મોરપીંછ Sameera Patrawala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોરપીંછ

નામઃ સમીરા પત્રાવાલા

ઈ મેઈલઃ

ફોન નંબરઃ 9867546293


સમર્થિણી- “ મોરપીંછ”

કાળુપુરનો એક લોઅર ક્લાસ એરિયા અને ધીમે ધીમે રાતનાં અંધારામાં ડુબતી ગલીઓ. ક્યાંક હલકી ધીમી હેલોજન લાઈટ તેજ થતી જાય છે અને આસપાસનાં ઘરોમાં બત્તીઓઓલવાતી જાય છે…. ક્યાંક મોડી રાતે ઘરે પાછી આવતી સાયકલોની ઘંટડીઓ અને સ્કુટરોનાં અવાજ…. અને આ બધા જ વચ્ચે ઘેરાતો સન્નાટો અને ચહેલપહેલથી બેખબર હલકી બત્તીનાં અજવાળે બેઠેલો યુવાન. સુધીર બે પગ ને ટુંટિયું વાળી હાથમાં ફોનને રમાડતો અવાક બેઠો છે. ગોરંભાયેલી આંખો જોતા જ લાગે કે હમણાં વરસી પડશે. પણ એ પાછલાં ૧૦ દિવસથી મનમાં હૈયાફાટ રુદન ધરી બેઠો છે.

હવે શા માટે જીવવું ? કોનાં માટે જીવવું? જીવનનું માત્ર એક સુખ પણ જતું રહ્યું. કાયમ માટે….. એ છેલ્લા દસ દિવસથી આ જ હાલત માં હતો. ન કંઈ બોલતો અને ન રડતો. થોડા ઘણાં પાડોશીઓ અને કહેવાનાં મિત્રો હતાં એ બધા આજે આશ્વાશન આપી પોતાને ઠેકાણે થયા હતા. બસ હવે એ હતો અને આ કાળમુખી રાત….અને પછી ન ખુટતી, કાળી રાત જેવી જીંદગી! એનાં હાથ ફોન પર એ ટુ ઝેડ અને ઝેડ ટુ એ સુધી રમ્યા કરે છે. અચાનક્થી એ નજર એક નંબર પર અટકી જાય છે. નામ હતું….”મોરપીંછ”!

કંઈક યાદ આવતાં એ નંબર ડાયલ કરે છે. અડધી રાતે પણ આવી ઈમર્જન્સીથી ટેવાયેલ હોય એમ બે જ રિંગ જતાં એ ફોન ઉપડે છે. “હલ્લો…..મોરપીંછ હેલ્પલાઈન!”….

“…..હ..હેલ્લો….મોરપીંછ??!!” સુધીરે અચકાતાં અચકાતાં શરુઆત કરી.

“જી સર!. બોલો હું આપની શું મદદ કરી શકું?” કાનમાં સૂર રેલાતો હોય એવો આત્મવિશ્વાસથી રણક્તો મીઠો અવાજ બોલ્યો.

“મારે આત્મહત્યા કરવી છે.” સુધીર બોલીને ચુપ થઈ ગયો.

“જી સર, મને આપની પુરી વાત કહેશો, શા માટે આત્મહત્યા કરવી છે?” સામેનાં અવાજ્ની લયબધ્ધતા હજુ એમ ની એમ જ હતી. જાણે આ વાત એને માટે કંઈ જ નવી ન હોય. અને શા માટે હોય? જીવન થી નિરાશ થયેલા અને આત્મહત્યાકરવા જતા લોકોને સાચું માર્ગદર્શન આપવા જ એ સંસ્થા બની હતી. અને કંઈ કેટલાં વિદ્યાર્થીઓ , યુવાનો અને વ્રુધ્ધોને જીવતાં શીખવનારી હતી.

સુધીર એ અવાજ થી અજાણતાં જ ખેંચાતો હતો. સુધીરે વાત શરુ કરી…

“વાત તો બાળપણથી જ શરુ થઈ છે. નાનો હતો ત્યારે ૧૨ વર્ષની ઉંમરે જ પિતાનું અવસાન થઈ ગયું. કાકાઓએ માથે હાથ મુકવાને બદલે અમને કુંટુંબથી જ બહાર ફેંકાવી દીધા. માથે છત નહોતી, ખાવા નહોતું…હું અને મારી મા જેમતેમ કરી ગુજરાન ચલાવતાં. માએ ગામની સરકારી નિશાળે ભણાવ્યોઅને પોતે ગ્રહઉધ્યોગ ચલાવીને અમારી જીવાદોરી સંભાળતી. જેમતેમ કરી બાર ધોરણ પાસ થયો. થોડું કંમ્પ્યુટર પણ શીખ્યો અને એનાં પર જ નોકરી પણ મળી. હવે દિવસો પેલ્લા જેવાં કપરા નહોતાં.” સુધીર અટક્યો.

“હ્મ્મ્મ..પછી શું થયું?..” એ ધીરજથી સાંભળતી હતી. જાણે આખી રાત એની વાતો જ સાંભળ્યાં કરવાની હોય.

“પછી મારો સુખદ કાળ શરુ થયો. મારા ઘરને લાયક એક કન્યા જોઈ ને મારી માએ મારા લગ્નકરાવ્યાં. એનાં આવવાથી જીવન જાણે પુરજપાટે દોડતું ગયું. એનાં આવવા પછી મેં અહીં કાળુપુરમાં એક નાની ઓરડી પણ લીધી.” સુધીર નાં અવાજ માં કંપન ભળ્યું.

“…અને એમ કરતાં કરતાં લગ્નને ચાર વર્ષવીતી ગયાં. મા પોતરાની આશે જ ભગવાનને વ્હાલી થઈ ગઈ…અને…હું અનાથ થઈ ગયો…” સુધીર ધીમો પડ્યો.

“ઓહ! આઈ એમ સોરી…” તે બોલી ઉઠી.

“પણ હું એકલો નહોતો…મારી પત્નિએ ખુબ જ સારી રીતે મને સંભાળ્યો હતો…ખુબ ચાહતા અમે એક્બીજાને ..જીવન સુંદર હતું….ને…પછીનાં વર્ષેએને સારા દિવસો રહ્યા….પણ…પણ..કુદરત ને એ પણ મંજુર નહોતું. એને અધુરા મહિને ડિલિવરી થઈ અને એણે પણ વિદાય લીધી. પુત્રી તો ફક્ત બે જ દિવસ જીવી…..”…સુધીર ને ડુમો ભરાઈ ગયો. પણ એ રડી ન શક્યો…..

“બસ! બધું ખતમ !…. કુદરત મારાથી ખબર નહીં કયો બદલો લઈ રહી છે. હવે જિંદગી ખતમ કરવી છે. કોના માટે જીવું? અને કયા મકસદથી જીવું?! હું જ નહીં તો કંઈ તકલીફ જ નહીં….પણ મારી પત્નિ એ એક વખત ક્યાંકથી આ નંબર આપ્યો હતો, કીધું હતું કે એની ગેરહાજરીમાં કંઈ નબળો વિચાર આવે તો હું ફોન કરીને આખી વાત કહું. એને જાણે ખબર હશે કે હું ક્યારેક આત્મહત્યા કરવા વિચારીશ.”

“ હ્મ્મ્મ્મ….” એ ઘડી ચૂપ રહી અને પછી બોલવા શરુ કર્યું. “જુઓ મિસ્ટર. આપનું દુઃખ તો બહુ મોટું છે. પણ આત્મહત્યા તો એનો ઉપાય નથી જ. આવી ઘટનાઓ નાં ભોગ બહુ લોકો બને છે, પણ જીવે છે અને સારું જીવે છે. શું આપને ઠીક લાગે તો આપનું નામ અને એડ્રેસ આપી શકો?”

“ના…” “ મારે મરવું છે. શું કરશો જાણીને?” સુધીર એ અવાજ્થી ખેંચાતો હતો અને બીજી બાજુ હતાશા એને તાણતી હતી.

“બસ એક દિવસ માંગું છું. પ્લીઝ ના ન પાડશો.”

થોડી ઘણી વાતો આમ જ ચાલી અને બીજા દિવસે વાત કરવાનાં વાયદે એણે રજા લીધી.

“ હું આપને કાલે પાછો ફોન કરીશ. મારું નામ રુપાલી છે.”

“શું કહ્યું????ર…રુ..રુપાલી???!!”

“હા…રુપાલી “

સુધીર ફરી બેચેન થઈ ગયો . રુપાલી એની સ્વર્ગસ્થ પત્નીનુંનામ હતું. ફોન મુકયા પછી સુધીર બંન્ને નામ સરખા હોવા પાછળનો ઉદ્દેશ શોધતાં શોધતાં જ સુઈ ગયો.

બીજા દિવસે મોડે મોડે એક અજાણ્યાં નંબરે થી આવેલા કોલે સુધીર ને જગાડ્યો.

મનની આછી ઘેલછા વચ્ચે એણે કોલ ઉઠાવ્યો અને સામે થી એ રણક્તો અવાજ સાંભળવા કાન આતુર હતાં ત્યાંજ એક આધેડ વયની સ્ત્રીનો અવાજ આવ્યો.” હેલ્લો મિ. સુધીર! હું મોરપીંછ હેલ્પલાઈનથી બોલું છુ. “

“હા બોલો..” સુધીરની ઉંઘ પુરી ઉડી.

“જી આપને અનુકુળ હોય તો અમે આપને મળવા માંગીયે છીએ.શું અમે આપના ઘરે આવી શકીયે?”

“હા!” એણે ઉતાવળે કીધું…ફોન મુકતા પુછાઈ જ ગયું…”કાલે તો કોઈ રુપાલી મેડમ હતા…”

“હા….શું આપ રુપાલીથી વાત કરવા માંગો છો? એને પણ આપને મળવું છે.” ઔપચારિકતા પછી સુધીરે ફોન મુક્યો. એનો આજ્નો દિવસ અલગ ઉગ્યો હતો.

સાંજે નિયત સમયે ડોરબેલ વાગે છે. કુતુહલવશ સુધીર દરવાજો ખોલે છે. સામે એ જ…. આધેડવયની સ્ત્રી..”સુધીરજી??” “હા” “ અમે મોરપીંછ થી આવ્યા છીએ.” “આવો” સુધીરે ફિક્કો આવકાર આપ્યો. અને એની પાછળ સુધીરનાં કુતુહલ વચ્ચે જાણે તડકામાં દુપટ્ટાથી મોં છુપાવતી હોય એમ એક યુવતી પણ ઘરમાં દાખલ થાય છે.

બેસતાં જ એ સ્ત્રી બોલી…” જી મારું નામ ડો. કામદાર છે અને આ છે રુપાલી..જેનાથી આપે વાત કરી હતી.”

રુપાલી ચહેરા પરથી દુપટ્ટો હટાવતી હતી. સુધીર એનો ચહેરો જોતા જ કાપો તો લોહી ન નીકળે એમ ડઘાઈ ગયો. અને પળભરમાં જ મોં નીચું કરી એનાથી અભડાશ અનુભવવા લાગ્યો.”

“આઈ …એમ સોરી……મિસ રુપાલી….”

“ નો મિ. સુધીર . સોરીની જરુર નથી. બધાનું મને જોઈને આવું જ રિએક્શન હોય છે. તમારી જગ્યાએ હું હોઉં તો હું પણ આમ જ કરું. એસિડનાં થોડા છાંટાઓથી સપાટ બનેલો ચહેરો જોવાની આદત કોઈને નથી હોતી.”

“ અને એટલે જ આવી છું તમારા પાસે. તમારી જેમ હું પણ જીવનથી દુખી હતી. જીવન થી હારેલી.” એના અવાજ નો રણકાર અકબધ્ધ હતો.

“પણ આ બધું…” સુધીર સ્વસ્થ થતો હતો..

“આજથી છએક વર્ષ પહેલા કોઈ કારણોસર હું આ એસિડ અટેકનો ભોગ બની હતી. મોં, આંખ, નાક…બધું જ એકાકાર થઈ ગયું…. જીવતાં ચિતામાં બળવાનો સાક્ષાત અનુભવ! અને દિવસરાતની પીડા! જીવન હવે જીવવા જેવું નહોતું.તો પણ સાજા થતા બે વર્ષ લાગ્યા અને આજે આંખો અને નાક કાન કામ કરતા તો થયા છે. મોં પણ ઈશ્વરે બચાવી લીધું. પણ જીવન…દયાપાત્ર હતું…લોકો મને જોઈ સહાનુભુતિ આપતા…અને પાછળ કંઈ કેટલી કહાનીઓ!!! સ્વજ્નોને બોજરુપ બનતી જતી હતી પણ કંઈ કહી ન શકતા.”

રુપાલી થોડી વાર સુધીરને તાક્તી ચુપ રહી, સુધીર ચોરતી આંખે એને જોવા મથતો હતો.

“ પડોશી ના બાળકો ન ઉંઘે તો મારી બીક બતાવતા. છોકરીઓ ગેરમાર્ગે જતી લાગે તો મારો એસિડ અટક શરાપ રુપે બતાવાતો…અને આ બધા વચ્ચે વારંવાર છિન્નભિન્ન થતો રહેતો મારો આત્માઅને મક્સદ વગરનું જીવન! મારે પણ મોટા થઈ ડોક્ટર બનવું હતું. સપનાં પર પણ એસિડ પડી ગયું હતું હવે.”

“એક વખત અનાયાસે જ રિસામણે આવેલી દીકરીને લઈને પાડોશણ મારી ખબર પુ્છવા આવી અને કંઈ ગણગણતી જતી હતી. એની વાતો સાંભળવા બારીએ ઉભી તો સાંભળ્યું કે જો… આનું શું જીવન? આના કરતાં તો તારું જીવન સારું છે ને ? હવે ક્યારેય બળવા ન ઉભી થાતી…”

“હું વિચારતી રહી અને મનમાં ખુણે છુપાયેલો વિશ્વાસ પાછો જાગ્યો. મારું ઉદાહરણ લઈ લોકો જીવન આસાન બનાવતા હતા. મારી કુરુપતાનાં કુંડાળા કોઈનાં જીવન માં રંગોનું મોરપીંછ બનતાં હતા. ડો. કામદાર જે મનોચિકિત્સક છે, એમના થી મળી આ સંસ્થા ઉભી કરી. મારા જીવન માં પણ ફિક્કા પડેલા ડોકટર બનવાનાં સપનાં ને રંગો ભરી આ મોરપીંછ બનાવ્યું. ત્યારથી મોરપીંછે કેટલીય નવી રાહ ખોલી છે અને એમાં કેટલાય લોકો જોડાયા છે.”

“તમારામાં જીવતાં રહેવા બાકી રહેલી એક નાનક્ડી એવી લગન મને કાલે જ દેખાઈ. અમે પીડિતને ઉપદેશ નથી આપી શકતા બસ નવી રાહ દેખાડીયે છીએ. “

“તમે એકલા નથી મિ. સુધીર. અમે પણ તમારી સાથે છીએ. તમને મક્સદ દેવા આવી છું. આ મોરપીંછ દેવા આવી છું. શું તમે અમારી સાથે જોડાશો?!”

સુધીર આ વખતે કોઈ પણ જાતની અભડાશ વગર એ સમથળ ચેહરાવાળી સમર્થિણીને જોતો હતો. અને મોરપીંછ હાથ માં પકડતાં ક્યાંય સુધી આટલા દિવસોનું મનમાં ધરબાયેલું રુદન સંભળાતું રહ્યું અને ઓરડીમાંથી મોરપીંછ નાં રંગ ઉડતાં રહ્યાં.

- સમીરા પત્રાવાલા