RajaniGandha - 3 K. K. Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

RajaniGandha - 3

રજનીગંધા -૩

ડૉ. કે. કે. દેસાઈ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.


MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એઇડ્‌ઝ

૨.કરચલાની વાંકી ચાલ

૩.જૂની પત્ની આપીને નવી પત્ની લઈ જાઓ

૪.નારી તું માનિની

૫.મગનભાઈ સ્વદેશી

૬.રમતવીર

૭.વાદળી વરસી ગઈ

એઇડ્‌ઝ

મારી માસીની દીકરી લતાનો કાગળ હું લગભગ દસ વખત વાંચી ગયો હોઈશ. એણે મારે માટે એક સારી છોકરી સજેસ્ટ કરી હતી. એનું નામ મંજરી. સુંદર, પાતળું શરીર, એમ.એ. થયેલી, સૌમ્ય, સજ્જન, કોઈ કશો ડાઘ નહિ, પપ્પા તેમજ કુટુંબ પણ ખાનદાન અને અમારી જ્ઞાતિમાં આગળ પડતું. આથી લતાએ લખ્યું હતું, “કિશન, આ છોકરી ગુમાવવા જેવી નથી.

જેણે પાંચે આંગળીએ ભગવાન પુજ્યા હશે તેને જ આ છોકરી મળશે.”

એણે ભગવાન પૂજવાની વાત લખી હતી એટલે મને થયું ભગવાનની મદદ તો જોઈએ જ. કોઈ કે કહ્યું છે ને કે જોડી તો ભગવાન જ નક્કી કરે છે. એટલે અમારી વિસ્તારના સંતોષી માતાના મંદિરમાં જઈ આવ્યો. ત્યાં માનતા પણ માની. “હે સંતોષી મા ! મંજરી જોડે મારું નક્કી થઈ જશે તો એક નાળિયેર વધેરીશ, પાંચ દીવા અને પચ્ચીસ અગરબત્તી કરીશ.” મારો મિત્ર કહે છે, આ તો ભગવાનને લાંચ આપી કહેવાય, ખબર નહીં. એટલે એને જોવા અમદાવાદ જવા માટે સવારે હું અને મારો મિત્ર મહેશ ગુજરાત ક્વીનમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને ટ્રેનમાં પ્રવેશ્યા. બાપ રે ! કેટલી બધી ગીર્દી ? ભારતમાં બીજો કોઈ ગ્રાફ ઊંચો જાય છે કે નહિ તે ખબર નથી. પણ વસ્તીવધારાનો ગ્રાફ તો ઊંચો જાય જ છે. ફર્સ્ટ ક્લાસના કંપાર્ટમેન્ટમાં નજર કરી તો ખૂણામાં એક માજી બેઠેલા. અર્ધી ઉઘાડી, અર્ધી બીડેલી આંખે હોઠ ફફડાવતા હતા. ફિલ્મનું ગાયન તો નહિ જ ગાતા હોય ભગવાનનું કોઈ સ્તોત્ર જ ગાતા હશે ને !

એની બાજુમાં એક સુંદર યુવતી બેઠી હતી. એમની દીકરી હશે કે દીકરાની વહુ ? એ કોઈ અંગ્રેજી સામયિકના પાના ઉથલાવી રહી હતી. એને જોઈએ તો જોયા કરવાનું ગમે એવી એ સુંદર હતી.

એની બાજુમાં એક તાલિયો બેઠેલો હતો. એના ગંદા દાંત પાન ખાઈને લાલ થઈ ગયા હતા. એ આજુબાજુ જોયા કરતો હતો.

એની બાજુમાં એક ખાદીધારી સજ્જન બેઠા હતા. ખાદીનો ઝભ્ભો, લેંઘો અને બગલથેલો. કાંતો કોઈ રાજકીય કાર્યકર હશે કે સમાજસેવક હશે ?

કદાચ કોઈ પત્રકાર પણ હોય. હમણાના જમાનામાં પૈસા તો આવા જ લોકો પાસે હોય છે. દેખાવે સીધા લાગે પણ દેખાડવાના અને ચાવવાના દાંત જુદા.

ઉપરની બંને બર્થ તો સામાનથી ભરેલી, એટલે ત્યાં તો બેસાય એવું ન હોતું.

એની સામેની બર્થ ઉપર એક કેરાલીયન કુટુંબ હતું. મને લાગે છે કે કોઈ ઊંચી સરકારી નોકરીમાં સારી પોઝિશન પર હોવો જોઈએ. શૂટ-બૂટ પહેરીને બેઠેલા અને કપાળમાં મોટું તિલક પણ હતું. દક્ષિણના લોકો માટે મને એ રીતે માન છે. ગમે તેવી મોટી પોઝિશનમાં હોય ભગવાનને ભૂલતા નથી. એટલે પછી ભગવાન પણ એમને ના જ ભૂલે ને !

એની બાજુમાં એની પત્ની, પીળી કીનારની ઘેરા ભૂરા રંગની કાંજીવરમ સાડી પહેરીને બેઠી હતી પણ એના શ્યામ વર્ણ સાથે એવી મળી જતી હતી કે રાત્રે જો ઓછા પ્રકાશમાં મળે તો ખબર જ ન પડે કે સાડી શરીરથી જુદી છે. ખરેખર અદ્‌ભુત (!) લાગે.

એની બાજુમાં બે નાના છોકરા કંઈ ખાતા હતા અને અંદર અંદર મારામારી મસ્તી ખેંચતાણ અને એકબીજાનું ખાવાનું લઈ લેવાની પેરવીમાં હતા. થોડી થોડી વારે એની મમ્મી એમની ભાષામાં ખોટું ખોટું ધમકાવતી હતી. જે સાંભળ્યા વગર તેઓ તો પોતાની મસ્તીમાં રત હતા. એની બાજુમાં એક સાધુબાવા બેઠેલા. સાધુઓની સાદગી તો હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે. મોટા ભાગના આપણા કરતા વધારે પૈસાદાર, વધારે એશઆરામની જિંદગી જીવે, સંસારની પળોજણોમાં વધારે રચ્યાપચ્યા રહે અને છતાં આપણને ત્યાગ અને મોક્ષના ભાષણો ઝીંકે રાખે. મનમાં મારી જાતને ગાળો દીધી. ઝ્ર.છ

થતાં થતાં તો નાકે દમ આવી ગયો. રાતોના રાતો ઉજાગરા, વાંચવાનું, બીજાને સલાહ આપવાની પૈસા કેમ બચાવવા ? પણ આપણે અમલ કરવાનો નહિ ! પૈસા આવે ત્યારે બચાવવાના ને ? એના કરતાં આવા સાધુ થયા હોત તો સારું. નહિ કોઈ ટેક્ષ નહિ કોઈ ફીકર.

બીજા બે-ત્રણ જણા પણ વચ્ચે ઊભેલા.

પાછી લતાની સલાહ યાદ આવી, “છોકરી ગુમાવવા જેવી નથી.”

ગઈકાલે રાત્રે ૧૨-૦૦ વાગ્યા સુધી કામ કર્યુ, અને સવારે ૪-૦૦ વાગે તો ઉઠી જવું પડ્યું. એટલે થાકેલો અને ઊંઘરેટો તો હતો જ તેમાં પાછું ૫-૬ કલાક ઊભા ઊભા અમદાવાદ જવાનું, થાકીને લોથપોથ થઈ જવાય.

પછી પેલી મંજરી આગળ આપણો વટ કેવી રીતે પડે ? એટલે ગમે તે રીતે થોડો આરામ તો કરી જ લેવો જોઈએ. થોડું ઊંઘવાનું મળે તો સારું.

એમ વિચાર કરતા કરતા એક વિચાર આવ્યો, અને મહેશને કાનમાં એ વિચાર કહ્યો. મહેશ થોડું હસ્યો. પછી થોડીવાર પછી એણે પેલા સાધુ મહારાજને બધા સાંભળે એમ કહ્યું, “મહારાજ થોડી જગ્યા કરો ને ! આ ભાઈને બિચારાને એઇડ્‌ઝ છે એટલે એનાથી ઊભું રહેવાતું નથી.”

અને ખલાસ !

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી અમેરિકનો નહિ ચોંક્યા હોય એના કરતા વધારે આ ડબ્બાના મુસાફરો ચોંક્યા, ચમક્યા. હડકાયું કૂતરું હોય તેમ નાકના ટેરવા બધાના ચઢી ગયા.

સાધુબાવા તો તરત ઊભા થઈ ગયા. ‘ઇતની ઉંમર મેં એઇડ્‌ઝ ! રામ ! રામ !’ બોલતા તરત ડબ્બાની બહાર ભાગ્યા.

પેલી યુવતી પણ મારા તરફ ઘૃણા અને ઉપેક્ષાના ભાવ સાથે તરત બહાર દોડી. મેં એને બહાર જવા માટે તરત જગા કરી આપી. એની જોડે જ પેલો તાલિયો પણ દોડ્યો, “મામા, ચાલો આના કરતા થર્ડનો ડબ્બો સારો !” પેલીએ મામાને ઉદ્દેશીને કહ્યું. મેં મનમાં વિચાર કર્યો, થર્ડના ડબ્બામાં કેટલાને એઇડ્‌ઝ હશે, તે ગણવા જવાની છો ? પણ તે જતી રહી તેનું દુઃખ થયું એને જોયા કરવાની ઇચ્છા થાય તેવી તે સુંદર હતી.

પેલો કેરેલીયન ઑફિસર પણ તરત ઊભો થઈ ગયો. અને અંગ્રેજીમાં એની પત્નીને ઉદ્દેશીને કહે, “ આ બધી ટી.વી.ની જ મોકાણ છે.

ટૂંકા કપડાં પહેરીને પેલી બધી નાંચ્યા કરે પછી આવા જ સંસ્કાર આવે ને !” અને એમના છોકરાને ટી.વી. નહિ બતાવવાના સોગંદ ખાતા ખાતા એ આખું કુટુંબ બહાર નીકળી ગયું.

પેલા માજીને કંઈ સમજ ન પડી બધા બહાર કેમ નીકળે છે ? “બધા બહાર કેમ જાય છે ? ડબ્બામાં બૉમ્બ છે કે શું ?” એણે ગભરાઈને પૂછ્યું.

પેલા ખાદીધારી કહે, “અરે બૉમ્બ કરતા ભયંકર, આનો ચેપ આપણને લાગે તો આપણું આખું ઘર બરબાદ થઈ જાય.” મને મનમાં હસવું આવ્યું. એઇડ્‌ઝનો ચેપ સ્પર્શથી લાગતો નમ્‌ એમ ટી.વી. પર કેટલી બધી વખત બધા કહ્યા કરે છે, પણ અધૂરું જ્ઞાન કેટલું ભયંકર છે તેનો ખ્યાલ આવ્યો.

ડબ્બો આખો ખાલી થઈ ગયો. એક સીટ પર હું અને બીજી પર મહેશે લાંબા થઈને લંબાવ્યું બહાર ઊભા રહેલા આ બધા મુસાફરોની કચપચ અને ગુસ્સો નફરત અને ધિક્કારના શબ્દો અમને સંભળાતા હતા. પણ અમને એની ક્યાં પરવા હતી ? દુનિયા તો બોલ્યા કરે. આપણને શું ફાયદો છે તે જ આપણે તો જોવાનું ને ? નહિ તો આ દુનિયામાં જીવાય જ નહિ.

દરેક સ્ટેશને નવા નવા મુસાફરો આવે પણ બહાર ઊભેલા એ લોકોને ચેતવી દે એટલે કોઈ અંદર આવે જ નહિ.

આપણું રિઝર્વેશન હોય તો પણ બધા આપણને જગાડ્યા કરે ચાવાળો, પોલીશવાળો અને કંઈ કેટલાક મુસાફરો આપણને હેરાન કરે પણ આતો સુપર રિઝર્વેશન હતું ને ?

પેલો કેરાલીયન ઑફિસર તો ગુસ્સે થઈ ગયો. એ કહે, ‘હું ટી.ટી.ને બોલાવી લાવું છું. પોલીસને બોલાવી લાવું છું. આ બેને કારણે આપણે બધી તકલીફ વેઠવી પડે તે કેમ ચાલે ?’ બધાએ એમાં સૂર પૂરાવ્યો, ‘સાચી વાત છે એ લોકો ખાતર આપણે શું કામ મુશ્કેલી ભોગવવાની ?’

થોડીવારમાં ટી.ટી. આવ્યો અને બારણા બહાર ઊભા ઊભા જ અમારી પાસે ટિકિટ માંગી. મેં મારા ખિસ્સામાંથી ટિકિટ કાઢી એની સામે ધરી. એ બે ડગલા પાછળ હટી ગયો. ટિકિટ તો બરાબર હતી. એટલે પેલા ઑફિસરને કહે, “એ કાયદા પ્રમાણે મુસાફરી કરે તો મારાથી કેવી રીતે ના પડાય ? “પેલો ખાદીધારી સજ્જન કોઈ સિપાઈડાને પકડી આવ્યો. પેલો પોલીસ ફાંદ હલાવતો ડંડો વીંઝતો આવી ચઢ્યો. “કોણ છે ? કોણે દારૂ પીધો છે ?” મને કહે, “એઇ શું ધમાલ છે ? બહાર નીકળ.”

મહેશ તો વકીલ હતો. તે કહે, “જમાદાર અમારો કોઈ ગુનો નથી. હું વકીલ છું અને અમને ખોટી રીતે પકડશો કે હાથ લગાડશો તો હું કાયદેસરના પગલાં ભરીશ.” પોલીસ તો ઠંડો પડી ગયો. ગેં ગેં ફેં ફેં કરવા લાગ્યો એટલે પેલા ખાદીધારીએ કહ્યું, “તમે આને બહાર નહિ કાઢો તો હું અપવાસ કરીશ. સત્યાગ્રહ કરીશ. ગાડી ચાલવા નહિ દઉં.” પેલો પોલીસ કહે, “તમે થોભો, હું વોરંટ લઈને આવું છું.” એમ કહીને નીકળી ગયો.

હું અને મહેશ પાછા હસ્યા. પોલીસ અને રાજકારણીઓ આફત વખતે ક્યાં જતાં રહે તે જડે જ નહિ. બધું શાંત થાય પછી જ દમ મારતા આવે.

