નો-વેલ
ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...
(પ્રકરણ -૧૧)
દર્શન નસીત
darshannasit@gmail.com
વીતેલી ક્ષણો
ગતાંકમા આપ સૌએ જોયું કે રાકેશ જી.એસ.ના ઈલેકશન માટે કોમી ખેલ રમી રહ્યો છે જયારે બીજી તરફ શ્યામ ઝરીનને દિલની વાત કહેવા માંગે છે પણ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી થોડો ખચકાટ અનુભવે છે અને હવે આગળ...
પ્રકરણ- ૧૧
સમયે બધી રીતે શ્યામનો સાથ આપ્યો. સવારમાં વહેલી સવારે પાંચ વાગ્યે મમ્મી-પપ્પા બંને ગોંડલ માસીની છોકરીના લગ્ન માટે ગયા હતા. છ મહિનાથી રોકાયેલા દાદી આગળના દિવસે ભરતકાકાની સાથે અમદાવાદ પહોચી ગયા હોવાના સમાચાર મળી ગયા હતા. રાકેશ આવનારા જી.એસ.ના ઈલેક્શનની તૈયારીમાં પહેલેથી વિદ્યાનગર હતો.
ઘરના દરેક ખૂણામાં નિરવ શાંતિ પથરાયેલી હતી. પાણીના ટીપા પડવાનો અવાજ વધુ મોટો થઈને સંભાળતો હતો. શ્યામે ઊઠીને પહેલું કામ ફોનને અનલોક કરવાનું કર્યું ત્યારે જોયું કે સાત વાગી ગયા છે અને તેની સાથે ત્રણ અનરીડ મેસેજ અને એક મિસકોલ. મેસેજબોક્સની મુલાકાતે તેને બે વ્યક્તિના સંદેશ આપ્યા. પહેલો સંજનાનો કે આજે તેને તાવ આવી ગયો હોવાથી કોલેજે નહિ આવે તેથી ઝરીનને સાથે લઇ જાય અને બીજો ઝરીનનો દરરોજની ટેવ માફક ગૂડ મોર્નિંગ, હેવ એ નાઈસ ડે દ્વારા સુપ્રભાત પાઠવતો અને બીજો સાડા અડીયાર વાગ્યે શાયરીવાળો મેસેજ.
‘ચાંદ-સીતારોસે ભરી ઇસ રાત મે
જન્ન્ત સે ખુબસુરત ખ્વાબ આયે
ઇતની હસીન હો આનેવાલી સુબહ કે,
માંગને સે પહલે આપકી મુરાદ પૂરી હો જાયે...’
મમ્મીએ વહેલી સવારે બનાવેલી ચા સાથે ટોસ, બિસ્કીટનો નાસ્તો કરીને ફટાફટ તૈયાર થઈ ગયો. શ્યામ મનોમન ખુશ થતો હતો કે આજે સંજનાની ખલેલ વગર ઝરીનને શાંતિથી મળી શકાશે.
તેની સામે ભાગ્યે હાથમાં આવતી પપ્પાની પડેલી બાઈકની લટકતી ચાવી વારંવાર નજરે પડતી હતી અને અંતે વધુ વિચાર કર્યા વગર બાઈકને ઘરની બહાર કાઢી.
કોલેજ શરુ થયા બાદ પહેલીવાર સંજનાની બુમના બદલે ઝરીનનો કોલ આવ્યો કે તે ઘરેથી નીકળી ગઈ છે તેથી તે જવા માટે તૈયાર ના થયો હોય તો થઇ જાય.
રામજીમંદિરની સામે રહેલા ઘરની બારી પર ચકલો અને ચકલી એકબીજા તરફ પાંખો હલાવીને ફફડાટી કરતા હતા. ચકલી ચકલાને પોતાની તરફ આકર્ષતી હતી, બંનેએ સ્થિર થઈને ચાંચો અથડાવી. સૂર્યના કિરણો તેમાંથી પસાર થઈ જોડીને વધુ ચમકદાર બનતા હતા.
ઝરીન શ્યામની નજીક આવી. આજે તેને ફરી પેલો કાળા રંગનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો બસ ફર્ક ફક્ત એટલો હતો કે તેના પર રહેલી ચુંદડી આજે ચંચળ પવનની ગેરહાજરીમાં સ્થિરતા પકડીને બેઠી હતી.
‘આજે કેમ અચાનક બાઈક?’ ઝરીને આવતાની સાથે જ પૂછ્યું.
‘બે છીએ તો પછી શા માટે બસમાં જવું? અને એમાં પણ આજે મોડું થઇ ગયું છે.’
‘ઘરેથી બધા બહાર ગયા લાગે છે, નહિતર...’
‘લગ્નમાં ગયા છે’ ઝરીન ગાડી હાથમાં ન આવે એ બોલે તે પહેલા શ્યામ બોલ્યો.
‘હમમમ... આમેય તે મારો બસપાસ આજે ક્યાંક મુકાય ગયો છે.’ ઝરીને કહ્યું.
બંને વચ્ચે વધુ ચર્ચા થાય શ્યામે બાઈક સ્ટાર્ટ કરી અને બેસવા માટે કહ્યું. તે મોટી ઉમરની સ્ત્રીની માફક એક તરફ બેઠી પણ વિચારથી તે તદ્દન આધુનિક હતી. અત્યાર સુધીના સમયમાં શ્યામે કોઈ છોકરીને તેની પાછળ આ રીતે બેસાડી ના હતી, સંજનાને પણ નહી.
‘મને આજે કોલેજ જવાની ઈચ્છા નથી થતી,’ શ્યામે કહ્યું.
‘તો?’
‘તો શુ? નથી જવું એમ.’
‘તો મારે પણ બંક મારવો પડશે એમ ને?’ ઝરીન પણ ઈચ્છતી હતી કે સંજનાની ગેરહાજરી હોવાથી કોલેજ જવાને બદલે અમરેલીમાં મન ભરીને ફરવું.
‘કેમ ચૂપ બેઠો છે? કઈંક તો બોલ,’ ઝરીન બોલી.
‘બોલવું તો ઘણું છે પણ કેટલીક વસ્તુઓ બોલી શકાય એમ નથી.’
‘આજે મુવી જોવા જઈશું?’ પહેલા દિવસની એ શાંત છોકરીમાં હવે ફેરફાર આવવા લાગ્યો હતો.
‘જેવી તારી ઈચ્છા.’ બાઈકને સામેની તરફથી આવતા પવનને કાપવાનો હતો. ફૂકાતો તેજ પવન બાઈકના હેન્ડલને હલાવતો અને તેની પાછળ બેઠેલી ઉંઘચોર શ્યામને સવાલ પર સવાલ કરીને હલાવતી હતી.
₪ ₪ ₪
ઝરીને અમરેલી પહોચીને કોલેજ જવા માટે અચાનક હઠ પકડી અને શ્યામે ના જવા માટે...બંને વચ્ચેના મીઠા ઝઘડા પરથી મધ્યાંતરી પરિણામ આવ્યું કે પહેલા ત્રણ પીરીયડ ભરીને બાકીના બંક.
શ્યામે ઝરીન સાથેના કોલેજના પહેલા દિવસથી આજદિન સુધીની મિત્રતાનો અંત લાવી પ્રેમ તરફ લઇ જવા માટે ઘણી વાર વિચાર્યું. તેને મુખ્ય પ્રશ્ન એ નડતો હતો કે ક્યાંક પ્રેમનું પરિણામ બે ધર્મ વચ્ચે અથવા કુટુંબ સાથેના ઝઘડા, સબંધોમાં નકારાત્મક બદલાવ આવશે તો? અને તેનાથી મોટો પ્રશ્ન એ હતો કે શું ઝરીન શ્યામના પ્રેમની પરીભાષા સમજી શકશે?
શ્યામને ઝરીન સાથે મન મુકીને ફરવાનો વિચાર સેકન્ડ કાંટો કલાક કાંટાની ગતિએ ફરતો હોય તેમ એકએક સેકન્ડ કલાક જેટલી મોટી લાગતી હતી. કોલેજમાંથી ત્રણ કલાક પછી બંને કંટાળીને બહાર નીકળ્યા.
‘હજુ બે કલાક જેટલો સમય છે બોલ શું કરશું?’
‘ખલેલ વિના બે ધડી વાતો થઇ શકે એ માટે ગાર્ડનમાં જવું છે?’
‘ઓકે.’ ઝરીનની હાલત કોયલના માળામાં રહેલા કાગડાના બાળપંખીની માફક હતી. મામાના ઘરે રહેતી તો ખરા પણ પળેપળ અમ્મી-અબ્બાની કમી મહેસુસ થતી. આજે માળામાંથી ઘણા સમયે બહાર નીકળતા પંખી જેમ ઉડવા માગતી હતી. બાઈકને પાર્કિંગમાંથી કાઢીને ગાર્ડન તરફ ભગાવી. બધી બાજુ વાહનો, વ્યક્તિઓની અવર-જવર શરૂ થઇ ગઈ હતી. ગોળ દવાખાનામાં દર્દીઓની ભીડ જામી હતી. હાલ તો ઝરીનના વિચારોના વંટોળે ચડેલો દર્દી શ્યામ જ હતો, મળશે કે નહી તેના કરતા એકને પામીને બધાને ખોઈ બેસવાની ચિંતા થતી હતી.
₪ ₪ ₪
યુવા-કપલ માટે આ સમય ફરવા માટે યોગ્ય હતો. અમરેલીના મોટા ભાગની સંખ્યાના લોકો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય અને જુવાનીયાઓને મિત્રો સાથે ઘુમવા ફરવામાં..
‘બે કસાટા આઈસ્ક્રીમ.’ શ્યામે આઈસ્ક્રીમ પાર્લર પર ઓર્ડર કરતા કહ્યું. કસાટામાં આવતા વિવિધ રંગો જિંદગીના રંગોને યાદ કરતા તેઓ આઈસ્ક્રીમ લઈને ગાર્ડનની અંદર ચાલવા લાગ્યા.
‘મુક્તિનો અહેસાસ’ ઝરીને તેના અંદરની લાગણીઓને વ્યકત કરી.
‘ખરેખર?’ ઝરીનનો શાંત ચહેરો આજે અલગ પ્રકારના કિરણો છંછેડતો હતો.
‘હા’ ચારે તરફ શાંતિનો માહોલ છવાયેલો હતો. ડાબી તરફ કેટલાક તોફાની ટાબરિયાઓ પણ શાંતિથી દાદા-દાદીઓ સાથે બેસીને નાસ્તો કરતા હતા. કેટલાક લસરપટ્ટી પર લસરતા જતા હતા, તો કેટલાક શાંતિથી હીંચકા પર હીંચકતા હતા. ત્યાં બેઠેલા વીસેક જેટલા વયોવૃદ્ધ વ્યક્તિઓમાંથી મોટા ભાગના લોકોએ તેઓ ભાગીને આવ્યા હોય તેમ તેમની તરફ જોયું. સમાજ હજુ સંકોચિત વૃતિમાંથી બહાર નહોતો નીકળ્યો, છોકરા-છોકરીને સાથે જુએ એટલે અંદરોઅંદર પારકી પંચાત માટે ગણગણ કરવા લાગે.
‘જો લોકો નવરા બેસીને પારકી પંચાત અને સરખામણી કરવાનું બંધ કરી દે તો યુવાપેઢીની જિંદગી ખુશખુશાલ થઇ જાય. સાચુંને શ્યામ?’
‘ટોટલી એગ્રી.’ શ્યામે પપ્પા દ્વારા રાકેશ સાથે કરવામાં આવતી સરખામણી અનુલક્ષીને કહ્યું.
‘આપણે અંદર તરફ આવેલ મેદાન તરફ જઈશું ?’
‘ઓકે.’ સંકુચિત વિચારોની દુનિયાથી દૂર થવા માટે પગને મહેનત અપાવી.
એક મહિનાથી શ્યામ પણ મુંજવણમાં હતો કે તેને કોના તરફ સાચું આકર્ષણ છે? હજુ મહિનાથી તેના સંપર્કમાં આવેલી ઝરીન તરફ જેની સાથે મિત્રતાથી આગળ વધવા વિચારે છે કે પછી સંજના તરફ, જે તેની સાથે બાળપણથી સુખ-દુઃખમાં હંમેશા સાથી બની છે. સંબંધ આગળ વધારવો હોય તો પણ તે હોવાના પોતાની જ્ઞાતિની હોવાને લીધે શક્ય છે. કોઈ વાતનું સોલ્યુશન લાવવા માટે દિલની ધડકનને સાંભળવાથી મળી જાય કેમ કે જ્યાં મગજ ના કરે ત્યાં દિલ કામ કરે છે. શ્યામે આંખ બંધ કરી. આંખ સામેના અંધકારમાં ચહેરો કલ્પવાનો પ્રયત્ન કર્યો ત્યારે બધા ધબકારાઓ ઝરીનના બનીને ધબકવા માટે ઈચ્છતા હતા.
‘કેમ આખ બંધ કરી છો? અહીં તું ધ્યાન કરવા નથી આવ્યો. ઓકે.’ વિચારમગ્ન શ્યામને પોતાના ધ્યાનમાં ભંગ પાડતા કહ્યું.
‘મારે તને કઇક કહેવું છે.’
‘શું?’
‘એ કે હું ધ્યાનમાં નથી બેઠો અને બીજી આઈ લવ યુ એન્ડ યુ?’ હીચકા પર બેસતા સમયે શ્યામે ઝરીનનો હાથ પકડતા પૂછ્યું.
‘શ્યામ, પ્લીઝ મજાક ના કર.’ આટલું સાંભળતા તે સાવ અજાણ હોય તેમ ઝબકીને હાથ છોડાવવા પ્રયત્ન કર્યો.
‘તારી સાથે વિતાવેલા એક મહિનામાં તારા પ્રત્યે એવી લાગણી બંધાઈ ગઈ. જે મેં કયારેય બીજા કોઈ માટે નથી અનુભવી.’
‘સંજના સાથે?’
‘ના, અમારા સબંધો ફ્રેન્ડશીપ કરતા થોડા આગળ અને પ્રેમ કરતા ખૂબ પાછળ પ્રકારના છે.’
‘આપણા બનેના ધર્મ તો સાવ અલગ છે,’ ઝરીને કારણ બતાવ્યું.
‘તો? ધર્મનું કામ વ્યક્તિને જોડવાનું છે.’
‘તારા વિચારોમાં ધર્મ-ધર્મ વચ્ચેનો ભેદભાવ ન હોવાનું કારણ?’
‘શિલ્પાફઈનું જાતીવાદના કારણે આકસ્મિક મૃત્યુ થયું ત્યારથી મેં નક્કી કર્યું કે હું જાતિ નામના શબ્દને લોકોના મનમાંથી હટાવવા કોશિશ કરીશ.’
‘તારા ધ્યેય માટે કોઈ હેલ્પની જરૂર હોય તો ઓલ્વેઝ આઈ વિલ ડુ માય બેસ્ટ.’
શ્યામની ખામોશીભરી આંખોમાં શિલ્પાફઈ સાથે થયેલી ઘટના દેખાતી હોય તેમ ઝરીન તેની સામે જોવા લાગી. ‘ગણ્યાગાંઠ્યા લોકોની અસામાજિક હરકતોએ શાંતિપ્રિય સમાજમાં રહેતા વ્યક્તિની ઓળખ એકબીજાના ધર્મના ડર દ્વારા આપી.’
તેનો જવાબ સાંભળતા પહેલા શ્યામના ફોનમાં રીંગ વાગવા લાગી. ફોન સ્ક્રીન પર અનનોન નંબર આવતો હતો.
‘હેલો..’
‘શ્યામ, ઝરીન તારી સાથે છે?’ ફોનમાં નામ કહેવાના બદલે આવો સવાલ સાંભળીને આવી પરિસ્થિતિમાં કોઈ પણ ચોંકી જાય એ સ્વાભાવિક છે.
‘તમે કોણ?’ તેના પ્રશ્નનો વળતો જવાબ ઝડપથી તેને મળી ગયો.
‘એ તારે નથી જોવાનું. અમરેલીમાં તું જ્યાં હોય ત્યાંથી ઝરીનથી દુર ચાલ્યો જા.’
શ્યામે ફોન પર કઇ આગળ બોલવાના બદલે કટ કરીને ખિસ્સામાં રાખી દીધો.
‘કોણ હતું શ્યામ?’
‘હતું કોઈ, જે મને તારાથી દૂર રાખવા માટે કહેતું હતું.’
‘કદાચ ફૈઝલભાઈ હશે...’
‘કોણ ફૈઝલ?’ ફૈઝલ નામ સાંભળતા તેને થોડો ઝાંટકો લાગ્યો અને ઘડીભરતો વિચારવા લાગ્યો કે કદાચ વિદ્યાનગરવાળો ફૈઝલ મલિક તો નહિ હોય ને?
‘ફૈઝલ બિલાલઅલી મલિક, મારા મામાનો છોકરો.’
‘શું તે વિદ્યાનગરમાં છે?’
‘તું તેને કઈ રીતે ઓળખે છે?’ બંને વચ્ચે એક નામ કોમન હોવાથી આ પ્રશ્ન ઓળખાણ કાઢવા માટે પૂછાવો સામાન્ય હતો.
‘વિદ્યાનગર રાકેશભાઈની સાથે રહે છે. અમારી બે વખત મુલાકાત થયેલી છે.’ શ્યામથી આ સિવાય ફૈઝલ વિષે વધુ ઓળખાણ આપવી શક્ય ન હતી.
‘પણ તેને કઈ રીતે ખબર પડી કે તું મારી સાથે છે?’
‘જવા દે બધી વાત, ટોપિક ચેન્જ કર.’ શ્યામે ઝરીનના ચહેરા પર વહેતો ફૈઝલના ડરનો પ્રવાહ બદલવા માટે કોશિશ કરી. તેણે એક સવાલનો જવાબ આપ્યો ન હતો ત્યાં બીજી રોમાંચક વાત રજૂ કરી દીધો.
‘શ્યામ મને પ્રેમ થઇ ગયો છે.’
‘કોની સાથે?’ શ્યામનું દિલ તૂટીને અનેક ટુકડાઓમાં વહેચાય જતું હોય તેવી ક્ષણો આંખ સામે આવવા લાગી. કોણ હશે તેનો સ્પર્ધક?
‘જાણે છે છતાં અજાણ બને છે,
વારંવાર સવાલ કરીને હેરાન કરે છે,
નાદાન મને પૂંછે કે તને કોણ ગમે છે?
તેને ક્યાં ખબર છે કે ખુદ જવાબ જ સવાલ કરે છે.’
પહેલીવાર ઝરીને શાયરી સંભળાવીને જવાબ આપતા જોઇને શ્યામ થોડીવાર માટે તો દંગ રહી ગયો. પેલીએ શરમાઈને મો ફેરવી લીધું.
પવનની લહેરકીએ ફરીવાર શ્યામને મોકો આપ્યો. આંખ પરના વાળને દૂર કરતાની સાથે તેણે ફરીથી આઈ લવ યુ કહી દીધું.
