Antar Aniruddhbhai Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Antar

અંતર!!!

વાત કરવાથી ઘટી શકતું હતું,,,

હાથ પકડવાથી, ભેટવાથી પણ ઘટી શકતું હતું,,,

અમે ના હાથ પકડ્યો, ના કરી વાત,,,

અને સર્જાયું દુનિયાનું સૌથી મોટું અંતર...

આ વાત છે માનસી અને હિમાંશુની. નહિ માનસી અને તેના પપ્પાની...

માનસી દરવાજો પછાડીને જતી રહી, સગા બાપના મો-પર દીકરી દરવાજો બંધ કરીને જતી રહે એટલે સમજી જવાનું કે વાત પ્રેમની છે[હિન્દી ફિલ્મો એ એટલું તો શીખ્વીજ દીધું છે નહિ] એ દિવસે માનસી હિમાંશુને તેના પપ્પાને મળવા લાવી હતી, કારણ પૂછવાનું નહિ લગ્નનું માગું જાતેજ નખાવ્યું.

હિમાંશુ માનસીનો સીનીયર હજુ મહિના પહેલાજ નોકરીએ લાગ્યો હતો.

એકલા હાથે ઉછરેલી માં વગરની છોકરી જેને સંસારના વિવેક વિષે કશું ખબર નથી, લાડકોડમાં ઉછરેલી દીકરી એક દિવસ અચાનક આવું કરશે તેના પપ્પાને ના સમજાયું અને લગ્નની નાં પાડી દીધી.

માંડીને વાત કરું તો માનસી ખુબ નાની હતી ત્યારે તેની મમ્મીનું નિધન થયેલું, માનસીના પપ્પા એ માનસીના સારા ઉછેર માટે બીજા લગ્ન ના કર્યા અને માનસીની તમામ જવાબદારી પોતાના માથે લીધી, જેના કારણે માનસી પર ઘણા બધા નિયમો અને પ્રતિબંધો લાગ્યા,

નિયમ નમ્બર 1. માનસીએ કોઈ છોકરા સાથે વાત નહિ કરવાની,

નિયમ નમ્બર 2. માનસીની કોઈ બહેનપણીએ તેના ઘરે નહિ આવવાનું કે માનસી એ ક્યાંય જવાનું નહિ,

નિયમ નમ્બર 3. સ્કૂલ છૂટેકે સીધું ઘરે આવાનું, જો મોડું થાય તો પપ્પાનું લાંબુ લેકચરમળે,

નિયમ નમ્બર 4. માત્ર માઈથોલોજીકલ સીરીઅલ જોવાની અને ફિલ્મો નહિ જોવાની.

નિયમ નમ્બર 5. પપ્પા સામે બોલવાનું નહિ ટૂંકમાં પ્રશ્નો નહિ પૂછવાના.

આવા તો અઢળક નિયમો હતા. પણ કોઈ નાના બાળકને હતાશ કરવા આટલા નિયમો કાફી હતા.

માનસી ને કોઈ ખરાબ સંગત ના લાગે એટલા માટે એને કોઈ સંગતજ ન કરવા દીધી. આખરે અમૂક ઉમર પછી દીકરી અને બાપની મિત્રતામાં ફર્ક તો આવેજ એ માનસીના પપ્પા ના સમજી શક્યા,

માનસી ના પપ્પાને એવું લાગતું હતું કે એ એની જગ્યાએ સાચા છે પણ કહેવાય ને ક યુવાન છોકરી જેટલી સરળતાથી બધી વાત બધી ખ્વાહીશ તેની માતા ને કહે શકે છે તેટલું તેના પિતા ને નથી કહી શક્તિ,

સ્કૂલના મિત્રો માનસીના પપ્પાને હિટલર કહેતા, શરૂઆતમાં માનસીને ના ગમતું પણ પછી સમય જતાની સાથે તેના મનમાં એવીજ છબી બનવા લાગી. પ્રેમ હતો પણ મનોમન એ એના પિતા પ્રત્યે નો આદર ખોવા લાગી.

થવાનું શું હતું, ખોટું બોલીને માનસી ઘરમાંથી બહાર નીકળતી મોજ મસ્તી કરતી અને ઘરે આવી હતી એવી.

આખરે એ દિવસ આવીજ ગયો, માનસીની સ્પ્રિંગ ઉછળી,

એ દિવસે જે થયું તે ખુબ ખોટું થયુ, પણ માનસીના પપ્પાને વાતની ગંભીરતાનો અંદાજો ન હતો. અને માનસીએ છોકરમત કરી છે, એવું સમજી ને તે ઊંઘી ગયા.

