માઁની મહત્તા… ‘National Story Competition-Jan’ Bipin Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઁની મહત્તા… ‘National Story Competition-Jan’

માઁની મહત્તા

બીપીન અગ્રાવત

એલાર્મની ઘંટડી વાગતાંની સાથે જ ક્રિષ્ના પથારીમાં બેઠી થઈ ગઈ અને માધવને જગાડતાં કહ્યું કે, ''આજે આપણા પાર્થનો જન્મદિવસ છે એટલે ઓફિસેથી સાંજે વહેલા આવજો અને પાર્થનાં જન્મદિવસની ઉજવણી માટેની બધી વસ્તુઓ અને કેક પણ લેતાં આવજો.'' ક્રિષ્નાની વાત સાંભળતાં જ પાર્થનાં જન્મ સમયે હોસ્પિટલમાં બનેલી એ ઘટના માધવને ફરી યાદ આવી ગઈ.

આજથી પાંચ વર્ષ પહેલાં માધવ ક્રિષ્નાને 'કલરવ હોસ્પિટલ'માં પ્રસૂતિ માટે લઈને ગયો હતો. ક્રિષ્નાની તપાસ કરી ડોક્ટરે જણાવ્યું હતું કે, 'સવાર સુધી રાહ જોઈએ, જો નોર્મલ ડિલિવરી ન થાય તો પછી સિઝરિયન કરવું પડશે.' ત્યારબાદ ક્રિષ્નાને રૂમમાં એડમિટ કરી, તેની પાસે પોતાની માઁને મૂકી, માધવ હોસ્પિટલની બહાર જઈ તેનાં મિત્ર સાથે બેઠો. સિઝરિયનની વાતને લીધે તે થોડો ચિંતામાં હતો અને એ વિશે બંને મિત્રો ચર્ચા કરી રહ્યા હતા, ત્યાં અચાનક 108 એમ્બ્યુલન્સ આવી. માધવ અને તેનો મિત્ર એ તરફ જોવા લાગ્યા. તેમાંથી ગંભીર હાલતમાં એક સ્ત્રી નીચે ઉતરી. તેનાં હાથમાં તાજું જન્મેલું બાળક હતું, જેને લઈ તે સ્ત્રી અસહ્ય દર્દ-પીડાં સાથે ફટાફટ હોસ્પિટલનાં દાદરા ચડી ગઈ. ડોક્ટરનાં હાથમાં પોતાનું બાળક સોંપતાની સાથે જ તે નીચે પડી ગઈ અને 'મારા બાળકને ગમે તેમ કરીને બચાવી લો, સાહેબ...' એટલું બોલતાંની સાથે જ તે બેભાન થઈ ગઈ.

તેની સાથે આવેલ અન્ય કુટુંબીજનોને પૂછતાં જાણવા મળ્યું કે તે સ્ત્રીને અધૂરાં માસે પ્રસૂતિ થઈ હતી, જેનાં કારણે બાળકની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. શહેરથી આશરે 100 કિમીના અંતરે આવેલ હોસ્પિટલમાં બાળકને તપાસી ડોક્ટરે જણાવ્યું હતું કે, 'આ બાળકને તાત્કાલિક શહેરની કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાવ. અધૂરાં માસે જન્મ થવાને કારણે તેનું વજન નવજાત શિશુનાં વજનનાં પ્રમાણમાં ખૂબ જ ઓછું છે, જેનાં લીધે તેની બચવાની શક્યતા ખૂબ જ ઓછી છે.' આમ સાંભળતાંની સાથે જ તે સ્ત્રી સાવ પડી ભાંગી હતી અને પોતાની પ્રસૂતિની વેદના ભૂલી, તેનાં બાળકને લઈ અહીં દોડી આવી હતી. તે સ્ત્રીના ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું કે તેને પોતાના તનની પીડાં કરતાં પોતાના બાળકની વધુ ચિંતા હતી.

અન્ય લોકોની વાતચીત સાંભળતાં એ પણ જાણવા મળ્યું કે તે સ્ત્રીની આ છઠ્ઠી પ્રસૂતિ હતી. અગાઉ પાંચ દીકરીઓનાં જન્મ પછી આ દીકરાનો જન્મ થયો હતો અને એ પણ અધૂરાં માસે જન્મ થવાનાં કારણે જો મૃત્યુ પામશે તો તેનાં સાસરિયામાં તેને આજીવન સાંભળવાનો વખત આવશે. ડોક્ટરે બાળકના જન્મ બાદ તરત જ કહ્યું હતું કે હવે આ સ્ત્રીને ફરીવાર માતૃત્વ ધારણ કરવામાં પણ પૂરેપૂરું જીવનું જોખમ રહેલું છે, તેથી તે ફરી માઁ ન બને એ જ એનાં માટે હિતાવહ છે. આવા સંજોગોમાં તે સ્ત્રીની શારીરિક તથા માનસિક સ્થિતિ કેવી હશે, એ વિશે વિચાર કરતાં જ માધવનો અંતરાત્મા ધ્રૂજી ઉઠ્યો હતો.

મનોમન તે સ્ત્રી માટે ઈશ્વરને પ્રાર્થના કરતાં-કરતાં માધવ પોતાના મિત્રને કહેવા લાગ્યો કે, ''સ્ત્રી જેટલું સહન કોઈ જ ન કરી શકે અને એની જેટલી ધીરજ-હિંમત ને ત્યાગ-બલિદાનની ભાવના એક પુરૂષમાં હોવી એ પાયાવિહિન કલ્પના છે. દુનિયામાં આ દર્દથી વધુ કોઈ દર્દ હોઈ જ ન શકે. અન્ય અદ્રશ્ય દર્દોમાં કદાચ કોઈ ને કોઈ સ્વાર્થ રહેલો હોય છે, જ્યારે અહીં તો માઁનો તેના બાળક પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ જ કારણભૂત છે. એક પુરૂષ માટે જે સંબંધ કદાચ શરીરસુખ કે એક પ્રજોત્પાદન માટેની કુદરતી વ્યવસ્થા સિવાય બીજું કંઈ જ નથી, તે એક સ્ત્રી માટે કેટલી કપરી અને વિકટ પરિસ્થિતિ હોય છે તે આજે મને સમજાય છે. બાળકના જન્મની સાથે જ એક સ્ત્રીનો પણ નવો જન્મ થતો હોય છે એ વાતનો સ્વિકાર કરવો જ રહ્યો.''

આ ઘટના બનતાં માધવ ક્રિષ્નાનાં સિઝરિયનની વાત તો ભૂલી જ ગયો. મિત્ર સાથે પોતાના વિચારોને લઈ ચર્ચા કરતાં-કરતાં ક્યારે સવાર પડી ગઈ તેની માધવને ખબર જ ન રહી. સૂરજનાં કિરણો ધરતી પર પથરાતાંની સાથે જ માધવની માઁએ માધવને બોલાવતાં કહ્યું કે, 'બેટા, જલ્દીથી ડોક્ટરને બોલાવ. ક્રિષ્નાને પ્રસૂતિનો દુ:ખાવો થાય છે.' માધવનો મિત્ર તરત જ ડોક્ટરને બોલાવી લાવ્યો ને ક્રિષ્નાને લેબરરૂમમાં લઈ ગયા. થોડીક જ ક્ષણોમાં સિઝરિયન વિના જ પાર્થનો જન્મ થયો અને ક્રિષ્નાને હાશકારો થયો. લેબરરૂમમાંથી ડોક્ટરનાં બહાર આવતાંની સાથે જ માધવે ક્રિષ્ના કે પાર્થની તબિયત વિશે કંઈ જ ન પૂછતાં ડોક્ટરને પેલી સ્ત્રીનાં બાળકની તબિયત વિશે પૂછ્યું. ડોક્ટરે પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, 'તે બાળકને હવે સારું છે અને ચોવીસ કલાકમાં પરિસ્થિતિ સુધરી જશે તો તેને રજા પણ આપી દેવામાં આવશે.' ક્રિષ્નાની નોર્મલ ડિલિવરી થવાથી જેટલી શાંતિ માધવને નહોતી થઈ, તેટલી શાંતિ ડોક્ટરનો પેલા બાળક માટેનો જવાબ સાંભળીને થઈ. તે મનોમન બંને ખુશખબર માટે ઈશ્વરનો આભાર માનવા લાગ્યો.

બીજે દિવસે સવારે ક્રિષ્નાને રજા આપવામાં આવી. માધવ ક્રિષ્નાને લઈ હોસ્પિટલની નીચે ઉતર્યો ત્યાં જ તેની નજર પેલી સ્ત્રી ઉપર પડી. તેનાં બાળકની તબિયતમાં સુધારો હોવાથી તેને પણ હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. તેઓ ઘરે જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા. પોતાના હાથમાં રહેલ સ્વસ્થ બાળકને જોઈ તે સ્ત્રીના ચહેરાં ઉપર પથરાઈ રહેલા ઓજસને માધવ એકીટશે નિહાળી મનમાં ગણગણી ઉઠ્યો કે, 'સાચો સૂરજ તો એ સ્ત્રીનાં ખોળામાં ઉગ્યો હોય એવું લાગે છે, જેનાં કિરણોનાં પ્રકાશથી તેનું મોઢું સૂરજમુખી જેમ ખીલી ઉઠ્યું છે...' થોડીવારમાં બંનેના વાહન આવી જતાં પોતાના ઘર તરફ જવા રવાના થઈ ગયા.

પાર્થનાં દરેક જન્મદિવસે માધવને સવારમાં આ ઘટના તાજી થઈ જતી હતી અને ફરી તેની નજરમાં સ્ત્રી માટેનાં માન-સમ્માનમાં વધારો થઈ જતો હતો. તેને મનોમન આમ વિચારતો જોઈ ક્રિષ્નાએ પૂછ્યું કે, 'માધવ, શું વિચારો છો ?' તેણે પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, 'ક્રિષ્ના, જીવનમાં ઘણું સમજવાની કોશિશ કરવા છતાં સમજી નથી શકાતું ને ઘણું સમય સાથે બનતી ઘટનાથી વગર સમજે જ સમજી જવાતું હોય છે.' ને ક્રિષ્નાએ માધવનો હાથ પકડી કહ્યું કે, 'તો ફરી હોસ્પિટલની એ જ ઘટના તાજી થઈ ગઈ એમ ને...?' અને બંને લાગણીસભર ભેટી પડ્યા...!!!