પ્રેમ કરવામાં ઘણા બધા સંબંધો આડે આવે છે. તેણે લવ યું કહી સાથેસાથે તેનું બેકગ્રાઉન્ડ શ્યામ સમક્ષ કરતા કહ્યું. ’આપણો પ્રેમ પણ કદાચ અધૂરો રહી જશે.’
‘કેમ?’ શરૂઆતમાં અધવચ્ચેનું વિચારતી ઝરીનને તેણે પૂછયું.
‘તે મને એક સવાલ કર્યો હતો કે હું ચલાલામાં શા માટે આવી?’
‘હા, યાદ છે પણ આ વાતની સાથે તેને શું લાગે?’
‘ત્રણ મહિના પહેલા અમદાવાદથી બાબાપુર આવતી વખતે મમ્મી-પપ્પા બંનેનું કારમાં એક્સીડેન્ટ થતા મૃત્યુ થયું. ત્યારે હું બચી ગઈ. મારા રિશ્તેદારમાં બીલાલામામા સિવાય કોઈ ના હતું. મામાએ વિચાર્યું કે મારી ઉમર નિકાહ કરવા જેવડી થઇ છે. મારા શાંત સ્વભાવને લીધે તેણે ફૈઝલ સાથે નિકાહ ગોઠવવા માટે નક્કી કર્યું એટલે બાબાપુરથી ચલાલા સાથે લઇ આવ્યા.’ શ્યામમાં આત્મિયતા નજર આવતા તેણે દિલ ખોલીને હળવા થતા કહ્યું.
‘પણ ફૈઝલ તો તારો ભાઈ છે ને?’
‘ભાઈ છે પણ મામાનો દીકરો ભાઈ. અમારામાં સગા ભાઈ સિવાયના ગમે તે ભાઈ સાથે નિકાહ થઇ શકે. મામાએ આજ કારણથી મને તેમની સાથે સાચવી છે. નહીંતર મામા મને તેમની સાથે બીજા કોઈ કારણથી રાખે તેમ નથી?’ ઝરીનના અવાજમાં હોઠના ફફડાટની સાથે ખચકાટ આવવા લાગ્યો.
‘કેમ?’
‘પપ્પા જ્યાં સુધી હતા ત્યાં સુધી તેમણે મને દરેક વાતની છૂટ આપી. મામાના રૂઢીચુસ્તતાવાળા વાતવરણમાં હું કંટાળી ગઈ છું પણ બીજો કોઈ વિકલ્પ નથી.’ ઘણીવાર આસપાસ રહેતી વ્યક્તિની હકીકત ખબર પડે ત્યારે તેના તરફ જોવાની નજર બદલી જાય છે. આજુબાજુ નજર ફેરવી કોઈ પણ ત્રીજો વ્યક્તિ ત્યાં હાજર ન હતો. દર્દથી ભરેલી ઝરીનની આંખો વરસી પડે એવો અણસાર ભીની કીકીઓમાં આવતો હતો. તે આગળ બોલીને વધુ દુખી થાય એ પહેલા શ્યામે તેના તરફ આગળ વધીને તેના હોઠ પર હોઠ રાખી દઈને આંસુને પરાણે પાછા વળાવી દીધા. ભૂતકાળની યાદનો સમય ક્યાં અલોપ થઇ ગયો તેનો ખ્યાલ ના રહ્યો.
‘હવે આપણે જઈશું?’ મુવીનો શો પણ હવે શરૂ થવામાં અડધો કલાકની વાર હતી.
‘ઓકે’ ઝરીનની પાતળી કમર પર હાથ રાખ્યો. આ વખતે બંને એકબીજાની નજીક આવી ગયા અને આ નજદીકીમાં બંનેના હોઠ ફક્ત ચાર સેકંડ માટે આલિંગન લઈને છુટા પડ્યા. બંને ઉભા થઈને બાઈક તરફ ચાલવા લાગ્યા, એકબીજા સંત થોડું શરમાઈને ફરી રસ્તા પર ધ્યાન આપ્યું.
ઝરીનના ખૂબસૂરત ચેહરા પરથી પરાવર્તિત, બાઈકના સાઈડ મિરરમાંથી આવતા કિરણો દર્શાવતા હતા કે ગાર્ડનમાં બેઠેલી ઝરીન રહેવાના બદલે શ્યામની ઝરીન બની ચુકી હતી.
જે વાત કરતા શ્યામને મહિનો જેટલો સમય લાગ્યો તે વાત કરતા ઝરીનને પણ તેટલો જ સમય લાગ્યો કારણકે, પહેલી મુલાકાતનો એકતરફી પ્રેમ જ્યાં સુધી કહેવામા ન આવે ત્યાં સુધી પ્રેમનું નામ પણ લઇ શકતો નથી. ઝરીને તેના વાળ સરખા કર્યા. તેની આંગળીમાં પહેરેલી ડાયમંડ રિંગે તેને ઝરીન તરફ આકર્ષ્યો.
બાબાપુરમાં શરૂ થયેલો એકતરફી હવે બંને તરફથી શરુ થઇ ગયો.મુલાકાતો માટે બહાના પણ શરૂ થવા લાગશે. ફક્ત બે વાત નડતી હતી, ફૈઝલ અને ઝરીનના નિકાહની અને બીજી બંનેના ધર્મના બંધનોની. બંને માટે કઇક તો સોલ્યુશન મળી જવાનું હતું. આજદિન સુધી બે ધર્મના પ્રેમીઓની અલગ મુશ્કેલીઓ વિષે વાત સાંભળી હતી, હવે એ મુશ્કેલીઓ સામે આવવાની હતી. સરકારી ધોરણે બંનેના લગ્ન થઇ જશે પણ સામાજિક ધોરણે....???
મુવી જોઇને બહાર નીકળીને શ્યામે ગાર્ડનમાં આવેલા અજાણ્યા નંબર પર કોલ કર્યો.
‘હેલો.’ સામેથી જાણીતો અવાજ આવ્યો.
‘કોણ?’
‘કિશન, તમે કોણ?’
‘ઝરીન સાથે જે હતો એ. આ તારી કઈ રીત છે?’ શ્યામને લાગ્યું કે કિશન પાસે તેના નંબર ફોનમાં સેવ કરેલા નથી એથી તે જરૂરથી ચોકી ગયો હશે.
‘આજે તમને બંનેને સાથે જતા જોયા એટલે સવાલ થયો કે, તું કેમ ઝરીન સાથે?’
‘બસ એમ જ. ફરવાની ઈચ્છા થઈ એટલે ગયા હતા બીજા કોઈને ખબર ના પડે.’ શ્યામે કહ્યું.
‘હા ભાઈ, નહિ કહું, સંજના કેમ નથી આવી?’
‘તેને મજા નથી. ચાલ પછી વાત કરું.’ જીનલ સાથે હોવા છતાં કિશનને સંજનાની ચિંતા થતી હતી. એકવાર કોઈ ગમવા લાગે તો પછી ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં એ ભૂલવું થોડું મુશ્કેલ હોય. એમાય ભલેને તે એકતરફી હોય કે દ્વીતરફી...
કિશનની આવા મજાકની વાત ઝરીનને ખબર પડી ત્યારે તે ફૈઝલનો અંદરથી જે ડર હતો તે દુર કરીને ખુલ્લા દિલે આંખોમાં આંખ મિલાવીને હસવા લાગી.
આવી પરિસ્થિતિમાં ફૈઝલના શું પ્રતિભાવ હશે, જયારે રાકેશે તેની પીઠ પાછળ પોલીટીક્સ રમ્યુ હોય અને શ્યામ તેની ઝરીનને પ્રેમ કરવા લાગ્યો હોય?
વધુ આવતા અંકે...
દર્શન નસીત
darshannasit@gmail.com