...Ane off the record - Part - 6 Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

...Ane off the record - Part - 6

‘...અને..’

ઑફ ધી રેકર્ડ

પ્રકરણ 6

લેખક : ભવ્ય રાવલ

પરિચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com

પ્રકરણ ૬

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

...અને આકાશી રંગની આભાસી દુનિયામાં એક નવું મેઘધનુષ ઉગી નીકળ્યું. જાણે ચેટ બોક્સમાં તેના રંગોની છુટા હાથે લહાણી થઈ રહી હોય તેમ શબ્દો પણ મેઘધનુષી થઈ લખાવા લાગ્યા. સમયની ડાળે અચાનક એક સામટા વાસંતી ફૂલો ઊગી નીકળ્યા અને પછી બંધ ઓરડામાં ઘુમરાતી ભેજયુક્ત હવામાં ખુશ્બુનો સંચાર થયો. સત્યા અને વિબોધના પરિપક્વ થતાં સંબંધો બ્લૂ વર્ચ્યુઅલથી ગ્રીન પ્રેક્ટિકલ જગતમાં આવી આગળ વધવા લાગ્યા. નંબરોની આપ-લે થઈ. સોશિયલ સાઇટ બાદ મોબાઈલના મેસેજ બોક્સમાં અંગત સંદેશાઓની હારમાળા સર્જાઈ.

એક દિવસ વાતોવાતોમાં સત્યાએ વિબોધને પૂછ્યું, ‘વિબોધ તમારા ફેમિલીમાં કોણ કોણ છે?’

ક્યારેય પોતાની અંગત વાતો કોઈને પણ ન જણાવતો વિબોધ સત્યા પાસે પોતાના જીવનનાં દરેક બંધ મુઠ્ઠીના પાસા પરથી પડદો ઉઠાવવા લાગ્યો.

‘સત્યા મારે માતા-પિતા નથી. ભાઈ-બહેન નથી. હું એકલો હતો, એકલો છું અને એકલો જ રહેવાનો. નાનપણમાં નાના-નાનીને ત્યાં ગામડે રહેતો હતો. હાઈસ્કૂલ પછીથી હોસ્ટેલ અને હવે ભાડાના એપાર્ટમેન્ટમાં. તમારા ઘર પરિવારમાં કોણ-કોણ છે?’

સત્યાએ વિબોધની જેમ નિખાલસતાથી જણાવ્યું, ‘બસ એક વ્યસ્ત પપ્પા. બીજું કોઈ નહીં.’

‘હમ્મ... બીજું?’

‘બીજું કોઈ નહીં. નાનપણથી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને મોટી થઈ છું. ઘર ગમતું નથી. મમ્મી ક્યાં છે ખબર નથી. ભાઈના, બહેનના સંબંધ કોને કહેવાય ખ્યાલ નથી.’

‘અને દોસ્તો?’

‘આમ્મ...’

‘બોલો સત્યા...’

‘વિબોધ તો નહીં જ...’

‘કેમ?’

‘કેમ કે હજુ મહાશયે તેમના વિશે પૂરું જણાવ્યું નથી અને સત્યા અજાણ્યાની દોસ્ત બનતી નથી.’

‘જાણીતા માણસો એક સમયે અજાણ્યા જ હોય છે. એમને જાણવા-સમજવાનો અવસર આપવો પડે મેડમજી...’

‘હા, તો આપ્યો જ છે ને... હજુ ઘણો પણ સમય છે. ચાલો બોલો તમારા વિશે.’

વિબોધને થયું સત્યા બધું જાણ્યા અને સમય પસાર થયા વિના પોતાની નજીક આવવા નહીં દે. તે બહુ ચાલક છે. અને ભરોસાપાત્ર પણ... અને જેનું નામ જ સત્યા હોય તેની પાસે અસત્ય ઉચ્ચારવું યોગ્ય નથી. વિબોધની આંગળીઓ મોબાઈલના કી-પેડ પર સળસળાટ ફરી વળી...

‘સત્યા, હું ધર્મમાં માનતો નથી. ઈશ્વર પર મને વિશ્વાસ નથી. બ્રાહ્મણ હોવા છતાં જનોઈ પહેરતો નથી. શરાબ પીવું છું. નોનવેજ ખાઉં છું. મેં ચોરી કરી છે. ગાળો બોલું છું. છોકરીઓ ફેરવવાનો શોખ છે. હું પુરુષવાદી છું. બીજાથી અલગ નથી પણ બહુ ઓછા જોડે ફાવે છે. સત્યાની જેમ વિબોધને સમજી શકનાર જૂજ છે.’