મેં મજાકમાં એ ખાદીધારીને કહ્યું, હું પણ તમારી જોડે અપવાસમાં જોડાઈશ. આમ પણ અમદાવાદ ૫-૬ કલાકમાં આવશે. ત્યાં સુધી તો આપણે અપવાસ જ છે ને ?

મહેશ પણ કહે ફક્ત આપણે જ શું કામ ! આ ટ્રેનના ૮૦-૯૦ % લોકો તમારી જોડે અપવાસમાં જોડાશે.

પેલો ઘુંઘવાતો ઘુંઘવાતો કંઈ કંઈ બોલતો રહ્યો અને અમે નિરાંતે ઊંઘી ગયા.

અમદાવાદ આવ્યું ત્યારે અમે ફ્રેશ હતા. બહાર નીકળી વેઇટિંગ રૂમમાં જઈને મોઢું ધોયું, પાવડર લગાડ્યો, સ્પ્રે પણ છાંટ્યું અને નવા કપડાં પણ ચેન્જ કરી લીધા, અને અમે બંને આપેલા સરનામે જવા રિક્ષામાં બેસી ગયા.

અમારે સીધું લતાને ત્યાં જવાનું હતું, અને ત્યાંથી અમે સીધા મંજરીને ઘરે ગયા.

મંજરીના મમ્મી-પપ્પાએ અમારું સ્વાગત કર્યુ. લતાએ અમારી ઓળખાણ કરાવી. અમે બેઠા. મેં ચારેબાજુ ઘરનું નિરીક્ષણ કરવા માંડ્યું. સુંદર ઘર હતું. પોર્ચમાં ગાડી હતી. સુંદર સજાવટ અને સારા ડ્રોઇંગ તેમજ મેચીંગ પડદા વિ. ખરેખર ખૂબ જ સુંદર હતું.

“આ બધું મંજરીનું સિલેક્શન છે.” મંજરીની માએ કહ્યું. મેં મનમાં કહ્યું. અત્યારે તો બધું સારું સારું એના નામે જ ચઢાવવાનું હોય ને !

“બેટા મંજુ, પાણી લાવ ને ?” મંજરીની માએ સાદ પાડ્યો. મંજરી જેવું સુંદર નામ એણે મંજુ જેવા સામાન્ય નામમાં ટૂંકાવ્યું તે મને ના ગમ્યું. હું વિચારમાં પડ્યો હું એને શું કહીશ !

એટલામાં મંજરી એક ટ્રેમાં ત્રણ ગ્લાસ પાણી લઈને આવી. અરે ! આ તો પેલી ટ્રેનવાળી જ યુવતી.

એણે મારી સામે અને મેં એની સામે જોયું તેવું એ છળી પડી. સાપ જોયો હોય તેમ તે બોલી, “મારે આની જોડે લગ્ન નથી કરવા. આને તો એઇડ્‌ઝ છે. મેં એને કહેવાનો પ્રયત્ન કર્યો કે, મને એઇડ્‌ઝ નથી, પણ એની સાંભળવાની તૈયારી ન હોતી.

હાથમાંથી બાજી સરી જતી જોઈ હું પણ ઉદ્વિગ્ન થઈ ગયો. એ જતી હતી ત્યાં પાસે જઈ મેં કહ્યું, “મને સાંભળો તો ખરા !” પણ એ કંઈ પણ સાંભળવાના મૂડમાં ન હોતી. અને સીધી અંદર જતી રહી.

લતા અને એના મમ્મી-પપ્પા તો સમજી જ ના શક્યા કે શું બન્યું ? એને એઇડ્‌ઝ છે એમ મંજરીએ કેમ કહ્યું ?

મહેશે ટૂંકમાં બધી વિગતો જણાવી.

એના પપ્પાએ સાંભળી, થોડીવાર વિચાર કરી મંજરીને બૂમ પાડી. એક વખત તો એમનો ખુલાસો સાંભળી લે પછી તારે જે કરવું હોય તે કરજે.

અંદરથી જ મંજરીએ જવાબ આપ્યો, “મારે કંઈ સાંભળવું નથી. આને શરીરનો એઇડ્‌ઝ તો હશે કે નહિ હશે પણ મનનો એઇડ્‌ઝ તો છે જ. જે માણસ એક નજીવા ફાયદા માટે બીજાને પારાવાર મુશ્કેલીમાં ધકેલે, પોતાની આટલી માનહાનિ થવા દે, પોતાને આટલી નીચી કક્ષાએ લઈ જાય તેવાને એઇડ્‌ઝ હોય તો પણ શું અને ન હોય તો પણ શું ?”

કરચલાની વાંકી ચાલ

ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે, આંખેદેખ્યો હેવાલ તંત્રીશ્રીને રોજ મોકલવા માટે મારે પહાડીઓના દુર્ગમ જંગલોમાં ભટકવું પડતું હતું. ખાવા- પીવાનું ઠેકાણું નહિ, નહાવાનું પણ નહિ અને રાત્રે જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જવાનું. ગમે ત્યારે ગમે તે બાજુથી જંગલી જનાવર કે દુશ્મન દળો દ્વારા ગોળીઓની રમઝટ બોલાય તેનો ભરોસો નહિ. ભયંકર શારીરિક અને માનસિક યાતનાના દિવસો પૂરા કર્યા પછી આરામ લેવાની ઇચ્છા હોય એ સ્વાભાવિક છે. અને તેથી મિત્રો સગાવહાલાથી દૂર વર્તમાન પત્રો રેડિયો ટી.વી. થી દૂર એવી જગ્યા પર જવાનો વિચાર કર્યો. અને એમ મેં કોંકણ કિનારા પર આવેલા ગણપતિપૂલેમાં પગ મુક્યો.

સુંદર દરિયાકિનારો, ગંદકી વગરની સોનેરી રેતી, નાળિયેરીના ઝુંડ અને વહેલી સવારનું આહલાદહ વાતાવરણ મનને તાજુ કરી દેવા અને પ્રફુલ્લિત બનાવવા પૂરતુ હતું. કોઈ પક્ષીના પગલા જેવા સ્ટાર ફીશના પંચતારક નિશાનો ઠેર ઠેર જોયા તો ઠેર ઠેર કરચલાના નાના દરો પણ જોવા મળ્યા. કરચલો એક ગજબનું પ્રાણી છે. એના દરમાંથી એ રેતી બહાર કાઢે અને પોતાના દરથી દૂર નાંખી આવે. નાના કરચલા રાઇ જેટલી નાની માટીના ઢગલા કરે તો મોટા કરચલા મોટા ટુકડા ના ઢગ બનાવે. ભરતી આવે ત્યારે આ બધા જ દર પુરાઇ જાય અને ઓટ થાય એટલે કરચલા ફરીથી આજ પ્રક્રિયા ચાલુ કરી દે.

એક મોટા દર આગળ એક મોટો કરચલો બેઠો હતો. દૂરથી મેં એને જોયો અને એને નજીકથી મારા કૅમેરામાં કેદ કરવાની ઇચ્છાથી જ્યાં ને એ દિશામાં પગ ઉપાડ્યો કે તરત તે પોતાના દરમાં ઘુસી ગયો. એ દરના મોઢા આગળ કૅમેરા ગોઠવી, ફોકસ કરીને જરાપણ હલન ચલન ન થાય તે રીતે હું લગભગ ૩૦-૪૦ મીનિટ શાંતિથી બેઠી રહી પણ શી ખબર કેવી રીતે કરચલાને ખબર પડતી હતી તે બહાર જ નહોતો આવતો. આખરે લાંબી તપશ્ચર્યા પછી ધીરે ધીરે એણે દરમાંથી ડોકું કાઢવાની શરૂઆત કરી. હજુ તો હું કૅમેરામાં ક્લિક કરું તે પહેલા તો તે પાછો દરમાં જતો રહ્યો. બીજી પાછી લાંબી તપશ્ચર્યા કરવાની ધીરજ મારામાં નહોતી.

દરિયા કિનારે ઘણા ઓછા લોકો હતા. અને હજુ તો વહેલી સવાર હતી. સહેલાણીઓ ફરવા આવે પણ જ્યારે ફરવાનો સાચો સમય હોય ત્યારે તો હોટલના એરકંડીશન રૂમમાં ભરાઈ રહેવાનું પસંદ કરે તે મને હંમેશા નવાઈ લાગી છે. ટહેલતા ટહેલતા દૂર એક માનવ આકૃતિ નજરે પડી. તે રેતી સાથે રમી રહી હોય એમ લાગ્યું. કુતૂહલતા એ પત્રકારનો વિશેષ ગુણ હોય છે. કુતૂહલતા ન હોય તે સારો પત્રકાર ભાગ્યે જ બની શકે છે. એટલે સ્વભાવગત જ મારા પગ એ દિશામાં ઉપડ્યા. હજુ તો એનાથી લગભગ ૧૦૦-૧૫૦ ફૂટ દૂર હતી અને તરત જ તે માણસ ઊભો થયો અને દોડીને બાજુમાં કોટેજમાં ભરાઈ ગયો.

વધારે પાસે જઈને જોયું તો એણે રેતીમાં એક સરસ શિલ્પ બનાવ્યું હતું. એ ખરેખર જ એટલું સુંદર હતું કે બે ઘડી જોયા જ કરીએ. અંજટા- ઇલોરામાં કંડારેલી મૂર્તિઓ જેવું એ શિલ્પ એની સપ્રમાણ અંગ ભંગીઓ, દેહ લાવણ્ય અને મુખ પરના ભાવ અદ્‌ભુત રીતે વ્યક્ત કરતા હતા. એકવાર જો દુનિયાના લોકોની નજર આ કળા ઉપર પડે તો સમગ્ર વિશ્વમાં એની નામના થાય એટલું સુંદર હતું. મને થયું એને અભિનંદન આપવા જોઈએ અને ઉત્સાહ પણ વધારવો જોઈએ. એટલે એની કોટેજની બહાર મેં રાહ જોઈ. લગભગ અર્ધો કલાક થઈ ગયો પણ એના દર્શન થયા નહિ. થોડી મિનિટો પહેલા જોયેલ કરચલો યાદ આવ્યો.

આખરે કંટાળી હોટેલમાં પાછી ફરી. ડાઇનીંગ હોલમાં જમવા ગઈ ત્યારે ડીશનો ઑર્ડર કર્યા પછી સમય પાસ કરવા ત્યાં પડેલું વર્તમાન પત્ર હાથમાં લઈ પાના ફેરવવાનું ચાલુ કર્યું. ભવિષ્યની કોલમમાં સૂર્ય રાશી પ્રમાણે કેન્સર અથવા કરચલાનું વર્ણન હતું. તેમાં લખ્યું હતું આ માણસો સ્નેહભૂખ્યા હોય છે. ઘણા શરમાળ હોય છે ઘણે બધે અંશે લઘુતાગ્રંથી અનુભવતા હોય છે પરંતુ એમને સાચો પ્રેમ મળે તો એમનામાં રહેલી સર્જનાત્મક શક્તિ પૂર બહારમાં ખીલી ઉઠે છે અને દુનિયા ચકિત થઈ જાય એટલી સારી કાર્યકુશળતા ધરાવે છે. પણ જરાક પ્રતિકૂળતા નજરે પડતા તરત જ પોતાના કોચલામાં ભરાઈ જાય છે. જેમાંથી એમને બહાર કાઢવાનું અઘરું હોય છે. પણ તેઓ ઉદ્યમી હોય છે અને લીધેલ કામ માટે ગમે તેટલી નિષ્ફળતા મળવા છતાં ચાલુ રાખ્યા કરે છે. અને અંતે સફળતા મેળવતા હોય છે.

રેતીમાં દર કરનાર કરચલો અને રેતીમાં શિલ્પ કરનાર આ માનવીની કળા દરરોજ ભરતી વખતે ધોવાઈ જતી હશે અને છતાં દરરોજ તે આ ઉદ્યમ કર્યા જ કરતો હશે ને ? બીજે દિવસે વહેલી સવારે મેં તેજ કુટીર તરફ પ્રયાણ કર્યું. કુટીરથી ઘણે દૂર એ માણસ ફરતો હતો અને તે તરફ જવા માંડતા જ તે ફરી દોડીને તેના ઘરમાં ભરાઈ ગયો. સામાન્ય રીતે મારો વર્તાવ અને રીતભાત સજ્જન હોય છે. પોતાના સ્વાર્થ માટે સામા માણસના અંગત જીવનમાં દખલ કરનારા પાપારાઝીઓ માટે તેથી જ હંમેશા અણગમો રહે છે. અને હું એવી પાપારાઝી થવા માંગતી નહોતી પણ એનું વર્તન મને એટલુ વિચિત્ર લાગ્યું કે આજે મેં મારો નિયમ તોડવાનો નિશ્વય કર્યો. કોટેજ કંપાઉન્ડમાં દાખલ થઈ અને કોટેજની ચારે-બાજુ ૨-૩ વખત મેં આંટા માર્યા. કોણ જાણે કેમ મને એવી અનુભૂતિ થઈ રહી કે જાણે બંગલામાંથી મને કોઈ જોઈ રહ્યું છે. પણ બધા જ દરવાજા બંધ હતા અને બધી બારીઓ આગળ પડદા લટકાવેલા હતા એ કોટેજની પાછળની બાજુ પર એક નાળિયેરીનું થડ આડું પડેલ હતું. હું તેના પર બેસી રહી અને થોડી થોડી વારે એ બારીઓ તરફ જોઈ લેતી. અચાનક એક બારીનો પડદો જે થોડો ઉઘડેલો હતો તે પાછો બંધ થઈ ગયો. મારું મન દ્વિધા અનુભવવા લાગ્યું. એની કોટેજને બારણે ટકોરા મારીને તેમાં પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કરવો કે ના કરવો તે હું નક્કી કરી શકતી નહોતી. બે ત્રણ વખત ઘરના પગથિયા પણ ચઢી પણ છેવટે મારામાં રહેલો સજ્જન પત્રકાર જીત્યો અને ખાલી લાંબો સમય રાહ જોયા પછી મેં ફરી મારી હોટલ તરફ પ્રયાણ કર્યું.

ફરી બીજા બે દિવસે મેં એ દિશામાં આંટો માર્યો પણ હવે મારી ઉત્કંઠાનો અંત આવી ગયો હતો. એને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરવા પાછળ મારો કોઈ અંગત સ્વાર્થ નહોતો. જાહેર જીવનના અસંખ્ય નાના મોટા જાણીતા-બીનજાણીતા લોકોના સંપર્કમાં હું આવી છું. એક સ્ત્રી અને તે પણ એકલી હોય ત્યારે એની જોડે પરિચય કેળવવા મોટાભાગના પુરુષો તત્પર હોય છે. અને તેમાં પણ જ્યારે એમને ખબર પડે કે હું એક પત્રકાર છું ત્યારે તો તેઓ લગભગ મારી પાછળ જ પડી જાય છે. પણ એવા લોકોને કેવી રીતે મહાત કરવા, એમને કેટલે અંતરે રાખવા તે પણ હું સારી રીતે શીખી ગઈ હતી. ત્યારે એ બધાથી તદ્દન ઉલટો અનુભવ મને અહીં થઈ રહ્યો હતો. એની જોડે નિર્દોષ વાર્તાલાપ કરવાની મને ઇચ્છા હોવા છતાં આ માણસ મારી ઉપેક્ષા કરી રહ્યો હતો. શા માટે ? શું તે એમ કરીને મને વધારે ઉશ્કેરવા માંગતો હતો ? શું હું એના ઘરમાં પ્રવેશ કરું એની તે રાહ જોતો હતો. ? જો હું એ ઘરમાં પ્રવેશ કરું તો એની શું ઇચ્છા હોઈ શકે આવા અનેક વિચારો મને આવ્યા.

અને એમને એમ ૪-૫ દિવસ વિતાવ્યા પછી ફરી એક સવારે મેં એ તરફ કદમ માંડ્યા ત્યારે તેની કોટેજ આગળ એક માણસ બાગકામ કરી રહ્યો હતો. મેં બૂમ મારી માળીને બોલાવ્યો તે પાસે આવ્યો એટલે પૂછ્યું. “સાહેબ નથી ?” એણે જવાબ આપ્યો કે તે ગઈ રાત્રે બહાર ગયા છે. મેં એને માટે ઘણી વિગતો મેળવવા પ્રયત્નો કર્યો પણ માળી વિશેષ જાણતો નહોતો. એ કહે સાહેબનો સ્ટ્રીક્ટ ઑર્ડર છે એમને વિશે વાત કરવી નહિ. મારે ફક્ત કંપાઉન્ડમાં જ ફરવાનું અને સાફસુફી કરવાની. ઘરમાં પ્રવેશવાની એને પણ મનાઇ હતી. પછી અચાનક યાદ આવ્યું હોય તેમ તે બોલ્યો પણ બેન ઊભા રહો એમની એક ડાયરી તે પાછળ બાંકડા પર ભૂલી ગયા છે. તમે કહો તો લઈ આવું. મેં હા પાડી એટલે એણે ડાયરી મારા હાથમાં મુકી. તે રોજનીશી જેવી હતી. પણ તારીખવાર ન હોતી. એને જ્યારે જ્યારે કંઈ લખવાની ઇચ્છા થઈ હશે ત્યારે એણે એમાં લખ્યું હતું.

એના ઉપરથી એના સ્વભાવ અને વર્તન માટે મને ઘણું જાણવા મળ્યું. એમાં જે લખ્યું હતું તેનો સાર કંઈક આવો હતો. હું સ્ત્રીઓને ધીક્કારું છું. એ ફક્ત પોતાની જ સુખ સગવડનો વિચાર કરે છે. એની સુખ સગવડ સલામતી સચવાતી હોય તો ગમે તેવા કુરૂપ પુરુષ પાસે પણ જવા સ્ત્રીઓ તૈયાર હોય છે. ભૂતકાળના એના કેટલાક મિત્રોના દષ્ટાંતો એણે લખ્યા હતા જેમાં તેઓ સારા હોવા છતાં એના કરતા ખરાબ દેખાવવાળા પુરુષો સાથે, ફક્ત તેઓ અત્યંત ધનિક હોવાને કારણે, તેમની પ્રિયતમાઓએ સંબંધો રાખ્યા હતા અને આવા પ્રેમને ઠોકરે મારી મિત્રોના દિલ દુઃખાવ્યા હતા. થોડા પાના ફેરવ્યા બાદ ફરી એણે લખ્યું હતું. મારામાં શું છે ? નથી હું દેખાવે સુંદર, નથી ધનિક. એક ફક્ત રેતીમાં શિલ્પો બનાવી શકું તેના કરતાં વિશેષ કોઈ આવડત નથી. અને આ શિલ્પોની શું કિંમત ? દરિયાનું એક જ મોજું એને ધોઇ કાઢવા પૂરતું છે. મેં મનમાં વિચાર કર્યો આ માણસને એની શક્તિની ખબર જ નથી. દુનિયા ભરમાં ફક્ત દસ-બાર લોકો જ કદાચ આટલી સુંદર કલાકૃતિ બનાવી શકતા હશે.

ફરી થોડા પાના ફેરવ્યા અને તેમાં મારો ઉલ્લેખ કર્યો હતો તેમાં લખ્યું હતું આજે એક સ્ત્રી મારા તરફ આવી પણ હું સ્ત્રીઓને ધિક્કારું છું. પણ એ તો મારી પાછળ પડી ગઈ છે. ઘરની આજુબાજુ આંટા મારવા, લાંબો વખત બેસી રહેવામાં એનો શું આશય હશે ?. શું એ ફક્ત આત્મરંજન માટે કે ટાઈમ પાસ માટે મારો ઉપયોગ કરવા માંગતી હશે ? એ જ્યારે કંપાઉન્ડમાં પાછળ બેસી રહી હતી ત્યારે મને એને જોવાની તક મળી. દેખાવે સુંદર-ગમે એવી છે. એણે બે-ત્રણ વખત ઘરમાં આવવાના પ્રયત્ન કર્યા એમ મને લાગ્યું. એ જ્યારે જ્યારે ઘરની પાસે આવતી ત્યારે મારા હ્રદયની ધડન્કો વધી જતી. એ ઘરમાં આવશે તો હું શું કરીશ ? શું કહીશ ? એ શું કરશે ? શું કહેશે ? વિ. વિચારો મને ઘેરી વળતા. જિંદગીમાં પહેલી વખત એક ન સમજાય એવી દ્વિધા એ મને ઘેરી લીધો છે. એક બાજુ એમ થાય છે કે એ ન આવે તો સારું, પણ બીજી બાજુ એવો પણ વિચાર આવે છે કે એ આવે અને મને એના પ્રેમમાં તરબોળ બનાવી દે. (પ્રેમ શબ્દ વાંચીને મને હસવું આવ્યું. હજુ તો એને જાણતી નથી એ મને જાણતો નથી એક શબ્દની આપલે થઈ નથી અને સીધો આવો વિચાર ક્યાંથી આવવા માંડ્યો) આગળ એણે લખ્યું હતું. મારું સમગ્ર ચેતના તંત્ર, મારું સમગ્ર શરીર, મારું સમગ્ર આત્મતત્વ એને પામવાની અદ્‌ભુત ઉત્કંઠા ધરાવતું થઈ ગયું છે. મારી અત્યાર સુધીની જિંદગીમાં મેં જે વિચારો ઘોળ્યા કર્યા છે તેનાથી તદ્દન વિપરીત વિચારો કરતો આ સ્ત્રીએ મને કરી દીધો છે. પણ હું પહેલ કરી શકું એમ નથી. અને આથી મેં મારા પાછળનો દરવાજો ખાલી બંધ રાખ્યો હતો એને કડી કે આગળો પણ માર્યો નહોતો. એણે ફક્ત દરવાજો ખોલીને અંદર જ આવવાનું હતું. પણ એ આવી નહિ. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી એથી આ ડાયરી મેં પાછળના બાંકડા પર મૂકી રાખી છે. હું જાણતો નથી કે એ ફરી આવશે કે કેમ પણ આવે તો આ ડાયરી એને આપવાની મેં માળીને સૂચના આપી છે.

છેલ્લે પાને એનું નામ, ફોન નંબર અને પૂરુ એડ્રેસ લખ્યું હતું. ડાયરી બંધ કરીને પર્સમાંથી મેં ધીરે ધીરે મોબાઈલ કાઢ્યો.

જૂની પત્ની આપીને નવી પત્ની લઈ જાઓ

રાજમાર્ગ પર ચાલતો ચાલતો જતો હતો. જમણી બાજુ, ડાબી બાજુ જાત જાતના સેલના બૉર્ડ લાગ્યા હતા. જુદી જુદી સ્કીમ હતી. જુનું ટી.વી.આપો, નવું લઈ જાઓ. જુના બૂટ આપો, નવા લઈ જાઓ. જુનું પેન્ટ આપો, નવું લઈ જાઓ.

મન વિચારમાં પડી ગયું. જુના ટી.વી.ના બદલામાં નવું તો સમજ્યા, એમાંના કેટલાક સ્પેર પાર્ટ કામ લાગે, નવા ટી.વી.બનાવવામાં ઉપયોગી નીવડે. જુનું પેન્ટ પણ જાણે સમજ્યા.કાગળ બનાવવા કામ લાગે, પણ બૂટ ? હશે કઈ કામ આપણે ક્યાંથી ખબર પડે ? લોકો જાત જાતના ઉપયોગ ખોળી કાઢતા હોય છે.

ત્યાં એક બૉર્ડ જોયું, “જૂની પત્ની આપીને નવી પત્ની લઈ જાઓ.” આ તો બહુ સરસ !

માનવ સ્વભાવ છે નવું નવું ખરીદવાનો, નવી નવી વસ્તુ વસાવવાનો.. એક ની એક પત્ની વર્ષોથી સાથે રહેતી હોય, રોજ એક ની એક વાત. એકની એક કચકચ. એની એક નજર આપણી ઉપર પડે એટલે સમજી જ જવાનુંકે મિસાઈલ આવ્યું જ છે. શાક લઈ આવીએ ત્યારે, દુધી કેટલી ઘરડી લઈ આવ્યા ? તમને કઈ આવડે ત્યારે ને ? વી.વી. ભાઈ બંધો જોડે ગપ્પા મારતા બેસી રહો છો એના કરતા કઈ ટ્યુશન કરતા હો તો ? મોંઘવારી કેટલી વધી ગઈ છે ? અને આવા તો અસંખ્ય ટોપીક પર રોજ રોજ બરોજના જીવનમાં જૂની પત્નીઓ પતિદેવોને સંભળાવતી હોય છે. એટલે એના બદલામાં નવી મળતી હોય તો ખોટું નહીં.

ઘણી વાર લોકો પોતાની ૨૫મી કે ૫૦મી લગ્ન જયંતી ઉજવે છે ત્યારે મને નવાઈ લાગે છે. જે વસ્તુ આનંદદ દાયક નથી-શોક ઉત્પન્ન કરતી હોય તેને યાદ શું કરવાનું ? પણ કદાચ માનવસ્વભાવ એવો જ છે.પીડા દાયક બનાવો જ વધારે યાદ રાખીએ છીએ. તેને જ યાદ કરીએ છીએ.

જલીયાવાલા બાગ કે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલો હુમલો દુઃખદ ઘટના નથી ? અને છંતા આપણે એને યાદ કરીએ છીએને ? હશે, જે હશે તે.

દુકાન આગળ એક ચોકીદાર ઊભો હતો. અમેરિકન જેવો લાગ્યો. એ લોકો જ આવી બધી સ્કીમ કરતા હોય છે. જુનું બદલી કાઢતા એમને વાર લાગતી નથી. તેને પૂછ્યું, “ખરેખર નવી મળશે કે બીજાની જૂની જ મળશે ?” એણે કહ્યું, “નવી નક્કોર તમારે જોઈએ તેવી.” જલ્દી અંદર જાઓ. તે લોકો દરેક ઓફર એટલી ઉતાવળથી કરે કે આપણને વિચારવાનો સમય પણ ના મળે.

બારણું ખોલીને અંદર ગયો. અહાહા ! કેવો અદ્‌ભુત શો રૂમ ? ઠેર ઠેર જાત જાતના ફૂલો, સુગંધી વનસ્પતિ, ફળોથી લચી પડતા ઝાડ, અલ્હાદક શીતળતા, બાઘો બનીને હજુ તો પૂરું જોઈ નહોતો રહ્યો કે તરત એક સેલ્સમેન આવ્યો, “બોલો સાહેબ કેવી પત્ની જોઈએ ?”

મે એને કહ્યું, “તમારો શો રૂમ તો અદ્‌ભુત છે જાણે સ્વર્ગ જ જોઈ લો.” એ કહે, “ભગવાનને શેની ખોટ હોય ?” એટલામાં એક સુંદર યુવતી એક બારણું ખોલીને આવી અને બીજા બારણામાંથી અલોપ થઈ ગઈ. હું તો આગળ વિચારવાનું જ ભૂલી ગયો. પેલો સેલ્સમેન કહે, “સાહેબ એમ બાઘા બનીને જોઈ રહેવાની જરૂર નથી આ તો ફક્ત સેમ્પલ હતું. તમે તમારે પસંદ કરોને. એક જોશો ને એક ભૂલશો. અને હા, શોરૂમના વખાણ બદલ આભાર.”

એના શબ્દો “એક જોશો ને એક ભૂલશો” સાંભળીને મને મારી પત્નીની દ્વિધા યાદ આવી. ઘણી વાર એના ડ્રાઈવર કમ મજૂર, કમ કેશિયર તરીકે સાડીની દુકાનમાં ગયો છું. એક પછી એક સાડી કઢાવતી જાય, પોતાના અંગ ઉપર મુકે અને પછી પૂછે, “ કેવી લાગે છે ?” શરૂ શરૂમાં તો કહેતો, “સરસ લાગે છે, આજ લઈ લેને ?” પણ તરત એનો છણકો સાંભળવા મળતો. “તમને તો કઈ ગતાગમ જ પડતી નથી, આવો ભડક કલર કઈ સારો લાગે ?”અને પછી અસંખ્ય સાડીમાંથી ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ માં કલાક બગાડ્યા પછી કહે, “નક્કી નથી કરી શકતી. બંને લઈ લઉં ?” એક વાર ના પાડેલી, “હજુ પગાર થયો.. “હજુ તો આગળ બોલું તે પહેલા તો બોમ્બ ફાટ્યો. મારે માટે એક બસ્સો રૂપરડી ખર્ચાતી નથી ? એટલે પછી બોલવાનું બંધ કરી દીધું. આપણે તો પાકીટ કાઢીને પૈસા જ ગણવાનાને ?”

એ દ્વિધા યાદ આવી એટલે એને પૂછ્યું, “બે લેવાશે ?”, પેલો મારા તરફ જોઈ રહ્યો. પગથી માથા સુધી જોઈને બોલ્યો, “બે સચવાશે ?”

માળું, એણે સનાતન સત્ય કહ્યું. એકને તો સાચવતા સાચવતા નાકે દમ આવી જાય તો બેને સાચવતા શું થાય ? પછી વિચાર આવ્યો જે મેં એને પ્રગટપણે જણાવ્યો. ઘણા પુરુષો બે તો શું વધારે પણ સ્ત્રીઓ રાખે જ છે ને ? એણે ફરી મારી તરફ એવી રીતે જોયું જેમ કોઈ શેઠીઓ કોઈ ભિખારી તરફ જુએ. અને પછી જે વાક્ય મારી પત્ની મને રોજ દિવસમાં દસ વખત કહેતી તે એણે કહ્યું, “એ તમારું કામ નહીં.” મને વિચાર આવ્યો ફક્ત બે જ મિનિટમાં એ મને કેવી રીતે ઓળખી ગયો ?

મે કહ્યું, “સારું એક લઈશું.”

પેલો કહે, “લેટ્‌સ ગો.” પાછો એક બીજો બનાવ યાદ આવ્યો. એક દિવસ મારો એક મિત્ર હિતેશ મારે ત્યાં આવ્યો. મને કહે, “યાર તારું જુનું ટી.વી. આપને !” મેં કહ્યું, “ચાલતું નથી.” એ કહે, “એટલેજ તો માંગું છું. જુનાના બદલામાં નવીની સ્કીમ છે તે ખબર નથી ?” અને એ મારા બગડેલા ટી.વી.ના બદલામાં નવા ટી.વીની કિંમતમાંથી ૫૦૦૦ રૂ. ઓછા આપી આવ્યો. આ વાત મને યાદ આવી એટલે મેં પાછું એને પૂછ્યું, “બીજાની જૂની પત્ની ચાલે ?” પેલો અમેરીકન મને કહે, “યુ ગુજરાથી ?” મેં કહ્યું, “હા.” એટલે કહે, “યુ વેરી સ્માર્ટ, પણ ના એવું નહીં ચાલે.” એને અર્ધેથી કાપીને મેં પૂછ્યું, “યુ અમેરિકન ?” પેલો કહે, “હયા, હયા, પણ જલ્દી કરો, મારી પાસે બહુ સમય નથી.”

પછી મને કહે, “અમારો નિયમ છે. જૂની પત્ની વર્કિંગ કન્ડીશનમાં હોવી જોઈએ.” મેં કહ્યું, “તે તો છે. પેરેલીસીસ નથી થયો, ઝીણામાં ઝીણો વાળ મારા કોટ ઉપર હોય તો તે દૂરથી જ જોઈ લે છે. અને મેં નહીં બોલેલા વાક્યો પણ સાંભળી લે છે.” આટલું બોલતા બોલતા પત્નીની યાદ આવીને પરસેવો પરસેવો થઈ ગયો.

પેલો કહે, “ઓકે, ઓકે. હવે મને કહો તમને કેવી પત્ની જોઈએ ?”

પણ હજુ મારા મનનું એક સમાધાન કરવાનું બાકી હતું. મેં કહ્યું, “તમે વર્કિંગ કન્ડીશનની સ્ત્રી શું કરવા માંગો છો ?” પેલો મને કહે, “તમે ઇન્ડિયન, બહુ પંચાતીયા. અમે આવા પ્રશ્નો કોઈ દિવસ પૂછતા નથી. પણ ગ્રાહકોને સંતોષ આપવો મારી ફરજ છે, એટલે કહું છું. એક તો લોકોની પ્રવૃત્તિ ઘણી વધી ગઈ છે, એટલે નવા નવા સ્પેર લાવવા ક્યાંથી ? અને બીજું ગાર્બેજમાં તમે વસ્તુ મુકી આવો તો અમારે એના પૈસા ભરવા પડે.” અને ચિઢાઈને બોલ્યો “ઓ.કે. ?” પણ મને આવા છણકાની કોઈ અસર થઈ નહીં. ટેવાઇ ગયો હતો.

મેં કહ્યું, “સરસ પત્ની જોઈએ.”

એ કહે, “દેખાવમાં કે સ્વભાવમાં ?”

મેં કહ્યું, “બંને રીતે.”

પેલો કહે, “નોટ પોસિબલ.”. એટલામાં એક બીજું સેમ્પલ એક બાજુથી બીજી બાજુ જતું રહ્યું.

મેં કહ્યું, “આવી હશે તો ચાલશે.”

પેલાએ કૉમ્પ્યૂટરની એક બે સ્વીચ દબાવી એને પાછું બોલાવ્યું. નાક નકશો ઘાટ બધી રીતે સરસ હતી. મેં એને એની વિશેશતા પૂછી. એણે પેલીને એનું નામ પૂછ્યું. એને જે અવાજમાં એણે જવાબ આપ્યો તે સાંભળીને મને સ્ત્રી અને પુરુષ વચ્ચેની પ્રજા યાદ આવી ગઈ. એણે કહ્યું, “એની બીજી વિશેષતા છે, ઓછામાં ઓછા કપડા. ઉપર અને નીચે બંને તરફથી ટૂંકા. તમારા ઇન્ડિયામાં ટેક્ષ્ટાઈલ પ્રોબ્લેમ છે તે મને ખબર છે.”

મેં કહ્યું, “ના ના કોઈ મોટો પ્રોબ્લેમ નથી. પણ હવે તમારું જોઈ જોઈને અમારે ત્યાં પણ આવી ફેશન ચાલુ થઈ છે. પણ આનો અવાજ બરાબર નથી.”

એણે ફરી સ્વીચો દબાવી “ગુડ વોઇસ ઓ.કે. ?”

મેં હકારમાં ડોકું ધુણાવ્યું. એટલે અંદરથી એક ઠીંગણી, જાડી, સાધારણ કાળી અને મોઢા ઉપર ચાઠાવાળી કોઠી જેવી સ્ત્રી આવી. તેને તો બારણામાંથી જ મેં ના પાડી દીધી. પણ પેલો કહે એનો અવાજ તો સાંભળો. અને પેલીનો અદ્‌ભુત સ્વર સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયો, પણ દેખાવ તો થોડો સારો જોઈએને ?

એણે પાછી સ્વીચ દબાવી, “સારો દેખાવ, સારો અવાજ, બરાબર ?” મેં કહ્યું, “હા.”

ફરી એક મોડલ આવ્યું. સુંદર ઊંચાઈ, સારો અવાજ, ગોરો રંગ, અને દરેક રીતે સપ્રમાણ શરીર. હું હા જ પાડવા જતો હતો ત્યાં એણે કહ્યું, “ફક્ત રોજ શોપિંગ કરવા જોઈશે.”

“ હું કોઈ સરકારી નોકર કે પ્રધાન થોડો છું, એટલા બધા પૈસા લાવવા ક્યાંથી ? એ થોડું કમાતી હોય તો સારું.”

એણે પાછી સ્વીચો દબાવી, “સારો દેખાવ, સારો અવાજ, સારું કમાતી. બરાબર ?”

“બરાબર.”

પાછી એક સુંદર સ્ત્રી આવી. એણે તો આવતાની સાથેજ “હાઈ ડાર્લિંગ”, કહીને હાથ લાંબો કર્યો. હજુ તો એ મને ઓળખતી નથી, જાણતી નથી ને ડાર્લિંગ ક્યાંથી બનાવી દીધો ? પેલો મારા મનની વાત સમજી ગયો. તે કહે, “સ્ત્રી બહાર ફરતી હોય, કમાતી હોય તો બીજા પુરુષો જોડે છૂટથી મળતી હોય, હાય હેલો કરતી હોય, અને હસી હસીને થોડા અડપલા કરતી હોય તો ચલાવી લેવું પડે. તે તો સ્વાભાવિક છે ને ?” મેં કહ્યું, “ના બાબા ના. મને એવું નહીં ચાલે.”

પેલાએ પાછી સ્વીચો દબાવી. ફરી એક ગમી જાય તેવી સ્ત્રી આવી. મેં કહ્યું, “આ બરાબર છે.” મને દ્વિધા થઈ આ લઉં કે પેલી ગઈ તે ? હવે જ મને સ્ત્રીઓની સાડી ખરીદતી વખતની દ્વિધાનો ખ્યાલ આવ્યો.

પણ આગળ વિચારું તે પહેલા પેલો કહે, “અમારો એક નિયમ છે. આ કોઈ નિર્જીવ પૂતળું નથી જીવતી જાગતી સ્ત્રી છે. ઓ.કે. ?” એના જ લહેકામાં મેં જવાબ દીધો “ઓ.કે.” પેલાએ કહ્યું, આપણે જોઈ લઈએ તે મેચ થાય છે કે કેમ ?

પેલી કહે, “ઑફિસથી સીધા ઘરે આવવાનું, મિત્રો જોડે ભટકવા નહીં જવાનું.” મેં કહ્યું, પણ મન ફ્રેશ તો થવું જોઈએને ? અને પેલી મોઢું મચકોડીને ચાલી ગઈ. બીજી આવી, તે કહે, “નો વાઈન, નો વુમન.” મેં કહ્યું, “પણ બીજી સામું જોવાય તો ખરુને ?” પેલી કહે, “નો વે.” મને તો આંખે ડાબલા પહેરાવેલો ગધેડો દેખાયો, મારે એવા ગધેડા દેખાવાની ઇચ્છા નહોતી. જીંદગીમાં બીજું કરવાનું શું ? બીજી સામે જોવાય પણ નહીં તો જીવાય કેવી રીતે ?

પેલાએ કહ્યું, “જલ્દી કરો, બીજા લોકો લાઈનમાં છે.” મેં કહ્યું, “સારૂ એક ચાન્સ.” પેલાએ ફરી બટન દબાવ્યુ. ફરી એક સેમ્પલ આવ્યું, તે કહે, “મને ઘરકામમાં મદદ કરવી પડશે. કુકિંગ, ડીશ વોશિંગ, બગીચાની લોન કાપવાની વિ. કામ કરવું પડશે.” મને કમકમાં આવી ગયા. ઑફિસમાં ગધ્ધાવૈતરું કરીને ઘેર આવીએ અને ઘરે પણ પાછું એવું જ વૈતરું ? એ તે કંઈ લાઈફ કહેવાય ? મને થયું મારું સિલેક્શન કંઈ બરાબર જામતું નથી. એ અનુભવી છે એને જ પસંદ કરવા દઉં. એણે બીજી એકને બોલાવી. તાડના ત્રીજા ભાગ જેવી, અને હેડંબા જેવી સ્ત્રી આવી. એની આગળ તો હું એના બાબા જેવો દેખાંઉ. અને આ અમેરિકન સ્ત્રીનો શું ભરોસો ? હજુ તો ઘરે લઈ જાઉં તેટલામાં છૂટાછેડા માંગીને મિલ્કતમાં ભાગ માટે વકીલની નોટીસ ફટકારી દે. અને જો જરા ઊંચે સાદે બોલ્યા, જોકે એવું તો હું કરું જ નહીં, મારી પત્ની જોડે નથી બોલી શક્યો તે આની આગળ બોલું - તો કોલર પકડીને ફંગોળી દે તો ક્યાંનો ક્યાં જઈ પડું. એનું સિલેક્શન પણ એના જેવું જ હતું. અને મને ક્લીન્ટન યાદ આવ્યા. ભારતની સુંદરીઓ એમને એટલે જ ગમી ગઈ હતી ને ? સારું થયું એ અહીં રહી ના પડ્યા, નહીં તો કાચની દુકાનમાં આખલા જેવો ઘાટ થાત.

મેં એને કહ્યું, “તમારી પાસે કેટલોગ નથી ? એ જોવા દો ને ?” પણ એ તો કહે, “હીટં” હજુ કઈ બોલું તે પહેલા પેલો ફરી કહે, “હીટં ” અને ચોકીદાર મને હાથ પકડીને બહાર લઈ જવા લાગ્યો.

મેં કહ્યું, “મને એક છેલ્લો ચાન્સ તો આપો.”

પેલો કહે હજુ સુધી એક પણ પુરુષ જૂની પત્ની આપીને નવી પત્ની લઈ જઈ શક્યો નથી. તમે વાક્ય સાંભળ્યું નથી, “લગ્ન સ્વર્ગમાં રચાય છે ?” તમે જેવા છો તેવી જ પત્ની ભગવાને તમારે માટે બનાવી છે.

નારી તું માનિની

નામ તો મારું આનંદ છે પણ મારા મિત્રો મને દેવાનંદ તરીકે જ ઓળખતા. કસાયેલું, સ્નાયુબદ્ધ શરીર, કોઈ ચલચિત્ર ના હીરો જેવું મુખારવિંદ, પુષ્કળ પૈસાદાર મા-બાપનું એકનું એક સંતાન એટલે સ્વાભાવિક રીતે જ છોકરીઓ મારી આગળ પાછળ ફર્યા કરતી. ફાઈનલ બી.કોમ. થઈને પિતાજી સાથે ધંધામાં જોડાઈ જવાનો હતો એટલે લગ્નના બજારમાં મારા ભાવ ઘણા ઊંચા હતા. જોકે મને કોઈ મનમાં વસતી નહોતી એટલે કોઈ જોડે હાય હલ્લો સિવાય વધારે સંબંધ નહોતા. અને બહુ જલ્દી લગ્ન કરી લેવાની મારી કોઈ યોજના પણ નહોતી. એક વાર વેકેશન હતું એટલે બધા મિત્રો ગપ્પા મારતા બેઠા હતા, વાતમાંથી વાત નીકળી એટલે કિશોર કહે, “આનંદ, તું એમ માનતો હોય કે તારી પાસે બધું છે એટલે બધી છોકરીઓ તારી પાછળ લટ્ટુ થઈ જાય, તો એ વાતમાં કઈ માલ નથી.”

મને ખ્યાલ હતો કે આજ કાલની છોકરીઓ તો પૈસાને જ મહત્વ આપે છે. છોકરાનું કુટુંબ, સ્વભાવ, દેખાવ વિ. બધું ગૌણ હોય છે, અને મારી પાસે તો આ બધાજ પત્તા હતા એટલે હું જો કોઈ છોકરી માટે પ્રયત્ન કરું તો ૯૯.૯૯ ટકા છોકરીઓ મને નાપાસ ના કરે. એટલે મેં કહ્યું, “હો જાય ચેલેન્જ.”

કિશોરે મને કહ્યું, “હારી જઈશ બહુ ફાંકો ના રાખ.” મેં કહ્યું, “ઈમ્પોસિબલ, એવું બને જ નહીં.”

એટલે એણે કહ્યું, “લાગી શરત. પાંચ પાંચની. હું કહું તે છોકરી જોડે એક મહિનામાં તું પિક્ચર જુએ તો આપણે પાંચ રૂપિયા હારી જવા.” પૈસાનો તો સવાલ નહોતો, વટનો સવાલ હતો, એટલે મેં કહ્યું, “હો જાય, બોલ તું નામ આપ.” કીશોરે થોડી વાર વિચાર કર્યો પછી કહે, “આપણા જ મહોલ્લાની પેલી સુલેખા છે. એક મહિના માં તું એની જોડે પિક્ચરમાં જઈને બતાવ.”

સુલેખા બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણતી હતી. અભ્યાસમાં તેજસ્વી, ઘઉંવર્ણો રંગ, સપ્રમાણ શરીર નિશાળેથી નીસરી જવું પાંસરા ઘેર એ તેનો નિયમ હતો. કોઈ લફરું નહીં, કોઈ જોડે લપ્પન-છપ્પન નહીં. દેખાવે સારી કહેવાય પણ કઈ એવી ીટંટ્ઠિર્ ઙ્ઘિૈહટ્ઠિઅ સારી નહીં. એના ઘર પાસેથી જતા હોઈએ તો મંજુલ સ્વરે તે ગાતી સંભળાય, એટલે આવી અંતર્મુખી છોકરીને પિક્ચર જોવા તૈયાર કરવી તે જોકે મુશ્કેલ તો હતું પણ બહુ અઘરું પણ નહોતું. એટલે શરત જીતવા માટે કોઈ શંકા મારા મનમાં હતી નહીં.

અને કાઉંટડાઉન શરૂ થઈ ગયું. હમણાં તો મારો એક મુદ્દાનો કાર્યક્રમ બની ગયો હતો. સુલેખા.

વેકેશન હોવાથી સુલેખા બહુ બહાર જતી નહીં પણ ઘણી વાર એ કિશોરની બહેન લતા જોડે ફરવા જતી. એના સાંજના ફરવાનો સમય જાણી લીધો અને એક દિવસ એ જતી હતી ત્યાં સામેથી મેં પ્રયાણ કર્યું. પાસે આવ્યા એટલે મેં થોડુ સ્માઈલ આપવાનો પ્રયત્ન કર્યો, પણ એણે કોઈ રીસ્પોન્સ ના આપ્યો. મેં મનમાં કહ્યું કેટલા દિવસ આ અભિમાન ટકશે ?

એક શિકારી પોતાના શિકાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તેમ મેં પણ મારું સમગ્ર ધ્યાન સુલેખા ઉપર કેન્દ્રિત કર્યું હતું. એક બે દિવસ પછી મેં ફરીથી આવો પ્રયાસ કર્યો. અને જાણે વર્ષો જૂની ઓળખાણ હોય તેમ મુક્ત હાસ્ય વેરી દીધું. આ વખતે એના મોઢા ઉપર એવા હાવભાવ આવ્યા જાણે એને નવાઈ લાગી હોય. જાણે એ એમ કહેતી હતી કે ખાસ ઓળખાણ વગર શા માટે મારે હસવું જોઈએ ? અને સ્માઈલ આપ્યા વગર લતા જોડે વાતો કરતા કરતા એ જતી રહી.

કોઈ, બીજા માટે રાતદિવસ વિચાર કરે તો ક્યાં તો એને માટે બહુ પ્રેમ હોય, ક્યાં તો બહુ નફરત. હું પણ રાત દિવસ એના વિચાર કરતો, ફક્ત ફરક એટલો હતો કે એ મારી પ્રેમિકા નહોતી અને મને તેનું અભિમાન તોડવાના ધ્યેય સિવાય બીજી કોઈ લાગણી નહોતી.

અને ૪-૫ દિવસ પછી એક વખત એ એકલી બહાર જતી હતી ત્યારે મેં તક ઝડપી લીધી. મેં પાસે જઈને ધીરેથી કહ્યું, “સુલેખા, વાંચવાની કોઈ સારી બુક છે કે ? વેકેશન છે એટલે સમય બહુ જતો નથી.” સુલેખા આમતો મને ઓળખતી હતી છંતા મારું હૃદય જરા જોરથી ચાલતું હતું. કેવું વિચિત્ર કહેવાય. ? સામાન્ય સંજોગો હોય તો તો કંઈ જ ન થાય પણ આપણે સામેથી અમુક જ રીસ્પોન્સની ઇચ્છા રાખતા હોઈએ તો જ મનમાં ટેન્શન થઈ જાય છે. મારા હાલ તેવા જ હતા.

“મારી પાસે સારી બુક્સ છે ખરી જે તમને વાંચવી ગમશે.” એણે મંજુલ સ્વરમાં જવાબ આપ્યો.

“ક્યારે લેવા આવું ?” મેં વાત આગળ ચલાવી.

“હું કાઢી રાખું પછી કહીશ.” એણે કહ્યું, અને થેન્કયુ કહીને અમે છુટા પડ્યા. ચાલો બરફ પીગળવા તો માંડ્યો છે. મારામાં આશા અને ઉત્સાહનો સંચાર થયો. એ મને કેવી જાતનું પુસ્તક આપશે. સસ્પેન્સ વાળું, હિસ્ટોરીકલ, કે રોમેન્ટિક ? તે ગમે તે હશે. મારે ક્યાં પુસ્તક વાંચવું હતું ? કૉલેજમા પુસ્તકની આપ-લે કદાચ આજ કારણથી થતી હોય છે. તે વખતે તો જરૂર લાંબી વાત થઈ શકશે એની મને ખાત્રી હતી. કારણ મારું મન મને કહેતું હતું, એ પણ મારી જોડે વાત કરવા આતુર હશે જ.

બીજે દિવસે જાતે આવવાને બદલે એની કામવાળી મને ૩-૪ ચોપડીઓ આપી ગઈ. ચોપડીની અંદર કોઈ ચિઠ્ઠી મૂકી હોય તે ખોળવા બધી ચોપડીઓના પાના ઉથલાવી કાઢ્યા. પણ એવી કોઈ ચિઠ્ઠી દેખાઈ નહીં. મને બહુ ગુસ્સો ચઢ્યો. આ અભીમાની છોકરી એના મનમાં શું સમજે છે ? હવે તો ગમે તેમ કરીને પણ શરત જીતવી જ એ ખ્યાલ વધારે દ્રઢ થયો. ત્રીજે જ દિવસે ચોપડીઓ પાછી આપવા એને ઘેર ગયો. એની મમ્મી હતી. મેં કહ્યું ચોપડીઓ પાછી આપવા આવ્યો છું. મમ્મીએ મને ચા વી માટે પૂછ્યું અને બહુ સારો વ્યવહાર કર્યો પણ સુલેખા દેખાઈ નહીં. છેવટે મેં પૂછી નાખ્યું, “સુલેખા નથી ?” એ કહે, “નહાવા બેઠી છે, પણ પછી તરત પૂજામાં બેસે છે એટલે એકાદ કલાક લાગશે.” આ વળી ભક્તાણી નીકળી. કોણ જાણે કેમ મારા પાસા સીધા પડતા નહોતા. પણ હજુ ઘણા દિવસ બાકી હતા એટલે વાંધો નહોતો.

વચ્ચે એ ૪-૫ દિવસ બહારગામ જઈ આવી. મારા દિવસો બગડતા હતા અને કઈ પ્રગતિ થતી નહોતી. હમણાં એનું બહાર જવાનું પણ ઓછું થઈ ગયું હતું.

એમને એમ ૨૪-૨૫ દિવસ થઈ ગયા. ડૂબતો માણસ તણખલું ઝાલે એમ મેં એક દિવસની એક શોની બે ટિકિટ લીધી. કેવી રીતે આપવી તે પ્રશ્ન તો હતો જ પણ એ મળે જ નહીં તો શું કરવું ? છેલ્લે મેં લતા ને આપી અને કહ્યું, “મારા તરફથી સુલેખાને આપી દેજે.” લતા મનમાં મુસ્કરાઇ હોય એમ લાગ્યું પણ કહ્યું, “સારું.” સિનેમાનો શો શરૂ થવાની તૈયારી હતી તો પણ એ કઈ દેખાઈ નહીં. અંધારું થયું ને એક પુરુષ આકૃતિ બાજુમાં ગોઠવાઈ. તે કિશોર હતો. તે કહે સુલેખાએ લતાને કહ્યું, “હું કેવી રીતે જઉં ? મારે કઈ એવી ઓળખાણ નથી, એટલે કિશોરભાઈને આપી દેજેને.” એટલે બંદા આવી ગયા.

આ દાવ નિષ્ફળ તો ગયો જ પણ તેની ખબર પણ કિશોરને પડી ગઈ એટલે મારા અભિમાનનો પારો વધારે ઊંચો ચઢ્યો. સુલેખા જાણી જોઈને મને એવોઈડ કરી રહી હતી. સુલેખા અભિમાની હતી ? કે લઘુતાગ્રંથી ધરાવતી હતી ? એ સીધી અને સારા ચારિત્રની તો હતી જ એટલે એનું નામ ખરાબ ના થાય એવું પણ ઇચ્છતી હોય એ સ્વાભાવિક હતું.

વચ્ચે થોડા થોડા દિવસે કિશોર મને પૂછ્યા કરતો, “કેટલે આવ્યું ?” હું કહેતો હજુ સીનસીયરલી મેં પ્રયત્ન જ ક્યાં કર્યો છે. પણ ત્યારે પણ તે ખાત્રીપૂર્વક કહેતો, “આનંદ, તું ધારે છે એટલું આ સહેલું કામ નથી. જે લોકો પ્રેમ કરે છે તે કેટલી ફિલ્ડીંગ ભરે છે કેટલી તપશ્ચર્યા કરે છે તે આપણને ખ્યાલ ના આવે..” મેં કહ્યું, “આ બંદા કઈ ફિલ્ડીંગ ભરે એમ નથી.” અને જયારે સિનેમા જોવા તે આવી નહીં ત્યારે કિશોરે કહ્યું, “હવે ખાત્રી થઈ, આ એટલું સરળ નથી. તું કહે તો ૧૫ દિવસ બીજા આપું પણ તું સુલેખાને તારી સાથે જવા તૈયાર નહીં કરી શકે.” મેં એને કહ્યું, “એનામાં એવું તે શું છે કે આટલું બધું અભિમાન રાખે છે ?”

“અભિમાન નહીં, પણ સ્વમાન તો હોય ને.એ કઈ એટલી સસ્તી થોડી છે કે તું કહે અને તરત તારા ચરણોમાં લોટવા માંડે. ?”

મહિનો પૂરો થઈ ગયો એટલે મેં કહ્યું, “નિયમ પ્રમાણે તો હું હારી ગયો છું પણ થોડા દિવસમાં તું જોજે હું સફળ થઈશ જ.” અને મારા મનમાં મેં ગાંઠ મારી. એની જોડે ગમે તેમ કરીને પણ સંબંધ બાંધવો અને પછી લાગ મળે ત્યારે એનું અભિમાન તોડવું.

થોડા દિવસમાં એની વર્ષગાંઠ હતી એમ મને કિશોરે કહ્યું, અને સાથે એમ કહ્યું કે એની ત્રણ ચાર સહેલી જોડે એણે પાર્ટી ગોઠવી છે. એમાં કોઈ પુરુષ નહોતો એ જાણીને મને કોણ જાણે કેમ પણ આનંદ થયો. મેં એક સુંદર સાડી અને સારું ગ્રીટિંગકાર્ડ લીધું અને ફરી લતાને આપ્યું, અને મારા તરફથી એને આપવા કહ્યું. લતા હસી, પણ બોલી કંઈ નહીં અને મેં આપેલી વસ્તુઓ લઈ લીધી.

બીજે દિવસે એની કામવાળી મને એક ચિઠ્ઠી આપી ગઈ એમાં લખ્યું હતું, “થેંક યુ, સુલેખા” પણ એ બાઈ એ જ સાડી પહેરીને આવી હતી જે મેં એને મોકલાવી હતી. હવે તો મારો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. હવે ખાત્રી થઈ ગઈ હતી કે એ અભિમાની હતી અને પોતાની પાસે ન આવી શકું એવા ગણતરીપૂર્વકના પગલા લઈ રહી હતી.

બે ત્રણ દિવસ બાદ કિશોરે મને કહ્યું કે એના માટે એની મમ્મીએ મુરતીયા જોવા માંડ્યા છે. લગ્ન કરવાનો મને કોઈ વિચાર તો નહોતો પણ એનું અભિમાન તો મારે તોડવું જ હતું. આ તકે એટલું કહી દઉં તે પણ અમારી જ્ઞાતિની જ હતી. એટલે મારી મમ્મી પાસે મેં એની મમ્મીને કહેવડાવ્યું.

એ લોકો તો રાજીના રેડ થઈ ગયા. થાય જ ને ? મારા જેવો મુરતીયો એના નસીબમાં ક્યાંથી ? પણ મારો વિચાર જુદો હતો. સગાઇ થઈ જાય, એક વાર સાથે પિક્ચર જોવા જઈએ પછી કઈ બહાનું કાઢીને ના કહી દેવી. એનું બધું અભિમાન ચકના ચૂર થઈ જશે. જોકે એને દુઃખ થશે, પણ હું શું કરું ? વાંક એનો હતો.

સગાઇ થઈ ગઈ. અને પહેલી વાર બહાર સાથે ફરવા ગયા ત્યારે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે સાડીવાળો પ્રસંગ ઉખેળી એની પાસે જવાબ માંગવો.

મેં જયારે આ વાત કાઢી ત્યારે એણે કહ્યું, “તમે આપેલી એ મહામુલી ભેટ છે મારે માટે તો, એ કઈ હું કામવાળીને ના આપી શકું. મેં એને એવી જ સાડી બજારમાંથી લઈને આપી હતી.”

હું ચમક્યો મેં કહ્યું “કેમ ?”

એણે જવાબ આપ્યો, “તમે દરેક બાબતમાં મારી કરતા ચઢીયાતા છો. સીધી રીતે તમે કોઈ દિવસ આ સંબંધ બાંધવા તૈયાર ના થયા હોત. સાઈકોલોજીની એક સ્ટુડન્ટ હોવાથી મને લાગ્યું કે તમારા અભિમાનને ઢંઢોળવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નહોતો. તમે ચોપડી માંગી ત્યારે જાતે આવવાનું મન હતું પણ તે મેં દબાવી રાખ્યું. તમે ચોપડી પાછી આપવા આવ્યા ત્યારે પણ હું અંદરથી તમને ખબર ના પડે તેમ જોયા કરતી હતી અને બહાર આવીને તમારી જોડે વાત કરવાની ઇચ્છા દબાવતાં પણ મને મુશ્કેલી પડી હતી. તમે ટિકિટ મોકલાવી ત્યારે તો બાપરે ! મેં મારા મનને કેમ કેમ કરીને સમજાવ્યું તે તો મારું મન જાણે છે. કિશોરભાઈનો સાથ ના હોત હું કોઈ દિવસ સફળ ના થઈ હોત.”

અને કિશોરે મારા અભિમાનને ઉશ્કેરવા કરેલા પ્રયાસો મારી નજર સામે આવ્યા. ખરેખર તો એણે જ મને સુલેખાને મારા માનસપટ ઉપર મૂકી હતી, નહીં તો મેં કોઈ દિવસ એનો વિચાર સુદ્ધાં ના કર્યો હોત.

હવે તમે જ કહો મારે બદલો લેવો જોઈએ ? લગ્ન કર્યા સિવાય મારી પાસે બીજો વિકલ્પ છે ?

મગનભાઈ સ્વદેશી

સંધ્યાના આછા અજવાળામાં બેઠા બેઠા હું દર્દીઓના કેસમાં તેમની દૈનિક નોંધ લખી રહ્યો હતો, ત્યાં બારણામાંથી એક અવાજ આવ્યો.

“અરે પાંડુ, ચલ તો, જરા સ્ટ્રેચર લઈ લે ને.” અને સરકારી હૉસ્પિટલના આ વૉર્ડમાં આવા સત્તાવાહી અવાજે બોલનાર કોણ છે એ જોવા હું હજુ તો પાછળ નજર કરું છું ત્યાં જ સ્વચ્છ સફેદ ખાદીના કફની લેંઘામાં સજ્જ એક પચાસેક વર્ષ ની વ્યક્તી મારી પાસે આવીને ઊભી.

“નમસ્કાર ડૉકટર સાહેબ, જરા જલ્દી કરજો, દર્દી સીરીયસ છે.”

“કોણ છે, શું છે ?” બોલતો હું પેન લઈ ઊભો થયો. એટલામાં ખૂણામાં પડેલા કેનવાસના સ્ટ્રેચરનો એક છેડો આવનાર વ્યક્તિએ અને બીજો છેડો પાંડુએ પકડીને વૉર્ડની બહાર ચાલવા માંડ્યું.

“ સાહેબ, આ તો હૉસ્પિટલની બહુ જાણીતી ફીગર છે, પાગલ છે.” મારી કુતૂહલવશ નજરનો જવાબ આપતા સિસ્ટર દેવયાનીબેન બોલી ઉઠ્યા.

“શું નામ એમનું ?” મેં પૂછ્યું.

“મગનભાઈ સ્વદેશી, થોડે થોડે દહાડે કોઈને ને કોઈને ઊંચકી લાવે છે.”

સ્વસ્છ, સુઘડ કપડા પહેરનાર અને જે સંસ્કારિતાથી એણે મને નમસ્કાર કહ્યા હતા, તે પાગલ કેવી રીતે હોઈ શકે એ વિચારતો હું વૉર્ડના દરવાજે જઈ ઊભો.

એક રિક્ષામાંથી બેભાન જેવા લાગતા ૨૦-૨૨ વર્ષના એક યુવકને મગનભાઈ, પાંડુ અને રિક્ષાવાળાએ સ્ટ્રેચર પર સુવડાવ્યો. ખિસ્સામાંથી પાકીટ કાઢતા મગનભાઈએ રિક્ષાવાળાને કહ્યું, “મહમદભાઈ કેટલા રૂપિયા થયા ?”

“કંઈ લેવાનું નથી મગનભાઈ.” અને રિક્ષાને ચાલુ કરવાની ચેષ્ટા કરતા કહ્યું, “કોઈક વાર અમને પણ સેવા કરવાની તક લેવા દોને ?”

કોઈને ન છોડવાવાળા આ રિક્ષાવાળાની જમાતનો એક માણસ મગનભાઈ પાસેથી એક પણ પૈસો લેવાની ના પાડે તે જ મારે મન તો મોટું આશ્ચર્ય હતું, અને તે સાથે મગનભાઈ માટે પણ માન ઉપજ્યું.

“મોરથુથુ પીધેલું જણાય છે.” બોલતાં બોલતાં મગનભાઈ સ્ટ્રેચર ઉપાડી ઝડપથી વૉર્ડમાં જઈ પહોંચ્યા. મોઢા આગળ મોર પીછ રંગનો પાવડર તેમજ અન્ય લક્ષણો જોઈને કૉપર પોઈઝનિંગનો કેસ છે તે નક્કી કરતા મને વાર ના લાગી. અને તરત જ સ્ટમક વોશ, સલાઈન ડ્રીપ તેમજ અન્ય ઇન્જેક્શનો માટે સિસ્ટરને સૂચના આપીને હું એનો કેસ લખવા બેઠો.

“તમારા શું સગા થાય ? એમનું નામ શું ?”ની પૃચ્છામાં મગનભાઈ વતી પાંડુ એજ જવાબ આપ્યો, “સાહેબ આ દુનીયા મા આવાતો એમના ઘણા સગા છે.”

મગન ભાઈએ પણ કૈંક ગંભીરતાથી અને કૈક ફિલસૂફની અદાથી જવાબ આપ્યો, “આ સકલ સૃષ્ટિનો એકેએક જીવ પરમાત્માનો અંશ છે સાહેબ, એટલે આ, હું, તમે, એમ બધા એક બીજાના સગા જ છીયેને ?”

એકાદ કલાક પછી મારી ડયુટી પૂરી કરીને, ફરી તે યુવકને તપાસી હાલત સુધારા પર જણાતા ઘર તરફ જવાની તૈયારી કરતો હતો ત્યાં વર્ષોથી ઓળખતા હોય તેમ મગનભાઈએ કહ્યું, “સાહેબ, એક દસ રૂપિયા આપોને સવારથી ભૂખ્યો છું. કાલે આપી દઈશ.”

મનમાં જરા કચવાટ થયો પણ બીજાની સેવા કાજે ગાંઠનું ગોપીચંદન કરતા આ માણસ આગળ નાના મનના દેખાવાની મારી ઇચ્છા નહોતી. એટલે દસની એક નોટ કાઢીને એને આપી.

“આભાર સાહેબ” બોલતા મગનભાઈ વૉર્ડમાંથી નીકળી ગયા. મારા સહકાર્યકર ડૉ. શાહે મને કહ્યું,

“આવી રહ્યા તારા પૈસા, મેં ૫-૬ વખત આપ્યા છે પણ એક પણ વખત પાછા મળ્યા નથી.”

“સાહેબ, આ ગાંડાને ખાવાના ફાંફાં પડે પણ દર્દી માટે ગમે તેમ કરીને ફ્રૂટ, ગુલાબ, દવાઓ વિગેરે અચૂક લાવેજ.” પાંડુએ મગનભાઈની તરફેણમાં પોતાનો મત રજૂ કર્યો.

“સેવાની આવી લગન જરા વિચિત્ર કહેવાય.” મેં કહ્યું.

“ર્હં, ૈક ર્એ ાર્હુ રૈજ હ્વટ્ઠષ્ઠા ખ્તર્િેહઙ્ઘ ુીઙ્મઙ્મ.” ડૉ. શાહે કહ્યું અને મારી પૃચ્છાભરી નજરનો જવાબ આપતા હોય તેમ એની જીવનની કિતાબના પાના ખોલી નાખ્યા.

આઝાદી ચળવળ વખતે સ્વદેશીની ભાવનાથી અને મહાત્માજીની હાકલને મન આપીને પોતાનો અભ્યાસ છોડીને આ તેજસ્વી યુવાન ચળવળમાં જોડાઈ ગયો. દરેક કામ ખંત અને નિષ્ઠાપૂર્વક કરીને બહુજ ટૂંકા સમયમાં તેણે એક કસાયેલા સંનિષ્ઠ કાર્યકર તરીકે ખ્યાતિ મેળવી લીધી. સ્વદેશીનો મંત્ર એમને એટલો બધો સ્પર્શી ગયો હતો કે મગનભાઈ “સ્વદેશી” અટકથી ઓળખાવા માંડ્યા. અને મગનભાઈ પણ એને પોતાનું ગૌરવ માનતા. દેશને સ્વતંત્રતા મળી ત્યારે ચળવળમાં ખાલી દેખાડો કરનારા દંભી ધૂર્તો ની જમાતના ધક્કામાં તે અટવાઈ ગયા.બગ ભગતોનું આ ટોળું બીજી રીતે તેમને હઠાવી શકે એમ ન હોવાથી, સ્વદેશીના અતિઆગ્રહને ગાંડપણમાં ખપાવી સત્તાસ્થાનેથી દૂર ધકેલતા રહ્યા.

“આપણે ક્યાં સત્તા જોઈએ છે, આપણે તો દેશ સેવા માટે આમાં જોડાયા હતા” એમ મગનભાઈ મન મનાવતા રહ્યા અને આજીવિકા માટે ફ્રૂટની લારી ચલાવતા થઈ ગયા. પરંતુ એમના ઘવાયેલા અહમને પોષવા સ્વદેશીની ધૂન તેમજ સેવાની લગન ઓર જોશમાં વધારી હંમેશા કોઈને ને કોઈને મદદ કરવાનો એમનો હંમેશા પ્રયત્ન રહેતો. પરંતુ રાજકારણની વાત નીકળે ત્યારે તરત કાબૂ બહારના ઉશ્કેરાટભર્યા એમના ઉચ્ચારણોને લીધે એમને લાગેલું ગાંડાનું લેબલ વધારે દૃઢ થતું ચાલ્યું.

બીજે દિવસે એ યુવક ભાનમાં આવી ગયો હતો. એની સેવામાં મગનભાઈ નારંગી, મોસંબી, વિગેરે ફળો લઈને આવી પહોચ્યા હતા. એક ગુલાબ એને અને એક મને આપતા કહે, “સુપ્રભાત ડૉક્ટર સાહેબ, આને માટે દવાદારૂ જોઈતા હોય તો કહેજો. બંદા હાજર છે. દવા તો હું લાવી આપીશ અને દારૂ-કેમ રે પાંડયા તું લાવવાનોકે ?” કહીને પોતાની જોક ઉપર પોતેજ ખડખડાટ હસી પડ્યા.

“દર્દીની હાલત સુધારા પર છે. તમારી મહેનત ફળી. જો થોડુંક વધારે મોડું થયું હોત તો કેસ હાથમાં ના આવત.” મારા છેલ્લા વાક્યે એમને રંગમાં લાવી દીધા.

“એમને સાહેબ, બીજું તો આપણે શું લઈ જવાના આ દુનિયામાંથી, પણ આપણાથી થાય તેટલું તો કોઈનું ભલું કરવુંજ જોઈએને ?”

પથારીમાં અડધા સુતેલા અડધા બેઠેલા યુવક તરફ ફરી “કેમ રે ભાઈ, જિંદગી વહાલી નથી શું ? ઘરે કોઈ રડવાવાળું નથીકે ?” મગનભાઈએ લાડ મિશ્રિત ગુસ્સા સાથે યુવકનો કેસ હાથમાં લઈ એમાં નજર નાંખી ઉમેર્યું, “રમેશ નામ છે કેમ ? મહારાષ્ટ્ર માંથી, માલેગાંવ થી આવે છે કેમ ?”

“ઘરે આઈ આહે, વડીલ આહે.” મંદ અવાજે બોલતા રમેશે કહ્યું, “તીન બહેને આહે, લેકિન કરનેકા ક્યા ? ગાવ મેં કામ નહીં, ખાના નહીં.” બોલતા હાંફી ગયેલા યુવકે થોડી વિશ્રાંતિ પછી આગળ ચલાવ્યું. “સબ લોગ શહેરકી ઓર ભાગતે હૈ, મૈ ભી ભાગા. સોચા થા બડા શહર હૈ, બહુત કામ મિલેગા. તો મૈ ભી કુછ કામ કરકે વડલાન્લા પૈસા પાઠવેગા.” હિન્દી મિશ્રિત મરાઠીમાં એણે દાસ્તાન આગળ ચલાવી.

“અરે પણ કઈ કામ નથી તેથી જાન થોડો આપી દેવાય ? જિંદગી કેટલી કીમતી છે ?”

“કરનાર કાય ? ક્યા કરેગા ? ચોરી કરેગા ?ડાકા ડાલેગા ?પૈસા કહાંસે લાયેગા ? ગરીબો કી જીન્દગી સસ્તી હોતી હૈ, સાહેબ.કોઈ રોતા નહીં. ન મા, ન બહેન કોઈ નહીં.”

ચાર પાંચ દિવસ સુધી મગનભાઈ અવારનવાર સવાર સાંજ આવતા રહ્યા, આશ્વાસનો, ફળ, દૂધ, વિગેરે લાવતા રહ્યા. અને એમ તબિયત સારી થતા એક દિવસ સાંજે મેં રમેશને રજા આપી દીધી.

બીજે દિવસે સવારે મગનભાઈ નીત્યનીયમ પ્રમાણે આવ્યા ત્યારે રમેશને ન જોતા બોલ્યા “સાહેબ, રમેશ ક્યાં ગયો ?”

“એને તો ગઈ કાલે સાંજે રજા આપી દીધી.” મેં જવાબ આપ્યો.

“એ જતો રહ્યો ? મારે માટે કઈ બોલ્યો કે સાહેબ, બહુ સંભારતો હશે નહીં ?” એમણે કૈંક ઉત્કંઠાથી પૂછ્યું.

જેની જિંદગી તમે બચાવી હતી એ નગુણા માણસે તમારો આભાર માનવા જેટલું પણ સૌજન્ય બતાવ્યું નથી એમ કહેતા મારી જીભ ના ઉપડી. એમની સામે જોતાં જ મને લાગ્યું કે આ અતિસંવેદનશીલ માણસને આવા નગુણા લોકો જ ઠેકઠેકાણે ભટકાતા રહ્યા હતા, અને એની જીવનનાવને ફંગોળતા, અને અસંતુલિત કરતા રહ્યા હતા. તેથી મેં વાત વાળી લેતાં કહ્યું, “અરે એ તો તમારા બહુ વખાણ કરતો હતો, તમને મળવાની પણ બહુ ઇચ્છા હતી પણ ગામ થી એના સગા આવી ગયા હતા એટલે એને જવું પડ્યું. મને કહે મગનભાઈ નો ફોટો મારી પાસે હોત તો મારા વિઠોબાની જોડે રાખીને એની પણ પૂજા કરતે. બહુ અફસોસ કરતો હતો.”

“સારું સારું ત્યારે તો, એ કઈ એડ્રેસ આપતો ગયો છે કે ?” મગનભાઈએ પૂછ્યું ત્યારે મારી બાઘાઈ પર હસવું કે રડવું તેની મને સમજ ના પડી. ખૂબ આભાર માનનાર માણસ એક ચીઠ્ઠી પણ ના લખી શકે ? તેથી તરત મેં કહ્યું, “અરે તમારે માટે એક મીઠાઈનું પેકેટ અને ચીઠ્ઠી લખી ગયો છે, પણ હું ઘરે ભૂલી ગયો છું.”

“કંઈ નહીં સાહેબ, મીઠાઈની તો જરૂર નથી પણ ચીઠ્ઠી સાંજે જરૂર લેતા આવજો.” કહીને મગનભાઈ ગયા.

મહારાષ્ટ્રીયન રમેશ ગુજરાતીમાં ચિઠ્ઠી કેવી રીતે લખે ? અને મરાઠીમાં લખે તો મગનભાઈ વાંચે કેવી રીતે ? અને મને પણ મરાઠી લખતા ક્યાં આવડતું હતું ? તેથી ભાંગ્યા તૂટ્યા ઇંગ્લીશમાં ગરબડીયા અક્ષરમાં મગનભાઈનો લાખ લાખ આભાર માનતી ચિઠ્ઠી મેં રમેશની સહીથી લખી નાંખી. બજારમાંથી ૨૫૦ ગ્રામ મીઠાઈનું પેકેટ પણ લીધું અને સાંજે મગનભાઈ આવ્યા ત્યારે એમને આપ્યું.

સાપ જોઈને માણસ છળી ઉઠે તેમ એ છળી ઉઠ્યા. ઉકળી ઉઠ્યા. “છટ્ટ, અંગ્રેજીમાં ચિઠ્ઠી, આપણી ભાષા નથી આવડતી ?”

“રમેશને ગુજરાતી આવડે નહીં અને તમે મરાઠી વાંચી ના શકો એટલે એણે અંગ્રેજીમાં લખી.” અને પછી મારી ફિલસુફી ડહોળતા મેં કહ્યું, “ગુજરાતી અંગ્રેજી વી ભાષા આખરે તો હૃદયના ભાવ વ્યક્ત કરવાની એક પદ્ધતિ જ છે ને ? ભાષાને નહીં, ભાવના ને જુઓ મગનભાઈ.”

ડોક ઊંચી કરી, શરીર ટટ્ટાર કરી છટાથી મને કહ્યું, “વિદેશી કોઈ વસ્તુ ના ખપે ડૉક્ટર સાહેબ, ભાષા પણ નહીં અને ભાવના પણ નહીં. અને વાંચ્યા વગર જ ચિઠ્ઠીના ટુકડેટુકડા કરી કચરાટોપલીમાં નાખતા બોલ્યા, “મીઠાઈ ગરીબોને આપી દેજો સાહેબ, પરદેશીના ગુલામની મીઠાઈ પણ ના ખપે.” અને વૉર્ડમાંથી નીકળી ગયા.

શું બોલવું તે ન સમજતા હું એમને જતા જોઈ રહ્યો. આ ખેલ જોતા ઊભેલા ડૉ. શાહે કહ્યું, “કોઈ પણ બાબતનો અતિરેક પાગલપન નથી ? જેનાથી એનો અહમ સંતોષાવાનો હતો એના કરતા પણ વધારે સ્વદેશપ્રત્યેની અત્યધિક ભાવનાને બીજું શું કહેવું ?”

રમતવીર

એક જમાનામાં જ્યાં રમતવીરો ભેગા થઈને ઇતિહાસ સર્જતા હશે તેવા એ સિમેન્ટ કોંક્રિટના સ્ટેડિયમના આજે બેહાલ હતા. વર્ષોના તાપ, વરસાદને કારણે ઠેકઠેકાણે સિમેન્ટના પોપડા ઉખડી ગયા હતા, અને ઘણે ઠેકાણે લીલ બાઝી ગઈ હતી. વર્ષના ૮ મહિના ધૂળ જેવી દેખાતી તે લીલ ચોમાસામાં લીલી ચાદર જેમ ફેલાઈ જતી. અને ચકલી, કાગડા વિગેરે તેમાંથી વીણીવીણીને જીવજંતુ આરોગતા. કૉલેજમાં નવા આવતા ખેલાડીઓ કોઈ દિવસ આં જર્જરિત ઈમારત ઉપર બેસતા નહીં.

ફક્ત એક વૃદ્ધ પુરુષ ત્યાં આવતો. જર્જરિત ઈમારત જેવો, તે પણ જર્જરિત થઈ ચુક્યો હતો. ઘસાઈ ગયેલો ટ્રેકસૂટ પહેરીને તે બરાબર પાંચને ટકોરે મેદાન પર આવતો. ધીરે ધીરે મેદાનના બે ચક્કર પૂરા કરી તે સ્ટેડિયમને પગથિયે બેસતો. ૧૦-૧૫ મિનિટના વિરામ બાદ હળવી કસરતો કરતો અને પછી ફરી સ્ટેડિયમ પર બેસી જુદી જુદી રમતો રમતા તરુણોને જોયા કરતો. કોઈ એને બોલાવતું નહીં. કોઈને એનું નામ પણ ખબર નહોતી અને તે પણ કોઈને બોલાવતો નહીં. મેદાનની કાળજી કરનાર ઠાકોરને કોઈક વળી તેને માટે પૂછતાં પણ તેને પણ કંઈ ખબર નહોતી. તે કહેતો, “છે કોઈ પાગલ, વર્ષોથી આવે છે અને બેસી રહે છે.”

આજે રમતના નવા કોચ આવવાના હતા તેથી મેદાન પર ૧૫-૨૦ યુવતીઓ અને ૪૦-૫૦ યુવાનો પોતપોતાના સાથીઓ જોડે બેસીને ગપ્પા મારતા, હસી મજાક કરતા હતા. કોચ ૫ વાગે આવવાના હતા પણ પોણા છ થયા હતા ત્યાં સુધી તેમના દર્શન થયા નહોતા. અને એક મોટરસાયકલ પર તે-કદમ સર-આવ્યા અને તરવરતા પગલે મેદાન પર જઈ સિસોટી વગાડી. બધાને ભેગા કરી એણે નાનું પ્રવચન આપ્યું અને દરેક ખેલાડીઓનો પરિચય મેળવ્યો અને તેમના રસની રમતો વિષે માહિતી મેળવી. મોટા ભાગના યુવકો નવા નક્કોર ડ્રેસ અને મોંઘા બૂટમાં સજ્જ હતા, તો યુવતીઓ પણ શોટ્‌ર્સ પહેરીને કપડા પર ડાઘ ના પડે તેની કાળજી રાખીને આવી હતી. આં બધાથી જુદી એક બીજી કૉલેજની છોકરી પણ ત્યાં હતી. તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો. દેખાવમાં પણ તે આકર્ષક નહોતી. જોકે તેની તરવરાટવાળી ચાલ પરથી લાગતું હતી કે તે સારી ખેલાડી બની શકે તેમ હતી. કોચને જયારે ખબર પડી કે તે આ કૉલેજની નથી, ત્યારે એણે એને અહીં રમવાની ના પાડી દીધી, પણ યુવતીએ કહ્યું કે તેણે પ્રિન્સીપાલની મંજૂરી મેળવી છે ત્યારે તેણે એને રમવાની રજા આપી. પણ કહ્યું, “પોતે તેને તાલીમ આપશે નહીં..” બીજા રમતવીરો તરફ ફરીને એણે કહ્યું, “આપણે દશેરાથી આપણી ટ્રેનિંગ ચાલુ કરીશું કારણ કે હમણાં થોડા વખતમાં વરસાદની ઋતુમાં મેદાન લપસણું બની જશે, પડશો કરશો તો વાગશે અને કપડા બગડશે.”

અને બધા વિખેરાયા. સરની પફ્યુમ બહુ ટોપ હતી એમ બધી યુવતીઓનો એક મત હતો. અને આટલા સરસ સર મળ્યા તે બદલ આનંદ પણ પામી હતી.

બીજે દિવસે રમતના મેદાન પર પેલો વૃદ્ધ પુરુષ અને પેલી ગામડાની છોકરી - લીલા - સિવાય કોઈ હતું નહીં. એ છોકરી મેદાનના બે ચક્કર લગાવી થોડી કસરત કરી ઘેર ગઈ. વૃદ્ધ પુરુષે રસપૂર્વક જોયા કર્યું.

થોડા દિવસ થયા અને તે છોકરી ૧૦૦ મીટર ઝડપી દોડ માટે એકલી એકલી દોડી. થોડો આરામ કરીને તેણે લાંબી કૂદની પ્રૅક્ટિસ કરી. લગભગ ૧૫ દિવસ પછી તે જયારે લાંબી કૂદની પ્રૅક્ટિસ કરી રહી હતી ત્યારે તે વૃદ્ધ તેની પાસે આવ્યો અને કહ્યું કે તારા સ્ટેપ્સ બરાબર નથી પડતા. લાંબી કૂદ માટે ટેક ઑફબૉર્ડની કિનારીથી જેટલું પાસેથી કૂદકો મારી શકાય અને છતાં ફાઉલ ન થાય તેનું ધ્યાન રાખવા માટે કેવી રીતે કાળજી કરવી. ૧૦૦ મીટર દોડ માટે ઝડપ અને સ્ટેમિના કેવી રીતે વધારવો વિગેરે માટે માર્ગદર્શન આપ્યું. લીલાને લાગ્યું કે વૃદ્ધ પુરુષ ઘણું સારું માર્ગદર્શન આપી શકે તેમ હતો. તેણે એનું નામ પૂછ્યું. વૃદ્ધે કહ્યું “ધીરુભાઈ.” અને પછી તો ચોમાસામાં પણ બંને મેદાન પર આવતા અને લીલાની પ્રગતિ થતી ગઈ.

એક દિવસ સખત વરસાદ હતો છતાં બંને આવ્યા હતા પરંતુ રમી શકાય તેમ નહોતું, તેથી થોડી વાતો કરવાનો બંનેને સમય મળ્યો. લીલીએ તે વૃદ્ધના ભૂતકાળ વિષે જાણવાના ઘણા પ્રયત્નો કર્યો પણ વૃદ્ધે “રાત ગઈ, બાત ગઈ” કહીને વાત ઉડાવી દીધી. લીલાએ તે દિવસે કહ્યું, “કાકા, હું મહેનત કરીશ પણ જીત મળશે કે કેમ તે ખબર નથી.” ધીરુકાકાએ કહ્યું, “કૃષ્ણ ભગવાને કહ્યું છે, પ્રયત્ન કરવાનું તારા હાથમાં છે, પરિણામ ભગવાન ના હાથમાં છે.” અને તે રીતે વારંવાર લીલાનો ઉત્સાહ વધારતા રહેતા. ધીરુકાકાએ એક નાનકડા યુવાનને કહ્યું, “તારે તારી સાયકલ લઈને રોજ આવવાનું અને લીલા દોડે તેની જોડે સાઈકલ દોડાવવાની.” અને એમ લીલાની પ્રૅક્ટિસ બરાબર થવા લાગી.

દશેરાથી બીજા રમતવીરો પણ મેદાન પર આવવા લાગ્યા. રમતના કોચની આજુબાજુ યુવતીઓ વીંટળાઈ વળતી અને રમત સાથે સિનેમા અને સારી હોટલોની વાતો પણ ચાલતી. કોચે બેત્રણ યુવતીઓને તો ખાત્રી આપી દીધી હતી, “તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારે જ સિલેક્શન કરવાનું છે તેથી તમારો નમ્બર તો નક્કી જ છે.” અને તેથી તે યુવતીઓ પણ આરામથી પ્રૅક્ટિસ કરતી. કદમ સરે કટાક્ષમાં કહ્યું, “પેલા બુઢ્ઢા પાસે કોઈને તાલીમ મેળવવી હોય તો મને વાંધો નથી.” અને બધા ખડખડાટ હસી પડ્યા.

થોડા દિવસ પછી સિલેક્શન થયું. પણ લીલાની રમત ઘણી ઉત્કૃષ્ઠ હતી તેથી તેની પસંદગી તો કરવી જ પડે તેમ હતું, પણ બીજી બેત્રણ યુવતીઓની પણ પસંદગી કરી. રાષ્ટ્રીય રમતોત્સવમાં બીજી યુવતીઓ તો પહેલાજ રાઉન્ડમાં ફેકાઈ ગઈ. એમણે મન મનાવ્યું આપણે ક્યાં રમવા આવ્યા હતા ? કૉલેજને પૈસે જલસા કરવા મળ્યા તે બહુ થઈ ગયું. પરંતુ લીલા એની રમતોમાં મેદાન મારી ગઈ. કૉલેજ કોચે લીલાની જીતનો પૂરો શ્રેય પોતાને મળે તેવો પ્રચાર કરી દીધો હતો અને ઠેકઠેકાણે તેમની વાહ વાહ થતી હતી.

કૉલેજના કોચ કદમ સરનું આજે સન્માન હતું. અને તે માટે કૉલેજમાં વાર્ષિક દિવસને દિવસે રાષ્ટ્રીય કોચ આવ્યા. મેદાન પર આવવા માટે તે સ્ટેડિયમ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમની નજર પેલા વૃદ્ધ પુરુષ પર પડી. થોડી વાર તે અચકાયા પછી પોતાની મોટર પેલા વૃદ્ધ પાસે લેવડાવી, અને કહ્યું, “ધીરેન્દ્ર પૂરાણી સર ?” વૃદ્ધે સ્મિત કર્યું. અને રાષ્ટ્રીય કોચ તરત મોટરમાંથી નીચે ઉતર્યા અને તે વૃદ્ધ પુરુષને પગે લાગ્યા, અને તેમને આગ્રહ કરીને પોતાની જોડે સ્ટેજ પર લઈ ગયા.. લોકો જોઈ રહ્યા હતા તેમજ લીલા પણ આ જોઈ રહી હતી. એને નવાઈ લાગી કે રાષ્ટ્રીય કોચ જેમને પગે લાગે છે તે જરૂર કોઈ મોટો રમતવીર હશે. એને આનંદ પણ થયો કે પોતાને આવા મહાન રમતવીર પાસેથી માર્ગદર્શન મળ્યું હતું. રાષ્ટ્રીય કોચે પોતાના વક્તવ્યની શરૂઆત તે વૃદ્ધની ઓળખ આપીને કરી અને કહ્યું : “ભારત તરફથી ઑલિમ્પિક રમતોમાં પહેલો મેડલ મેળવનાર રમતવીર તમારા શહેરમાં છે તે તમારું ગૌરવ છે.” લીલા નુ સન્માન કરવામાં આવ્યું અને તેને બે શબ્દો બોલવા માટે કહેવાયું. તે ધીરે પગલે પુરાની સર પાસે ગઈ, અને નીચા નમીને પ્રણામ કર્યા. તેણે કહ્યું, “મારું સદ્‌નસીબ છે કે ધીરુકાકા - સોરી, પુરાની સર, આપની પાસે મેં તાલીમ મેળવી. હું આ કૉલેજમાં હોત તો મને આ મોકો ના મળ્યો હોત. સર, તમે મારામાં મુકેલા વિશ્વાસને હું સાર્થક કરી શકી તેનું મને ગૌરવ છે.” પુરાની સરે કહ્યું, “જેનામાં ખંત છે, લગન છે, ટાઢ, તાપ વરસાદની પરવા કર્યા વગર જે પરિશ્રમ કરે છે તે ફળ મેળવે જ છે. બેટી, બધી યુવતીઓ માટે રમત એક સમય પસાર કરવાનું સાધન હતું, પણ એકલી તેં જ લક્ષ્ય પર નજર રાખી અને બીજું બધું ગૌણ ગણ્યું. અને ફળ મેળવ્યું. સફળતા એક ટકો નસીબ, અને ૯૯ ટકા પરિશ્રમનું પરિણામ હોય છે.”

કદમ સરના સન્માન માટે તેમને બોલાવવામાં આવ્યા ત્યારે શરૂઆતનો એમનો ઊભરો અદૃશ્ય થઈ ગયો હતો. લથડતે પગલે તે ઊભા થયા, પુરાની સરને પગે લાગ્યા અને કહ્યું, “માફ કરજો, મેં આપણે ઓળખ્યા નહોતા.” પુરાની સરે ફક્ત એક મંદ સ્મિત કર્યું.

બધા વિખેરાયા ત્યારે એક યુવતીએ કહ્યું, “આપણા હાથમાં રત્ન હતું પણ આપણે પારખી શક્યા નહીં.”

વાદળી વરસી ગઈ

હાઇવે પર, તાડ પત્રી અને ફાટેલા તૂટેલા કંતાનના હવામાં લહેરાતા ટુકડા, ઝૂંપડીની અંદર રહેતા નાના પરિવારને તાપ, વરસાદથી બચાવવાનું કામ કરતા હતા. અને એ તૂટેલા ધૂળિયાં બાંકડા પર કોઈ બેસવાનું પસંદ કરતા નહીં. અને ચાનો ઑર્ડર આપી આમતેમ ટહેલી પગ છૂટા કરતા. ઉત્તર ગુજરાતના એ ભાગમાં તો આમ પણ વરસાદ ખાસ પડતો નહીં. વર્ષાઋતુ આવે, અને લોકો પોતાના નાનામોટા ખેતર ખેડીને વરસાદની રાહ જોયા કરે. ઘણી વાર નાની વાદળીઓ આવે અને આશા બંધાય કે આજે તો વરસાદ પડશે જ, પણ વાદળી વરસ્યા વગર ચાલી જાય. ઘનઘોર વાદળા, વીજળીના કડાકા, ભડાકા તો સિઝનમાં એકાદ-બે વાર જ થાય અને ત્યારે જે વરસાદ પડે ત્યારે ઓછા વરસાદી પાકને રાહત થઈ જાય. અને ભૂખમરાથી પીડાતા શરીરે અર્ધા વાંકા વળી ગયેલા, ચીમળાયેલા નરનારી જેવા અર્નાના સાઠા પર થોડા કણસલા બેસે અને થોડા દાણા ભરાય. અને આ ત્રણ માણસના કુટુંબને મોટી રાહત મળી જાય.

દૂર સુદૂર સુધી ખાસ ઝૂંપડા નહોતા એટલે હાઇવે પરથી જતી મોટરો પાણીના રેલા માફક સરકી જાય. કોઈક વાર કોઈ કુટુંબ વળી, ચાહ પાણી કરતા વધારે તો, તપેલી મોટરને રાહત આપવા થોડો વખત રોકાય.

શૈલેશ ત્યારે એમને અહોભાવથી જોયા કરતો. મોટરના બારણા ખોલીને, એના વૃદ્ધ દાદાના સફેદ વાળ જેવા સફેદ કપડા પહેરેલ ભૂલકા નીચે ઉતરે અને આજુબાજુ દોડા દોડી કરે ને એમની મમ્મી એમને લઘુશંકા કરાવે. કોઈ નિર્દોષ ભૂલકા શૈલેશનું નામ પૂછે, એ શું ભણે તે પૂછે. શૈલેશ ત્યારે ઉત્સાહથી જવાબ આપે એની ઈસ્કૂલ પાંચ કિલોમીટર દૂર છે. ભૂલકું પાછું પૂછે. તને લેવા બસ આવે કે ? અને શૈલેશ પાછો કહે, “નહીં રે એ તો ચાલતા જવાનું.” ભૂલકું એની મમ્મી ને પૂછે, “એને લેવા બસ કેમ ના આવે ?” અને મમ્મી ઇંગ્લીશમાં એને સમજાવે. બેટા એ લોકો ગરીબ છે. ગરીબ એટલે ? બાળક પાછું પૂછે. મમ્મી સમજાવે ખાવાનું ના મળે, કપડા ના મળે. જોને રહેવાનું ઘર કેવું છે ? ભૂલકું શૈલેશને પૂછે તને રાતે તારા દેખાય ? શૈલેશ કહે, “હોવ્વે” અને ત્યાં એની ચા તૈયાર થઈ હોય તે આપવા માટે શૈલેશને જવું પડે. બાળક મમ્મીને પૂછે, “આ લોકો પીઝા ખાય કે ?” મમ્મી કહે, “ના, ના, એ તો રોટલા ખાય.” ભૂલકું કહે, “વાઉ, રોટલા ? હેં મમ્મી, આપણે તો રોટલા ખાવા કેટલે દૂર ડ્રાઈવ કરવું પડે છે અને આને તો રોજ મળે કેટલું સારું ? હેં મમ્મી, અપણે અહીં કેમ નથી રહેતા ?” અને મમ્મી એને ગામડાનું અર્થશાસ્ત્ર શીખવાડે.

મોટર જાય ત્યાં સુધી શૈલેશ એને જોયા કરતો પછી બાપુને પૂછે, “બાપુ, આપણે શહેરમાં કેમ નથી જતા ?” અને એના પપ્પા એને આવડે તેવું શહેરનું અર્થશાસ્ત્ર સમજાવે.

એક દિવસ આકાશમાં નાની વાદળી દેખાઈ. અને એના બાપુને લગભગ ખાતરી હતી કે આ તો જતી જ રહેશે. જ્યાં આમ પણ વરસાદ ના પડતો હોય ત્યાં ધનતેરસને દિવસે તો ક્યાંથી પડે ? પણ આજે થોડો બફારો વધારે હતો. ચા સાથે ખવાય એવા થોડા બિસ્કિટના પેકેટ એ રાખતો. અને તૂટેલા કાચ અને ડાઘા ડુઘી વાળા કબાટમાંથી પોતાના અસ્તિત્વ ની જાણ કરતા હોય તેમ એ પેકેટો લોકોની નજરે પડતા. તેમાં આજે થોડા છાંટા પડ્યા અને એ બિસ્કિટ પણ પાણીથી પલળી ગયા. ભાગ્યે જ કોઈ મોટરવાળો આવા બિસ્કિટ પસંદ કરતો. પણ આજે એક નાની બેબલીને એ બિસ્કિટ ખાવાની ઇચ્છા થઈ. મમ્મીએ એને કહ્યું, “આ ના ખવાય, ગંદા છે.” “પણ પેક તો છે.” બેબી એ પાછી દલીલ કરી. પણ મમ્મી એ કહ્યું જો આપણે ગોટા લીધેલા ને તે પડ્યા હશે તે ખા. પણ બાળકની જીદ આગળ લાચાર થઈ એણે એક નાનું પેકેટ લીધું. બેબીએ પેકેટ ખોલ્યું અને કહે, “આ તો હવાયેલું છે.” મનમાં ને મનમાં બાપુએ વરસાદને ગાળો દીધી. મમ્મીએ પાછું ભાષણ સંભળાવ્યું અને કહે, “આલી દે પેલા પોયરાને.” બેબીએ પેકેટ શૈલેશને આપ્યું. મમ્મી કહે, “પેલા ગોટા પણ આલી દે. હવે આપણે કોઈ ખાવાના નથી.” અને ગોટાનું પડીકું બેબીએ શૈલેશને આપ્યું. એમના ગયા પછી ફાઈવસ્ટાર હોટલની મિજબાની માણતો હોય તેમ શૈલેશે બિસ્કિટ અને ગોટા ખાધા. એના બાપુ કહે, “રોજ હાળો વરહાદ ની પડે અને આજે જ પડવાનો થઈ જયો.” અને એના ૨૦-૨૫ રૂપિયાને એ રડવા બેઠો..

શૈલેશ ગોટાવાળો કાગળ વાંચવામાં પડ્યો. એમાં એક જાહેરાત હતી. બિસ્કિટના રેપરની અંદર નંબર છાપેલો હતો તે નંબર વાળાને એક કરોડનું ઇનામ હતું. શૈલેશે પેકેટ આમતેમ ફેરવીને જોયા કર્યું. છાપું જુએ અને રેપર જુએ. થોડી વારે કહે, “બાપુ, આપણા બિસ્કિટના પેકેટ ઉપર જે નંબર છે તે જ છાપામાં છે.” પહેલા તો બાપુએ આનાકાની કરી, પણ પછી શૈલેશની વાત ગંભીરતાથી લીધી અને એને ખાતરી થઈ ગઈ કે ખરેખર જ એને ઇનામ લાગ્યું છે.

હર્ષના ઉલ્લાસમાં તે અને તેના બાપુ નાચવા લાગ્યા. “એ લા શૈલા, પેલા મોટર વાળા આઇવા ની ઓતે તો ?”

“હા બાપુ અને ગોટા ની લાઈવા ઓતે તો ?”

“અરે તો વાદળીની વાત કરને, તે વરસીની ઓતે તો ?”

“હા બાપુ તો પેલા લોક બિસ્કિટ મેલીને ના જાત.” પેલી બેબલીવાળી મોટર પાછી આવી. એ જુદે રસ્તે ચઢી ગયા હતા અને પાંચ કિલોમીટર પાછા જવું પડે એમ હતું. બેબલીએ શૈલેશ અને એના બાપુને નાચતા અને આનંદથી કૂદતા જોયા એટલે મમ્મીને પૂછ્યું. “આ લોકો કેમ નાચે છે ?” મમ્મી કહે, “શી ખબર ?” અને રસ્તો પૂછવા ધીમી પડેલી મોટરમાંથી બેબલીએ પૂછ્યું, “તું કેમ નાચે ?” શૈલેશના બાપુ કહે, “આ જે તો વાદળી વરહી જેઈ.” બેબલીના પપ્પાએ રસ્તો પૂછયો, પણ તેનો જવાબ આપવાને બદલે શૈલેશના બાપાએ કહ્યું, “ઓ શાહેબ, આ જે તો વાદળી વરહી જેઈ.” અને પાછો કૂદવા અને નાચવા માંડ્યો. બેબલીના પપ્પા કહે, “ગાંડો થઈ ગયો છે, દારૂ બારું પીધો હશે.” અને એ લોકો નીકળી ગયા.

વાદળાં તો ચોમાસામાં રોજ વરસે એમાં નાચવા જેવું શું છે ? એમ બેબલીના મમ્મીને વિચાર આવ્યો. એના પપ્પા કહે આ બાજુ વરસાદ ઓછો પડે ને એટલે.

અને પછી શૈલેશના ભાગ્યનું પાંદડું ફરી ગયું,. ત્યારથી શૈલેશના બાપુ ધન તેરસને દિવસે ૧૦૦૦ પેકેટ બિસ્કિટના ખરીદે અને હાઇવે પરના આવા નાના ઝૂંપડાવાળાઓને તે મોટરમાં બેસીને આપવા નીકળતો. તે કહેતો, “શી ખબર કોને ત્યાં વાદળી વરસી પડે ?”