Pranay-Prakruti books and stories free download online pdf in Gujarati

પ્રણય-પ્રકૃતિ…

પ્રણય-પ્રકૃતિ...

પ્રણય તો ભરચક ભીડ ધરાવતાં શહેરથી માંડી સીમનાં એકાંત ધરાવતાં ગામડાં સુધી એકસરખી રીતે ફેલાતાં સૂર્યનાં પ્રકાશ જેવો છે. તેનું સ્વરૂપ અલગ-અલગ હોઇ શકે પણ તેની અનુભૂતિ-સંવેદના તો એકસરખી જ રહેવાની. પ્રેમમાં હંમેશા એકબીજા માટે જતું કરવાની ભાવના હોવી જરૂરી છે, એકબીજા પ્રત્યે વિશ્વાસ હોવો જરૂરી છે અને તો જ તેનું સાતત્ય જળવાઇ રહે છે, પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે, સીમા હોય છે. પોતાના સ્વાર્થ માટે થઇ સામેનાં પાત્રને ગમે તે જતું કરવા મજબૂર કરવું, એ પ્રેમ નથી. પ્રેમ તો નિઃસ્વાર્થ ભાવે થતો હોય છે. સામેની વ્યક્તિ આપણા વિશ્વાસને અકબંધ રાખે અને આપણે તેના વિશ્વાસને ખંડિત કરીએ તો તે કદાપિ યોગ્ય ન જ કહેવાય. પ્રેમ એ નદીનું પાણી છે અને બે પાત્ર એ તેની સમાંતરે ચાલતાં કિનારા છે, જે પ્રેમરૂપી પાણીથી એકબીજા સાથે નિત્ય જોડાયેલા રહે છે. તો આ વિષયને સંબંધિત સત્યઘટના આધારિત વાર્તા દ્વારા આપના કે આપના કોઇ સ્નેહીજનનાં લગ્નજીવનનો પ્રેમસંબંધ આવા કારણોસર છૂટાછેડાંમાં ન પરિણમે તે માટે આજે તમને થોડી વાત કરવી છે, જેની કડવી વાસ્તવિકતા જાણી આપ કોઇ અયોગ્ય પગલું ભરતાં પહેલાં વિચારી શકો અને સુયોગ્ય નિર્ણય લઇ શકો.

વાત છે નાના એવા ગામની સીમમાં ઝૂંપડું બાંધી, ખેતમજૂરી દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા ભોળાના પરિવારની. ગામડાંના પછાતવર્ગની રૂઢિ મુજબ શિક્ષણના અભાવે ભોળાનાં પરિવારમાં સભ્યોની સંખ્યા પણ વધુ. ભોળાનો તેના ચાર ભાઇઓમાં ત્રીજો નંબર. પિતાના અવસાન બાદ મોટા બે ભાઇઓ તેની પત્નિ અને છોકરાંઓ સાથે ગામના મકાનમાં રહેવા જતાં રહ્યા, જ્યારે માતા અને નાનો ભાઇ ભોળાની સાથે વાડીએ જ રહેતાં અને વાડીનાં કામકાજમાં મદદ કરતાં. નાની ઉંમરમાં જ ભોળા માથે ખૂબ મોટી જવાબદારીઓ આવી પડી હતી. સામાજિક વ્યવહારો સાચવતાં-સાચવતાં વાડીની દેખભાળ પણ રાખવાની અને સાથે-સાથે માલ-ઢોરનું ધ્યાન પણ રાખવાનું. તેમછતાં પરિસ્થિતિ સામે હાર માન્યા વિના ભોળો દિવસ-રાત તનતોડ મહેનત કરતો હતો. 'સમય સાથે સૌને જીવન જીવતાં શિખવું જ પડે છે' એ વાતનું એક ઉમદા ઉદાહરણ તે સમાજને પૂરું પાડતો હતો.

સરખો વરસાદ ન થવાને લીધે સતત વરસ પણ મોળા જતાં હતા. સખત પરિશ્રમ કરવા છતાં માંડ માંડ ખાવા-પીવાનું ને ઘર ખરચ નીકળતો. એવામાં ઉંમર થતાં કડવી સાથે તેના લગ્ન કરી દેવામાં આવ્યા. ભોળાની પત્નિ કડવીનો જન્મ ગામડાંમાં થયો હતો, પણ તે કામ-કાજ અર્થે શહેરમાં રહેતી હતી અને સાડીનાં કારખાનામાં કામ કરતી હતી. આમ, ખેતર-વાડીનાં કામથી તે અજાણ હતી અને શહેરી વાતાવરણનો કેફ માથા પર ચડ્યો હોવાથી ગામડું તેને ગમતું પણ નહોતું. પરણીને આવી એને થોડો સમય થતાં જ તેણે તેના નામ પ્રમાણેનો કડવો સ્વભાવ દેખાડવાનું શરૂ કરી દીધું. તે ભોળાની માને કેન્દ્રમાં રાખી ઘરમાં ઝઘડો કરતી અને ભોળાને પોતાની વાતમાં ભોળવવાનો પ્રયત્ન કરતી. રોજનાં આ કજિયા-કંકાસથી કંટાળી ભોળાની મા તેના નાનાભાઇને લઇ, તેના મોટાભાઇ સાથે ગામમાં આવેલ મકાનમાં રહેવા જતી રહી.

હવે વાડીએ માત્ર તેઓ બે જ રહેતા. દિવસભર વાડીનું કામ કરવા તેની મા અને નાનો ભાઇ આવે અને ઢળતી સાંજે પાછા ગામમાં ચાલ્યા જાય. પણ કડવીને આટલાથી ક્યાં સંતોષ હતો? એને તો આ ખેતર-વાડીના કામમાંથી પણ છૂટકારો જોઇતો હતો. તેણે ભોળાને ભોળવવા ઘણાં પ્રયાસો કર્યા, પરંતુ ભોળાએ ખેતર મૂકી શહેરમાં રહેવા જવાની ચોખ્ખી ના પાડી દીધી. તેણે કહ્યું કે, 'મને આ સિવાય અન્ય કોઇ કામ આવડતું નથી ને હું એટલું ભણ્યો પણ નથી કે બીજું કાંઇક કરી શકું. આ ખેતરનું ધ્યાન રાખી શકે એવું હવે કોઇ ઘરમાં છે પણ નહીં.' આમ ને આમ સમય જતાં કડવીને સારા દિવસો જવા લાગ્યા. ભોળાનાં ઘરે લક્ષ્મીજીની પધરામણી થઇ. પારણું બંધાતા કડવી થોડાં દિવસ તેના પિયરમાં રોકાવા ગઇ. આ બાજુ ભોળાનાં દિવસો વધુ ને વધુ ખરાબ આવતા ગયા. વરસાદ વિનાનાં વરસ જતા હતા ને એક પછી એક પ્રસંગ આવતા હતા. ભોળાના નાના ભાઇના લગ્ન કરવાનો સમય પણ નજીક આવી ગયો.

થોડો સમય જતાં ભોળો કડવીને તેડવા ગયો, પણ કડવીની માએ તેને તેડી જવાની ચોખ્ખી ના પાડી દીધી. તેણે કહ્યું કે, 'તમે ને કડવી વાડી મૂકી શહેરમાં રહેવા જતાં રહો તો જ કડવીને મોકલવાની છે, નહીં તો એ હવે અહીં જ રહેશે.' વાતાવરણ ગરમ થઇ જતાં ભોળો એકલો જ ઘરે પાછો આવવા નીકળી ગયો. ઘરે આવતાંની સાથે જ ભોળાની માએ કડવી વિશે પૂછ્યું. ભોળાએ વિગતે બધી વાત કરી. ભોળાનો ઘરસંસાર વેરવિખેર ન થઇ જાય, તે માટે તેની માએ ભોળાને શહેરમાં જતાં રહેવા સમજાવ્યો. ભોળો તેની માને મૂકી ક્યાંય જવા માગતો ન હતો. મોટાભાઇઓ તેની માનું ધ્યાન નહીં જ રાખે, એવો તેને વિશ્વાસ હતો. તેમછતાં તેની માની વાતને તે નકારી ન શક્યો. નાનાભાઇનાં લગ્નનો પ્રસંગ પૂરો કરી, તે કડવી સાથે શહેરમાં રહેવા જતો રહ્યો. ત્યાં તે કડવીનાં ભાઇઓ સાથે હિરા ઘસવાનું કામ કરવા લાગ્યો અને કડવી સાડીનાં કારખાનામાં જવા લાગી. પરંતુ ગામડાંનાં કુદરતી વાતાવરણમાં રહેલા અને શારીરિક પરિશ્રમથી ટેવાયેલા ભોળાને શહેરની કૃત્રિમ આબોહવા માફક ન આવી. થોડાં જ દિવસમાં તે ગંભીર રીતે બિમાર પડ્યો. અનેક રીતે ઇલાજ કરવા છતાં તેની માંદગી દૂર ન થઇ. પાછાં ગામડે જતાં રહેવા તેણે કડવીને ઘણી સમજાવી, પણ તે એકની બે ન થઇ. અંતે કંટાળીને તે કોઇને કહ્યા વગર જ એકલો ગામડે પાછો આવતો રહ્યો.

ઘરે આવ્યા પછી તેની હાલત જોતાં તેને ફરી શહેર જવાનું કહેવું કોઇને યોગ્ય ન લાગ્યું. પરિવારનાં અન્ય કુટુંબીજનો-વડિલોએ કડવીની માને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. ભોળા અને કડવીનાં લગ્ન કરાવનાર મધ્યસ્થી વ્યક્તિએ પણ બનતી બધી જ કોશિષ કરી જોઇ પરંતુ કડવીની માએ તેને ગામડે પાછી મોકલવાની ચોખ્ખી ના જ કહી દીધી. ભોળાનાં દામ્પત્ય જીવનથી એક દીકરીનો જન્મ થયો હોવાને કારણે છૂટાછેડાંનો નિર્ણય લેવો કોઇને પણ યોગ્ય લાગતો ન હતો, પરંતુ પાણી હવે માથાથી ઉપર જતું રહ્યું હતું. અંતે સૌએ ભેગા મળી કડવીનો કરિયાવર પાછો મોકલાવી દીધો અને ભોળા માટે તેને લાયક અન્ય કન્યા શોધવાનું શરૂ કરી દીધું.

થોડો સમય જતાં ભોળાની જેમ જ વિરૂધ્ધ પરિસ્થિતિ ધરાવતી મધુ નામની સ્ત્રી સાથે ભોળાનાં બીજા લગ્ન ગોઠવવામાં આવ્યા. કહેવાય છે ને કે, 'ભગવાન જે કરે છે, તે સારા માટે જ કરે છે.' મધુને પણ એક નાની દીકરી હતી અને તેનું પણ આવા અગમ્ય કારણોસર છૂટું કરવામાં આવ્યું હતું. આમ, બંનેનો અટકી પડેલો ઘરસંસાર ફરી નવાં જ સ્વપ્નો સાથે એકબીજા સાથે આગળ વધ્યો. બંનેએ પોતાના લગ્નજીવન દરમિયાન સરખું જ સહન કર્યું હતું, માટે એકબીજાને સારી રીતે સમજી શકતા હતા. મધુના ઘરમાં પગલાં થતાં જ ભોળાના જીવનમાં પણ મીઠાશ ફેલાવા લાગી. તેની મા પણ હવે તેની સાથે જ રહેતી હતી અને વરસ સારું થતાં આર્થિક બોજો પણ હળવો થવા લાગ્યો હતો. મધુ ભોળાને વાડીનાં કામકાજમાં મદદ પણ કરાવતી અને તેના સાસુમાની સેવા પણ સારી રીતે કરતી. તેનો નાનો ભાઇ પરણીને બીજાની વાડીમાં ભાગિયા તરીકે રહેવા જતો રહ્યો. આમ, હવે ભોળાનો નાનો પરિવાર ઘણો સુખી થઇ ગયો હતો. સમય જતાં મધુને પણ સારા દિવસો બેઠાં અને દિકરાનો જન્મ થયો. આમ, ભોળા અને મધુનાં જીવનમાં એક પછી એક સુખનાં સમાચાર આવવા લાગ્યા અને તેમનું દામ્પત્યજીવન ખુશીઓની ખુશ્બૂથી મ્હેંકવા લાગ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED