થઈ ગઈ.

“આપણે બધા ફ્રેન્ડસ છીએ ને? એટલે આપણામાંથી કોઈ એક ઓછું હોય તો એ મીસ થાય એટલે...” વ્રજેશે ફરીથી વાતને વણસતા રોકી અને સૌમિત્રને હાશકારો થયો.

ભૂમિની નજર ચૂકવીને વ્રજેશે પોતાના હોઠ ઉપર આંગળી મુકીને હિતુદાનને હવે ચૂપ રહેવાનું કહી દીધું.

“હા એ બરોબર હોં? આવતે વર્ષે હું ટાઈમસર આવી જઈશ.” ભૂમિએ પોતાની આંખો નચાવતા અને હસીને કહ્યું.

“થેન્ક્સ!” સૌમિત્ર ફક્ત આટલુંજ બોલ્યો, પરંતુ એને ખબર નહોતી કે એણે ભૂમિને આવતે વર્ષે એ સમયસર આવશે એના માટે થેન્ક્સ કીધા કે પછી હિતુદાને ભૂમિની વાતનું કોઈ રિએક્શન ન આપ્યું એના!

“ચાલો હું તમને મારી ફ્રેન્ડસની ઓળખાણ કરાવું.” ભૂમિ તેના ડાબે-જમણે ઉભી રહેલી બે છોકરીઓ તરફ વળી.

ભૂમિનું આમ કહેતાં જ સૌમિત્ર, વ્રજેશ અને હિતુદાનનું ધ્યાન એ બે છોકરીઓ તરફ ગયું. અત્યારસુધી જાણેકે એ બંનેનું કોઈ અસ્તિત્વજ ન હોય એમ એ ત્રણેય ઉપરાંત ભૂમિ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.

“આ પૂર્વી છે. વ્રજેશ કદાચ એને ઓળખતા હશે કારણકે એનું મેઈન ઈંગ્લીશ જ છે અને આ સંગીતા છે, એ મારી સાથેજ મેઈન ઈકોમાં છે. હું અને સંગીતા સ્કૂલથી સાથેજ છીએ, અમે એકબીજાના ફાસ્ટ ફ્રેન્ડસ છીએ, યુ નો?” ભૂમિએ પોતાની બંને સખીઓની ઓળખાણ કરાવી.

પૂર્વીને વ્રજેશ ઓળખતો હશે એવું ભૂમિ જ્યારે બોલી ત્યારે વ્રજેશે ફક્ત હકારમાં ડોકું હલાવ્યું હતું. ભૂમિની ખાસ સખી સંગીતાએ પોતાની હેરસ્ટાઈલ છોકરાઓ જેવી જ રાખી હતી. વચ્ચેથી સેંથી અને કાન કાંય એમ. એટલુંજ નહીં સૌમિત્રએ નોટિસ કર્યું હતું કે સંગીતા કાયમ છોકરાઓ જેવા જ કપડાં એટલેકે પેન્ટ-શર્ટ કે પછી પેન્ટ, ટી-શર્ટજ પહેરીને આવે છે. એ અને ભૂમિ બંને કાયમ સાથેને સાથે જ હોય છે. કમ્પલસરી ઈંગ્લીશમાં પણ બંને એકજ બેંચ પર સાથે બેસે અને કેન્ટીનમાં પણ બંને સાથેજ જાય. ખાલી કોલેજથી છૂટીને બસ સ્ટેન્ડ પર બંને ભેગી જાય અને પછી બંને અલગઅલગ બસોમાં જતી રહે.

બંને અલગઅલગ બસોમાં જાય છે એની સૌમિત્રને એટલે ખબર હતી કારણકે એ પણ રોજ ભૂમિ અને સંગીતા જ્યારે કોલેજથી છૂટીને ઘેર જાય ત્યારે રોજ તેમની પાછળ પાછળ જાય અને જ્યારે ભૂમિ પોતાની બસમાં ઘેરે જતી રહે ત્યારેજ સૌમિત્ર પોતાની બસ પકડતો.

ખબર નહીં પણ કેમ? સૌમિત્રને એવો અજાણ્‌યો ભય અત્યારથીજ લાગી ગયો હતો કે સંગીતા તેના અને ભૂમિના આવનારા સંબંધ માટે સારી વ્યક્તિ નથી અને ભવિષ્યમાં એ તેને નડી શકે એમ છે. આજે જ્યારે ભૂમિએ સૌમિત્રને એમ કીધું પણ ખરૂં કે પૂર્વીની સાથેસાથે સંગીતા પણ તેની સ્પીચથી ઈમ્પ્રેસ થઈ છે, તો પણ સૌમિત્રના મનમાંથી આ ભય નીકળી જવાનું નામ નહોતો લેતો.

==ઃઃ==

“શું વાત છે, સૌમિત્ર? તમે આ રસ્તે?” રોજની જેમ આજે પણ કોલેજ પૂરી થયા બાદ યુનિવર્સીટી બસ સ્ટેન્ડ તરફ જઈ રહેલી ભૂમિનો પીછો કરી રહેલા સૌમિત્રને આજે ભૂમિએ પકડી પાડયો.

“અમ્મ્મ..હા મારે પણ ત્યાંથી જ બસ પકડવાની ને? ત્રણસો નંબર.” સૌમિત્રએ આ વખતે સ્વસ્થતા ન ગુમાવી.

સૌમિત્ર આમ પણ હવે ભૂમિને જોઈને કે તેની સાથે વાત કરવાથી શરમાતો કે ગભરાતો ન હતો. ડિબેટમાં તેને મળેલી અભૂતપૂર્વ જીતે સૌમિત્ર વિષે ભૂમિનો આખો વિચારજ બદલી નાખ્યો હતો. હવે તેઓ કોલેજમાં કે કોલેજની બહાર આવેલા ગાર્ડનમાં કે પછી કેન્ટિનમાં પણ ભટકાઈ જાય તો એકબીજા સાથે બે મિનીટ વાતો તો જરૂરથી કરી લેતા. પરંતુ સૌમિત્રની રોજની તેની પાછળ પાછળ આવવાની પ્રવૃત્તિની ભૂમિને લગભગ કોલેજનું આ પહેલું વર્ષ પૂરૂં થવા આવ્યું ત્યારે ખબર પડી.

“ઓહ ઓકે, પણ તમે તો રોજ મોડા ઘરે જતા હશોને? વ્રજેશભાઈ અને ગવીભાઈ સાથે વાતો પતાવીને?” ભૂમિએ સૌમિત્રના રોજ તેનો પીછો કરવા બાબતનું અજ્જ્ઞાન જાહેર કર્યું અને સૌમિત્રને પણ હાશ થઈ કે તેને પોતાનો પીછો કરતા ભૂમિએ કોઈ દિવસ જોયો નથી.

‘ના ના હું તો કોલેજ પતે એટલે સીધો ઘેર જ. એ લોકો પણ છેક ગાંધીનગરથી આવે એટલે બને તેટલી વહેલી બસ લઈ લે. મને પાછી ભૂખ પણ ખુબ લાગે!” સૌમિત્ર હવે નિશ્ચિંત થઈ ગયો હતો એટલે એણે હસતાંહસતાં કહ્યું.

“ઓહો, તો પછી કેન્ટિનમાં કશું ખાઈ લેતા હોવ તો?” હવે ભૂમિ અને સૌમિત્ર લગભગ સાથેસાથે ચાલી રહ્યા હતા અને સંગીતા ભૂમિની બીજી તરફ સહેજ દૂર ચાલી રહી હતી અને સૌમિત્રને એ જોઈને શાંતિ થતી હતી.

“પંદર વીસ મિનિટમાં શું ખવાય? નોર્મલી મારે રોજ રિસેસ પછી લેક્ચર હોય જ છે એટલે પછી એ ઉતાવળમાં ન ફાવે. હા કોઈવાર નસીબજોગે રિસેસ પછી જો કોઈ પ્રોફેસર ન આવ્યા હોય અને ફ્રી લેક્ચર હોય તો અમે ત્રણેય કઈક ખાઈ લઈએ.” સૌમિત્રએ આત્મવિશ્વાસ દેખાડયો.

“હમમ.. એ પણ બરાબર છે. તમે ત્રણ તો પાછા ડાહ્યા અને હોશિયાર સ્ટુડન્ટ્‌સ છો એટલે અમારી જેમ લેક્ચર્સ બંક પણ ન કરો ને?” ભૂમિના મોા પર તોફાની સ્મિત હતું અને એને જોઈને સૌમિત્રનું હ્ય્દય એક ધબકારો વધુ ધબકી ગયું.

ભૂમિ તેના અને તેના જીગરી મિત્રો વિષે આવો ઉંચો અભિપ્રાય ધરાવે છે એ જાણીને સૌમિત્રને ખુબ આનંદ થયો. જો કે તેણે ભૂમિને એમ કહેવાની મૂર્ખતા ન કરી કે મન થાય તો એ ત્રણે મિત્રો પણ ઘણીવાર લેક્ચર્સ બંક કરી ચૂક્યા છે. અત્યારે પોતાની ઈમેજ જે ભૂમિના દિલમાં બની ગઈ હતી તેને કોઈપણ આંચ આવે તે સૌમિત્રને જરાય પોસાય તેવું ન હતું.

વાતો કરતાં કરતાં પાંચેક મિનિટમાં તો બસ સ્ટેન્ડ પણ આવી ગયું અને બંનેની બસો સામસામે આવેલા સ્ટેન્ડ પરથી ઉપડતી હોવાથી સૌમિત્ર અને ભૂમિ છુટા પડયા. કાયમની જેમ સૌમિત્ર દૂરથી ભૂમિને તેના સ્ટેન્ડ પર પોતાની બસ આવવાની રાહ જોતી જોઈ રહ્યો. ભૂમિ અને સંગીતા એકબીજા સાથે હસી હસીને વાતો કરતા હતા પણ સૌમિત્ર માત્ર ભૂમિને જ જોઈ રહ્યો હતો. ત્યાંજ ભૂમિની સાઈઠ નંબરની બસ આવી જતા ભૂમિ તેમાં બેસી ગઈ અને સંગીતા પોતાની બસની રાહ જોતી ઉભી રહી. અત્યારસુધી ભૂમિને સતત નીરખવા માટે બે બસ જતી કરનાર સૌમિત્રને સંગીતાને જોવામાં કોઈજ રસ નહોતો એટલે તે તરતજ આવેલી તેની ૩૦૦ નંબરની બસમાં બેસી ગયો.

==ઃઃ==

હવે સૌમિત્ર અને ભૂમિ અઠવાડિયામાં બે-ત્રણ વાર કોલેજ પત્યા પછી વાતો કરતા કરતા બસ સ્ટેન્ડ જતા. આ સમગ્ર સમય દરમ્યાન સંગીતા મૂંગીજ રહેતી, પણ સૌમિત્રને એ તોયે આંખમાં ખટકતી. સંગીતાની હાજરીજ આમતો સૌમિત્રને નહોતી ગમતી. આવી ફિલિંગ થવા પાછળ સૌમિત્ર પાસે કોઈ યોગ્ય કારણ પણ નહોતું, પણ તોયે તેને સંગીતા નહોતી જ ગમતી.

૧૯૯૨નો માર્ચ મહિનો અડધો પૂરો થઈ ગયો હતો અને આ વર્ષ માટેનું કોલેજનું છેલ્લું અઠવાડિયું આજે શરૂ થયું હતું. સૌમિત્ર આ અઠવાડિયામાં ભૂમિને પોતાના દિલની વાત કહી દે એવું દબાણ વ્રજેશ અને હિતુદાન સૌમિત્ર પર કરી રહ્યા હતા. પણ સૌમિત્ર એમ કહીને ટાળી દેતો કે જો ભૂમિ ના પાડશે તો તેને અને પોતાને બંનેને કદાચ પરિક્ષામાં એ વાત માનસિકરીતે નડી શકે છે. પણ હા સૌમિત્ર આ એક અઠવાડિયું ભૂમિને મનભરીને જોઈ લેવા માંગતો હતો અને તેની સાથે વાતો કરી લેવા જરૂર માંગતો હતો, કારણકે પછી તે બે અી મહિને તેને મળવાની હતી.

પણ પેલું કહે છે ને કે “સ્ટ્ઠહ ર્િર્જીજ ટ્ઠહઙ્ઘ ર્ખ્તઙ્ઘ ઙ્ઘૈજર્જીજ”? એજ ન્યાયે કોલેજના છેલ્લા અઠવાડિયાના પહેલા જ દિવસે ભૂમિ કોલેજમાં ન દેખાઈ. સૌમિત્ર વિચલિત થયો, પણ એને થયું કે બીજે દિવસે તે તેને મળી લેશે. પરંતુ જ્યારે બીજે દિવસે પણ ભૂમિ ન દેખાઈ એટલે સૌમિત્રની ચિંતા વધી ગઈ. વ્રજેશ અને હિતુદાન તેને સલાહ આપ્યા સીવાય બીજું કશું કરી શકે એમ ન હતા એટલે તેણે પોતેજ રસ્તા વિચાર્યા અને છેવટે સૌમિત્રને પોતાને ન ગમતી ક્રિયા જ કરવી પડી...

બીજા દિવસે કોલેજ પત્યા પછી બસ સ્ટેન્ડ તરફ જતા તેણે સંગીતાને ભૂમિ વિષે પૂછવાનું નક્કી કર્યું. સંગીતા આજે એકલી જ હતી એટલે તે રોજ કરતા સહેજ વધુ ફાસ્ટ ચાલતી હતી. શરીરે સહેજ ભરેલો એવો સૌમિત્ર રીતસર તેની પાછળ દોડી રહ્યો હોય એવું લાગતું હતું.

“એક્સક્યુઝ મી...” અડધોઅડધ હાંફી રહેલા સૌમિત્રએ સંગીતાને પાછળથી બોલાવી.

જવાબમાં સંગીતાએ પાછળ જોયું પણ તે કશું બોલી નહીં, કદાચ તેને સૌમિત્રના આવનારા સવાલ વિષે ખબર હતી.

“ભૂ..ભૂમિ નથી દેખાતા બે-ત્રણ દિવસથી?” સૌમિત્ર થોડોક શ્વાસ લેતો બોલ્યો.

“બે દિવસથી..” સંગીતાએ સૌમિત્રની ભૂલ થોડા રૂક્ષ અને સપાટ અવાજમાં સુધારી.

“હા એમજ...” સૌમિત્ર બોલ્યો.

“મે મહિનામાં ભૂમિની મોટી બેનના મેરેજ છે, એટલે એ એની બેન અને મમ્મી જોડે બે દિવસ શોપિંગમાં બિઝી છે, કાલે આઈ જશે.” સંગીતાએ પોતાના ચહેરાના કે પછી પોતાના શબ્દોના હાવભાવ બદલ્યા વિનાજ જવાબ આપ્યો અને જાણેકે સૌમિત્રને હવે કશુંજ કહેવાનું કે પૂછવાનું નથી એમ માનીને ચાલવા લાગી.

બસ! સૌમિત્રને આ કારણોસરજ સંગીતાની બીક લાગતી હતી કે તે ભવિષ્યમાં તેના અને ભૂમિ કોઈ સંબંધ બંધાશે તો વચ્ચે આવી શકે તેમ છે કારણકે તે રૂક્ષ હતી અને આજે તેની આ બીક જાણેકે કન્ફર્મ થઈ ગઈ હોય એવું તેને લાગ્યું.

==ઃઃ==

“હાઈ!” ફર્સ્ટ યરના છેલ્લા અઠવાડિયાના ત્રીજા દિવસે રિસેસ દરમ્યાન જ્યારે સૌમિત્ર કોલેજના ફર્સ્ટ ફ્લોર પર આવેલા લેડિઝ રૂમની આસપાસ ભૂમિની ભાળ મેળવવા આંટા મારી રહ્યો હતો અને ત્યારેજ ભૂમિએ તેને પાછળથી હાઈ કર્યું.

“ઓહ હાઈ! કેમ છો? ક્યાં હતા બે દિવસથી?” સૌમિત્રના ચહેરા પર આનંદ છવાઈ ગયો અને ભૂમિને જોઈને તેનું હ્ય્દય ફરીથી ફાસ્ટ ચાલવા લાગ્યું.

“અરે, મારી બેનના મેરેજ છે મે મહિનામાં એટલે એની થોડી દોડાદોડી છે. કાલે અમે શોપિંગમાં ગયા હતા, ાલગરવાડ અને માણેકચોકને બધે. ખુબ બધી સાડીઓ લીધી અને ડરેસ પણ. સંગીતાએ તમને કીધું હતુંને કાલે?” ભૂમિએ સૌમિત્રને પોતાનું બે દિવસ ગેરહાજર રહેવાનું કારણ તો આપ્યું જ પણ સાથે સાથે તેને સંગીતાની વાત કરીને કોર્નર પણ કર્યો કે તેને ખબર હતી કે પોતે કેમ નથી આવી તોપણ સૌમિત્રએ તેનું ન આવવાનું કારણ કેમ પૂછ્‌યું?

“હા..હા..કીધું હતું ને? પણ આ તો તમને અચાનક જોયા એટલે અચાનકજ પૂછી લીધું. પણ મે મહિનામાં મેરેજ છે તો અત્યારથી તૈયારી?” સૌમિત્રએ ભૂમિનું ધ્યાન વાળવા બીજો સવાલ પૂછ્‌યો.

“હા, યાર પછી માર્ચ એન્ડમાં આપણી એક્ઝામ હશે એટલે મમ્મી-પપ્પાએ કીધું કે અત્યારે બે દિવસ રજા રાખી લે પછી તું પછી બિઝી થઈ જઈશ.” ભૂમિએ પોતાના પ્રશ્નનો જવાબ તેને યાર કહીને આપ્યો એ સૌમિત્રને ખુબ ગમ્યું.

“હા એ તો બરોબર જ છે. મને એમ હતું કે તમે ક્યાંક બિમાર ન પડયા હોવ એટલે..” સૌમિત્રએ સંગીતાને ભૂમિ વિષે પૂછવાનું કારણ તો કહ્યું પરતું તેણે બાકીનું વાક્ય પૂરૂં ન કર્યું, જાણીજોઈને.

“ના ના આપણને કશું ના થાય. અરે! તમને મોડું નથી થતું ને? લેક્ચર નથી ને? મારે તમારૂં થોડુંક કામ છે.” ભૂમિએ સૌમિત્રને આમ કહેતાંજ સૌમિત્ર એકદમ ખુશ થઈ ગયો કે ભૂમિને તેનું કોઈક કામ પડયું.

“અરે ના આજે પયિાર સર નથી આવ્યા એટલે નેક્સ્ટ લેક્ચર ફ્રી જ છે, બોલોને?” સૌમિત્ર ખોટું બોલ્યો કે એના પ્રોફેસર નથી આવ્યા કારણકે એ ભૂમિનું કોઈ કામ કરવા માટે એ વર્ષના છેલ્લા દિવસોમાં અતિ મહત્ત્વના લેક્ચર્સ બંક કરવા પણ તૈયાર હતો.

“ઓકે મારે તમારી કમ્પલસરી ઈંગ્લીશની નોટ્‌સ જોઈએ છીએ, ગઈકાલે લેક્ચર હતુંને? વિભા મેડમે શોર્ટ સ્ટોરીઝ પર નોટ્‌સ લખાવી છે એવી મને ખબર પડી. સંગીતાએ કાલે એ લેક્ચર બંક કર્યું હતું એટલે મને થયું કે તમારી પાસે તો નોટ્‌સ હશે જ કારણકે તમે તો એકપણ લેક્ચર છોડતા જ નથી.” ભૂમિના મોા પર સ્મિત જોઈને અને પોતાના પર આટલોબધો વિશ્વાસ જોઈને સૌમિત્ર વધુ ખુશ થયો.

“અરે લો ને? કેમ નહીં..” એમ કરીને સૌમિત્રએ પોતાની એકમાત્ર ફૂલસ્કેપ નોટબૂક ભૂમિ સામે ધરી દીધી.

“અરે પણ હજીતો બે લેક્ચર્સ બાકી છે ને? તમારે જરૂર પડશે.” ભૂમિએ મુદ્દાની વાત કરી.

“હા પણ પયિાર સર નથી આવ્યા એટલે...” સૌમિત્રને આ તક હવે જવા દેવી ન હતી.

“એ તો ફોર્થ લેક્ચર, પણ લાસ્ટમાં તો જોઈશેજ ને?” ભૂમિએ ફરીથી સૌમિત્રને ન ગમે તેવી વાત કરી.

“હેં? હા.. તો?” સૌમિત્રને જવાબ સુજી રહ્યો ન હતો.

“તો પછી એક કામ કરીએ, રોજની જેમ જ્યારે કોલેજ પતે ત્યારે આપણે સાથે સાથે બસ સ્ટેન્ડ જઈએ ત્યારે આપી દેજો.” ભૂમિએ સૌમિત્રની સમસ્યાનો ઉકેલ શોધી આપ્યો.

“હાઆઆઆઆ .. એ બરોબર છે.” સૌમિત્રનો હાશકારો એની જીભ ઉપર પણ આવી ગયો.

‘હા એ જ બરોબર છે, અને હું કાલે સવારે જ તમને પછી આપી દઈશ ઓકે? તો મળીએ સાડા બારે, પાછળના ગેટ પર ઓકે?” રિસેસ પૂરી થવાનો બેલ વાગતાં જ ભૂમિએ સૌમિત્ર સામે હાથ ધર્યો જે તેણે તરતજ પકડી લીધો.

“પાક્કું, અને તમને કોઈ બીજા પાસેથી નોટ્‌સ મળી જાય તો પણ મને કહ્યા વગર જતા નહીં, હું તમારી રાહ જોઈશ.” સૌમિત્ર બે બાબતો પાકી કરવા માંગતો હતો. એક તો એ કે ભૂમિ તેના સીવાય બીજી કોઈ વ્યક્તિ પાસેથી પણ નોટ્‌સ લેવાનું વિચારે છે કે નહીં અને બીજું એમ કે જો તે કોઈ બીજા પાસેથી નોટ્‌સ લઈ પણ લે તો પણ આજે તે એની સાથેજ બસ સ્ટેન્ડ સુધી વાતો કરતા કરતા આવશે.

“અરે ના ના, હું નોટ્‌સ તો તમારી પાસેથી જ લઈશ.” ભૂમિએ હવે સામેથી સૌમિત્રનો હાથ પકડયો અને એક સ્મિત આપીને પોતાના ક્લાસ તરફ જતી રહી અને સૌમિત્રને હાશ થઈ.

==ઃઃ==

“આના જેવો મોકો કોઈ દી’ નો મરે, હું કિયો વીજે ભાય?” હિતુદાને વ્રજેશને ઉદ્દેશી ને કહ્યું. સૌમિત્રએ તેના બે ખાસ મિત્રોને છેલ્લું લેક્ચર બંક કરાવીને કેન્ટિનમાં બોલાવ્યા અને ભૂમિએ એની નોટ્‌સ મંગાવી છે એની માહિતી આપી.

“ગવીની વાત સાચી છે સૌમિત્ર, આજે થઈ જ જાય.” વ્રજેશે હિતુદાનની વાત સાથે સહમત થતા કહ્યું.

“અરે, મેં તમને આ સારા સમાચાર આપવા અને કટલેસ ખાવા બોલાવ્યા છે તમે ક્યાં પાછું આ પુરાણ ચાલુ કરી દીધું?” સૌમિત્ર ફરીથી ગભરાઈ ગયો. એને લાગ્યું કે ક્યાંક એના આ બે ખાસ મિત્રો આજે તેને ભૂમિને પ્રપોઝલ કરવાનો ફોર્સ ન કરી દે.

“લે?” સૌમિત્રના જવાબમાં હિતુદાન ફક્ત આટલુંજ બોલી શક્યો.

“એક કામ કર, નોટબૂકમાંથી એક કાગળ ફાડી ને આઈ લવ યુ, લખીને એમાં છુપાવી દે. જો એનું ધ્યાન પડયું અને તને એ કાલે ગુસ્સામાં પૂછે તો કહેવાનું કે એ તારૂં નહોતું, સિમ્પલ.” વ્રજેશે સૌમિત્રને આઈડિયા આપ્યો.

સૌમિત્રને વ્રજેશના આઈડિયામાં દમ લાગ્યો. એણે બે-ત્રણ બીજા બહાના પણ વિચારી લીધા. લાગે તો તીર નહીં તો તુક્કો એમ વિચારીને સૌમિત્રએ પોતાની ફૂલસ્કેપ બૂકનું છેલ્લું પાનું ફાડયું અને એના પર ‘આઈ લવ યુ’ લખીને બૂકના શરૂઆતના અમુક પાનાઓ છોડીને વાળીને મૂકી દીધું. છેલ્લે કે વચ્ચે રાખે તો ભૂમિને શંકા જાય એવું હતું કારણકે તેને જોઈતી નોટ્‌સ બૂકના એ હિસ્સામાં જ લખેલી હતી.

કોલેજ પતવાનો બેલ વાગતાંજ વ્રજેશ અને હિતુદાને સૌમિત્રને ઓલ ધ બેસ્ટ કહ્યા અને સૌમિત્ર ભારે હૈયે કોલેજના પાછળના દરવાજે ભૂમિની રાહ જોતા ઉભો રહ્યો. લગભગ પંદરેક મિનીટ પછી ભૂમિ તેને દૂરથી દેખાઈ.

ભૂમિની નજર પણ સૌમિત્રને જ શોધી રહી હતી અને જેવો તેને સૌમિત્ર ગેટ પર દેખાયો કે ભૂમિએ પોતાનો હાથ ઉંચો કર્યો અને હલાવ્યો! સૌમિત્રએ પણ ભૂમિને જોઈને આપો આપ પોતાનો હાથ હલાવ્યો અને તેનું હ્ય્દય હવે જોરજોરથી ધડકવા લાગ્યું. સૌમિત્ર પોતાની નોટની કિનારીએ પોતાની પહેલી આંગળી ફેરવવા લાગ્યો.

“હાઈ! એકદમ ટાઈમ ટુ ટાઈમ હોં કે? કહેવું પડે!” ભૂમિએ સૌમિત્રને સમયસર નક્કી કરેલી જગ્યાએ જોતા તેના વખાણ કર્યા. જવાબમાં સૌમિત્ર ટેન્શનમાં ફિક્કું હસ્યો.

“હા, આપણે વાત થઈ જ હતી એટલે...” સૌમિત્ર જબરદસ્ત ટેન્શન અનુભવી રહ્યો હતો. તેની પાસે ભૂમિ જો તેનો પેલો આઈ લવ યુ લખેલો કાગળ વાંચીને આવતીકાલે ગુસ્સે પણ થાય તો પણ તેને ખાળવા બે-ત્રણ લોજીકલ કારણો હતાં જ પણ તોયે...

“અરે, ક્યાં ગઈ હતી? મેં લેડિઝ રૂમ પાસે દસ મિનીટ રાહ જોઈ તારી... કાવ્યાને પણ પૂછ્‌યું તો એનેય ખબર નહોતી. સૌમિત્રને મેં કહી રાખેલું તને ખબર હતી ને?” સૌમિત્ર અને ભૂમિ હજી આગળ વાત કરે ત્યારેજ સંગીતા આવતા ભૂમિએ તેને રીતસરની વી નાખી.

સૌમિત્રને આ જોઈને ખ્યાલ આવી ગયો અને વિચારવા લાગ્યો કે ભૂમિ જેટલી મજાક મસ્તી કરતી હોય છે એટલી કદાચ ગુસ્સાવાળી પણ છે તો જો તેનો પેલો કાગળ ભૂમિ જોઈ જાય તો તેની શી હાલત થશે અને સંગીતા કેવું રીએક્ટ કરશે?

“એક્સક્યુઝ મી, સૌમિત્ર! અહિંયા જ છો ને?” સૌમિત્રને વિચારોમાં ખોવાઈ ગયેલો જોઈને ભૂમિએ તેના ચહેરા સામે ચપટી વગાડીને પૂછ્‌યું.

સૌમિત્ર જાગી ગયો અને ફિક્કું હસ્યો.

“મને હવે નોટ્‌સ આપશો, એટલે આપણે બસ સ્ટેન્ડ તરફ જઈએ?” ભૂમિ હસી.

“હેં? હા કેમ નહીં...” સૌમિત્રએ પોતાના હાથમાં રહેલી ફૂલ સ્કેપ નોટબૂક ભૂમિ સામે ધરી.

-ઃ પ્રકરણ બે સમાપ્ત :-