NO WELL: Chapter-2 Darshan Nasit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO WELL: Chapter-2

આભાર

આપ સૌ વાચકમિત્રોનો કે જેમણે મારા માટે સમય કાઢીને માતૃભારતી પર મારા લખાણને સારો એવો પ્રતિભાવ આપીને આવકાર્યું.

વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે એક યુવા કપલ મને બસની મુસાફરી દરમિયાન મને એક વાર્તા સંભળાવે છે. અને હવે આગળ...

પ્રકરણ-ર : બર્થડેપાર્ટી

‘મુવી કેવું લાગ્યું?’ ચેતના થીએટરમાંથી બહાર નીકળતાવેત થનગનતી યુવા ટોળકીમાંથી ચિરાગે હોરર મુવીના રીવ્યુ માંગતા પૂછ્યું.

સમય સાથે બદલાવ આવે તે જરૂરી છે પણ પળેપળ વિચારોમાં સમયથી વધુ ઝડપે બદલાવ લાવનાર, સાડા પાંચથી થોડી વધુ ઉચાઇ અને ગહન આંખોમાં ઘણું છુપાવનાર રાકેશ અને હજુ હમણાં મૂંછનો દોરો ફૂટ્યો હોય અને ઘણુંબધું કહી જનારી ઘેરી આંખ, ચહેરા પર આનંદ અને ગંભીરતાનો સુભગ સમન્વય ઉપસી આવતી હોય તેવો તેનો નાનો ભાઈ શ્યામ. તેમની ઉમરમાં ટૂંકાગાળાના તફાવતના લીધે મિત્રમંડળ એક જ હતું. તેમાય બધાને બોર્ડની પરીક્ષા સારી રીતે પૂરી થઇ હોવાથી વેકેશન માણવા, બિન્દાસ ફરવા માટે તેમની પાસે સમય જ સમય હતો.

‘મસ્ત, પૈસા વસુલ,’ રાકેશે જવાબ આપતા કહ્યું.

‘મિલન, તું તો સાવ ફટટુસ જ નીકળ્યો,’ રવિ બોલ્યો.

‘મારા કરતા તો શ્યામ વધુ ફટટુસ છે,’ મિલને કહ્યું.

‘હું ભૂતના ડરને લીધે નહી પણ એમાં જે સીન પાછળની જે સ્ટોરી હતી તે ના ગમી એટલે બહાર આવી ગયો હતો.’ શ્યામે ચોખવટ પાડી.

‘ક્યાં સીનની વાત કરે છે?’ ચિરાગે વચમાં ડબકું ડોળ્યું.

‘જાતિ અને ધર્મને લઈને પેલી છોકરીને સળગાવી નાખે છે. બસ એજ તો મને ન ગમ્યું,’ શ્યામે કહ્યું.

‘પછી તે ભૂત થઈને પાછી બદલો લેવા આવે છે. તેમાંય જયારે હીરોઈન અચાનક નજર સામે પોતાનો દેખાવ બદલીને દાઝી ગયેલો અને સુકાયેલા લોહીથી ખરડાયેલો ડરામણો ચહેરો બતાડે તે વધુ ભયાનક લાગતો હતો.’ બોલીવૂડમાં વિઝ્યુઅલ ઈફેક્ટમાં આવતા ફેરફારો અને કઈક અલગ કથાવસ્તુ ધરાવતી ફિલ્મ બનાવવાની હોડમાં દરેક દ્રેશ્ય નજર સામે તાદ્રશ્ય થઇ જાય એ સ્વાભાવિક છે.

‘હું તો ઘણીવાર ડરી જ ગયો. મને તો હજી પણ બીક લાગે છે, યાર...’ મિલને કહ્યું.

‘અવાજની કાન ફાડી નાખે તેવી ઈફેક્ટથી મુવી વધુ ડરામણું લાગતું હતુ.’ ચિરાગે ડરતા અવાજે કહ્યું.

‘હું ભૂતબુતમાં માનતો નથી.’ આસીમ આગળ એકપણ શબ્દ બોલે તે પહેલા પ્રિયંકે નવો શૈતાની વિચાર પ્રગટ કરતા કહ્યું.

‘આજે અશોકે તેના અઢારમાં જન્મદિવસની પાર્ટી, મુવી બતાડીને આપી તો ખરી, હવે આપણે પણ તેને એક અલગ પ્રકારની ગીફ્ટ આપીશું. જે તે ક્યારેય નહીં ભૂલી શકે.’ બધાએ વિચાર્યું કે ગીફ્ટ તરીકે કોઈ વસ્તુ આપવાની હશે પણ ગીફ્ટમાં શું દેવાનું હશે તે વીચાર્યા વગર સંમતિ આપી.

‘અત્યારે આપણે બધાએ સ્મશાન અને ત્યાંથી ભૂતિયા બંગલે જવાનું છે. ત્યાં જઈને આપણે અશોકના બર્થડેની ઉજવણી થોડી અલગ પ્રકારે કરીશું.’ પ્રિયંકે તેનો આખો પ્લાન વિધિવત હાજર કરવાને બદલે ગીફ્ટનો ટોપિક જણાવતા કહ્યું.

મિલન હજુ મૂવીઓના દ્રશ્યોના વિચારોમાંથી બહાર નીકળે તે પહેલા તેની સામે બીજા નવા સાહસની વાત સાંભળીને વધું ડરવા લાગ્યો, તેઓની સાથે ન જવા માટે ઘણા પ્રયાસો કર્યા, પણ ભાઈબંધોની ભાઈબંધી આગળ ઝૂકીને કમને આવવા શામિલ થયો.

પ્રિયંકને અલગઅલગ અખતરાના વિચાર બીજા કોઈને આવે એ પહેલા આવે એ શક્ય હતું કારણ કે તેણે નક્કી કરી લીધું હતું કે તે ભવિષ્યમાં હિન્દી સિનેમાજગતને ડીરેક્ટર બનીને અવનવા વિચારોવાળી ફિલ્મો આપશે.

સાતેય જણાઓ ધારગણી રોડ પર આવેલા સ્મશાન તરફ જવા માટે બ્રહ્મસમાજની વાડી, મિલન અને અશોકના ઘર વટાવીને ભીમનાથ મહાદેવ મંદિર પાસે પહોંચ્યા. રાકેશે તેની દરરોજની ટેવ માફક ભોળાનાથ આગળ તેનું મસ્તક નમાવ્યુ અને મિલન ભૂતોના ભગવાન પાસે ડર દૂર કરવા માટે શક્તિ માંગતો હોય તેમ બબડવા લાગ્યો.

શાકમાર્કેટમાં નાક ફાડી નાખે તેવી મરચાની તીખી તીવ્ર વાસ અને ધોરઅંધારાને વધું ભયાનક બનાવવા પોલીસસ્ટેશન પાસે કેટલાક કુતરાઓ ભસતા હતા તો કેટલાક રડતા હતા.

નગરપાલિકા પાસે લાઈટો આવતા પ્રકાશની સાથે બધાની વાતોનો અવાજ પણ વધવા લાગ્યો. બધા મંજિલ સુધી પહોચવા મુખ્યબજાર અને મોચીબજારમાંથી સીધા જઈ શકતા હતા પણ, નાસ્તાની થેલી લેવા માટે ખાસ ધક્કો ખાવો પડ્યો. પ્રિયંકે તેના ઘરે જઈને નાસ્તો લઈને દબાતા પગે ઘરમાંથી નીકળી શેરીના ખૂણે ઉભેલા મિત્રમંડળ પાસે જઈને તેમની સાથે ધારગણીરોડના સ્મશાન તરફ ચાલવા લાગ્યો.

વચ્ચે દરેક વખતે કુતરાના ભસવાનો અવાજ કે પછી ઝાડના સુકાયેલા પાંદડાના ફફડવાનો અવાજ સાંભળીને મિલનનું બીકણ મોં વધુ બીકણ બનતું હતું. તેમાય જયારે તલાવડી પાસેથી નીકળતી વખતે ગટરના પાણીના ખળખળ અવાજ અને કુતરાના અચનાક ભસવાથી તે કંઈ ડર્યો છે!

વાતાવરણની ઠંડક પહેલા કરતા વધુ ઠંડી થઇ ગઈ. ખુલ્લા ખેતરોમાંથી પવન સુસવાટા મારતો આવવા લાગ્યો.

શ્યામે સ્મશાનમાં પહોચી કેટલાક લાકડાઓ ભેગા કરીને લાકડાની નાની ખડકલી કરી. સાથે લીધેલા સામાનમાંથી માચીસ કાઢી લાકડાને આગ ચાંપી. પ્રિયકે તેમાંથી તપેલી કાઢી આગ પર રાખીને પાણી ઉકાળવા માટે મુક્યું. આજે તો થનગનતું યુવા ગ્રુપ ખાસ બર્થડે પાર્ટી કરવા માટે જ આવ્યુ હતું અને જુની વિચારસરણી ધરાવતા લોકોની માન્યતા મુજબ જો કઇ આડાઅવળા પગવાળી, શારીરિક નવીનતા ધરાવતી જે ક્ષણભરમાં જ ભડકો થઈને અલોપ થાય તેવી આકૃતિ જોવા મળે તો તે પણ...

‘તમારી મેગી તૈયાર છે,’ પ્રિયંક તપેલીમાં ઉકળતા પાણીમાં મેગીની સાથે મસાલો ઉમેરતાની સાથે સૌને ચટપટી મસાલેદાર મેગી માટે આમંત્રિત કરવા લાગ્યો.

‘તે તો બે મીનીટમાં જ મેગી બનાવી નાખી,’ અશોકે કહ્યું.

બધા એકસાથે મેગી પર તૂટી પડ્યા. પ્રીયંકની મહેનત મેગીના સ્વાદમાં ભળી. સ્વાદિષ્ટ, ઉત્તમ સિવાય બીજા કોઈપણ શબ્દ તેના સંબોધન માટે વાપરી શકાય તેમ ના હતા.

‘મસ્ત બની છે,’ રવિ બોલ્યો.

‘યાર, તારે તો મેગીની દુકાન બનાવવી જોઈએ. જુદાજુદા ટેસ્ટવાળી જેમકે બટરમેગી, ચીઝમેગી વગરે વગેરે...’ રવિનું ટચૂકડું સૂચન દર્શાવતું હતું કે સમાજને આધુનિકતા તરફ ખેચવા યુવાવર્ગ જવાબદાર છે.

‘બસ હવે મેગી પર ધ્યાન દો.’

‘હેપ્પી બર્થડે ટુ યુ,’ રાકેશે અશોકને ફરીવાર બર્થડે વિશ કરતા કહ્યુ.

‘થેંકસ ભાઈ,’ અશોકે રાકેશ તરફ જોતા કહ્યું.

સાતેય માટે આ પ્રકારની પાર્ટી થોડી અલગ હતી કે જ્યાં ખુશીથી કેક કાપવાના બદલે ડરામણી જગ્યાએ મેગી ખાવાની હોય બાકી શહેરોના યુવાનોએ આવી પાર્ટીનો ચીલો ક્યારનોય ચીતરી દીધો છે.

પ્રિયંકના વિચિત્ર મગજમાં ફરીવાર શેતાની વિચાર પ્રગટતા તેના પાકીટમાથી સિક્કો કાઢીને, થાળી ઉંધી કરીને તેના પર રાખી દીધો અને થાળી પર બંને બાજુએ યસ અને નો શબ્દ લખ્યા. શ્યામ સિવાય બધા પ્રિયંકની આવી હરકતો જોઈને ચોકી ગયા.

‘આ શુ નખરા માંડ્યા છે?’ રવિ જાણવા માટે અધીરો થયો.

‘નવો જ અખતરો છે,’ પ્રિયાંકે કહ્યું.

‘શુ?’ રવિએ ફરીથી પૂછ્યું.

‘ભૂતોની સાથે વાતચીત કરવાનો.’

‘જો જે હો ભાઈ તારો અખતરો ક્યાંક અમારા માટે ખતરો ના બની જાય.’ મિલને ડરતા અવાજે સલાહ આપી.

‘ઓકે. બીજું કઇ?’

‘ના, પ્રયોગ તો કરવો જ છે,’ શ્યામે સદાય સાથે રહેતા મિત્ર પ્રિયંકનો પક્ષ લેતા કહ્યું.

બધાએ ઈચ્છા ન હોવા છતાં ભૂતને બોલાવવા માટેની વિધિમાં પરાણે સંમતી આપી. છયેય એકબીજાના હાથ પકડીને પ્રિયંકની સામે બેસી ગયા. પ્રિયંક સિક્કાને થાળી પર ગોળગોળ ફેરવવા લાગ્યો અને આંખો બંધ કરી ભૂતોને આમંત્રણ આપવાનું શરુ કર્યું.

‘સ્પીરીટ કમ સ્પીરીટ કમ...’ થોડીવાર સુધી તો બધા કઇ નવું થવાની રાહ જોઈને બેસી રહ્યા.

‘ત્યાં કોઈ સફેદ સાડીવાળી ગઈ.’ મિલનને ડરને લીધે હવે ભૂત પણ દેખાવા લાગ્યું હતું. તેમની વાત બધા ધ્યાન રાખીને સાંભળતા હતા. બધાનું ધ્યાન મિલન પર કેન્દ્રિત થયુ સિવાય કે પ્રિયંક. તે હજુપણ સ્પીરીટકમ, સ્પીરીટકમ બોલી રહ્યો હતો.

‘આ શુ થયું?’ પ્રિયંકને અસ્થિર હાલતમાં હોય તેમ માથું ધુણાવતો જોઇને ભડકી જઈને અશોકે પૂછ્યું.

‘બોલો મને શુ કામ બોલાવ્યો?’

‘તમે કોણ છો?’ અશોકે પ્રિયંકમાં ભૂત આવ્યું હોય તે રીતે સવાલનો મારો ચલાવવાનું શરુ કર્યું.

પ્રિયંક કઈ બોલ્યો નહી.

‘તમારા વિશે થોડો પરિચય આપશો?’ રવિએ સવાલ કર્યો.

‘મને મારી પ્રેમિકાએ દગો કરીને મરાવી નાખ્યો હતો ત્યારથી આજ દિન સુધી આમ તેમ ભટકું છું અને આજે તમે લોકોએ મને તમારી પાસે મળવા બોલાવ્યો.’ અંદરોઅંદર ડરના માર્યા સાંભળતા હતા.

અત્યાર સુધી ભૂત વિશે ફક્ત સાંભળ્યું હતું પણ ભૂતને સાભળ્યું ન હતું. ભૂત વિષે જેટલું સાંભળ્યું હતું તેવા પ્રકારના પ્રશ્નો પૂછવા લાગ્યા.

‘શુ અમે બધા જીવનમાં સુખી થઈશું?’

પ્રીયંક ધીરેથી આંગળીને સિક્કા સહીત યસ લખેલું હતું તે તરફ સરકાવી ગયો.

‘શુ મારા રાજકારણમાં પ્રવેશવાના સપના સાકાર થશે?’ રાકેશે રાજકારણી થવાના વિચારની વાત રજુ કરી.

પ્રિયંક સિક્કાને યસથી નો તરફ લઈ જતો હતો અને અંતે યસ તરફ લઈ ગયો.

થોડીવાર સુધી તેમની સાથે વાત કરી પછી મિલનને અચાનક યાદ આવ્યું કે સ્પીરીટ ગો બોલવાથી ભૂત ચાલ્યું જાય અને તેણે સ્પીરીટગો સ્પીરીટગો બોલવાનું શરુ કર્યું. પ્રિયંક તેની મૂળ અવસ્થામાં આવી ગયો.

‘ચાલો હવે જઈશું? દોઢ વાગી ગયો છે’ રવિએ ઘડીયાળમાં નજર નાખી. સાતેય માટે હવે થોડો વધુ અઘરો ટાસ્ક હતો, ભૂત બંગલાની મધરાતે મુલાકાત લેવાનો...

₪ ₪ ₪

‘તને શું લાગે છે? ભૂત હોઈ કે નહિ.’ અશોકે શ્યામની નજીક આવીને મંતવ્ય લેતા પૂછ્યું.

‘ઓફ કોર્સ, હજું તે થોડીવાર પહેલા જ પ્રિયંકમાં આવ્યું હતું તે ન જોયું?’ મિલન બંને વચ્ચે ચાલતી વાત સાંભળી વચ્ચે બોલ્યો.

‘ભૂત એવી વસ્તુ છે જેમાં તમે માનો તો છે અને ન માનો તો નથી. મિલનના નબળા મનના લીધે આપણી સાથે બેઠાબેઠા પણ સફેદ સાડીવાળું કોઈ જતું હોઈ તેવું દેખાય અને...’

રાકેશ કઈ આગળ બોલે તે પહેલા પ્રશ્નાર્થ ચિન્હના બંધાણી એવા અશોકે નવો પ્રશ્ન મુકયો ‘તો પ્રિયંકમાં આવેલું ભૂત?’

પ્રિયંક નવું કરવા માગતો હતો તેથી તો રાત્રે આ પ્રકારની પાર્ટી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તેનાથી પણ એકકદમ આગળ તેને ભૂત બોલાવીને વાત કરવાનું નવું નાટક હાજર કર્યું. ડરેલાઓને પાછળથી કહેવા માગતો હતો કે ભૂત જેવું કઇ આવ્યું ન હતું પણ આ તો તેના પરાક્રમોમાનું એક પરાક્રમ હતું. ભૂતબંગલામાં ગાળેલી અડધી કલાકમાં કઈ રોમાંચક મુલાકાત પણ ના થઈ, લોકોની ખોટી માન્યતાઓ ભૂતિયા જગ્યાને ડરામણી બનાવે છે.

શ્યામ મનોમન હસતો હતો કારણકે બધાના મો પર થોડી ડરની રેખાઓ ઉપસી આવી હતી ત્યારે તોફાનીમાં શામિલ એવા બંને તે ડર પાછળનું કારણ હતા. જો શ્યામ એ લોકોની જગ્યા પર હોય તો કદાચ તે પણ બધાની જેમ જ ડરી ગયો હોત. આગળના દિવસે થયેલી પ્રિયંક સાથેની વાતના લીધે તેને બધી પહેલેથી જાણ હતી.

બધા લોકો પોતપોતાના ઘર તરફ પગલા માંડ્યા. મિલન તો રાતે અશોકના ઘરે રોકાઈ ગયો કારણકે તેના ઘરે બધા સુઈ ગયા હશે અને પોતે એકલો જાગતો હશે ત્યારે કદાચ કોઈ દેખાય જાય કે અવાજ આવશે તો!!!

બીજા દિવસે બધા ભેગા થયા ત્યારે આગલી રાતે થયેલી બધી વાતની સ્પષ્ટતા કરી દેવામાં આવી. આવી હરકતોમાં બંને ભાઈઓને સાથ આપનાર રવિ અને પ્રિયંકને બોર્ડની પરિક્ષાના ટુકાગાળામાં આવનારા રીઝલ્ટનો ડર હતો.

રાકેશના રાજકારણમાં પ્રવેશવા માટેનો મુખ્ય હેતુ શું હશે? શું રીઝલ્ટ પછી જીંદગી બધાને તેમના સપનાઓ સુધી પહોચાડશે?

વધુ આવતા અંકે...