સવારે ઉઠીને નાસ્તો બનાવી માનસીને જગાડવા ગયા તો ત્યાં માનસીના મળી પણ એક ચિટ્ઠી મળી, "પપ્પા, મને માં વગર, મારી માં બની ને ઉછેરવા બદલ આપનો ખુબ ખુબ આભાર, પણ એ મને જન્મ આપવા બદલ તમારી ફરજ હતી અને આ વાતના બોજ હેઠળ કે મારા માટે તમે આખી જીંદગી બીજા લગ્ન ના કર્યા, હું મારી જીંદગી નહિ કાઢી શકું, મને પણ મારા નિર્ણય લેવાનો હક છે, હિમાંશુ સારો છોકરો છે અને મને ખુશ રાખશે, હું તેની સાથે લગ્ન કરી રહી છું - માનસી"

ચિટ્ઠી વાંચી માનસી ના પપ્પા સાવ ભાંગી ગયા, અને ગુસ્સે પણ થયા, 22 વર્ષ જે દીકરીને આંખોના પાપણ પર રાખી એ 2 મહિનાના પ્રેમી પાછળ આવી રીતે તરછોડીને જતી રહી.વાતતો કરી શક્તિ હતી મારી સાથે,

આખરે મારી દીકરી મારા નિયમો તોડી ને કઈ રીતે જી શકે?

માનસી અને હિમાંશુ લગ્નના એક મહિના પછી તેના પપ્પાને પગે લાગવા આવ્યા, પણ દુખી બાપે માનસી સાથે બધા સંબંધ તોડી નાખ્યા અને ઘરે થી કાઢી મુક્યા. એવું કહેવાયને કે તેમને માનસીના નામનું નાહી નાખ્યું.

બે વર્ષ પછી

માનસીનો અચાનક ફોન આવે છે,

માનસી - હેલો, પપ્પા,

સામેથી કોઈ જવાબ નથી આવતો, થોડી ક્ષણો વીત્યા પછી,,,

માનસી - હેલ્લો પપ્પા તમે છો ને ત્યાં મને ખબર છે, તમેજ ફોન ઉપાડ્યો છે બોલોને,

પાપા - તો હુજ ફોન ઉપાડુંને, હજુ મારું ભૂત ભમતું નથી થયું આ ઘર માં, હા જોકે ભૂત ભમતું હશે તો તમને લોકોને ખબર પણ થોડી પડશે, બે-બે વર્ષ પછી બાપ ને ફોન કરવાનું મન થાય છે.

[માનસીના પપ્પાએ માનસીના જુના ફોન માં ઘણી વાર ફોન કર્યા હતા, પણ એ નમ્બર પહોંચની બહાર આવતો હતો, આં વાતથી એ વધારે દુખી અને કઠોર થઇ ગયા હતા]

માનસી - પપ્પા તમે કેમ છો?

પાપા - હસી પડે છે, એક દમ માઈન્ડ બ્લોવિંગ, પણ તને શું ચિંતા છે હું તો તમારા માટે આઉટ ઓફ રીચ છું, બીજું બધું મુકો બીજું ભસો શુકામ ફોન કર્યો છે મારો ટાઈમ ખોટી કરવા? મે ગેસ પર કૂકર મુક્યું છે. પછી મારે કપડા પણ ધોવાના છે. અને દુકાન પણ ખોલવાની છે,

માનસી - પપ્પા હજુ પણ તમે દાળમાં વઘાર કરતા ભૂલી જાવ છો કે કરો છો, ? માનસી રડી પડે છે.

પાપા - તારે કામ શું છે એ બોલ ને ભાઈ મારા પાસે ખોટી કરવા માટે સમય નથી.. પાપા નો અવાજ ભારે થઇ જાય છે. કામની વાત કરે છે કે મુકું??

માનસી - ના ના પપ્પા મુકશો નહિ,, તમે નાના બની ગયા છો, મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે, મે તેનું નામ તમારા અને મમ્મીના નામ પરથી રાખ્યું છે, દીનાનાથનો દી- અને શાંતિ નો શા, દિશા નામ રાખ્યું છે...

પાપા - હા તો લગન કર્યા છે તો છોકરાતો થાયને અને એને મોટા કરો તો એ મૂકી ને વયા પણ જાય, અને અહિયાં મારા પાસે કોઈ મિલકત નથી કે તેના નામે કરી દઈશ, એટલું કહીને ફોન કાપી નાખે છે.

"બોલો બાપ ને ફોન કરીને જણાવે છે દીકરી આવી છે, આજ દિવસ જોવા માટે હું જીવતો હતો", એવુંના બોલો કાકા, માનસીબેન ઘણી તકલીફ માંથી પસાર થઇ રહ્યા છે, છતાય એમને તમને યાદ કર્યા, તમે સમજી શકો છોને એ તમને કેટલો પ્રેમ કરે છે, દીનાનાથભાઈ ના નોકર હસમુખ એ આ વાત કહી, હસમુખ, તકલીફ તો મને થાય છે એક બાપ તરીકે હું મારી ફરજ ચુકી ગયો, પણ એય ઓછી નથી, દરેક બાપ નું એક સપનું હોઈ કે એની દીકરીને મોભા ભેર માન-સન્માનથી પોતાના ઘરેથી વિદા કરે, હું એની લાગણીને સમજી ના શક્યો, હેમરાજ એના લાયક હતોજ નહિ, મારા જેવો બાપ ભગવાન કોઈ સંતાનને નાં આપે, અને મારી આ હાલત એ કોઈ બીમારી નથી, મારા કર્મોની સજા છે માટે.. ના ના શેઠ આવું ના બોલો તમેં ભલા માણસ છો, એ બધું છોડો આજે શું નાસ્તો કરશો એ બોલો હું તૈયારી કરીને તમને નવડાવી દવ.

