Aapnu Balak Motu Thai ne Su Sikhse Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Aapnu Balak Motu Thai ne Su Sikhse

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : આપનું બાળક મોટું થઈને શું શીખશે ?

શબ્દો : 1576
સજેસ્ટેડ શ્રેણી : પ્રેરણા

આપનું બાળક મોટું થઈને શું શીખશે ?

સમગ્ર માનવજાતનો વિકાસ અને વિસ્તાર આજનાં બાળક પર જ આધાર રાખે છે કે આવતી કાલે મોટું થઈને એ શું બનશે અને શું શીખશે. આવનાર સમયમાં જો તમે તમારા બાળકને એક સારા માનવી તરીકે જોવા માંગતા હો તો તે માટેની તૈયારી તમારે આજથી જ કરવી પડે.

બાળક જ્યારે નાનું હોય છે ત્યારે આપણને એને જોતાવેંત જ રમાડવાનું મન થઈ આવશે, આ વાત આપણા માટે સહજ હોય છે પરંતુ જો સ્હેજ એ વાત પર વિચાર કરીશું તો તરત જ ખ્યાલ આવશે કે એ બાળકની નિર્દોષતા છે જે આપણું મન એની તરફ ખેંચે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય છે અભ્યાસ, મિત્રો, પરિક્ષા, રમત ગમત, અને એવી કંઈ કેટલીય અવસ્થાઓમાંથી પસાર થઈને પોતાનાં અનુભવને આધારે એક પરિપક્વ વ્યક્તિ બને છે, નાનપણની નિર્દોષતાથી લઈને એક પરિપક્વ વ્યક્તિ તરીકેની એની સફરમાં એ કંઈ કેટલાંય અનુભવોમાંથી પસાર થાય છે અને એનાં આધાર પર તે પોતાની એક ગ્રંથિ વિકસાવે છે અને એનાં આધાર પર જ એ કોઈપણ પ્રસંગ કે અવસરે એ વર્તન કરતા શીખે છે.

ઘણાં લોકોને એમ થશે કે બાળકનું મન કેવી રીતે કળવું, કે એ શું કરે છે કે શું વિચારે છે ? એનો એક સહેલો અને સરળ જવાબ છે તેની પ્રતિક્રિયા, બાળકોને નિર્દોષ એટલે જ તો કહે છે કારણકે એક હાથ દે અને બીજા હાથ લે એવો સીધો અને સ્પષ્ટ વ્યવહાર હોય છે એમનો, તમે એને એક એક ચોકલેટ આપશો તો એ તરત જ તેના હાથમાં જે કંઈ હશે તમને સામે પાછું આપશે, તમે એની સામે સ્હેજ સરખું જો સ્મિત કરશો તો તે તમારી સામે ખિલખિલાટ હસી ઉઠશે, તમે સ્હેજ સંતાઈ જશો તો તરત જ તમને શોધવા આવશે શું આટલું પૂરતું નથી બાળમાનસને સમજવા માટે ? એવું કહેવાય છે કે તમારે જો તમારી આવતીકાલ સુધારવી હોય તો તમે તમારા બાળકોની આજ ને સુધારો, તમે તમારા બાળકની સાથે કેટલો અને કેવો સમય વ્યતિત કરો છો એ ઉપરથી તે બાળક મોટું થઈને શું કરશે અને દરેક સાથે તેનો કેવો વ્યવહાર રહેશે તે નક્કી થઈ શકે. બાળકો એ આપણો આવતીકાલ માટેનું આજથી તૈયાર કરી રાખેલું આપણી જ માટેનું ભાથું છે, જેમ લોટ સારો ન બંધાય તો રોટલી ન ફૂલે તેમ જ બાળક સાથે તમે જો ઓતપ્રોત થઈને નહીં રહ્યાં હો એનું ભવિષ્ય પણ નહીં જ ખીલે. અને અઘરું નથી, બસ સ્હેજ પ્રયત્ન જ કરવાનો છે.

સૌપ્રથમ શરૂઆત આપણે બાળકનાં શરૂઆતનાં દિવસોથી જ કરવાની છે, જન્મે ત્યારથી એસી અને ટીવી ની વચ્ચે એક રુમમાં ગોંધી રાખવાને બદલે બાળકને ખુલ્લી હવાનો અહેસાસ કરાવો, પ્રકૃતિની સહેજ નજદીક રહેવા દો એને, જો પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હશે તો આખાય જગતને એ પ્રેમ કરી શકશે. કુદરતમાંથી પણ ઘણું ઘણું શીખવાનું મળે છે, બગીચામાં જશે કીડીઓને જોશે તો કોઈપણ કામ સંપથી કરવું તે એને એની જોતે સમજાઈ જશે પણ આપણે માબાપ તો કીડીઓ જોતાવેંત જ હીટ નું સ્પ્રે છાંટવાવાળા, બાળક ક્યાંથી જોઈ શકે કે કેવો રીતે કીડીઓ આવતા જતાં એકબીજાને મળીને જાય છે, સ્હેજ વજન પોતે ન ઊંચકી શકે તો બીજી દસબાર કીડીઓ તરત ભેગી થઈને એક કીડીનું વજન ઊંચકી લેશે, કુટુંબ જીવનનો સૌથી પ્રથમ દાખલો અહીં શીખવા મળે ચે ભાઈચારા નો, સંપનો, પણ એનાં માટે કીડી ક્યાં ? અને આપણને મનુષ્યજાતને તો નવરાશ જ નથી પોતાનાં બાળકોની સાથે સમય વિતાવવાની ભાઈચારો ક્યાંથી શીખવીશું ?

હવે આવે છે ભણવાની વાત, તો એ ય કંઈ અઘરૂં નથી, સમય મળ્યો નહીં કે બાળકો શું ભણે છે કે કેવી રીતે ભણે છે એ સમજવાનો કે તરત જ ટ્યુશન્સ બાંધી દીધા, બાળકોનાં ભણતર પાછળ સમય ખરચવો અઘરો નથી જ, માતા પિતા બંને નોકરી કરતા હોઈશું તો બાળકો શાળાએથી છૂટે ઘરે આવે અને તરત જ બે બે તો ટ્યુશનમાં જાય, કેમ કારણકે મમ્મી ને અને પપ્પાને નોકરી છે, અરે શરૂઆતથી જ એવી ટેવ કેમ ન રાખીએ કે નોકરી પરથી પરત આવીએ તો એકબાજુ રસોડાની રસોઈ થતી હોય અને એ જ રસોડાનાં પ્લેટફોર્મ પર પુસ્તક લઈને આપણું બાળક એનું હોમવર્ક કે સેલ્ફ સ્ટડી કરે, એને પડતી મુશ્કેલી વચ્ચે વચ્ચે પૂછી લે અને આપણે એને શીખવાડીએ, આપણને પણ કદાચ ન આવડવાની વાત આવે તો એક જ વાર વાંચવુ પડે આપણે, અઘરૂં નથી હોતું, ભાષા ની તકલીફ હોય તો વીક એન્ડ કોર્સીસ પણ ચાલતા જ હોય છે જેમાં માતા પિતા પોતે બાળકને જાતે ભણાવી શકે એટલા સક્ષમ થઈ શકે, અને હવે તો દરેક સ્કૂલ પણ આ ઓફર કરે છે. બાળકને આપણે જો જાતે ભણતા શીખવ્યું હશે તો એ મોટું થઈને સ્વાવલંબી બનશે, કોઈપણ કાર્યનો જાતે ઉકેલ લાવતા એ થાકશે નહીં પરંતુ જો અત્યારથી જ ટ્યુશનો હશે સારુ રિઝલ્ટ લાવવા તો પછી મોટા થઈને પણ એ ટ્યુશનિયા વિકલ્પો જ શોધશે.

અત્યારે દરેક વ્યક્તિની દોડ પોતાનાં બાળકને મેચ્યૉર કરી દેવા તરફની છે, બીજા કુટુંબો કરતાં આપણાં કુટુંબનું બાળક વધુ ચડિયાતું સાબિત થાય તે માટે આપણે સૌ કોઈ બસ દોડતાં જ રહીએ છીએ, એ દોડમાં અને દોડમાં કંઈ કેટલાંય બાળકોનાં નિર્દોષ બાળપણો છીનવાઈ રહ્યાં છે, આજકાલ મહદ અંશે બાળકોને સ્માર્ટફોન અને એન્ડ્રોઈડ સિસ્ટમ્સ વાપરતા આવડે જ છે, જાહેર સમારંભ હોય ત્યારે એક વાત સતત અવલોકી શકાય એવી હોય છે કે માતાપિતા શાંતિથી પોતાનો સમય માણી શકે એ માટે બાળકોનાં હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે છે, અને ખાસ કરીને માતાઓ બીજાના બાળક કરતાં પોતાનું બાળક કંઈક વિશેષ ચડિયાતું છે એવું દર્શાવતા એને તો આમાં બધી જ ખબર પડે એમ કહીને બાળકને જે વસ્તુ ન વાપરવી જોઈએ એ દરેક વસ્તુમાં એ કેટલો આગળ પડતો છે તે અંગેનો શૉ ઑફ કર્યા જ કરશે, પણ અંતે શું ? અંતે બસ એટલું જ કે એ બાળકને ન તો સમાજમાં ભળતા આવડે છે ન તો એ પોતાનું બાળપણ એક બાળકની રીતે જીવે છે.

ભણવાની વાતમાં હોય કે પછી સામાજિક પ્રસંગોમાં હાજરીની વાતમાં હોય, આજે દરેક બાળક ટ્યુશન અને એન્ડ્રોઈડ એપ્લીકેશન્સનો જ શિકાર બનેલ છે. બાળકને ભણાવવો જ છે તો એને મજા આવે એવી રીતે ભણવા દો, પણ આપણે પણ એ નહીં સમજી શકીએ કે ભણવાને ને મજાને શું લાગે વળગે, પછી બાળકની વાત તો બહુ દૂરની થઈ ગઈ ને કે એ વિશે આપણે વિચારીએ. અને એટલેથી અટકતું નથી, આપણાંમાંથી ઘણાં એવાં હશે જે લોકો બાળકને કંઈક નહીં આવડવાનાં બદલામાં તું કંઈ કામનો જ નથી એવું બાળકોને આપણે નહીં કહ્યું હોય, બાળકને સ્વીકૃતિ ઓછી અને મહેણાં અને ઠપકાંઓનો માર વધુ મારવામાં આવતો હોય છે અને એનાં પરિણામ સ્વરૂપ બાળક બાળકમાં આત્મ વિશ્વાસ તો ઠીક પરંતુ લઘુતા ગ્રંથિ વિકસવા લાગે છે, જે તે બાળકને પોતાનાં જ અસ્તિત્વ અને કાબેલિયત વિશે પ્રશ્નો ઊભા થવા લાગે છે કે શું ખરેખર એને કંઈ જ નથી આવડતું ? એ શું ખરેખર બધા કરતા એટલો બધો પછાત છે કે કોઈ કામનો જ નથી ? અને એવા તો કંઈ કેટલાંય પ્રશ્નો એને સતત સતાવ્યા કરે છે.

ફાધરવેલેસ પોતાનાં દરેક લેખમાં લગભગ એક વાત હંમેશા જ કહ્યા કરે છે, કે ક્યારેય કોઈપણ બાળકને 'તું નકામો છે, ઠોઠ છે, તને કશુંય આવડતું નથી, તું જીવનમાં કશુંય કરી શકવાનો નથી'એવું ન કહેવું, કારણ તે બધાં વાક્યોની ખૂબ ઊંડી અને નકારાત્મક અસર બાળક ઉપર પડે છે, તેથી આવા અવિચારી વેણ ક્યારેય પણ બાળક સમક્ષ ન બોલવા અને બાળકને પોતાનાં જ અસ્તિત્વ અને કાબેલિયત વિશે શંકા જાય તેવા પ્રશ્નો પર વિચાર કરવા મજબૂર ન કરવા. કારણ આમ કરવાથી બાળક વધુ ને વધુ નેગેટિવ બનતું જશે અને પોતાના પરનો આત્મવિશ્વાસ પણ ગુમાવશે.

સાથે સાથે ધ્યાન રાખવા જેવી એક બીજી વાત કે બાળક જેટલું ચાર દિવાલમાં શીખશે તેનાં કરતાં ખુલ્લા આકાશ નીચે અને પ્રેક્ટિકલ અનુભવોના નિચોડથી વધુ વાતો શીખી શકશે. બાળક સાથે બાળક બનતા શીખીએ, કોઈ વાત એની સમજમાં કયા કારણોસર નથી આવતી એ બાબતનો આપણે પણ વિચાર કરીએ, ભણતરની સાથે સાથે ગણતર નહીં હોય તો બાળક મોટું થઈને સ્વાવલંબનથી જીવી પણ નહીં શકે એટલે સૌ પ્રથમ દરેક માતાપિતાને એ વાત સમજવી જરૂરી છે ટ્યુશન્સ, એન્ઠ્રોઈડ એપ્લીકેશન્સ અને એ બધા કરતા પણ પ્રેક્ટિકલ જ્ઞાન વધારે મહત્વનું છે, બાળકો જો રેતીમાં રમતા શીખશે તો રેતીનાં ઉપયોગ પણ જાણશે, એ જ રીતે ફૂલો કે બગીચામાં રમશે તો પ્રકૃતિને પ્રેમ કરતા શીખશે, રમત ગમત અને અભ્યાસ એ બે માં કેટલો સમય શેને આપવો તે જાણવું અત્યંત આવશ્યક છે પણ માત્ર અભ્યાસ પણ કંઈ જ કામ નહીં લાગે, મિત્રો સાથે રમતા આવડતુ હશે તો ટાઈમ મેનેજમેન્ટ આવડશે, સાથે સાથે કપરા સંજોગમાં શું કરવુ અને કોઈ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર આવવું તેનો રસ્તો કરતા પણ શીખશે, કારણ મોટા થઈને કોઈ જગ્યા પર નોકરીનો ઈન્ટરવ્યુ આપવાનો થશે ત્યારે કઈ વસ્તુ કેવી રીતે વેચાય અથવા કોઈ સ્થળ પર અમુક ચોક્કસ સમયે કેવી રીતે પહોંચાય તેમ અવશ્ય પૂછવામાં આવશે, પરંતુ મહારાણા પ્રતાપને કેટલી રાણીઓ હતી તે પ્રશ્ન કે પછી ગાંધીજીને ધોતી પહેરવાની કેવી રીતે આદત પડી તેવું ક્યારેય પૂછવામાં નહીં આવે, અને એટલે જ જરૂરી છે કે આપણે એને આવા બધા પ્રશ્નો ગોખવા માટે સતત ટ્યુશન્સ ન જ કરાવીએ અને એને એની રીતે ખીલવાનો મોકો આપીએ.

બાળકોનાં ઉછેરની બાબતમાં એક વાત ખૂબ સ્પષ્ટ છે કે,

 • અવગણના વચ્ચે ઉછરેલું બાળક અપરાધ શીખશે.
 • દુશ્મનાવટ વચ્ચે ઉછરેલું બાળક લડાઈ શીખશે.
 • ઉપહાસ વચ્ચે ઉછલેલું બાળક નફરત શીખશે.

 • જ્યારે એની જગાએ,

  1.
  સહનશીલતા વચ્ચે ઉછરેલું બાળક ધીરજ શીખશે.

  2.
  પ્રોત્સાહન વચ્ચે ઉછરેલું બાળક વિશ્વાસ કેળવશે.

  3.
  મૈત્રી અને સહકારનાં વાતાવરણમાં ઉછરેલું બાળક જગતનો પ્રેમ તો મેળવશે જ પણ સાથે સાથે જગતને પ્રેમ કરતાં પણ શીખશે જ.

  શિક્ષણ પાછળ ક્યારેય એટલાં ગાંડા ન કાઢીએ કે બાળક પોતાની માતૃભાષા પણ ન ઓળખે, અને સ્ટેટસ ની પાછળ એટલાં ન ભાગીએ ઈએ બાળક સંપ અને સહકારને બદવે માત્ર સ્પર્ધા જ શીખે, નાની નાની લાગતી આ બધી બાબતો પણ ખરેખર વિચાર માંગી લે તેવી છે. કારણ બાળકને ઉચેરવું તે પણ એક સાધના જ છે, એનો ઉછેર એ એવી કળા છે કે જેમાં ખૂબ જ ધીરજ અને સાથે સાથે ઉત્સાહની જરૂર પડે છે. બાળક પર પોતાનાં અંગત કારણોસર ગુસ્સે ન થવું એ પણ એક બહુ મોટા સંયમની વાત છે, અને એટલે જ છ્યારે પણ આપણાં ઘરમાં બાળક હોય ત્યારે એનાં પ્રત્યે કેવો વ્યવહાર રાખીએ તે સૌની સહિયારી જવાબદારી ગણી તેનાં ઉછેરનો આનંદ માણીએ અને આવનારી પેઢીને વધુ સક્ષમ બનાવીએ, કારણ બાળક મોટું થઈને આવતી કાલે કેવું વર્તન કરશે અને શું શીખશે એ વાતનો મોટાભાગનો આધાર આપણાં એની સાથેનાં આજનાં વર્તન પર રહેલો છે.


  અસ્તુ,

  નામ : અર્ચના ભટ્ટ, પટેલ
  ઈમેઈલ : Mobile : 9408478888