Ane off the Record - Part-27 books and stories free download online pdf in Gujarati

અને... ઓફ ધી રેકોર્ડ - ૨૭

પ્રકરણ 27

‘...અને’

ઑફ ધી રેકર્ડ

...અને કેલેન્ડરના ફાટતાં પાનાંની વચ્ચે વિબોધની વિદાઈમાં દુ:ખદતા, ખાલીપા અને પશ્ચાતાપથી સત્યા અને કૌશરનો સમય નિરંતર રીતે અસમાંતરતાથી પસાર થતો ગયો. વિબોધની ગેરહાજરીએ સત્યા અને કૌશરના સંબંધોની ખાલીજગ્યા ભરી આપી. વિબોધને ગુમાવવો એ જીવનને પહોચેલી સૌથી મોટી હાનિ હતી. કાનૂનની વ્યાખ્યા અનુસાર ન્યાય હજુ મળવાનો બાકી હતો. જે માટેનાં પ્રયત્નો શરૂ થયા.

દેશની તમામ મીડિયા ચેનલ્સ, અખબારો વિબોધ જોષી કેસનાં સમચારમાં એક સૂરમાં રંગાઈ અને છવાઈ ગયા. રાજ્ય અને કેન્દ્રની સરકાર પર સમાજનાં બુદ્ધિજીવી વિચારકોએ સોશિયલ મીડિયાથી લઈ સંસદ સુધી તર્કબદ્ધ સવાલો અને શંકાભરી દલીલો રજૂ કરી સચોટ કાર્યવાહી કરવા માટેનું દબાણ વધાર્યું, અંતે વિબોધ જોષી કેસનાં ગૂંચવાયેલા તાણાવાણા ઉકેલવા માટે કેસ સી.બી.આઈ. અને સી.આઈ.ડી.ની ઈનવેસ્ટિંગ ટીમને સંયુક્ત રીતે સોંપાયો.

અનેક વ્યક્તિઓ અને જગ્યાઓની તપાસ-ઊલટ તપાસ, આઈ.ટી.નાં દરોડા, અને ક્રાઈમ બ્રાન્ચની છાપેમારી બાદ હાઈકોર્ટમાં હજારથી વધુ પાનાંમાં કેસની ચાર્જશીટ સી.બી.આઈ. દ્વારા દાખલ કરવામાં આવી. એક પછી એક પડતી તારીખોની સાથે તમામ ગૂંચવાયેલા કોયડાઓ અદાલતનાં ઓરડામાં અને અખબારનાં કોલમોમાં અને ન્યૂસ ચેનલ્સની સ્ટોરીમાં ન્યૂસ, વ્યુસ, અને બાઈટમાં તથા બીજા કેટલાક પ્રત્યાયનના માધ્યમથી વિધવિધ સ્વરૂપે ઉકેલાતા ગયા.

મહિનાઓ સુનાવણી બાદ વિબોધ જોષી, સત્યા શર્મા, કૌશર ખાન, મહમદ, દાઉદ ખાન, સુદર્શન અખબાર અને સ્વિસ બેંક એકાઉન્ટમાં કાળા નાણા ધરાવતા કુકર્મીઓ સાથે સંબંધિત અને અસંબધિત તમામ નાના-મોટા લોકોથી લઈ વિદેશની સરકારની નજર ભારત દેશની સર્વોચ્ચ અદાલતનાં અંતિમ નિર્ણય તરફ ઉત્સુકતાથી મંડાઈ ગઈ.

અને એ દિવસ આવી ગયો જ્યારે સુપ્રીમ કોર્ટમાં વિબોધ જોષી કેસનો અંતિમ નિર્ણય ત્રણ જજ સાહેબની સંયુક્ત પેનલ દ્વારા આપવામાં આવ્યો.

‘તમામ પુરાવા, સાબિતી અને ગવાહનાં આધારે આ અદાલત નિર્ણય કરે છે કે, વિબોધ જોષી પર ફાયરિંગ સત્યાએ કરેલું ન હતું. તેને કાનૂની દાવપેચમાં ફસાવવામાં આવી હતી. એ સત્તાના ષડયંત્રનો ભોગ બની છે.

વિબોધ જોષીનું મૃત્યુ ફાયરિંગમાં થયુ છે કે પછી સત્યા શર્મા અને કૌશર ખાનના બયાનને ધ્યાનમાં લેતા તેના નિવાસસ્થાને વિસ્ફોટમાં એ કોયડો હજુ પણ અકબંધ છે. પોસ્ટમોટમ રિપોર્ટ પરથી એ સત્ય સાબિત થયું નથી કે બોંબ વિસ્ફોટમાં છ મૃત્યુ પામનાર વ્યક્તિમાં વિબોધ હતો કે નહીં, પણ સૌથી મોટી અને મહત્વની વિશેષ વાત આ ઘટનામાં બોંબ વિસ્ફોટ દરમિયાન દાઉદ ખાન જેવો ખૂંખાર અંડરવર્લ્ડનો ડોન માર્યો ગયો છે તે સાબિત થઈ ચૂક્યું છે. ઉપરાંત દેશની સમક્ષ બીજા કેટલાક સરકારી અને ખાનગી હોદ્દેદારોનાં કુકર્મ ચહેરા બેનકાબ થઈ તેમની સાચી ઓળખ સમાજને મળી. આ માટે કોર્ટ વિબોધ જોષી અને તેમના સાથીદારો સત્યા શર્મા, કૌશર ખાન, મહમદ થતાં તેમનાં સુદર્શન અખબાર અને અખબારની એડિટર ઈલાક્ષી તથા સમગ્ર ટીમની પ્રસંશા કરે છે. ભવિષ્યમાં તેઓ આ રીતે જ સમાજનો અરીસો બની સત્યનું સ્વરૂપ દર્શાવી પોતાનો વ્યાવસાયિક અને સામાજિક ધર્મ નિભાવતા રહે તેવી આશા. તેમણે તેમનાં કાર્યોથી દેશસેવાનું કાર્ય કર્યું છે.

વિબોધ જેવા જ બુદ્ધિકૌશલ્ય, ચપળતા, અને નિડરતાની માલિક સત્યાને આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરવું પડ્યું એ માટે તેમના પ્રત્યે દુ:ખ અને હમદર્દીની લાગણી ઉપજવી સ્વાભાવિક છે. પરંતુ ભાવનાઓને આધારે એ નજરઅંદાજ ન થઈ શકે. તેમણે કાનૂન હાથમાં લીધું છે એવું તેમના પર લગાવેલા આરોપ જોતાં જણાય છે. તેમ છતાં શંકા સત્ય સાબિત થઈ શકી નથી.

આથી આ કોર્ટ પોલીસ તંત્ર દ્વારા તેમના પર લગાવેલી તમામ કલમ અને ચાર્જશીટને પાયા અને પુરાવા વિહોણી ગણી ખારીજ કરી નકારે છે. સાથોસાથ સત્યા શર્મા નિર્દોષ અને બેગુનાહ હોવા છતાં તેને દોષિત અપરાધી તરીકે જે ભોગવવું પડ્યું એ યોગ્ય ન હતું એ સમજી શકાય છે. બદલામાં તેમના પર કોઈ જ પ્રકારના નક્કર પુરાવા અને સાબિતી ન હોવાના અભાવનાં કારણે નેહા અરોરા, રાજકોટ પોલીસ કમિશ્નર, રાજકોટ ડિસ્ટ્રીક જજ અને કેન્દ્રિય પ્રધાનમંડળના મંત્રીની હત્યામાં સંડોવણી સંદર્ભે સજા ન ફરમાવતા તેમને બાઈજ્જત સન્માન સાથે બધા જ આરોપો અને પ્રત્યારોપોમાંથી આદરતાથી મુક્ત કરે છે.

માઈકલ ઉર્ફ મોહન ઉર્ફ મહમદ દ્વારા વિબોધ જોષી અને સત્યા શર્મા સાથે રહી નેહા અરોરાની હત્યા તેમજ બીજા કેટલાક ગેરકાનૂની કામ કરી કાનૂન હાથમાં લેવામાં આવ્યું છે એ વાત સામે આવી છે. જે યોગ્ય હતું કે અયોગ્ય તે અંગેનો નિર્ણય લેવા માટે નામદાર અદાલત હુકમ કરે છે કે, ટૂંકસમયમાં મહમદની શોધખોળ કરીને તેમને અમો સમક્ષ હાજર કરવામાં આવે. જેથી સત્યની વધુ નજીક પહોચી આખા મામલાને વધુ બારીકાઈથી સમજી શકાય.

સત્યા શર્મા ઉપરાંત બેગુનાહ નિર્દોષ વ્યક્તિઓને સહન કરવા પડેલા અત્યાચારો બદલ આ કોર્ટ રાજ્ય અને દેશની સરકારનાં મુત્સદ્દીભર્યા વલણની કડક શબ્દોમાં ટીકા કરે છે. આ સમગ્ર ઘટનામાં દેશના મુખ્ય ચાર આધારસ્તંભોની છબી ખરડાઈ છે. આથી દેશની સર્વોચ્ચ ન્યાયાયલ ટકોર અને આદેશ સાથે સૂચવે છે કે, ભવિષ્યમાં આ પ્રકારનાં બનાવ ન બને એ માટે આ કેસના તમામ આરોપીને પકડીને સખતમાં સખત સજા અપાવવામાં પ્રસાશન, પોલીસ, પ્રેસ અને પ્રજા ન્યાયતંત્રનો સાથ આપે. આ માટે એક કમિટીની નિમણૂક કરવામાં આવે જે આ સમગ્ર બાબતમાં સર્વોચ્ચ સત્તાધિકારી બની સમાજ, સરકાર અને સંસ્થાઓ સાથે મળી તટસ્થતાથી પોતાનું કાર્ય કરે.

કાળા નાણાનાં સ્વિસ બેંક ખાતા ધારકો તથા ભ્રષ્ટાચાર અને ગુનાખોરી સાથે સંબંધ ધરાવતી અપરાધી વ્યક્તિઓની તમામ માલ-મિલકત, સંપત્તિ અને જગ્યાઑ સીલ કરવામાં આવે. સાથોસાથ સી.બી.આઈ. સીધી લીટીમાં કોર્ટ સાથે સંપર્ક સાધી આ કેસનો તમામ રિપોર્ટ ચોક્કસ સમયે કોર્ટને સોપતી રહે તેવો આદેશ આપવામાં આવે છે. ધી કોર્ટ ઈસ..’

અને તાળીઓનાં ગળગળાટ સાથે સત્યમેવ જયતેનો નાદ ગુંજ્યો..

સત્યા શર્મા મર્દાના ચાલે ગળું ટટ્ટાર કરી છાતી ફુલાવતી ગર્વ અને અભિમાનનાં આવેશ સાથે કોર્ટરૂમ બહાર આવીને ઝડપથી આગળ વધી. મોબાઈલમાંથી સેલ્ફી ક્લિક કર્યો. ખાદીની લાંબી કુર્તી ઉપર પહેરેલા જેકેટનાં પોકેટમાંથી સિગારેટનું પેકેટ કાઢી લાઈટરથી સિગારેટ જગાવી ઊંડા કશ લેતા એ આગળ કોર્ટનાં ગેઈટ બહાર આવી ગઈ. એક તરફ ઈલાક્ષી અને બીજી તરફ કૌશર ખાન સાથે એ પોતાની કાર તરફ આગળ વધી ત્યાં જ મીડિયાનાં માણસો પોતપોતાની ચેનલ્સનાં બૂમ સાથે તેના સંતોષી ચહેરાને ઘેરી વળ્યા. ફોટોગ્રાફર્સનાં કેમેરાની ક્લિક પર થતી ફ્લેશ લાઇટમાં સત્યાનો સુખદ ચહેરો ઝળહળી ઉઠ્યો.

‘સત્યા જેવું નામ તેવું જ કામ. આપ શું કહેશો તમને ન્યાય અપાવવામાં કોનો સૌથી વિશેષ ફાળો છે? દેશની જનતાનો, સરકારનો કે..?’

‘મેડમ તમે તમારી મહાનતા સાબિત કરી આપી છે, હવે આગળ તમે પત્રકારત્વ અને સાહિત્ય સાથે જ જોડાયેલા રહેશો કે રાજનીતિમાં હાથ અજમાવી આગામી ચૂંટણીમાં કોઈ રાજકીય જૂથમાં જોડાઈને ચૂંટણી પણ લડશો?’

‘કૌશરજી.. ઈલાક્ષીજી.. તમે કોર્ટનાં નિર્ણયથી કેટલા ખુશ છો?’

‘સત્યાજી ક્યાં આપ દેશ કે લોગો કો કુછ સંદેશ દેના ચાહેગી?’

સત્યાની આંખો તમામ લોકોનાં ચહેરા પર ખુન્નસતાથી ફરી વળી. કેટલાક મહિનાઓ પહેલા મીડિયાએ કરેલા સવાલો અને પછીથી લઈ સમયાંતરે ઉઠતાં સવાલ અને શંકા બાદ આજનાં ખુશામતભર્યા પ્રશંશાકારક સવાલોનો ભેદ સમજી એ દબાયેલું હસી. સિગારેટ જમીન પર ફેંકી તેને પગથી રગદોળીને હોલવી, ચહેરા પર ગોગલ્સ ચડાવી એ કૌશર અને ઈલાક્ષી સાથે કારમાં બેસીને પોતાની સુદર્શન અખબારની ઓફિસ પર જવા માટે નીકળી પડી અને..

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED