RajaniGandha - 4 K. K. Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

RajaniGandha - 4

રજનીગંધા - ૪

ડૉ. કે. કે. દેસાઈ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.


MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.હું ચોર નથી

૨.કાલ કરે સો આજ કર

૩.જેમ્સ બોન્ડ - સુરતી ટાઇપ

૪.નિર્લેપ

૫.પૂર

૬.મનુ મસાણીઓ

૭.મૂઠી ઊંચેરો માનવી

૮.એક ડગલું આગળ

૧. હું ચોર નથી

શિયાળાની ખુશનુમા સવારે મારા બંગલામાં બાગ કામ કરવાનું મને ઘણું ગમે. હૂંફાળો તડકો, સૂરજના શીળા કિરણો મનને પ્રફુલ્લિત પણ કરે અને વિટામીન ‘ડી’ પણ મળે. જેમ જેમ ઉંમર મોટી થતી જાય તેમ તેમ હાડકાની કાળજી વધારે લેવી જોઈએ એમ વારંવાર વર્તમાનપત્રોમાં આવે છે, નહીં તો એક નાનોસરખો પણ અકસ્માત કાયમની પથારી ફેરવી નાખે.

રોજની માફક એક દિવસે હું કામ કરતો હતો ત્યારે એક નાની ૯-૧૦ વરસની છોકરી આવીને કમ્પાઉન્ડ ગેટ પાસે ઊભી રહીને જોયા કરતી હતી. ગરીબ લાગતી એ છોકરીનું ફ્રોક જૂનું પૂરાણું હતું અને કદાચ કોઈએ પહેરીને કંટાળી ગયા પછી આને આપી દીધું હશે. છોકરી આજુબાજુ જુએ અને ફરી મને જોયા કરે. મેં બહુ ધ્યાન ના આપ્યું. બે ત્રણ દિવસ એ આ પ્રમાણે આવી પછી એક દિવસ અમારી નજર મળી અને મેં સાધારણ સ્મિત આપ્યું. એણે પણ એજ પ્રમાણે મને સ્મિત આપ્યું. વળી થોડા દિવસ થયા અને ભેગું કરેલું કચરું હું કચરાપેટીમાં નાખવા જતો હતો ત્યાં એણે કહ્યું, “લાવો દાદા, હું નાખી આવું.” અને એ કચરો નાખીને આવી એટલે મેં એને થેન્ક્યુ કહ્યું ત્યારે એ મુક્તપણે હસી પડી. અને બોલી, “લો એમાં વળી થેન્ક્યુ કેવું ?”

મેં એને કહ્યું, “તું મારું કામ કરે ત્યારે મારે આભાર તો માનવો જ જોઈએ ને !”

નાનપણથી જ સારા સંસ્કાર પડવા જોઈએ એટલે પછી મેનર્સ શીખવાડવા મેં એને કહ્યું, “કોઈ પણ માણસ આપણું ગમે તેવું નાનુ કામ પણ કરે ત્યારે આપણે એનો આભાર તો માનવો જ જોઈએ.” એ કઈ બોલી નહીં અને ટગર ટગર જોઈ રહી.

બીજે દિવસે નિત્યના સમયે આવી અને મને કહે, “દાદા મદદ કરું ?” મેં કહ્યું, “હા, આવ મને મદદ કર.” તે અંદર આવી અને એને સૂઝ પડે તેમ નાનીમોટી મદદ કરવા માંડી. અમારો દિવસ પૂરો થયો એટલે મેં એને કહ્યું, “થેન્ક્યુ.”

એણે કહ્યું, “દાદા રોજ કહેવાનું ?”

હું વિચારમાં પડ્યો. ખરે ખર તો રોજ કહેવું જોઈએ પણ એક નિત્યક્રમ બને ત્યારે આપણે કહેતા નથી. મેં કહ્યું, “હા બેટા રોજ કહેવું જોઈએ.”

થોડીવાર એણે વિચાર કર્યો પછી બોલી, “બાને તમે રોજ કહો છો ?”

અજાણતા આ છોકરીએ મને ઘણો મોટો પાઠ ભણાવ્યો હતો. પારકા આગળ તો વિવેક કરીએ છીએ પણ પોતાના માણસને ?

એક દિવસ સવારે મારી પત્ની થોડો નાસ્તો મારે માટે લાવી, અને એક નાની ડીશમાં થોડો નાસ્તો છોકરીને પણ આપ્યો, એ કહે, “ના ના મને ભૂખ નથી.” પણ મારી પત્નીએ કહ્યું, “ખા ને હવે કંઈ વધારે નથી.”

અને એણે કહ્યું, “બા થેન્ક્યુ”,

મારી પત્નીએ તો આવી અપેક્ષા રાખી નહોતી એટલે બોલી, “લે, તું વળી આવું ક્યાં શીખી ?”

અને અમે બંને ફરીથી હસી પડ્યા. એણે કહ્યું, “દાદાએ શીખાડ્યું.” અને મને તરત યાદ આવ્યું એટલે મેં મારી પત્નીને કહ્યું, “થેન્ક્યુ.”

મારી પત્ની હસી પડી, “હજુ સુધી તો કોઈ દિવસ કહ્યું નથી, અને આજે ક્યાંથી અચાનક ?”

મેં કહ્યું, “શારદાએ શીખવાડ્યું.” અને ફરી બંને હસી પડ્યા. એનું મુક્ત હાસ્ય મને ઘણું સ્પર્શી ગયું. જેમજેમ આપણે વધારે સંસ્કૃત થતા જઈએ છીએ તેમતેમ આપણે વધારેને વધારે કૃત્રિમ થતા જઈએ છીએ.

એક દિવસ એ એની નોટ લઈને આવી મને કહે, “દાદા આ દાખલો તમને આવડે ?” મેં એને કહ્યું કે આવા દાખલા તો આવડે જ ને ? અને મેં એને એ દાખલો શીખવાડ્યો.

એણે કહ્યું, “દાદા થેન્ક્યુ” અને પછી કહે, “દાદા મને રોજ શીખવાડોને, રોજ થેન્ક્યુ કહેવા.”

અને એમ એ અમારા ઘરમાં સારી રીતે હળી ગઈ. અમને પણ એની જોડે આનંદ આવવા માંડ્યો. વખત વીતતા એને માટે થોડા સારા કપડા પણ અમે લઈ આપ્યા. એ પણ હવે તો સાંજે આવતી થઈ અને ઓટલે બેસીને પોતાનું લેસન કર્યા કરે. ઘણી વાર મારી પત્નીને નાના મોટા કામમાં મદદ કરતી પણ થઈ. શાક સમારવું, મહેમાન આવે તો પાણી આપવું વી કામો પોતાની મેળે જ તે કરવા લાગી.

એક દિવસ અમે રોજની માફક બાગકામ કરતા હતા અને એક મોટર બંગલા પાસેથી પસાર થઈ, ઊભી રહી, અને પાછી આવી. એમાંથી એક જાજરમાન સ્ત્રી ઉતરી. તે કહે, “શારદા તને મહિનાના સો રૂપિયા આપવાના કહું છું તો પણ તું કેમ બાગકામ કરતી નથી ?”

શારદા બોલી, “મને નહીં આવડે.”

પેલી સ્ત્રી બોલી, “તો અહીં કેવી રીતે આવડે છે ?”

તે બોલી, “દાદા શીખવાડે ને ?”

એણે મને, અમે એને કેટલો પગાર આપીએ છીએ તેમ પૂછ્યું. મેં જયારે કહ્યું કે અમે તો કંઈ પગાર આપતા નથી અને પછી એની તરફ ફરીને કહ્યું, “ખાલી રોજ થેન્ક્યુ કહું છું ખરું ને ?” અને ફરી અમે બંને હસી પડ્યા. તે બાઈ કઈ સમજી નહીં, સમજવાની એની મનોસ્થિતિ પણ નહોતી. તે જતા જતા બોલતી ગઈ,

“સાલા કામચોર, કોઈને કામ જ નથી કરવું.” એ છોકરી રડવા જેવી થઈ ગઈ, પણ મેં આ વાત આગળ ના ચલાવી.

પણ મને વિચાર તો આવ્યો જ એ અહીં કોઈ પણ અપેક્ષા વગર કામ કરે છે અને ત્યાં એ પગાર લઈને પણ કામ કરવા તૈયાર નથી. થોડા દિવસ પછી મેં ધીરે રહીને આ વાત ઉખેળી. મેં એને કહ્યું, “ત્યાં તને પૈસા મળે તો પણ કેમ કામ નથી કરતી ?”

તે બોલી, “બહુ થોડા પૈસા આપે.”

મેં એને કહ્યું, “પણ હું તો કઈ નથી આપતો.”

તેણે કહ્યું, “હું ક્યાં નોકરી કરું છું ?”

ફરી આ છોકરી મને જીવનનો મોટો પાઠ શીખવાડી રહી હતી. લોકો ફક્ત પૈસા માટે જ બધું નથી કરતા, જ્યાં લાગણી, હૂંફ, અને આનંદ મળે ત્યાં બધું કામ કરવા તૈયાર થાય છે.

એક દિવસ એ ઓટલા પર બેઠી બેઠી ભણતી હતી ત્યારે મારી દીકરી સ્મિતા આવી. તે પરણીને બાજુની જ સોસાયટીમાં રહેતી હતી. મારી પત્ની તે વખતે નહાવા બેઠી હતી એટલે મેં શારદાને પાણી લાવવા કહ્યું. તે અંદર ગઈ એટલે મારી દીકરીએ મને કહ્યું, “પપ્પા આવા લોકોને બહુ ઘરમાં ના ઘાલો, આ લોકો તો લાગ મળે કઈ ને કઈ ચોરી જાય.” મેં કહ્યું કે હજુ સુધી તો આવું કઈ થયું નથી.

પણ એણે મને કહ્યું, “હમણાં ટી.વી.માં આવા બનવો આવે છે તે તમે જોતા નથી ? એ પોતે ચોરે નહીં પણ એમના સગાને બધી માહિતી આપી દે. તે એક રાત્રે આવીને ઘર સાફ કરી જાય !.”

મને પણ લાગ્યું કે થોડું સાચવવું તો જોઈએ.

એક દિવસ મને શરદી તાવ વિગેરે થયું. હાથપગ-માથું વિગેરે પુષ્કળ દુઃખતા હતા. શારદા આવી અને બોલી, “દાદા નથી ?” પત્નીએ કહ્યું કે દાદા માંદા છે એટલે મારા રૂમમાં ડોકિયું કર્યું. “દાદા માંદા છો ?”

મેં કહ્યું, “હા બેટા, હાથ પગ દુઃખે છે, માથું દુઃખે છે.”

એટલે મારા રૂમમાં આવી અને કહ્યું, “દાદા માથું દબાવી આપું ?” અને મેં ના કહી તો પણ ૨૦-૨૫ મિનિટ મારું માથું અને પગ દબાવી આપ્યા. એ ગઈ પછી થોડી વારે મારી દીકરી આવી ત્યારે મેં શારદાએ માથું દબાવી આપ્યું તેમ કહ્યું,

“પપ્પા તમે બહુ ભોળા છો. આ લોકો તો વિશ્વાસ જીતવા બધું જ કરે. આ છોકરી મારી બાજુમાં જ રહે છે. એની મમ્મી બાજુવાળાને ત્યાં કામ કરે છે. તે લોકો એને પગાર આપવાનું કહે તો પણ કંઈ કામ કરતી નથી. અને અહીં આવીને અમસ્તું બધું કરે ?”

અને ફરી મારું મન ચગડોળે ચઢ્યું. શું આ નાની છોકરી ચોર હશે ? એ અહીં શા માટે આવે છે ? અને બીજું મન પાછો એનો બચાવ કરતું. એ બિચારી બહુ ભોળી છે. બેત્રણ મહિના થયા છતાં હજુ સુધી તો એવો કોઈ પણ પ્રસંગ બન્યો નહોતો કે મારે તેનાથી સાવચેત રહેવું જોઈએ એવો વિચાર આવે. ખોટી શંકા-કુશંકા કરવાનો શું અર્થ છે ? તો પાછું પહેલું મન એમ પણ કહેતું કે ઘર લૂંટાઈ જાય પછી જાગવાનું ? બીજાના બનાવો પરથી આપણે બોધપાઠ નહીં લેવાનો ? મારી પત્ની જોડે પણ આ વાત નીકળી ત્યારે એણે સ્ત્રીસહજ સ્વભાવે કહી દીધું કે બહુ ભરોસો નહીં કરવાનો અને ઘરમાં બહુ અંદર નહીં આવવા દેવાની.

થોડા દિવસો પછી એ આનંદમાં દોડતી આવી, “દાદા મારો ગણિતમાં પહેલો નંબર આવ્યો. થેન્ક્યુ, દાદા થેન્ક્યુ.”

મેં કહ્યું, “વાહ બહુ સરસ. તારે પેંડા ખવડાવવા પડે.”

“પેંડા ?”

સહજ ભાવે બોલાયેલા આ વાક્યે એના મનમાં વિચારોના વમળ ચાલુ કર્યા, “દાદાએ આટલું ભણાવી, ગણિતમાં પહેલો નંબર આવ્યો અને ફક્ત થેન્ક્યુ જ કહું તે બરાબર છે ? પણ પેંડા લાવવા ક્યાંથી ? ખાવાના પણ ફાંફા પડે તો પેંડાનો તો વિચાર કેવી રીતે થાય ?” મને પણ તરત થયું મારે પેંડા માગવા જોઈતા નહોતા, એ તો જેમ બધા આગળ કહીએ તેમ આની આગળ બોલાઈ ગયું, એટલે મેં વાત વાળી લેતા કહ્યું, “હું તો મજાક કરું છું, તારું થેન્ક્યુ છે ને તે પેંડા કરતા પણ મીઠું છે.” મને એ પણ વિચારો આવ્યા કેટલી બધી વખત કેટલા બધા લોકોને સહજ ભાવે આપણે કઈ કહી દઈએ છીએ પણ તે વખતની એની મનોસ્થિતિનો વિચાર નથી કરતા, તે કયા સંદર્ભમાં તે લે છે તે આપણે વિચારતા પણ નથી.

બીજે દિવસે તે આવી, કૈંઈ નંખાઈ ગયેલી હતી. અને પછી એક પ્લાસ્ટિકની કોથળી ખોલીને તેમાંથી એક નાનો લાડુ કાઢીને મને આપ્યો, “દાદા તમારે માટે લાવી છું.”

મેં કહ્યું, “તું ખા ને.”

તે બોલી, “બે લાડુ હતા. એક મેં ખાધો, બીજો તમને આપ્યો.”

મેં મારી પત્નીને વધામણી આપી અને લાડુ આપ્યો. અમે ત્રણે એ તે વહેંચીને ખાધો. જતા જતા તે આનંદથી બોલી. “દાદા ફરી થેન્ક્યુ, તમારે લીધે ગણિતમાં પહેલી આવી.” મેં એને સમજાવી, “મહેનત કરીશ તો બધામાં પહેલો નંબર આવશે.”

અને બેત્રણ દિવસ પછી મારી પુત્રી આવી અને મને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું, આ લોકો ચોર હોય ? અમારા બાજુવાળાએ ભગવાનને ધરાવવા લાડુનો પ્રસાદ મુક્યો હતો અને એ બેન થોડા આઘાપાછા થયા, અને લાડુ ગાયબ હતો. આ છોકરી સિવાય કોઈ ત્યાં હતું નહીં. ઘણું પૂછવા છતાં છોકરી તો એક જ રટણ કરે છે, કે મેં ચોરી કરી નથી.” કદાચ ઉંદર લઈ ગયા હશે એમ એ લોકોએ મન મનાવ્યું છે. એ લાડુ એ અહીં લાવી હતી એમ મેં કહ્યું નહીં.

બીજે દિવસે શારદા આવી ત્યારે હું થોડો ગંભીર હતો. મને તો ખાત્રી થઈ જ ગઈ હતી કે શારદાએ જ તે લાડુ ઉઠાવ્યો હતો. એ આવી એટલે મેં એને પૂછ્યું, “આજે લાડુ લાવી કે નહીં ?” એ મારા સામું ટગર ટગર જોઈ રહી. મેં ફરી કહ્યું, “સાચ્ચું કહે, કાલે તને કોણે લાડુ આપ્યો હતો ?” ફરી તેણે કોઈ જવાબ ના દીધો. મેં ફરી કહ્યું, “ચોરી કરવી સારી નથી. કોઈને પૂછ્યા વગર લઈએ તો તે ચોરી કરી કહેવાય, તે બરાબર નથી.” આંખમાં આંસુ સાથે તે એકદમ બોલી ઉઠી, “દાદા, હું ચોર નથી, મેં ચોરી નથી કરી. મેં ભગવાનને પૂછેલું, દાદા મારે માટે આટલું બધું કરે, હું એમને શું આપું ? ભગવાને મારા કાનમાં કહ્યું, ‘આ લાડુ મેં તો ખાઈ લીધો છે, હવે તું દાદા માટે લઈ જા.’ એટલે લઈ આવી.”

મેં એને પૂછ્યું, “શારદા, તને ત્યાં પૈસા આપવા કહે છે છતાં તું ત્યાં કામ કરતી નથી. મારું બધું કામ કરે છે. હું માંદો હતો ત્યારે મારી કાળજી કરી, ભગવાનના લાડુ તું મારે માટે લઈ આવી એમ કેમ કરે છે ?”

આંખમાં આંસુ સાથે તે બોલી, “દાદા, મારા પપ્પા નથી ને !”

૨. કાલ કરે સો આજ કર

નાનપણથી જ નવા નવા વિચારો વાંચવાનો-સાંભળવાનો અને તરત તે અપનાવવાનો મને પુષ્કળ શોખ છે. ગોકળ ગાયની ગતિથી ચાલનારા લોકો માટે ઘણી જ નફરત છે. તેઓ નવું કંઈ વિચારતા નથી. અપનાવતા નથી અને વર્ષોના વર્ષો સુધી તે જ ઘરેડમાં ચાલ્યા કરે છે.

આવા જ એક કાર્યક્રમમાં મારે જવાનું થયું. વક્તા આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામેલા તેમજ પુષ્કળ વિદ્ધાન હતા. ઘણા લેખો લખતા અને એમના વિચારો આપણને સંભળાવવાના પણ પૈસા લે. આપણે તો મફતમાં વિચારો રજૂ કરીએ તો પણ લોકો સાંભળે નહિ અને છતાં બોલવાનું ચાલુ રાખીએ તો “યાર માથુ ના ખા” અથવા “એસ્પીરીનનો એજન્ટ છે” વિ. વાક્યો વારંવાર સાંભળવા મળતા અને પછીથી લોકો મને આવતા જુએ એટલે જ આઘા પાછા થઈ જતા. આથી આ વક્તામાં એવું તે શું હશે ? એવો વિચાર તો ખરો જ તે સાથે સાથે નવું જાણવાની આ જન્મ જીજ્ઞાસાને કારણે હું સભામાં પહોંચી ગયો.

વિષય હતો “કલ કરે સો આજ” બહુ જાણીતું આ વાક્ય છે. “કલ કરે સો આજ કર, આજ કરે સો અબ” એટલે જે કામ આપણે કરવાનું છે તે જેટલું બને તેટલું જલ્દી કરવું. એના અનેક દષ્ટાંતો વક્તાશ્રીએ આપ્યા. અને જેવી રીતે નેતા ખુરશીને ચોંટી રહે છે, જેવી રીતે મહાત્માઓ પૈસાને વળગેલા રહે છે, જેવી રીતે કથામાં આવતી મધ્ય વયની નારીઓ કુથલીને ચોંટી રહે છે તેવી રીતે આ વિચાર મારા મનમાં બરાબર ચોંટી ગયો.

આખું શરીર માત્ર નહિ, શરીરના અણુએ અણુમાંથી એક જ નાદ નીકળવા માંડ્યો. “હમણા જ” કામની અસંખ્ય યાદી નજર સમક્ષ તરવરવા માંડી, અને કયું કામ પહેલા કરવું તે જ મુશ્કેલ લાગવા માંડ્યું. એટલે અગત્યના કામોની યાદીથી શરૂઆત કરવાનું નક્કી કર્યું.

જીવનનું સૌથી અગત્યનું કાર્ય છે. લગ્ન. બે જીવ, બે આત્મા ભેગા થવાનો યોગ અને એમાં પ્રથમ આવે છોકરીની પસંદગી. નવસારીની એક છોકરી માટે વાત ચાલતી જ હતી. અને કાલે જોવા પણ જવાનું હતું. પણ મનમાં તો “આજ કરે સો અબ”ના ઘોડાપૂર ઉછળતા હતા અને તેમાં પણ છોકરી જોવાની એટલે ઉત્સાહ બેવડાઈ ગયો હતો. એટલે સભામાંથી નીકળીને સીધો સ્ટેશને પહોંચી ગયો.

ટિકિટ લીધી અને પ્લેટફોર્મ પર પહોંચ્યો ના પહોંચ્યો ત્યાં તો ટ્રેન ઉપડવાની તૈયારી કરતી હતી. આથી જે આક્રમકતાથી, ક્રેડિટકાર્ડવાળા ક્રેડિટકાર્ડ માટે દોડી પડે છે અને રાત્રે બે વાગે પણ ઊંઘમાંથી ઉઠાડીને, ક્રેડિટ કાર્ડ માટે ફોન કરે છે. અથવા જે આક્રમકતાથી નવા ખુલેલા મોલવાળા ગ્રાહકોને પકડવાની ઉતાવળમાં હોય છે, તેવી ઉતાવળથી મેં ટ્રેન પકડી લીધી અને હાંફળો ફાંફળો ચઢી ગયો. હાશ, ટ્રેન તો પકડી અને અર્ધો જંગ જીતી ગયો હતો. ટી.ટી. આવ્યો અને ટિકિટ જોવા માંગી નવસારીની ટિકિટ જોઈને કહે, “મિસ્ટર તમે તો નંદરબારની ટ્રેનમાં ચઢી ગયા છો. નવસારીની ટ્રેન તો હજુ દોઢ કલાક પછી આવશે.” જોકે તો પણ મારો ઉત્સાહ ઓછો થયો ન હોતો. મારી પાસે ઘણો સમય હતો. જ્યારે સમય ઓછો હોય અને આવું બને તો આપણે તો છોકરી ગુમાવવાનો વારો આવે ને ! આથી વક્તાની ફિલોસોફી વધારે દઢ થઈ ગઈ. એથી બીજા સ્ટેશને ઉતરી સુરત પાછા આવી. ફરી નવસારીની ગાડીમાં બેસી ગયો.

છોકરીના ઘરને સરનામે પહોંચ્યો ત્યારે બે-ત્રણ છોકરી ઘરમાંથી બહાર નીકળી કશેક જતી રહી. મેં ડોરબેલ માર્યો છોકરીના બાપે બારણું ખોલ્યું, “મને કહે-કોનુ કામ છે ?” મેં કહ્યું, “હું કલ્પેશ, સન્મુખભાઈનો દીકરો.” થોડીવારે એમની ટ્યૂબલાઈટ થઈ. પેલા સુરતવાળા ધીમુભાઈના સાળા ? મેં કહ્યું, “હા” એટલે થોડી મૂંઝવણ સાથે વડીલ બોલ્યા, “પણ તમારે તો કાલે આવવાનું હતું ને ?” અને મને ખચકાતે મને ઘરમાં પ્રવેશ આપ્યો. મેં મારા ઉત્સાહની વાત કરી. એમણે શાંતિથી વાત સાંભળી. પછી મને કહે, “વનિતા તો હમણા જ બહાર ગઈ.” પછી ધીરેથી કહે, “જો તમે એકબીજાને ગમી જાત તો તો આજે જ લગ્ન પણ કરી નાંખતે કેમ ! કાલે લગ્ન કરવાના હોય તો આજે કેમ નહિ ?” વડીલનો કટાક્ષ હું સમજી ના શક્યો અને મેં પણ કહી દીધું. “ચોક્ક્‌સ વળી” અને એ અને હું બંને ખડખડાટ હસી પડ્યા. એમણે વાત આગળ ચલાવતા કહ્યું, “તો આપણે કઈ સ્કૂલમાં એને મુકીશું ?.” મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, “કોને ?” વડીલ કહે, “કેમ તમને સંતાન તો થશે જ ને ? તેને માટે સ્કૂલ અત્યારથી ખોળવા માંડીએ. હમણા તો ઍડ્‌મિશનની કેટલી માથાકૂટ રહે છે ?” મેં કહ્યું, “હા એવું જ છે.” પછી એ કહે, “એને માટે કેવી છોકરી શોધીશું ?” મને લાગ્યું કે તે મારી મશ્કરી કરે છે. પણ પછી મેં કહ્યું, “હજુ તો મારુ નક્કી થાય પછી ને ?” એમણે કહ્યું, “હું પણ તમારા ઉત્સાહમાં કાલનો વિચાર આજે કરતો થઈ ગયો છું.” બીજે દિવસે મારા ઘરે એમનો સંદેશો આવી ગયો. ભાઈને મોકલતા નહિ-બહુ ઉતાવળા અને અધિરીયા છે. મારા પપ્પાએ મને ઠપકો આપ્યો પણ એ છોકરીના નસીબમાં મારા જેવો ડાઇનેમીક, અગ્રેસીવ, પુશીંગ છોકરો ન હોય તો હું શું કરું ?.

એકવાર મારે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. સવારના દસ વાગ્યાનો સમય હતો. હું તો તૈયાર. સવારે સાત વાગે નીકળી પડ્યો. પપ્પાએ પૂછ્યું, “ક્યાં ચાલ્યા ?” મેં કહ્યું, “ઇન્ટરવ્યૂ આપવા.” પપ્પા કહે, “અત્યારે ?” પણ મારી બેનને મારા આ ઊભરાની ખબર હતી. તે પપ્પાને કહે, “પપ્પા એને જવા દો ને ? હમણા તો ‘આજ કરે સો અબ’ના મૂડમાં છે.” ઑફિસ પર પહોંચ્યો ત્યારે મોટું તાળુ. પણ તરત વક્તાના શબ્દો યાદ આવ્યા “ીટ્ઠઙ્મિઅ હ્વૈઙ્ઘિ ષ્ઠટ્ઠંષ્ઠરીજ ંરીર્ ુદ્બિ” એટલે કે રાત્રે જે જીવજંતુઓ સવાર પડતા પોતપોતાના સલામત સ્થળોએ જઈ સંતાઇ જાય ત્યારે જે પક્ષી પહેલું પહોંચે તે એમાંથી કેટલાકનો શિકાર કરી શકે. એટલે રાહ જોતો ત્યાં બેઠો. લગભગ સાડા નવ વાગે પેઢીના માલિક આવ્યા. ઑફિસ ખોલી અને મને કહે, “જો સાફસુફી બરાબર કરી નાંખજે-આજે બધાના ઇન્ટરવ્યૂ છે.” થોડી મૂંઝવણ તો થઈ કે મારે સાફસુફી કરવી કે નહિ. કારણ કે તે કંઈ મારું કામ નહોતું. પણ પછી થયું, “ખરાબ છાપ પડે એના કરતા કરવું સારું.” અને મેં સાફસુફી કરવાની શરૂઆત કરી. થોડીવારે પેલા માલિક આવ્યા, “તે કહે તું શકુબાઈનો છોકરો નથી ?” મેં કહ્યું, “ના-હું તો ઇન્ટરવ્યૂ આપવા આવ્યો છું.” તે કહે, શકુબાઈ આજે આવવાના નહોતા તેને બદલે એમનો છોકરો આવવાનો હતો એટલે થોડી ગેરસમજ થઈ ગઈ. ર્જીિિઅ!” મેં કહ્યું કંઈ વાંધો નહિ. પણ પછી એમણે કહ્યું, કંઈ નહિ પણ મારે તો માણસ ઙ્ઘૈખ્તહૈકૈીઙ્ઘ જોઈએ જે પોતાની જાતને એકદમ હલકી કક્ષામાં ગણે તેવો માણસ મારે જોઈતો નથી.

એકવાર મારા એક સંબંધી બહુ બીમાર હતા. ૈં.ઝ્ર.ઝ્ર.ેં.માં હતા. હું એમને જોવા ગયો. સલાઈન ચઢાવેલું નાકમાં ઑક્સિજનની નળી ખોસેલી અને એમના સંબંધીઓ ના મોઢા પર ગંભીરતા જોઈને જ હું સમજી ગયો કે એ આજકાલના મહેમાન છે. મેં પૂછ્યું કેમ છે એમના સંબંધી કહે, “ડૉકટરોએ તો આશા મુકી દીધી છે પછી તો ઈશ્વર કરે તે ખરું.” અને તરત મારા મનમાં ઝબકારો થયો. હૉસ્પિટલની સામે જ “આખરી સામાન”ની દુકાન હતી. એ જાણતો હતો કે એનો ધંધો ક્યાં સૌથી સારો ચાલશે. એટલે ત્યાં પહોંચી એક સુખડનો હાર લઈ આવી સંબંધીના પગ આગળ મુકી નતમસ્તકે પ્રાર્થના કરવાની હજુ તો શરૂઆત કરું છું ત્યાં જ એમના પત્ની બોલ્યા, “હજુ તો જીવે છે.” પણ મેં જવાબ આપ્યો, “આજે નહિ તો કાલે જવાનુ તો છે જ ને ?” એકને એક દિવસ એમણે, મારે, તમારે, બધાએ આ ફાની દુનિયાનો ત્યાગ તો કરવાનો જ છે વિ. વિ. મારી સંભળાવતો હતો પણ ત્યાં જ એમના ચિરંજીવી મારે ખભે હાથ મુકી મને બહાર લઈ ગયા. મને કહે, “ંરટ્ઠહાજ-તમે બહુ કાળજી રાખી.” આ કટાક્ષ પણ હું તરત સમજી શક્યો નહિ. થોડા દિવસ પછી એ મુરબ્બી મારે ઘરે આવ્યા. હું, પપ્પા, બેન, મમ્મી વિ. બેઠા હતા. આવીને મને સુખડનો હાર આપ્યો. હસતા હસતા કહે, “રાખી મુકો-પાછો ખર્ચો કરવાનો ન થાય. એટલે લઈ આવ્યો છું.” અને મારું પરાક્રમ કહી સંભળાવ્યું. મમ્મી-પપ્પાને તો કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ પણ તેમાં મારો શું વાંક ? થોડીવારે મુરબ્બી મને કહે, “તમે મોતિયો કઢાવ્યો કે નહિ ?” મેં કહ્યું, “મોતિયો ?” એમણે કહ્યું, “કાલે તમે ઘરડા થવાના.” મેં કહ્યું, “હા જીવતો રહીશ તો થવાનો.” તે કહે, “આપણે આશાવાદી થવું. લાંબુ જીવશો ત્યારે મોતિયો પણ આવશે ને ?” મેં કહ્યું, “શક્યતા તો ખરી.” તે કહે તો અત્યારે જ કઢાવી નાંખોને ? મને લાગ્યું તે પણ મારી મશ્કરી કરતા હતા. મારા મમ્મી પપ્પા તો ડાયલોગ સાંભળી બેભાન થઈ જવાની તૈયારીમાં જ હતા. એમના ગયા પછી પપ્પાએ મને જે ખખડાવ્યો છે, જે ખખડાવ્યો છે કે મારા મનની “આજ કરે સો અબ”ની બધી હવા નીકળી ગઈ.

થોડા દિવસ થયા અને એ જ વક્તાનું બીજું ભાષણ હતું, “ઉતાવળે આંબા ના પાકે” મને સમજ નથી પડતી એ ભાષણ મારે સાંભળવા જવું કે નહિ ? મારા પપ્પા મને કહે, “તને ખબર છે ? તારે માટે શું અભિપ્રાય લોકો બાંધે છે તે ? મેં કહ્યું, “ના” તો કહે, “તને તારા માટે અભિપ્રાયની પડી નહોય તો કંઈ નહિ”, અમને તો અમારા િીેંટ્ઠર્ૈંહની પડી છે”, “ઘનચક્કરના પપ્પા તરીકે ઓળખાવાની મારી જરા પણ ઇચ્છા નથી.”

૩. જેમ્સ બોન્ડ - સુરતી ટાઇપ

“મારે એવા પંતુજી નથી થવું.” મેં જુસ્સાથી જવાબ આપ્યો. બી.એસ.સી. થયા બાદ હજુ મારા ભવિષ્યની કેડી નક્કી થઈ નહોતી. મારા મામા એક શાળાના કર્તાહર્તા હતા. એમણે જ્યારે મને પોતાની નિશાળમાં માસ્તર થઈ જવા માટે કહ્યું ત્યારે મેં એમને જણાવી દીધું “હું પંતુજી થવા નિમાયેલો નથી.”

“ત્યારે તમે શું થવા પેદા થયા છો ?” મામાએ જરા ગુસ્સાથી પૂછ્યું.

“હું પ્રાઇવેટ ડિટેકટીવ એજન્સી ચાલુ કરવા માંગુ છું.” જેમ્સ બોન્ડ, પેરી મેસન અને શેરલોક હોમ્સને યાદ કરતા મેં ધડાકો કર્યો.

કોઈ વિચિત્ર પ્રાણીને જોતા હોય તેમ મામા થોડીવાર મારા સામુ જોઈ રહ્યા પછી ધીરેથી બોલ્યા-“આપણે બ્રાહ્મણભાઈ - આપણે તે વળી શું કરવાના ?”

‘અરે તમે જો જો તો ખરા’ મેં કહી દીધું.

‘જોયા મોટા ડિટેક્ટીવ.’ બબડતા-ફફડતા મામાએ રજા લીધી.

મેં પૂરજોશથી તૈયારીઓ ચાલુ કરી દીધી. સૌથી પહેલા તો મારે સારી સેક્રેટરી શોધવાની હતી. પેરી મેસનની ડેલા સ્ટ્રીટ કે રાજેન ગીરીની બેલારોય વગર કામ ચાલે એમ નહોતું. બહુ વિચારીને અંતે મારી માસીની દીકરી લતા ઉપર મારી નજર બેઠી. એ પણ નવરી હતી અને ઉપરાંત મારે પગાર પણ ના આપવો પડે. મેં એને પૂછ્યું, “તું મારી જોડે ડિેટેક્ટીવ થઈશ ?”

“હોવ એ તો મને બહુ ગમે.” એણે જવાબ આપ્યો. “મારા માળાની પેલી સુલતા ક્યા છોકરા સાથે ક્યા પિકચરમાં ગઈ, પેલા જમીયતકાકાએ ક્યા ડૉકટરને બતાડ્યું, ત્યાંથી માંડીને જશોદા કાકીએ આજે શું રસોઇ કરી અને કાલે સવારે શું કરવાના છે....”

“બસ બસ ડિટેક્ટીવ કંઈ આવી તપાસ નથી કરતા” મેં કહ્યું, “આ તો પારકી પંચાત છે.”

“પણ એ બંનેમાં મૂળભૂત તત્વ તો એક જ છે ને ?” એણે મને જવાબ આપ્યો. એની હાજરજવાબીથી હું મહાત થઈ ગયો.

મારી અટક દવે અને એની પંડ્યા તે લઈને મેં બૉર્ડ બનાવી દીધું. -

દવે એન્ડ પંડ્યા-પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટર્સ.

માળામાં બધાને ગોળધાણા ખવડાવી કાઢ્યા અને પેપરમાં એક જાહેરાત પણ ઠોકી દીધી.

સાત આઠ દિવસ થઈ ગયા તે છતાં હજુ કોઈ ગ્રાહક મારી સેવા માંગવા આવ્યું નહોતું. મેં તો જાતના કાયદાના થોથા - જુદી જુદી ડિટેક્ટીવ ચોપડીઓ વગેરે ઉથલાવવા માંડ્યું હતું એટલે મારો સમય નીકળી જતો હતો, પણ લતા કંટાળી ગઈ. તેણે મને પૂછ્યું. “હું ભરતગુંથણ લઈને બેસું તો કંઈ વાંધો છે ?” મારી ઑફિસમાં તે વળી ભરત ગુંથણ હોતું હશે ? પણ મારે હા પાડ્યા વગર છુટકો ન હોતો.

૩-૪ દિવસ બાદ એક શનિવારે હું ઑફિસમાં બેઠો હતો. ત્યાં મેં બહાર લતાનો અવાજ સાંભળ્યો -

“જાઓને અંદર - નવરાજ બેઠા છે.”

હું ચમક્યો-કોઈ ગ્રાહક હશે તો ? તો એને તો એવી છાપ પાડવી જોઈએ હું બહુ કામમાં છું તેને બદલે આ તો ઉલટાની એવી જાહેરાત કરે છે કે હું નવરો બેઠો છું. બારણું ખોલીને એક કાળો, ઠીંગણો વાંકાવાળવાળો તેમજ જાડા હોઠવાળો એક માણસ અંદર આવ્યો. એક જાસુસની અદાથી મેં પલકવારમાં એનું નિરીક્ષણ કરી લીધું.

“બેસો” મેં કહ્યું.

એ બેઠો અને ચારેબાજુ જોવા લાગ્યો થોડીવારે ધીરેથી એણે કહ્યું.

“મારું નામ શરદ પટેલ” પછી પોતાની પાસેની એક એટેચીમાંથી એક ફોટો કાઢીને ટેબલ ઉપર મુક્યો. અને મને કહ્યું, “આ મારી પત્નીની તસ્વીર છે. મારી ગેરહાજરીમાં એ શું કરે છે? ક્યા જાય છે ? કોઈ અન્ય પુરુષ જોડે સંબંધ છે કે કેમ ? તે મારે જાણવું છે.”

તસવીરવાળી યુવતી દેખાવે સુંદર હતી. મેં મનમાં વિચાર્યુ આ બિચારી છોકરી બીજા જોડે ના ફરે તો શું કરે ? આ કાળીયામાં શું બળ્યું છે ?

“ત્રણ દિવસમાં માહિતી મેળવી આપીશ.” મેં અદાથી કહ્યું, “મારી ફી પાંચસો રૂપિયા થશે અને જે ખર્ચો થાય તે જુદો.”

“બાપરે પાંચસો રૂપિયા ? એટલામાં તો નવી પત્ની મળે.”

મને પણ લાગ્યું કે પહેલે ધડાકે વધારે ફી કહીને જરા બાફી માર્યુ છે. એટલે મેં ફેરવી તોળ્યું.

“બેવફા પત્નીઓ પ્રત્યે મને સખ્ત નફરત છે. તેથી તમને મદદ કરવા તૈયાર છું. તમારે શું આપવું છે ?”

“વધારેમાં વધારે હું અઢીસો આપીશ.” તેમાં “સો અત્યારે આપીશ અને કામ પૂરું થયે બીજા દોઢસો આપીશ.”

“ચાલશે” મેં કહ્યું. પછી લતાને બોલાવવા માટે બેલ દાબ્યો-હાથમાં બ્લાઉઝના ભરતકામ સાથે એ આવી મને બહુ ગુસ્સો ચઢ્યો. નોટબુક પેન પેન્સિલથી સજ્જ સેક્રેટરીને બદલે ભરતકામ ? ગ્રાહકને શું છાપ પડે ?

“એમને સો રૂપિયાની રસીદ બનાવી આપો. એમનું નામ ઠેકાણુ, ટેલીફોન નં. વિ. નોંધી લો.”

“હું ચેક આપીશ ચાલશે ને ?” પેલાએ પૂછ્યું. હું બોલુ તે પહેલા લતાએ જ જવાબ આપ્યો.

“અરે દોડશે દોડશે.”

શરદ પટેલના ગયા પછી તરત જ હું ઘેરથી નીકળી ગયો. એના આપેલા વિલેપાર્લેના સરનામે હું પહોંચી ગયો. અને વાહ ! શું મારું નસીબ ! હજુ તો હું બંગલો પણ પૂરો જોઈ રહ્યો નથી ત્યાં તો તેમાંથી પેલી ફોટાવાળી યુવતી નીકળી અને વિલેપાર્લેના સ્ટેશન તરફ એણે ચાલવા માંડ્યું. મેં પણ એની પાછળ પાછળ પ્રયાણ આદર્યુ. ટિકિટ કઢાવી એ પ્લેટફોર્મ પર પહોંચી અને ટ્રેનની રાહ જોવા લાગી. હું પણ થોડે દૂર ઊભો રહ્યો. ટ્રેન આવી કે તરત એ મહિલાઓના ડબ્બામાં બેસી ગઈ. હું પણ બાજુના ડબ્બામાં ઘુસ્યો. પણ સખ્ત ગીરદીને લીધે હું બરાબર જોઈ શક્યો નહિ. ચર્ચગેટ પર હું જલ્દી જલ્દી ઉતરીને ચારેબાજુ જોવા લાગ્યો. પણ એ કંઈ દેખાતી નહોતી. મને થયું કે એ વચ્ચે કશે ઉતરી ગઈ લાગે છે. કંઈ નહિ કાલે વાત.

બીજે દિવસે બપોરના બાર વાગે જમી કરીને તરત નીકળી પડ્યો. એના ઘરની સામે જઈને મેં આસન જમાવ્યુ.

આ વખતે મારે ઠીક ઠીક બેસવું પડ્યું. ત્રણ ચાર વખત એ ગેલેરીમાં આવી. મેં એને જોઈ, એણે મને જોયો. બરાબર ત્રણ વાગે એ ફરીથી નીકળી અને મેં પાછળ પાછળ ચાલવા માંડ્યું ફરીથી ટ્રેન આવી અને એ મહિલાના ડબ્બામાં ઘુસી ગઈ. હું બાજુના જ ડબ્બામાં બારણા આગળ ઊભો રહ્યો. ટ્રેન ચાલુ થઈ અને મારા આર્શ્વર્ય વચ્ચે મેં જોયું તો એ પ્લેટફોર્મ પર જ હતી. હું તરત બીજા જ સ્ટેશને ઉતરી પડ્યો. ત્યાંથી વળતી ટ્રેનમાં પાછો આવ્યો. સામેથી આવતી ટ્રેનનું ક્રોસીંગ થયું ત્યારે એ ટ્રેનમાં પેલી યુવતી બેસીને જઈ રહી હતી. ડીટેક્ટીવ વાર્તાઓમાં તો કોઈ દિવસ ડિટેક્ટીવ આવી રીતે મુરખ બનતો નથી - મેં વિચાર કર્યો અને બીજે દિવસે લતાને પણ લાવવાનું નક્કી કર્યં.

અમે પહેલેથી જ પ્લેટફોર્મ પર જઈને ઊભા. ઘણી વારે એ આવી. લતાએ તરત આંગળીથી દર્શાવી એને દર્શાવી. “મુર્ખ” મેં કહ્યું, “એમ આંગળી ના બતાડ એને શંકા થાય.” પછી મેં એના તરફ જોયું એની જોડે એક પુરુષ હતો.

મોટું ગોરીલા જેવું શરીર જાણે માણસના વેશમાં, આખલો જ જોઈ લો. પેલી યુવતીએ આંગળી મારી તરફ ચીંધી. પેલો ધીરે ધીરે મારી પાસે આવ્યો. પાસે આવીને એણે જોરથી મને એક મુક્કો મારી દીધો. હું દૂર ફેંકાઇ ગયો. મારા ત્રણ દાંત પડી ગયા હતા અને મોઢામાંથી લોહી નીકળતું થઈ ગયું હતું. બીજી કોઈ સેક્રેટરી હોત તો અત્યારે એના હાથમાં નાની રીવોલ્વર હોત પણ આ તો લતા હતી-“બચાવો બચાવો” બૂમો પાડતી તે બેભાન થઈ ગઈ. પેલાએ પાછું મદમસ્ત હાથીની અદાથી મારી તરફ આવવા માંડ્યું.

“બદમાશ મારી પત્ની પાછળ પડ્યો છે. તારા બધા દાંત પાડી નાંખીશ.....” આગળ હું સાંભળી શક્યો નહિ. બેહોશ થઈ ગયો.

ભાનમાં આવ્યો ત્યારે હૉસ્પિટલમાં પડ્યો હતો. લતા બાજુમાં બેઠી બેઠી મારા મોઢા ઉપર બરફની થેલી ઘસતી હતી.

“તને પણ વાગ્યું છે ?” મેં એને પૂછ્યું.

“અરે હું તો બચી ગઈ” એણે ઉત્સાહથી કહ્યું.

“મેં તો બેભાન થવાનો ઢોંગ જ કરેલો.”

“ત્યારે તે પછી કંઈ વધારે તપાસ કરી કે નહિ ?.” મેં પૂછ્યું.

“કરીને !” એણે કહ્યું, “દસ ફુટને સાત ઇંચ“.

“દસ ફુટ સાત ઇંચ ? એ શું” મેં પૂછ્યું.

“પેલા જાડીયાએ તમને મુક્કો માર્યો ત્યારે તમે એટલે દૂર ફેંકાઇ ગયા હતા. તમારા ત્રણ દાંત પડી ગયા હતા. તેમાંથી બે મને જડ્યા તે મેં કુંડામાં દાટી દીધા છે.”

“કુંડામાં કેમ દાટ્યા ?” મેં અજાયબી સહિત પૂછ્યું.

“આ રીતે દાટીયે નહિ તો આવતા જન્મમાં આપણને ભગવાન એક દાંત ઓછો આપે” એણે જવાબ આપ્યો. વાહ મારી સેક્રેટરી, સારું થયું મને ના દાટી દીધો.

બીજે દિવસે બૅંકમાં ગયો ત્યારે ખબર પડી કે શરદ પટેલે મને આપેલો ચેક ખોટો હતો. એ નામનું કોઈ ખાતું જ ન હોતું, અને મારી પાસે ડિટેક્ટીવ તરીકેનું લાઇસન્સ ના હોવાને કારણે બૅંકવાળા મને વધારે માહિતી આપવા તૈયાર ન હતા.

ત્રણ દિવસના ધક્કા. ટિકિટોના ખર્ચા અને ઉપરાંત ત્રણ દાંત ગુમાવ્યા. આ મારી સિદ્ધિ હતી. પણ હવે મને એ શરદ મહાશય ઉપર ગુસ્સો ચઢ્યો. સાલો મને બેવકુફ બનાવી ગયો. આટલા મુંબઇમાં મારે એને શોધવો પણ કયાં ? મેં એણે આપેલા નંબર ઉપર ફોન કર્યો તો કોઈ ચંદુલાલ શેઠ શેર બ્રોકરનો ફોન નીકળ્યો. પણ મેં ફરીથી જોખમ લેવાનું નક્કી કર્યું.

ફરીથી હું એ બંગલા આગળ ગયો. ત્યાંથી દુધવાળો ભૈયો બહાર નીકળતો હતો. મેં એને પૂછ્યું, “આ બંગલામાં કોણ રહે છે. ?”

“તમને નથી ખબર ! મુંબઇ રાજ્યનો બોક્ષીંગનો ચેમ્પિયન રૂસ્તમ વાડીયા.”

“અને એમની જોડે પેલા બેન છે તે” મેં પૂછ્યું.

“એ એની પત્ની કેટીબહેન છે” એણે કહ્યું.

મેં ધીરે ધીરે એના બંગલા તરફ કદમ ઉઠાવ્યા પણ આ વખતે હું તૈયાર હતો. તમે પૂછશો.

“શું ખિસ્સામાં છરી-ચપ્પુ હતા ?”

“ના”

“રીવોલ્વર-રાઇફલ”

“ના”

“ટીયર ગેસ ?” “ના” “બોંબ-અણુ બોંબ ?” “ના-ના-ના” “ત્યારે ?” “મેં દોડવાના બૂટ પહેર્યા હતા અને હું પૂરેપૂરો સજ્જ હતો.”

કેટીએ મને મને ગેલેરીમાંથી જોયો કે તરત જ “ફાટી મુઓ પાછો આવ્યો.” એમ બબડતી અંદર ગઈ. મારા હ્રદયના ધબકારા ફરીથી વધી ગયા. પેલો ભીમ બારણામાંથી બહાર આવતો હતો.

“કેમ બદમાશ ? પાછો મરવા આયો ચ શું ?” એણે મને પૂછ્યું.

મેં બે હાથ જોડીને નમસ્તે કર્યા.

“હું તમારી જોડે થોડી વાત કરવા માંગુ છું.” મેં બહુ જ નમ્રતાથી કહ્યું.

“ભસી મર” એણે કહ્યું.

પછી મેં એને વિગતવાર બધી વાત કરી. મેં એને કેટીનો ફોટો આપ્યો. મેં એને એ પણ કહ્યું કે હું પ્રાઇવેટ ડિટેક્ટીવ તરીકેનો ધંધો કરતો હતો. ત્યારે એક માણસે મને આ તસ્વીર આપીને આ સ્ત્રીની ચાલચલગતની ભાળ કાઢવાનું જણાવેલું. મેં પેલા ગધેડાએ આપેલો ચેક પણ આપ્યો.

એ લઈને એ વિચારમાં પડી ગયો.

“કેટી તારો કોન્વોકેશનનો ફોટો કાંય પડાવેલો ?”

“શીન્દે ફોટાગ્રાફર્સને ત્યાં.” કેટીએ જવાબ આપ્યો.

જાવ બાવા જાવ એ તો હવે હું જોઈ લઈશ” એણે મને કહ્યું. “સીધા કંઈ કામ ધંધે લાગી જાવ” વધારામાં એણે સલાહ આપી.

મોટાનું માન્યા વગર કંઈ ચાલે ? મારા મામાની નિશાળમાં ગુરુજીની ગૌરવભર્યું સ્થાન મેં સ્વીકારી લીધું હતું. તેઓ અચાનક લપસી પડ્યા હતા. તેથી હાલ હૉસ્પિટલમાં હતા. હું હૉસ્પિટલમાં એમની ખબર જોવા ગયો. ત્યાં એમનું નામ ખોળતા ખોળતા મારી નજર પડી.

શરદ પટેલ. ત્યાં ગયો. એક હાથ પ્લાસ્ટરમાં અને બંને પગ પ્લાસ્ટરમાં રાખીને પેલો જાડીયો પડ્યો હતો. વસંત શીન્દેના પણ એવા જ હાલ હતા.

“ભાઈ માફ કરો.” શરદે કહ્યું, “હું ખાનગી ડેટેક્ટીવ તરીકે કાર્ય કરવાનો હતો. કંઈ કામ મળતું ન હોતું ત્યાં તમારી જા.ખ. વાંચી. એટલે, વિચાર કર્યો પહેલા આ હરીફને તો કાઢીએ. એટલે મેં તમને કામ સોંપ્યું. પણ આતો ભારે પડી ગયું.”

મને હવે એની દયા આવતી હતી મેં એને પૂછ્યું “હાથ પગ કેમ કરતા ભાંગ્યા ?”

“અરે જવા દો ને વાત.” શીન્દે એ જવાબ આપ્યો.

“પેલા પહેલવાને બારીમાંથી બહાર ફેંકી દીધો.”

“મેં તો માસ્તર તરીકે નોકરી લઈ લીધી છે.”

મેં કહ્યું “તમારો હરીફ તો હવે મટી ગયો છું.”

“છ મહિના પછી મારે માટે પણ જો જો કંઈ ઓળખાણ-પીછાણ હોય તો” શરદે કહ્યું.

૪. નિર્લેપ

વહેલી સવારે ચાર વાગે મંદિરમાં અવાજ થતો સાંભળી મંદિરનો પૂજારી જાગી ગયો. મંદિરની બાજુમાં આવેલ નાની કોટડીના ઓટલા ઉપર પૂજારી હંમેશા સુઈ રહેતો. મંદિર ગામથી એક દોઢ કિ.મી. દૂર હતું. રમણીય નદી કાંઠો અને જુદા જુદા ઘટાદાર ઝાડ વચ્ચે આવેલું મંદિર એક સરસ પીકનીક સ્પોટ પણ બને તેમ હતું. પણ ત્યાં લોકો આવી, દર્શન કરી, પોતાનાથી બનતી દક્ષિણા ચઢાવી જતા રહેતા હતા. એટલે બપોરના સમયે ત્યાં લગભગ એકાંત રહેતું. અને રાત્રે તો આ પૂજારી સ્સિવાય કોઈ રહેતું નહીં. મંદિરનો નિભાવખર્ચ નીકળે તેનાથી બહુ વિશેષ આવક થતી નહીં.

અવાજ સાંભળીને સુતા સુતા જ પૂજારીએ આંખ ઉઘાડી જોવા માંડ્યું. એક મધ્યમ કદનો માનવી મંદિરની દાન પેટી ઉઘાડવાની કોશીશ કરી રહ્યો હતો. તરત પૂજારીએ એને ઓળખ્યો. એ ગામનો જ માણસ હતો. ત્યાના હળપતિવાસમાં રહેતો રવલો. બે દિવસ પછી રવલાની છોકરીના લગ્ન હતા, અને આજ પૂજારી તેની લગ્નની વિધિ કરાવવાનો હતો. રવલો આજુબાજુ જોતો જાય અને જુદી જુદી ચાવીઓ લગાડી તાળું ખોલવાની કવાયત પણ કરતો જાય. છેવટે એણે ગમે તેમ કરીને પેટી ખોલી નાખી. પેટીમાંથી એણે નોટો બહાર કાઢી. સામાન્ય રીતે તો મંદિરમાં એકલદોકલ નોટો અને તે પણ રૂપિયા બે રૂપિયાની નીકળતી. પણ આજે તે ઘણી વધારે હતી. પૂજારીને પણ આશ્ચર્ય થયું. નોટોનો થોકડો તે ગણતો હતો તેમ પૂજારી પણ ગણતો હતો. સો-સોની નોટોની થોકડી હતી. પૂજારીને ખ્યાલ આવ્યો કે તે લગભગ હજાર બારસો કરતા વધારે રૂપિયા હતા. રવલાએ હાથમાં રહેલી નોટોમાંથી ૬ નોટ રાખી બાકીની પાછી પેલી પેટીમાં નાખી દીધી. એણે બાકીના પૈસા પાછા મુક્યા એટલે તેને રવલા માટે માન થયું. એ બધાજ પૈસા લઈ જઈ શક્યો હોત, પણ એણે જરૂર જેટલા જ પૈસા લીધા હતા. એણે ધાર્યું હોત તો ચોર ને પડકારી શક્યો હોત. ચોરનું શરીર માયકાંગલું હતું, જયારે પૂજારી તો સારો એવો કસરતબાજ અને શક્તિશાળી હતો. પણ એણે મૌન રહેવાનું પસંદ કર્યું. અને ધીરે પગલે રવલો નીકળી ગયો. રવલો જતો રહ્યો એટલે તે પાછો શાંતિથી સુઈ ગયો.

બીજે દિવસે સવારે એણે મુખ્ય ટ્રસ્ટી વિનાયાકરાવને ત્યાં જઈને તેમને ચોરીથી માહિતગાર કર્યા. વિનાયકરાવ સરકારી નોકરીમાં ઊંચી જગ્યા પર હતા ત્યાંથી તે થોડા વખત પહેલા જ નિવૃત્ત થયા હતા અને મંદિરનો વહીવટ સંભાળતા હતા. સરકારી નોકરી તો હવે નહોતી પણ તેમણે કેળવેલી તુમાખી, તોછડાઈ હજુ બરકરાર હતી. એમણે તો લાગલું પુજારી ઉપર આળ ચઢાવી દીધું, “તે જ પૈસા લીધા હશે, બીજું કોણ લે ?”

પૂજારીએ શાંતિથી જવાબ આપ્યો, “મેં પૈસા લીધા નથી, મારી કોઈ વધારાની જરૂરિયાત નથી. અને આ ગામમાં અને આજુબાજુના ગામમાં હજારો લોકો છે જેમને તકલીફ પડે છે અને પૈસા લઈ જઈ શકે. મારા ઉપર આક્ષેપ કરો છો તે બરાબર નથી.” પૂજારીના દ્રઢ શાંત અવાજને લીધે તે થોડા નરમ પડ્યા.. અને જેમ જેમ વાત ફેલાતી ગઈ તેમ તેમ લોકો ભેગા થવા માંડ્યા. વિનાયકરાવે કહ્યું, “મંદિરની આવક મારી ધારણા કરતા ઓછી રહેતી હતી એટલે મને વહેમ તો પડ્યો જ હતો કે રોજ એમાંથી કોઈ માણસ પૈસા કાઢી લે છે, એટલે ગઈ કાલે જ મેં એમાં સો-સો રૂપિયાની ૧૫ નોટ એટલે કે ૧૫૦૦ રૂપિયા મુક્યા હતા. મેં એના નંબર પણ નોંધ્યા છે”

વિનાયકરાવ, પૂજારી અને ગામ લોકોનું ટોળું મંદિરમાં પહોંચ્યું. અને પોતપોતાની રીતે દુનિયાના શ્રેષ્ઠ જાસુસોમાંના પોતે એક હોય તેમ જાતજાતની તુક્કાબજીનો આશ્રય લઈને ગમે તેના નામ લેવા માંડ્યા. પૂજારી શાંતિથી બધાને સાંભળી રહ્યો. થોડા દિવસ પહેલા રવલો મંદિરમાં આવ્યો હતો. એણે વિનાયાકરાવને કાકલુદી કરી હતી કે એની દીકરીના લગ્ન છે એટલે થોડા પૈસાની વ્યવસ્થા કરી આપો તો સારું. પણ વિનાયાકરાવે એને હડધૂત કરીને કાઢી મુક્યો હતો. “જા જા, લોકો ભગવાન માટે પૈસા મુકે છે, તારી દીકરીના લગ્નમાં દારૂ પાવા નહીં, સમજ્યો ?” રવલાએ ત્યારે ફરી વિનવણી કરી હતી, “સાહેબ દારૂ તો નથી પાવાનો, પણ મહેમાન આવે તેને જમાડવા તો પડે ને ?” પણ પાછું રાવસાહેબે, “જા જા હવે.” કહીને ફરી ધુત્કારી કાઢ્યો. ત્યારે તેમના પગ પકડીને રવલો બોલ્યો, “સાહેબ મારી દીકરીના લગન અટવાઈ જવાના, થોડું તો મારા સામું જુઓ.” ત્યારે રાવસાહેબે એની મજાક કરતા કહ્યું, “છે ને આ ભગવાન તારી મદદ કરવાવાળા.” અને ભગ્ન હૃદયે રવલો ત્યાં થી જતો રહ્યો. પૂજારીએ ત્યારે ગામ લોકો આગળ દરખાસ્ત મૂકી હતી, “આપણે ૫૦-૬૦ જણા દસ દસ રૂપિયા પણ કાઢીએ તો પણ રવલાનું કામ થઈ જાય તેમ હતું.” પણ ગામ લોકોએ કહ્યું, “એકવાર આપીએ એટલે બધાજ માંગતા થઈ જાય.” વિનાયાકરાવે ત્યારે કહ્યું, “ભગવાનનું મંદિર નવું કરાવવાનું છે, આરસ લગાડવાના છે એટલે અત્યારે તો ભગવાનને જ પૈસાની જરૂર છે ત્યારે આને કેવી રીતે આપીએ ?”

“ભગવાનને પૈસાની જરૂર છે.” શબ્દો સાંભળીને પૂજારીને મનમાં હસવું આવ્યું હતું. આખા વિશ્વની દોલતનો માલિક, તેને આપણે શું આપવાના ?

અને એટલે એણે જયારે રવલાને ઓળખ્યો ત્યારે પણ તે ચુપ રહ્યો હતો. એને ત્યારે મનમાં થયું હતું, “વાહ રે મારા ભગવાન, શું તારી કરામત છે. ? રવલાને પૈસા અપાવવા માટે તે જ વિનાયાકરાવના મનમાં ચોરીની શંકા જન્માવી અને એમની જ પાસે મંદિરમાં પૈસા મુકાવ્યા. રવલાને પણ તે જ ચોરી કરવાની પ્રેરણા આપી. વાહ, શું તારી કરામત છે ?”

ગામ લોકમાંથી એક જણાએ રવલાના નામનો ઉલ્લેખ કર્યો હતો પણ તે ચર્ચા આગળ ચાલી નહીં એટલે એને નિરાંત થઈ. વિનાયકરાવે પોલીસમાં ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો. અને લાગતા વળગતા થાણે જઈને ફીરીયાદ કરી. જમાદારે પહેલાતો, “શું પંદરસો રૂપરડી માટે હાલ્યા આવો છો ?” કહીને ફરિયાદ ટાળવાનો પ્રયત્ન કર્યો, અને વિનાયકરાવને સ્વસ્તિ વચન પણ સંભળાવ્યા. પણ સરકારી નોકરીમાં મોટો હોદ્દો ભોગવી ચુકેલા વિનાયકરાવના કડકાઈ ભર્યા શબ્દો આગળ લાચાર બની જમાદારે જે મળે તે લઈ લેવા માટે કહ્યું, “સાહેબ, તમારે ત્યાં તો આવવું જ પડવાનું પણ એટલે દૂર આવવાનું, આખો દિવસ નીકળી જાય, મારું જમવાનું પણ અટવાઈ જાય, પણ શું કરવાનું સાહેબ, ફરજ એટલે ફરજ.” વ્યવહારુ વિનાયકરાવે “સાહેબ, તમે અમારે ગામ આવો અને અમે તમારી આગતાસ્વાગતા ના કરીએ એવું થોડું ચાલે ? તમે તો અમારા મહેમાન કહેવાઓ.” એટલે જમાદારે પાછું ખંધાઈથી હસતા કહ્યું, “સાહેબ અમારે તો આખો દિવસ રખડવાનું, દાળભાતમાં શું.... ?” અને ઈશારામાં સમજાવી દીધું કે ચીકન અને દારૂ હોય તો સારું. ફરી કોઈ વાર ગંભીર પ્રસંગે બોલાવવા પડે ત્યારે કામ આવે એવા ખ્યાલથી પ્રેરાઈને વિનાયક રાવે પણ કહ્યું, “તમે એ બધી ચિંતા છોડો. બધી વ્યવસ્થા થઈ જશે.”

બીજે દિવસે જમાદાર આવી પહોંચ્યાં. મંદિરનું સ્થળ નિરીક્ષણ તો નામનું જ કર્યું, અને પૂજારીને ગાળ ગલોચ કર્રીને ધમકાવીને કહ્યું, “સાલા, આવા ધંધા કરે છે ? ભગવાનના પૈસા ચોરતા શરમ નથી આવતી ? સળિયા પાછળ ધકેલી દઈશ તો સીધો થઈ જશે.” પૂજારીને ગુસ્સો તો આવ્યો પણ સત્તા આગળ શાણપણ નકામું સમજી એણે શાંતિથી કહ્યું, “સાહેબ મેં પૈસા લીધા નથી.” અને તો પણ જમાદારે બે લાફા તો મારી જ દીધા, “સાલા મારા સામું બોલે છે ? હજુ ઓળખતો નથી મને.” પૂજારીએ મનમાં કહ્યું, તને કોણ ના ઓળખે, પણ પછી મોટેથી કહ્યું, “સાહેબ તમારી વર્દીની આમન્યા રાખું છું, બાકી....” અને પૂજારીનુ મજબુત શરીર જોઈને જમાદારે વાત વાળી લીધી, “એ તો તપાસ કરીશું એટલે બધી ખબર પડશે. ચોર જઈ જઈને જશે ક્યાં ?” વર્ષો પહેલા પૂજારી જયારે વ્યાયામ શિક્ષક હતો ત્યારે એક નિર્દોષ વિદ્યાર્થીને બે લાફા માર્યા હતા તે એને યાદ આવ્યું, “ભગવાન તારો ચોપડો ગજબ છે.. જરા જેટલી બાબતનો પણ તું બરાબર હિસાબ રાખે છે. અને છેવટે સાહેબને જમવાનું મોડું થશે એમ વિનાયકરાવને યાદ દેવડાવ્યું એટલે જમાદારે પણ તરત, “તમે ફિકર ના કરો. બે દિવસમાં ચોરને અંદર ઘાલી દઈશું.” કહીને મંદિરમાંથી વિદાય લીધી. પૂજારીને પણ રવલાની છોકરીના લગન કરાવવાના હોવાથી તે પણ ત્યાંથી નીકળી ગયો.

એક બાજુ મંદિરના ચોરેલા પૈસામાંથી રવલાની દીકરીનો જમણવાર ઉજવાઈ રહ્યો હતો, તો બીજી બાજુ મંદિરના જ પૈસામાંથી જમાદાર દારૂ ચીકનની જ્યાફત ઉડાવી રહ્યા હતા. પૂજારી નાનીમોટી કથાવાર્તા પણ કરતો. તેણે મનમાં કહ્યું, “ભગવાન તને નિર્લેપ અમસ્તો નથી કહ્યો. હે મારા વ્હાલા, મંદિરમાં પૈસા આવે તો પણ તને કંઈ અસર થતી નથી, જાય તો પણ કંઈ અસર થતી નથી. તે સારા કામમા વપરાય તોયે તું ખુશ છે અને દારૂ ચીકનમાં વપરાય તો પણ તારી સ્થિરતા ચળતી નથી, અને ગુસ્સો પણ આવતો નથી. સાચે જ તુ નિર્લેપ છે.”

લગ્ન પૂરા થયા એટલે રવલાએ ૫૧ રૂપિયા પૂજારીને આપવા માંડ્યા પણ મંદિરના પૈસા પોતાને લેવા નહોતા તેમજ આવા ગરીબને પણ વધારે તકલીફ આપવા માંગતો ન હોવાથી તેણે કહ્યું, “તારી દીકરીના લગનમાં મારા તરફથી ચાંદલો ગણી લેજે.”

૫. પૂર

(‘ગુજરાતમિત્ર વાર્તા હરીફાઈ’માં દ્વિતીય વિજેતા વાર્તા)

તાપી માં પાણી ની સપાટી વધી રહી હતી ત્યારે ઘરની બે ભેંશ અને વાછડી માટે ઘાસ બચાવી લેવા માટે હું ઘાસના પુળા ઘરના છાપરા ઉપર ચઢાવતી ઉતી. મારી માવડી પુળા ફેંકે અને હું ઉપર ઝીલી એને ગોઠવું.

“ચાલ સોડી, હવે બહુ થયું.” મારી માએ બૂમ મારી. “હવે તો પાણી વધતા ચાઈલા.”

“હું આવું સુ, તું જા.” મેં જવાબ આપ્યો ત્યારે જાંઘ સમાન પાણીમાં મારી નાની બેન અને ભાઈલાને લઈને ચાલી જતી માવડીને મેં ભાળી. પુળા સરખા કરી ને નીચે નજર કરું તો પાણી ઘણાજ વધી જ્યાતા. હવે તો મારાથી નીચે જવાય એમ નહોતું. ફળિયાના બધા લોક પણ ગતા રહ્યા હતા.

અને એમ ઝમકુ આ અફાટ વિસ્તરતા પાણીના સમૂહમાં પોતાના જ ઘરના છાપરા ઉપર ફસાઈ પડી હતી. ધસમસતો પાણી નો પ્રવાહ પોતાના ગંદા પાણીમાં ઝાડવા, ઝાંખરા, પેટી પટારા, પીપડા વી ને તાણી લઈ જઈ રહ્યો હતો. એક કૂતરું કિનારે પહોંચવા તરફડતું હતું પણ પાણી એને પોતાની તરફ લઈ જઈ રહ્યું હતું. લાકડાને બાથ ભીડીને એક યુવાન તણાતો જતો હતો. તે ઝમકુ ના ઝુપડા પાસેથી તણાતો હતો ત્યારે ઝમકુ એ કુવામાંથી પાણી કાઢવાનું દોરડું એના તરફ ફેંક્યું. તે જેમ તેમ યુવાન ના હાથ માં આવ્યું અને આંધળીકીયું કરીને એણે પકડ્યું અને લાકડું છોડી દીધું. અને એમ એ પણ આ છાપરા પર આવી પડ્યો.

પાતળું ઘઉંવર્ણ શરીર પાણી થી લથબથ થઈ ગયું હતું. અને અત્યંત થાકેલો યુવાન છાપરા પર આવીને ચત્તોપાટ પડ્યો અને તેમજ તે ઊંઘી ગયો. એને બોલવાના પણ હોંશ રહ્યા નહોતા.

બચાવતા તો બચાવી લીધો પણ હવે ઝમકુ ને ગભરામણ થવા માંડી. અંધકાર ના ઓળા ધીરે ધીરે ઉતરતા જતા હતા અને પાણીમાં સર્જાતા વમળો કરતા પણ વધારે વમળો એના મનમાં ઘુમરી ખાઈ રહ્યા હતા. જ્યારથી સમજણી થઈ ત્યારથી યુવાનો થી માંડીને બાપ જેવા પ્રૌઢોએ પણ, શાબ્દિક, શારીરિક કે માનસિક સતામણી અને ખોળી ખોળીને કરેલા પ્રયત્નો એને યાદ આવવા માંડ્યા.

એકવાર એ ખેતરમાં નિંદામણ કરતી હતી ત્યારે અચાનક બાજુના મોહલ્લાનો છગનો એની પાસે આવી ગયો હતો અને “ સોડી ઓરી આવ ત્યાં સાપ છે “ એમ કહીને એને હાથ પકડીને પોતાની તરફ ખેંચી હતી. પણ એણે ધક્કો મારી ને “ મુઆ મરને, હાપ તો હારો, તું તો કાળોતરો છે “ કહી ને એના પંજામાંથી છૂટી ગઈ હતી.

હોળી હોય કે નવરાત્રીના ગરબા, મેળો હોય કે બસ સ્ટેન્ડ ની ગીર્દી, વારંવાર એને પુરુષોના ખરાબ અનુભવ થતા અને પુરુષ જાત માટે સખત ચીઢ અને નફરત થઈ ગઈ હતી. પુરુષો બધા સરખા જ છે અને એમને તો એક જ વાત સુઝે એમ તે માનતી.

તેને થયું, અત્યારે તો આ થાકેલો છે, પણ ભરી રાતે અધવચ્ચે એનો થાક ઉતરી જાય તો ? એનો થાક ઉતરે અને એના મનના કીડા સળવળવા લાગે તો એને કોણ બચાવે, એ મહા યક્ષ પ્રશ્ન એના મનમાં ઘૂઘવતો હતો. પણ એ લાચાર હતી. ન તો એનાથી બીજે જવાય તેમ હતું અને ન તો પેલા યુવાન ને કઢાય તેમ હતો. અને એમને એમ એની આંખ મીચાઇ ગયી. રાતે બે ત્રણ વાર ઝબકીને જાગી. એક વાર તો યુવાન એના તરફ જોઈ રહ્યો હતો એમ લાગ્યું અને ગભરાટ વધી ગયો હતો. બીજે દિવસે સૂરજ ના શીળા કિરણોએ એને ઢંઢોળી ત્યારે યુવાન તો છાપરાને બીજે છેડે બેસીને હજુ વધી રહેલા ધસમસતા પ્રવાહને જોઈ રહ્યો હતો. હવે તો જ્યા સુધી નજર પડે ત્યાં સુધી ફક્ત પાણી ને પાણી જ હતું. કોઈ માનવ, પશુ પક્ષી કોઈ દેખાતું નહોતું. દેખાતો હતો ફક્ત આ છોકરો.

દૂર રહ્યે રહ્યે બંને એ અલપ ઝલપ થોડી વાતો કરી અને એકબીજાનો પરિચય કર્યો..કઈ કામ હતું નહીં, ખાવાનું કઈ હતું નહીં એટલે થોડી થોડી વારે “હવે આ પાણી ક્યારે ઉતરશે”ની ચિંતા સાથે પાછા થોડા શબ્દો ની આપલે થાય અને ફરી પાછું મૌન રહી જતું. વાતો વાતોમાં ઝમકુ ને ખબર પડી કે એ છોકરો એસ.એસ.સી થયેલો છે. ખેતી કરે છે. પરિવારમાં ફક્ત મા છે અને હજુ પરણેલો નહોતો.

પરણેલો નથી એવું જાણ્યું એટલે શરમ સંકોચ વધ્યા અને ગભરાટ પણ વધ્યો. બીજા દિવસની ફરી કાળી ડીબાંગ રાત્રીની શરૂઆત થઈ ચૂકી હતી, અને તેનાથી જેટલે દૂર બેસી શકાય તેટલે દૂર બેસીને તે ફરી વિચાર તંદ્રામા સરી પડી. આજે તો એનો થાક ઉતરી ગયો છે. પુરુષની જાત છે. રાત્રે અડપલું કરશે તો કોણ બચાવશે ? અને કોઈ બચાવવાવાળું ન હોય ત્યારે ભગવાન યાદ આવે. અને તેને જેટલા આવડતા હતા તેટલા યાદ કરીને દશામાં ના નામનું રટણ કરી રહી. અને મનોમન કાકલુદી કરવાની શરૂઆત કરી અને છતાં ન કરે નારાયણ ને પેલો આગળ વધે તો એને શરણે થવું કે આ ધસમસતા પ્રવાહ મા ઝંપલાવી પોતાની લાજ બચાવવી એ અંગે એ જબરદસ્ત દ્વિધામાં અટવાઈ ગયી. બે ઘડી એને એ પણ વિચાર આવ્યો કે રાત્રે ઉઘમાં છોકરાને ફરી પાણી મા ધકેલી દેવો. પણ તરતજ એનું બીજું મન બોલી ઉઠ્યું, “ફટ રે ભૂંડી, તને આવો પાપી વીસાર કેમ આવે છે ?”

પણ પેલો છોકરો તો શાંત હતો. એ તો પુળાના તણખલા ના નાના ટુકડા કરી રહ્યો હતો. આ યુવતીના મનમાં ચાલતા ઘમસાણથી એ તદ્દન બેખબર હતો. અને એણે ફરી ત્યાજ લંબાવી દીધું. એ જોઈને થોડી રાહત તો થઈ પણ ફરી ફરીને એક જ વિચાર આવ્યા કર્યો. એ તો અત્યારે નાટક કરે છે, પણ રાત્રે ? અને બીજું મન એને કહેતું, “રાત્રે શું કામ ? દિવસે પણ તે ધારે તે કરી શકે તેમ હતો. તને બચાવવાવાળું કોણ છે ? અને રાત અને દિવસમાં ફેર પણ શું છે ?” ધીરે ધીરે ઝમકુ ના મનનો પ્રવાહ હવે ઓછો વેગીલો થયો હતો. એણે યુવાન ને પૂછ્યું, “તને બીક નથી લાગતી ?” યુવાને સામું પૂછ્યું, “શાની બીક ? જે થવાનું ઓહે તે થાહે.”

ઝમકુ આ શબ્દોના બીજા અર્થ ખોળવામાં પડી. “જે થવાનું ઓહે તે” એટલે તે શું કહેવા માંગતો હતો ? “અને તે થાહે જ.” એટલે એને ખાત્રી થઈ ગઈ કે એ ચોક્કસ કૈંક કરશે અને એનાથી પ્રતિકાર નહીં થઈ શકે ? પણ આ બધા વિચારો તે કહી શકી નહીં. એટલે એણે કહ્યું “પૂરની”.

પેલાએ કહ્યું “તેમાં આપણે શું કરવાના ?”

થોડી થોડી વરે ઝમકુ ને એજ વિચાર આવ્યા કર્યો કે રાત્રે આ યુવાન ને એની એકલતાનો લાભ લેવાનો વિચાર આવ્યો કે નહીં ? પણ એ કેવી રીતે પૂછવું તે એને સમજ પડતી નહોતી. પાછું દોઢ બે કલાકે એણે ફરી કહ્યું, “તને કઈ થાય કે ?” પેલો યુવાન એની વાતનો તાગ પામવા મથી રહ્યો, તે કહે, “હું થવાનું ?” એટલે છેવટે એણે હિંમત ભેગી કરીને કહી જ નાખ્યું, “હું એકલી ભાળીને તને કઈ વિસાર નઈ આઈવો ?”

પેલો કહે, “અમારા માસ્તર કહેતા હતા કે, જયારે આફત આવે ત્યારે માણસને પોતાની જાન બચાવવા સિવાય બીજા વિચાર નથી આવતા. અને એમણે દાખલો આપ્યો હતો જેમાં આવાજ એક પૂર વખતે એક ઝાડ ઉપર દીપડો અને હરણ ભેગા રહેલા પણ દીપડાએ હરણ ઉપર હુમલો કર્યો નહોતો.”

ઝમકુને ફરી વિચાર આવ્યો, હવે બરાબર ! જાન બચાવવાની ફિકર હતી એટલેજ એણે કઈ કર્યું નહીં

આ યુવાને જયારે કઈ પણ કરવાનો પ્રયત્ન ના કર્યો ત્યારે એ સમજી શકી નહીં. કોઈ યુવાન સારો પણ હોઈ શકે એવા તો એને વિચાર જ આવતા નહોતા. એટલે એના મનમાં એક જ તર્ક આવ્યો “તે એને ગમતી જ નહીં હોય.” એનું મન એને કહેતું, તારામાં છે શું ? નથી ભણતર, નથી રૂપ, એક ફક્ત શરીર છે જે દરેક સ્ત્રી પાસે હોય છે. આ વિચાર ધીરે ધીરે એટલો પ્રબળ થઈ ગયો કે એણે અજાણતામાં મોટેથી બોલી નાખ્યું, “પણ ધાર કે હું તને ગમતી હોત તો ?”

યુવાન ફરી એને તાકી રહ્યો. ફરી જાણે એને ધારી ધારીને નીરખવા માંડી. ઝમકુને થયું, હમણા પેલો કહેશે, “તારામા ગમવા જેવું હું સે ?” તેને બદલે તે યુવકે કહ્યું, “તારામાં ના ગમવા જેવું હું સે?”

પોતે એ યુવાન ને ગમે છે એવી કબૂલાત તે યુવાન ને મોઢે જ સંભાળીને એના મનમાં પ્રેમ નો પ્રવાહ વહેવા માંડ્યો. એની વિચાર પ્રક્રિયા માં ભય નુ સ્થાન આકર્ષણે લીધું.

અને એ યુવકમાં પણ ના ગમવા જેવું શું છે ? સારો છે, દેખાવડો છે, ઘરે ખેતી છે, એક મા જ છે, ભણેલો છે અને નાલાયક પણ નથી. અને જેમ જેમ પૂરના પાણી ઓસરવા માંડ્યા હતા તેમ તેમ આ નવા પૂરના પાણી નો પ્રવાહ વધારે જોરદાર, વધારે ધસમસતો થઈ રહ્યો હતો. આ પૂરમાં ડૂબી જવાની એને ઇચ્છા થઈ.

ધીરે ધીરે પાણી ઘણા ઓછા થયા હતા. બચાવ કર્યા શરૂ થઈ ગયું હતું,. એક હેલીકોપ્ટર પણ આંટો મારી ગયું હતું. એટલે ગમે ત્યારે પણ બચાવ માટે કોઈ ને કોઈ આવી પહોંચશે એવી એને ખાત્રી થઈ ગઈ હતી. હજુ તો બપોર નો સમય હતો. ભૂખ તરસ ની વ્યાકુળતા વધી હતી તો બીજી વ્યાકુળતા પણ વધતી જતી હતી. ફરી એ વિચાર મા પડી, રાત પહેલા એમને બચાવી લેવાશે ? અને તે મનોમન ઝંખી રહી, “ન બચાવી લેવાય તો પ”

૬. મનુ મસાણીઓ

જો અહીં સ્મશાન ન હોય, તો આ રમણીય સ્થળ, જ્યાં અદ્‌ભુત શાંતિ લાગે, એવા નદીકિનારે આવેલા સ્મશાન ના એક ખૂણામાં ૮-૧૦ વરસનો એક છોકરો તેના માતા પિતા સાથે રહેતો. તેનું નામ તો હતું મનુ, પણ તે મનુ મસાણીઆ તરીકે ઓળખાતો. તે જયારે શાળા માં દાખલ થયો ત્યારે તેના વર્ગમાં ૪ મનુ નામધારી હતા. તેમાં ત્રણ તો નાયકા હતા, એટલે તે સ્મશાનમાં રહેતો હોવાથી માસ્તર સાહેબે તેનુ નામ મનુ મસાણીઓ પાડી દીધું હતું.

મનુના પિતાજી સ્મશાન માં આવેલી લાશોને અગ્નિદાહ દેવાનું કામ કરતા. આથી એક ખૂણામાં તેમને એક નાનુ ઝુંપડું બાંધીને રહેવાની સગવડ આપી હતી. રમણીય નદીકિનારો હોવાથી મનુને રહેવાનું ગમતું.

રોજ સવારથી જ લાશને લઈને લોકો આવતા. એના પિતાજી લાશને ગોઠવતા, એની પૂજા થઈ જાય અને લાશના સંબંધી ક્રિયાકાંડ કરીને પ્રથમ અગ્નિ પ્રગટાવે પછી સંબંધીઓ બાજુ પર જઈને બેસતા અને લાશ પૂરી બળી જાય ત્યાં સુધી નિર્વિકાર ભાવે એના બાપુજી તે બાળવાનું કામ કરતા. જરૂર પડે ત્યારે લાકડીના ગોદા મારી ઓછા બળેલા ભાગને વધારે અગ્નિ મળે તેમ કરતા. મનુ એમાં મદદ કરતો.

તેના જ મહોલ્લામાં રહેતો છગનો હંમેશા નશામાં ચૂર રહેતો. કોઈ પણ લાશ આવે ત્યારે તે ૧૦૦ રૂપિયા માંગતો. ના આપનારને ગાળોનો વરસાદ વરસાવતો. એક દિવસ એક યુવાન એની જોડે જીભા જોડીમાં ઉતર્યો. છગનો કહે, “તારી પાસે થોડા માંગું સું ?” અને પછી લથડતા પગે અને લોચા વાળતી જીભે આગળ ચલાવ્યું, “હું તો.... હું તો” અને લાશ તરફ ફરીને કહ્યું. “આની... આની પાસે માંગું સું. તારી પાસે નઈ. આની... આની પાસે. બધી-બધી મિલકત છોડી જ્યા ને, લાઈવા થોડી અહીં ?” અને પછી સનાતન સત્ય ઉચ્ચાર્યું, “ખાલી હાથે આઇવા, ખાલી હાથે જવાના, તેમાંથી મને સો બસ્સો આલે તેમાં હું દુનિયા લુંટાઈ જવાની ?” મોટે ભાગે લોકો આવે પ્રસંગે ધમાલ થાય તેમ ઇચ્છતા ન હોય પૈસા આપી દેતા. તેને પણ જયારે લાવવામાં આવ્યો ત્યારે ખાલી હાથે અહીં લાવવામાં આવ્યો હતો. ભલભલા ચમરબંધીને પોતાની મિલકત છોડીને અહીં આવવું પડતું.

ગામના જમીનદાર, ડૉક્ટર, નામાંકિત નાગરિકોથી માંડીને એક જમાનાની સ્વરૂપવાન યુવતીઓને પણ આ સ્મશાનમાં અગ્નિદાહ દેવાઈ ચુક્યો હતો. કોઈક જ સંબધી તે વખતે રડતા, ખાસ કરીને યુવાન વ્યક્તિ ગુજરી ગઈ હોય ત્યારે તેમના સંબંધીઓ રડતા. બાકીતો મોટા ભાગના લોકો અલકમલકની વાતો હસી ખુશીથી કરતા અને સાથે લાવેલો નાસ્તો પૂરો કરતા. ઘણા તો મૃત્યુ થયા પછી લાશને લાવવાની હોય ત્યારે શું નાસ્તો લઈ જવો તેની માથાકૂટ વધારે કરતા. પણ આ બધું જોઈને મનુના કુમળા માનસ ઉપર ઘેરી અસર પડતી.. તે કોઈકવાર નવરો હોય અને નદીકિનારાના ઓવારા પર બેઠો બેઠો લેસન કરતો હોય ત્યારે અચાનક તેનું મન ચગડોળે ચઢી જતું. મનુને થતું, બધાને મરવાનું છે જ તો પછી જીવવાનું શેને માટે ?

એક વાર એક યુવાનની લાશ બળી ગયા પછી એના પિતાજીએ મનુના બાપુ પાસે શેષ અસ્થિ માંગ્યા. તેમણે તે આપ્યા ત્યારે તે ઘણા જ ભાવુક બની ગયા અને પૂછ્યું, “એના જ છે ને ?” મનુના બાપાએ કહ્યું, “સાહેબ લાશ બળી જ્યા પછી જે હાડકા રહેવાના તે તો બધા લગભગ સરખા જ હોવાના ને ? પૈસાવાળા કે ગરીબ, વાણિયા હોય કે ભામણ, બધાના હાડકા સરખા જ હોય સાહેબ.” બીજે દિવસે નિશાળમાં ગુજરાતીના એક પાઠમાં વાક્ય શીખવાનું આવ્યું, “મોટા ભાગના લોકો દંભી હોય છે.” તેણે માસ્તર સાહેબને દંભીનો અર્થ પૂછ્યો. સાહેબે કહ્યું, “અંદર કંઈ હોય અને બહાર કઈ બતાવે તેને દંભી કહેવાય.” એણે તો તરત કહી દીધું, “સાહેબ એ હિસાબે તો મોટામાં મોટો દંભી ભગવાન છે.” સાહેબ ચોંકી ગયા, તેમણે કહ્યું, “ભગવાન માટે આવું બોલાય ?” મનુએ કહ્યું, “સાહેબ, આપણે રૂપવાન સ્ત્રીઓ જોયે સે, પહેલવાનો જોયે સે, ગરીબ હોય કે અમીર તે દરેકની અંદર તો હાડકા એક સરખા જ હોય છે ને ?” આ તર્ક સાંભળીને સાહેબ પણ બે ઘડી વિચાર કરતા થઈ ગયા.

નિશાળમાં એના ભાઈબંધો એને ઘણી વાર પૂછતા, “તે ભૂત જોયેલું કે ?” અને તે જવાબ આપતો, “મેં તો કોઈ દિવસ જોયેલું ની મળે.” અને પાછા મિત્રો જાતજાતની વાતો ચલાવતા. કોઈ કહેતું ભૂત હાથમાં આવે તો તેની ચોટલી કાપીને આપણી પાસે એવી રીતે રાખવાની કે તે ભૂતના હાથમાં ના આવે, તો ભૂત આપણું દરેક કામ કરે. બીજો એક કહે, “પેપર લાવી આપે ?” પાછો ત્રીજો કહે, “પેપર લાવે તો પણ લખવું તો આપણે જ પડે ને ? એના કરતા સીધા માર્ક જ સુધારી નાખે તો કેવું ?”

પોલીસ કમિશનર, તેમની પત્ની, જુવાન પુત્ર, પુત્રવધૂ અને તેમનો ૧૦-૧૨ વરસનો પુત્ર અકસ્માતને કારણે ગુજરી ગયા ત્યારે એને વિચાર આવ્યો કે નાના બાળકોને ભગવાન શું કરવા બોલાવી લે છે ? અને બીજે દિવસે એના સાહેબ ને પૂછ્યું ત્યારે તેમણે પૂર્વજન્મના કર્મને કારણે તેમ થાય તેમ જવાબ આપ્યો ત્યારે તે પાછો વિચારમાં પડી ગયો. તેણે સાહેબને ફરી પૂછ્યું, “સાહેબ, એ લોકોએ ભગવાનને પૂછ્યા વગર પાપ કરેલા ?” સાહેબ ગુસ્સે થઈ ગયા, કહે, “ભગવાનને પૂછીને કોઈ પાપ કરે કે ?” ત્યારે પાછો એના મનમાં બીજો સવાલ ઉઠ્યો, “હેં સાહેબ, તમે મને કહો કે, જા, આ કૂતરાને મારી આવ, અને હું મારી આવું તો તમે મને પાછા મારો કે, કે કેમ કૂતરાને મારે છે ?” સાહેબ પાસે આ દલીલોનો કોઈ જવાબ નહોતો, તે કહે, “તને મસાણમાં રહીને આવા જ વિચાર આવ્યા કરે છે, જા તારા ભણવાના વિચાર કર, આજે લેસન કરી લાવ્યો છે કે ?” પાછળથી કોઈ ટીખળી છોકરાએ કહ્યું, “સાહેબ, ભગવાને આજે એને લેસન કરવાની ના પડી છે.” અને આખો ક્લાસ ખડખડાટ હસી પડ્યો,

જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેના મગજમાં આવા વિચારો ઘણા આવતા. એ વારંવાર કહેતો, ભણ્યા તો યે શું અને ના ભણ્યા તો એ શું ? આજે લાડુ ખાધો તો યે શું અને ના ખાધો તો યે શું ? આપણી પાસે મોટર હોય તો યે શું અને ના હોય તો એ શું ? તેની સાથે તેની જ શેરીમાં રહેતી અને વર્ગ માં સાથે જ ભણતી ચંપા એને ઘણી વાર કહેતી, “આપણે ભગવાન બુદ્ધનો પાઠ ભણીએ છીએ. તેમણે એક ઘઈડા માણસને જોયો અને વિચાર આઇવો કે શું હું પણ આવો થવા ? એક વાર લોકો મડદું લઈને જતા હતા ત્યારે વિચાર આઇવો કે હું પણ મરી જવા ? તું પણ આવાજ વિચાર કરે છે, બરાબર ?”

મનુએ કહ્યું “હા.”

ચંપાએ આગળ કહ્યું, “પણ તું ભગવાન બુદ્ધ નથી, બુદ્ધુ છે. તે પત્ની યશોદા અને એક સુંદર પોઈરાને મેલીને સાધુ થઈ ગયેલા. તું થવાનો ?” મનુએ કઈ જવાબ ના આપ્યો.

ચંપા હોશિયાર, લાગણીવાળી અને આનંદી છોકરી હતી. સાથે જ સ્કૂલમાં ભણતા એટલે તે જાતજાતની વાતો કરતી પણ મનુએ નીરસતાથી સાંભળી રહેતો. ઘણીવાર ચંપા કહેતી, “તું કેમ કઈ બોલતો નથી ?” મનુ કહે, “શું બોલું ?”

જેમ મનુ ભણવામાં હોશિયાર હતો તેમ રમતમાં પણ હતો. એક વાર રમતોની હરીફાઈમાં એનો જિલ્લા કક્ષાએ વિજય થયો. ઇનામ વિતરણ વખતે તેને બે શબ્દો બોલવાનું કહેવામાં આવ્યું, એણે કહ્યું, “આ ઇનામ મઈલા તો યે શું, અને ના મઈલા તો યે શું ? આખરે તો અહીં છોડીને જ જવાનું ને ?” લોકો વિચારમાં પડી ગયા. કોઈ દિવસ એમણે વિજેતાને મોઢેથી આવા શબ્દો સાંભળ્યા નહોતા. તે દિવસે શાળાના પ્રિન્સિપાલે કહ્યું, “આ ઉંમરે તારે આવા વિચારો કરવાની જરૂર નથી, પહેલા મેળવ, મેળવવા માટે મહેનત કર, પછી છોડવાનો વિચાર કરવાજે. તું ભણવામાં અને રમવામાં હોશિયાર છે. આવા ગાંડા વિચાર છોડીશ અને તારા ધ્યેય પ્રત્યે ધ્યાન રાખીને કામ કરીશ તો દુનિયામાં ઘણું મેળવી શકીશ.” તે દિવસે ચંપા એની જોડે ઘણું ઝઘડી, એણે કહ્યું, “તને કઈ બીજા વિચાર આવે કે નહીં, ? આખો દિવસ મરવાના ને એવા જ વિચાર કેમ આવે છે ?” મનુ એ કહ્યું, “હું આખો દિવસ તે જ જોયા કરું તો તે જ વિચાર કરવાનો ને ?”

બંને ધીરે ધીરે મોટા થયા, એક દિવસ ચંપાએ એને કહ્યું, “તું લગન કરવાનો કે નહીં ?”

“શી ખબર ?” મનુએ બેફિકરાઈથી જવાબ આપ્યો.

થોડા દિવસ પછી ચંપા વેઢમી લઈને એને ઘેર આવી. તે કહે, “ લે, ખા જે, તારે માટે બનાવી છે, કૂતરાને ના નાખી દેતો.” મનુને યાદ આવ્યું ઘણા દિવસો પહેલા એણે વાતવાતમાં વેઢમી ભાવે છે એવો ઉલ્લેખ કર્યો હતો. તે યાદ રાખીને ચંપા વેઢમી લાવી તે માટે તે વિચાર કરતો થઈ ગયો. તેને થયું, એણે પોતાને માટે શા માટે બનાવી ? અને બીજે દિવસે એણે પૂછ્યું, “મારે માટે શું લેવા બનાવી ?”

ચંપા હસતા હસતા બોલી, “ભગવાન બુદ્ધુને પ્રસાદ ધરાવવા, કાલે તારી જન્મ ગાંઠ હતી કે ની ?”

મનુ એને જોઈ રહ્યો.એની વર્ષગાંઠ યાદ રાખીને ચંપા એને માટે વેઢમી બનાવે તેણે તેના મનમાં નવા જ સંવેદનો જગાવ્યા. કોઈ પોતાને યાદ કરે તેવો અનુભવ તેને માટે નવો હતો, અને તેણે કારણે તેની ચંપા પ્રત્યેની નજર પણ બદલાઈ.

ચંપાનો અવાજ બહુ સરસ હતો, એક વાર એણે વાર્ષિક કાર્યક્રમમાં મીરાંબાઈનું ભજન, “આજ સજન મોહે અંગ લગાલો, જનમ સફલ હો જાયે” ગાયું, સુંદર અવાજમાં ગાયેલા આ ભક્તીગીતને મનુએ પ્રેમગીત માની લીધું, એને થયું “અંગ લગાવવાથી જનમ સફળ કેવી રીતે થાય ?” એણે બીજે દિવસે ચંપાને આ વિચાર કહ્યો અને પૂછ્યું, “કાલે ગાયન કોને માટે ગાયેલું ?” ચંપા ક્યાં સુધી એકીટશે એને જોઈ રહી. બે હાથે એના ગાલ પર ચીમટા ભરી તે બોલી, “મારા બુદ્ધુ રાજા, છે કોઈ બીજો મારા મનમાં ?” એણે ચંપાને પૂછ્યું, “તું શું લેવા મારા વિચાર કરે ?” ચંપા થોડી ગંભીર થઈને બોલી, “તારા દિલમાં પાપ નથી, તારું મગજ બગડેલું છે, તે સુધરી જાય તો આખા મલકમાં તારા જેવો માનવી ની મળે.”

તે દિવસથી એના મનમાં વિચાર આવવા લાગ્યા. શું કરવા તે મારો વિચાર કરે છે ? શા માટે પોતાની ખુશીનો વિચાર કરે છે ? હું ખુશ થાઉં તેમાં એને શું આનંદ મળે ? એને કેમ એમ વિચાર નથી આવતો કે અંતે તો મનુ ત્યાં જ જવાનો છે અને પોતે પણ ત્યાં જ જવાની છે ? અને એક દિવસ એણે પાછું પૂછ્યું. ચંપાએ જવાબ આપ્યો, “જુઓ ભગવાન બુદ્ધુ, મરવાનું તારા કે મારા હાથમાં છે ? નથી ને ? તો જ્યાં લગી આપણે મરવાના નથી ત્યાં લગી જીવતા રહેવાના ?”

મનુએ જવાબ આપ્યો, “હા, બરાબર.”

“તો પછી એની ફિકર શું લેવા કરવાની ? જે વસ્તુ આપણા હાથમાં નથી, તેને માટે આપણે અત્તારથી દુઃખી શું લેવા થવાનું ? મને એક વાત કહે, મું તારા માટે વેઢમી લાવેલી, તે તે ખાધેલી કે કૂતરાને નાંખેલી ?”

મનુએ કહ્યું, “ખાધી, બહુ ભાવી.”

ચંપા કહે, “તને આનંદ આઈવો ?”

મનુએ એકાક્ષરી જવાબ આપ્યો, “હા.”

“તેં કે મેં કોઈને દુઃખ દીધું ?” ચંપાએ પાછું પૂછ્યું.

મનુએ પાછો એકાક્ષરી જવાબ આપ્યો, “ના.”

ત્યારે ચંપા બોલી, “કોઈને દુઃખ પોગાવ્યા વગર આપણને આનંદ મળે તે કેમ નહીં લેવાનો ? દુનિયામાં આનંદ સે, દુઃખ પણ સે.. તેની ચિંતા ભગવાન કરહે.. જેમ ભગવાન રાખે તેમ રહેવાનું, કોઈને દુઃખ પડે એવું નહીં કરવાનું, આનંદ કરવાનો અને એમ જીવીને જયારે ઉપર વાળો બોલાવે ત્યારે જતા રહેવાનું.”

ચંપાને જેમ એને માટે આકર્ષણ થયું હતું તેમ એને પણ થવા લાગ્યું. પણ વરસોથી જે વિચાર એના મનમાં દૃઢ થઈ ગયો હતો તે ખસતો નહીં, ફરી પાછો એને વિચાર આવતો “છેલ્લે શું ?”

પણ ધીરે ધીરે આ આકર્ષણ વધતું ચાલ્યું. મનુ આ પ્રબળ આકર્ષણ આગળ લાચાર થતો ચાલ્યો. એનુ મન લોલકની માફક વિરક્તિ અને આકર્ષણ વચ્ચે ઝોલા ખાવા લાગ્યું અને દિવસે દિવસે તે નવી નજરે દુનિયા જોવા લાગ્યો. યુવાન હૈયાઓ હાથમાં હાથ પરોવીને જતા હોય, કે સ્કૂટર ઉપર યુવકને વળગીને બેઠેલી યુવતી હોય, તેમને તે જોઈ રહેતો. અને યુવાન હૈયાઓની હસીખુશીની પળોને તે જોઈને વિચારમાં પડી જતો. પોતે અને ચંપા હાથમાં હાથ ભેરવીને જતા હોય એવી કલ્પના કરતો, પણ તરત વિચાર આવતો, આખરે તો ત્યાં જ જવાના ને ? પણ એમને એકદમ આનંદમાં જોઈને પાછું લોલક બીજી દિશા તરફ જતું. આ આનંદ તો મેળવવો જોઈએ.

એક દિવસ ચંપાએ એને કહ્યું, “ચાલ આપણે લગન કરી લઈએ.”

એણે કહ્યું “પછી ?”

“લે પછી વળી શું ? લોકો લગન શું લેવા કરે ?”

પાછું મનુએ કહ્યું, “છેલ્લે શું ?”

ચંપા ગુસ્સે થઈ ગઈ, તે કહે, “જા ને મસાણમાં જઈને સૂઈ જાને, હું દેવતા મેલવા આવા.” અને ગુસ્સામાં જતી રહી.

તે રાત્રે એના મનમાં વાવાઝોડું ચાલુ થયું. સાહેબે કહેલા શબ્દો “ગાંડા જેવા વિચાર છોડીશ તો તું નામ કાઢશે” યાદ આવ્યા. ચંપાના શબ્દો પણ એને વારંવાર યાદ આવ્યા, “મગજ સુધરે તો તારા જેવો માનવી મલકમાં ની મળે. બધા જ લોકોને અહીં આવવાનું છે, બધા તે જાણે છે પણ કોઈ આખો દિવસ તારા જેવા વિચાર નથી કરતા. જેટલો મેળવાય તેટલો આનંદ મેળવે છે...” જેમ પ્રબળ પાણીનો પ્રવાહ કાળમીંઢ ખડકને પણ તોડી નાખે છે, તેમ ચંપા પ્રત્યેના આ પ્રબળ આકર્ષણે એના નકારાત્મક વિચારોને ધોઈ નાખ્યા. વિચારોના આ ધસમસતા પ્રવાહને તે ખાળી શક્યો નહીં. ચંપાને મળવા, એના હાથમાં હાથ નાખી બેસવા, અને એનું સાન્નિધ્ય માણવા એનું મન બેતાબ બની ગયું. બીજે દિવસે સવારે મનુએ એના બાપુને કહ્યું, “બાપુ, હવે અહીં ની રહેવાનો.”

બાપાએ પૂછ્યું, “કેમ ? ક્યાં જવાનો ?”

મનુએ કહ્યું, “ગમે ત્યાં જવા, ગમે ત્યાં ઝૂંપડું બાંધી લેવા, પણ હવે અહીં ની રેવાનો..”

બાપાએ ગુસ્સામાં કહી દીધું, “તારું મગજ બગડી ગયું સે, તાં કોણ ખાવાનું દેવા આવહે ?”

એણે કહ્યું, “બાપુ, અત્યાર લગી મગજ બગડેલું હતું, હવે સુધરી ગયું સે. ચંપા સે ને ?”

એના બાપુ એને જોઈ રહ્યા. એની મા એ કહ્યું, “જા દીકરા જા, તારા દીકરાને રમાડવા હું આવા.”

૭. મૂઠી ઊંચેરો માનવી “અંદર આવું કે સર ?” ઝાંપો ખખડ્યો અને સાથે અવાજ આવ્યો. “કોણ ?” પરસાળમાં હીંચકા ઉપર આરામથી બેઠેલા એક વૃદ્ધ પુરુષે ટટ્ટાર બેસતાં પૂછ્યું, “સર, એ તો હું ગૌરાંગ.” આગંતુકે નજીક આવીને ચરણ સ્પર્શ કરતાં કહ્યું, “ગૌરાંગ ?” અને પછી યાદ આવ્યું હોય એમ ઉમેર્યું, “પેલા મગનભાઈ કારભારીનો દીકરો ?” “હાજી એજ.” ગૌરાંગે જવાબ આપ્યો. ઊંચું, શ્વેત શરીર, કપાળમાં ટીળક, ધોતીયાબંડીમાં સજ્જ વિજય રાય માસ્તર માધ્યમિક શાળામાં વિજ્ઞાનશિક્ષક તરીકે નિવૃત થયા હતા. શિસ્તના આગ્રહી અને ઊંચા ચારિત્ર્યને કારણે તેઓ વિદ્યાર્થીઓ તેમજ આમ સમુદાયમાં અત્યંત આદરપાત્ર હતા. જુદા જુદા વિજ્ઞાનના પુસ્તકો તેમજ દેશવિદેશના સામયિકો વાંચીને પોતાના વિદ્યાર્થીઓને વિકસતા જતા વિજ્ઞાનનો લાભ આપવાનું તેમને હંમેશ ગમતું અને આથી ચીલાચાલુ ભણાવનાર અન્ય શિક્ષકો કરતાં પણ વિદ્યાર્થીઓને વિજયરાય સર માટે ઘણો આદર હતો. વર્ગના અભ્યાસમાં પાછળ રહી જનાર વિદ્યાર્થીઓને તેઓ ઘેર બોલાવીને કોઈપણ ફી લીધા વગર ટ્યુશન આપતા. તેઓ કહેતા : “કોઈ વિદ્યાર્થી નપાસ થાય ત્યારે એ એની ખામી નથી પરંતુ એના શિક્ષકની ખામી છે એનો શિક્ષક એને પૂરતું શિક્ષણ આપી શક્યો નથી તેથી જ વિદ્યાર્થી નપાસ થાય છે.” પોતાના પુત્રને પાસ કરાવવા માટે દાબદબાણ અથવા લાંચ આપવાની કોઈની તાકાત નહોતી. એવા માનવીને તેઓ એવા ખંખેરી નાંખતા કે અન્યો પણ એમની પાસે આવતા ડરતા.

મગનલાલ કારભારીનો દીકરો ગૌરાંગ લગભગ ૨૦ વર્ષ પહેલાં એમના હાથ નીચે તાલીમ પામ્યો હતો. વિજ્ઞાનની જે અભીરુચીના બીજ માસ્તર સાહેબે એના મનમાં વાવ્યા હતા તેના પરિપાકરૂપે અમેરિકા જઈ કમ્પ્યૂટર સાયંસની ઊંચી પદવીઓ મેળવી સારું એવું નામ અને દામ કમાતો હતો. ૨૦ વર્ષે પણ તે પોતાના ‘સર’ને ભુલ્યો નહોતો એટલે જ્યારે ગામ આવ્યો ત્યારે બીજે જ દિવસે સરને મળવા આવી પહોંચ્યો.

“આવ આવ ગૌરાંગ.” તું તો ઘણો મોટો માનવી બની ગયો છે એમ સાંભળ્યું છે.

“સર, બધો તમારો જ પ્રતાપ છે.” ગૌરાંગે વિવેક દર્શાવ્યો.

એમની વાતો ચાલતી હતી તેવામાં એક યુવાન ઘરમાંથી નીકળી બહાર જવા લાગ્યો.

“એક મિનિટ સુરેશ, ઓળખાણ કરાવું.” માસ્તર સાહેબે પોતાના પુત્રને ગૌરાંગની ઓળખાણ કરાવવા કહ્યું.

સુરેશ પાછો આવીને ઊભો. પણ થોડા અકળામણના ભાવો એના ચહેરા પર સ્પષ્ટ હતા. સાથે ગૌરાંગના મોઢા પર પણ આશ્ચર્યના ભાવો તરી આવ્યા. “બાપુજી મારે મોડુ થાય છે. રજા લઉં ગૌરાંગભાઈ.” કહીને અકળાવનારી પરિસ્થિતિ ટાળવા સુરેશ ત્વરાથી ચાલી નીકળ્યો.

“સુરેશ મ્યુનિસિપાલિટીમાં જકાતખાતામાં છે ?” ગૌરાંગે પ્રશ્ન કર્યો.

“હા, તેં તો ઘણી માહિતી મેળવી લીધી છે.” વિજય રાયે કહ્યું. લગભગ બારણા બહાર પહોંચી ગયેલો સુરેશ બૂટની દોરી બાંધવાનો દેખાવ કરી પોતાનો ઉલ્લેખ સાંભળવા ઊભો રહ્યો. થોડો સમય અવઢવમાં રહ્યા પછી અચકાતા સ્વરે ગૌરાંગે કહ્યું.

“સાહેબ આપને ખરાબ ન લાગે તો એક વાત કહું ?” ગૌરાંગે પૂછ્યું. “હા બોલને બેટા, મને શું કરવા ખરાબ લાગે ?” માસ્તરે નિખાલસતા દર્શાવી.

“ગઈ કાલે હું આવ્યો ત્યારે મારી પાસે જકાત યોગ્ય કોઈ વસ્તુ નહોતી, પરંતુ આપના પુત્રએ મારી બેગ ખોલાવવાનો આગ્રહ રાખ્યો અને બીજા કર્મચારીઓ “સો બસો આપી દોને યાર, આ લમણાઝીકમાં ક્યાં પડો છો ?” કહીને મારી મરજી નહોતી છતાં ૨-૩ કલાક મને હેરાન કરી ૨૦૦ રૂ. પડાવી ગયા.

“હં...” વિજય રાય માસ્તરે બહુ ટૂંકમાં પતાવ્યું. પરંતુ બારણામાં ઊભેલ સુરેશ પાછો આવ્યો.

“મને ખબર નહિ આપ પિતાજીના ઓળખીતા છો, નહિ તો તમારી પાસેથી નહિ લેતે.” કહીને ૨૦૦ રૂ. પાછા આપવા માંડ્યા.

“૨૦૦ રૂ.ની તો કોઈ વિસાત નથી પરંતુ સિદ્ધાંતો અને આદર્શોના પાઠ સાહેબે અમને ભણાવ્યા હતા તે તમારા જીવનમાં નથી એટલે થોડું દુઃખ થયું.” ગૌરાંગે જવાબ આપ્યો.

“એના વતી હું માફી માગું છું.” વિજયરાય માસ્તરે છોભીલા પડી જઈને બે હાથ જોડતા કહ્યું.

પણ સુરેશ આ શબ્દો સાંભળીને થોડો ઉશ્કેરાયો. થોડા નજીક આવીને કહ્યું, “ક્યા સિદ્ધાંતો અને આદર્શોની વાત કરો છો ભાઈ તમે ? આ દેશમાં છે કોઈ સિદ્ધાંતવાળો ? સારા માર્કથી પાસ થવા છતાં પૈસા આપ્યા વગર મને નોકરી મળી નહોતી. પપ્પાના જ હાથ નીચે ભણનાર અને આર્ઠ ધોરણથી ઉઠી જનાર પેલો ભીખલો આજે ભીખાભાઈ નગરપતિ છે કારણ કે તેઓ વિશિષ્ઠ વર્ગના છે. તેમને સારો એવો ચાંદલો કર્યો ત્યારે આ નોકરી મળી છે. પેલો ઉસ્માન બંગડીવાળો આજે મોટરોમાં મહાલે છે. દારુ-જુગારમાંથી કમાયેલા પૈસા વડે મોટા મહેલ જેવા મકાનોમાં રહે છે. અને શહેરના નાના મોટા બધા ઉસ્માન શેઠની મહેરબાની મેળવવા એમની આગળ પાછળ દોડ્યા કરે છે. ક્યાં છે તમારી નીતી મત્તા અને ક્યાં છે તમારા આદર્શો ?” એક શ્વાસે બોલનાર સુરેશનું મોઢું શરમ અને ઉદ્દેગને કારણે લાલચોળ થઈ ગયું હતું. “જા બેટા જા.” માસ્તરે વાતાવરણ હળવું કરવા એને સૂચના આપી.

સુરેશ ગયો એટલે વિજયરાય માસ્તરે પોતાનો અને પોતાના પુત્રનો બચાવ ચાલુ કર્યો.

“શરૂશરૂમાં તો હું મારા પુત્રને વારતો-ઠપકારતો, ઘરમાં ખાતો નહિ; પણ ધીરે ધીરે લાગવા માંડ્યું કે રમતના જે નિયમો કોઈ પાળતુ નથી તે મારા પુત્ર પાસે બળજબરીથી પળાવવાનો શો અર્થ ?”

“સર ! તમે પણ આમ કહો છો ?” ગૌરાંગે થોડા દુઃખ સાથે પૂછ્યું.

“શું કરું ? સિદ્ધાંતો અને આદર્શો તો આપણા અહમને ચઢાવેલા મહોરા છે.” જીવનમાં એક જ સત્ય છે આપણે મરીએ નહિ ત્યાં સુધી આપણે જીવતા રહેવાનું છે - ગમે તે રીતે.

“સર, મૃત્યુ તો નિશ્ચિત છે પરંતુ ત્યાં સુધી આપણા આબરૂ-સ્વમાન તેનું શું ?” ગૌરાંગે પ્રશ્ન કર્યો.

“આબરૂ અને સ્વમાનથી બેટા પેટ નથી ભરાતા, હૉસ્પિટલના બીલ નથી ચુકવાતા. ૩-૪ વર્ષ પહેલાં હું માંદગીમાં સપડાયો. તારી સાથે હતો એ મયંક ડૉક્ટર છે - હોશિયાર છે, પ્રખ્યાત છે - એની હૉસ્પિટલમાં દાખલ થયો. ૨૦ હજારનું બીલ થયું. મને કહે, ‘સર તમારી પાસે થોડું વધારે લેવાય ? તમે ૫૦૦ ઓછા આપજો.’ આજ મયંકને મેં ૩ વર્ષ મફત ટ્યૂશન આપ્યું હતું. મારી એ સેવાની કિંમત ફક્ત પાંચસો રૂપિયા ?” વિજયરાયે પોતાનો અનુભવ જણાવ્યો.

“સર, કર્મફળની આશા રાખવી નહિ એમ તમે જ નહોતા કહેતા ?”

“હા, હું કહેતો હતો પણ ત્યારે આ ક્રૂર દુનિયાનો પરિચય નહોતો. આ જંગલરાજમાં તો જીવતા રહેવું હોય તો બળવાન બનવું પડે. અને સજ્જનતા એ નબળાઈ છે. હું મફત શિક્ષણ આપતો હતો એટલે સજ્જન, પણ પૈસા લઈને આપતો હોત તો ? મારી પાસે તો ૨૦ હજાર નહોતા. મારી પત્નીના ઘરેણા ૨૪ ટકા વ્યાજે ગીરવે મુકીને સુરેશે પૈસાની વ્યવસ્થા કરી અને મને કહ્યું, “આજ પછી તમારા સિદ્ધાંતોનું ભાષણ હવે મને સંભળાવશો નહિ.”

વિજયરાય રડવા જેવા થઈ ગયા. થોડા શાંત થઈ એમણે કહ્યું, “હું શું કરું... શું કરું ? જિંદગીભર મારા ખોટા અભિમાનને પોષતો રહ્યો. વાસ્તવિકતા ન સમજી શક્યો.”

“માફ કરજો સર ! નાને મોઢે મોટી વાત લાગે તો, પણ સિદ્ધાંતો અને આદર્શોની કસોટી પણ આવે જ વખતે થાય છે અને માણસની સાચી કિંમત પણ ત્યારે જ અંકાય છે. સામાન્ય માનવી અને મૂઠી ઊંચેરા માનવીનો તે જ તો તફાવત છે.” ગૌરાંગે ધીરે ધીરે પણ મક્કમતાથી પોતાનો મત રજૂ કર્યો. “મૂઠી ઊંચેરા માનવીની કિંમત કેટલી ? આવા ઉસ્માન શેઠના વખાણોથી ભરાયેલા પાનાની નીચે એક નાના કોલમમાં સમાચાર છપાશે - “વિજયરાય માસ્તર આજે મરી ગયા. એક સજ્જન માનવી હતાં.” વિજયરાયે નિરાશ સ્વરોમાં જવાબ આપ્યો.

“અમેરિકાના મારા ધંધા માટે એક સારા પ્રામાણિક માણસની જરૂર હતી. મને એમ હતું કે તમારું શિક્ષણ પામનાર તમારા પુત્ર કરતાં મને વધારે સારો માણસ કયાંથી મળશે ? હું એટલા માટે આપને મળવા આવ્યો હતો. ગૌરાંગે પોતાના આગમનનું સાચું કારણ દર્શાવ્યું.

“બેટા મૂઠી ઊંચેરા માનવી થવા માટે હું કદાચ ગમે તે કિંમત આપી શકું પરંતુ મારા પુત્ર-કુટુંબને કેવી રીતે બાધ્ય કરી શકું ? અમિતાભ બચ્ચનના એક ચલચિત્રમાં આવે છે તેમ, એની હથેળીમાં અંગ્રેજીમાં દોરેલો આંકડો તને ‘૯’ દેખાય છે. સામેવાળાને ‘૬’ દેખાય છે. કોણ સાચું કોણ જુઠું તે કેવી રીતે નક્કી થાય ? અને કોણ નક્કી કરે ?” માસ્તરે પોતાનું મંતવ્ય રજૂ કર્યું.

“સર, હું આવ્યો ત્યારે તમારી ચરણરજ મેં માથે લીધી હતી તે ફક્ત દેખાવ કે વિવેક નહોતો. અમેરિકામાં અસંખ્ય લોકો સાથેની હરિફાઇમાં હું ટક્યો અને જીત્યો તે આપે શીખવેલ વિવેક સિદ્ધાંતો અને આદર્શોની ભાવનાના સથવારે. એમ કરવામાં મને અત્યંત શ્રમ પણ પડ્યો-મુશ્કેલીઓ પણ આવી-પડકારો પણ આવ્યા પણ સાથે આપે દર્શાવેલ ધ્રુવતારક મારો પંથપ્રદર્શક બન્યો. રજા લઉં, સર ?” કહેતા ગૌરાંગ ઊભો થયો અને ચાલવા માંડ્યું.

“મૂઠી ઊંચેરો માનવી ?” હું મારા જ સિદ્ધાંતોમાં હાર્યો અને તું જીત્યો. બેટા તું સવાયો થયો. મારા તને આશીર્વાદ છે. વિજયરાયે લગભગ બબડતા બબડતા વિદાય આપી.

૮. એક ડગલું આગળ

ઇન્ટર કોલેજીયેટ મ્યુઝિકલ હરીફાઈમાં રોહિત અને અનિલ વચ્ચે ગજબની કશ્મકશ હતી. કોણ સારું ગાય છે તે કહેવાનું મુશ્કેલ હતું, તો નિર્ણાયકો માટે નિર્ણય કરવાનો પણ અઘરો હતો. છેવટે નિર્ણાયકોએ અનિલ ને પ્રથમ વિજેતા જાહેર કર્યો હતો.

ત્રણ દિવસ પછી નિરાશ વદને અને ઢીલા પગલે રોહિત એની કૉલેજ કેમ્પસમાં દાખલ થયો. કેટલાકે કોન્સોલેશન તો કેટલાકે અભિનંદન કહ્યા, પણ રોહિત હજુ વિશાદમાંથી બહાર આવ્યો નહોતો. એને મનમાં લાગ્યું હતું કે એને અન્યાય હતો.

મેઇન ગેટ આગળ પ્રિન્સિપાલ વર્મા સાહેબ ઊભા હતા. ત્રણ દિવસથી તે રોહિતની રાહ જોતા હતા. રોહિત પાસે આવ્યો એટલે વર્મા સાહેબે કહ્યું, “વેલડન માય બોય !” રોહિત “સર....” એટલું જ બોલી શક્યો અને ડુમો ભરાઈ આવ્યો. આંખમાં ઝળહળીયાં આવી ગયાં. વર્મા સાહેબ એને ઑફિસમાં લઈ ગયા સાંત્વના આપી અને પૂછ્યું, “તને શું લાગે છે ?” રોહિતે કહ્યું, “સર મેં સારું ગાયું હતું, પણ મને અન્યાય થયો છે.” વર્મા સાહેબે કહ્યું, “હવે ?” રોહિતે કહ્યું, “શું કરું સર ! સમજ પડતી નથી. આટલી મહેનત પછી પણ ફળ ના મળવાનું હોય તો......” અને ફરી અવાજમાં ડુમો અને આંખમાં ઝળહળીયાં આવી ગયા. “ઓ.કે. રોહિત, કાલે સાંજે કૉલેજના સેન્ટ્રલ હોલમાં મીટિંગ છે. તારે આવવાનું છે.” “યસ સર !” કહીને રોહિતે વિદાય લીધી. કૉલેજમાં જબરી ઉત્તેજના વ્યાપી ગઈ હતી. નોટીસ બૉર્ડ ઉપર મીટિંગની નોટીસ મુકાઈ ગઈ હતી. અને દરેકે શક્ય હોય ત્યાં સુધી આવવું એમ જણાવવામાં આવ્યું હતું.

પાંચ વાગે મીટિંગ હતી અને પોણા પાંચથી જ હૉલ ચિક્કાર ભરાઈ ગયો હતો. વર્મા સાહેબ શું કહેશે અથવા શું કરશે તે જાણવા બધા ખૂબ જ આતુર હતા. મીટિંગ શરૂ થઈ અને વર્મા સાહેબે એકાદ મિનિટની પ્રસ્તાવના સાથે વિદ્યાર્થીઓને પૂછ્યું, “તમારાથી કેટલાને લાગે છે રોહિતને અન્યાય થયો છે ?” મોટાભાગના વિદ્યાર્થીઓએ આંગળી ઊંચી કરી. જે લોકોએ આંગળી ઊંચી કરી નહોતી એમાંના એક જણને સાહેબે પૂછ્યું, “તમને એમ નથી લાગતું કે રોહિતને અન્યાય થયો છે ?” તે વિદ્યાર્થી ઊભો થયો. અને તોળી તોળીને શબ્દો બોલવા માંડ્યો, “સર ! રોહિતે ખરેખર ઘણું સારું ગાયું હતું પણ અનિલે પણ સારું ગાયું હતું. બે વચ્ચે ઉન્નીસ-બીસનો જ ફરક હતો. એટલે કોઈ એને પહેલો ગણે તો તે અન્યાય કેવી રીતે કહેવાય ?”

“રાઇટ માય બોય.” પ્રિન્સિપાલ વર્મા સાહેબે કહ્યું.

પછી એમણે કહ્યું, “ચાલો તમને એક વિડિયો બતાવું.”

કોઈ ઑલિમ્પિક રમતની ૧૦૦ મીટરની રેસનું દશ્ય હતું. હરીફ નં ૫૮૩ અને ૯૦૧ કટોકટ હતા અને કોણ પહેલું હતું તે કહેવાનું શક્ય ન હોતું. વર્મા સાહેબે ફોટો ફીનીશની સ્લોમોશન આ વિડિયોમાં બતાવી નહોતી. પછી એમણે વિદ્યાર્થીઓને પૂછ્યું આ બે માંથી કોણ પહેલું છે ? કોઈએ કહ્યું ૫૮૩ નંબર તો કોઈએ કહ્યું ૯૦૧ નંબર પહેલો છે. વર્મા સાહેબ કહ્યું, “આ હરીફાઈની ફોટો ફીનીશ હવે તમે જુઓ.” એમ કહીને ફોટો ફીનીશ બતાવી પછી કહ્યું, “વિજ્ઞાનના સાધનો દ્વારા આ રમતમાં એ શક્ય બન્યું છે કે આપણે ચોક્કસપણે જાણી શકીએ છીએ કોણ પહેલું હતું બરાબર ?” બધાએ કહ્યું, ”બરાબર !”

ચાલો હવે તમને બીજો વિડિયો બતાવું છું. એ ૫૦૦૦ મીટર દોડની હરીફાઈ હતી. પરંતુ એમાં પહેલા નંબર અને બીજા નંબર વચ્ચે ખાસ્સુ દસેક મીટર જેટલું અંતર હતું. સાહેબે પૂછ્યું, “કોઈને આમાં કોણ પહેલું છે એવી શંકા છે ?” બધાએ કહ્યું, “સર આ તો ઘણું સ્પષ્ટ છે.” સાહેબે રોહિતને પૂછ્યું, “તને શું લાગે છે ?” રોહિતે પણ કહ્યું, “સર, આમાં તો કોઈ સવાલ જ નથી. સવાલ તો ત્યારે આવે છે. જ્યારે બંને કટોકટ હોય છે.”

વર્મા સાહેબે કહ્યું “ીટટ્ઠષ્ઠંઙ્મઅ, આપણને કોઈ અન્યાય ત્યારે જ કરે છે જ્યારે આપણી આપણા હરીફ વચ્ચે કટોકટ સ્પર્ધા હોય. પણ કોઈની મજાલ છે, અન્યાય કરવાની, જ્યારે આપણે આપણા હરીફને આઉટ રાઇટ બીટ કરીએ તો ?” રોહિતે કહ્યું, (સાહેબ હું સમજ્યો)

વર્મા સાહેબે આગળ ચલાવ્યું. જિંદગીમાં પણ આવું જ છે. એક માણસ જરા જેટલો જ આગળ, પહેલી હરીફાઈમાં બતાવ્યા પ્રમાણે ૦.૦૧ સેકન્ડ જેટલો જ આગળ હતો. પણ કેટલો મોટો તફાવત પરિણામોમાં પડ્યો. એને ગોલ્ડમેડલ મળ્યો, દુનિયાભરમાં નામ જાણીતું થયું. બીજાને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. તમે નોકરી લેવા જશો અને જરાક જેટલા આગળ હોવાને કારણે તમારો હરીફ ૨૫-૫૦ હજારની નોકરી લઈ જશે તમે શું કરશો ?

ખંડમાં ખામોશી થઈ ગઈ. કોઈ કંઈ બોલ્યું નહિ. વર્મા સાહેબે આગળ ચલાવ્યું. “રોહિત, ુી ટ્ઠિી ર્િેઙ્ઘર્ ક ર્એ, (અમને તારા માટે અભિમાન છે) પણ આવતે વર્ષે તારે એ હરીફાઈ જીતવાની છે.”

“યસ સર” રોહિતે કહ્યું. વર્મા સાહેબે કહ્યું, “રોહિત, આજે અનિલ તારો હરીફ હતો, કાલે કોઈ બીજો હશે. એ જીતશે તો તને પાછી નિરાશા લાગશે. જિંદગીમાં હરીફો તો આવ્યા જ કરશે. હરીફાઈ એમની સાથે નહીં, જાત સાથે કરો. તારું પોતાનું ધોરણ સુધર્યું કે નહીં તે મહત્વનું છે. તો એકાદ હરીફાઈમાં હારી જવાય તો પણ નિરાશા નહીં, તમને વધારે સારું કરવાની ચાનક ચઢશે. આજે જ, અને અત્યારથી જ તું પ્રૅક્ટિસ ચાલુ કર, હાર્મોનિયમ અને તબલાનો સાથીદાર હાજર છે.”

“યસ સર” બોલીને રોહિત સ્ટેજ પર આવ્યો. “રો...હિ...ત.... રો...હિ...ત...”ના નારા ને તાળીઓથી હોલ ગુંજી રહ્યો હતો. એણે એક રાગ વગાડ્યો. અને મીટિંગ બરખાસ્ત કરવામાં આવી.

બીજે વર્ષે રોહિતનો એટલો બધો અદ્‌ભુત પ્રશંસનીય દેખાવ હતો કે લોકો મોંમાં આંગળી નાંખી ગયા. ગયા વર્ષના ચેમ્પિયન અનિલે પણ એને કહ્યું, “ર્એ ટ્ઠિીર્ ુહઙ્ઘીકિેઙ્મ !”

અને ફરી બીજે દિવસે વર્મા સાહેબે મીટિંગ બોલાવી.

“રોહિત વેલડન માય બોય ! તેં તારું મસ્તક તો ઊંચુ કર્યું જ છે અમારું પણ કર્યું છે.” વર્મા સાહેબે અભિનંદન આપતાં કહ્યું.

“સર ! એ તમારો પ્રતાપ છે. તમારો વિજય છે.” વર્મા સાહેબે કહ્યું, “ના રોહિત, ગયા વર્ષે મીટિંગમાં સેંકડો છોકરાઓ હાજર હતા. એકલા તેં બોધ લીધો, બીજા કેટલાએ પોતાના જીવનમાં પ્રગતિ કરી ? અન્યાયના રોદણા તે જ રડે છે. જેનામાં ખુમારી નથી.” એવા લોકો જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ વિ.ના કારણો આગળ ધરીને પોતાની નબળાઈ અને નિષ્ક્રિયતા છુપાવવા મથે છે. જે વક્તવ્યો સાંભળીને બેસી રહે છે. તેઓ કંઈ મેળવતા નથી. પણ જેના જીવનમાં પ્રથમ સ્થાન મેળવવાની તીવ્ર ઇચ્છા જાગે છે તે જ કંઈક મેળવે છે. ર્દ્ગં જૈદ્બઙ્મી ઙ્ઘીજૈિી, હ્વેં હ્વેહિૈહખ્ત ઙ્ઘીજૈિી. (સામાન્ય ઇચ્છા નહિ પણ બળબળતી ઇચ્છા.) રોહિતના મોઢા ઉપર આજે સંતોષ હતો. પહેલો આવ્યો તેના કરતા પણ સાહેબે એને જે યશ આપ્યો હતો તે એનું મસ્તક વધારે ઉન્નત બનાવી ગયું હતું.