એક દિવંગતને હરખાંજલિ
રંગ રહી ગયો. જન્મદિવસની મિજબાની ઉત્સવમાં.
મારો 6 મહિનાનો પૌત્ર આયુષ એની દાદીના ખોળામાં એક બાજુએ અને બીજી બાજુએ બીજો 7 વરસનો પૌત્ર સિદ્ધાર્થ. આયુષને એની સામે બેસીને એના પપ્પા ચમચીથી લન્ચ કરાવે અને
ત્યાં જ ….
આયુષનો હાથ બાજુમાંના ટીવીના રીમોટ કંટ્રોલને અડતા જ તે રીમોટ ઉછળીને પપ્પાની ચાના કપમાં સીધેસીધું હનુમાન કૂદકો મારે અને રીમોટમાં ચા ભરાતા રીમોટ રીસાઈને કાયમી રજા ઉપર જાય, પરિણામે ટીવી પણ ગુસ્સામાં રીમોટ સાથેનો સંબંધ જ તોડી નાખે ... ......
ટીવી વિનાનું જીવન અનુભવ્યું છે કોઈએ ....?
કેટલું સુંદર ....શાંત ...... અને ....પીન ડ્રોપ સાઈલન્સ .......વાહ , અભૂતપૂર્વ .....
નવા રીમોટની ડીલીવરી 3 દિવસમાં મળી જશે હોં ......
.....જો થઇ છે .......
દાદુની વર્ષગાંઠે ......જન્મદિન ઉત્સવ દિવંગતના મહા ઉત્સવમાં જ પલટાઈ જાય રીમોટની હરખસ્મૃતિસભા .....
હા ...હા ...હા ...હા ...હા ...
દિવંગત રીમોટની અંતિમ વિધિ રીસાઈકલીંગ પ્લાન્ટ ખાતે આવતા સોમવારે થશે. ત્યાં સુધી ઘરની શોભામાં અત્યંત બગાડો કરતી એની લાશ ઘરના એક ખૂણે અનાદરપૂર્વક રાખવાની અમને ફરજ પડી છે. મર્યા પછી ચક્ષુદાનની એની ઈચ્છા બિલકુલ ન હોવા છતાં એના પેટમાં મુકેલી નવી બેટરી કાઢીને હેમખેમ સાચવીને મૂકી દેવામાં આવી છે. એનું પ્રત્યારોપણ નવા રીમોટમાં હોંશે હોંશે થશે જ એની અંગત બાંહેધરી હું આપું છું. બેસણું, સાદડી રાખ્યું નથી, લૌકિક રીવાજો બધા જ સદંતર બંધ છે. પોટલી પોટલા લાવવાના નથી જ. રડવા, ફૂટવાનું કે છાજીયા લેવાનું બંધ છે . છતાં ....
રિમોટના મરવાના દુખ કરતાંય ટીવી જ ચાલતું ન હોવાને કારણે નમોની વાણીના ધોધથી માંડીને મમોની વાણીના ગોકળગાય ગતિના સંવાદો ન માણી શકવાના હૈયાફાટ મૂક છાજીયા વધુ અનુભવાય છે. એ અંગે રડવા, કૂટવા કે છાજીયા લેવા હોંશે હોંશે સહ્પરિવાર પધારવા હાર્દિક આમંત્રણ જ છે .
જો કે એ બધામાં એક નવીન આશા એ ય પ્રગટી છે કે દિવંગત રીમોટની અંત્યેષ્ઠી પૂરી થાય તે અગાઉ નવા રિમોટનું આગમન પુત્રજન્મના ઉમંગ જેટલા જ આનંદના મહા ઉત્સવમાં ફેરવાઈ જવાની શક્યતાઓ વધુ ઉજળી છે.
આયુષ અને સિદ્ધાર્થ, મારા બેટા બે ય બાલગોપાલના ધ્વનિ એમના ખડખડાટ હાસ્યની વચ્ચે હજી ય કાને અથડાયા કરે છે ' હેપી બર્થ દે ટુ યુ ...દાદા.'
જો થઇ છે .......હા હા હા હા હા .....
(ખાસ નોંધ: કોઈપણ જાતનું '...મું ' કરવાના નથી જ – દશમું, અગીયારમું, બારમું, તેરમું , ઇત્યાદિ - માટે કોન્ટ્રાકટરોએ પાછળ પડી જવું નહિ જ).
---- ગુણવંત વૈદ્ય
11/8/2013