કિમામ Sameera Patrawala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિમામ

કિમામ

અચાનકથી આંખો ઉઘડી ગઈ. માંડ શાંત પડેલા બસનાં વાતાવરણમાં અચાનક જ ખલેલ પાડવા જાણે રસ્તાનાં ખાડાએ પહેલ કરી હોય એમ ઘોરયેલા જાનૈયા હલી ઉઠયાં. ‘લે ભાય, ગામ આવ્યું આપણું…..’ ઉડતી ધૂળની સુગંધે કોઈ ઉંમરલાયક જાનૈયાની અડધી ઉંઘમાં ટાપશી પૂરી. અત્યાર સુધી સ્થિર ગતિએ ચાલતી બસ ગાડાની માફક હાલકડોલક થવા લાગી. આ બધી ચણભણ વચ્ચે ગરમીથી લથબથ, ઘરેણામાં લદાયેલી અને મુશ્કેલીથી શ્વાસ લઈ શકતી નવવધુની પણ નિંદર ઉડી. ‘હાલો બાયું ગીત તો ગાવ’ અને જાગેલી બાઈઓએ સાડલા પછેડાં સંભાળતા કંઈ ગીત પણ ગાયું જે ગીતાને કંઈ જ ન સમજાયું.

પાછલા ૮ કલાકનાં રસ્તામાં અડધી કલાક માંડ બંધ થયેલી વિચારપોથી ફરી ઉઘડી. ‘પપ્પાએ કયા ગામમાં વરાવી દીધી છે? આ જાનૈયા જોઈને જ અડધી વાત ખબર પડે છે કે મારા સાસરિયામાં કેવોક ભલીવાર છે.’ બધાનો ભીનો વાન અને લગભગ એક જેવા જ જણ લાગે છે. માથે ફેંટા , ધોળા ચોંયણા અને મજ્બુત બાંધા જોતાં લાગે છે કે બધાંય ખેતી અને શાહુકારી જેવા જ કામ કરતા હશે. આખે રસ્તે જાનમાં જાણે પાન અને બીડીની છોળ ઉડતી હતી. મોટી ઉંમરનાં બૈરાઓએ ઘાઘરા પહેરેલા છે અને છોકરી ઓ બધી એક સરખી પેટર્ન વાળી લાલ પીળી ‘ફેશન’માં લાગે છે. બધાને પાછો ઘરેણાનો મબલખ ઠઠારો! ગીતા પોતાના હાથમાં પહેરેલા વજનદાર કડાંઓ નીચે પરસેવાથી આવતી ખજવાળ દૂર કરવા મથતી હતી. પાનેતર ઉપરની ભારેખમ ચુંદડીમાં દબાયેલા શરીર પર વજન ઓછું હોય એમ પાંચ થરું સોનુ પહેરાવેલી જાણે પોતે કોઈ મંદિરની દેવી હોય એવો ભાર અનુભવતી હતી. અને પાછા પાર વગરનાં છોકરાઓ પણ એની માઓ આગળ રહેવા બૈરાઓની બસમાં ભરાયેલા હતા. છોકરાઓ વારેઘડી આવી ‘મા મારે લાડી જોવી સે’ કરીને ત્રણ વેંતનાં ઘુંઘટને ખોલવા મથતાં હતા. એક શરુ થતું તો એને ધક્કો મારી પાછો બીજોએ પણ આવતો..’એ મારેય જોવી સે હો..’ અને આમ બસની પહેલી સીટમાં જામેલી ભીડમાં બે- ચાર વધુ ભળતાં અને ગીતા વધારે મુંજાતી અને એ ઓછું હોય એમ વારેઘડી ‘એ આઘા રયોને છોકરાઓ ..’ કરીને બાજુમાંથી એક લાંબી ચીસ સાથે છણકાભર્યો અવાજ નીકળતો હતો, ગીતાની મોટી નણંદ હતી એ! ગીતા નણંદને જોતી અને વધારે મુંજાતી ‘અરે રે! નણંદમાં આવા વે’તા છે તો એ કેવા હશે? આવા રિવાજો હોય? ફેરા ફરતાંયે મોં ન જોવા મળ્યું અને એમને તો આગળ ગાડીમાં મોકલી મને આ બૈરાની ગાડીમાં રવાના કરી.’ વચ્ચે આવેલા બે હોલ્ટમાંયે ગીતા એના વરને જોઈ ન્હોતી શકી . વચ્ચે વચ્ચે બસમાં દોઢ પંચાતિયા બૈરાઓ દુખણા લેતા જાય, ‘કેવી રુપાળી હો….કરસન ફાવી ગ્યો …લાવી સે ય એટલું…માતબર કુટુંબની સે બાય!…..રુપરુપનાં અંબાર જેવી..બરફ્નો કટકો’ એવી ઉપમાઓ કાને પડી જતી. ખરો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે કોઈ એમ બોલી ગયું ‘પેલી બૈરી કરતાં ક્યાંય રુપાળી છે આપણો…કરસન્યો નસીબદાર બવ.’

ગીતા હવે ગરમીમાં રહી ન્હોતી શકતી. બસનું ગાડું ખડબડ રસ્તા પર જોલા ખાતું હતું અને તે ઘુંઘટ સરખો કરવા બહાને વચ્ચે વચ્ચે શ્વાસ લઈ લેતી હતી એવામાં જ એક વીંછળી વાસ ઉડી. રસ્તાની પેલી બાજુ માછીમારોનાં ઝુંપડા દેખાયા , બસના ધાર્મિક બૈરાઓએ અભડાઈને મોઢાં બગાડયાં. કોઈ બૈરા આપસમાં કંઈ ખણખોદ પણ કરવા લાગ્યાં.પણ આ બાજુ ગીતાની સામે તો અલાદીનનાં જીનની માફક ભૂતકાળ સામે આવી ઉભો. ‘આબીદ?’ આબીદનાં ઘરમાં ઘણીવાર આવી મચ્છી તળાવાની વાસ ઉડતી. આબીદને બહુ પસંદ હતી મચ્છી! જ્યારે મળતો ત્યારે કહેતો ‘ગીતુ તું ખાય નહીં તો કાંઈ નહી પણ મારા માટે મચ્છી બનાવવાનું જરુરથી શીખી લેજે .’

‘હાસ્તો જરુર શીખીશ. હવે એક્વાર મેરુ બનાવે અને મા ઘરમાં ન હોય તો આવી જઈશ શીખવા, પણ તને કહી દઉ છું , હું ખાઈશ નહીં હો.’

‘તારી બહેને તો હા પાડી હવે એને બોલ ને કે તારા મા અને અબ્બાને પણ મનાવે તો જલ્દીથી આપણે પરણી જઈએ.’

‘બસ થોડા જ દિવસો , મેરુની શાદી થશે એટલે હું મનાવી લઈશ એમને! ના પાડે તો તને લઈને ક્યાંક દૂર…. પોતાની દુનિયા વસાવશું. મારા ઘરે તો માની જશે બધા એમનો એક નો એક દીકરો છું હું! પણ તારા ઘરનાં કેમ માનશે? ધરમ આડો આવે ને પાછો?’

‘ન માને તો ભાગી જઈશું.’

અચાનકથી આબીદનાં મોં પર ગંભીર ભાવ આવી ગયા, ‘મેં કેટલી વાર કહ્યું છે કે ભાગશું નહીં ! હિંમત રાખજે. આપણે ભાગવું જ હોય તો અત્યારેજ તને લઈ ન જાઉં!’ કહેતાં જ આબીદે ગીતાને પોતાની તરફ ખેંચી લીધી. પાંચ વર્ષનાં પ્રેમસંબંધમાં જીંદગીનાં તમામ સપનાઓ વણી લીધા હતા બંન્નેએ! ઘસાતી બ્રેકનાં પ્રચંડ જટકાં સાથે ગીતા વર્તમાનમાં આવી. લોકોને જોતા લાગ્યું કે પોતાનું સાસરિયું આવી ગયું હતું. થોડીવાર મુંગા થયેલા બૈરાઓમાં કોઈક પોતાનો સામાન લેવા અને બાળબચ્ચા હાથવગાં કરવામાં લાગ્યાં હતાં, અંતે બસથી નીચે ઉતર્યા.

ફરી પાછા તળપદી ભાષામાં બૈરાઓનાં મંગલગીત શરુ થયાં અને અણગમતાં વર સાથે ગીતાનો ગ્રહ્પ્રવેશ થયો. રાત થઈ ગઈ હતી, વિધિઓએ હવે રાહત લીધી હતી. જમી પરવારી ને બે ત્રણનણંદો અને ભાભીઓ ગીતાને એનાં ઓરડામાં લઈ ગઈ. મનમાં રાહત વળી, શરીર પર લદાયેલો બોજ હલકો થશે એ વિચારે ગીતાએ રુમપ્રવેશ કર્યો. ફ્રેશ થઈને બહાર નીકળી તો પાછા કંઈ સાજ શણગાર અને મેકઅપનાં થથેડા મારવા સ્ત્રીઓ એની રાહ જોતી ઉભી હતી. ‘ચાલો ભાભી પાછાં તૈયાર કરી દઈએ , ભાઈ ઉતાવળો થાશે પાછો તમને જોવા…’ એકે બીજી સામે આંખ મીંચકારી અને ખી ખી શરુ થયું. અચાનક્થી આગળનું વિચારી એક કપકપી ગીતાનાં શરીરમાંથી પસાર થઈ ગઈ. ગીતા બોલી ઉઠી, ‘હું જાતે જ તૈયાર થઈ જઈશ.’ આખરે સહુ રવાના થયાં. ગુલાબ અને મોગરાનાં અત્તરથી મહેકતાં ઓરડામાં ગીતાનું માથું ભમવા માંડ્યું. ઘડીભર ઓરડાને તાકી રહી. પાકું ચણવા છતાંયે કચાસ રહી ગયેલી હોય એવો ઓરડો…. દિવાલથી લઈ અને રુમની લાદી પર લાગેલા છાંટણાંમાં ગામડાની છાપ! કરસન ગામનાં વગદાર મુખીનો લાડકો દીકરો હતો. સાસરિયું ગામમાં વખણાતું પણ શહેર અને ગામનાં રહેવાસનો ફર્કઅહીં રજેરજે વર્તાતો હતો.

ગીતાનો કર્યાવર હવે રુમમાં બરાબર ગોઠવાઈ ગયો હતો. ગીતા અરીસા સામે બેઠી ઘરેણાં ઓછા કરવા લાગી. અરીસામાં ચહેરાની રેખાઓ ધુંધળી થવા લાગી અને આબીદનાં હાથ શરીરને વીંટળાઈ ગયા. ‘શું કરે છે , જા હવે જો મમ્મી- પપ્પા આવી ગયાં તો આપણને બંન્નેનેમારી નાંખશે.’

‘મારી નાંખે તો વાંધો નહીં …સાથે મરશું હો…?! પણ તારા વગર નથી રહેવાતું હવે’ આબીદે ગીતાની હડપચી પક્ડી, ઘડીભર બંન્ને એક્બીજાને જોતા રહ્યાંપછી બંન્નેનાં હોઠ એક્બીજા સાથે ખુલતાં-બીડાતાં રહ્યાં અને શરીર પરનાં આવરણો હટતાં ગયા. કોઈ અપાર સુખમાં વિલિન થયાં પછી આબીદને જકડી ગીતા બોલી ઉઠી…. ‘ચાલ ભાગી જઈએ.’

‘બસ…થોડા દિવસોની જ રાહ હવે.’

‘ન જોવાઈ ..ન જોવાઈ ! રાહ ન જોવાઈ ને તારાથી ???!!’ શાંત ઓરડામાં ગીતાનો અવાજ ફરી વળ્યો. પણ ન મોગરાની સુવાસ ઘટી ન બિસ્તર પર પડેલી ફૂલની પાંખડીને એની કોઈ અસર થઈ!!!

પપ્પાને કોણે ખબર કરી હશે?………

મેરુનાં લગ્ન પહેલા જ ખબર પડતાં આબીદને ગુંડાઓથી ઉઠાવી લેવાયો. એ બાજુ આબીદ હોસ્પિટલમાં અને આ બાજુ ગીતાનાં ઘડિયા લગ્ન નક્કી થયાં. બધું અચાનક જ બની ગયું અને પોતે કંઈ જ ન કરી શકી……..

‘રે પપ્પા! મારું સુખ ન જોયું?? ઘર પણ ન જોયું ….તમારા બદલાની આગમાં? ક્યાં ભણેલગણેલ મારો મનનો માણીગર અને ક્યાં આ….’ ગીતાએ આંસુંને આવતાં રોક્યાં.

‘છટ કાયર !!! કાશ ભગાવીને લઈ ગયો હોત…’ ગીતા મંગળસૂત્રને આમળતાં બોલી ઉઠી.

માનાં શબ્દો કાને અથડાયા. ‘બેટા! તને ગમતો ન મળ્યો એનો તો મનેય અફસોસ છે પણ તારા માથાં ફરેલ બાપ આગળ કોની ચાલી છે? હવે ધણીની થઈને રહેજે એમાં જ તારી ભલાઈ છે.’

બહારની ચણભણ પર ગીતાનાં કાન સર્યા.ગીતાએ ફરી ઘુંઘટ ઓઢ્યો અને પલંગ પર બેઠી ગઈ. ‘તું સાચું કહેતી હતી મા, હવે તો આ જ જીંદગી.!’ ગીતાની પાંપણે ઝીણું ઝીણું ઝાંકળભીનું સપનું બાજ્યું.

ઓરડાનો દરવાજો ઉઘડ્યો, સાથે જ તમાકુ અને કિમામનો ભપકો ઉડ્યો. દરવાજો બંધ થયો , આ બાજુ ગીતાએ પણ મન મક્કમ કરી ભૂતકાળનાં દરવાજા બંધ કર્યા. કરસન કંઈ પણ બોલ્યા વગર જ પલંગ પર બેઠો. ગીતા થોડી મુંજાણી. કરસને ઘુંઘટ ખોલ્યો અને ગીતા તો બાઘી જ રહી ગઈ. એક ઉંમર ખાધેલો હોય એવો પુરુષ ……એક ઉંમર ખાધેલો હોય એવો ‘પુરુષ’????!. ભીનો વાન અને મજબુત કસાયેલો બાંધો. હોઠો પર મુછોનો પૂળો અને મોંમાં પાનનો ડૂચો અને એમાં ભરાયેલ કિમામની ગંધ જાણે પોતાને રુંધાવી મારશે એમ બંન્ને પગ ફરતે હાથને વધુ મજબુત પકડી ગીતા બેઠી જ રહી. આવી સ્ત્રી સાક્ષાત જોઈ જ ન હોય એમ હવસની ભુખ જાણે કરસન પર હાવી થઈ ગઈ. રુમની બત્તી જલ્દીથી બંધ થઈ ગઈ. કિમામનો ભપકો તેજ થયો. શરીર પરથી ઘરેણાનો રહ્યોસહ્યોભાર પણ ઉતર્યો…ચુંદડી , સાડી એમ એક પછી આવરણો ઉતરતાં ગયા અને ફરી આબીદે અવાજ દીધો ‘મારા સિવાય તારા પર કોઈની નજર પણ મને બરદાસ્ત નથી.’ ગીતાએ આંખો મીંચી શરીરને ઢીલું પાડી સમર્પણ કર્યુ. પાંપણ પર બાજેલું સપનું આંખનાં ઉંડાણમાં પાણી બની ગર્ત થયું. સ્તનો પર ભરાવદાર અનુભવી પંજા ફરી વળ્યા. હ્રદયથી ઉઠતી બળતરા બંન્ને પગ સુધી લંબાતી રહી. શ્વાસ રુંધાયો, હોઠ ભીંસાયા અને …કિમામ ની ગંધ આખા શરીરે ફરી વળી.

આમ કરતાં કરતાં બે વરસ વીતી ગયાં. પોતાની કસમે અને સાસરિયાના દબાણમાં મા-બાપથી હવે કોઈ જ સંબંધ રહ્યા ન હતાં. સંતાનપ્રાપ્તિનાં હેતુથી લાવેલી બીજી વહુ પણ ‘વાંજણી’ સાબિત થઈ હતી. કરસનની નબળાઈનો બોજ ઉઠાવતાં ગીતા પણ પહેલી પત્નિની જેમ સહુનાં નિશાનામાં રહેતી. પણ ગીતાનાં અસ્તિત્વ પર ગામડાની ગાર લિંપાઈ ચૂકી હતી. એક દિવસ ગીતા ઘરનાં વંડામાં ઢળતી સંધ્યાની ઉદાસીમાં આ બધુ વિચારતા ઉભી હતી ત્યારે જ અચાનક્થી કોઈ પથ્થરમાં વીંટળાયેલો કાગળ ફેંકી ગયું. ગીતાએ કાગળ વાંચ્યો.

