આ ‘હાલરડું’ મારી લાડકી દીકરી ‘પ્રાર્થના’ તથા દરેક વ્હાલસોયી દીકરીઓને અર્પણ…
(
ઢાળઃ માઈ..ની..માઈ….)
સૂઈ જા મારી લાડકડી હું હેતેથી પોઢાડું,
આવે નીંદર મીઠી તુજને હાલરડું હું ગાવું,
હાલા..હા..લુ..લુ..લુ..હા..લુ…લુ..લુ..હા….(૨)
ઘરનાં નાના-મોટા સૌને લાગે ખૂબ જ પ્યારી,
મમ્મી-પપ્પાની તો તું છે સુંદર રાજકુમારી,
પડખું મળતાં માવલડીનું રાજી-રાજી થા તું,
આવે નીંદર મીઠી તુજને હાલરડું હું ગાવું,
હાલા..હા..લુ..લુ..લુ..હા..લુ…લુ..લુ..હા….(૨)
જો તું રોવે ઘરમાં સૌનાં કાળજાં થરથર કાપે,
ચિંતા કરતાં મમ્મી-દાદી, નજર ઉતારી આપે,
હરખાતાં સૌ જોઈ તુજને રમવા લાગે જ્યાં તું,
આવે નીંદર મીઠી તુજને હાલરડું હું ગાવું,
હાલા..હા..લુ..લુ..લુ..હા..લુ…લુ..લુ..હા….(૨)
છીંક જો આવે તુજને કહેતાં ‘ઘણું જીવો’ સૌ ઘરમાં,
ઉધરસ આવે રમતાં-જમતાં કહેતાં ‘બેટા, ખમ્મા’,
હેતે લેતાં દુઃખણાં તારા સદાયે સુખી થા તું,
આવે નીંદર મીઠી તુજને હાલરડું હું ગાવું,
હાલા..હા..લુ..લુ..લુ..હા..લુ…લુ..લુ..હા….(૨)
વર્ષાભીની માટી જેવી તારી અલગ છે ખૂશ્બુ,
નખરાં જોઈ પપ્પી કરતાં થાઉં ખૂબજ ખુશ હું,
દર્શન કરતાં દીકરી તારા સૌનું મુખ મલકાતું,
આવે નીંદર મીઠી તુજને હાલરડું હું ગાવું,
હાલા..હા..લુ..લુ..લુ..હા..લુ…લુ..લુ..હા….(૨)
પરીઓ જુએ રાહ પરીની સપના દેશે રમવા,
મોટી થાતાં ત્યાંનો રાજા લાગશે તુજને ગમવા,
કેમ વળાવીશ તુજને વ્હાલી નથી મને સમજાતું,
આવે નીંદર મીઠી તુજને હાલરડું હું ગાવું,
હાલા..હા..લુ..લુ..લુ..હા..લુ…લુ..લુ..હા….(૨)