NO WELL: Chapter-16 Darshan Nasit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO WELL: Chapter-16

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ - ૧૬)

દર્શન નસીત

darshannasit@gmail.com


‘ઝરીન ક્યાં?’ બિલાલમામાએ રાતે ઘેર આવીને પૂછ્યું.

‘સવારની બહાર ગઈ છે હજુ નથી આવી.’ મામી મામાના ડરમાં ગભરાતા અવાજમાં બોલ્યા.

મામા દરરોજ સાત વાગ્યે આવતા પણ તે દિવસે ચુંટણી કામની મિટિંગ ગોઠવાઈ જવાને લીધે આંઠને દસ થઇ હતી.

‘ફૈઝલ.’ મામાનો અવાજ સાંભળી ફૈઝલ તેના રૂમમાંથી બહાર એવી રીતે નીકળ્યો કે જાણે તેને કઇ ખબર જ ના હોય!

‘શુ?’ કાનમાંથી હેડફોન કાઢતા બોલ્યો.

‘ઝરીન ક્યાં છે? કઇ ખબર છે ?’ મામાને તેની ભત્રીજી ઝરીન કરતા ટુંકા સમયમાં ઘરની વહું થનારી ઝરીનની ચિંતા વર્તાતી હતી.

‘અમદાવાદ.’

‘કેમ અમદાવાદ? ક્યારે? મને પૂછ્યા વગર?’ તે ઘર છોડીને ભાગી ગઈ છે તે કઇ રીતે સમજાવવું.

‘આજે બપોરે, શ્યામ સાથે.’ ફૈઝલના એક-એક શબ્દ ઘરના વાતાવરણમાં ભાર લાવતા હતા. જેમ કે મામીના રસોડામાંથી કામ એક તરફ મુકીને પાસે આવીને બેસી જવું. મામાના મો પર એક પછી એક વધતી જતી ગુસ્સાની રેખાઓ...

‘તે ભાગી ગઈ એમ કહેવા માંગે છે?’

‘હમમમ... તેની સાથે કોલેજમાં ભણતા શ્યામ સાથે.’

‘તને કઇ રીતે ખબર પડી કે તેઓં અમદાવાદ જ ગયા છે?’ ધર્મના વમળોમાં વીંટાયેલા રૂઢીચુસ્ત વ્યક્તિને કઇ રીતે સમજાવવું કે ધર્મ ના ભેદ કઇ હોતા નથી.

‘મારી સાથે વિદ્યાનગરમાં સાથે ભણતા મિત્રે મને થોડીવાર પહેલા તેઓંને અમદાવાદમાં સાથે જોયા એટલે મને ફોન કરીને જણાવ્યું. તમે થોડા બીઝી હતા એટલે તમે ઘરે આવો એટલે કહેવાનો જ હતો.’

‘ઠીક છે.’ બોલીને મામાંએ રૂમની અંદર જઈને દરવાજાને બંધ કરીને કોઈને ફોન કર્યો. રૂમના બંધ દરવાજામાંથી થોડો એવો અવાજ સંભળાતો હતો કે, ‘પોલીસને ગુમ થવાની ફરિયાદ પણ આપી દો. બનેને અમદાવાદમાંથી ગમે તેમ શોઘો અને જેવા મળે એટલે તરત બંનેને પતાવી દો, જેથી બીજા કોઈ આવી ભૂલ કરવાનો વિચાર પણ ના કરે.’

બહાર નીકળતા મામાએ ધમકી આપતા હોય તે રીતે ફૈઝલને કહ્યું, ‘તું આજે અમદાવાદ જા અને શોધ તારી મંગેતર ને.’

‘હમમમ.’ ફૈઝલ દુવિધામાં પડી ગયો. પોતે ભગાડેલા અને સંતાડેલા પ્રેમીની જોડને બચાવવા અમદાવાદ જાય કે તેની શોધ માટે મામાની ઈચ્છા મુજબ પ્રેમીને પકડાવવા...

