‘...અને..’
ઑફ ધી રેકર્ડ
પ્રકરણ ૩
લેખક : ભવ્ય રાવલ
પરિચય :-
ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.
ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.
લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.
પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.
આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ
‘...અને’ – ઑફ ધી રેકર્ડ
સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..
રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..
વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.
‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......
Bhavya Raval
ravalbhavya7@gmail.com
પ્રકરણ ૩
‘...અને..’
ઑફ ધી રેકર્ડ
...અને ઠંડા ફુંકાતા પવનને મહેસૂસ કરવા વિબોધ નાનકડા ઓરડામાંથી બાલ્કનીમાં આવ્યો. શીતળતાની સાથે જાણે અનેક વિચારો તેનામાં પ્રવેશવા લાગ્યા. તેણે બે હાથ લાંબા કરી બાહો ફેલાવી ભેજયુક્ત વાતાવરણને મહેસૂસ કરતાં આળસ મરડી રસ્તા પર નજર કરી.
બહાર ક્ષિતિજની દિશામાં એક ઊંચા હાઇરાઇઝ એપાર્ટમેન્ટની અગાસી પર બે યુવતિઓ વિબોધ તરફ દ્વિઅર્થી ઈશારા કરી રહી હતી.
વિબોધ મનોમન મુસ્કુરાયો. અજાણ બનવાનો ડોળ કર્યો. ચા બનાવીને પીવાનો વિચાર કર્યો પણ તેને આળસ થઈ આવી. ચા પીવાની ઈચ્છા નકારી કાઢી.
કમોસમી ચોમાસાની પથરાતી ફોરમમાં આસપાસના આસોપાલવના ઝાડ અને બીજા છોડવાઓની ખુશબોમાં બાલ્કની છોડી જવાનું મન થાય તેમ ન હતું. ચોગાનમા ખરેલાં પર્ણો, ખીલેલાં પુષ્પો, ફ્લેટની નીચે પાર્ક કરેલું ટુ વ્હીલર, સાંજ સમયે વધતો જતો ટ્રાફિક ને ભારેખમ વાતાવરણમાં ધીમી ગતિએ થતાં અવાજો સાથે સમય કરતાં વહેલા વધતા જતાં અંધારામાં અજવાળું ફેંકતો સ્ટ્રીટ લાઇટ્સનો નારંગી પ્રકાશ.
વરસાદી વાદળો બંધાયા હતા ને દૂર-દૂરના ઘાસનાં મેદાનોમાંથી માટીની મહેક આવતી હતી. વિબોધને લાગ્યું હમણાં વાદળો ચિરાશે અને વરસાદ પડશે. મસ્ત તૈયાર થવું જોઇએ. ક્યાંક બહાર નાસ્તો કરવા જવો પડશે. ભૂખ લાગી છે. બપોરે ટિફિનનું ભોજન જમવામાં રોજ જેવી મજા આવી ન હતી.
મિજાજની સુસ્તીને, શારીરિક કંટાળાને ભગાડવા માટે નજીકમાં ટહેલવા નીકળવું પડશે. સાંધ્ય દૈનિક પણ આજ મોડું છે. અરે... ના. રાત વહેલી થવા જઈ રહી છે. કેટલા વાગ્યા? મારી કાંડા ઘડિયાળ?
વિબોધને યાદ આવી ગયું.
‘મેં તો ઘડિયાળ પહેરવાનું જ ઘણા સમયથી છોડી દીધું છે.’
ચહેરા પર મંદ હાસ્ય આવી સવાલોનાં પડઘા વચ્ચે વિબોધ જાત સાથે સંવાદ કરવા લાગ્યો.
એક માણસનો સાથ છૂટી જવાથી, સંબંધો પૂરા થવાથી શું જિદગી સંકુચિત બની જાય છે? શરૂ શરૂમાં અસહ્ય લાગતી વાતો આજ જીવન જીવવાનો સહારો બની ગઈ છે?
ના, મારા લેખક દોસ્ત...
કલાકારને શરાબની બોટલ ભેગી કરવામાં નહીં પરંતુ શરાબના નશામાં રસ હોય છે એ રીતે મને સફળ સંબંધો કે સારા માણસોના સાથેના ભવિષ્યમાં નહીં, અમારા સંબંધોના વર્તમાન પ્રેમમાં રસ હતો.
આજે એ ક્યાં છે? શું કરે છે? કેમ જીવે છે? એ હું નથી જાણતો છતાં એટલું ચોક્કસ કહી શકું કે એ હવે પરણિત છે. જેમ નવજાત શિશુ માટે હરેક પહેલી ઋતુ મુસબીતો ઊભી કરે તેમ તેના માટે હર મૌસમમાં આવતા તહેવાર, ઉત્સવ, પ્રથમ રીતિ-રીવાજો કે રૂઢીઓ આફત લઈને આવતાં હશે એટલો મને ચોક્કસપણે ખ્યાલ છે.
એ નાજુક દિલ છે, સંઘર્ષશીલ પણ છે ને આજ એ જોડે નથી છતાં તેના માટે વિચારી વિશ્વાસપૂર્વક સ્પષ્ટ બયાન આપવાની આવડત મારા આત્માને શુદ્વ કરી મૂકે છે. એ મારી અંગત બનવામાં સફળ રહી હતી!
દોસ્તીનો અને દોસ્ત સાથેનો સંબંધ જ એવો છે. જ્યારે અરીસા સામે ઊભા રહીને ખુદનું અસ્તિત્વ દગાબાજી કરે છે ત્યારે દોસ્ત ખુદના જ સાચા વ્યક્તિત્વથી પહેચાન કરાવે છે. માણસને પોતાની સાચી ઔકાત બતાવવાની પ્રક્રિયામાં આ દોસ્ત અગત્યના સ્થાને હોય છે, તેણી એ મહત્ત્વની ભૂમિકા ભજવી શકી હતી...
અને દોસ્તી બાદનો પ્રેમસંબંધ?
પ્રેમસંબંધ અને હમદર્દ્દીનો સંબંધ મને હંમેશા જરા જુદો લાગ્યો છે. હું કહેવાતો ઊગતો લેખક છું, મેં ક્યારેય કૃત્રિમ પ્રસિદ્ધિનું મહોરું પહેર્યું નથી. બનાવટી નકાબ પહેરીને દુ:ખી દુ:ખી રહી દાઢી વધારીને જીવન જીવવાની ફેશનમાં હું માનતો નથી. હા, હું ક્યારેક એઇજીંગ અનુભવુ છું. પણ આ અનુભવો જ કદાચ સઘળું સહ્ય બનાવે છે. માટે જ પહેલાં કહ્યું તેમ બધુ જ સહ્ય બની ગયું છે. દગો, સાથ, વફાદારી, લફડાબાજી ને ઇશ્કેદારી... નો મોર કોમેન્ટ્સ.
વિબોધે જાત સાથે સંવાદ તોડ્યા. ખિસ્સામાંથી ફાકી કાઢી ને બે હાથની હથેળી વચ્ચે મસળતો રહ્યો. માવો ગલોફામાં ચડાવી તેને થોડી વધુ મજા આવી. ચૂનો થોડો તેજ થઈ ગયો હતો તેવું તેને લાગ્યું.
સજીવ વ્યક્તિની આદત છૂટી જાય છે, પણ આ માવો ખાવાની લત જતી નથી. એકધારા કરતા ફરી ફરી નશો કરવાની પણ મજા છે. કાશ પ્રેમ પણ ફરી ફરી કરી શકાતો હોતો... તો?
બાલ્કનીમાંથી માવો થૂકતાં સમયે ઇશારા કરતી યુવતી તરફ વિબોધની નજર ફરી પડી. શરીરમાં ટાઢક થોડી વધુ પ્રવેશી. મોંમાંથી શબ્દો સરી પડ્યા,
હું ક્રૂર સ્વાર્થથી જિંદગી જીવું છું અને જીવવા માગુ છું. આ શરીર પુરુષનું છે એટલે વધુ અન્યાય સહન પણ કેમ થાય? આ એકલારામ બની રહેવાનો અનુભવ પણ વધારે સમય સુધી સારો નથી. દોસ્તી, પ્રેમ, જવાનીનાં દિવસોનું આકર્ષણ... આ બધું જ તો જિંદગીને હસીન અને રંગીન બનાવવાનો કસબ છે. નફરત નામનો શબ્દ ભુંસાઇ જાય ને બધું જ સુશોભિત સ્નેહી લાગે. પણ શું આ બધામાં ગમતી વ્યક્તિની યાદો-વાતો ભુલાશે?
ના, મિ.રાઇટર અભિનય તો કરી જ શકાય. બનાવટને સત્ય બનાવવું એ પણ બહુ મોટી કલા છે અને કલાકાર માટે કલાથી વિશેષ કશું જ નથી. પેટને પ્યાર નહીં કરીએ તો મહોબ્બત કરવા જીવી શકીએ? સિદ્ધાંત અને આદર્શની પીપૂડી વગાડી પોતાના સિવાય કોઈને ખુશ નહીં કરી શકાય. મારું સુખ બીજાની નજરે સ્વાર્થ બને તો પણ હવે ક્યાં પરવા રહી છે કે મારે પણ હવે બીજાને કહ્યા પ્રમાણે જીવવુ પડે.
લગ્ન પછીની જિંદગી બાકી છે. કોલેજ બાદ પત્રકારત્વના ભણતરનાં આખરી મહિનાઓ છે. પહેલો પગાર પણ ખિસ્સામાં આવ્યો નથી. એ પહેલાં દેવું ચૂકવવામાં ખર્ચાઈ જશે?
સારું થયું મારી પ્રેમિકા મને ન પરણી. નહીં તો દુ:ખી થાત અને મારે મારા દુ:ખની વ્યાખ્યા બદલવી પડી હોત. પણ હા, નવી પ્રેમિકા બનાવ્યા વિના હવે જિંદગી આગળ વધારવી મુશ્કેલ છે.
વિબોધ વિચાર શૃંખલામાંથી બહાર આવીને નાનકડા ઓરડામાં પ્રવેશ્યો. પોતાનું લેપટોપ ઓન કરીને સોશિયલ સાઇટ પર પોતાની જૂની પ્રેમિકાઓના અકાઉન્ટમાં પ્રોફાઇલ પિક્ચર જોતાં-જોતાં યાદો તાજા કરી. એ સમયે ફ્રેન્ડ્ઝ સજેશનમાં એક યુવતીનો સુંદર ચહેરો જોઈ વિબોધ આકર્ષિત થયો. એ પ્રોફાઇલ ઓપન કરી અબાઉટ ઓપ્શન પર ક્લિક કરી.
નામ : સત્યા શર્મા.
હોમ ટાઉન : મુંબઈ
કરન્ટ સિટી : રાજકોટ
‘વાહ...’ કરન્ટ સિટી રાજકોટ વાંચીને વિબોધ ખુશ થઈ ગયો.
બર્થ ડેટ લખી નથી. પુરુષોમાં રસ. હિન્દુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ. વિબોધ ખુશ થતો થતો ફટાફટ સત્યાની પ્રોફાઇલનો અભ્યાસ કરી ટાઇમલાઇન પર આવે છે. જેન્ડર સિવાય બધુ મેચ થાય છે. ફિલ્મ, ફૂડ, ઍકટર, ક્રિકેટર, નેતા, દેવતા...
ટાઇમલાઇન ખૂલે છે. વિબોધ કવિતા વાંચે છે.
બધી કિસ્મતની અનોખી આ તો game છે.
મારી હથેળીમાં અનેરું ક્યાં તારું name છે?
તને પામવાની કોશિશ જ ક્યાં મેં કદી કરી છે?
ભાગ્યરેખા પણ જો અદ્દલ, કેવી આપણી same છે.
‘ક્યા બાત હૈ..’
વિબોધ વધુ વિચાર્યા વિના એ યુવતીને દોસ્ત બનાવવા માટે એડ ફ્રેન્ડના બ્લૂ બટન પર માઉસ ડ્રેગ કરી ક્લિક કરે છે અને..
ક્રમશ: