જીવડું K. K. Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવડું

જીવડું
કોલેજ ની રમતોની હરીફાઈમાં બધા ભાગ લેવા સ્ટેડીયમ ઉપર બેઠા હતા. લીના દોડ ની રમતમાં ભાગ લઇ રહી
હતી, અને એની રમત માટે લાઉડ સ્પીકર પર કોલ આવ્યો. એ સ્ટેડીયમ ના પાછળના ભાગે હતી. ચંચળ હરણી
જેવી ઝડપથી દોડતી ઉતરી અને મિત્રોની વચ્ચે બેઠેલા અતુલના ખોળામાં પોતાની પર્સ ફેકતા બોલી , “ અતુલ ,
સાચવજે “ અને એ કૈ સમજે તે પહેલા તો લીના મેદાન પર પહોંચી ચુકી હતી. મિત્રો સાથે પોતાને પણ આશ્ચર્ય
થયુ એના ખોળામા જ પર્સ કેમ ફેંકી ? અને લીનાની રમત પૂરી થઇ ત્યા સુધી પોતે એને સાચવતો બેસી રહ્યો. જો
કે લીના નો નંબર આવ્યો નહોતો એટલે એ ધીરે ધીરે પાછી આવતી હતી ત્યા સુરેશે એના ખભા ઉપર હાથ મૂકી
એને કહ્યું, “ વેલડન , આવતે વર્ષે તારો જ નંબર છે. “ અને પછી પોતાની પાસે આવી બોલી , “ મારું પર્સ ?
અને પોતે એને પર્સ આપ્યું ત્યારે ન તો આભાર નો કોઈ શબ્દ, ન બીજી કોઈ વાત અને ધીરે ધીરે સુરેશ જોડે
કેન્ટીન મા જતી રહી.
આખી રાત એને ઉંઘ ના આવી. આખી રાત લીના ના વિચારો આવ્યા. એણે પોતાને જ પર્સ કેમ આપ્યું ? બીજા
ઘણા ત્યા બેઠા હતા. પણ એને જવાબ મળે એવી કોઈ શક્યતા નહોતી. એક પર્સ ફક્ત સાચવવા આપ્યું તે કોઈ
મોટી વાત નહોતી.
પોતે તો સારો ખેલાડી હતોજ એટલે રોજ સાંજે એ મેદાન ઉપર જતો અને પોતાની રમતની પ્રેક્ટીસ કરતો. લીના
પણ હવે એની જોડે જોડાઈ હતી. અને બંને સાથે પ્રેક્ટીસ કરતા. જો કે દરેક ખેલાડીઓ પોતાની રમતની પ્રેક્ટીસ
કરતા અને તે રમતમાં રસ હોય તેવી યુવતીઓ પણ સાથે પ્રેક્ટીસ કરતી.
એને પ્રેમ કહેવાય એવું તો કૈ હતું નહી.
ધીરે ધીરે લીનાની વાતો વધતી ગઈ અને ઘણી અંગત વાતો પણ કરતી થઇ હતી. એના બાપુજી સમાજમાં ઊંચું
સ્થાન ભોગવતા હતા. જોકે પોતાની બાબતોમા એણે વધુ રસ દાખવ્યો નહોતો. તેમ છતાં પોતે વધારે ને વધારે
લીનામય થતો ગયો હતો. એની નાની નાની બાબતો નું ધ્યાન એ રાખતો થયો હતો એની આર્થિક સ્થીતી બહુ સારી
નહોતી તેમ બહુ ખરાબ પણ નહોતી એટલે એને માટે ચોકલેટ, કે એવી નાની મોટી ભેટ તે લાવતો થયો હતો.
લીના પણ હવે એની પાસે વધારેરહેવાય એવા પ્રયત્નો કરતી .
મિત્રો પણલગભગ એકમત હતા કે બંને એક બીજા ના પ્રેમ મા હતા. જો કે સમીર એવું માનતો નહોતો. એ
કહેતો આ મિત્રતાને પ્રેમ સમજી બેસવું તે એક ભૂલ છે. તે શું પોતાની અદેખાઈ કરતો હતો ? પણ ક્યારેક સમીર ની
વાત સાચી પણ લાગતી. હજુ બંને માંથી કોઈએ પોતાનો પ્રેમ શબ્દોમાં વ્યક્ત કર્યો નહોતો. પણ શું એ જરૂરી છે કે
એ શબ્દ દ્વારા જ વ્યક્ત થાય ? સાચો પ્રેમ તો એક બીજાને સમજવામાં છે. અને બંને તે રીતે વર્તતા નહોતા ?
અને એમ ને એમ વરસ પૂરું થયું અને ફરીથી હરીફાઈ થઇ અને આ વખતે લીના જીતી ગઈ તેનો આનંદ પોતાને
પણ થયો અને લીનાએજયારે પોતાની જીતનો શ્રેય પોતાને આપ્યો ત્યારે એના મનના ઘોડા આકાશમાં ઉડવા
માંડ્યા હતા. એણે લીનાને કહ્યું , “ ચાલ આજે સેલીબ્રેટ કરીએ” પણ લીનાએ , “ આજે તો સુરેશે મારે માટે ખાસ
પાર્ટી રાખી છે એટલે સુરેશની પાર્ટીમાં જવાનું છે” એમ કહ્યું ત્યારે એને ઘણું દુઃખ થયું હતું. સુરેશ એનો પણ સારો
મિત્ર હતો. અને એની પાર્ટીમાં પોતાને આમત્રણ નહોતું.હા, સુરેશ અતિ પૈસાદાર હતો.
અને એક ઝટકા થી ફેકાઇગયેલા જીવડા જેવો તે બની ગયો.
એની ચૌદ વરસની ઉંમરે એ ઓટલા પર બેઠો બેઠો લેસન કરતો હતો. ધોધમાર વરસાદ વરસી ગયાને ઘણા દિવસો
થઇ ગયા હતા. જમીન જાણે તૃપ્ત થઇ ગઈ હતી. દેડકાના મધુર અવાજો અને જ્યા જુઓ ત્યા લીલી વનરાજી.
અને તેમાં ફૂટી નીકળેલા જીવડા.એવું એક જીવડું એની નોટ ઉપર આવી ચઢ્યું. એના કૈ કેટલાએ પગ વડે એ
ચાલતું હતું.એણે એક ઝાટકે એને ઉડાવી મુક્યું. એ દુર ફંગોળાઈ ગયું અને ગૂંચળું વળી ગયું. એ એને જોઈ
રહ્યો. મરી ગયું લાગે છે , કેટલા જોરથી એણે ઝાટકો માર્યો હતો ?. પણ ના. ધીરે ધીરે એને કળ વળી, ફરી એ
પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવ્યું અને જાણે કૈ થયું નથી તેમ ધીરે ધીરે બીજી બાજુ જતું રહ્યું.
પોતે આ જીવડા કરતા પણ નબળો છે ?
ઘણા દિવસે એને કળ વળી પણ એને જે ઝાટકો લાગ્યો હતો તેની નોંધ લેવાનો ન તો લીનાને સમય હતો, ન
સુરેશને કે ન કોઈ અન્ય મિત્રને. જાણે કૈ બન્યું જ નહોતું તેવી રીતે આનંદથી તેઓ જીવી રહ્યા હતા.
પણ તે જયારે ગૂંચળું વળેલું જીવડું હતો, ત્યારે એણે પોતાના મિત્રો , સાથીદારો અને ઘણાને આમ જીવડા બની
જતા જોયા હતા. કોઈને પ્રેમ સંબંધોમાં , કોઈને કોઈ બીજી અપેક્ષાઓમાં, જયારે સફળતા નહોતી મળતી ત્યારે તેઓ
આવા જ જીવડા બનીને ગૂંચળું વળી ગયા હતા. કેટલાક જીવનભર એ આઘાતો માંથી ઉંચા ના આવ્યા, જીવડા જ
રહ્યા. કેટલાક ફરીથી પોતાનું જીવન જીવતા થયા હતા.
અને વિચારોના આવા ધોધ ને કારણે એણે નક્કી કર્યું કે જીવડું તો બની રહેવું નથી. અને ધીરે ધીરે તે એમાંથી
બહાર આવી ગયો હતો.
પણ વારે વારે એને એ વિચાર તો આવતો જ કે ફરી જીવડા ના બની જવું હોય તો શું કરવું ? રાતો નીરાતો એ
જાગતો પડી રહેતો. પુસ્તકો વાંચતો અને ફરી વિચારે ચઢી જતો. પણ કોઈ ઉકેલ એને દેખાતો નહોતો.
એની એવી મનોસ્થિતિ હતી ત્યારે એને દેવદાસ યાદ આવ્યો પણ તરતજ એનું મન બોલી ઉઠ્યું હતું, , “ ના,
શરાબ એ ઉકેલ નથી. એ તો વધારે નિમ્ન કક્ષા હતી. એ શરાબના નશામાં ડૂબી જાય તો પણ લોકોને શું ફરક
પડવાનો હતો ?”
એણે પોતાની રમતોમાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને વિજયોની હારમાળા તે મેળવતો ચાલ્યો પણ ત્યારે પણ એને લાગતું
જીવનમાં કૈક ખૂટે છે. પણ એ ફરીથી પ્રેમ કરે અને ફરી તે જીવડાની માફક ફેંકાઈ જાય તો ? અને શક્યતા તે જ
વધારે હતી.
એણે એક ફેક આઈ ડી બનાવ્યું. અને તે દ્વારા મેસેજ મુક્યો પોતાને અભિનંદન આપતો, જેમાં એના વિદેશમાં રહેતા
ની:સંતાન માશી દ્વારા એને ૫૦ મિલિયન ડોલર નો વારસદાર બનાવવામાં આવ્યો હતો. આ સમાચારદાવાનળની
માફક ફેલાઈ ગયા હતા , અને અભિનંદનો આપનારાઓની લાઈન લાગી ગઈ હતી.તેમાં સુરેશ પણ હતો અને લીના
પણ હતી. એને હવે વારંવાર આમંત્રણો મળતા, યુવાનો, યુવતીઓ એને મિત્ર બનાવવા મથતા. તે પાર્ટીઓમાં જતો
પણ એનું મન એને સતર્ક કરતુ , “ આ આમત્રણ તને નથી, ૫૦ મિલિયન ડોલરને છે “ પણ જેમ જેમ આવા
મિત્રો વધતા ગયા તેમ તેમ એનું મન વધારે ને વધારે નફરત થી ભરેલું અને વિરક્ત થતું ચાલ્યું. દરેક વખતે એને
વિચાર આવતો, ફરી કોઈ એને સાથ આપે. પ્રેમ કરે પણ ફરી જીવડું નહી બનાવી દે તેની કોઈ ખાત્રી ખરી ?
એક વાર એ ટ્રેકીંગ પર ગયો અને તેમ કરતા કરતા તે રસ્તો ભૂલો પડી ગયો અને એક સાધુની કુટીરમાં જઇ
પહોંચ્યો. સાધુએ એને પાણી આપ્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું.
એણે કહ્યું, “ રસ્તો ભૂલી ગયો હતો એટલે આવી ચઢ્યો. “
સાધુએ શુદ્ધ ગુજરાતીમાં કહ્યું, “ આપણે બધા જ રસ્તો ભૂલેલા પ્રાણીઓ નથી ? “
આ દાર્શનિક જવાબથી એને થોડી વધારે ચર્ચા કરવાની ઈચ્છા થઇ. એણે કહ્યું, “ શું કરીએ ? કેવી રીતે ખબર પડે
કે આ રસ્તો આપણને આપણા ધ્યેય તરફ લઇ જાય છે ? “ .
સાધુએ ફરી દાર્શનિક જવાબ આપ્યો , “ જીવનમાં બે જ સત્ય છે. જન્મ , જે હું અને તું પામી ચુક્યાછીએ ,
અને બીજું મૃત્યુ, જે હું અને તું વહેલું કે મોડું પામવાના છીએ. વચ્ચેનો સમય તો આપણે માટે ઉપરવાળો નક્કી કરે
છે. આપણે તો એણે નક્કી કરેલા રસ્તે ચાલવાનું છે. ”
હા, પણ જયારે રસ્તો ભુલી જઈએ ત્યારે બહુ દુઃખ થાય છે. “ વિષાદભર્યા સ્વરે એણે કહ્યું.
હા , થાય છે , કારણકે રસ્તો આપણે નક્કી કરવા મથીએ છીએ. ”
એણે પોતા વિષે થોડી વધારે માહિતી આપી , એને ખાત્રી હતી કે આ સાધુ સામાન્ય થી વધારે જ્ઞાન અને બુધ્ધી
ધરાવે છે. સાધુ થોડી વાર શાંતિ થી બેસી રહ્યો, પછી એક નાની કાંકરી ઉઠાવી અને તેનાથી ૩ – ૪ ફૂટ દુર પડેલા
એના પ્યાલાને મારવાનું કહ્યું. એનું નિશાન બરાબર રહ્યું. સાધુએ એને એક નાનું કપડું આપ્યું .અને પ્યાલાની
આગળ મુકાવ્યું પછી ફરી એને નિશાન બનાવવાનું કહ્યું,
એણે કહ્યું, “ તે તો કેવી રીતે બને ? આગળ એક આવરણ છે. “
સાધુએ એને કહ્યું, “ જીવવાનો આ જ સાચો રસ્તો છે. . કોઈ આપણને પથ્થર ત્યારે જ મારી શકે જયારે આપણે
એને મારવા દઈએ છીએ, આપણી જાત ઉઘાડી કરી દઈએ છીએ. પણ જયારે કોઈ આપણને પથ્થર મારી ના શકે
ત્યારે ન તો દુઃખ થાય છે ન દર્દ. “
પણ એ કેવી રીતે બને ? “
યાદ રાખ બેટા, આપણે એટલું જાણી જઈએ કે આ ભીડમાં આપણે એકલા છીએ તો એ શક્ય બને. આજે તું
મળ્યો. સારી વાતો થઇ, પણ હું તારું નામ જાણતો નથી, ન તો જાણવાની ઈચ્છા છે. અને તું અહીંથી જઈશ પછી
મને તારો વિચાર સરખો નહી આવે , તેં શું કહ્યું, મેં શું કહ્યું એ વિચાર વમળો ચાલ્યાકરે, તો એ ચક્કરમાંથી
બહાર નહી અવાય. તેં કોઈને પ્રેમ કર્યો, વિચારોના વમળમાં એ તારી કેન્દ્રબિંદુ રહી અને તે જયારે છિન્નભિન્ન થઇ
ગયું ત્યારે તને દુઃખ થયું.હંસ પાણીમાં રહે છે પણ પાણી એને ભીજવી શકતું નથી.હંસની માફક જીવો.
સંસારમાં રહો પણ એકલા રહો. બીજાને થાય એટલી મદદ કરો પણ એની અપેક્ષા ના રાખો. ”
અને જાણે એનું મન એણે વાંચી લીધું હોય તેમ કહ્યું, “ તમારી આજુબાજુએક આવરણ રાખો. કોઈ એને ભેદી ના
શકે એટલું ધ્યાન રાખો, તો જીવડા બનવાનો વારો નહી આવે. ““
થોડો વખત વિચાર કરીને એણે કહ્યું, “ એ આવરણમાં ન તો કોઈ આવી શકે, ન હું બહાર જઇ શકીશ. એટલે ન
તો હું કોઈને પ્રેમ કરી શકું, ન મેળવી શકું. “
સાધુએ મર્માળુ હાસ્ય કરતા કહ્યું, “ તે તો છે જ “
ફરી એણે કહ્યું, “ એ જીવન શા કામનું ? જે જીવન પ્રેમ આપી ના શકે, મેળવી ના શકે ? “.
સાધુએ કહ્યું, “ પસંદગી તારી છે. ફરી આઘાતો આવે અને જીવડા બની જવાનું અથવા તારી જાતને સંભાળીને
રાખવાની . “
એણે ઉઠતા ઉઠતા કહ્યું, “ મારે જીવડું જ રહેવું છે. હું કોઈને પ્રેમ કરીશ, કોઈ મને પ્રેમ કરશે, કદાચ તેમ કરતા
જોરદાર ધક્કો લાગશે , જીવડું બની જઈશ, મનમાં રડી લઈશ અને ઘરના એક ખૂણામાં થોડા દિવસ પડી રહીશ
પણ ફરીથી બેઠો થઇશ અને ફરી જીંદગી જીવવા લાગીશ .”