₪ ₪ ₪

ઘરેથી ભાગીને આવ્યા અને બીજા દિવસે પ્રેમી પંખીડાઓનો મદદનીશ તેમની સામે આવીને આવીને ઉભો રહી ગયો.

‘ત્યાં કેવુંક વાતાવરણ છે?’ ફૈઝલના ઘરમાં પગ મુકતાની સાથે ઝરીનના મોમાંથી સવાલ નીકળી ગયો.

‘એ તરફ જોવા જેવું પણ નથી. તમારા બંનેમાંથી જે પણ જોવા મળે કે તરત મારી નાખવાનો પપ્પાએ હુકુમ કરી દીધો છે, અને રહી વાત શ્યામના કુટુંબ તરફની તો રાકેશ જેવો ભાઈ પપ્પાને પણ પાછળ રાખી દે.’

‘પણ, ભાઈ તો પ્રેમમાં માને છે.’ રાકેશ વિશે ખરાબ સંભાળતા પ્રશ્ન બહાર આવી ગયો.

‘એ પ્રેમમાં નહિ, પોલીટીક્સમાં માને છે. તેના આનંદી સાથેના ત્રણ મહિના પેલા થયેલા મેરેજ પણ લવ મેરેજ નહિ સપોર્ટ મેરેજ હતા.’

‘સપોર્ટ મેરેજ?’

‘હમમમ..... તેનું નામ બનવાવા વિદ્યાનગરમાં હિમ્મતલાલનો સપોર્ટ મેળવવા માટે આનંદી સાથે પ્રેમ કર્યો. જી.એસ. તરીકે જીતવા માટે કોમવાદ ઉભો કર્યો અને પાર્ટીમાં સ્થાન જમવા માટે મેરેજ કર્યા.’ ફૈઝલની પાસેથી આવી વાત જાણતા શ્યામને પણ થોડી થોડી નફરત થવા લાગી.

‘હવે શું કરીશું?’

‘મને તમારી શોધમાં મોકલ્યો છે. તમે હમણાં શક્ય તેટલા બહાર ના આવતા હું સંભાળી લઈશ.’ બંનેની સલામતીની જવાબદારી હવે ફૈઝલના હાથમાં હતી.

‘હા, અમે ધ્યાન રાખીશું.’ ઝરીનનો હાથ પકડતા શ્યામે કહ્યું.

‘મારે સુરતમાં ત્રણ-ચાર દિવસનું કામ આવી ગયું છે. તમને જો કઇ વાંધો ના હોઈ તો જાવ.’

‘અહીં અમે ભરતકાકાને ત્યાં ચાલ્યા જઈશું.’

‘તમારી સલામતીનું.?’

‘ત્યાં અમે સલામત જ છીએ. તેઓ અહિયાં પ્રખ્યાત રાજકરણીમાંના એક છે અને ચોક્કસપણે મદદ કરશે.’

‘જેવી તમારી ઈચ્છા.’

‘અહીં રહેવું થોડું વાંધાજનક છે. રાકેશ પણ અહીં મારી સાથે ત્રણ-ચાર વાર આવેલો છે.’

‘કાકાને ત્યાં અમને તેમના તરફથી સપોર્ટ મળશે.’

‘ઓ. કે.’ ઝરીન એટલું બોલીને તેની સાથે ઘરેથી લીધેલા બેગને લઈને શ્યામ પાસે કાકાના સલામત ઘરે જવા માટે તૈયાર થઈને આવી.

₪ ₪ ₪

કાકાના ઘરે પહોચ્યા તે પહેલા ફોન થઇ ગયો અને તેમને ત્યાં બંનેને રહેવા માટેની મંજૂરી મળી ગઈ હતી. તો બીજા તરફ બિલાલમામાએ ઘરે જઈને પપ્પા સાથે વાતચીત કરી કે હવે બંનેમાંથી જે મળે તેને ગુનાની સજા આપવી. પપ્પા પણ તેમની વાતથી સહમત થઇ ગયા, કારણકે તેઓ માટે તેમના દીકરા કરતા દેવતાના ધર્મ વધુ મહત્વના હતા.

ફોનની ડીસપ્લે ઘરેથી આવેલા ૧૭ મીસકોલ અને અજાણ્યા નંબરના ૬ મીસકોલ સૂચવતો હતો. જયારે શ્યામને રાકેશનો કોલ આવ્યો કે રિસીવ કરતા શ્યામે પૂછ્યું. ‘બોલને ભાઈ.’

‘લવર બોય એમને?’

‘હમમમ....’ પપ્પાની સાથે વાત થઇ હોવાની ખાતરી જણાતી હતી.

‘કઇ બાજુ.’

‘ભરતકાકાને ત્યાં.’ શ્યામનો આ રીતે જવાબ સંભાળીને ફૈઝલ ઇશારાથી કહેવા લાગ્યો કે શું કરે છે. તેને બંનેની છુપાવાની આ જગ્યાનું કેવા નું નહોતું.’

‘હમણા ચૂંટણીમાં થોડો વ્યસ્ત છું. ચાલ રાખું. પછી મળીએ.’ આટલું સાંભળતા તેણે ફોન કાપી નાખ્યો.

‘શું કામ કાકાને ત્યાં હોવાનું કીધું?’

‘તે ત્યાં કશું નહીં કરી શકે.’

‘ઠીક છે પણ ધ્યાન રાખજો.’

ફૈઝલ નવયુગલને ભરતકાકાને ત્યાં સલામતી અનુભવતા સમજીને ત્યાં ઉતારીને સુરત તરફ રવાના થઈ ગયો.

₪ ₪ ₪

સવારથી સાંજ સુધી આવનારી ચુંટણીની તૈયારીમાં ખૂબ વ્યસ્ત હતો. ઉમેદવાર હોવાના લીધે મોટા ભાગની કાર્યવિધિ રાકેશ ઉપર આવેલી હતી. વિદ્યાનગરની બધી શેરીઓના યુવા સંગઠનોમાંથી વધુને વધુ સહકાર મળતો જતો હતો. તેની સામે સફેદ વાળવાળા સંજીવભાઈ પટેલને હરાવવા માટે પૂરે પૂરો સક્ષમ હતો અને બીજો હિમ્મતલાલનો સસરા તરીકેનો સપોર્ટ...

આખા દિવસની કામગીરી પૂરી કરીને થાકીને ઘરે પહોચ્યો કે તરત પપ્પાજીએ પૂછ્યું, ‘શ્યામની કઇ ખબર મળી?’

‘હા.’ આગળના દિવસે જણાવેલી શ્યામના ઝરીન સાથે ઘરેથી ભાગી જવાની વાતનો જવાબ આપતા કહ્યું.

‘બંને ક્યાં છે?’

‘તે અમદાવાદ છે. રમેશકાકાના ઘરે. બંને વ્યક્તિઓ.’ રાકેશ ફ્રેશ થઈને રૂમની બહાર આવ્યો.

‘ઓપોઝીશન પાર્ટીવાળાઓ માટે આ એક મુદ્દો મળી ગયો છે. તેઓ એક પ્રવચનમાં પણ બોલશે કે જે વ્યક્તિને બે ધર્મના વ્યક્તિ સાથે રહે એ ગમતું ના હોય અને સાવ અલગ ધર્મની વ્યક્તિ સાથે તેનો સગો ભાઈ ભાગીને લગ્ન કરે અને તે કઇ ના બોલે તો જયારે સમાજમાં પ્રશ્નો ઉભા થશે એ કઇ રીતે સંભાળી શકવાનો.’ પપ્પાજીએ તેની પાછળ રમતા અજાણ્યાં રાજકારણની વાત કરી.

‘હવે શું કરીશું? કઇ ઉપાય?’ રાકેશને ગભરાટની સાથે ધીરેધીરે આવતા વિકૃત કર્મના વિચારોમાં નવું પરાક્રમ કરવા માટે વિચારવા લાગ્યો.

‘તને યાદ છે. જી.એસ.ના ચૂંટણી પહેલા તે કોમવાદ ઊભું કરેલું તે સમય એ તારા ભાઈની સાથે બીજી જ્ઞાતિની છોકરી સાથે પ્રેમની શરૂઆત થઇ અને આજે ચૂંટણીના અઠવાડિયા પહેલા તેઓ ભાગી ગયા છે. કઇક તો કરવું પડશે, નહિ તો હારવાનું પણ કદાચ નસીબે લખાઈ જશે, જે મને માન્ય નથી.’

‘કાલે અમદાવાદ જઈને કંઇક કામ પતાવું છું. રાજકારણ એવો વ્યવસાય છે જેમાં ટકી રહેવા માટે મરવું પડે અથવા તો મારવું પડે, જેમાંથી પહેલો વિકલ્પ મને પસંદ નથી.’ રાજકારણમાં તેને ઘણા કાયદેસર તો કેટલાક ગેરકાયદેસર કામ પણ કરવા પડે એમ હતા.

‘ઓ.કે., બેસ્ટ ઓફ લક.’

આનંદીએ જમવા માટે બુમ પાડી.

‘રાકેશ, બહાર જવાનું છે?’ મમ્મીજીએ સવાલ કર્યો.

‘હા, અમદાવાદ જવાનું છે થોડું ઘણું કામ છે. જમાઈરાજા જમવામાં ધ્યાન આપો.’ પપ્પાજીએ આંગળી વડે ઇશારા સાથે મજાક કરી વાતને વાળી લીધી.

₪ ₪ ₪

અમદાવાદના વિશાળપટમાં ઘરથી વિખુટા પડેલા નવદંપતી પોતાનું કહી શકે, એવું ઘર વસાવવા માટે નાનામોટા કામની શોધ કરવી પડે તેમ હતી. બાળપણથી ભાષાકીય વિષય પર થોડું વધારે પ્રભુત્વ હોવાના લીધે ઘર ચલાવવા શ્યામે શૈક્ષણિક માધ્યમથી શરૂઆત કરવા વિચાર્યું.

ઘરેથી શ્યામે નીકળતી વખતે આજુબાજુમાં કોઈ ન દેખાતા પ્રણયની તક ઝડપીને ઝરીનને હુંફાળા આલિંગનમાં લઈ મલકાઈને હળવેકથી બોલ્યો, ‘તારા મળવાથી મને મારું સર્વસ્વ મળી ગયું છે. ક્યારેક તો એવું મન કરે છે કે તારી આખોમાંથી પ્રગટ થતા ઠંડા પવન સાથે લહેરાતા મોજાઓમાં દિવસ-રાત ડૂબકીઓ માર્યા કરું.’ કાકી ઘરકામની સાથે મીઠા અવાજમાં ભક્તિમય થઈને ભજનો ગાવામાં વ્યસ્ત હતા. બાથરૂમ ગાયન કલાકાર કાકાની જેમ...

‘ખોટા વખાણ કરવાના બદલે નોકરી માટે પ્રયાણ કરો, મારા પ્રિયજન !’ ઝરીને પણ ભાષા પરનું પ્રભુત્વ દર્શાવતા કહ્યું..

‘ઓકે... નાનામાં નાની કઈપણ વાત હોય તો મને જાણ કરી દેજે.’ શ્યામે કહ્યું.

‘બેસ્ટ ઓફ લક એન્ડ કોન્ગ્રેજ્યુલેશન.’ ઝરીનના અભિનંદન પાઠવવાની સાથે જ શ્યામને નોકરી મળી જવાની હોય તેમ કોન્ફિડન્સથી શુભેચ્છાઓ આપતા બોલી.

‘થેન્ક્સ.’ ઝરીન પરથી એક પળ માટે નજર હટાવીને દૂર જવા શ્યામનું મન નહોતું લાગતું. કઈક અંશે આંતરિક લાગણીઓ ખરાબ થવાની નિશાનીઓ બતાવતી હતી. ઝરીને શ્યામ તરફ જોઈને સ્માઈલ આપી અને ફરી એકવાર તેના પ્રેમના દરિયામાં ડુબાડી દીધો.

‘બાય’ કહેતા હાથ ઉંચો કરીને હલાવ્યો.

મેકઅપવાળા ચહેરાઓને પણ પાછા પાડી દે તેવો ઝરીનનો ચહેરો આજે વધુ આકર્ષક હતો. જાંબલી ડ્રેસમાં મનોહર લાગતી હતી. હાથમાં પહેરેલી ડાયમંડવાળી વીટીએ ફરી તેની નજર ખેંચી. શ્યામે અંદરથી ખચકાટ સાથે બાઈકને કિક મારી ત્યારે તેણે ઝરીન સાથેના સબંધથી દૂર થતો હોય તેવું અનુભવ્યું. શ્યામે શેરીના ખૂણા સુધી પહોચ્યો ત્યાં સુધીમાં ચાર વખત ફરીફરીને જોયું.

કોણ કહે છે કે પ્રેમ એક વાર થાય છે? શ્યામ જેટલી વાર ઝરીનની સામે જુએ એટલી વાર તેને તેની સાથે પ્રેમ થાય છે.

કાકા નજીક આવતા ચૂંટણીના વ્યવસ્થાપન હેતુથી અને કાકી ખરીદી કરવાના વિચારથી બે-ત્રણ કલાકના સમયગાળા માટે ઘરેથી નીકળી ગયા હતા. કાકીને થયું કે ઝરીન ઘર છોડીને આવી છે એટલે જો સાથે ફરવા આવે અને સાથે કોઈ સથવારો મળી જાય. ઝરીને સાથે બહાર નીકળવાની ઈચ્છા ન હોવાનું કારણ બતાવી તેમને એકલા જવા કહ્યું. ઝરીન દરવાજો બંધ કરીને ટી.વી. સામે ગોઠવાઈ ગઈ.

ટ્રીન...ટ્રીન... ટીવીની ચેનલો બદલાવીને તે કોઈ એક પર સ્થિર થઇ હશે કે ફોનની ઘંટડી વાગી. શ્યામનો કોલ આવવાની રાહ જોઇને બેઠેલી હોય તેમ ઝડપભેર રીસીવર ઉપાડી કાન નજીક રાખ્યું.

‘કોણ?’ ફોનમાં સામેથી અજાણ્યા પુરુષનો સખત અવાજ સાંભળીને, ચહેરા પરથી શ્યામનો અવાજ સાંભળવાનો આનંદ ઊડી ગયો.

‘ઝરીન, અને તમે?’

‘રાકેશ, બસ હવે થોડા જ સમયના મહેમાન છો.’

‘તમે જે કહેવા માગો છો એ સમજાયું નહી,’ ઝરીન એક પળ માટે ચૂપ થઇ ગઈ જાણે તેની સામે મામા આવી ગયા હોય.

‘બધું સમજાઈ જશે. શ્યામ ક્યાં છે?’ રાકેશે પૂછ્યું.

‘નોકરીના ઈન્ટરવ્યું માટે ગયા છે.’

‘હું અમદાવાદ આવ્યો છું. કલાકમાં ઘરે આવું છું. બીજા એક સમાચાર આપવાના તો ભૂલાય જ ગયા કે અત્યાર સુધી તમારા બંનેને મદદગાર ફૈઝલે ચલાલાથી મામા અને પપ્પાને બોલાવ્યા છે એઓ પણ હવે પહોચવા આવ્યા હશે,’ રાકેશે જણાવ્યું.

ઝરીનને જે વાતનો ડર હતો તે થવા જઈ રહ્યું હતું. શ્યામને ફોન કર્યો પણ ઇન્ટરવ્યુમાં ખલેલ ના પહોચે તે માટે સાયલંટ મોડમાં ફોનમાં, ‘આપ જે ગ્રાહક સાથે વાત કરવા માગો છો ફોન ઉપાડતા નથી’ એવી કેસેટ વાગતી હતી. ફૈઝલ સાથે વાત કરવા ફોન જોડ્યો પણ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ઝરીને ત્યાંથી ભાગી જવા વિચાર્યું પણ શ્યામ સિવાય તેનું બીજું કોઈ હતું પણ નહી કે તે કોઈની પાસે ચાલી જાય.

₪ ₪ ₪

‘મેં આઈ કમ ઇન સર?’ લાઈટ બ્લુ કલરના પ્રોફેશનલ કપડામાં ઓફિસનો દરવાજો ખોલતા શ્યામે પૂછ્યું. અંદર આવવા માટેની રજા મેળવવા માટેના વાક્યે તેને કોલેજમાં ઝરીનના હાજર થવાના દિવસને યાદ કરી હોઠ પર સ્મિત લાવી દીધું.

‘યસ.’ સામેથી પચાસેક વરસની ઉમરના પ્રિન્સિપાલ સાહેબે પોઝીટીવ રિસ્પોન્સ આપ્યો.

દીવાલ ઉપર ગાંધીજી અને સરદાર પટેલની પ્રતિમાઓ એક તરફ ખૂણા પર રહેલા ટેબલ પર વિવિધ સ્પર્ધાના ઇનામો અને મેડલો વ્યવસ્થિતપણે ગોઠવીને મુક્યા હતા.

શ્યામનું ઇન્ટરવ્યુ નામ પૂંછીને શરુ થયું. સામે બેઠેલા લાંબા ગળાના અનુભવી અને જ્ઞાનથી ભરપુર વ્યક્તિએ પ્રશ્નોનો એવી રીતે મારો ચલાવ્યો જાણે પોતે પોતાના જ સંતાનને શિક્ષણ આપવા માટે કોઈ નોલેજફુલ છે કે નઈ તેની બરોબર ચકાસણી કરી. સ્કુલની એ જ તો વિશેષતા હતી કે તેનો શૈક્ષણિક કાર્યનો દરેક અંશ વિદ્યાર્થીના હિતમાં હોય. શ્યામ તેના આ પ્રશ્નોના ઉતર આપીને પાર ઉતર્યો. અંતમાં ધોરણ ૧૦ના વર્ગમાં વિદ્યાર્થીઓને ઈંગ્લીશ ભણાવવા બીજા દિવસે આવવા કહ્યું.

‘થેન્ક્સ સર.’ આભાર માનીને શ્યામ ખુશ થતો બહાર નીકળ્યો આ સમાચાર ઝરીનને આપવા માટે તેણે ખિસ્સામાંથી ફોનને બહાર કાઢ્યો. રાકેશ, ફૈઝલ અને કાકા હોમના મીસકોલ હતા. સામે વળતો ફોન કરે એ પહેલા ફૈઝલનો ફોન આવ્યો.

’હા બોલ ફૈઝલ, કઇ કામ હતું?’ શ્યામે ફોન ઉપદાતાની સાથે જ પૂછ્યું.

‘ક્યાં છે?’ ફૈઝલનો ઉતાવળો અવાજ સંભાળતો હતો.

‘ઘાટલોડિયામાં આવેલી સારસ્વત હાયર સેકંડરી સ્કુલમાંથી બહાર નીકળ્યો.’

‘ઝડપથી ઘરે આવ.’

‘શું થયું ?’ પાછળથી રાકેશભાઈનો અવાજ સાંભાળતો હતો કે ‘તે આવે છે કે નઈ.’

ફૈઝલ શ્યામના એકપણ પ્રશ્નનો જવાબ આપતો ન હતો. કઈ તો ગરબડ હતી અને સાથોસાથ ફૈઝલ રાકેશ બંને જોડે હતા એટલે ગરબડની વધુ સંભાવનાઓ હતી.

‘ઓ.કે.’ ફોન જેવો રાખ્યો કે તરત પપ્પાનો કોલ આવ્યો અને ઝડપથી ઘરે આવવા સૂચવ્યું.

નોકરી મળ્યાની ખુશી બેસી ગઈ બધા એક સાથે ઘરે ભેગા થયા એટલે ઝરીન ક્યાં હશે? અને બધાએ ઝરીનને કશું કર્યું તો નહિ હોય ને? એવા પ્રશ્નો પહેલા આવતા હોવાથી શક્ય તેટલી પૂરતી ઝડપે ઘરે પહોચ્યો.

ઘરમાં ભેકાર શાંતિ પ્રવર્તેલી હતી. રાકેશ, મામા, પપ્પા, કાકી અને ભરતકાકા ગુમસુમ ઊભા હતા. ફૈઝલ ભીની આંખે શ્યામની નજીક આવ્યો.

‘શું થયું?’ બધાના ચહેરાઓ પરથી રસ ઉડી ગયેલા હતા. તેણે આ છ વ્યક્તિની વચ્ચે તેની પ્રેમિકા ઝરીનને શોધવાના વ્યર્થ પ્રયત્નો કર્યા.

‘ઝરીન ક્યાં?’ ફૈઝલનો હાથ પકડીને પૂછ્યું. તેણે જવાબ ન આપ્યો.

રાકેશ ભરતકાકાના ઘરમાં તેમને રહેવા આપવામાં આવેલા ગેસ્ટ રૂમનો દરવાજા ખોલવા ગયો. ફૈઝલે દૂર ઊભાઊભા માથું હલાવી ઈશારો કર્યો કે દરવાજો ના ખોલ. રાકેશ દરવાજાની નજીક જઈને આડે હેન્ડલ પકડીને ઊભો રહી ગયો.

‘બોલોને જવાબ આપો. ઝરીન ક્યાં?’ કહેતા તેણે ગેસ્ટરૂમના દરવાજા પાસેથી રાકેશને હટાવવા ધક્કો મારીને રૂમ ખોલ્યો. રૂમમાંથી કેરોસીનની ગંધ સાથે ધુમાડો નીકળતો હતો.

‘ઝરીન’ શ્યામની સામે સંપૂર્ણપણે સળગીને ભડથું થઇ ગયેલું આંગળીમાં ડાયમંડની વીટીવાળું મૃત શરીર જોઇને તે બોલી ઉઠ્યો. રૂમના અંદર ચારે તરફ સળગવાના નિશાન હતા. ટેબલની બાજુમાં કેરોસીનની સળગીને મૂળ આકાર ગુમાવી દીધેલી ગયેલી પ્લાસ્ટીકની બોટલ પડેલી હતી. તેની આસપાસ તેના સળગી ગયેલા કપડાનો ટુકડો પડ્યો હતો. આવું કૃત્ય કરનાર કેટલો નિર્દય હશે કે નાજુક શરીરને જીવતું સળગાવતી વખતે દર્દનાક ચીસો પાડી રહેલી સ્ત્રીનો અવાજ તેના કાન સુધી પહોચવા છતાંય એકવાર પણ ખ્યાલ ના કરી શક્યો. શ્યામે ગાલ પર ભીનાશ અનુભવી અને આંખની સામે ઘોર અંધકાર. એવો ગાઢ અંધકાર કે જ્યાં પ્રકાશનું એક પણ બુંદ મહામુશ્કેલીથી મળે. પોતાના પરથી કાબુ ગુમાંવી દીધો અને ધડામ અવાજની સાથે ત્યાં તૂટીને ભાન ભૂલીને ત્યાંજ ઢળી પડ્યો.

કોણ હશે ઝરીન સાથે આવું નિર્દયી કૃત્ય કરનાર? હવે શ્યામના શું રિએકશન હશે ?

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com