Kurbani Kathao bhag 4 books and stories free download online pdf in Gujarati

Kurbani Kathao bhag 4


કુરબાનીની કથાઓ

ઝવેરચંદ મેઘાણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.સ્વામી મળ્યા !

૨.પારસમણિ

૩.તુચ્છ ભેટ

૪.કર્ણનું બલિદાન

૫.નરક-નિવાસ

સ્વામી મળ્યા !

ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા. એમનું હ્ય્દય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું.

પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે. પતિની ચિતામાં બળી મરવાને એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલ, સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપર લગ્ન દિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં.

ભેળા મળેલાં સગાંવહાલાં આનંદથી ચીસો પાડે છે, સતીના નામનો જયજયકાર બોલાવે છે, અને પુરોહિતો ધન્યવાદ દેતાં દેતાં ચિતાની તૈયારી કરી રહ્યા છે. ત્યાં એ સતી સ્ત્રીએ અચાનક તુલસીદાસજીને આતુર બનીને પૂછ્યુંઃ ‘‘હો ગોસ્વામી ! તમારા પવિત્ર મુખથી મને પરવાનગી આપો. મને આશીર્વાદ દો એટલે હું સુખેથી ચાલી જઈશ.’’

ગોસ્વામીએ પૂછ્યુંઃ ‘‘માતા ! ક્યાં જવાની આ તૈયારી કરી છે ?’’

બાઈ બોલીઃ ‘‘મારા સ્વામીની સાથે બળી મરીને સ્વર્ગે જઈશ, મહારાજ !’’

હસીને ગોસ્વામી કહે છેઃ ‘‘હે નારી ! આ ધરતીને છોડી સ્વર્ગમાં જવાનું કાં મન થાય છે ? સ્વર્ગનો જે સરજનહાર છે તેની જ સરજેલી આ પૃથ્વી પણ નથી, બહેન ?’’

અજ્ઞાની સ્ત્રી આ વાતનું રહસ્ય સમજી ન શકી. એ તો વિસ્મય પામીને સાધુ સામે જોઈ રહી. એના મનમાં થયું કે ‘તુલસીદાસ સરખો ધર્માવતાર આજે કાં આવી વાણી કાઢી રહ્યો છે ?’

સ્વામીજીની સામે જોઈ બોલીઃ ‘‘મારા સ્વામી મને આંહીં મળી જાય તો મારે સ્વર્ગનું શું કામ ?’’

તુલસીદાસ ફરી વાર હસીનો બોલ્યાઃ ‘‘ચાલો પાછાં ઘેરે, મૈયા ! સાધુનો કોલ છે કે એક મહિનાની મુદતમાં તમને તમારો સ્વામી પાછો મળશે.’’

તુલસીદાસનો કોલ ? ભક્તહ્ય્દયને શ્રદ્ધા બેઠી. આશાતુર હ્ય્દયે એ બાઈ પાછી વળીને ગોસ્વામીની પાછળ પાછળ ચાલી ગઈ. પછવાડે પુરોહિતોએ શાપ વરસાવ્યા, સગાંવહાલાંઓએ નિંદા શરૂ કરી, ગાળો કાઢી, કોઈએ પથ્થરો પણ ફેંક્યા. પલવાર પહેલાંની સતી બીજી જ પળે કુલટા બની ગઈ. ભયભીત હ્ય્દયે એ નારી ગોસ્વામીના પડખામાં લપાતી ધ્રૂજતી જાય છે. પાછળ નજર નાખતી જાય છે. ગોસ્વામી તો પ્રભુના કીર્તનમાં મસ્ત બની નિર્ભય પગલે ચાલે છે, એ ભક્તની અને એ નારીની પાસે આવવાની કોઈની મગદૂરી નહોતી.

એક નિર્જન પર્ણકુટિમાં એ બાઈને સુવાડીને ગોસ્વામી ગંગાને કિનારે પાછા આવ્યા. આખી રાત જાગી એણે પ્રભુનાં કીર્તન ગાયાં. પ્રભાતે એ રમણીએ પાસે જઈને ભક્તવર થોડી વાર બેઠા. પ્રભુની ને પ્રભુ- કરુણાની મીઠી વાતો કરી. એક મહિના સુધી આમ ચાલ્યું. એ આશાતુર વિધવાના વદન ઉપર કોઈ અમર ઉલ્લાસ પ્રકાશી નીકળ્યો. શ્વેત-વસ્ત્રોની અંદરથી પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું એની આંખોનાં આંસુ સુકાયાં, પ્રકાશનાં કિરણો છૂટ્યાં.

સગાંવહાલાંએ આવીને મર્મવચનો કહ્યાંઃ ‘‘કાં, તારો સ્વામી જીવતો થાયો કે ?’’

વિધવાએ હસીને કહ્યુંઃ ‘‘હા ! સ્વામી તો પાછા આવી ગયા.’’ ચમકીને બધાં પૂછે છેઃ ‘‘હેં ! ક્યાં છે ? કયા ઓરડામાં બેઠા છે ? બતાવને !’’

રમણીએ ઉત્તર દીધોઃ ‘‘આ હ્ય્દયના ઓરડામાં સ્વામી સજીવન બનીને બેઠા છે. તમે ત્યાં શી રીતે જોઈ શકો ?’’

પારસમણિ

વૃન્દાવનમાં, યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુનામ રટી રહ્યા હતા. એ વખતે એક કંગાળ બ્રાહ્મણે આવીને ઋષીજીને ચરણે પ્રણામ કર્યાં.

સનાતને પૂછ્યુંઃ ‘‘ક્યાંથી આવો છો, ભાઈ ? તમારું નામ શું ?’’ બ્રાહ્મણ બોલ્યોઃ ‘‘મહારાજ ! બહુ દૂર દેશથી આવું છું. મારું દુઃખ

વર્ણવ્યું જાય તેમ નથી. ઈશ્વરની આરાધના કરતાં કરતાં એક રાસ્ત્રીએ મને સ્વપ્નમાં જાણે કોઈ દેવ કહી ગયાઃ યમુનાને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઈને યાચના કરજે, તારી ભીડ એ બધા સાધુ ભાંગવાના.’’