------------------------------------------------------x ------------------------------------------------------------------

એક અઠવાડિયા પછી દીનાનાથ ભાઈનું ઘર...

સવારના પાંચ વાગ્યાનો સમય, ઘરનો દરવાજો ખખડે છે, ધડધડ ધડધડ, જાણે કોઈ અધીરું થઇ ને દરવાજા પર તૂટી પડ્યું છે, હસમુખભાઈ દરવાજો ખોલે છે,

એક છોકરી હાથમાં મહિના દિવસનું બાળક લઈને ઘરમાં ઘસી આવે છે, બંધ કરો દરવાજો બંધ કરો એલોકો મને અને મારી દીકરીને મારી નાખશે.. એ ગભરાયેલી સ્ત્રી બોલી,,

અંદર આરામથી બેસો, પાણી પીઓ તમને કોઈ કઈ નહિ કરે,,,

થોડી વાર પછી એ બોલી તમે કોણ છો? આ ઘરમાં તમે શું કરી રહ્યા છો? મારા પપ્પા ક્યાં છે?

હસમુખ - તમે ?

હું માનસી, મારા પપ્પા ક્યાં છે? ક્યાં છે મારા પપ્પા, પપ્પા હું આવી ગઈ, મને માફ કરી દો, તમને છોડીને જતી રહી એ મારા જીવન ની સૌથી મોટી ભૂલ હતી, આજે મને એ વાતનિજ સજા મળી રહી છે. પપ્પા ક્યાં છો તમે બહાર આવો.

હસમુખ - બેન તમે જેમની માફી માગી રહ્યા છો, એ તો તમને માફ કરીને હમેશા માટે જતા રહ્યા..

માનસી - શું વાત કરો છો તમે, ક્યાં જતા રહ્યા? મારા પાપા એમ મારાથી રિસાયને ક્યાય ના જી શકે હું લાવીશ તેમને પાછા, તમને ખબર છે, નાનપણમાં એ મારાથી રીસાતા કે કોઈ વાત પર ગુસ્સે હોઈતો હું ભજન ગાતી અને એ માની જતા, એટલું બોલીને માનસી ભજન ગાવાની શરૂઆત કરે છે...

હસમુખ - માનસી બેન, એ તમને સાંભળીને ખુશ થતા હશે પણ પાછા નહિ આવી શકે, દીનાનાથ શેઠ દેવ થઇ ગયા છે.

માનસી - કેમ? ક્યારે? શુકામ?

હસમુખભાઈ માનસીના હાથમાં દીનાનાથની અસ્થી આપે છે.

હેય ભાગવાન,,, મારી જેવી પાપી દીકરી માટે આનાથી મોટી સજા શું હોઈ શકે, મને મારા પિતાની મૃત્યુના સમાચાર આવી રીતે મળે છે.

એ ધ્રુસકે ધ્રુસકે રડે છે ને બેશુદ્ધ થઇ જાય છે.

શેઠ મને કહેતા કે હસલા આમને આમ જો હું મરી જાવને મારી ચિતાને કોઈ અગ્નિ દેવાવાળુંના આવે તો તું મારી ચિતાને અગ્નિ આપજે. મને શું ખબર હતી કે મારા ભાગે જ આ સોભાગ્ય આવશે, મેં તમને સંપર્ક કરવાની બોવ કોશિશ કરી, તમારા સાસરે ગયો બધી વાત કરી તો કે અહિયાં કોઈ હિમાંશુ ને માનસી નથી રહેતા, માફ કરશો, હેમરાજ કે માનસી, બોવ આજીજી કરવા છતાં એ લોકો એ જવાબ ના દીધા, તમારી કોઈ ભાળ ના મળી તો મારે શેઠની અંતિમ ઈચ્છા પૂરી કરવી પડી મને માફ કરશો..

શું કહ્યું તમે હેમરાજ? તમે મારા સાસરીયે ગયા હતા? તમને ત્યાનું સરનામું કોણે આપ્યું?

હસમુખ - શેઠે?

માનસી - તો શું પપ્પાને મારા સાસરિયા વિષે ખબર હતી? હે હિમાંશુ વિષે જાણતા હતા?

હસમુખ - તમારા લગ્ન પછી જયારે તમે શેઠને પગે લાગવા આવ્યા હતા, અને શેઠે તમને કાઢી મુક્યા હતા, પછી શેઠને ખુબ પછતાવો થયો હતો, તમારો કોઈ સંપર્ક તેમની પાસે ના હતો, તેથી તે તમારી કોલેજ ગયા હતા,

સાહેબ, હું તમારી કોલેજના એક વિધાર્થીને શોધું છું જેનું નામ છે, હિમાંશુ. જે તમારો જુનો વિદ્યાર્થી છે, જેમને મારી દીકરી માનસી સાથે ભાગી ને લગ્ન કર્યા છે,

હિમાંશુ?? પણ હિમાંશુ કેવા???

એ તો ખબર નથી?? સાહેબ આ કોલેજમા 3500 હિમાંશુ ભણી ગયેલા તમને કોની કોની details આપું?

સાહેબ જુવોને 2003ની બેચમાં હતો [માનસી એ કહ્યું હતું કે હિમાંશુ એનાથી 1 વર્ષ સીનીયર હતો]

નહિ સાહેબ, આ નામનો કોઈ વ્યક્તિ એ સાલમાં પાસ નથી થયો?

કઈ રીતે હોઈ શકે તમે સરખું જુવોને??

સાહેબ હિમાંશુ જેવું તો કોઈ નતું, પણ હેમરાજ હતો તમને ચાલશે?? ક્લાર્કએ મજાક કરી...

શેઠ ભારે અકળામણ અનુભવી રહ્યા હતા, શેઠને થયું તમારી બહેનપણીઓનો સંપર્ક કરે, પણ તમને તો મિત્રો બનાવાની મનાઈ હતી, એમને કોઈના નામ સુદ્ધાં ખબર નતી, શેઠના બનાવેલા નીયમો તેમનો જીવ લઇ રહ્યા હતા, તેમને આડે આવી રહ્યા હતા.

ભારે વસવસા સાથે 10 દિવસથી શેઠ તમારી કોલેજના ચક્કર કાપી રહ્યા હતા,

અંકલ અંકલ તમને કહું છું, તમે માનસીના પપ્પા છો?

દીનાનાથની રૂજાયેલી આંખો ખીલી ઉઠી, હા બેટા હા

હું જીજ્ઞા, માનસીની બેસ્ટ ફ્રેન્ડ

માનસીની ખાસ બહેનપણી, પણ માનસી એ તો મને ક્યારેય વાત નથી કરી.

તમે હિટલરની જેમ, ohh sorry, તમારોજ નિયમ હતોને એટલે.. btw અહિયાં શું કરો છો તમે? માનસીતો તમને મળવા આવી હતીને મારે કહેવું પડશે અંકલ તમેં ખુબ ખરાબ વર્તન કર્યું તેની સાથે.તમારે આવું કરવાની જરૂર ના હતી.

હા દીકરા એ વાતનુજ પ્રાયશ્ચિત કરવા તેને શોધી રહ્યો છું, તારી પાસે એનો કોઈ નમ્બર કે સરનામું હોઈ તો આપીશ?,

જીજ્ઞા - એ તમને મળવા આવી ત્યારે મને મળી હતી એને નમ્બર આપ્યો છે પણ કહ્યું હતું પપ્પાને ના આપતી. એ નમ્બર પણ હવે લાગતો નથી, હા પણ સરનામું છે મારા પાસે પણ....

દીનાનાથ - પણ શું? પણ શું?

પ્રજ્ઞા - ખબર નહિ એ ખુબ દુખી હોઈ એવું લાગતું હતું, એને મને કહ્યું કે તેની સાથે દગો થયો છે હિમાંશુ હિમાંશું નથી,, એ આગળ કઈ બોલે એ પહેલા હિમાંશુ આવી ગયો અને માનસી પછી કહું એવું કહીને ગઈ એ ગઈ પછી તેનો કોઈ સંપર્ક નથી થતો તેનો ફોન પણ બંધ છે..

દીનાનાથ - હિમાંશું, અરે આ હિમાંશુ નામનું તો તમારી કોલેજના રેકોર્ડમાં પણ કોઈ નથી,

પ્રજ્ઞા - પણ અમે બધા તો તેને હિમાંન્શુજ કહેતા,

દીનાનાથ - હિમાંશુ??? હિમાંશુ કેવા???

પ્રજ્ઞા - એ તો ખબર નથી.

દીનાનાથ - અને માનસી?? માનસીને ખબર હતી???

પ્રજ્ઞા - થોડું વિચારીને,, કદાચ નહિ,,,

દીનાનાથ - તો શું આજકાલની છોકરીઓ ખાલી નામ જોઇને લગ્ન કરે છે?? આગળ કઈ નહિ?? તું મને સરનામું આપ જલ્દી. જલ્દી આપ

[દીનાનાથ હાંફળા ફાફળા થઇ admin ઓફીસમાં જાય છે]

ક્લાર્ક - અંકલ તમે પાછા આવ્યા હજાર વાર કીધું કે અહિયાં કોઈ હિમાંશુ નથી, ભાગી હશે તમારી છોકરી ખોટું બોલીને, મોજ-મજા કરવા, આવી જશે થોડા દિવસોમાં. હાલતા થાવ અહિયાથી. મારો સમય પૂરો થઇ ગયો, અને આજ પછી અહિયાં આવ્યા તો જોઈ લઈશ કોઈ માહિતી નહિ મળે તમને એટલુ કહી ધક્કો મારીને કાઢી મુકે છે,

એજ સાંજે,

દીનાનાથ છાપું વાંચતા વાંચતા, હે ભગવાન આ છોકરી એ શું કરી નાખ્યું? એવી બૂમ પાડી, છાપામાં એક જાહેરાત હતી, રાજી ખુશીથી લગ્ન ગ્રંથીએ જોડાયા છીએ, જેમાં માનસી અને હેમરાજસિંહ જાડેજાના ફોટા હતા, જાડેજા,, આ જાડેજા છે, એ મારી દીકરીને કઈ રીતે અપનાવશે, જાડેજામાં પ્રેમ લગ્ન???

શેઠ તુરંતજ તમારા સરનામે ગયા, ત્યાંથી એવું જાણવા મળ્યું, મારા છોકરા એ અમારા કુળનું નામ લજ્જાવ્યું છે, એ લોકોને અમે અહિયાથી કાઢી મુક્યા છે, તમને ભાળ મળે તો તમે અમને જણાવજો જ્યાં જોઈશું ત્યાં ભડાકે દઈશું..

શેઠ ગામમાં રોકાયા અને દરરોજ તમારા સાસરે જતા ધુત્કાર ફટકાર અને ગાળો સિવાય કાઈ ના મળ્યું, એક દિવસ એક વ્યક્તિ પાસેથી તેમને હેમરાજનો મોબાઈલ નમ્બર મળ્યો. હેમરાજે, આર્થિક મદદ માટે તેને ફોન કરેલો, ગામમાંથી એવું જાણવા મળ્યું કે, હેમરાજ તેના ભાઈઓ અને પિતા કરતા અલગ હતો, મારધાડ, અપહરણ, દેશી દારૂ, અને હથિયાર વેચવા એવા બધા ધંધા સાથે સંકળાયેલા હતા, હેમરાજને ભણી ગણીને આગળ વધવું હતું અને આ બધા માંથી બહાર આવવું હતું.. બીજી બાજુ એમના ઘરવાળા હેમરાજના લગ્ન કોઈ નેતાની છોકરી સાથે કરવા માંગતા હતા, જેથી કરીને હેમરાજ આગળ જતા POLITICS, રાજકારણમાં જોડાય અને નેતા બની તેમના પરિવાર પર ચાલતા તમામ કેસ રદ્દ કરાવી શકે અને તેમનો વગ વધે.

શેઠે હેમરાજને ઘણી વાર ફોન કર્યો, પણ એમને શેઠને કહ્યું કે તમારે શેઠ સાથે કોઈ સંબંધ નથી રાખવા, હવેથી અહિયાં ફોન ના કરશો, એક વાર તો અપશબ્દો પણ કહ્યા, શેઠ મનોમન કહેવા લાગ્યા, હે ભગવાન આવી દીકરી મને શુકામ દીધી, હવે એને મારી પડી નથી તો મારે એની ખોટી ચિંતા શુંકામ કરવી?

ઠીક છે એમને એમનો નિર્ણય લીધો છે મારા સાથે સંબંધ નહિ રાખવાનો તો હું પણ નિર્ણય લવ છું એમને એમના હાલ પર છોડી દેવાનો.

અને તમને શોધવાના બધા પ્રયાસો મૂકી દીધા.

પણ એ અંદર ને અંદર ઘૂંટાય રહ્યા હતા, એમજ એક દિવસ તેમને પેરાલીસીસનો એટેક આવ્યો, ત્યારથી એ ભીષ્મ જેમ બાણ શૈયા પર પડ્યા હોઈ તેમ પડ્યા રહ્યા.. બસ ત્યારથી મારું તેમના જીવન માં આગમન થયું...

હસમુખ વાત કરે છે,માનસીના આંખમાંથી આંસુ વહ્યા કરે છે.

માનસી - શું વાત કરો છો મારા પિતા સાથે એટલું બધું થયું ને હું મારા જીવન વિષે વિચારતી અહી કે મારા સાથે આવું કેમ થયું? એક મિનીટ પણ જે દીવસે મેં ફોન કર્યો ત્યારે તો....

હસમુખ - તે દિવસે ફોન મેં ઉપાડેલો એટલે વાર લાગી શેઠને વાત કરતા, એના ઘણા નિયમ મારા માટે પણ હતા, કે કોઈ નો ફોન આવે તો મારે હેલ્લો નહિ કહેવાનું, કદાચ સામે તમે હોવ ને પૂછી લો કે તમે કોણ તો શેઠની હકીકત બહાર આવી જાય, કોઈ દરવાજે આવે તો પાક્કું કરી લેવાનુંકે તમેં તો નથી ને પછી જ ખોલવાનો.. શેઠ વિચારીનેજ નિયમો બનાવતા.

માનસી - અને હું હોવ તો

હસમુખ - તમે હોવ તો તમને બહારથીજ મેણા-ટોણા મારી કાઢી મુકવાના એવું નક્કી કરેલું,

તે દિવસે તમારો ફોન મુક્યા પછી એ ખુબ રડ્યા પોતાની જાતને ભારોભાર કોસવા લાગ્યા, તમને ના શોધવાના એમના નિર્ણયને લઈને ખુબ દુખી હતા છતાય ખુબ ખુશ હતા, દિશાના આગમનની ખુશીમાં એમને મને કહ્યું કે જ મીઠાઈ લઇ આવ આને બધાના ઘરે દઈ આવ, અને સાંભળ પહેલા મારું મોઢું મીઠું કરાવજે, ઉપર જોઇને કહેવા લાગ્યા જોયું શાંતિ, આપણા નામ પરથી નામ રાખ્યા છે, દિશા, જે એલા હસુડા ઉભો છે શું? હું મીઠાઈ લઈને ઘરે આવ્યો ત્યાં....[હસમુખ રડવા માંડે છે]. શેઠે અનંતની વાટ પકડી લીધી હતી. જાણે એ આ સમાચાર સંભાળવા માટેજ જીવતા હોઈ

માનસી દિશાને ભેટીને ધ્રુસકે ધ્રુકે રડી પડે છે, મારા જેવી અભાગણી કોઈ છોકરી આ દુનિયામાં બીજી કોઈ નહિ હોઈ, પપ્પાનો ચેહરો જોવા સુદ્ધેયના મળ્યો, ભગવાન તે બરાબર સજા મને આપી છે, હું આનાજ લાયક છું. હું શું કામ જીવું છું મારે મારી જવું જોઈએ એટલું બોલતા ની સાથે દિશા રડી પડે છે.

માનસી બહેન એવું ના બોલશો આ દીકરીનું શું? તમે આરામ કરો હું તમારા માટે ચા-પાણીની વ્યવસ્થા કરું છું. રડી રડીને માનસીની આંખો સુજી જાય છે, થોડી વ્યવસ્થિત થાય છે ને હસમુખભાઈ પૂછે છે, બેન તમે આ રીતે ભાગતા ભાગતા કેમ આવ્યા? કોણ પીછો કરે છે?

---------------------------------------------------------x-------------------------------------------------------------

હેમરાજ એ મને નહિ મુકે, એ મને અને મારી દીકરીને મારી નાખશે..

હસમુખ - હેમરાજ? પણ એ તો તમને ખુબ પ્રેમ કરે છે ને?

માનસી - કરતો હતો પણ એના પરિવાર જનોએ એને પણ એમના જેવો બનાવી દીધો..

હેમરાજ મને ખુબ પ્રેમ કરતો હતો, તેને મને તેનું નામ હિમાંશુ જણાવ્યું, પપ્પાના કાયદા પ્રમાણે હું કોઈ છોકરાને મળતી નહિ વાત નતી કરતી, જીવન ના 21 વર્ષ તમે એકલા વિતાવ્યા હોઈ પછી કોઈ પુરુષ તમારા જીવનમાં આવે, મને હિમાંશું ગમવા લાગ્યો પ્રેમ થયો એક દિવસ એને મને કહ્યું ચલ લગ્ન કરી લઇએ, હજુ અમે મળ્યા તેને 6 મહીનાજ થયા હતા. આટલી જલ્દી લગ્ન કેમ કરીએ હજી મારે તને ઓળખવાનો છે, એને કહ્યું કે આખું જીવન પડ્યું છે મને ઓળખતી રહેજે, મને જીવનનો બધો સમય તારી સાથે વિતાવવો છે, હું આ સોભાગ્યને એક દિવસ પણ ખોવા નથી માંગતો, હું તેની વાતમાં આવી ગઈ પણ પપ્પા ન આવ્યા, પપ્પાએ હિમાંશુને તેનું આખું નામ પૂછ્યું હતું પણ તેને વાત ફેરવી નાખી હતી. પપ્પાએ કોઈ કારણ આપ્યા વગર લગ્ન ની નાં પાડી દીધી હતી. હું ખુબ દુખી હતી અને ભારોભાર ગુસ્સે પણ હતી.નાનપણ મારા પર જેટલા પ્રતિબંધ હતા બધાનો મને હિસાબ જોતો હતો. મારા છીનવાયેલા નાનપણની કિંમત જોઈતી હતી, મારા સવાલોના જવાબ જોઈતા હતા. પપ્પાને મોઢે-મોઢ કહેવાની હિંમત નહતી એટલે ચિટ્ઠી લખીને જતી રહી.

બીજા દિવસે અમે ભાગીને લગ્ન કર્યા, 5 દિવસ અમે ફરતા રહ્યા મેં કહ્યું તું મને તારા ઘરે ક્યારે લઇ જઈશ. પણ એ વાત ટાળતો રહ્યો, ફરતા ફરતા અમારા બધા પૈસા ખાલી થઇ ગયા. આખરે અમારે તેના ઘરે જવું પડ્યું. ત્યારે મને ખબર પડી હિમાંશુનું સાચું નામ હેમરાજ છે. અને એ જાડેજા છે, ઘરમાં પ્રવેશતા મને એમ થયું કે નવ વધુનું સ્વાગત થશે, પણ હિમાંશુને ખુબ માર પડ્યો. મને ઘરમાંથી કાઢી મુકવામાં આવી, હેમરાજના મિત્રએ મારી હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી. હેમરાજને આ વાતની ખાતરી હતી, એટલે આ બધી વ્યવસ્થા પહેલેથી કરી રાખી હતી.

બે દિવસ પછી હિમાંશુ મને મળવા આવી શક્યો, "માનસી, હું તારી માફી માગવાને લાયક નથી, પણ હું જો તને આ બધી હકીકત જણાવત તો તું મારી સાથે ક્યારેય લગ્ન ના કરેત, અને હું તને ગુમાવા નથી માંગતો", હું ખુબ ગુસ્સે થઈ પણ મારા પાસે બીજો કોઈ રસ્તો ના હતો. તેણે મને કહ્યું ઘરે બધા માની જશે, તું ચિંતા ના કરીશ.

અમે મંદિરમાં લગ્ન કર્યા હતા હજુ ક્યાય register નતા થયા એ વાતની હેમરાજના ઘરે ખબર હતી માટે બળજબરીથી હેમરાજ ના બીજા લગ્ન કરવાનું નક્કી થયું આમાં હેમરાજના થનાર સસરા નેતાજીનું ષડયંત્ર હતું, તે પોતાની માનસિક બીમાર છોકરીથી છુટકારો મેળવવા ઈચ્છતા હતા. હેમરાજની બલી ચડવાની હતી, એજ રાત્રે એ ત્યાંથી ભાગીને મારી હોટલમાં આવ્યો અને અને મુંબઈ ભાગી ગયા.

અમારો સંસાર ઠીક ઠાક ચાલતો હતો, પણ એક દિવસ સુખના અને દુખના બંને સમાચાર સાથે આવ્યા, મેં હેમરાજને કહ્યું કે હું માં બનવાની છું, અને હેમરાજે આવી ને મને કહ્યું તેની નોકરી જતી રહી છે, હેમરાજ ખુબ ગુસ્સે હતો, મુંબઈના ખર્ચાના કારણે અમે પહેલેથી દેવામાં હતા, થોડીઘણી મદદ હેમરાજનો મિત્ર જે મને હોટલ મૂકી ગયો હતો તે આવી ને કરતો હતો સાથે એક આશરો હતો નોકરી,, એ પણ જતી રહી, હવે આપને શું કરીશું? એ સતત એકજ વાક્ય બોલી રહ્યો હતો,,, હવે આપને શું કરીશું?

"પડાવી દે આ છોકરુ, મારે આ પીંજણ જોઈતીજ નથી, હેમરાજ આપનું બાળક એ હવે તારા માટે પીંજણ છે? હવે આપના જીવનના ધડા નથી અને આ મારે નથી જોઈતું, પનોતી છો તમે મારા માટે, બાળકના આવવાના સમાચારની સાથે ગઈ , આવશે તો શું થશે? સાચું કહું તને તો મને તુયે નથી જોઈતી, જ્યારથી મારા જીવન માં આવી છે, ત્યારથી બધેથી સલવાણો છું, પહેલા ઘર છૂટ્યું અને હવે નોકરી, હેમરાજના અંદરના ગૂણ જે હમેશા એ મારાથી છુપાવતો હતો તે બહાર આવી રહ્યા હતા. કહેવાયને લોહી પોકારી રહ્યું હતું. ગુસ્સામાં ઘરની ઘણી વસ્તુઓ તોડી અને બોલ્યો, એની શું ગેરેંટી છે આ છોકરું મારું છે, મેં તને ઘણા દિવસ થયા તો અડી પણ નથી, તો આ ક્યાંથી???

તું પાગલ છે શું બોલે છે? આ આપણું બાળક છે, એના છેલા વાક્યથી મને ડર લાગ્યો અને બાળક પડાવાનું નક્કી કર્યું, અમે હોસ્પિટલ ગયા, ડોક્ટરએ સોનોગ્રાફી કરી કે તરતજ હેમરાજ એ પૂછ્યું, ડોક્ટર શું છે?

ડોક્ટર - શું છે મતલબ?

હેમ - છોકરો છે કે છોકરી??? છોકરી હોઈ તો આને મારી નાખજો મારે માં દીકરી કોઈ જોતું નથી તો તો,

ડોક્ટર - આ હજુ પ્રારંભિક તબક્કામાં છે, ખબર ના પડે અઠવાડિયું રાહ જુવો..

બેકારીથી કંટાળેલા હેમરાજે મારા સાથે મારકૂટ કરવાનું શરૂ કરી દીધું ને આખો દિવસ ઘરમાં બેસીને એકજ વાત, જો છોકરો નીકળ્યો તોજ તમે બંનેને જીવવા દઈશ નહીતર બેયને મારી નાખીશ જોઈ લેજે,

મૂળ વાત એ હતી કે હેમરાજના પરિવારમાં તેના બંને ભાઈઓને ત્યાં બાળકીનોજ જન્મ થયો હતો, અને હેમરાજ એકજ એવીઆશા હતો કે જેનાથી તેનું કૂળ આગળ વધશે, હેમરાજને આ વાત ખબર પડી ગયે હતી અને સમજાયું હતું કે મુંબઈ માં ઢોરની જેમ રઝળવું એના કરતા છોકરાની લાલચ આપી ઘરે પાછું જવુ.

પંદર દિવસ પછી અમે ફરી સોનોગ્રાફી કરવા ગયા. ડોક્ટર રીપોર્ટ લઈને આવ્યા ને તરત હેમરાજ એ સવાલોનો મારો ચલાવ્યો હતો અને ફરી ધમકી આપવા માંડ્યો હતો, ડોક્ટર એ કહ્યું દરો નહિ છોકરો છે...

હિંમત કરી હેમરાજએ તેની માં સાથે વાત કરી એને માનવી લીધી, ના છુટકે, રોજ એના સાથે રહીને માર ખાવા કરતા મેં નક્કી કર્યું એના ભેગી ગામડે જતી રહીશ. બધા જૂની વાતો ભુલાવી અમને સ્વીકારવા તૈયાર હતા, કારણ માત્ર એટલું કે મારે ત્યાં છોકરો જન્મવાનો હતો અને એ લોકો નો કૂળ તારવા વાળો આવી ગયો હતો..

મને હજુ એ રાત યાદ છે, જયારે મારી ડીલીવરી થઇ, મારે બાળક જનમ્યું હતું પણ એ છોકરો નહિ છોકરી હતી, બધા ના હોશકોશ ઉડી ગયા, પ્રસુતિની પીડા કરતા એ રાત્રે મારા સાથે જે વર્તન થયું એ પીડા વધારે હતી. જાનવર જેવો વહેવાર થવા લાગ્યો, મુંબઈના ડોક્ટરએ મારા કહેવાથી ખોટો રીપોર્ટ આપી મારો જીવ તો બચાવ્યો પણ માત્ર 7 મહિના માટે, તે રાત્રે એ લોકો મને મારીજ નાખવાના હતા પણ હેમરાજના ભાભી એ મને બચાવી લીધી. ભાભીને ખબર હતીકે મારા સાથે શું થવાનું હતું, કારણ કે તે એ ભોગી ચુક્યા હતા.

હું જીવવા માગતી હતી મારી દિશા માટે જીવવા માગતી હતી, હેમરાજે મને તરછોડી દીધી હતી, જે વ્યક્તિ માટે હું મારા ભગવાન જેવા પિતાને છોડી ને આવી હતી આ માણસ માટે? હવે હેમરાજ હિમાંશુ નતો રહ્યો એ હેમરાજ જાડેજા બની ગયો હતો. આખરે તે મને છોડી ને પેલા રાજકારણીની છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો..

હેમરાજના ભાભી મારા માટે ફોન લાવ્યા, તે દિવસે મેં પાપાને બધું કહેવાનું નક્કી કર્યું ફોન કર્યો, પપ્પાએ ફોન કાપ્યો હું તેમનો ગુસ્સો, ના તેમની લાચારી સમજી શકું છું, મેઈન ફરી ફોન કર્યો માત્ર રીંગ વાગતી રહી કોઈએ ફોન ઉપડ્યો નહિ અને એટલામાં હેમરાજ આવી ગયો, મને એ રાત્રે ખુબ મારવામાં આવી અને દિશાને ત્યારથી મારાથી અલગ રાખવામાં આવ, 20 દિવસની બાળકી માંના દૂધ વગર કઈ રીતે જીવી શકે, અને એક રાત્રે હેમરાજના ભાભીએ અમને ભગાડી દીધા અને અમે અહિયાં આવી ગયા. હવે સમજાણું હું ફોન કરતી રહી પણ પપ્પા ક્યાંથી ઉપાડી શકે માનસી રડી પડે છે....

માનસી બેટા ચિંતા ના કરશો સૌ-સારાવાના થશે કે નહિ એ તો ખબર નથી પણ તમારા પપ્પા તમારા માટે એક કવર મુકતા ગયા છે.

માનસી કવર ખોલે છે, "દીકરા મને માફ કરજે, મને ખબર છે જીવતાજો આ બધું કર્યું હોત તો આ કરવાનો વારો નાં આવેત, આમાં મારા જીવનની મૂડી છે 50 લાખ રૂપિયાની એફ.ડી. તારા નામે છે અને હૈદરાબાદની ટીકીટ, ત્યાં તારા મિત્ર રહે છે, જે તમને લંડન તારા નાના ફઈ પાસે મોકલવાની વ્યવસ્થા કરશે, મેં બધાને બધી વાત કરી રાખી છે. જીવન માં લડવું ના લડવું અને સમય અને સંજોગને આધારિત હોય છે નિર્ણય તારો છે. આશા રાખું છું કે હું જે વિચારૂ છું તું એવો સમય આવે અહી. મને માફ કરજે, બાપ બનવા બદલે જો હું તારી માં બન્યો હોત તો આ દિવસો જોવા નહિ પડેત. વ્હાલ પપ્પા"

માનસી રડી પડે છે.

માનસીથી એવી તે શું ભૂલ થઇ? માનસીએ હવે શું કરવું જોઈએ? હેમરાજ સામે લડવું જોઈએ કે પોતાનું નવા જીવનની શરૂઆત કરવી જોઈએ?

આ સવાલોનો જવાબ નીચે કોમેન્ટ કરી જણાવો.

વાર્તા હજુ પૂરી નથી થઇ અંત તમારા લોકોના જવાબ પરથી નક્કી થશે...

--------------------------------------------------------x ---------------------------------------------------

જયારે બે વ્યક્તિ વચ્ચે અંતર વધે ત્યારે નિકટ આવવા માટે કોણ કેટલું ચાલ્યું એ મહત્વનું નથી, અંતર કેટલું કપાણું એ મહત્વ નું છે...

તમારા નિર્ણયો પર એટલા જડના રહો કે સાચા નિર્ણય અને ખોટા નિર્ણય વચ્ચે ના ભેદ ને સમજી ના શકો.

- અનિરુદ્ધ ત્રિવેદી...