Vijvege Vaat Sameera Patrawala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Vijvege Vaat

વીજવેગે વાત

સમીરા પત્રાવાલા

patrawalasameera@gmail.com



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

વીજવેગે વાત

આજ નો જમાનો સેલ ફોન અને ટેક્નોલોજી નો છે. દરેકે દરેક લોકો પાસે જાત જાતનાં અને ભાત ભાતનાં ફોન હોય છે. ક્યારેક તો ગ્રુહિણીઓ કામવાળીઓ ના ફોન જોઈને ય અકળાઈ જાય છે. એની પાસેય ટચ સ્ક્રીન વાળો આવ્યો હવે તો નવો લઈ દો. ધણીને લીધા સિવાય છુટકો જ ન રહે. પણ દરેક વસ્તુનાં પોતાના જ ફાયદા ગેરફાયદાઓ હોય છે.

વોટસએપ અને ફેસબુક થી ટાઈમપાસ સાથે ઘણુ બધુ જાણવા - શીખવા પણ મળે છે. મોદીજીએ શું કર્યુ અને રાહુલ ગાંધી એ શું કરવું જોઈએ, કયો નેતા સારો, કઈ સરકાર થી કેટલી ભુલ રહી ગઈ, રેપિસ્ટને શું સજા હોવી જોઈએ, સની લિયોની ને બેન ન કહેવાય અને બૅન પણ ન કરાય, મેગી સિવાય ની કેટલી પ્રોડક્ટ નો ખતરો, ક્યા વાવાઝોડું આવ્યું, રેશન્લ આર્ટિકલો, શેરો શાયરીઓ, પ્રેગ્નન્સી થી લઈને પેરેન્ટિંગ સુધીની ટિપ્સઅને કંઈ કેટલી કેટલીયે ચર્ચાઓના આપણે પરિચયમાં આવીયે છીએ જેને લીધે થોડી સજાગતા પણ વધી છે. ગ્રુહિણીઓ લખતા થઈ છે, પોતાના વિચારો પણ રજુ કરતા થઈ છે એ એક સારી વાત કહી શકાય. પણ પહેલા જેમ નુકક્ક્ડ પર ચોરો જામતો એમ ફેસબુક એટલે ઓનલાઈન ચોરો. બધા ને મજા આવી જાય ડહાપણ કરવા. હા નુક્ક્ડ માં પુરૂષો જ મોટાભાગે રહેતા.. અહીં બૈરાઓની જ સંખ્યા વધારે હોય.

અને ફક્ત સ્ત્રીઓ જ શું કામ ટેક્નોલોજી એ તો પુરૂષોને પણ સ્વતંત્રતા આપી છે. ફાયદા સાથે ગેરફાયદા પણ ઉઠાવતા થયા છે. ઘરમાં જે બિચારો બોલી ન શકતો હોય એ ફેસબુક અને વોટસેપ પર બોલકો બકુલ હોય. શરત એટલી કે ફ્રેન્ડલીસ્ટ કે ગ્રુપમાં પત્ની ના હોવી જોઈએ.... ટૂંકમાં આજ્નો માણસ સેલ્ફીશ બનતો જાય છે અને ફોટો સેલ્ફી બનતા જાય છે. સારી જ ટેક્નોલોજી છે ! અત્યારે વારેઘડી બીજાનાં ફોટા પાડવાનો સમય જ ક્યા છે એક્બીજા પાસે! ઘર માં સાથે રહેતા હોય તોયે વાતચીત કરવાનું માધ્યમ વોટસેપ હોય. પત્નિ ફેસબુક પર ફોટો અપ્લોડ કરે કે ફોન આવેપઆવો ફોટો શું કામ મુક્યો.. ઘર માં પોતે ક્યારેય વખાણ કરતા ન હોય અને બીજા કહે એ પેલ્લા પોતાને બહુ પ્રેમ છે એવું દેખાડવા પતિઓ ને પરાણે “માય પ્રીટી વાઈફ “ એવું લખી જ દેવું પડે અને સસ્તામાં પતાવવું હોય તો લાઈક તો કરી જ દેવાનું. અને પત્નીઓને પણ પોતાના ફ્રેન્ડ લીસ્ટ માં કેટલા ફ્ર્‌ન્ડસછે એ ન ખબર હોય પણ પતિ ના આખા ફ્રેન્ડલિસ્ટની ખબર હોય. ફ્રેન્ડલિસટ ના આંકડા માંયે પાછા દે ધનાધન હોય, સામે મળે ઓળખતાયે ન હોય અને પછી ક્યારેક અચાનક્થી કહે લે આપણે તો ફેસબુક ફ્રેન્ડ નીકળ્યા. એમાંયે જો કોઈ છોકરી સારી લાગી જાય તો પછી એને ગુડ મોર્ન્િાંગથી લઈ ને જેશી ક્રિશન સલામ અને સાલ મુબારક બધુ કહેવાનુ જાણે ફેસ્બુક નો બંધારણીય નિયમ હોય. પેલી જવાબ ન આપે અને કંટાળી ને બ્લોક કરે.. પણ આપણા બહેનો પણ ક્યારેક પોતાની દાજ જાહેર કરી દે. પોતાની ટઈમ્લાઈન ઉપર આખી ચેટ મુકે અને પાછા મંતવ્યો માંગે કે આની સાથે શું કરવું? (માર દિયા જાય યા છોડ દીયા જાય) સીધી વાત કરો ને બકા, ન ઓળખો તો એડ જ શું કામ કરવાના?!

બાળકો અને વૃધ્ધો પણ આમાંથી બાકાત રહ્યા નથી. ઘણા રંગીન મિજાજ દાદાઓ તો ફેક પ્રોફાઈલ બનાવી દાદીના સ્વર્ગવાસ પછીનો મસ્ત ટાઈમપાસ કરતાં હોય. પણ આ સાથે એક સારી વાત એ કહી શકાય કે આવા માધ્યમોથી બધા જ જાણે કમ્પ્યુટનાં નાના ડબ્બામાંનું એક પરિવાર બની ગયા હોય એમ નજીક આવ્યા છે. ટેક્નોલોજી એ બધા ને વધાવી લીધા છે. અને બાળકથી લઈને વૃધ્ધો સુધી નો ગેપ અહી દૂર પણ થાય છે. ક્યારેક મોટેરાનો અંગત અનુભવ જ્ જ્ઞાન પીરસી જાય છે.

એક્વાર એક મમ્મી એ વળી જુનો ફોટો અપલોડ કર્યો ઢેફા જેવું બાળક તેડીને ટાઈટલ માર્યુ. “મારૂં ભોટિયું” અને એમાંય દીકરા ને ટેગ કર્યો. દીકરાએ માંડ જીમમાં જી જીને પાતળા થઈ ‘ભોટિયા’ નું બિરૂદ હટાવેલું અને મા એ વળી પબ્લિક માં ટેગ કરી દીધું. કોલેજ માં ભણતા ભોટિયાને પછી કોઈ છોડે...

એમાંયે વળી આ ફેસબુક ની હોડ માં ફોટો ક્લિક તો એટલી વધી જાય કે ક્યાંય બહાર જાય ત્યારે સ્થ્ળે સ્થળ ના અપડેટ મળ્યા કરે. હમણા હુ મારી એક ફ્રેન્ડ ની સાથે વીથ ફેમિલી લંચ માટે ગયેલી. રેસ્ટોરંટમાં શું ખાધુ એ થી લઈને કયા ખુણામાં સારો ફોટો આવે એ હેતુ સર જગ્યા એ જગ્યાએ ફોટા પાડીને એનું મન નહોતું ધરાયું તો બહાર ગાર્ડન માં એને કેળ નું ઝાડ દેખાઈ ગયું... બહાર નીકળી એના વર ને કે મારો ફોટો લ્યો ને. વરથી બોલાઈ ગયું કે આવા તો બહુ ફોટા છે તારી પાસે ને? પપવળી એને શું અંતઃસ્ફુર્ણા થઈ કે કહે આ સાચુ હો. કંઈક નવું ટ્રાય કરીયે... પછી તો કેળાની લુમખી પકડી ને ફોટો પાડયો. નીચે થોડી ભીની માટી ને લીધે કાદવ પણ હતો એની પરવા કર્યા વગર... કહે આ તો પાછળથી ક્રોપ કરી નાખીશ. હજીયે કામ અધુરૂ હતુ એમ તે ઘડીએ જ ફોટો ફેસ્બુક પર અપલોડ કર્યો અને ટાઈટલ રાખ્યું “બ્યુટી વીથ બનાનાસ”... ખબર નહી જોઈતી લાઈક મળી નહી હોય તો વળી ફેસબુક ફ્ર્‌સ્ટ્રેશન ચડયુ ને સ્ટેટસ માર્યુ..”ફીલિંગ સેડ” ! બિચારો ધણી એની રજાને દિવસે એને ખુશ રાખવા આખો દિવસ એની સાથે બહાર રજ્ળતો રહ્યો ને ફેસ્બુક અટેન્શન મેળ્વવા.. ફિલિંગ સેડ???!!!!... અને પછી તો તમને ખબર જ છે ઘર માં ભલે બૈરાઓ રોકકળ કર્યા કરતા હોય પણ બીજાના બૈરાની સેડનેસ દૂર કરવી તો આપણો પરમ ધર્મ હોય છે. પત્ની ના આવા ધતિંગ જોઈને તો પાછો પતિ યે એવો અકળાય.. કેવાય નહીં કાંય પાછું?... પત્નિ ના ફ્રેન્ડલિસ્ટ માં ફેમિનિસ્ટોના ધાડા હોય એટલે ન બોલવા માં નેવું ગુણ દેખાય. પછી ઉતરે બધી દાજ કેન્ડી ક્રશ ઉપર. અને લાઈફ માટે પાછા આપણનેય વારેઘડી હેરન કરે હો... એટલે આપણે પણ સ્ટેટસ મારવું પડે કે કેન્ડી ક્રશની રિક્વેસ્ટ મોકલતા નહીં... પછી તો ગ્રુપમાં પત્નિઓનાં જોકસ ઉપર સૌથી વધુ સ્માઈલી પણ એમનાં જ દેખાતા હોય... પણ આમાય ક્યારેક જાણવા જેવુંએ મળી જાય... હમણા એક મિત્રને કોઈ એ પોતાની ચર્ચામાં ટેગ કરેલા.. મનેય રસ પડયો.. કેટલી ટાઈપના ટોયલેટ હોય એની ચર્ચા જામી હતી અને એનેય ૧૨૫ લાઈક મળેલી પાછી. એમાંય એક ભાઈ એ તો પોતાનો ચર્ચા ને અંતે ઈનિડયન ટોયલેટનાં લોજીકલ ફાયદા મુદ્દાસર બતાવેલા. સાથે વળી વિદેશી મિત્રોને બતાવવા ટોયલેટનો ફોટોય મુકયો.. સારૂ હતુ ઈન્ટરનેટ પર થી જ ઈમેજ ડાઉનલોડ કરી હતી.. નહીં તો એમના ટોયલેટની પીળાશ પરેય ચર્ચા જામે એવો માહોલ હતો.

વળી પાછી ફેસબુકની સીઝન પણ હોય... ફાધર્સ ડે, મધર્સ ડે, વેલેન્ટાઈન ડે, ક્રિસમસ અને અતિપ્રિય એવી વરસાદની વધામણી.. લગભગ કોઈ જ એમાં થી બાકાત રહેતું હોય. વરસાદની શરૂઆત અને મન વંટોળે ચડે.. શેરો શાયરીઓ.. લેખો અને ફોટાઓના વરસાદમાં ફેસબુક ડૂબી જાય. પાછા એમાં પણ ઉંઠાતરી.. સ્ટેટસ અને મૌલિક રચનાઓ ઉઠાવી પોતાને નામે કરવાની.. અને છેલ્લે ફેસ્બુક પર ચોરી ના નામે છાપે ચમકવાનુ... અને વળી ફેસ્બુક નાં વાટકી વહેવાર પણ હોય... પોસ્ટ ગમે કે ન ગમે એણે મારે પોસ્ટ લાઈક કરી એટલે મારે કરવી જ. આ ક્યારેય મારી પોસ્ટમાં રસ નથી લેતો આપણને ગમે તો પણ ઈગ્નોર કરવાનું. ઉપરથી આપણે શિસ્તબધ્ધ નાગરિક હોય પણ મનનું બાળક આવી હઠ પકડતું હોય છે ક્યારેક.

એક વાર એક બહેનપણી એ પીકુ મુવીથી પ્રભાવિત થઈ બીજા દિવસે પોતાના સ્ટેટસ માં ચિંતા જાહેર કરી...”માય બેબી ઓલ્સો હેઝ કોન્સ્ટિપેશન. “ અને પછી તો જે કમેન્ટો મળી છે. કોમન ફ્રેન્ડઝ બિચારા હસ્બન્ડને સલાહ દે.. એલા ઓછુ ખાતો હો... પેલો મુંજાઈને પત્નિને પુછે છે ત્યારે પત્નિ ફેસબુક પર પોતાના પપ્પીનો ફોટો મુકી ઘટસ્ફોટ કરે છે કે આ બેબી ની વાત છે ભાઈ... લ્યો એમાં ફેન્ડસ પણ શું કરે... પપ્પીને જોયું નહોતું અને આ પહેલાની પોસ્ટમાં હસ્બન્ડ બેબી હતો. લોલમ લોલ બધુ..

એક વાર પત્નિ ને પ્રેમ આવ્યો તો પતિ ને વોટ્‌સેપ કરીને કહે “હાઈ”

જવાબ ન આવ્યો તો કે “હાઈ જાનુ” પતિ ને દાળ કાળી લાગી એટલે સીધુ જ પૂછી લીધું “શું હ્‌તુ?” પત્નિને ચાનક ચડયું. કહે “મુજે ગબ્બર નાચને કા બોલતા હૈ... તો ક્યા મૈ ઈન કુત્તો કે સામને નાચુ?”

પતિયે એમ જાય એમ નહોતો..ગુજરાતી હતો ને...” નહીં મત નાચના મેરી બસંતી. આઈ એમ બીઝી ઈસલીયે અપને બેતાલીસ સિપાઈઓ કો ભેજ દે ના”

“બેતાલીસ સિપાઈ?”

“હા આપણો કાનો અને જીગો”

“બેતાલીસ ક્યાથી? આ તો બે જ ને?”

“કેમ તુમ નથી કે’તી એક એક એક્વીસ જેવા છે?’” આવુ તો રોમાન્સ ચાલતુ હોય.

આ વોટ્‌સેપ તો ફેસબુકથી યે વધારે અડપલું. મેસેજ આવે તો બધે થી મેસેજ ના ધાડા આવે. અને પાછા અપલખણા ખરા ને?... મેસેજ આવે અને સારો લાગે તો એને ફોર્વડ કરવો આપણો જાણે જન્મસિધ્ધ અધિકાર હોય. મને તો પહેલા એટલી આદત પડી ગયેલી કે કંટાળીને જોક્સ વાંચવાના જ બંધ કર્યા ત્યારે થોડું વર્ચ્યુઅલથી રિયલ લાઈફમાં ફોકસ થયું... ક્યારેક હસબન્ડ ઓફિસથી આવીને બેઠા હોય પત્નિ વોટસેપમાં ઘુસેલી હોય એટલે હસ્બન્ડ મેસેજ કરે “હું આવી ગયો છું જમવાનું પીરસો”...પત્નિઓ પણ સ્માર્ટ હોય... રિપ્લાયમાં બર્ગર મોકલે... એમાં યે જ્યારે ૧૦ લોકો ને મોકલો ૧૦ મિનિટમા ગુડ લક નહીં તો ૧૦ મિનિટ માં જ બેડ લક શરૂ એવા મેસેજ આવે તો બાકીની બે કલાક સાચેય ને ખરાબ જ જાય. કારણ? એક જ ગ્રુપમાં સેન્ડ થયું હોય અને એમાં માનવા વાળા દસેક તો અંગત હોય.. એ બધા પર્સનલ મેસેજ કરે એ જીલીને જ આપણી અડધી કલાક તો પાક્કી બગડે જ.

અને વોટસેપની એક ગમતી વાત એ છે કે એણે રસ્તા પરનાં પાણીપુરી વાળાથી લઈને મોટામાં મોટા બિઝનસમેન બધાને સ્ટેટસ આપ્યું છે પાછું. મને બધાનાં વોટ્‌સેપ સ્ટેટસ વાંચવામાં અનેરી મજા આવે છે. ફોન માં બધાના નંબર સેવ હોય અને ક્યારેક તો ઉડીને આંખે વળગે એવા સ્ટૅટસ હોય. હમણાં અમારા વોચમેન નાં સ્ટેટસ પર નજર ગયેલી.. લખ્યું હતું... ”આઈ વોન્ટર્(ુહ’ં) સમડીસ લો ઈન માય લીફ. એન્ડ માઈ વાઈફ ઈસ માઈ લીફ”, હુ વિચારતી રહી આનો મતલબ.. સ્પેલિંગ મિસ્ટેકની ગુથ્થી ઉકલી તો ખબર પડી કે એ કહેવા માંગતો હતો કે..”આઈ વોન્ટ સમબડીસ લવ ઈન માઈ લાઈફ એન્ડ માય વાઈફ ઈઝ માઈ લાઈફ.”

કેટલી સરસ વાત હતી... સ્પેલિગ મિસ્ટેકે બધુ બગાડી નાંખેલું.

આમાં નોંધનીય વાત એ છે કે વીજવેગે અગત્યની વાતો પણ ફેલાઈ જાય છે. લોકો ને એલર્ટ કરી શકાય છે . થોડી આપણી વિવેક બુધ્ધિ વાપરીયે તો જનરલ નોલેજ પણ વધે છે. ખાસ કરી ને જે લોકો ન્યુઝ ના વાંચે એને બહુ સરળતાથી રમુજ માં પણ રોજબરોજ નાં અપડેટ મળે છે.

અંત માં કહેવાનું એટલું જ કે સમય બદલાય છે સાથે સાથે આપણી પ્રાથમિકતાઓ પણ બદલાતી જાય છે, રોજબરોજ હાડમારીઓ વધતી જાય છે અને એમાં જ જીંદગી જીવવાની મજા પણ શોધવાની છે. મરીઝ નો એક શેર છે,

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

- ‘મરીઝ’

હસતા રહીએ, રમૂજ કરતા રહીયે અને ભરપૂર જીંદગી જીવતા રહીયે.

- સમીરા પત્રાવાલા