સત્યાએ લખ્યું, ‘વિબોધ આટલો નેગેટિવ નથી. હું ઓળખું છું વિબોધને... પાગલ મેં તમારા વિશે જણાવવા કહ્યું અને તમે છો તમારી લાઇફની ડાર્ક સાઇડ જણાવવા લાગ્યા. મારી પર આટલો વિશ્વાસ એકાએક ક્યાંથી આવી ગયો?’

‘હું ખુદ એ વિચારી રહ્યો છું. કોઈપણ પર વિશ્વાસ કરી બેસવાની આદત છે કે તમારા પ્રત્યેનું આકર્ષણ એ નક્કી કરવું મુશ્કેલ છે.’

‘લાગણી ન હોવી જોઈએ બસ વિબોધ. લાગણીના સંબંધોમાં મને રસ નથી એટલે જ હું ક્યારેય કોઈને અંગત દોસ્ત બનાવતી નથી.’

વિબોધે પૂછ્યું, ‘કેમ? કોઈ ખરાબ અનુભવ?’

‘ના.’ સત્યાએ વાત બદલાવી કાઢી. ‘બાય ધી વે.. છોકરીઓનો શોખ છે એ આજે જાણ્યું. કેટલીને ફસાવી છે? ફેરવી છે? અને પ્યારનાં નાટક કરીને તેનો ઉપયોગ કર્યો છે?’

‘તમે મારી વાતને ઊંધી સમજ્યા. હું સ્ત્રીઓની ઈજ્જત કરું છું. મને ફક્ત છોકરીઓ માટે સોફ્ટકોર્નર છે. અને મને મારી એજની યુવતીઓ કરતાં પણ મોટી ઉંમરની સ્ત્રીઓ વધુ ગમે છે.’

‘ઓહ... ગોડ...’ સત્યા આશ્ચર્ય સાથે મુસ્કુરાઈ. ‘પ્રેમ થયો છે ક્યારેય? મિત્ર માનતા હોય તો સાચું બોલજો.’

વિબોધે થોડીવાર વિચારી જવાબ આપ્યો, ‘હા. કોઈને કહેતા નહીં. મે કોઈને કીધું નથી.’

‘શું નામ હતું?’

‘પ્રાપ્તિ. મારાથી બે વર્ષ મોટી હતી. એ શિક્ષિકા હતી. અમારો પ્રેમ સંબંધ એક વર્ષ ફેસબુક પર ચાલ્યો. ત્યારબાદ એક દિવસ અમે રસ્તા પર મળ્યા અને એના પછીનાં અઠવાડિયે એની સગાઈ થઈ ગઈ. હમણાં જ એના લગ્ન હતા.’

‘તમે લગ્નમાં ગયા હતા?’

‘ના, તેની સગાઈ થઈ પછી એણે સંપર્ક તોડી નાંખ્યો હતો.’

‘તો કેમ ખ્યાલ હમણાં એના લગ્ન હતા?’

‘હું એને સોશિયલ સાઇટ પર જોતો હોઉં. હમણાં જ એણે તેનો અને તેના પૈસાદાર પતિનો હનીમૂન પર ગયાનો ફોટો અપલોડ કર્યો હતો. એ ખુશ હશે. ખુશ હોવી જ જોઈએ.’

‘તેને ન પામી શકવાનો અફસોસ છે?’

‘અફસોસ તો નહીં રંજ છે, ખેદ છે. દિલના એક ખૂણે ક્યાંક કશુક ખૂંચે છે. પૈસાદાર ન હોવાની, સાથી પ્રિય પાત્રને સમકક્ષ ન હોવાની કિંમત ચૂકવવી પડે છે. સમાજનાં ઘડેલા રીત-રિવાજને વશ થઈને રહેવું પડે છે. બીજાના નસીબનું આપણે ભોગવું પડે છે સત્યા અને બીજું ઘણુબધું યાર... શું કહું?’

‘પ્રાપ્તિમાં ખાસ શું હતું? સૉરી કદાચ હું બહુ અંગત પ્રશ્ન પૂછી રહી છું.’

‘ના સત્યા. નો પ્રોબ્લમ.’ વિબોધે ટાઈપિંગ સ્ટોપ કર્યું. ફરી લખ્યું, ‘પ્રાપ્તિ સામાન્ય હતી પરંતુ મારું દિલ જીતી શકવાની તેનામાં એક ખાસિયત એ હતી કે, તે માત્ર વિબોધને પ્રેમ કરતી હતી. પ્રાપ્તિને મારા લેખક હોવાથી, સારું-સારું બોલી શકવાથી કે મારી સારી-ખરાબ આદતથી મતલબ ન હતો. એ માત્ર વિબોધને ચાહતી હતી. મારા અસ્તિત્વ અને વ્યક્તિત્વની ઊંડાઈ સુધી પહોંચી એ વ્યક્તિ મને સમજી શકી હતી.’ વિબોધે આટલું જણાવી સ્માઈલી મોકલ્યું. ફરી ટાઇપ કર્યું.

‘સત્યા, કોઈ વ્યક્તિને મળ્યા-જોયા વિના, માત્ર તે વ્યક્તિને ચાહવો કઠિન છે. આજની છોકરીઓ ટેલેન્ટમાં માનતી હોય છે. સ્ટેટસને પૂજતી હોય છે એ સમયે પ્રાપ્તિએ મારામાં કોઈ પ્રકારની સ્માર્ટનેસ કે એક્ટ્રરા ક્વૉલિટી જોયા વિના ફક્ત ને ફક્ત વિબોધને નામ માત્રથી ચાહ્યો. જેમ એક માતા માટે એનું બાળક જેવુ હોય તેવું વહાલું અને સર્વસ્વ હોય, આવકાર્ય હોય એમ એ વ્યક્તિએ મને અપનાવ્યો.’

‘અને એક દિવસ બીજા જોડે મેરેજ કરી લીધા?’

‘હા. આઈ હોપ તમને હવે મારું ઠીકઠાક લાગતું સોશિયલ સાઇટ પરનું લખાણ સમજાઈ ગયું હશે.’

સત્યાને વિબોધની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરતાં સમયની પોસ્ટ યાદ આવી સમજાઈ ગયું,

વિબોધ બહારથી જેવો દેખાય છે તેવો અંદરથી છે નહીં, શાંત પાણી ઊંડા હોય. વિબોધના અંગત જીવનમાં કાંકરીચાળો કરી તેને અજાણતામાં દુ:ખ પહોંચાડ્યાનો અહેસાસ સત્યાને થઈ આવ્યો. એ થોડી ઉદાસ થઈ પછી ઉદાસી ખંખેરી વિબોધને મેસેજ કર્યો. વિબોધનું ચેટબોક્સ ઓફલાઇન હતું. લાસ્ટ સીન બતાવી રહ્યું હતું. સત્યા વિબોધના રિપ્લાયની રાહ જોવા લાગી.

વિબોધને મારી જેમ મેગી ભાવે છે અને બનાવતા પણ આવડે છે! આલુ પરાઠા એના મોસ્ટ ફેવરિટ છે. વિબોધને ઢળતી સાંજે હીંચકા પર બેસવું ગમે. મારી જેમ જ દરિયો, પહાડ અને જંગલો ગમે. વિબોધ થોડો મારા જેવો છે. ધર્મમાં ન માનનારો રેશનાલિસ્ટ. ના થોડો નહીં એકંદરે ઘણી સમાનતા છે. સત્યાને વિબોધ અંગત દોસ્ત બનાવવા લાયક લાગ્યો.

મોબાઈલની મેસેજ ટોન રણકી વિબોધનો મેસેજ આવી ગયો.

સત્યા અને વિબોધ વચ્ચે સૂરીલા સાદના મધ મીઠા પડઘા તો ક્યારેક મૌનનું મુક્ત સંગીત ગુનગુનવાનું શરૂ થયું. દિવસેને દિવસે વિબોધ અને સત્યા વચ્ચે લાગણી અને ભાવોની અભિવ્યક્તિ નિકટતાથી થઈ રહી હતી. બીટ્વીન ધ લાઈન્સ માફક અર્ધ વાક્ય કે એકાક્ષરી શબ્દનો વિસ્તાર એકમેકના રિપ્લાયમાં છપાવા અને છવાવા લાગ્યો. અને..

ક્રમશ: