NO WELL: Chapter-1 Darshan Nasit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO WELL: Chapter-1

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

દર્શન નસીત

અર્પણ

કોઈ એક વ્યક્તિને નહીં,

પણ સમાજની એવી દરેક વ્યક્તિને જે એકતાની સમજ ધરાવે છે.

૧૮ જુન,૨૦૧૩

મંગળવાર

ઘરે જવા માટે થોડી વધુ ઉતાવળ હતી તેથી પેપર ઝડપથી વહેલું પૂરું કરવા બનતા પ્રયત્નો કર્યા. અઢાર દિવસ સુધી ચાલેલી એન્જીનીરીંગ સેકન્ડ સેમેસ્ટરની એક્ઝામ માંડમાંડ પૂરી થતા આંતરિક આનંદ સાથે હાશકારો અનુભવ્યો.

જે રીતે માનવ મહેરામણ મેળામાંથી હોશભેર વિખુટો પડતો હોય તેમ વિદ્યાર્થીઓ બસ-ટ્રેન તરફ આમતેમ દોડાદોડી કરતા હતા. બસની લાંબી મુસાફરીમાં હું મારી જાતને નવા આવેલા સોંગ સાંભળવાથી કઈ રીતે અટકાવી શકું પણ મેં તેમ કરવાને બદલે ડાયરી (ઓફ કોર્સ, મારી લખેલી વાર્તાઓ) વાંચવાંનું નક્કી કર્યું.

સાંજના સંપૂર્ણપણે આહલાદ્ક વાતાવરણમાં બસની ગતી શરુ થાય એ પહેલા જ મારા ખિસ્સામાં રહેલા ફોને તાલબધ્ધ લહેરાતા શબ્દોને અટકાવી દઈને ધ્રુજવાનું શરુ કર્યું.

‘કેટલે?’ પપ્પાનો આ ટુકો પ્રશ્ન ખાસ મારૂ હાલનું લોકેશન જાણવા માટે હતો.

‘રાજકોટના બસ સ્ટેશનમાં.’

‘બસ સીધી ચલાલાની છે કે પછી ટુકડો કર્યો છે?’ પપ્પાએ મારી વધુ કાળજી લેતા પુછ્યું.

‘સીધી જ છે, રાજકોટ- ધારી. કદાચ ૧૦ વાગ્યે પહોચી જઈશ.’

‘ઓકે.’ પપ્પાએ ફોન કાપતા કહ્યું.

નજર સામે દાનેવધામ ચલાલાની મોહકતા હમેશની જેમ ત્યાં જવા માટે આકર્ષતી હતી. શ્રાવણ મહિનાના સોમવારે ભીમનાથ મહાદેવ, ગુરુવારે સાઈબાબા અને રજાના દિવસોમાં ફરવા લાયક ગાયત્રી મંદિરના દર્શનાર્થે મંદિરો પવિત્રત્તાનો સ્પર્શ અને દાનેવના ગોટા, ગણપતભાઈના ગાઠીયા અને જગતભાઈની પાણીપુરી દ્વારા જીભને સ્વાદનો સ્પર્શ કરાવવાની મજા કઇક અલગ છે. શહેર અને ગામડા વચ્ચેનું એવું ગામ કે જ્યાંથી બધી વસ્તુઓ સરળતાથી મળી રહે છતાંય ગામનું લોકજીવન રહેણીકહેણીમાં વિચારોથી શહેરી અને સંસ્કૃતિથી સદાય છલકાતા નવરાત્રીમાં ગરબે ઘુમીને આદ્યશક્તિની ભક્તિ, જન્માષ્ટમીમાં મટકી ફોડીને ‘નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી’નો નાદ ગુંજાવીને અને હોળી-ધુળેટીના તહેવારોમાં લોકો સાથસહકારથી જિંદગીની રંગીન ઉજવણી કરતા હોય.

વાતાવરણમાં બદલાવ આવતા પવન વધુ ઠંડો થઈને ફૂકાવા લાગ્યો. ઘોર અંધારેલા વાદળોમાંથી કરા સાથે ધોધમાર વરસાદ પડવાનું અને સાથે બસની બારીઓં બંધ કરવાનું શરુ થઇ ગયું હતું. મેં નોવેલ વાચતા-વાચતા ફિલ્મોમાં જોવા મળતા રોમેન્ટિક વાતાવરણ જેવું વાતાવરણ નિહાળતા ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું.

‘On the way of home with dark cloudy sky, heavy wind and slowly raining…’

વરસાદના લીધે બસની ગતી અવરોધાવા લાગી. અંતે તો વરસાદે પૂરતા પ્રમાણમાં જોર બતાવીને પુલ ધ્વસ્ત કરીને રસ્તો બંધ જ કરી દીધો. ઘરે ખારસીયા ગામ પાસે પુલ તૂટી ગયો એ વાતની જાણ કરી દીધી હતી કે પહોચવામાં મોડું થઈ જશે જેથી ખોટી ચિંતા ના કરે.

૨૧ લાઈક અને ૪ કોમેન્ટ ફક્ત પાંચ જ મીનીટમાં, આવી વણમાગી કઠણાઈભરી પરીસ્થીતીમાં બસમાં બેસીને ફેસબુક સિવાય બીજો સમય પસાર કરવા માટે બસની માફક મારી પાસે કોઈ રસ્તો પણ ના હતો.

બાજુમાં કોઈ કાળી સાડીમાં ચોવીસેક વર્ષની ઉમરના માસીના ખોળામાં બેઠેલા દોઢેક વર્ષના છોકરાએ મારા તરફ લંબાઈને હાથમાંથી બુક ખેચવાનો પ્રયાસ કર્યો પણ તેના મમ્મીએ તેને પોતાની તરફ ખેચીને બીજીવાર પ્રયાસ ન કરે તેનો ખ્યાલ રાખીને મોટી આંખ બતાવીને વારી લીધો. મારી જેમ તે પણ મારી સામે જોઇને હળવું હસ્યા.

‘સારું લખાણ છે. તે લખ્યું છે?’ તેમણે મને પૂછયું. તેની નજર મારા હાથમા રહેલી બૂક પર એવી રીતે અટકી હતી જાણે કે કોઈ અણધારી વસ્તુ સામે આવી ગઈ હોય.

‘હા... મને લખવાનો શોખ છે. ક્યારેક નવરાશની પળોમાં હળવા થવાની ઈચ્છા થાય ત્યારે કઇક લખી નાખું.’

‘શું હું તે જોઈ શકું?’ હાથ લંબાવતા તેઓ બોલ્યા. તેની બાજુમાં બેઠેલા ભાઈ (કદાચ પેલા છોકરાના પપ્પા) મારી સામે જોવા થોડું નમ્યા. બંનેએ પહેરેલા કાળા અને સફેદ રંગના કપડાં જોઇને એવું લાગતું હતું કે નક્કી તેઓ કોઈ મરણપ્રસંગમાં જતા હશે.

‘જરૂર...’ મેં મારી ડાયરી આપી. ખોળામાં રહેલો છોકરો શાંતિથી બેઠેલો હતો. તેઓ પેજ ફેરવવા લાગ્યા. એક કલાકની મુસાફરીમાં હું ફક્ત એટલું જ જાણી શક્યો કે પેલા બાળકનું નામ ‘આરા’ છે.

‘તારે ક્યાં જવાનું છે?’ પેલા સફેદ કપડામાં રહેલા ભાઈએ સાહજિકતાથી મને પૂછી લીધું.

‘ચલાલા અને તમારે?’

‘ચલાલા. તારી લખવાની રીત મને પસંદ આવી. તારે તારી શોર્ટ સ્ટોરી લખવાની કળાને નોવેલ તરફ વાળવી જોઈએ’

‘નોવેલ લખવા માટેનો વિચાર તો મને ઘણા સમયથી આવ્યો છે, પણ યોગ્ય અને સારી સ્ટોરીલાઈન મળવી જોઈએને!’ ગમતી વસ્તુ પરની વાત નીકળતા તે વ્યક્તિ પાસેથી લખાણ માટે થોડી એવી મદદ મળશે એવી અપેક્ષા અનુભવી.

‘મારી પાસે એક સ્ટોરી છે, જો ગમે તો તેના પર લખવા પ્રયત્ન કરજે.’

મારી બાજુમાં બેઠેલી સ્ત્રીએ અચાનક મારી સામે જોઈને કહ્યું, ‘તારી આ શોર્ટ સ્ટોરી પરથી તો એવું લાગે છે કે તે તારામાં નોવેલ લખવાની કેપેસીટી છે.’

‘મને કથાવસ્તુ ગમશે તો હું લખવાની રીતે મારાથી થતા પ્રયત્નો કરીશ.’

‘શ્યામ, રાકેશ, ફૈઝલ, ઝરીન, સંજના અને આનંદીની આંતરજ્ઞાતિય પ્રેમ અને ગંદા રાજકારણની સામે લડત સાથે સંકળાયેલી સ્ટોરી છે.’

મેં સામાજિક પ્રશ્નોમાંના મુખ્ય બે પ્રશ્નો વિષે વાત સાંભળીને વિચારવાંનું શરૂ કર્યું કે મારી આજુબાજુ આવા કુરિવાજો અને વિકૃત માનસિકતાના વિચિત્ર આકારો ચકરાવો લેતા દેખાયા. સમાજમાં આ આકારોને લખાણની મદદથી દૂર કરવા હું સામેથી મદદ કરતા ભાઈની મદદ વડે થોડીઘણી લડત આપીશ. મેં કહ્યું ‘ટોપિક તો જોરદાર છે.’

‘જો ખલનાયક વધુ મજબુત હોય, તો અને તો જ નાયકની શક્તિનો સાચો પરિચય થાય છે. આ સ્ટોરીનો ખલનાયક એ નાયકનો સગો ભાઈ છે, જયારે પોતાના જ પારકા થઈ જાય એ દુશ્મની વધુ રંગ લાવતી હોય છે. દરેક ખલનાયક પોતાને નાયક સમજવાની ભૂલ કરે છે, જેની અસર બીજાઓએ ભોગવવી પડે છે.’ ખોળામાં તોફાન કરતા આરાને જોઇને તે બોલ્યા.

તેમના ટોપિક અને વાત કહેવાની શૈલી સાંભળીને સ્ટોરી શરુ થયા પહેલા મેં મારી આંગળીઓમાં એ સ્ટોરી પરથી નોવેલ લખવા ઉતેજના થતી અનુભવી.

‘નો વેલ... ચલાલાની ચોરાવાળી શેરીમાંથી શરુ થયેલી, રાજકારણનો તણખો અને આંતરજ્ઞાતીય પ્રેમની વાત અંતે સામાજિક ઝઘડા સુધી પહોચે છે. પ્રેમની અદભૂત ભાષા અને સબંધોના જટિલ સમીકરણો ઉકેલવા મથતા વ્યક્તિઓમાં મુખ્ય પાત્રો છે, શ્યામ અને તેનાથી બે વર્ષ મોટો ભાઈ રાકેશ.’