સનાતન બોલ્યોઃ ‘‘બેટા ! મારી આશા કરીને તું આવ્યો, પણ હું શું આપું ? જે હતું તે ફેંકી દઈને ફક્ત આ ઝોળી લઈને જ હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું. પણ હાં ! હાં ! મને યાદ આવે છે. એક દિવસ કોઈને દેવા કામ આવશે તેટલા માટે મેં એક મણિને પેલે ઠેકાણે રેતીમાં દાટી રાખેલ છે. જા ભાઈ ! એને લઈ જા. તારું દુઃખ એનાથી ફીટવાનું. તને અખૂટ દોલત મળવાની.’’

પારસમણિ ! આહા ! બ્રાહ્મણ તો દોડતો દોડતો મુનિએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એણે રેતીમાંથી મણિ બહાર કાઢ્યો. પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણિ અડકાડે છે ત્યાં તો માદળિયું સોનાનું બની ગયું. બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યો. ખૂબ નાચ્યો. મનમાં એણે અનેક મહેલમહેલાતો ખડી કરી દીધી. કેવા કેવા વૈભવો ભોગવશે તેની કૈં કૈં કલ્પનાઓ કરી લીધી. પછી થાકીને થોડો આરામ લેવા નદીકાંઠે બેઠો. યમુનાના પ્રવાહનું મધુર મધુર ગાન સાંભળીને એ શાંત બન્યો. ચોપાસ ફૂલો અને વૃક્ષોની શોભા નિહાળી પંખીઓના આનંદમય કિલકિલાટ સાંભળ્યા. સૂર્યાસ્ત સામે નજર કરી.

બ્રાહ્મણની એક આંખ આ સુંદરતા ઉપર હતી, બીજી આંખ હતી એના મનની પેલી મહેલાતો ઉપર. એનું મન ડોલવા લાગ્યું. એને સાંભર્યા ગોસ્વામી સનાતન. એને ઘણી ઘણી વાતો સાંભરી આવી.

દોડતો દોડતો બ્રાહ્મણ સનાતનની પાસે આવીને એના પગમાં પડ્યો. આંખમાં આંસુ લાવીને ગદ્‌ગદ્‌ સ્વરે બોલ્યોઃ ‘‘અખૂટ સમૃદ્ધિ આપનાર મણિને જેણે માટી સમાન ગણીને આપી દીધો તેના ચરણની માટી જ મારે જોઈએ. આ મણિ ન ખપે.’’

એમ બોલીને એણે નદીનાં ઊંડાં પાણીમાં મણિ ફેંકી દીધો.

મણિ દેનાર અને મણિ લેનાર બન્ને જીતી ગયા.

તુચ્છ ભેટ

યમુનાનાં પાણી ઘૂમરી ખાતાં દોડ્યાં જાય છે. બન્ને કિનારે ઊંચા પહાડોની શિખરમાળા ઊભી છે. ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ પાગલની પેઠે દિવસ-રાત ગરજ્યા કરે છે.

નદીની એ વાંકીચૂકી વેણી વીંખતા વીંખતા આસમાની પહાડો એક પછી એક આઘે - કેટલેયે આઘે - ચાલ્યા જાય છે, શિખર બધાં અચળ ઊભાં છે તો યે જાણે ચાલતાં જણાય છે, અને નદી ચાલી જાય છે તો યે જાણે સાંકળે બાંધેલી સ્તબ્ધ ઊભી હોય તેવું લાગે છે. પહાડો ઉપર ઊંચાં ઝાડો ઊભાં છેઃ કેમ જાણે હાથ લંબાવીને પહાડો પેલી વાદળીઓને બોલાવતા હોય ! આવા પ્રદેશમાં પર્ણકુટી બાંધીને શીખ ગુરુ રહેતા હતા.

એક દિવસ ગુરુજી પ્રભુલીલા વાંચી રહ્યા છે તે સમયે રાજા રઘુનાથ પધાર્યા. ગુરુદેવને ચરણે નમન કરીને રાજા બોલ્યાઃ ‘‘હે પ્રભુ ! દીન સેવક થોડી ભેટ લાવ્યો છે.’’

હાથ લંબાવીને ગુરુજીએ રાજાના મસ્તક પર મેલ્યો, આશિષો આપી કુશળ ખબર પૂછ્યા, બે સોનાનાં કંકણો રઘુનાથે ગુરુદેવને ચરણે ધરી દીધાં.

ભોંય પરથી કંકણ ઉઠાવીને ગુરુદેવ આંગળી ઉપર ચક્કર ચક્કર ફેરવવા લાગ્યા. કંકણના હીરાની અંદરની હજારો કિરણો નીકળતાં હતાં. કેમ જાણે હજાર-હજાર કટારો છૂટતી હોય !

લગાર મોં મલકાવીને ગુરુએ કંકણો નીચે ધર્યાં ને પાછા એ તો પુસ્તકની અંદર આંખો માંડીને વાંચવામાં મશગૂલ બન્યા. સામે રાજા રઘુનાથરાવ બેઠા છે તેની પણ એ સાધુને પરવા ન રહી.

ત્યાં તો અચાનક એ પથ્થર પરથી એક કંકણ લપસી ગયું ને દડતું દડતું યમુનાના ઊંડા પાણીમાં જઈ પડ્યું.

‘‘અરે ! અરે !’’ બૂમ પાડી રઘુનાથ રાજાએ એમ ને એમ પાણીમાં ઝંપલાવ્યું. બે હાથ લંબાવીને રાજા ચોમેર કંકણને શોધવા લાગ્યા.

ગુરુજીના અંતરમાં તો પ્રભુની વાણીને પરમ આનંદ જાગ્યો હતો. પુસ્તકમાંથી એમણે તો પલવાર પણ માથું ઊંચું ન કર્યું.

યમુનાનાં શ્યામ જળ ચોમેર ઘૂમરી ખાઈધોઈને જાણે રાજાને ટગાવી રહેલ છે ને કહે છેઃ ‘‘જો, આંહીં પડ્યું છે કંકણ !’’ રાજાજી એ જગ્યાએ પાણી ડખોળી ડખોળી થાકે, ત્યાં તો એ મસ્તીખોર નદી બીજે ઠેકાણે ઘૂમરી ખાઈને ફોસલાવેઃ ‘‘જો, જો ત્યાં નહિ, આંહીં પડ્યું છે તારું કંકણ !’’

આખરે દિવસ આથમ્યો. આખો દિવસ પાણી ફેદ્યાં, પણ રાજાજીને કંકણ ન જડ્યું. ભીંજાયેલ વસ્ત્રે અને ઠાલે હાથે રાજાજી ગુરુની પાસે આવ્યાં. એના મનમાં તો શરમ હતી કે કંકણ તો મળ્યું નહિ ! ગુરુજી મને શું કહેશે ?

હાથ જોડીને રઘુનાથે કહ્યુંઃ ‘‘મહારાજ ! કંકણ કયે ઠેકાણે પડ્યું એ બતાવતો તો હમણાં જ ગોતી કાઢું.’’

‘‘જોજે હો,’’ એમ કહીને ગુરુજીને યમુનાની અંદર બીજા કંકણો પણ ઘા કર્યો ને કહ્યુંઃ ‘‘એ જગ્યાએ !’’

શરમિંદો રાજા દિગ્મૂઢ બનીને ગુરુની સામે જોઈ રહ્યો. ગુરુજીનું મોં મલકતું જ રહ્યું.

કર્ણનું બલિદાન

કુંતી : તું કોણ છે, તાત ? આંહી શું કરે છે ?

કર્ણ : પવિત્ર ગંગાને કિનારે, સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યો છું. મારું નામ કર્ણ : અધિરથ સારથિનો હું પુત્રઃ ને રાધા મારી જનેતા. બોલો, માડી ! કોણ છો તમે ?

કુંતી : બેટા ! હું એ જ, કે જેણે તારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીનાં દર્શન કરાવ્યાં. લાજમરજાદ મેલીને આજ હું મારી ઓળખાણ દેવા આવી છું.

કર્ણ : કાં સમજાયું નહિ, માતા ! તો યે તમારી આંખોનાં કિરણો અડ્યે મારું યોદ્ધાનું હ્ય્દય, સૂર્યનાં કિરણોને સ્પર્શે બરફનો પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડે છે. અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોમાંથી આવીને અંતરમાં કોઈ અકળ નવી વેદના જગાડે છે. બોલો, બોલો, હે અપરિચિતા ! મારા જન્મની એવી કઈ રહસ્ય-ગાંઠ તમારી સાથે બંધાયેલી છે ?

કુંતી : ઘડીવાર ધીરો થો, બેટા ! સૂર્યને આથમી જવા દે. સંધ્યાનાં ઘોર અંધારાં સંસાર પર ઊતરવા દે. પછી બધુંયે કહીશ. મારું નામ કુંતી.

કર્ણ : તમે કુંતી ? અર્જુનની જનેતા ?

કુંતી : હા ! અર્જુનની - તારા વેરીની - હું જનેતા. પણ એ જ કારણે તું મને તરછોડતો ના. હજીયે મને સાંભરે છે હસ્તિનાપુરમાં એ અસ્ત્રપરીક્ષાનો દિવસ. તારાઓની મંડળીમાં જેમ અરુણ ચાલ્યો તેમ રંગભૂમિની મેદિની વચ્ચે તું તરુણકુમાર જ્યારે દાખલ થયો, ત્યારે સ્ત્રીઓના ચકની પાછળ શું શું ચાલી રહેલું ? એ બધી રમણીઓના વૃંદની વચ્ચે કોણ એ અભાગણી બેઠેલી કે જેના જર્જરિત હૈયામાં પ્રીતિની હજારો ભૂખી નાગણીઓ જાગતી હતી ? કોણ હતી એ નારી, જેની આંખોએ તારાં અંગેઅંગને આશિષોનાં ચુંબન આપેલાં ? બેટા ! એ બીજી કોઈ નહિ, પણ તારા વેરી અર્જુનની જ આ માતા હતી. પછી કૃપે આવીને તારા પિતાનું નામ પૂછ્યું. ‘રાજવંશી વિના અર્જુન સાથે ઝૂઝવાનો કોઈનો અધિકાર નથી’ એવું મેણું દીધું. તારા લાલચોળ મોમાંથી વાચા ન ફૂટી, સ્તબ્ધ બનીને તું ઊભો રહ્યો. એ સમયે કોણ હતી એ નારી કે જેનાં અંતરમાં તારી એ શરમે બળતરાના ભડકા સળગાવેલા ! બીજી કોઈ નહિ. પણ એ અર્જુનની જ જનેતા. ધન્ય છે દીકરા દુર્યોધનને કે જેણે એ જ ક્ષણે તને અંગરાજની પદવી અર્પી. ધન્ય છે અને ! કોની આંખોમાંથી એ પળે આંસુ વછૂટ્યાં હતાં ? અર્જુનની માતાનાં જ એ હર્ષાશ્રુ હતાં. એવે સમે અધિરથ સારથિ રંગભૂમિ ઉપર રસ્તો કરતા કરતા હરખાતા હરખાતા દાખલ થયા. દોડીને તેં એને ‘બાપુ’ કહી બોલાવ્યા, અભિષેકથી ભીનું તારું માથું તેં એ વૃદ્ધ સારથિને ચરણે નમાવ્યું. આખી સભા તાજ્જુબ બનીને તાકી રહી. પાંડવોએ ક્રૂર હાંસી કરીને તને ધિક્કાર દીધો. તે સમે કોનું હૈયું ગર્વથી ફુલાયેલું ? કોણે તને વીરમણિ કહીને આશિષો દીધી ? એ પ્રેમઘેલી નારી હું - હું અર્જુનની જનેતા - હતી, દીકરા !

કર્ણ : આર્યા ! મારા પ્રણામ છે તમને. પણ તમે તો રાજમાતા. તમે આંહીં એકલાં ક્યાંથી ! જાણતાં નથી કે આ રણક્ષેત્ર છે, ને હું કૌરવોનો સેનાપતિ છું ?

કુંતી : જાણું છું, બાપ ! પણ હું એક ભિક્ષા માગવા આવી છું. જોજે હો, ઠાલે હાથે પાછી ન વાળું !

કર્ણ : ભિક્ષા ! મારી પાસે ? ફક્ત બે ચીજો માગશો મા, માતા ! એક મારું પુરુષત્ત્વઃ બીજો મારો ધર્મ. ત્રીજી ગમે તે આજ્ઞા કરો, ચરણોમાં ધરી દઈશ.

કુંતી : હું તને જ લઈ જવા આવી છું.

કર્ણ : ક્યાં લઈ જશો મને ?

કુંતી : તૃષાતુર આ હ્ય્દયની અંદર, જનેતાના આ ખોળામાં.

કર્ણ : ભાગ્યવતી નારી ! તમને તો પ્રભુએ પાંચ પાંચ પુત્રો દીધા છે, એમાં મારું, એક કુલહીનનું, પામર સેનાપતિનું, સ્થાન ક્યાંથી હોય ?

કુંતી : એ પાંચેયથી તને ઊંચે બેસાડીશ, સહુથી મોટેરો કરી માનીશ.

કર્ણ : તમારા ઘરમાં પગ મૂકવાનો મારો શો અધિકાર ? એક તો તમારા પુત્રોનું રાજપાટ ઝૂંટાયું, અને હવે બાકી રહેલા એમના માતૃપ્રેમમાંયે શું હું પાછો ભાગ પડાવું ? જનેતાનું હ્ય્દય બાહુબળથીયે કોઈ ન ઝૂંટવી શકે. એ તો પ્રભુનું દાન છે.

કુંતી : રે બેટા ! પ્રભુનો અધિકાર લઈને જ તું એક દિવસ આ ખોળામાં આવેલો, આજ એ જ અધિકારને બળે તું પાછો આવ, નિર્ભય બનીને ચાલ્યો આવ. જનેતાના ખોળામાં આસન લઈ લે.

કર્ણ : હે દેવી ! જાણે કોઈ સ્વપ્નમાં બોલતું હોય એવી તમારી વાણી છે. જુઓ, જુઓ, ચોમેર અંધારાં ઊતરે છે, દિશાઓ ઢંકાઈ ગઈ છે, ભાગીરથીનાં નીર ચુપચાપ ચાલ્યાં જાય છે. કયા એ માયાવી લોકની અંદર, કયા એ વિસારે પડેલ પ્રદેશમાં, બાલ્યાવસ્થાના કયા એ પ્રભાતની અંદર તમે મને ઉપાડી જાઓ છો ? જુગાન્તરજૂના કોઈ સત્ય સમી તમારી વાણી આજે મારા અંતરની સાથે અથડાય છે. ઝાંખી ઝાંખી મારી બાલ્યાવસ્થા જાણે મારી સામે આવીને ઊભી છે. જનેતાના ગર્ભનું એ ઘોર અંધારું જાણે મને ઘેરીને ઊભું છે. રે રાજમાતા ! એ બધું સત્ય હો, કે કેવળ ભ્રમણા હો, પણ આવો, સ્નેહમયી ! પાસે આવો. જગતને મોંયે મેં સાંભળ્યું છે કે મારી માએ મને રઝળતો મૂકેલો, રાત્રિએ સ્વપ્નમાં કેટકેટલીવાર મેં જોયું છે કે મારી મા મને મળવા આવે, રડીરડીને એને કહુંઃ મા ! ઓ મા ! ઘૂમટો ખોલો, મોઢું બતાવો - ત્યાં તો સ્વપ્નને છિન્નભિન્ન કરીને મા અદૃશ્ય બની જાય. આજે આ સંધ્યાકાળે, આ રણક્ષેત્રની અંદર, આ ભાગીરથીને કિનારે શું એ જ મારી સ્વપ્નની માતા કુંતીનું રૂપ ધરીને આવી હશે ? નજર કરો, મા ! સામે કિનારે તો જુઓ ! કૌરવોની અશ્વશાળામાં લાખ લાખ અશ્વોના ડાબલા ગાજી રહ્‌ા છે. કાલે પ્રભાતે તો મહાયુદ્ધ મંડાશે. અરેરે ! આજ છેલ્લી રાત્રિએ, આટલો મોડો, મારી માતાનો મધુરો અવાજ મેં અર્જુનની જનેતાને મુખે કાં સાંભળ્યો ? એના મોંમાં મારું નામ આટલું મીઠું તે કાં સંભળાય ? આજ મારું અંતર ‘ભાઈ ભાઈ’ પોકારતું પાંચ પાંડવોની પાછળ કાં દોડી રહ્યું છે ?

કુંતી : ત્યારે ચાલ્યો આવ, બેટા ! ચાલ્યો આવ.

કર્ણ : આવું છું મા ! આવું છું. કશુંયે પૂછીશ નહિ. લગારે વહેમ નહિ લાવું. જરાયે ફિકર નહિ કરું. દેવી ! તમે જ મારી માતા છો, તમારો સાદ પડતાં તો પ્રાણ જાગી ઊઠ્યો છે. આજ યુદ્ધનાં રણશિંગાં નથી સંભળાતાં. મનમાં થાય છે કે મિથ્યા છે એ ઘોર હિંસા, મિથ્યા છે એ કીર્તિ, એ જય ને એ પરાજય. ચાલો, તેડી જાઓ, ક્યાં આવું ?

કુંતી : સામે કિનારે જ્યાં ઝાંખી ઝાંખી રેતી ઉપર દીવા બળે છે ત્યાં. કર્ણ : ત્યાં મારી ખોવાયેલી માતા શું મને પાછી જડશે ? તમારાં સુંદર કરુણાળુ નયનોની અંદર ત્યાં શું માતૃસ્નેહ સદાકાળ ઝળકી રહેશે ? બોલો દેવી ! ફરી એક વાર બોલો, કે હું તમારો પુત્ર છું.

કુંતી : તું મારો વહાલો પુત્ર !

કર્ણ : ત્યારે તે દિવસે શા માટે મને આ અંધ અજાણ્યા સંસારમાં ફેંકી દીધેલો ? શા માટે મારું ગૌરવ ઝૂંટવી લીધું, મને કુળહીન કરી નાખ્યો, માનહીન ને માતૃહીન બનાવ્યો ? સદાને માટે મને ધિક્કારના પ્રવાહમાં શાને વહેતો મેલ્યો ? કુળમાંથી મને કાં કાઢી મેલ્યો ? અર્જુનથી મને શા સારુ અળગો રાખી મૂક્યો ? એટલે જ, ઓ માતા ! નાનપણથી જ કોઈ નિગૂઢ અદૃશ્ય ખેંચાણ, હિંસાનું રૂપ ધરીને મને અર્જુનની પ્રત્યે ખેંચી રહ્યું છે. જવાબ કાં નથી દેતાં, જનની ? અંધકારનાં પડો ભેદીને તમારી શરમ તમારા અંગેઅંગને ચુપચાપ અડકી રહી છે, મારી આંખોને દબાવી રહે છે. ભલે, તો પછી ભલે, બોલો ના કે શા માટે તમે તમારા સંતાનના હાથમાંથી જનેતાનો પ્રેમ ઝૂંટવી લીધો ! જનેતાનો પ્રેમઃ દુનિયાની અંદર પ્રભુનું એ પહેલવહેલું દાનઃ દેવતાની એ અણમોલી દૌલત ! હાય, એ જ તમે છીનવી લીધી ! તો પછી બોલોઃ ફરીવાર મને ખોળામાં લેવા આજ શા કારણે આવ્યાં છો, માડી ?

કુંતી : બેટા ! વજ્ર સમાં એ તારાં વેણ મારા હૈયાના ચૂરા કરી રહ્યાં છે. તને તજેલો એ પાપે તો પાંચ-પાંચ પુત્રો છતાંયે મારું હૈયું પુત્રહીન હતું. હાય રે ! પાંચ પુત્રો છતાંયે સંસારમાં હું ! ‘કર્ણ!’ ‘કર્ણ!’ કરતી ભટકતી હતી. તરછોડેલા એ પુત્રને કાજે તો, રે તાત, હૈયામાં વેદનાની જ્યોત સળગાવી હું દેવતાની આરતી ઉતારતી આવી છું ! આજ મારાં ભાગ્ય ઊઘડ્યાં તે તું મને મળ્યો. તારે મોંયે હજુ તો વાચાયે નહોતી ફૂટી ત્યારે મેં તારો અપરાધ કરેલો, બેટા ! એ જ મોંયે આજ તું તારી અપરાધી માડીને માફી આપજે. તારા ઠપકાના વેણથીયે વધુ તાપ તો તારી એ ક્ષમા મારે અંતરે સળગાવશે, અને મારા પાપને પ્રજાળી મને નિર્મળ બનાવશે.

કર્ણ : માતા ! ચરણરજ આપો, ને મારાં આંસુ સ્વીકારો.

કુંતી : તને છાતીએ ચાંપીને મારું સુખ લેવા હું નથી આવી, પણ તારા અધિકાર તને પાછા સોંપવા આવી છું. વહાલા ! તું સારથિનું સંતાન નથીઃ તું રાજાનો કુમાર છે, તાત ! બધી હીનતાને ફેંકી દે. ચાલ્યો આવ. પાંચેય ભાઈ તારી વાટ જુએ છે.

કર્ણ : ના, ના, માડી ! હું સારથિનું જ સંતાન. રાધા જ મારી સાચી જનેતા. એનાથી મોટું પદ મારે ન ખપે. પાંડવોનાં માવતર પાંડવોને મુબારક હો ! કૌરવોનું કુલાભિમાન ભલે કૌરવો પાસે રહ્યું. મને કોઈની ઈર્ષા નથી, માતા !

કુંતી : તારું જ રાજ્ય હતું. બાહુબળ બતાવી બાપનું રાજ્ય મેળવી લે ને ! યુધિષ્ઠિર તને ચમાર ઢોળશે, ભીમ તારે મસ્તકે છત્ર ધરશે, અર્જુન તારા રથનો સારથિ થશે, પુરોહિત વેદના મંત્રો ગાશે, શત્રુઓને જીતી ચક્રવર્તીને સિંહાસને ચડી જા, બેટા !

કર્ણ : સિંહાસન ! જેણે જનેતાના અમોલા સ્નેહને નકાર્યો તેને તમે તુચ્છ સિંહાસનની લાલચ આપી રહ્યાં છો, દેવી ! એક દિવસ મારી જે દૌલત - મારો રક્ત-સંબંધ - તમે ઝૂટવી લીધેલ છે, તે આજ તમારાથી પાછી નહિ દેવાય. મારી માતા, મારાં ભાંડુઓ, મારો રાજવંશ - પલકમાં તો એ બધાંને તમે મારા જન્મને ટાણે જ સંહારી નાંખ્યાં છે. હવે એ ગરીબ માવતરને છોડીને હું આજે રાજસિંહાસન લેવા દોડું, તો કોટિ કોટિ ધિક્કાર હજો મને મિત્રદ્રોહીને !

કુંતી : તું સાચો વીર, બેટા ! ધન્ય છે તને ! હાય રે કર્તવ્ય ! તારી શિક્ષા તે શું આવી વસમી ! તે દિવસે - અરેરે, તે કમનસીબ દિવસે - કોણ જાણતું હતું કે માતાએ રઝળતો મેલેલો નિરાધાર બાળક આવો બળિયો બનશે, ને હાથમાં ખડગ લઈને પોતાના સગા બાંધવોને જ સંહારવા અંધકારને માર્ગેથી એક દિવસ અચાનક ઝબકશે ? હાય રે, આવો તે શો શાપ ?

કર્ણ : નિર્ભય રહેજો, માડી ! વિજય આખરે પાંડવોનો જ થવાનો છે. આ ઘોર સંગ્રામનું પરિણામ આકાશમાં લખાઈ ચૂક્યું છે. આ શાંત રાત્રિએ પણ નભોમંડળમાંથી નિરાશાના અને પરાજયના જ પડઘા સંભળાય છે. અમારી હાર હું તો જોઈ જ રહ્યો છું. જે પક્ષનો પરાજય થવાનો છે એ પક્ષને તજવાનું મને કહેશો ના, માડી ! ભલે પાંડવો જીતે ને રાજા બને, હું તો એ હારનાર પક્ષમાં જ પડ્યો રહીશ. મારા જન્મની રાત્રિએ જે રીતે તમે મને ધૂળમાં રઝળતો મૂકેલો, નનામો ને ગૃહહીન બનાવેલો, આજે એ જ રીતે મનના મોહ મારીને, ઓ માડી, મને આ અંધારા અને અપકીર્તિકારક પરાભવમાં રઝળતો મેલી દો ! માત્ર એટલો જ આશીર્વાદ દેતાં જજો, ઓ જનેતા, કે વિજય, કીર્તિ અથવા રાજની લાલચે હું શૂરાનો માર્ગ કદાપિ ન છોડું !

નરક-નિવાસ

રાજા સોમક મરીને આકાશમાર્ગે સ્વર્ગમાં જાય છે.

રસ્તામાં નરકપુરી આવે છે તે કાળનો આ પ્રસંગ છે.

(નેપથ્યમાં)

ક્યાં જાવ છો, મહારાજ ?

સોમક : કોણ છે એ ? કોણ બોલાવે છે મને ? ઘનઘોર અંધારામાં કાંઈ યે દેખાતું નથી. હે દેવદૂત ! પલવાર તારા વિમાનને આંહીં થંભાવ.

(નેપથ્યમાં)

હે નરપતિ નીચે આવો ! નીચે ઊતરો, હે સ્વર્ગના મુસાફર !

સોમક : કોણ છો તમે ? ક્યાંથી બોલાવો છો ?

(નેપથ્યમાં)

સાદ ન ઓળખ્યો, રાજા ? મૃત્યુલોકનો હું તમારો પુરોહિત !

સોમક : ગુરુદેવ ! ગુરુદેવ, તમે આંહી ? આખા બ્રહ્માંડનાં આંસુ એકઠાં મળ્યાં હોય, એ આંસુની વરાળ બની હોય અને એ વરાળમાંથી જાણે સરજાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. આંહી સૂર્ય નથી, નથી ચંદ્ર કે નથી તારા. ભયંકર કોઈ સ્વપ્ન સમી ઘનઘોર ઉદાસી આકાશના હ્ય્દયને જાણે ચાંપી ચુપચાપ ઊભી છે. આંહીં, આવા લોકમાં તમે કાં આવ્યા, પ્રભુ !

પ્રેતો : સ્વર્ગને માર્ગે પડેલી આ દુનિયા. આનું નામ નરકપુરી. દૂર દૂર આંહીંથી સ્વર્ગના દીવા દેખાય છે. સ્વર્ગના મુસાફરો દિવસ-રાત આંહીં થઈને જ ચાલ્યા જાય છે. એના રથનાં પૈડાંનો ઘરઘરાટ અમારા કાનમાં અથડાય, અમારી આંખોમાં એ જોઈને ઝેર વરસે, અમારી નીંદ ક્યાંયે ઊડી જાય. નીચે નજર કરીએ તો ધરતીનાં લીલુડાં વન દેખાય, સાત-સાત સાગરનું નિરંતર સંગીત સંભળાય - હાય રે ! સાગર ગાયા જ કરે છે.

પુરોહિત : વિમાનમાંથી નીચે આવો, હે રાજા !

પ્રેતો : આવો, આવો ને પલવાર અમારી પાસે રોકાઓ. અમ અભાગીની એટલી આજીજી છે, ઓ પુણ્યશાળી ! તાજાં ચૂંટેલાં ફૂલ પર ઝાકળનાં બિન્દુ બાઝ્‌યાં હોય તેમ તમારે શરીરે પણ સંસારનાં આંસુ હજી ચોંટી રહ્યાં છે. પૃથ્વીનાં ફૂલોની, વૃક્ષોની ને માટીની સુવાસ હજુ તમારા દેહ પર મહેકી રહી છે, પ્યારાં સ્વજનોના સ્નેહની સુગંધ પણ હજુ તમારા શિરે મધમધે છે, ઋતુએ ઋતુના મધુરા રંગો પણ તમારા મોં પર હજુ રમી રહ્યા છે, હે રાજન્‌ !

સોમક : ગુરુદેવ ! આ નરકમાં તમારો નિવાસ !

પુરોહિત : તમારા કુમારને યજ્ઞમાં હોમાવ્યો, એ પાપની આ સજા મળી છે, મહારાજ !

પ્રેતો : કહો, કહો એ કથની, રાજા ! પાપની વાતો સાંભળવા હજુયે અમારાં હૈયાં તલપી ઊઠે છે. માનવીની વાણીમાં જ બોલજો. તમારા કંઠમાં હજુ સુખદુઃખના ઝંકાર ઊઠે છે, તમારા સૂરોમાં હજુ માનવીના હ્ય્દયની રાગરાગણી રણકે છે. કહો એ કથની.

સોમક : હે છાયાશરીરધારીઓ ! હું વિદેહનો રાજા હતો. મારું નામ સોમક. કૈં વર્ષો સુધી મેં હવનહોમ કર્યા, સાધુસંતોને સેવ્યા. વૃદ્ધ થયો ત્યારે મને એક બાળક સાંપડ્યો. એની પ્રીતિના પાશમાં હું પડ્યો. સૂર્ય સદા પૃથ્વીની સામે જ નિહાળતો ફરે તેમ હું યે મારા એ કુમારની સામે જ જોતો રહ્યો. કમળપત્ર જેમ ઝાકળના કણને જાળવીને ઝીલી રાખે, તેમ હું યે મારા એ બાળકને જતનથી જાળવતો હતો. હું રાજધર્મ ચૂક્યો, ક્ષત્રિયધર્મ ચૂક્યો, એ સર્વ ચૂક્યો. વસુંધરા અપમાન પામી. રાજલક્ષ્મી મારાથી મોં ફેરવી બેઠી. કચેરીમાં એક દિવસ હું કામ કરતો હતો, ત્યાં રણવાસમાંથી મેં મારા બાળકની બૂમ સાંભળી. ગાદી છોડીને હું દોડતો અંદર પહોંચ્યો. કામકાજ મેં રખડતાં મેલ્યાં.

પુરોહિત : એ જ સમયે હું રાજપુરોહિત, હાથમાં આચમની લઈને દરબારમાં દાખલ થયો. જતાં જતાં રાજાજી મને યે ઠેલતા ગયા. મારા હાથમાંથી અર્ધ્ય ઢોળાયું. મારું - બ્રાહ્મણનું - અભિમાન સળગી ઊઠ્યું. પલવારમાં તો શરમિંદે મોંયે રાજા પાછા આવ્યા. મેં પૂછ્યુંઃ ‘બોલો, રાજા ! એવી તે શી આફત ઊતરી કે તમે બ્રાહ્મણને તરછોડ્યો, રાજકાજ રખડાવ્યાં, પિડાતાં પ્રજાજનોની દાદ ન સાંભળી, પરદેશના રાજદૂતોને આદરમાન ન દીધાં, સામંતોને આસન ન આપ્યાં, પ્રધાનો સાથે વાત ન કરી, મહેમાનો કે સજ્જનોને સત્કાર્યા નહિ - અને એક પામર બાળકને રડતો સાંભળી, રઘવાયા બની, રણવાસમાં દોડ્યા ગયા ? ધિક્કાર છે ! તમારી મોહાંધ દશાથી ક્ષત્રિયનાં માથાં નીચાં નમે છે. એક બાળકના મોહપાશમાં તમને બંદીવાન બનેલા જોઈને દુશ્મનો દાંત કાઢે છે, બંધુજનો બીકથી બોલતા નથી, પણ એકાંતમાં આંસુ સારે છે, રાજા !’

સોમક : બ્રાહ્મણનો એ ફિટકાર સાંભળીને સભા સ્તબ્ધ બની. આતુર અને ભયભીત નજરે બધા મારી સામે નિહાળી રહ્યાં. પલવાર તો મારું લોહી તપી આવ્યું. બીજી પળે હું શરમાયો, ગુરુને ચરણે નમીને હું બોલ્યો કે ‘ક્ષમા કરો, મહારાજ ! હું શું કરું ? મારે એક જ સંતાન છે. મારો જીવ જંપતો નથી, પળે પળે પ્રાણ ફફડી ઊઠે છે, એટલે જ આજે મોહમાં પડીને મેં અપરાધ કર્યો છે. પણ સાક્ષી રહેજો, સહુ સભાજનો ! આજ પછી કદી હું રાજધર્મ નહિ ચૂકું, ક્ષત્રિયના ગૌરવને લગારે ખંડિત નહિ કરું.’

પુરોહિત : આનંદથી સભા ચુપચાપ બની, પણ મારા અંતરમાં તો ઝેરની જ્વાળા સળગતી જ રહી. હું બોલ્યોઃ ‘વધુ પુત્રો જોઈએ, રાજા ? એનો ઈલાજ મારી પાસે છે. પણ એ તો છે મહા વિકટ કામ. તમારી તાકાત નથી.’ ત્યાં તો ગર્વથી રાજા બોલ્યાઃ ‘હું ક્ષત્રિયબચ્ચો છું. તમારે ચરણે હાથ મેલીને પ્રતિજ્ઞા કરું છું કે હું એ કામ કરીશ.’ એ સાંભળીને હસતે મોંયે મેં કહ્યુંઃ ‘સાંભળો ત્યારેઃ હું યજ્ઞ કરું, ને હે રાજા, તમને સ્વહસ્તે એમાં તમારા એ કુમારનું બલિદાન દેજો ! એ બલિદાનનો ધુમાડો સૂંઘતાં જ રાણીઓને ગર્ભ રહેવાનો.’ એ સાંભળીને રાજાએ ચુપચાપ માથું નીચે ઢાળ્યું. સભાજનોએ કકળાટ કરી મેલ્યો, બ્રાહ્મણોએ મને ધિક્કાર દીધો. પરંતુ રાજાએ ધીરે સ્વરે કહ્યું કે ‘ક્ષત્રિયનું વચન છુ, ગુરુદેવ ! એમ જ કરીશ.’

પછી તો ચોમેર સ્ત્રીઓના વિલાપ ચાલ્યા, પ્રજાજનોના ફિટકાર સંભળાયા. સેના આખી વિફરી બેઠી, તો યે એકલા રાજાજી તો અચળ જ રહ્યા. યજ્ઞનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. બલિદાનનો સમય આવી પહોંચ્યો. પણ આસપાસ કોઈ ન મળે. રણવાસમાંથી કુમારને કોણ લઈ આવે ? નોકરોએ ના પાડી, પ્રધાનો ચૂપ રહ્યા, દ્વારપાળોની આંખોમાં આંસુ આવ્યાં, ને સેના બધી ચાલી ગઈ.

પણ હું, મોહનાં બંધનોને છેદનારો હું, બધાં શાસ્ત્રોનો જાણનારો હું, પ્રીતિનાં બંધનોને મિથ્યા માનનારો હું - હું પોતે રણવાસમાં પહોંચ્યો. એકાદ ફૂલને સો સો ડાળીઓ વીંટળાયેલી હોય, તેવી રીતે એ કુમારને ઘેરીને સો-સો રાજમાતાઓ ભયભીત અને ચિંતાતુર બની બેઠેલી હતી. મને જોતાં તો બાળક હસ્યો, ને નાના બે હાથ લંબાવ્યા, કાલી કાલી ભાંગીતૂટી બોલીમાં જાણે કાલાવાલા કરતો હોય ને ! ‘લઈ જાઓ, આ માતાઓને બંદીખાનેથી મને બહાર ઉપાડી જાઓ, મારું નાનું હ્ય્દય રમવા માટે તલસી રહ્યું છે.’

હસીને હું બોલ્યોઃ ‘આવ મારી સાથે, બેટા ! મમતાનાં આ કઠિન બંધનો ભેદીને તને હમણાં રમવા ઉપાડી જાઉં.’ એટલું કહીને બળજબરીથી માતાઓના ખોળામાંથી એ હસતા કુમારને મેં ઝૂંટવી લીધો. રાણીઓ મારા પગમાં પડી, મારો માર્ગ રોક્યો, મહા આક્રંદ કરી મૂક્યું. હું તો ઝપાટાબંધ ચાલ્યો આવ્યો. જ્વાળાઓ સળગી ઊઠી. રાજા તો પથ્થરની પૂતળી સમા ઊભા રહેલા. એ કમ્પતી ને ઝળહળતી જ્વાળાઓને જોઈ બાળક નાચવા લાગ્યો, કલકલ હાસ્ય કરવા લાગ્યો, બાહુ લંબાવી જાણે અંદર ઝંપલાવવા આતુર બન્યો. રણવાસની અંદરથી રુદનના સ્વરો ઊઠ્યા, ને બ્રાહ્મણો શાપ દેતા દેતા નગર છોડી ચાલી નીકળ્યા. હું બોલ્યોઃ ‘હે રાજા ! હું મંત્ર ભણું છું, ચાલો, હોમી દો આને અગ્નિની અંદર.’

સોમક : ચુપ રહો, ચુપ રહો, વધુ વાત કરશો મા હવે !

પ્રેતો : થંભી જા, થંભી જા, ધિક્કાર છે તને, ઓ બ્રાહ્મણ ! અને તો ઘોર પાપી છીએ, પરંતુ, રે પુરોહિત ! તારી જોડી તો જમલોકમાં યે જડે નહિ. તારે એકલાને માટે નોખી જ નરક કાં ન સરજાઈ ?

દેવદૂત : મહારાજ ! નિરર્થક આ નરકમાં રોકાઈને વિના પાપે પાપીની વેદના શાને સહી રહ્યા ? પધારો વિમાનમાં, બંધ કરો ભયંકર વાતો.

સોમક : વિમાનને લઈ જાઓ, દેવદૂત ! મારી ગતિ તો, રે બ્રાહ્મણ, આંહીં નરકમાં, તારી સાથે જ શોભે ! ક્ષત્રિયના મદમાં મત્ત બનીને મારા પોતાના કર્તવ્યની ત્રુટિને ટાળવા ખાતર મારા નિરપરાધી બાળકને મેં પિતાએ અગ્નિમાં હોમ્યો ! મારા નિંદકોને મારું શૂરાતન બતાવવા ખાતર મેં માનવધર્મને, રાજધર્મને, રે - મારા પિતૃધર્મને બાળી ખાખ કીધો ! જીવ્યો ત્યાં સુધી તો એ પાપની જ્વાળામાં સળગતો રહ્યો - હજુ યે, હજુ યે, એ જ્વાળા હૈયાને નિરંતર દઝાડી રહી છે. હાય રે, બેટા ! અગ્નિને તેં બાપનું દીધેલું રમકડું માન્યું, બાપને ભરોસે તેં બે હાથ લંબાવ્યા, ત્યારે પછી એ ડકાની અંદર અકસ્માત્‌ તારી આંખોમાંથી કેવો ઠપકો, કેવી તાજુબીને કેવો ભય ભભૂકી ઊઠેલાં ?

હે નરક ! તારા અગ્નિમાં એવો તાપ ક્યાં છે, જે મારા અંતરના તાપની તોલે આવે ? હું સ્વર્ગે જાઉં ? ના, ના ! મારાં પાપ દેવતા ભૂલી શકે, પણ મારાથી શે ભુલાય એ બાળકની છેલ્લી નજર, એ છેલ્લું અભિમાન ! દિવસરાત નરકના અગ્નિમાં હું સળગ્યા જ કરું તો યે, રે બેટા, તારી એ પલવારની વેદનાનું, બાપની સામે જોઈ રહેલી એ ગરીબ નજરનું, ને પિતાએ કરેલા એ વિશ્વાસઘાતનું વેર નહિ વળી રહે !

(ધર્મરાજ આવે છે)

ધર્મરાજ : પધારો, રાજન્‌ ! જલદી પધારો ! સ્વર્ગના વાસીઓ તમારી વાટ જુએ છે.

સોમક : સ્વર્ગમાં મારું આસન ન હોય, હે ધર્મરાજ ! વિના અપરાધે મેં મારા બાળકને હણ્યો છે.

ધર્મરાજ : અંતરના અનુતાપથી એનું પ્રાયશ્ચિત્ય થઈ ચૂક્યું છે, રાજા ! એ પાપનો ભાર ભસ્મ થઈ ગયો છે. નરકવાસ તો આ બ્રાહ્મણને માટે છે - જેણે જ્ઞાનના ગુમાનમાં, લગારે પરિતાપ પામ્યા વિના, પારકાના બાળકને માતાના ખોળામાંથી ઝૂંટાવીને હણી નાખ્યો છે. ચાલો, પ્રભુ !

પુરોહિત : જશો ના, ચાલ્યા જશો ના, મહારાજ ! ઈર્ષાના ભડકામાં મને બળતો મેલીને અમરલોકમાં એકલા ચાલ્યા જશો ના ! નવી વેદના પ્રગટાવશો ના ! મારે માટે બીજું નરક બનાવશો ના, કૃપાળુ ! રહો, આંહીં જ રહો !

સોમક : તારી સાથે જ હું રહીશ, હે હતભાગી ! નરગના આ પ્રચંડ અગ્નિમાં આપણે બન્ને મળી યુગયુગાન્તર સુધી યજ્ઞ કર્યા કરશું. હે ધર્મપતિ ! આ પુરોહિતનાં પાપ ખવાઈ જાય ત્યાં સુધી આ નરકમાં જ મારુ નિર્માણ કરો. એની સાથે જ મને રહેવા દો.

ધર્મરાજ : સુખેથી આંહીં રહો. મહિપતિ ! નરક પણ ગૌરવવંતું બનાવો. અગ્નિનો દાહ તમારા લલાટનું તિલક બની જાઓ, અને નરકની જ્વાલા તમારું સિંહાસન બની જાઓ.

પ્રેતો : જય હો પુન્યફળના ત્યાગીનો ! જય હો નિરપરાધી નરકવાસીનો ! જય હો મહાવૈરાગનો ! આંહીં રહીને, હે પુણ્યશાળી ! પાપીનાં અંતરમાં ગૌરવ પ્રગટાવજો. નરકનો ઉદ્ધાર કરજો, શત્રુને મિત્ર બનાવી જુગજુગ સુધી એક દુઃખાસને બેઠા રહેજો, વાદળાંની સાથે ઝળહળતો સૂર્ય દેખાય તેમ તમારી મૂર્તિ પણ વેદનાના શિખર પર સદાય પ્રકાશી રહેજો. એ જ્યોત કદી યે બુઝાશો નહિ !

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED