NO WELL: Chapter-18 Darshan Nasit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO WELL: Chapter-18

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ - ૧૮)

દર્શન નસીત

darshannasit@gmail.com


વર્તમાન,

૧૮ જુન,૨૦૧૩

‘ઝરીનના સ્યુસાઇડ નોટ મળવાથી ખરું કારણ જાણવા મળ્યું, એમ ને?’ પેલા સફેદ કપડામાં રહેલા ભાઈને સ્ટોરીમાં હું સાથ પૂરતો હોય તેમ પૂછયું.

‘હમમમ...’

રાતના ૧૧:૩૦ વાગી ગયા હતા. અમે ત્રણેય સ્ટોરીમાં એટલા મશગુલ થઇ ગયા હતા કે ક્યારે ચલાલા આવી ગયું એનો ખ્યાલ પણ ના રહ્યો. ચલાલાના બસ સ્ટેશનમાં સુનકાર છવાયેલો હતો. કદાચ થોડીવાર પહેલા વરસાદનું નાનું ઝાપટું પડ્યું હશે જેના પરિણામે માટીની મીઠી સુગંધ અને ઠંડકવાળું વાતાવરણ બસમાંથી ઉતરનારા મુસાફરોને આનંદિત કરી જતું હતું.

‘પછી શું થયું?’ મેં પૂછયું.

‘અત્યારે જો હું પોલીટીક્સમાં ચૂટાઈ આવ્યો છું. મારે જેવું રાજકીય અને સામાજિક વાતાવરણ ઉભું કરવાની ઈચ્છા હતી એ પ્રકારની બધું ધીમે ધીમે ગોઠવવાનું શરુ કરી દીધું છે.’

‘ઓકે... પણ ઝરીનના ગયા પછી શું થયું?’

‘બધી વાત હું કાલે અથવા પરમ દિવસે આપણે ફ્રી થઈને કરીશું. અત્યારે દુખદ પ્રસંગ ઘટી ગયો છે છતાં પણ હું મારાથી બનતા પ્રયત્ન કરીશ તને મળીને આગળની અધુરી વાત પૂરી કરવાનો.’ તેમણે પછીથી સંપર્ક સાધી શકાય તે માટે મારા કોન્ટેક્ટ નંબર માગ્યા.

મમ્મીનો વહાલસોયો આરા તો ક્યારનોય ખોળામાં સુઈ ગયો હતો. અમે ઘર તરફ ચાલવા લાગ્યા. તેઓને કદાચ ચોરાવાળી શેરીમાં જવાનું હતું, જે મારા ઘરથી ફક્ત બે મીનીટના અંતરે હતું.

₪ ₪ ₪

મેં ઘરે જઈને બેગને એક તરફ રાખી. લાંબી છતાં આનંદદાયક(નોવેલ માટેની પૂરી કથાવસ્તુ સાંભળવાથી) મુસાફરીમાંથી આવ્યા બાદ ભૂખ તો ક્યારની મરી ગઈ હતી. ફ્રેશ થઈને સુવા માટે પથારીમાં પડ્યો કે નજર સામે પેલા અજાણ્યા વ્યક્તિ પાસેથી સાંભળેલી સ્ટોરી આંખ સામે તરવળવા લાગી. નાદાની ભરી સંજના, સહનશીલ અને સમાજથી કંટાળેલી ઝરીન, રાજકારણની પુતળી આનંદી, મિત્રો માટે મરવા તૈયાર ફૈઝલ, પ્રેમમાં પાગલ શ્યામ અને પોતાના સ્વાર્થ માટે પરિવર્તન માંગતો રાકેશ...

વિચારોના મનોમંથનમાં હું પોતાને કેટલાક પ્રશ્નો રજુ કરવા લાગ્યો.

પણ મને સ્ટોરી કહેવાવાળું હતું કોણ? મારી સામે પ્રશ્ન પેદા થઈ ગયો. વાતચીતમાં સાથે વિતાવેલી ચાર કલાકની મુસાફરીમાં તેઓનું નામ પૂછવાનું ભૂલી ગયો.

પુરેપુરી કથાવસ્તુની જાણકારી આપનાર શ્યામ તો ન હોય શકે કેમકે તેની સાથે રહેલી સ્ત્રી તેની પત્નીની માફક વર્તન કરતી હતી અને તે શક્ય ન હતું કારણ કે તેમના જણાવ્યા પ્રમાણે ઝરીન તો હવે આ દુનિયામાં નથી રઈ.

કદાચ ફૈઝલ પણ હોય, કારણ કે તેની વાતો પરથી તે બધી વાતથી જાણીતો હોય તેવું લાગતું હતું. ફૈઝલ સ્ટોરીનું સાઇડ કેરેક્ટર હતું જે બધાને મદદ કરવા હંમેશા હાજર રહેતો.

અચાનક જવાબ મળી ગયો. બધું ખોટું વિચારું છું, તે વ્યક્તિ રાકેશ જ હતો. રાજકારણીની ભાષા પર પ્રભુત્વ અને બોલવાની છણાવટ. વિચારોને વધુ એક સપોર્ટ ગયો, પેલા દોઢેક વર્ષના બાળકનું નામ આરા હતુ, આનંદીનો “આ” અને રાકેશનો “રા”. આરા, બંનેનો છોકરો. છુટા પડતી વખતે ચુંટાઈ આવવાની વાત દર્શાવે છે કે એ રાકેશ જ હશે.

એન્જીનીયરીંગ સ્ટુડંટની માફક ગમે તેમ આડું અવળું ગોઠવીને જવાબ સુધી પહોચવાથી ફરીવાર આંતરિક ખુશી થઈ. હવે આગળ શું થયું હશે એ તો બધી ખબર રાકેશનો કોલ આવે અને મળીએ ત્યારે જ ખબર પડે.

શેરીમાંથી ગુરખાની લાકડીના અવાજે સૂચવ્યું કે રાતના સાડા બાર વાગી ગયા છે. ભાઈ, મમ્મી-પપ્પા તો ક્યારનાય સુઈ ગયા હતા. જયારે મેં મોબાઈલ ડેટાપેકેજ ઓન કર્યું ત્યારે વોટ્સ-અપમાં મેસેજની ધણધણાટી મચાવી દીધી. હોસ્ટેલમાં દરરોજ ૨-૩ વાગે શરુ થતી ઊંઘની સવારી ઘરે દસ વાગ્યે શરુ થઈ જતી પણ ઘરમાં બધા સુઈ ગયા હોવાથી મેં પણ હવે સુઈ જવા વિચાર્યું.

₪ ₪ ₪

હું ખુશ હતો. બે દિવસ પછી પેલા વ્યક્તિનો(મારા વિચાર્યા મુજબ કદાચ રાકેશ) કોલ આવ્યો. તેણે જણાવ્યું કે આજે સાંજે પાંચ વાગ્યે ફ્રી થઈને દાનબાપુની જગ્યાએ ભેગા થવા કહ્યું.

હું દાનબાપુની જગ્યાએ તેમની રાહ જોતો ઉભો હતો. ત્યાંથી નીકળતા દરેક વ્યક્તિમાં તેઓને શોધતો હતો. અચાનક જ એક બાઈક મારી નજીક આવીને ઉભી રહી, તેઓ આજે પણ સફેદ કપડામાં હતા.

‘આપણે ગામની બહાર ક્યાંક શાંતિથી બેસીને વાત કરીએ.’ તેમણે મને બાઈક પર બેસવા કહ્યું.

‘ઓકે...’ એ વ્યક્તિ જાણીતી નહોતી, પણ અજાણી પણ ના હતી. હું તેમની સાથે જવા તૈયાર થયો.

તેમણે બાઈકને રેલ્વે સ્ટેશન પર થોભાવી. આ જ જગ્યાએ સંજનાએ દિલ ખોલીને શ્યામને એકતરફી પ્રેમની રજૂઆત કરવાની શરૂઆત કરી હતી. તે સમયે ત્યાં આંગળીના વેઢે ગણીએ તો વેઢા વધી પડે એટલા લોકો જોવા મળે. ત્યાં રહેલા બાંકડા પર બેસીને ખાલી પાટાને જોતાજોતા મેં આગળની અધુરી કથા કહેવા કહ્યું.

‘ઝરીનના ગયા પછી એવા ઘણા વળાંકો આવ્યા, જેના લીધે બધામાં અત્યારે સુધી વર્ણવાયેલા બધા પાત્રોમાં સંપૂર્ણપણે ફેરફાર આવ્યો. પપ્પા અને મામાને થોડો અફસોસ હતો, શ્યામને ઝરીન વગરની જીંદગી જાણે ધબકારા વગરના હ્રદય જેવી બની ગઈ હતી જેને ફરી જીવંત કરવા અને ઝરીનના સમાજની વિચારસરણી બદલાવવા માટેની ઈચ્છાને ધ્યાનમાં રાખીને ફૈઝલે શ્યામને રાજકારણમાં પગપેસારો કરાવવાનું નક્કી કર્યું...’

₪ ₪ ₪

ઝરીનના દુનિયાથી દુર થયાને હજુ એક દિવસ પણ નહોતો થયો કે શ્યામ તેના જેવી સ્થિતિમાં જીવતા લોકોની મદદ કરવા માટે પોલીટીક્સનો સહારો લેવા બીજા દિવસે સવારે વિદ્યાનગરમાં આવી ગયા.

‘ફૈઝલ, આપણે જે કામ કરવા આવ્યા છીએ એમાં સફળ થઈશું?’ ફૈઝલ અને શ્યામ રમેશભાઈની ઓફિસની બહાર એપોઇન્ટમેન્ટ લઇ બેસીને વાતો કરતા હતા.

‘જરૂરથી મળશે.’ ફૈઝલે તેને આશ્વાસન આપતા કહ્યું.

‘તને શું લાગે છે આપણે ઝરીનની જે ઈચ્છાઓ હતી એ પૂરી કરી શકીશું?’ ઓફિસમાંથી આધેડ વયના બે વ્યક્તિઓ બહાર નીકળ્યા. એક સાથે ઉભા થઈને ઓફીસ અંદર પ્રવેશવા માટે મંજુરી માગી.

ટેબલની સામેની તરફ લાકડાની જૂનવાણી ખુરશી પર રમેશભાઈ પટેલ પૂરેપૂરી ખાદીમાં સફેદ રંગથી ઘેરાયેલા હતા. ડાબી બાજુએ મંદિરમાં સવારની શુભ શરૂઆત કરવા માટેની અગરબતીનો ધૂમાડો પંખાની ધીમી ગતિની સાથે સંપૂર્ણ ઓફિસમાં મોગરાની સુવાસ લઈને પ્રસરતો હતો.

‘ગૂડ મોર્નિંગ, સર’ ફૈઝલે રમેશભાઈને સુપ્રભાત પાઠવતા કહ્યું.

‘ગૂડ મોર્નિંગ, બેસો.’

સર બીજું કઇ પણ બોલે એ પહેલા ફૈઝલે બોલવાનું શરૂ કર્યું.’ હું ફૈઝલ અને આ શ્યામ. આજથી બે વર્ષ પહેલા મેં અહી વિદ્યાનગરમાં જ કોલેજ પૂરી કરી અને શ્યામે આ વર્ષે અમરેલીમાં...’

‘તમે મારી પાસે શું અપેક્ષા લઈને આવ્યા છો?’ વાતને ગોળગોળ ફેરવવાના બદલે સીધા મુખ્યમુદ્દા પર આવવા કહ્યું.

‘વિદ્યાનગરમાં ઈલેકશનના ઉમેદવારોના ફોર્મનો હવે ત્રણ દિવસ બાકી છે તેથી ચૂંટણીને પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો બાકી છે અને આ વખતનું પરિણામ સૌ કોઈ જાણે છે કે સામેના પક્ષના યુવાનેતા અને એક સમયનો ચૂંટાયેલો જી.એસ. ઉમેદવાર રાકેશ જીતવાનો છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ જીતશે તો રાકેશ જ.’ ફૈઝલના અવાજમાં એવો જુસ્સો હતો કે સામેવાળો તેની વાતને માને કે ના માને પણ એક વાર વાત પર વિચારે તો ચડી જાય.

‘અમે જીતવા માટે પહેલેથી જ શક્ય એટલા પ્રયત્નો કરવાનું શરૂ કરી દીધું છે.’ રમેશભાઈએ કહ્યું.

‘રાજકારણ ફક્ત જીતવા માટે નથી. ગંદા રાજકારણનો ઉપયોગ કરીને સામેવાળાને હરાવવા માટે પણ છે અને અમે એ મેલા રાજકારણનો સહારો તમને આપવા આવ્યા છીએ.’ ફૈઝલ વાતને મુખ્ય મુદ્દા પર લઇ જતા બોલ્યો.

‘કઇ રીતે? અને તમે અમારી પાર્ટીને એવા ક્યાં કારણથી મદદ કરો?’ વાત ગળે ન ઉતરતા એક રાજકારણીના વિચારમાં તેઓએ પૂછ્યું.

‘તમે ઠેરઠેર પ્રવચનોમાં રાકેશના નાનાભાઈની વાત કરવાનું વિચારો છો એ આ શ્યામ છે અને તેની સાથે લગ્ન કરનારી છોકરી મારી બહેન હતી. જેણે ગઈ કાલે જ દુનિયાથી કંટાળીને આત્મવિલોપન કર્યું. તેના માટે સમાજ જવાબદાર છે, નહિ કે કોઈ એકાદ બે વ્યક્તિઓ... આપણી સામાજિક વ્યવસ્થાએ ઝરીનને ભાંગી નાખી તેને એકલી કરી નાખી. હું વિચારું છું કે આં પ્રશ્નનો જવાબ સમાજ વ્યવસ્થામાં થોડાઘણા ફેરફાર કરવાથી જરૂર આવશે. તમે મદદ કરશો?’ ફૈઝલે પૂરેપૂરી વાતની ચોખવટ કરતા કહ્યું.

‘વિચારો કે મેં તમને મદદ માટે હા તો પાડી પણ બોલો, તમે આપણી પાર્ટીને જીત કઇ રીતે અપાવશો?’ રમેશભાઈએ તેની પાર્ટીને હવે આપણી પાર્ટી શબ્દ વડે સંબોધીને તેઓને પોતાની સાથે જોડી દીધા.

‘રાકેશ જેવા યુવાનની સામે લડત આપવા અત્યારે પક્ષ દ્વારા ચર્ચામાં રહેલા સંજીવભાઈની ઉમર થોડી વધારે પડતી વધુ છે એટલે તો સૌ પ્રથમ તેની સામે કોઈ શ્યામ જેવા નાની ઉમરના યુવાનને રાખવો જોઈએ જેથી ખાસ કરીને વિદ્યાનગરના વિદ્યાર્થીઓનો સારો એવો સપોર્ટ મળી જાય.’ ફૈઝલે વિદ્યાનગરની પ્રજા અનુસાર રાજગાદી પર યુવાનને બેસાડવા માટે પગલા પડાવવાનું શરૂ કર્યું.

‘પણ, ચૂંટણી માટેની બધી તૈયારી અંતિમ તબક્કા સુધી ગોઠવાઈ ચુકી છે.’

‘એ બધી તૈયારીઓ હારવા માટેની તૈયારીઓ છે.’ શ્યામે વચ્ચે કહ્યું.

બધી વાતો કરીને અંતે તેઓને જે કામ હતું તે પાર પડવાની સંભાવનાઓ નજર સમક્ષ દેખાઈ ગઈ. જ્યારે રમેશભાઈએ અરજન્ટ મીટીંગ બોલાવી અને એ સંભાવનાઓ હકીકતમાં પરિણમી ગઈ શ્યામને રાકેશની સામે ઉમેદવાર તરીકે ઉભા રહેવા માટે તેનું નામ સંજીવભાઈનું ફોર્મ રદ કરાવીને તેનું નામ નક્કી થતાની સાથે જ...

‘ખુશને?’ નિર્ણય આવી જતા ફૈઝલે શ્યામને પૂછ્યું.

‘હમમમ... જ્ઞાતિનો ભેદ ઉભો કરનારાઓ સામે આપણી લડાઈ શરૂ થઇ ચુકી છે. રૂઢીચુસ્તતા ધરાવતા મોટાભાઈ વિરુદ્ધ નવા પ્રેમ વિશ્વના સપના જોતા નાનાભાઈની લડાઈ...’ તે ઉમેદવાર તરીકે નક્કી થઈ આવતા વધુ ખુશ થતો હતો.

બપોરના સમયે ફૈઝલે નીલની શ્યામ સાથે મુલાકાત ગોઠવી. નીલે જી.એસ.માં જીતવા માટે રાકેશને કરેલી મદદની વાત કરી.’ કોલેજના છેલ્લા દિવસે હું અને રાકેશ છેલ્લી વખત મળ્યા પછી અમારી મુલાકાત શક્ય ના બની. ગયા વર્ષે મેં અનુભવ્યું કે મેં રઝીયા સાથે જે પણ કર્યું તે ખોટું કર્યું. તે સમયે મોડું થઈ ગયું હતું, કારણ કે કોલેજમાંથી નીકળીને તરત જ તેના લગ્ન થઈ ગયા ત્યારબાદ હું તેને પછી ક્યારેય મળી પણ ના શક્યો. ભૂલ થઇ પણ હવે પસ્તાવો કર્યે પણ કઇ ફાયદો નથી.’

‘તું તારી ભૂલનો પશ્ચાતાપ એક રીતે કરી શકે છે.’ ફૈઝલે નીલને માર્ગ બતાવતા કહ્યું.

‘કઇ રીતે?’ નીલે અધીરાઈથી પૂછ્યું.

‘રાકેશે તને મહોરો બનાવીને રઝીયાના ભાઈ સાથે ઝઘડો કર્યો તેનાથી તે તો ફક્ત રઝીયાને ગુમાવી પણ શહેરની દરેક શેરીના દરેક વ્યક્તિના મનમાં કોમવાદની સ્થાપના થઈ ગઈ. કોલેજમાં આપણી બેચના ગયા પછી જી.એસ. માટે ઈલેકશન થવાને બદલે સિલેકશન થવાનું શરૂ થયું. જયારે જી.એસ તરીકેની રાકેશની દ્વિમુખી અવસ્થા મારી સામે આવી ત્યારે મેં શ્યામ અને ઝરીનના ભગાડીને લગ્ન કરાવ્યા. ચાર દિવસમાં જ ઝરીને સમાજની જ્ઞાતિપ્રથાની અસરને લઈને માનસિક રીતે તૂટી પડતા તેણે આપઘાત કરી લીધો. આ વખતે શ્યામ ઈલેકશનમાં રાકેશની સામે ઊભો છે. જો તું રાકેશની કઇક એવી વાતો બહાર લાવવામાં મદદ કર જેથી અમે તેને હરાવીને કોમવાદ ઊભો કરનાર એક વ્યક્તિને રાજકારણમાંથી દૂર કરી શકીએ.’ ફૈઝલ ફરી એકવાર ભૂતકાળને વર્તમાનની નજીક લાવ્યો.

‘હું મદદ કરીશ. મેં અહીં ‘હેલ્પ ટુ ઇન્ટરકાસ્ટ’ નામની નાની એવી ટીમ બનાવી છે. જે બે જ્ઞાતિના વ્યક્તિને નજીક આવતા અટકાવનાર સામે પગલા તો ન લઇ શકે પણ તેવા વ્યક્તિઓને રક્ષણ તો આપી શકે અને બીજી વાત મદદની તો હું તમને લોકોને જી.એસ. ચુંટણી વખતે કરેલું બધું રેકોર્ડીંગ જેમાં મારા બ્રેકઅપથી ઈલેક્શન જીત્યા ત્યાં સુધીના રાકેશની માનસિકતા સૂચવતા ઘણા બધા સંવાદો છે એ આપીશ જેની મદદથી તમે કોઈ એવો પોઈન્ટ શોધી શકો અને જો તમે ચુંટાઈ આવો તો ‘હેલ્પ ટુ ઇન્ટરકાસ્ટ’ને સરકારી સપોર્ટ પણ મળી જાય.’ નીલે પોતાની ટીમનું ભવિષ્ય બનાવવા મદદ આપવાનું વચન આપી અને કલાક બાદ રેકોર્ડીંગ આપતાની સાથે નિભાવ્યું પણ ખરા...

₪ ₪ ₪

‘લોકોની વચ્ચે એકતા જાળવી રાખવા ધર્મના બંધનોની જરૂર નથી. સૌ કોઈ આજથી બે વર્ષ પહેલા થયેલા કોમવાદથી પરિચિત છે પણ એ ઘટના પાછળના રમાયેલા રાજકારણનું કારણ કોઈ જાણતુ નથી.’ વિદ્યાનગરમાં સભાની વચ્ચે અંદર શ્યામે પ્રમુખ ચૂંટણીનું પૂર્વાયોજીત પ્રવચન આપતા કહ્યું. તેને પણ લોકોનો સારો એવો રિસ્પોન્સ હતો, તેથી જ તો તેની સામે ગામડાં અને શહેરોની ચૂંટણીમાં વિવિધ પ્રલોભનો આપીને બેસાડેલી પ્રજાના બદલે યુવાવસ્થામાં કેટલાક પગલા માંડતા તો કેટલાક માંડી ચુકેલા યુવાનો સારી એવી સંખ્યામાં હાજર હતા. હકીકતમાં તો તેનું આ પહેલું પ્રવચન હતું, તેથી કાગળમાં લખેલા લખાણને વ્યક્ત કરવાનું હતું, પણ તેને આ બાબતનો ખ્યાલ ના રહેતા તે દિલમાંથી નીકળતા ધર્મના બંધનોને મિટાવવાનો ભાવ અવાજરૂપે સરી પડ્યો.

‘લોકો પોતાની ભૂલો દબાવાવા માટે ગમે તેટલા પ્રયત્નો કરે છતા પણ તે સંપૂર્ણપણે સલામત નથી હોતા. પોતાના સપનાઓને પુરા કરવા માટે બીજા ધર્મ કે જ્ઞાતિના વ્યક્તિ સાથે અન્યાય કરાવીને સફળતા મેળવે. જે વ્યક્તિની આંખમાંથી બીજાની આંખોમાં ધર્મના નામે અંગારા ભભકતા જોવા ઈચ્છતો હોઈ તે આપણા શહેરનું ભલું કરવાના બદલે શહેરને ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ ગ્રુપનો અડ્ડો બનાવવામાં રચ્યો પચ્યો રહેશે. હવે નિર્ણય તમારા હાથમાં છે કે શહેરને પોતાના જ ધર્મના લોકોને પોતીકા સમજવાવાળાને સહકાર આપવો કે પ્રગતિની કિરણો લઇ આવનારને. આશા રાખું છું કે બે વર્ષ પહેલા કોલેજના જી.એસ.ની ચૂટણીમાં વિદ્યાર્થીઓ વડે થયેલી ભૂલને તમે લોકો ફરીવાર નહિ થવા દો. સમજદારને ફક્ત એક ઈશારો કાફી હોય છે પણ અહી તો સમજદારની સામે આખી સત્ય હકીકતની ફિલ્મ હાજર છે. જય હિન્દ’ શ્યામ જેટલો માઈકથી દૂર ગયો એટલામાં ફૈઝલે નજીક જઈને કાનમાં કહ્યું ‘શ્યામ, જીતવાની શક્યતા કોની છે. એ તો કઇ નક્કી ન કહી શકાય પણ રાકેશની હકીકત લોકો સમક્ષ રજૂ કરવામાં આપણને સફળતા મળી છે. પોણા ભાગનું શહેર રેકોર્ડીંગ અને પેલા ઝઘડાના શુટિંગથી વાકેફ થઇ ગયા છે.’

‘નીલની મદદ વગર આ બધું જ અશક્ય હોત. કદાચ અહી સુધી પહોચ્યા પણ ના હોત.’

‘એ તો છે જ...’

નીલ અને શ્યામની વચ્ચે ફર્ક એટલો જ હતો કે નીલે રાકેશના મેલા રાજકારણની ઝપટમાં રઝીયા ગુમાવી તો શ્યામે દુનિયાના ઘાતકી અને કટ્ટર નિયમોમાં ઝરીનને…

શું શ્યામને આવનારી ચૂટણીમાં યુવાવર્ગનો સહકાર મળી રહેશે ? રાકેશના શું પ્રતિભાવ હશે ?

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com