મારી ગીતુ,

બહુ મુશ્કેલીથી તારા ઘરનો પતો મેળવી આવેલો છું. તારા વિષે બધી જ ખબર પડી. એક વખત જુના કુવે મને મળવા આવ. આવતીકાલે બરાબર ૪ વાગે ત્યાં તારી રાહ જોઈશ.

- તારો ફક્ત તારો જ’

કાગળ વાંચતા જ ઝાંખી થયેલી સ્મ્રુતિઓની ચમક ગીતાની આંખોમાં ઉભરાઈ આવી. આબીદ ફરી યાદ આવ્યો. મનનાં ઉમળકા ફટાફટ વહેવા લાગ્યા. એ દિવસે કાગળને ગળે વળગાડી એકાંતમાં એ ખૂબ રડી. બીજા દિવસે લાગ જોઈને એ બહાર નીકળી જુના કુવે આબીદને મળી. એને જોતાં જ કંઈ કેટલાં વર્ષોથી મનમાં ધરબાયેલી લાગણી આંખોથી વહેવા લાગી.

‘મારી ગીતુ, મને ખબર જ હતી તું આવીશ.’

ગીતા ઘડીભર અવાક રહી પછી એને વળગીને ખૂબ જ રડી.

‘ચાલ ગીતુ ભાગી જઈએ.’

‘હવે ?’

‘હા… આપણી પાસે કોઈ જ રસ્તો નથી.’

‘એ શક્ય નથી …મારા લગ્ન થઈ ગયા છે….’

બીજા દિવસે સૂરજની પહેલી કિરણે ગામની હદથી દૂર જ્તાં પગલામાં એક અલગ જ જોમ હતું. ગીતાને ફરી આબીદથી થયેલી આખરી મુલાકાત યાદ આવી.

‘ એ શક્ય નથી …મારા લગ્ન થઈ ગયાં છે.’

‘જે પણ હોય હું ફોડી લઈશ. મને તને અપનાવવામાં કંઈ જ વાંધો નથી.’

ગીતા ઘડીભર એને જોઈ જ રહી અને બોલી પડી…’પણ તું તો કહેતો હતો…તારા સિવાય કોઈની નજર….’

‘તું સમજ્તી નથી , હવે તો મેરુનાં પણ લગ્ન થઈ ગયાં છે અને તારા પપ્પા પણ તારી હાલત જોઈને ખૂબ જ પસ્તાય છે.’

ગીતા ઝડપભેર ચાલતી રહી અને છેવટે જુના કુવા આગળ આવી.

અહીં કરસનનાં ઘરમાં મોડી સવાર પડતી પણ ગીતા ક્યાંય દેખાતી ન્હોતી. ઓરડામાં તલાશી લેતા કરસનને હાથે એક કાગળનો કટકો લાગ્યો જેમાં ગીતાએ લખ્યું હતું ‘આભાર’. લોકલાજે એ લોકો કોઈપણ વિચાર ઝડપથી કરે એ પહેલા ગીતા એમની પહોંચની બહાર જતી રહી હતી. ઘરમાં ફક્ત ગીતાની ગંધ રહી ગઈ હતી.

જુના કુવેથી પગમાં ઝડપ વધી હતી. ગામનું પાદર ઓળંગતા મચ્છીનો ભપકો ઉડયો. ગીતાને એ વાસ અજાણી લાગી. ખુલ્લા આકાશમાં તેને એક ચહેરો દેખાતો હતો…

એ ઘડીભર ખુલ્લા આકાશને તાક્તી જ રહી, આકાશ જાણે અરીસો બની ગયું હતું…..આબીદ હતાશ થઈ પાછો વળ્યો હતો અને કિમામની ગંધ ક્યાંય પાછળ રહી ગઈ હતી.

-સમીરા પત્રાવાલા