...Ane off the record - Part-8 Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

...Ane off the record - Part-8

પ્રકરણ ૮

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

લેખકનો પરીચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com

પ્રકરણ ૮

...અને..

ઓફ ધી રેકર્ડ

...અને દરવાજો ખુલતાંની સાથે જ તાલીઓનો ઝણઝણાટ થયો.

વિબોધ અર્ધ સ્મિતસહ, ‘મે આઈ કમ મેમ?’

વિબોધ અને ક્લાસમેમની નજર એક થઈ.

યુનિસ્ટારનાં સૂઝ, ચપોચપ બ્લેક લિવાઇસનું નેરો જીન્સ અને બ્લ્યૂ લાઈનિંગવાળા વ્હાઈટ ફૂલ સ્લિવ ઓફિસવેર શર્ટમાં દાઢી વધારેલા, રેડ ફ્રેમના ચશ્માં પહરેલા, પાથી વિનાના થોડા વિખરાયેલા લાંબા વાળ રાખેલા વિબોધને મેડમ નીચેથી ઉપર સુધી જોઈ રહ્યાં.

વિબોધ પણ શિફોન સાડીમાં પાતળી પટ્ટીનું સ્લિવલેસ બ્લાઉઝ અને સેઈમ મેચિંગ નેઈલ પોલીશ, જ્વેલરી પહેરેલાં છૂટા વાળમાંની લટ કપાળ પરથી કાન પાછળ ખોસી લાંબી ગોળ ઈયરિંગને અદાથી જુલાવતા જાણે સરસ્વતીએ સ્વર્ગની કોઈ અપ્સરાને આજ લેક્ચર્સ લેવા ક્લાસરૂમમાં મોકલી આપી હોય તેવા બધાંથી સુંદર લાગતા મેડમને પાંપણ પલકાવ્યાં વિના તાકી લીધાં.

વિબોધ દરવાજા પાસે જ ઊભો રહ્યો. બીજી વાર બોલ્યો, ‘આવું મેડમ?’

‘યસ.’ ઘટ્ટ રાખોડી લિપ્સ્ટિકવાળા કોમળ હોઠ પાછળનાં મોતીમાળા જેવા દૂધીયા દાંત વિબોધ જોઈ રહ્યો.

‘તમારી બુક્સ? બેગ ક્યાં છે?’

‘મેમ એ પાછલા દોઢ વર્ષમાં ક્યારેય બુક્સ કે બેગ લઈ સ્ટડી કરવા આવ્યો નથી.’

‘શટ અપ.’ વિબોધના ક્લાસમેટને ચૂપ કરી મેડમએ ફરી પૂછ્યું, ‘યસ. વ્હેર ઇઝ યોર બૂક્સ?’

‘એક્ચ્યુઅલી... અમ્મ... શું કહું? શું બોલવું?’ વિબોધ મનમાં ને મનમાં અબોલ થઈ ગણગણાતો રહ્યો.

‘અહીં પહોંચવામાં મોડું થતું હતું. જલ્દી જલ્દીમાં ભુલાઈ ગઈ હશે. રાઇટ?’

‘હે..? હા! રાઈટ.. રાઈટ.’

‘બેસી જાવ તમારી જગ્યા પર. આગળથી ધ્યાન રાખજો.’

ક્લાસમેટ્સમાં અંદરોઅંદર ચર્ચા થઈ. વિબોધ હંમેશાની જેમ લાસ્ટ બેન્ચ પર બારી પાસે જઈ બેસી ગયો. ધીમેથી પોતાના ક્લાસમેટને પૂછ્યું,

‘કોણ છે આ નવો ફટકો?’

‘અરે. કોણ જાણે કોઈક નવી મેમ છે. હવેથી પેલા આવતી એ તારી મનગમતી મહોતરમાની જગ્યાએ આ ભણાવશે.’

‘શું કરાવ્યું?’

‘અત્યાર સુધીમાં તો હજુ ફક્ત ઓળખાણ. મિન્સ બધાના ઈન્ટ્રો લીધા.’

‘હમ્મ..’

‘તું ધ્યાન રાખજે. બહુ કડક છે.’

એક-બે ચપટી વાગી. ‘અહિયાં ધ્યાન.’ વિબોધે લેક્ચરર સામે જોયું.

‘એક તો લેઈટ આવો છો અને ઉપરથી અંદરોઅંદર ગોસીપ?’

બધા હસ્યા.

‘સાઈલેન્સ. બાય ધી વે. ગાઈસ.’ સાડીનો પાલવ સરખો કરતાં તેણે વિદ્યાર્થીઓને સંબોધ્યા, ‘આઈ એમ યોર ન્યૂ વિઝિટિંગ લેક્ચરર. માય સેલ્ફ કૌશર ખાન. હું તમને પત્રકારત્વનાં સિદ્ધાંત અને આદર્શ ભણાવીશ.’

વિબોધ નીચું જોઈને ધીમેથી કંઈક અસ્પષ્ટ બોલ્યો. આખો ક્લાસ હસ્યો.

‘યૂ.. સ્ટેન્ડ અપ.’ વિબોધ પોતાની જગ્યા પર ઊભો થયો. ફરી જોરદાર તાલીઓ પાડી.

‘કમ હિઅર એન્ડ ગિવ મી યોર ઈન્ટ્રો.’

વિબોધ કૌશર ખાન પાસે ગયો. બધા ક્લાસમેટ્સ સામે જોઈને તેણે બોલવું શરૂ કર્યું,

‘આપ સૌ તો મને ઓળખો જ છો. વિબોધ. વિબોધ જોશી’ આટલું કહીને તેણે કૌશર ખાન સામે જોયું.

‘હું બી.કોમ. ગ્રેજયુએટ છું. રાજકોટ જ રહું છું. બસ?’

‘મેડમ એ લેખક છે.’ બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીમાંથી અવાજ આવ્યો.

‘બેસી જાઓ.’

‘મેડમ...’

‘જી? કંઈ કહેવું છે?’

‘તમારો ઈન્ટ્રો?’

‘કૌશર ખાન. બી.એ. એમ.એ. એમ.ફિલ.ઑલ સો માસ્ટર એન્ડ પીએચ.ડી. ઈન જર્નલિઝમ. ફ્રોમ અહેમદાબાદ.’

વિબોધ કૌશર પરથી પોતાની નજર હટાવી શકતો નહોતો.

‘નાઉ ગો બૅક ટુ યોર સીટ.’

કૌશરને વિબોધનો અને વિબોધને કૌશરનો એટિટ્યુડ ન ગમ્યો એવું ત્યાં ઉપસ્થિત સૌ ક્લાસ સ્ટુડન્ટ્સને જણાય આવ્યું.

‘એક સ્પષ્ટ સૂચના. ઓલ ઑફ યુ. ક્લાસમાં ડિસિપ્લિન રાખવી બધા માટે ખાસ અનિવાર્ય છે. સ્પેશ્યલી, ઈન માય લેકચર, ઇટ્સ મસ્ટ કમ્પલસરી. આઈ ડુ નોટ ટોલરેટ એની કમેંટ્સ ઓર કોમેડી. ઓનલી ફોકસ ઓન યોર સબ્જેક્ટ. તમારામાંથી કોઈ ભવિષ્યનાં પત્રકાર છે. કોઈ ટી.વી. રિપોટર, કોઈ ન્યૂઝ એંકર, કોઈ રેડિયોજૉકી, કોઈ માહિતી નિયામક કચેરીનાં અધિકારી તો કોઈ પબ્લિક રિલેશન ઓફિસર. કોઈ કોપી રાઈટર, કોઈ ઍડવર્ટિઝમેન્ટ ઓફિસર. એક્સેક્ટ્રા.. એક્સેક્ટ્રા.. થોડા મહિના બાદ તમારામાંથી કેટલાક પ્રિન્ટ મીડિયા તો કેટલાક ઈલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે પોતાની કારકિર્દી શરૂ કરશે. એમ આઈ રાઇટ?’

વિબોધ સિવાય બધા સમૂહમાં સૂરથી બોલ્યા, ‘ય...સ.. મે.ડ..મ..’

‘ગૂડ સ્ટુડન્ટ્સ. જીવનનાં કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા સિદ્ધાંત અને આદર્શ ખૂબ જ જરૂરી છે. સિદ્ધાંત અન આદર્શ વિનાની જીવનચર્યા કઈ ખાસ નુકશાન કરતી નથી. પણ હા, પ્રિન્સિપલ્સ વિના તમને ઈચ્છિત પરિણામ હાંસલ થઈ શકતું નથી. અન્ડસ્ટેન્ડ બડીઝ..’

ફરી વિબોધ સિવાય બધા સમૂહમાં સૂરથી બોલ્યા, ‘ય...સ.. મે.ડ..મ..’

‘હવે આપ બધામાંથી મને કોઈ કહી શકશે પત્રકારત્વમાં આદર્શ એટલે શું? મિનિંગ ઓફ પ્રિન્સિપલ્સ ઓફ જર્નલિઝમ.’

‘વિબોધ.’

‘વિબોધ. વિબોધ બોલશે.’

‘બોલ વિબોધ.’

કૌશર ગુસ્સે થઈ. ‘સ્ટોપ ધીસ. જેને બોલવું હશે એ સ્વૈચ્છિક બોલશે.’

ક્લાસરૂમમાં શાંતિ છવાઈ.

કૌશરે વિબોધને પૂછ્યું, ‘વિબોધ પત્રકારત્વમાં આદર્શો અંગે તમારે કંઈ જણાવવું છે?’

વિબોધ પોતાની જગ્યા પર ઊભો થયો. તાલીઓ વાગી.

‘આદર્શની વ્યાખ્યા માણસની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ મુજબ બદલાતી રહે છે. સૉરી ટુ સે, બટ પત્રકારત્વ અને આદર્શને નહાવા-નિચોવવાનો સંબંધ નથી. માણસ અભ્યાસમાં ભણે અને અનુભવમાં શીખે તેમાં ઘણો તફાવત હોય છે. વર્તમાન પૂંજીવાડી માનસિકતા ધરાવતા મીડિયામાં જ્યાં માત્ર પ્રોફેશનલિઝમ હોય ત્યારે આદર્શ ક્યારેક ન ટકી શકે. પત્રકારત્વ અને આદર્શની વાત કોઈ ઍવોર્ડ સમારોહમાં પારિતોષિત સ્વીકારી આભારવિધિમાં બોલવા કામ લાગે. પ્રેક્ટિકલ લાઇફમાં પ્રિન્સિપલની વાત કરવી અને પ્રિન્સિપલને ફોલો કરવા તદ્દન અલગ વાત છે. જર્નલિઝમમાં જો વ્યક્તિ પોતાનું અખબાર બહાર પાડી અથવા પોતાની ટી.વી. ચેનલ શરૂ કરી પોતે જ પોતાના વિશે લખી અને બોલીને પોતે જ પોતાનો વાચક અને દર્શક બનીને જુએ ત્યારે સમજાય કે, પોતે કાચનાં ઘરમાં રહે છે કે પછી પથ્થરોની જંજીરોમાં.. જ્યાં સત્યની બુનિયાદ નથી ત્યાં આદર્શની ઈમારત ચણવી નામુનકીન છે.’

વિબોધની વાત પર એક તાલી પડી. એ એક તાલી પાછળ બીજી તાલીઓ વાગવાની શરૂ થઈ.

‘પત્રકારત્વનો આદર્શ સિદ્ધાંત છે – માહિતી, માર્ગદર્શન અને મનોરંજનનું આદાન-પ્રદાન. જ્યારે આજે માહિતીની જગ્યા પર વિચારોમાં વિરોધીપણું છે. નોટ ઓન્લી ન્યૂઝ, બટ ન્યૂઝ વીથ વ્યૂઝ.’ વિબોધ બોલતાં-બોલતાં થોડો અટક્યો. ફરી બોલ્યો. ‘માર્ગદર્શનની જગ્યા પર વ્યવહારચૂક દિશાનિર્દેશ કરવામાં આવે છે. તટસ્થતા તો છે જ નહીં. મનોરંજનનાં નામ પર વલ્ગારિટીભરી વિષયવસ્તુ અને..’

વિબોધ આશરે અડધા કલાક સુધી બેબાક રીતે પત્રકારત્વ અને આદર્શો વિશે બોલતો રહ્યો. કૌશર અદબવાળી તેને સાંભળતી રહી. વચ્ચે વચ્ચે તેની અને વિબોધ વિશે તર્કબદ્ધ ચર્ચાઓ પણ થઈ. વિબોધના શબ્દો, વિબોધનો અવાજ, વિબોધના હાવભાવ, વિબોધનું રજૂઆત કૌશલ્ય, વિબોધ, વિબોધ અને બસ વિબોધ. વિબોધ ક્લાસરૂમમાં પ્રવેશે અને તાલીઓ પડે. વિબોધ ઊભો થાય અને તાલીઓ પડે. વિબોધને જોઈ ક્લાસમેટ્સના ચહેરા પર હાસ્ય આવી જાય. વિબોધમાં ભરપૂર વિચિત્રતા ભરેલી છે અને તેનું વર્તન તેનો અહમ નથી એવું કૌશર ખાનને પ્રથમ લેક્ચરમાં જ વિબોધના વિચાર તપાસી, વિબોધને સાંભળી ખ્યાલ આવી ગયો.

વિબોધે બોલવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં લેકચર પૂરો થઈ વિબોધ વૈચારિક દૃષ્ટિકોણથી વર્ગખંડમાં છવાઈ ગયો ગયો. ક્લાસરૂમ બહાર પણ ઑફિસ સુધી વિબોધ અને કૌશરની ઔપચારિક વાતચીત થોડા સમય સુધી ચાલી. કૌશરે અને વિબોધે એકબીજાના પર્સનલ કોન્ટેક્ટ નંબર શેર કર્યા. વિબોધ બ્રેક બાદનો લેક્ચર પતાવી પોતાના ફ્લેટ પર આવ્યો ત્યાં સુધીમાં સાંજ પડી ચૂકી હતી. મોહન રૂમમાં ન હતો. વિબોધે બીડી પીતા-પીતા ફાકી ખાધી. મોહને સવારે કહેલી વાત પર વિચાર કરી સત્યા જોડે વાત કરવા હિંમતથી તેનો નંબર ડાયલ કર્યો. કંપનીની ટ્યુન વાગી.

‘પ્રિય ગ્રાહક, તમારા એકાઉન્ટમાં કોલ કરવા માટે પર્યાપ્ત રાશીનો અભાવ છે. કોલિંગ સેવાનો લાભ મેળવવા માટે તુરંત રિચાર્જ કરવો...’

વિબોધે મોબાઈલ પલંગ પર ફેંકયો અને..

ક્રમશ: