NO WELL: Chapter-10 Darshan Nasit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

NO WELL: Chapter-10

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ -૧૦)

દર્શન નસીત

darshannasit@gmail.com


વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે શ્યામ ઝરીનને દિલની વાત કહેવા માંગે છે પણ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી થોડો ખચકાટ અનુભવે છે જયારે બીજી તરફ રાકેશ જી.એસ.ના ઈલેકશન માટે કૈક નવો ખેલ રચી રહ્યો છે અને હવે આગળ...

પ્રકરણ- ૧૦

‘રાકેશ, હવે ચુંટણીને ચાર દિવસ જ બાકી છે. જો કઈ કરવામાં નઈ આવે તો ફૈઝલની જીત પાક્કી છે,’ સંદીપને ફૈઝલની જી.એસ. તરીકે જીતવાની શક્યતા દેખાતી હતી.

‘મેં પહેલેથી શું કરવું એ વિચારી લીધું છે,’ રાકેશે જણાવ્યું.

‘તું વિચારતો હોઈશ ત્યાં સુધીમાં તો ફૈઝલ જી.એસ. બની ગયો હશે.’ નીલની વાતમાં પણ દમ હતો.

ફૈઝલે ચૂંટણી માટે નેતાઓની માફક વિદ્યાર્થીઓને પોતાના તરફ ખેચવા માટેની મહેનત વધારી દીધી હતી. જયારે રાકેશે બધાની પાસે જઈને મત માગવાને બદલે મનોમન વિચારી લીધું હતું કે મત આપવા માટે વિદ્યાર્થીઓ ફક્ત વ્યક્તિનું ચારિત્ર્ય નથી જોતા, પરંતુ તેની સાથે વર્તમાન ઘટનાઓને પણ ધ્યાનમાં રાખે છે. તે જી.એસ.ની ચુંટણીમાં ઉમેદવાર તરીકે સિલેક્ટ થયો ત્યારથી લઈને આજદિન સુધી તેના જીતવા માટેના પ્રયત્નો કરતા ફૈઝલને હરાવવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ વિચારી હતી. જેમાં ખાસ મદદ હતી હિમ્મતલાલ પટેલની.

‘નીલ, હવે તારી મદદ વિના આપણે જીતવું શક્ય નથી,’ આજ સુધી રાકેશની આગળ પાછળ કામ કરવા કે કરાવવા માટે ઘૂમતો પણ આ વખતે તેણે તેની પાસેથી મદદ માગી.

‘બોલ શુ કામ છે?’

‘શું ચાલે તારી અને રઝીયા વચ્ચે?’

‘ગાડી માંડમાંડ પાટે ચડી છે.’

‘તારે કુરબાની આપવાની છે.’

‘બોલ બોલ, તારા માટે તો આ બંદાનું બધું કુરબાન છે.’

‘ છોડી દે રઝીયાને.’

‘તારા કહેવાથી બે દિવસથી તેના ફોન આવે છે છતાં મેં વાત નથી કરી. તે કીધું હતું કે અઠવાડિયા સુધી એની સાથે હું એની સાથે ના બોલું. પણ તેને છોડવી શક્ય નથી કારણ કે હું એને પ્રેમ કરું છુ.’

‘પ્રેમ શબ્દ આપણા માટે નથી બન્યો. એક છોકરીના કારણે તું દોસ્તીમાં ગાબડા પાડીશ? ઈલેક્શન જીતવા માટે એ જરૂરી છે. જીત્યા પછી તો તને મોજેમોજ છે.’

‘ઓકે... બસ નહી બોલું ખુશ?’ નીલ રાકેશની વાતમાં કમને સહમત થયો. જી.એસ.ની ચુંટણીમાં જીતવાથી તેને પણ ફાયદો તો થવાનો હતો તેના કરતા પોતાના લીધે રઝીયા દુ:ખી થશે એ નુકસાન પણ...

‘ખુશ, અઠવાડિયા સુધી ગમે તે થઇ જાય તો પણ તું તેની સાથે વાત નહી કરે મંજુર ને?’

‘હા ભાઈ, મંજુર’ રાકેશે મનમાં રહેલા ઘાતકી પ્લાનને દોસ્તીની આડ લઈને પાર પાડી દીધો.

સંદીપ બંને વચ્ચે ચાલતા સંવાદો સાંભળીને થોડીવાર માટે ચકિત થઈ ગયો. રાકેશે નીલને જે રીતે વાતચીત કરવાની હતી તે સમજાવી રઝીયાને કોલ કર્યો.

‘ગૂડ મોર્નિંગ...’ પેલી નીલના ફોનની રાહમાં બેઠી હોય તેમ પહેલી રીંગમાં ફોન ઉપાડતા બોલી.

‘રઝીયા, તને મેં કેટલી વાર ના પાડી છે કે હવે મને કોલ કે મેસેજ ના કરતી તો પણ કેમ કરે છે?’

‘થેન્ક્સ. તારો અવાજ સાંભળીને મને ખુશી થઈ.’ લાઉડ સ્પીકરમાં રાખેલા ફોનમાં રઝીયાના શબ્દેશબ્દના ચોખ્ખા ઉચ્ચારણ સંભળાતા હતા.

‘તો તારી ખુશીનું મારે શું કરવાનું? હવે મને કોલ, મેસેજ ના આવવા જોઈએ.’ નીલ જવાબ આપીને ચુપ થઇ ગયો.

‘નીલ તને શું બીજી કોઈ ગમી ગઈ છે? પ્લીઝ, બોલને કેમ ચુપ છે?’

‘હે?’ નીલે જવાબ આપવાના બદલે હે હે કરીને સાંભળતો ના હોય તેમ ખોટા ઢોંગ કરવાનું શરૂ કર્યું.

‘હું તને પૂછું છું, પ્લીઝ તું મને કહે તો ખરા મારાથી તને શું પ્રોબ્લેમ છે?’

‘આપણા બંનેની કાસ્ટ.’

‘તો તને આપની કાસ્ટ અત્યારે નડી?’ તું મારી સાથે આવું શા માટે કરે છે?

રાકેશ માનતો હતો કે રઝીયા ફક્ત તરફથી સાચો પ્રેમ છે, જયારે નીલનો ચુંટણી વખતે યુઝ કરી શકાય તેવો બનાવટી પ્રેમ. પણ રાકેશ એ વાતથી અજાણ હતો કે નીલ પણ તેને ખરા દિલથી ચાહે છે, પરંતુ દોસ્તી ખાતર તે બધું કરવા તૈયાર થયો છે.

‘મને પહેલેથી આ વાતને લઈને વાંધો હતો,’ નીલ બોલ્યો.

‘તો પછી આ વાત તે મને આજ સુધી કેમ ના કીધી. સાચું બોલ, તને બીજી કોઈ ગમે છે ને?’

‘હા, મને પાયલ ગમે છે. અમે બંને વાતો કરીએ છીએ સાથે સાથે ફીલિંગની શેર કરીએ છીએ. તને આજ સુઘી એટલા માટે નહોતું કહ્યું કારણ કે હું તારું દિલ તોડવા માંગતો નહોતો.’

‘તો અત્યારે તું શું કરે છે મારા દિલના કટકા?’

‘આજ પછી મને કોલ કે મેસેજ ના કરતી.’ રઝીયાના બોલવાની સાથે રડવાનો ડુસકા ભરતો અવાજ સંભળાતો હતો.

‘નીલ, તે આજ સુધી મને સરખી રીતે રાખી છે. આપણી આટલી નજદીકીને તું શા માટે દુર કરવા તૈયાર છે.’ રાકેશના ઈશારાની સાથે નીલે ફોન કાપી નાખ્યો.

’પ્લાન સકસેસ જાય તો સારું,’ રાકેશ બોલ્યો. પણ પ્લાન શું હતો એનથી બાકી બધા અજાણ હતા.

‘ક્યાંક રઝીયા આડુંઅવળું કરી ના બેસે.’ સંદીપ બોલ્યો.

‘મને વિશ્વાસ છે કે તે કઈ નહી કરે. જે કરશે એ તેનો ભાઈ કરશે. બે દિવસ રોવાધોવાનું અને પછી ફરીથી હતી એવી થઇ જશે,’ રાકેશની દરેક ચાલ સીધી અને સાચી દિશામાં વધતી હતી.

₪ ₪ ₪

અડધી કલાક સુધી રઝીયાના કોલ ઉપર કોલ આવ્યા. નીલે રાકેશને તરફ ફોન બતાવતા પૂછ્યું, ક્યારની કોલ કરે છે. હવે કોલ રીસીવ કરું કે નહિ?

રાકેશે માથું ધુણાવીને હા પાડી. નીલે ફોનને સ્પીકર મોડમાં રાખ્યો.

‘હેલો.’

‘કોણ બોલે છે?’ સામેથી કોઈ પુરુષનો સખતાઈભર્યો ભરાવદાર અવાજ સાંભળતા નીલના અવાજમાં થોડી ગભરામણ આવી ગઈ.

‘એય, નીલ તું ક્યાં છે. તે રઝીયા સાથે શું કર્યું છે?’

‘તમે કોણ?’ નીલ હજુપણ ભારેખમ સંભળાતા અવાજવાળાનું નામ જાણવા આતુર હતો.

‘અબ્બાસ, રઝીયાનો ભાઈ.’ જે કરશે એ તેનો ભાઈ કરશે એવો રાકેશનો અંદાજો સાચો પડ્યો.

‘મેં શું કર્યું?’

‘તું જ્યાં હોય ત્યાંથી અત્યારે શાસ્ત્રીમેદાન પર આવ મારે તને મળવું છે. ત્યાં તને કહીશ કે તે શું કર્યું છે,’ રઝીયાના ભાઈનો ગુસ્સાવાળો અવાજ નીલને વધુને વધુ ડરાવતો હતો.

‘હું આવું છું. તું ત્યાં જ રહેજે.’ રાકેશે ફોન કાપતા કહ્યું.

રાકેશને જે કરવાનું હતું તે પ્રમાણે થઇ રહ્યું હતું. રઝીયા સાથેના બ્રેકઅપના કારણે થયેલી ઘટના આવનારી જી.એસ.ની ચુંટણીને અસરકર્તા થવા માટે જરૂરી દેખાઈ આવતી હતી.

‘ચાલો બેસી જાવ.’ રાકેશે સંદીપ અને નીલને ગાડી પાછળ બેસાડી બાઈકને કિક મારી.

બજારમાંથી બાઈકને ચરોતર વિદ્યામંડળની જમણી બાજુએ વાળી. બસ સ્ટેન્ડની સામેના શાસ્ત્રી મેદાનના દરવાજા પાસે બાઈક ઊભી રાખી.

અંદરની તરફ હોકી સ્ટીક લઈને પંદરેક વ્યક્તિઓ મુખ્ય દરવાજા પાસે ઊભા હોય તેવી આકૃતિ વર્તાતી હતી. નીલને ગ્રાઉન્ડના બીજા છેડે ઉતારી દીધો હતો, જેથી તે સંપૂર્ણ રોકીકાંડને કેમેરામાં સંગ્રહી શકે. બધી ઘટના પ્લાનિંગ મુજબ ઘટતી જતી હતી. આવેલા કોઈ પણ વ્યક્તિને ખબર ન હતી કે નીલ કોણ છે એ વાતનો ફાયદો ઉઠાવતા રાકેશે તેમની નજીક જઈને કહ્યું ‘અબ્બાસ કોણ છે?’

‘હું’ તેના અવાજમાં ક્રોધરસ છલકતો હોય તેમ દેખાય આવતો હતો. ગુસ્સો ભરેલી લાલ આખો, હાથમાં હોકીસ્ટીક અને છ ફૂટનો મજબૂત બાંધો, કાળી દાઢી અને કાળા જભ્ભામાં તે વધુ ભયાનક લાગતો હતો.

‘જો સબંધ સાચવતા ના આવડતા હોય તો સબંધમાં પડાય જ નહી. એકવાર અમારી સાથે દોસ્તી કરી જો છેલ્લા શ્વાસ સુધી આડે રહીશું.’

‘એ મારો પ્રોબ્લેમ નથી અને મારે એ જોવાનું પણ નથી. તારી બહેન રઝીયાને ઓળખ પછી અહીં આવજે. એ મને લવ કરતી.’ ઝઘડો કરવાની શરૂઆત તેણે તેની બહેન નામ લઈને કરી જેના કારણે કોઈ ભાઈ ઝડપથી ઉગ્રતા પકડી લે.

‘એનો મતલબ એવો નથી કે તું એની સાથે ગમે તેમ વર્તે. તારા જેવા લોકોના લીધે અમારા લોકોને તમારા બીજા લોકો પર વિશ્વાસ નથી,’ અબ્બાસનું આ એક વાક્ય સૂચવતું હતું કે ઘણીવાર સારાઓની વચ્ચે રહેલો એક દુષ્ટ વ્યક્તિના લીધે બાકીનાઓ કારણ વગર બદનામ થતા હોઈ છે.

‘પ્રેમ અને વિશ્વાસની વાતો ના કર. તે અહી શું કામ બોલાવ્યા છે એ જ વાત કર.’ સંદીપે આગળ કઈ બોલે એ પહેલા અબ્બાસે બોલાવવાનું કારણ રાકેશના હાથ પર હોકીસ્ટીક ફટકારી જણાવ્યું. સંદીપને પણ સરખી પરીસ્થિતિનો અનુભવ થયો. બીજીવાર માથા પર મારીને માથું ફોડી નાખ્યું. તેની સાથે આવેલા બાકીના લોકો બંનેને માર ખાતા જોઇને મનોમન ખુશ થતા હતા. સંદીપના માથા પરથી લોહી વહેવા લાગ્યું. ચહેરો પુરેપુરો લોહિયાળ થઈ ગયો. અબ્બાસે રાકેશ(નીલ)ને મારવાના બદલે સંદીપને શા માટે માર્યો? એ પ્રશ્ન પેચીદો હતો.

ત્યાંથી જતી વખતે તેઓએ રાકેશને કહ્યું, ‘જો તું(એટલે કે નીલ) રઝીયાના ઘર તરફ ફરકતો જોવા મળીશ તો ત્યાંને ત્યાં કાપી નાખીશ અને સસ્પેન્સ બની જશે કે તું ગયો ક્યાં? અત્યારે તારા ફ્રેન્ડ પર ડેમો બતાવ્યો છે પછી સીધો હાઈ એટેક થશે અને એ પછી તું વિચારી પણ નહિ શકે કે તારી સાથે શું થશે?’

રાકેશને જેટલું કામ હતું તેટલું થઈ જતા, તેમની સાથે ખોટી માથાકૂટ કર્યા વગર તેણે ઝડપથી બહારથી શુટિંગ કરતા નીલને બોલાવીને સંદીપને હોસ્પીટલમાં દાખલ કરી મિત્રધર્મ દાખવ્યો.

₪ ₪ ₪

‘બે જ્ઞાતિના વ્યક્તિઓ મળે, પ્રેમ કરે અને કોઈ કારણોસર છુટા પડી જાય. જો એ વિયોગ કોઈ વ્યક્તિ સહન ના કરી શકે અને દુખી થઇ જાય એનો અર્થ એ નથી કે આપણા લોકોને મારવા. બીજી વાત એ કે આ પ્રેમનો સંબંધ નીલની સાથે હતો તો અમને મારવાનું શુ કારણ?’ રાકેશે બે કલાકમાં યુવા સંગઠનમાં બધા યુવાનોની સામે થયેલી ઘટનાને જુદા સ્વરૂપે રજુ કરી ઉશ્કેરવા પ્રયત્ન કર્યા. સાથોસાથ આ ઘટના સમયે નીલ દ્વારા દૂરથી લેવામાં આવેલા શુટિંગને બધાની સામે રજુ કર્યું.

યુવા સંગઠનના બધા યુવાનોએ હાથમાં સળિયા અને હોકીસ્ટીક્સ પકડાવી દેવાયા. ફક્ત યુવા સંગઠનના એક વ્યક્તિને વગર વાંકે મારવા બદલ.

અબ્બાસઅલીને તેના ઘરમાં જઈને બધા લોકોએ સ્ટીલના સળિયા, હોકીસ્ટીક વડે ઢોરમાર માર્યો. અંદરથી બધાજ લોકોને આનંદ થતો હતો કે તેઓએ બીજાઓને પોતાની ખરી તાકાત બતાવી પણ આ ઝઘડાનું મૂળ તેમાંથી કોઈને ખબર ના હતી જે રીતે પ્રજાને ફક્ત માર્ગ દોરવામાં આવે છે પણ તેની પાછળ રમાતા રાજકારણની કોઈને ખબર નથી હોતી. બધા નિર્દોષ અને પોતપોતાની જગ્યા પર સાચા હતા. અબ્બાસનો બહેન માટેનો પ્રેમ, સંગઠનની શક્તિની લાગણી અને સંદીપ નીલની દોસ્તી, બસ એક રાકેશ જ હતો જે પોતાના સ્વાર્થ ખાતર વાતાવરણ બદલવા માંગતો હતો.

એક દિવસમાં લોકોનિ અંદરોઅંદર કોમી વાતાવરણ ઊભું થઇ ગયું. સવારે આઠ વાગ્યે બ્રેક અપ, દસ વાગ્યે ઝગડો, અને બપોરના ત્રણ વાગ્યે અબ્બાસને યુવા સંગઠનની તાકાતનો પરચો. બંને વ્યક્તિઓએ હવે પોતાના ગ્રુપને લઈને સામસામે ઊભા કરી દીધા. હિમતલાલની પૂર્વ તૈયારીથીં શરૂ થયેલી આ રાજરમત રાકેશે તેમને સોપી દીધી. શહેરમાં કડક પોલીસ વ્યવસ્થા કરી દેવાઈ. દેખાડો કરવા માટે ગોઠવાયેલી ધમાલમાં કોઈ વ્યક્તિ ગંભીર હાલતમાં પહોચી ન જાય તેની ખાસ તકેદારી લેવાઈ. બંને પક્ષો વચ્ચે સુલેહ કરાવવામાં આવ્યો. રાજકારણીઓના હાથએક બાજુએ મારીને બીજી બાજુએ પંપાળીને બધું શાંત પાડી શકે છે.

હિમતલાલની મદદથી રાકેશ દ્વારા ખેલાયેલા રાજકારણને લીધે વિદ્યાર્થી સંસ્કૃતિ થોડા દિવસો માટે રૂઢીચુસ્ત વાતાવરણવાળીમાં ફેરવાઈ ગઈ. રાકેશ બ્રેકઅપથી પહેલા હુમલા સુધી જ હાજર હતો અને પછીથી રેગ્યુલર જી.એસ.ના ઇલેક્શનની તૈયારીમાં... સંપૂર્ણ રોકીકાંડને એવી રીતે ભજવવામાં આવ્યો હિમતલાલ, રાકેશ, નીલ, સંદીપ સિવાયની કોઈ પણ વ્યક્તિને (ફૈઝલને પણ નહી) રાજકારણી દાવની ગંધ પણ ના આવે...

શું રાકેશ દ્વારા રમાડવામાં આવેલો કોમી ખેલ તેને જી.એસ. તરીકે ચૂંટાઈ આવવા મદદરૂપ થશે? શું આ ઘટનાની શ્યામ પર કોઈ અસર પડશે?

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com