: પ્રકરણ - 15 :
ગેસ્ટ હાઉસ ને જોઈ મારા ચહેરાનો રંગ પલટાઈ ગયો હતો. તેની સુહાનીએ નોંધ લીધી હતી. અને તરતજ મને સવાલ કર્યો હતો.
" શું થઈ ગયું જીજુ? "
મેં તેને કહ્યું હતું. " વાત લાંબી છે. હું તને નિરાંતે સમય મળે કરીશ. "
અમારી વચ્ચે આત્મીયતા બંધાઈ ગઈ હતી. અમે લોકો બહુધા સાથે રહેતા હતાં. સંવાદ સેતુ પણ બંધાઈ ગયો હતો. અમે અમારી બધી જ વાતો એકમેક ને શેઅર કરતાં હતાં.
અમે રસોઈ માટે ચીજ વસ્તુ લેવા માર્કેટમાં સાથે જતાં હતાં. તે દરમિયાનમાં તેણે મને વાત કરી હતી.
" હું અને અનિશ એકમેકને પ્રેમ કરીએ છીએ. "
" હું આ વાત જાણતો હતો. પણ તેના મોઢે સાંભળી ચકિત થઈ ગયો હતો.
મને સવાલ થયો હતો.. અનિશમાં એવું તે શું હતું જેને કારણે તેને પ્રેમ થઈ ગયો હતો. પોતે બી એસ સી સુધી પહોંચી ગઈ હતી જયારે અનિશ આઠ ચોપડી પણ ભણ્યો ન્હોતો..
સુહાનીના આગમન પહેલાં તે મારી બહેનની નિકટ હતો. બંને વચ્ચે સારાસારી હતી. તેઓ ખૂબ જ હળી મળી ગયા હતાં. તેમના વર્તને મને એવું માનવા પ્રેર્યો હતો. બંને એકમેકને પસંદ કરતાં. બંનેની આદર્શ કહી શકાય તેવી જોડી હતી. ગરિમાના કેસમાં મારી તબિયત ખરાબ થઈ હતી ત્યાર પછી મેં તેમને સાથે જોયા હતાં. હું ખુદ ચાહતો હતો કે તેમના લગ્ન થાય.
પણ અનિશના વર્તને મને ખોટો પાડ્યો હતો. તે ભાવિકાને છોડી સુહાની જોડે શરુ થઈ ગયો હતો.. આ ને માટે મને કોઈ અફસોસ ન્હોતો. એ તો ઠીક પણ સુહાની તેના પ્રેમમાં કઈ રીતે પડી ગઈ હતી.
તે ભણ્યો ન્હોતો. તેથી તેને સારી નોકરી મળવાના પણ કોઈ ચાન્સ નહોતા. તેની દાદીમાએ પણ તેણે માંગ્યા પૈસા આપી બગાડ્યો હતો.
તે બૂરી સંગતમાં પડી ગયો હતો. દોસ્તોને પોતાના પૈસે જલસા કરાવતો હતો.. અને પૈસા ખૂટી જતાં દોસ્તો પાસેથી પૈસા ઉધાર લેતો હતો અને તે પાછા આપતો નહોતો.
તેને એક જગ્યાએ નોકરી પણ મળી હતી.. પણ તે નોકરી કરતા સુહાની પાછળ ભાગતો હતો.. તેને હોટલમાં લઈ જતો હતો, ફિલ્મ જોવા પણ લઈ જતો હતો અને કામ પર જતો નહોતો. આની સુહાનીને કોઈ જાણ નહોતી. કદી તે જાણવાની કોશિશ પણ કરી નહોતી.
" તમે કઈ રીતે જીંદગી વિતાવશો? " મને તેની ચિંતા થતી હતી. ત્યારે તેણે મને કહ્યું હતું.
" અનિશ તેની દાદીમા નો લાડકવાયો પૌત્ર છે.. તેઓ તેનો હિસ્સો ગમે ત્યારે આપવા તૈયાર છે. અમને પૈસાની કોઈ ચિંતા નથી. તદ ઉપરાંત હું પણ ભણેલી છું.. હું નોકરી કરીશ અને ઘર ચલાવીશ.."
અનિશે તેના કાનોમાં એવો તે કયો મંત્ર ફૂંક્યો હતો જેને કારણે સુહાની તેની પાછળ ભાગી રહી હતી.
તે મહાબલેશ્વરમાં હતી પણ તેનો જીવ મુંબઈમાં હતો.
એક દિવસ બપોરના શો મા હું ગરિમા અને અન્ય સાળીને લઈ ' ધરતી ' ફિલ્મ જોવા ગયો હતો. તે જ વખતે ગરિમાએ પુત્રને જન્મ આપ્યો હતો, જેની જાણ ઠેઠ અમને રાતના બાર વાગે થઈ હતી.
મારા પિતાજી એ ટેલિગ્રામ મોકલ્યો હતો.
" ગરિમા ને બાબો આવ્યો છે. બંનેની તબિયત સારી છે. "
સમાચાર સાંભળીને હર કોઈના દિલના હરખની હેલી જાગી હતી.
સુહાનીએ હાથ મિલાવીને મને અભિનંદન આપ્યા હતાં.
" કોંગ્રેટ્સ પાપા! "
મેં પણ તેની જોડે હાથ મિલાવી અભિનંદન આપ્યા હતાં.
" કૉંગ્રટસ માસી! "
બધા ખુશ હતાં. નિંદર ઉડી હતી. તે વખતે બીજો ટેલિગ્રામ આવ્યો હતો જેણે સહુના શ્વાસ અધ્ધર કરી દીધા હતાં.
" ગરિમાની તબિયત સારી નથી. સંભવ અને પુષ્પા બહેનને તરતજ મુંબઈ રવાના કરો. "
આ જાણી ને છાવણીમાં સોપો પડી ગયો હતો.
" શું થયું હશે? હર કોઈ ચિંતાના ઘેરામાં અટવાઈ ગયું હતું.
સવારના હસમુખ મહાબલેશ્વર આવવાનો હતો, તે પુષ્પા બહેનનો ભત્રીજો હતો.
તે સમયસર આવી ગયો હતો. તેણે સબ સલામતનો સંદેશો આપ્યો હતો. અને બધાના જીવને ટાઢક વળી હતી.
ગરિમાને લેબર પેઈન ઊપડ્યું હતું અને તેને પ્રસુતિ હોમમાં દાખલ કરી હતી અને તરતજ પિતાજીએ ટેલિગ્રામ મુક્યો હતો.
" ગરિમાની તબિયત બગડી આવી છે. સંભવ અને પુષ્પા બહેનને મુંબઈ રવાના કરો."
આ ટેલિગ્રામ પછી મળ્યો હતો. તે વખતે ફિલ્મ ' અનુપમા ' નું દશ્ય યાદ આવી ગયું હતું.દીકરીને જન્મ આપી માતા મરી જાય છે..
અને હું ગભરાઈ ગયો હતો. ક્યાંક ગરિમા સાથે તો એવું નથી થયું ને? મારા દિમાગમાં સવાલ ઉદભવ્યો હતો.
ટેલિગ્રામ ખાતાની બેદરકારીને લીધે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી.. અને દુઃખની વાત તો એ હતી કે એક ટેલિગ્રામમા મોકલ્યાનો સમય દર્જ નહોતો. મેં તે વખતે ટેલિગ્રામના સમય પર દયાન આપ્યું નહોતું.
તે જાણી લલિતા પવારે ટકોર કરી હતી. " ભણેલા ગણેલા લોકો પણ આવા હોય છે. "
હસમુખે મને કહ્યું હતું " તમારા પિતાજીએ કહ્યું છે.. દોડીને મુંબઈ આવવાની જરૂર નથી. "
પણ હું મારા વારસદારને જોવા અધીરો થઈ ગયો હતો. તે દિવસે રવિવાર હતો.. પુષ્પા બહેને બહાર જવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. અને હું એક દિવસ રોકાઈ ગયો હતો.
જતી વખતે બસમાં હું સુહાની સાથે બેઠો હતો.. તેની સાથે બહું વાત થઈ હતી..
લંચ પછી અમે બીજું સ્પોટ જોવા ગયા હતાં. ત્યારે હસમુખ અધીરો થઈ મારી આગળ દોડીને ખાલી સીટમાં બેસી ગયો હતો અને સુહાનીને પોતાની બાજુમાં બેસાડી દીધી હતી.
આ જોઈ મને ગુસ્સો આવ્યો હતો.. સુહાની સાથે અધૂરી રહેલી વાત હું પૂરી કરવા ચાહતો હતો.. સાળીની બાજુમાં બેસવાનો મારો અધિકાર તેણે છિનવી લીધો હતો ત્યારે મને લલિતા પવારે તેને વિશે કરેલી વાત યાદ આવી ગઈ હતી.
" તે લાગુ પ્રસાદ છે. ગમે ત્યાં પોતાનો હક જમાવીને બેસી જાય છે. "
અત્યાર સુધી હું તેને મારો મિત્ર ગણ્યો હતો. પણ તેના આવા વર્તને મને દુઃખની લાગણી જગાડી હતી.
લલિતા પવારે પણ તેને બહું માથે ચઢાવ્યો હતો.. આ કારણે હું કાંઈ બોલી શક્તો નહોતો.. સુહાની પણ તેને બહું ભાવ આપતી હતી.
આ ને માટે પણ મા દીકરીનો સ્વાર્થ કામ કરી રહ્યો હતો.
હસમુખ લાગવગ ધરાવતો હતો ચીજ વસ્તુની ખરીદીમાં ફાયદો કરાવી આપતો હતો.
અને તે નોન વેજ જોક્સ કહેવામાં માહિર હતો.. તેની પાસે જોક્સનો ખજાનો હતો.
તે દિવસે હું બહું થાકી ગયો હતો. મેં સુહાનીને વાત કરી હતી અને તેણે મને રાતના પગ દબાવી આપવાનું વચન આપ્યું હતું.
અને રાતના તેનું પાલન કર્યું હતું.
તેના આવા સૌજન્યથી હું અત્યંત ભાવુક બની ગયો હતો.
મારું મન સુહાનીનો મળેલો સંગાથ છોડવા તૈયાર નહોતું. પણ બીજે છેડે મારો દીકરો મને પોકારી રહ્યો હતો.
બીજે દિવસે સવારે હું અને પુષ્પા બહેન મુંબઈ આવવા માટે નીકળી પડ્યા હતાં.
આખે રસ્તે હું મારા દીકરાના વિચારોમા ખોવાયેલો રહ્યો હતો.
000000000 ( ક્રમશ : )