Kurbani Kathao Bhag 3 books and stories free download online pdf in Gujarati

Kurbani Kathao Bhag 3

કુરબાનીની કથાઓ

ઝવેરચંદ મેઘાણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.છેલ્લી તાલીમ

૨.ન્યાયાધીશ

૩.નકલી કિલ્લો

૪.પ્રતિનિધિ

૫.નગરલક્ષ્મી

છેલ્લી તાલીમ

જંગલની અંદર સાંજનાં અંધારા ઊતરતાં હતાં. ગુરુ ગોવિંદસિંહ એકલા બેસી રહ્યા હતા. થાકેલ શરીરને પોતાના કિરપાણ ઉપર ટેકવી ગુરુ શો વિચાર કરતા બેઠા હતા ?

ગુરુ વિચારતા હતા પોતાની જીવન-કથાઃ ‘‘જવાનીને સમયે મારી છાતીમાં કેટકેટલા મનોરથો ભરેલા ! આખા ભારતવર્ષને મારી ભુજાઓમાં ઉઠાવી લેવાનું સ્વપ્ન કેટલું સુંદર, ભવ્ય, મોહક ! આજ આ કિરપાણનું પાણી કાં ઊતરી ગયું ? આજ એ ભારતવર્ષને ઓળંગીને મારી ભુજાઓ એવી કઈ મહાન દુનિયાને ભેટવા તલસે છે ? ત્યારે શું આ ભૂલ હતી ! જિંદગાની શું એળે ગઈ !’’

ગુરુના હૈયામાં એ અંધારી સંધ્યાએ એવો સંગ્રામ ચાલી રહેલ છે. ધોળાં ધોળાં નેણો નીચે ઊંડાણમાં ચળકતી એની આંખમાં લગાર પાણી આવ્યાં છે.

બરાબર એ વખતે એક પઠાણ આવીને ઊભો રહ્યો. પઠાણે ઉઘરાણી કરીઃ ‘‘ગુરુ ! આજ મારે દેશ જાઉં છું, તમને જે ઘોડા દીધા છે તેનાં નાણાં ચુકવો.’’

વિચારમાં ગરક બનેલા ગુરુ બોલ્યાઃ ‘‘શેખજી, અત્યારે જરા કામમાં છું. કાલે આવીને નાણાં ખુશીથી લઈ જજો.’’

ગરમ બનીને પઠાણ બોલ્યોઃ ‘‘એ નહિ ચાલે. આજે જ નાણાં જોશો. ઉડામણી ક્યાં સુધી કર્યા કરવી છે ! સાળા શીખો બધા ચોર લાગે છે !’’ આટલું કહીને પઠાણે જોરથી વૃદ્ધ ગુરુનો હાથ પકડ્યો.

પલવારમાં તો ગુરુના મસ્તકમાંથી વૈરાગ્ય નીકળી આવ્યું અને મ્યાનમાંથી કિરપાણ નીકળી આવ્યું. કિરપાણને એક ઝટકે પઠાણનું માથું ભોંય પડ્યું. જમીન લોહીથી તરબોળ બની. પઠાણનું ધડ તરફડતું રહ્યું. ગુરુ મોંમાં આંગળી ઘાલીને ફાટેલી નજરે નિહાળી રહ્યા.

માથું હલાવીને વૃદ્ધ બબડવા લાગ્યાઃ ‘‘આહ ! આજ સમજાયું. મારો સમય પૂરો થયો. પચાસ વરસની પવિત્ર તલવારને લાંછન લાગ્યું. શા કારણે આ રક્તપાત ! પઠાણને તૈયારીનો સમય ન દીધો. રે ! આખરની બંદગી કરવાની એક પલ પણ ન આપી. હાય ! હવે આ હાથ ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો. આ કલંકને તો ધોવું પડશે. આજથી જિંદગીનું એ એક જ છેલ્લું કામ.’’

મરેલા પઠાણનો એક નાનો બેટો હતો. ગુરુએ એને પોતાની પાસે બોલાવી લીધો. રાત-દિવસ પોતાના પેટના બચ્ચાની માફક એને પાળવા લાગ્યા. પોતાની પાસે જેટલી જેટલી શાસ્ત્રવિદ્યા ને શસ્ત્રવિદ્યા હતી તે બધી યે ગુરુએ પોતે જ પઠાણના બાળકને શીખવી દીધી. રોજ સંધ્યાકાળે ને પ્રભાતે વૃદ્ધ ગુરુ એ બાળકની સાથે બાળક બની રમતો રમે છે, પોતે પરાણે પણ બાળકને હસાવે છે, બાળકની નાની બહાદુરી જોઈને એની પીઠ થાબડે છે, બાળક પણ ‘બાપુ બાપુ’ કરતો ગુરુને અવનવી રમતો બતાવતો રહે છે.

ભક્તોએ આવી ગુરુના કાનમાં કહ્યું કે ‘‘આ શું માંડ્યું છે, ગુરુજી ! આ તો વાઘનું બચ્ચું છે, એને ગમે તેટલું પંપાળશો છતાં એનો સ્વભાવ નહિ જાય. અને પછી પસ્તાવો થશે. દુશ્મનને કાં પંપાળો ? વાઘનું બચ્ચું મોટું થશે ત્યારે એના નહોર-નખ બહુ કાતિલ બનશે.’’

હસીને ગુરુ કહેઃ ‘‘વાહ વાહ ! એ તો મારે કરવું જ છે ને ! વાઘના બચ્ચાને વાઘ ન બનાવું તો બીજું શું શીખવું ?’’

જોતજોતામાં તો બાળક ગુરુજીના હાથમાં જવાન બન્યો. ગુરુજીના પડછાયાની જેમ ગુરુજીની પાછળ એ ફરે અને પુત્રની માફક સેવા કરે. રાત- દિવસ જમણા હાથની જેમ ગુરુની પડખે ને પડખે જાગૃત રહે. ગુરુના બધા પુત્રો તો યુદ્ધમાં ગયા છે, પાછા આવ્યા જ નથી. એટલે ગુરુના પુત્રહીન, શૂન્ય હ્ય્દયમાં આ પઠાણ બાળકે પુત્રનું આસન લીધું. એકલા ગુરુજી આ બધું જોઈને મનમાં હસતા.

પઠાણ બચ્ચાએ એક દિવસ આવીને કહ્યું કે ‘‘બાપુ ! આપની કૃપાથી મેં ઘણી ઘણી તાલીમ લીધી. હવે કૃપા કરીને રજા આપો તો રાજ્યના સૈન્યમાં નોકરી મેળવીને મારું તકદીર અજમાવું.’’

જુવાનની પીઠ ઉપર હાથ રાખીને ગુરુ બોલ્યાઃ ‘‘બેટા ! સબૂરી રાખ, હજી તારી બહાદુરીની એક પરીક્ષા બાકી છે.’’

બીજે દિવસે બપોરે પછી ગુરુદેવ એકલા એકલા બહાર નીકળી પડ્યા, પઠાણ બચ્ચાને સાદ કરી કહ્યું કે, ‘‘બેટા, તલવાર લઈને ચાલ મારી સાથે.’’ પઠાણ ચાલ્યો. ગુરુના ભક્તોએ આ જોયું. ભયભીત થઈને બધા બોલ્યા કે ‘‘ગુરુદેવ ! ચાલો, અમે સાથે આવીશું.’’ સહુને ગુરુએ કહી દીધું કે ‘‘ખબરદાર, કોઈ સાથે આવતા નહિ.’’

બન્ને જણા ધીરે ધીરે નદીને કિનારે ચાલ્યા જાય છે. કિનારાની ભેખડમાં, વરસાદની ધારાઓએ જાણે આંગળીઓ ઘસીઘસીને મોટા ચીરા પાડી દીધા છે. કાંઠે મોટાં ઝાડનાં ઝૂંડ જામી પડેલાં છે. સ્ફટિક સરખી ઝગારા કરતી સિંધુ ચૂપચાપ ચાલી જાય છે. કેમ જાણે એ બધી વાતો જાણતી હોય, પણ છુપાવતી હોય !

એક ઠેકાણે પહોંચીને ગુરુને જુવાનને ઈશારો કર્યો. જુવાન થંભો.

સંધ્યાકાળનું છેલ્લું અજવાળું, કોઈ એક પ્રચંડ વડવાંગડાની જેમ પોતાની લાંબી લાંબી છાયારૂપ પાંખો ફફડાવીને જાણે અનંત આકાશમાં ઊડતું ઊડતું પશ્ચિમ દિશાને પેલે પાર ચાલ્યું જતું હતું.

ગુરુએ રેતીની અંદર એક ઠેકાણે આંગળી ચીંધીને કહ્યુંઃ ‘‘મામુદ ! આંહીં ખોદ.’’ મામુદ ખોદવા લાગ્યો. વેળુની અંદરથી એક શિલા નિકળી. શિલા ઉપર લોહીના છાંટા પડેલા તેના ડાઘ મોજુદ હતા.

ગુરુ પૂછે છેઃ ‘‘એ શાનો ડાઘ છે, મામુદ ?’’

‘‘લોહીનાં છાંટા લાગે છે, બાપુ !’’

‘‘પઠાણબચ્ચા ! એ છાંટા તારા પ્યારા બાપાના લોહીના છે. આ ઠેકાણે એક દિવસ મેં એનું માથું ઉડાવેલું, એને સજ્જ થવાનો પણ સમય નહોતો દીધો. એનું કરજ ન ચુકવ્યું, એને બંદગી યે કરવા ન દીધી.’’

પઠાણ બચ્ચો નીચે મોઢે ઊભો રહ્યો. એનું આખું શરીર કંપતું હતું.

ગુરુ બોલ્યાઃ ‘‘રે પઠાણ ! શું જોઈ રહ્યો છે ? બાપનું વેર લેવા તારું ખૂન તલપતું નથી શું ?’’

‘‘બાપુ ! બોલો ના, બોલો ના ! મારાથી નથી રહેવાતું.’’

‘‘ધિક્કાર છે, ભીરુ ! નામર્દ ! પોતાના વહાલા બાપાનો હણનારો આજ જીવતો જવાનો ! એ પઠાણની હડ્ડીઓ આજ પોકાર કરે છે કે વેર લે ! વેર લે !’’

વાઘની માફક હુંકાર કરીને પઠાણ ખુલ્લી તલવારે ગુરુની સામે ઘસ્યો.

ગુરુ તો પથ્થરની કોઈ પ્રતિમાની માફક અચળ બનીને ઊભા રહ્યા. એની આંખોએ એક પલકારો પણ ન કર્યો.

પઠાણની આંખમાંથી લાલ લાલ આગ ઊઠે છે. ગુરુની આંખોમાંથી અમૃત ઝરે છે, ગુરુ હસે છે.

પઠાણ હાર્યો, દીન બની ગયો. ગુરુને ચરણે તલવાર મૂકીને બોલ્યોઃ ‘‘હાય રે, ગુરુદેવ ! આજ શયતાનની સાથે આવી રમત કાં આદરી ! ખુદા જાણે છે કે પિતાનું ખૂન હું ભૂલી ગયો છું. અટાલા દિવસ થયાં તમને જ મેં મારા પિતા, ગુરુ અને બંધુ કરી માન્યા. આજ એ મમતાને મનમાંથી શા માટે ઉખેડું ? ઝનૂનને શા માટે જગાડું ? પ્રભુ તમારાં કદમની ધૂળ હરદમ મારે માથે પહોંચતી રહેજો.’’

આટલું બોલીને પઠાણે દોટ દીધી. એ ઘોર જંગલમાંથી એક શ્વાસે બહાર નીકળી ગયો. પાછળ જોયું નહિ, પલવાર પણ માર્ગમાં અટક્યો નહિ. જંગલ વટાવીને યુવાન ઉઘાડા આસમાન નીચે ઊભો રહ્યો ત્યારે શુક્રનો તારલો ઊંચેથી સ્નેહધારા વરસાવી રહ્યો હતો.

ગુરુ ગોવિંદ એ ઘોર અરણ્યમાં થંભી રહ્યા. એની આંખો આંસુથી ભરાઈ ગઈ. જિંદગીના છેલ્લા પાનાનું બંધન કાપીને આજ તો એને ચાલી નીકળવું હતું. એ ઝંખના અણપૂરી રહી ગઈ.

તે દિવસથી પઠાણ ગુરુદેવથી દૂર ને દૂર રહે છેઃ ગુરુનું પડખું છોડીને પોતાનું બિછાનું બીજા ખંડમાં પાથરે છે. બાપુને જગાડવા પરોઢિયાને વખતે એ કદી એકલો જતો નથી, રાત્રીએ પોતાની પાસે કાંઈ હથિયાર પણ રાખતો નથી, નદીને કિનારે ગુરુની સાથે એકલો શિકારે પણ નથી જતો. ઘણી વાર ગુરુદેવ એને એકાંતમાં બોલાવે છે, પણ પઠાણ આવતો નથી.

બહુ દિવસો વીત્યા. એ વાત તો ભુલાઈ પણ ગઈ હશે. એક દિવસ ગુરુદેવે પઠાણ સાથે શતરંજની રમત આદરી. બપોર થયા. સાંજ પડી. દીવા પેટાયા. પણ બંને જણા શતરંજમાં મશગૂલ છે.

પઠાણ વારે વારે હારે છે, તેમ તેમ એને રમવાનું શૂરાતન ચડે છે. સંધ્યા ગઈ. રાત પડી. જે માણસો ત્યાં હાજર હતા તે બધા પોતાને ઘેર ચાલ્યા ગયા. રાત્રી જામતી ગઈ. ઝન ! ઝન ! અવાજ થવા લાગ્યા. નીચું માથું રાખીને તલ્લીન મને પઠાણ રમી રહ્યો છે.

અચાનક આ શું થયું ? ગુરુદેવે આખી બાજી કાં ઉડાડી મૂકી ? સોગઠું ઉપાડીને પઠાણના કપાળમાં કાં માર્યું ? પઠાણ સ્તબ્ધ બની ગયો.

અટ્ટહાસ કરીને ગુરુ બોલ્યોઃ ‘‘રમ્યાં રમ્યાં, નામર્દ ! પોતાના બાપને હણનારાની સાથે જે બાયલો રમત રમવા બેસે તેની તે કદી જીત થતી હશે ?’’

વીજળી ઝબૂકે તેવી રીતે પઠાણની કમ્મરમાંથી છુરી નીકળી. પઠાણે ગોવિંદસિંહની છાતી એ છુરીથી વીંધી નાખી.

છાતીમાંથી લોહીની ધરાઓ ઊછળે છે અને ગુરુદેવ હસીને પઠાણના માથા પર પોતાનો હાથ મૂકે છે. મરતાં મરતાં ગુરુ બોલે છે.

‘‘બચ્ચા ! આટલી આટલી વિદ્યા ભણ્યા પછી આજ તને ભાન થયું કે અન્યાયનું વેર કેમ લેવાય. બસ, આજ તારી છેલ્લી તાલીમ ખલાસ થઈ. અંતરની દુવા દઈને હું જાઉં છું, ઓ પ્યારા પુત્ર !’’

ન્યાયાધીશ

પૂના નગરની અંદર વીર રઘુનાથરાવ રાજ કરે છે.

સિંહાસન ઉપરથી એક દિવસે રઘુનાથે રાજસભાને હાકલ કરીઃ ‘‘શૂરવીરો ! સજ્જ થાઓ. મૈસૂરના માલેક હૈદરઅલીના ગર્વનો ધ્વંસ કરવો છે. ધરતી પર પાપનો ભાર બહુ વધી ગયો છે.’’

જોતજોતામાં તો એંશી હજાર યોદ્ધાઓએ બખ્તરો સજ્યાં. ગામેગામથી, નગરેનગરથી, જંગલોમાંથી અને પહાડો પરથી પુરુષો ચાલ્યા આવે છેઃ કેમ જાણે શ્રાવણ માસના અખંડ ઝરાઓ વહી આવતા હોય !

આકાશમાં વિજય-પતાકા ઊડે છે, શંખ ફૂંકાય છે અને નગરની રમણીઓ વિદાયના વીર-ગાન ગાય છે. પૂના નગરી ગર્વથી ધણધણી ઊઠી છે.

ગગનમાં ધૂળની આંધી ચડી અને વાવટાઓનું આખું જંગલ જામ્યું. રાતા અશ્વ ઉપર બેસી રઘુનાથ મોખરે ચાલ્યો. એંશી હજારની સેના યુદ્ધે ચડી.

અકસ્માત આ માતેલી સેના કાં થંભી ગઈ ? મહાસાગરમાં મોજાં જાણે કોઈ જળદેવતાની છડી અડકતાં ઊભાં થઈ રહ્યાં ! નગરીના દરવાજાની અંદર આવતાં જ રાજાજી કાં નીચે ઊતર્યાં ? અત્યંત વિનયભર્યે મોઢે એ કોને નમન કરે છે ?

એંશી હજારની મહાસાગર સમી સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઊભો છે. એનું નામ ન્યાયાધીશ રામશાસ્ત્રી. બે બાહુ ઊંચા કરીને રામશાસ્ત્રી કહે છેઃ ‘‘રાજા, તારા અપરાધનો ઈન્સાફ પામ્યા સિવાય તું શહેર બહાર ક્યાં નાસી જાય છે ?’’

વિજયના નાદ બંધ પડ્યા. સમરાંગણની શરણાઈઓ શાંત બની. એંશી હજારની સેના ઊંચે શ્વાસે ઊભી થઈ રહી.

રઘુનાથ બોલ્યાઃ ‘‘હે ન્યાયપિતા ! આજ યવનનો સંહાર કરવા નીકળ્યો છું. આશાભેર અવનિનો ભાર ઉતારવા ચાલ્યો છું. એવે મંગળ સમયે આપ કાં આડા હાથ દઈને ઊભા ?’’

રામશાસ્ત્રીના મોં ઉપર ન્યાયનો સૌમ્ય પ્રતાપ છવાયો. એ બોલ્યાઃ ‘‘રઘુપતિ ! તું રાજા. તારે સહાયે એંશી હજારની સેના, પણ ન્યાયાસન આગળ તો તારે ય મસ્તક નમાવવું પડશે.’’

રાજા માથું વાળીને જવાબ વાળે છેઃ ‘‘સાચું, પ્રભુ ! અપરાધી હોઉં તો દંડ આપો.’’

ન્યાયમૂર્તિ બોલ્યાઃ ‘‘તારા ભત્રીજાનું ખૂન કર્યાનો તારા પર આરોપ છે, રઘુપતિ ! એ અપરાધની તપાસ ન થાય ત્યાં સુધી તું રાજ્યનો બંદીવાન છે. નગર છોડીને તારાથી નીકળાશે નહિં.’’

હસીને રાજાએ જવાબ વાળ્યોઃ ‘‘મહારાજ ! આજ સામ્રાજ્ય સ્થાપવા જાઉં છું તે વેળા એક ક્ષુદ્ર આરોપ મૂકીને મશ્કરી કરો છો ?’’

‘‘મશ્કરી ! સામ્રાજ્ય સ્થાપનારની મશ્કરી હું ન કરું, વિધાતા કરી રહ્યો છે. ઘોર અપરાધ આજે તારે માથે તોળાઈ રહ્યો છે, પ્રજા હાહાકાર કરે છે. પૃથ્વી પર સામ્રાજ્ય સ્થાપવા જતાં તારા આત્માનું સામ્રાજ્ય નથી લૂંટાઈ જતું ને અએ વિચારીને આગળ કદમ ધરજે, પેશ્વા રઘુનાથરાવ !’’

રોષ કરીને રઘુનાથ બોલ્યાઃ ‘‘મહારાજ ! રાજના ચાકર છો એ વાત ભૂલશો મા. જાઓ, આજે રણે ચડતી વેળા ન્યાય વિષેનું ભાષણ સાંભળવાની મને ફુરસદ નથી. જવાબ દેવા હમણાં નહિ આવું. આજ ધરતીનો ભાર ઉતારવા જાઉં છું.’’

રાજાએ અશ્વ ચલાવ્યો. એંશી હજારની સેના ઊપડી. શાસ્ત્રીએ કહ્યુંઃ ‘‘સિધાવો, રાજા સિધાવો ! યુદ્ધ કરો, અવનિના ભાર ઉતારો. એક દિવસે આત્માનો ભાર, પરાભવનો ભાર, અને એ સામ્રાજ્યનો ભાર તમને ચગદી નાખશે. હું પણ હવે ન્યાયાસન પર નહિ બેસું. ઈન્સાફની અદાલતમાં ભલે હવે રાજ-સ્વચ્છંદની રમતો રમાતી.’’

શંખભેરીના નાદ ગાજ્યા. ડંકા વાગ્યા. ધજાઓ ગગને ચડી.

રાજા ધરતીનો ભાર ઉતારવા ગયા. ન્યાયધીશે પણે ન્યાયદંડનો બોજો નીચે ધર્યો. ન્યાયપતિની નિશાનીઓ અંગ પરથી ઉતારી. મહારાષ્ટ્રનો શ્રેષ્ઠ ન્યાયશાસ્ત્રી, રાજાનો પણ રાજાધિરાજ, ઉઘાડે પગે નગર બહાર નીકળીને પોતાના નાના ગામડાની ગરીબ ઝૂંપડીમાં બેસી ગયો.

નકલી કિલ્લો

‘‘બસ ! બુંદીકોટનો કિલ્લો જ્યાં સુધી હું જમીનદોસ્ત કરું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે.’’

એવી આકરી પ્રતિજ્ઞા એક દિવસે ચિતોડના રાણાએ ભરસભામાં કરી દીધી.

પ્રધાનજી બોલ્યાઃ ‘‘અરે અરે, મહારાજ ! આ તે કેવી પ્રતિજ્ઞા તમે લીધી ! બુંદીકોટાનો નાશ શું સહેલો છે ?’’

રાણાજી કહેઃ ‘‘તો પછી મારી પ્રતિજ્ઞાનું પાલન તો સહેલું છે જ ને ! રાજપુત્રનું પણ તો જીવ જતાં સુધી મિથ્યા ન થાય.’’

રાણાજીને ઘડીભરનું તો શૂરાતન આવી ગયું ને સોગંદ લેવાઈ ગયા, પણ ધીમે ધીમે ભૂખતરસથી પેટની પાંસળીઓ તૂટવા લાગી.

રાણાજી પ્રધાનને પૂછે છેઃ ‘‘પ્રધાનજી ! બુંદીનો કિલ્લો આંહીથી કેટલો દૂર ?’’

‘‘મહારાજ ! ત્રણ જોજન દૂર’’ ‘‘એ કિલ્લા ના રક્ષક કોણ ?’’ ‘‘શૂરવીર હાડા રાજપૂતો’’

‘‘હાડા !’’ મહારાજનું મોં ફાટ્યું રહ્યું.

‘‘જી, પ્રભુ ! ચિતોડાધિપતિને એનો ક્યાં અનુભવ નથી ? ખાડા ખસે, મહારાજ ! પણ હાડા નહિ ખસે.’’

‘‘ત્યારે હવે શું કરવું ?’’ રાણાજીને ફિકર થવા લાગી.

મંત્રીના મગજમાં યુક્તિ સૂઝી. એણે કહ્યુંઃ ‘‘મહારાજ ! આપણે તો ગમે તેમ કરીને સોગંદ પાળવા છે ને ? આજ રાતોરાત માણસો રોકીને હું આપણા ગામ બહાર બુંદીનો નકલી કિલ્લો ખડો કરી દઉં, પછી આપ આવીને એને પાડી નાખો, એટલે ઉપવાસ છૂટી જશે.’’

રાણા છાતી ઠોકીને બોલ્યાઃ ‘‘શાબાશ ! બરાબર છે !’’ રાતોરાત કામ ચાલ્યું. પ્રભાતે તો બુંદીનો નકલી કિલ્લો તૈયાર થયો. રાણાજી સૈન્ય લઈને કિલ્લો સર કરવા ઊપડ્યા.

પરંતુ રાણાજીની હજૂરમાં એક હાડો રાજપૂત નોકરી કરતો હતો. એનું નામ કુંભો. જંગલમાં મૃગયા કરીને એ જોદ્ધો ચાલ્યો આવતો હતો. ખભે ધનુષ્ય-બાણ લટકાવેલાં.

કોઈએ એને કહ્યું કે ‘‘બુંદીનો આ નકલી કિલ્લો બનાવીને રાણાજી કિલ્લો તોડવા જાય છે.’’

હાડો ભ્રૂકુટિ ચડાવીને બોલ્યોઃ ‘‘શું ! હું જીવતાં રાણો બુંદીનો નકલી કિલ્લો તોડવા જાશે ? હાડાની કીર્તિને કલંક લાગશે ?’’

‘‘પણ ભાઈ, એ તો નકલી કિલ્લો !’’

‘‘એટલે શું ? બુંદીના કિલ્લાને નામે રમતો રમી શકાય કે ?’’ ત્યાં તો રાણાજી સેના લઈને આવી પહોંચ્યા.

કુંભાજી એ નકલી કિલ્લાને દરવાજે જઈને ખડો થયો. ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. દૂરથી રાણાને આવતા દેખીને હાડો ગાજ્યોઃ ‘‘ખબરદાર, રાણા ! એટલે જ ઊભા રહેજો. હાડો બેઠો હોય ત્યાં સુધી બુંદીને નામે રમત રમાય નહિ. તે પહેલાં તો હાડાની ભૂજાઓ સાથે રમવું પડશે.’’

રાણાએ કુંભાજી ઉપર આખી સેના છોડી મૂકી. ભોંય પર ઘૂંટણભેર થઈને કુંભે ધનુષ્ય ખેંચ્યું. ધનુષ્યમાંથી બાણ છૂટતાં જાય તેમ સેનાના યોદ્ધાઓ એક પછી એક પડતા જાય. કુંભાજી કૂંડાળે ફરતો ફરતો યુદ્ધ કરે છે. આખું સૈન્ય એના ઉપર તૂટી પડે છે. આખરે વીરો કુંભો પડ્યો. નકલી કિલ્લાના સિંહદ્વારની અંદર એના પ્રાણ રહ્યા ત્યાં સુધી કોઈ પેસી શક્યું નહિ. એના લોહીથી નકલી બુંદીગઢ પણ પવિત્ર બન્યો.

પ્રતિનિધિ

સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે.

રાજાના મનમાં થાય છેઃ ‘અહો ! આ તે શું ધતિંગ ! ગુરુજીના હાથમાં ભિક્ષાની ઝોળી ! જેને ઘેર કોઈ વાતની કમી નથી, રાજરાજેશ્વર શિવાજી જેને ચરણે પડ્યો છે, લોકો જેના ખોળામાં બધી સંપત્તી ધરી દે છે, તેવા એક સાધુની વાસનાનો યે અંત નહિ ! વર્થ છે - ફૂટેલા વાસણમાં પાણી લાવીને તરસ છિપાવવાનું જેમ વ્યર્થ છે, તેમ આ લોભી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પણ વ્યર્થ છે. પણ ના, એક વખત એની પરીક્ષા તો કરવી જોઈએ. ખબર પડશે કે આ સંન્યાસીની તૃષ્ણાને તળિયું છે કે નહિ.’

એમ વિચારીને મહારાજે કાગળ-કલમ લીધાં, કાગળ પર કાંઈક લખ્યું, બાલાજીને બોલાવ્યો ને આજ્ઞા કરી કે, ‘‘ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માગવા પધારે ત્યારે એમની ઝોળીમાં આ કાગળ ધરી દેજો.’’

ભિક્ષા માગતા માગતા ગુરુજી ચાલ્યા જાય છે. અંગ ઉપર કોપીન, હાથમાં ઝૂલી રહી છે એક ઝોળી, અને ગંભીર મોંમાંથી ગાન ઝરે છેઃ ‘‘હે જગત્પતિ ! હે શંકર ! સહુને તમે રહેવાનાં ઘર દીધાં, મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું. માડી અન્નપૂર્ણા સચરાચર સર્વને પોતાને હાથે ખવરાવી રહી છે. તમે જ, હે પરમ ભિખારી ! મને એ મૈયાના ખોળામાંથી ઝૂંટવી લઈને તમારો દાસ બનાવી દીધો, આ ઝોળી લેવરાવી. શી તમારી માયા, પ્રભુ !’’

ગાન પુરું થયું. ગુરુજી સ્નાન કરી કિલ્લાને દરવાજે આવ્યા. બાલાજીએ નમન કરીને એનાં ચરણમાં છત્રપતિની ચિઠ્ઠી મેલી. ગુરુજીએ પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું કે ‘‘ગુરુદેવ ! આજથી આખું રાજ્ય હું આપને ચરણ ધરી દઉં છું. હું પણ આપને આધીન થાઉં છું.’’

ગુરુજી હસ્યા. બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યાઃ ‘‘બોલ, હે બેટા ! રાજ મારે કબજે સોંપી દીધું તેથી તું પણ મારા કબજામાં આવ્યો. તો હવે બોલ, તું મારા રાજ્યમાં શું કામ કરીશ ! તમારામાં શી શક્તિ છે, વત્સ ?’’

શિવાજી મહારાજે નમન કરીનેએ જવાબ વાળ્યો કે ‘‘તમે કહો તે ચાકરી કરવામાં હું મારા પ્રાણ સમર્પીશ.’’

ગુરુજી કહે કે ‘‘ના રે ના, તારા પ્રાણની મને જરૂર નથી. ઉપાડી લે આ ઝોળી, અને ચાલ મારી સાથે ભિક્ષા માગવા.’’

હાથમાં ઝોળી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે ભટકે છે. મહારાજને દેખી નાનાં બચ્ચાં ઘરની અંદર દોડી જાય છે અને આ તમાશો જોવા પોતાનાં માબાપને બોલાવી લાવે છે. અખૂટ વૈભવનો ધણી, બાદશાહોને પણ ધ્રુજાવનારો બહાદુર, અપરંપાર અનાથોનો સ્વામી શિવાજી આજ ઝોળી લઈને નિકળ્યો છે. એ જોઈને શિલા સમાન હૈયાં પણ પીગળી જાય છે. લોકો લજ્જાતી નીચે મોંયે ભિક્ષા આપે છે. ઝોળીમાં અનાજ નાખતા હાથ થરથરે છે. નગર આખું વિચારે છે કે ‘વાહ રે મહાપુરુષોની લીલા !’

દુર્ગની અંદર બપોરના ડંકા વાગ્યા, ને કામકાજ છોડીને નગરજનો વિસામો લેવા લાગ્યા. ગુરુ રામદાસ તો એકતારા ઉપર આંગળી ફેરવતા ગાન ગાતા જાય છે, એની આંખોમાંથી અશ્રુધારા ચાલી જાય છે. શું હતું એ ગાન ! ‘હે ત્રિલોકના સ્વામી ! તારી કલા નથી સમજાતી. તારે ઘેર તો કશીયે કમીના નાથી. તો યે માનવીના હ્ય્દયને હ્ય્દયે આમ ભિક્ષા માગતો કાં ભટકે છે, ભગવાન ? તારે ત્યાં શાનો તોટો રહ્યો, સ્વામી ? કંગાળ માનવીના અંતરમાં તેં આવી શી શી દોલત દીઠી, કે એ મેળવવા માટે પ્રત્યેકની પાસે તું કાલાવાલા કરી રહ્યો છે, રામ ?’

ગુરુ ગાતા ગાતા રખડે છે. શિવાજી પાછળ પાછળ ચાલ્યા જાય છે. આખરે સાંજ પડી. નગરની એક બાજુ નદીને કિનારે સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું પોતે લગાર ખાધું, બાકીનું શિષ્યો જમી ગયા.

શિવાજીએ હસીને કહ્યુંઃ ‘‘રાજપદનો ગર્વ ઉતારીને તમે મને ભિખારી બનાવ્યો છે, હે ગુરુદેવ ! તો હવે બોલો, ફરમાવો, બીજી શી શી ઈચ્છા છે ?’’

ગુરુદેવ બોલ્યાઃ ‘‘સાંભળ ત્યારે. મારે માટે પ્રાણ અર્પવાની તેં પ્રજ્ઞા કરી છે. તો હવે ઉપાડી લે મારો ભાર. આજ આ નાની ઝોળીનો ભાર નથી ઉપાડવાનો, આ નાનકડી નગરીમાં નથી ભટકવાનું. આજ તો મારે નામે,

મારો પ્રતિનિધિ બની ફરી વાર આ રાજગાદી સંભાળી લે, બેટા ! મારું સમજીને રાજ્ય રક્ષજે. રાજા બન્યા છતાં યે હ્ય્દય ભિક્ષુકનું રાખજે. લે આ

મારા આશીર્વાદ, અને સાથે મારું ભગવું વસ્ત્ર. વૈરાગીના એ વસ્ત્રનો રાજધ્વજ બનાવીને તારા કિલ્લા પર ચડાવી દેજે. આજથી આ રાજ્ય નથી એને ઈશ્વરનું દેવાલય સમજજે. જા બેટા ! કલ્યાણ કર જગતનું.’’

એ મનોહર સંધ્યાકાળે, ગીતો ગાતી એ નદીને કિનારે નીચું માથું નમાવી શિવાજી શાંત બેસી રહ્યા. લલાટ ઉપર જાણે ફિકરનાં વાદળાં જામી પડ્યાં. ગોવાળની વાંસળી થંભી ગઈ. ગાયો ગામમાં પહોંચી ગઈ. સૂર્ય પણ સંસારને સામે કંઠે ઊતરી ગયો. શિવાજી મહારાજ સ્તબ્ધ બનીને બેસી જ રહ્યા. લૂંટારો બનીને રાજ્ય ચલાવવું સહેલ હતું, પણ આજ સાધુ બનીને સિંહાસને શી રીતે બેસાશે ?

નદીને કિનારે પર્ણકુટીરમાં તો તંબૂરાના તાનમાં ગુરુદેવના પૂરબી રાગિણીનાં ગાન ગુંજી ઊઠ્યા હતાંઃ ‘મને રાજાના શણગાર સજાવીને

સંસારમાં બેસાડ્યો, ને તમે તો છુપાઈને છેડે જઈ બેઠા ! તમે કોણ છો, હે રાજાધિરાજ ? મેં તો તમારી પાદુકા આણીને તખ્ત પર પધરાવી છે,

પ્રભુ ! હું તો તમારા પગના બાજઠ પાસે બેઠો છું. સિંહાસન પર મારું આસન હોય નહિ, હરિ ! હવે તો આ જિંદગીની સંધ્યા આવી પહોંચી. હવે ક્યાં સુધી બેસાડી રાખશો, રાજા ? હવે તો આવીને આપનું રાજ્ય સંભાળી લો, સ્વામી !’

શિવાજી મહારાજે એ ગાન સાંભળ્યું અને એ ભગવા ઝંડાને જગત પર અમર બનાવ્યો.

નગરલક્ષ્મી

શ્રાવસ્તી નગરમાં દુકાળ પડ્યો. પ્રજામાં હાહાકાર થઈ રહ્યો. પોતાનાં ભક્તજનોને ભેગાં કરીને બુદ્ધ ભગવાને સવાલ કર્યોઃ ‘‘બોલો પ્રિયજનો ! ભૂખ્યાંને અન્ન દેવા તમારામાંથી કોણ કમ્મર બાંધે છે ?’’

ગુરુદેવનો સવાલ સાંભળીને રત્નાકાર શેઠે માથું નીચું ઢાળ્યું અને હાથ જોડીને જવાબ દીધોઃ ‘‘આવા વિશાળ નગરને માટે અન્ન પહોંચાડવાની મારી શક્તિ નથી, પ્રભુ !’’

ત્યાર પછી ગુરુદેવનાં નિરાશ નયનો સેનાપતિ જયસેનના મોં પર પડ્યાં. જયસેને જવાબ વાળ્યોઃ ‘‘છાતી ચીરીને હ્ય્દયનું લોહી દેવાથી જો પ્રજાનો પ્રાણ ઊગરી શકે તો પલવારમાં હું કાઢી આપું. પ્રભુ ! પણ મારા ઘરમાં એટલું અનાજ ક્યાંથી હોય ?’’

નિઃશ્વાસ નાખીને ધર્મપાલ બોલી ઊઠ્યોઃ ‘‘હું તો ભાગ્યહીન છું, પ્રભુ ! મારા સોના સરખા ખેતરમાંથી દુકાળે બધો કસ શોષી લીધો, હું રાજ્યનો કર પણ કેવી રીતે ભરી શકીશ ?’’

બધાં એકબીજાનાં મોં સામે જોવા લાગ્યાં. કોઈ જવાબ દેતું નથી. ચુપચાપ બની ગયેલી એ મેદનીમાં, ભૂખથી પીડાતાં એ પ્રજાજનોની સામે બુદ્ધ ભગવાનની કરુણાળુ આંખો સંધ્યાકાળના ઉદાસ તારાની માફક ચોંટી રહી.

ત્યારે પછી એ સમુદાયની અંદરથી એક રમણી ઊભી થઈ. લાલ એનું લલાટ છે અને શરમમાં નીચું નમેલું એનું માથું છે. ગૌતમ પ્રભુના સાચા શિષ્ય અનાથપિંડની એ દીકરી સુપ્રિયા હતી. વેદનાથી એની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. બુદ્ધદેવના ચરણની રજ લઈને મધુર કંઠે બાઈ બોલીઃ ‘‘હે દેવ ! આજે જ્યારે સહુએ નિઃશ્વાસ નાખી આપને નિરાશ બનાવ્યા છે, ત્યારે હું એક પામરમાં પામર સેવિકા આપની આજ્ઞા માથે ચડાવી લઉં છું. અનાજ વિના આજે જે માનવીઓ કલ્પાંત કરી રહ્યાં છે, તે બધાં મરાં જ સંતાનો સરખાં મને લાગે છે. નગરમાં આંગણે આંગણે અનાજ પહોંચાડવાનો ભાર આજે હું મારે માથે ધરી લઉં છું.’’

સાંભળનારાં સહુ લોકોને નવાઈ લાગી. ગુરુદેવના માનીતા શીષ્યોમાંથી કોઈ હાંસી કરવા લાગ્યું, કોઈ ગુસ્સે થઈ ગયું, કોઈને લાગ્યું કે સુપ્રિયા પાગલ બની ગઈ છે. સખ્ત અવાજે સહુ એને પૂછવા લાગ્યાઃ ‘‘ઓ ભિખ્ખુની દીકરી ! તું પોતે પણ ભિક્ષુણી ! એટલું બધું અભિમાન ક્યાંથી આવી ગયું કે તું આવું વિકટ કામ તારે માથે ઉપાડી લે છે ? તારા ઘરમાં એવા શા ભંડાર ભર્યા છે, ભિખારણ ?’’

બધાની પાસે માથું નમાવીને સુપ્રિયા બોલીઃ ‘‘મારી પાસે બીજું કાંઈ યે નથી, રહ્યું છે ફક્ત ભિક્ષાપાત્ર. હું તો પામર નારી છું, સહુથી ગરીબ છું. પરંતુ હે પ્રિયજનો ! દયાના બળે જ ગુરુદેવની આજ્ઞા સફળ થશે, મારી શક્તિથી નહિ. મારો ભંડાર તો તમારા સહુના ઘરેઘરમાં ભર્યો છે. તમારી સહુની ઈચ્છા સાચી હશે તો મારું આ પામર ભિક્ષાપાત્ર પણ એક અક્ષયપાત્ર બની જશે. હું તમારે દ્વારે દ્વારે ભટકીશ ને તમે જે દેશો તે ભૂખ્યાંને ખવરાવીશ. માતા વસુંધરા જીવતી છે, ત્યાં સુધી શી ખોટ છે ?’’

ગુરુદેવે આશીર્વાદ દીધા, લોકોએ પોતાના ભંડાર એ ભિક્ષુણીના ભિક્ષાપાત્રમાં ઠાલવ્યા, અને આખી નગરી ભૂખમરામાંથી ઊગરી ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED