Featured Books
શ્રેણી
શેયર કરો

પાછા વળ્યા પાછલા દિવસો - 18

વાર્તા: પાછા વળ્યા પાછલા દિવસો

એપિસોડ ૧૮: 

શ્રદ્ધાની સગાઈ નો પ્રસંગ અને જાનવી ની સુજ બુજ


સાંજનો સમય થતાં જ વાતાવરણમાં એક અનોખી ખુશ્બો અને તાજગી ઘોળાઈ ગઈ હતી. જાનવી અને મનોજે સાથે મળીને ભાડે રાખેલા ઓપન-એર જીમ અને સ્વિમિંગ પૂલવાળા વિશાળ ગ્રાઉન્ડમાં સગાઈનો માહોલ કોઈ રાજવી મહેલ જેવો ભવ્ય લાગી રહ્યો હતો. સેજલ દ્વારા કરવામાં આવેલું ઓપન-એર લાઈટિંગ સ્વિમિંગ પૂલના નીલા પાણીમાં પ્રતિબિંબિત થઈને એક અદ્ભુત અજવાળું પથરાવી રહ્યું હતું. આહલાદક સાંજના પવન સાથે મધુર શરણાઈના સૂરો આખા ગ્રાઉન્ડમાં ગુંજી રહ્યા હતા. રમેશભાઈ અને પાર્વતીબેન હાથ જોડીને હરખભેર મહેમાનોનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતાં. રોહન પણ પોતાની જવાબદારીઓ બહુ હોંશથી નિભાવી રહ્યો હતો.

ત્યાં જ બ્રાઇડલ રૂમનો દરવાજો ખૂલ્યો અને શ્રદ્ધા બહાર આવી. સગાઈના પેસ્ટલ પિંક અને સિલ્વર કલરના ડિઝાઈનર લહેંગામાં શ્રદ્ધા અતિશય સુંદર લાગી રહી હતી. તેની હળવી મેકઅપ, હીરાની નાજુક જ્વેલરી અને ચહેરા પરની લાજ તેની સુંદરતા વધારી રહી હતી.

પણ આ આખી મહેફિલમાં જો કોઈ પોતાની સાદગીથી બધાનું ધ્યાન ખેંચતું હોય તો એ હતી જાનવી.

જાનવીએ કોઈ અતિશય ભારે દાગીના કે ઘાટો મેકઅપ નહોતો કર્યો. તેણે બોર્ડર વર્કવાળી એક સાદી પણ અત્યંત રોયલ સાડી પહેરી હતી. વાળમાં નાજુક મોગરાનો ગજરો અને કાનમાં નાના ઝૂમખાં—બસ આટલી સાદગીમાં પણ જાનવી એટલી આકર્ષક લાગતી હતી કે જેની પણ નજર તેના પર પડી, તે જોતાં જ રહી ગયા. તે જે રીતે પોતાની સાડી સંભાળીને આખા મંડપમાં દોડધામ કરતી આયોજન સાચવી રહી હતી, તેની આ સહજતા આખા પરિવારનું દિલ જીતી રહી હતી.

જાનવી જ્યારે મંડપની મધ્યમાંથી પસાર થઈ રહી હતી ત્યારે કેટરિંગ વિભાગનું ધ્યાન રાખી રહેલો મનોજ તેને જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. મનોજના હાથમાં રહેલી ટ્રે ક્ષણભર માટે થંભી ગઈ. મનોજે જાનવીને હંમેશા સાદા કપડાં અને કામમાં વ્યસ્ત જોઈ હતી, પણ આજે આ સાદગીમાં ખીલેલું તેનું રૂપ જોઈને મનોજ સાવ મંત્રમુગ્ધ થઈ ગયો. તે પોતાનું કામ કરતાં કરતાં પણ વારંવાર નજર ચોરીને જાનવીને જ જોઈ રહ્યો હતો.

મનોજની આ અબોલ તડપ અને તેની આંખોનો પ્રેમ સેજલની નજરે ચડી ગયો. સેજલને મનોજ પર દયા આવી ગઈ. તે ધીમેથી મનોજ પાસે આવી અને તેના ખભા પર સાંત્વના આપતો હાથ રાખીને હળવેથી બોલી, "હું તારી ભાવનાઓ બહુ સારી રીતે સમજું છું મનોજ... પણ તું તેને એકવાર હિંમત કરીને કહી કેમ નથી દેતો?" મનોજે એક ઊંડો શ્વાસ લીધો, સેજલ સામે જોઈને એક વિષાદભર્યું સ્મિત આપ્યું અને કશુંય બોલ્યા વગર પાછો પોતાના કામમાં પરોવાઈ ગયો.

બરાબર એ જ સમયે વરપક્ષનું ગ્રાન્ડ આગમન થયું. સુમિત શેઠ, તેમના કાકા વિક્રમ શેઠ અને સુમિતના બીમાર મમ્મી પધાર્યા. સુમિતના મમ્મી અવારનવાર બીમાર રહેતા હોવાથી બહુ બહાર નહોતા નીકળતા, પણ પોતાના વહાલા દીકરાની સગાઈ નિમિત્તે તેઓ ખાસ હાજર રહ્યા હતા. સ્વિમિંગ પૂલ અને જીમના ગ્રાઉન્ડ પાસેનું આવું અદ્ભુત આયોજન જોઈને તેમનો થાકેલો ચહેરો પણ ખીલી ઊઠ્યો.

રમેશભાઈ અને પાર્વતીબેન તરત જ વરપક્ષના સ્વાગત માટે આગળ આવ્યા. સુમિતના મમ્મીએ ભાવુક થઈને પાર્વતીબેનનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, "વેવાણ, મને તો એમ હતું કે હું અહીં આવીને થાકી જઈશ, પણ આ વાતાવરણ અને તમારું આયોજન જોઈને મારો બધો થાક ઊતરી ગયો. તમે લોકોએ તો ખરેખર રાજવી ઠાઠ ઊભો કરી દીધો છે!"

વિક્રમ શેઠે પણ રમેશભાઈના ખભા પર હાથ રાખીને વખાણ કર્યા, "રમેશભાઈ, આ સેટઅપ જોઈને માનવું પડે કે તમારી દીકરીઓએ આયોજનમાં કોઈ કસર નથી છોડી. સુમિત માટે આનાથી સારો પરિવાર અમને ન મળી શકે." રમેશભાઈની આંખો ખુશીના આંસુઓથી છલકાઈ ગઈ.

હવે વારો હતો સગાઈની સૌથી ખાસ ક્ષણનો—કપલ એન્ટ્રી!

મનોહર સંગીતના સૂરો વચ્ચે સ્ટેજ પર સુમિત શેઠ પોતાના રોયલ આઉટફિટમાં ઊભા હતા. સામેથી સીમા અને જાનવી શ્રદ્ધાને લઈને સ્ટેજ તરફ આવી રહ્યા હતા. સુમિતે જ્યારે શ્રદ્ધાને પોતાની તરફ ચાલતી આવતી જોઈ, ત્યારે તેનું દિલ એક ધડકન ચૂકી ગયું. આસપાસની આખી દુનિયા જાણે થંભી ગઈ હતી. સુમિત મનોમન વિચારી રહ્યો હતો, "શું આ ખરેખર એ જ શ્રદ્ધા છે જે મારા જીવનમાં આવવા જઈ રહી છે? આટલી સુંદર અને પવિત્ર છોકરી મેળવીને હું ખરેખર ભાગ્યશાળી છું."

બીજી તરફ, શ્રદ્ધા પણ ધીમા ડગલે ચાલતી વખતે નીચી નજરે સુમિત તરફ જોઈ રહી હતી. શ્રદ્ધાના મનમાં વિચારોનું એક રોમાન્ટિક વાવાઝોડું ચાલતું હતું, "સુમિતજી આજે સાચે જ કોઈ રાજકુમાર જેવા લાગી રહ્યા છે. તેમનો આ પ્રેમ અને આદર મને એક નવી જિંદગી તરફ લઈ જઈ રહ્યો છે. ભગવાન કરે અમારો આ સાથ સદા માટે આવો જ બની રહે."

જેવી શ્રદ્ધા સ્ટેજ પાસે પહોંચી, સુમિતે અત્યંત પ્રેમથી પોતાનો હાથ આગળ લંબાવ્યો. શ્રદ્ધાએ શરમાઈને પોતાનો નાજુક હાથ સુમિતના હાથમાં મૂકી દીધો. બંનેની આંખો એકબીજા સાથે પરોવાઈ. સુમિતે શ્રદ્ધાના કાન પાસે નમીને અત્યંત ધીમા અવાજે કહ્યું, "આજે તું આકાશમાંથી ઊતરેલી કોઈ અપ્સરા જેવી લાગે છે, શ્રદ્ધા... મારો એક પણ ક્ષણ તારા પરથી નજર હટાવવાનો જીવ નથી થતો." આ સાંભળીને શ્રદ્ધાના ગાલ પર શરમના શેરડા પડી ગયા અને તેણે સ્મિત સાથે નીચું જોઈ લીધું. બંને વચ્ચેનું આ પ્રેમભર્યું મૌન આખી મહેફિલનું આકર્ષણ બની ગયું.

પણ આ રોમેન્ટિક માહોલ વચ્ચે રમુજ ન થાય તો જાનવીની ગેંગ અધૂરી ગણાય! શ્રદ્ધાને સ્ટેજ પર મૂકીને સીમા જેવી પાછી વળી, ત્યાં જ સુમિત શેઠનો એક મોડર્ન અને ઉતાવળિયો દોસ્ત દોડતો આવતો હતો. હડબડાટમાં તેનો પગ સીમાના મોંઘા ડ્રેસના ઘેર પર પડી ગયો. "ચડડડ..." એવો અવાજ આવ્યો અને સીમા ઝટકા સાથે અટકી ગઈ.

સીમાએ આંખો મોટી કરીને પેલા દોસ્ત સામે જોયું અને પોતાના ખાસ અંદાજમાં મોટેથી બોલી, "અરે ઓ ભાઈ! આંખો ઘરમાં ભૂલીને આવ્યા છો કે શું? જોઈને ચાલો ને... કેટલાક છો આવા!"

પેલો દોસ્ત સીમાનો આ ડ્રેસ અને ગુસ્સો જોઈને શરમાઈ ગયો. તેણે તરત બે હાથ જોડીને માફી માંગગી, "સોરી, સોરી મેડમ! ભૂલ થઈ ગઈ!" અને ત્યાંથી ભાગીને સુમિત પાસે જતો રહ્યો. આ દ્રશ્ય જોઈને આસપાસ ઊભેલા મહેમાનો અને રોહન ખડખડાટ હસી પડ્યા.

ત્યારબાદ સગાઈની મુખ્ય વિધિ શરૂ થઈ. મંત્રોચ્ચાર અને ફટાકડાના ધડાકા વચ્ચે શ્રદ્ધા અને સુમિતે એકબીજાને વીંટી પહેરાવી. આખો મંડપ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો. સગા-સંબંધીઓએ સ્ટેજ પર આવીને નવદંપતીને આશીર્વાદ આપ્યા. વીંટી પહેરાવાયા પછી બધા જમણવાર તરફ વળ્યા. રોહન અને મનોજની કેટરિંગ ટીમે પીરસેલું સ્વાદિષ્ટ ભોજન જોઈને મહેમાનો વાહ-વાહ કરી ઊઠ્યા.

બપોરે જ્યારે સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ જાનવીએ સમગ્ર મહેમાનોની યાદી (Guest List) બારીકાઈથી ચેક કરી લીધી હતી. સુમિત શેઠની કંપનીના સ્ટાફના લિસ્ટમાં તેણે પહેલેથી જ 'જતીન' નું નામ જોઈ લીધું હતું. તેથી જાનવીને પહેલાથી જ ખબર હતી કે જતીન પણ અહીં આવવાનો છે.

જાનવી જ્યારે સ્વિમિંગ પૂલના એક ખૂણે ઊભી હતી ત્યારે તેના સાદા ફોન પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો:

"સગાઈનું આયોજન ખૂબ સુંદર કર્યું છે જાનવી! પણ સાચું કહું તો આખી મહેફિલમાં તારાથી વધારે સુંદર કોઈ નથી લાગતું. તું મારી હતી અને મારી જ રહેવાની છે... હવે તો અવારનવાર મુલાકાતોનો સિલસિલો શરૂ થયો છે!"

મેસેજ વાંચતાં જ જાનવીના ચહેરા પર કોઈ ગભરાટ ન આવ્યો. લખાણની ઘમંડી ભાષા પરથી તે સમજી ગઈ કે આ અહંકારી મેસેજ જતીનનો જ છે. જાનવીએ મનમાં જ કહ્યું, "અકલ વગરનો, બુદ્ધિ વગરનો! એને એમ કે અજાણ્યા નંબરથી મેસેજ કરીને મને સરપ્રાઈઝ આપશે? મને તો બપોરથી જ ખબર હતી કે તું અહીં આવવાનો છે!"

જાનવીએ આસપાસ નજર ફેરવી તો સ્વિમિંગ પૂલના બીજા છેડે વિક્રમ શેઠ સાથે ઊભેલો જતીન હાથમાં કોલ્ડ ડ્રિંક્સનો ગ્લાસ લઈને તેને જ જોઈ રહ્યો હતો. જાનવીએ જરાય ડર્યા વગર તેની સામે જોઈને એક કટાક્ષભર્યું ફીકું સ્મિત (Smirk) આપ્યું.

એ જ સમયે સેજલની નજર પણ જતીન પર પડી. સેજલ ગભરાઈ ગઈ અને જાનવી પાસે આવીને ધીમેથી બોલી, "જાનવી! તને ખબર છે? પેલા ખૂણે જતીન પણ ઊભો છે! એ સુમિત શેઠના સ્ટાફમાંથી આવ્યો છે. મને તો બહુ ચિંતા થાય છે..."

જાનવીએ સેજલને આત્મવિશ્વાસથી કહ્યું, "કાંઈ વાંધો નહીં સેજલ, તું બિલકુલ ચિંતા કરમા! તે મને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. આવા તો હું કેટલાય હેન્ડલ કરી લઉં છું!"

બીજી તરફ, જતીનની નજર કેટરિંગ સંભાળી રહેલા મનોજ પર પડી. મનોજને આટલી જવાબદારી અને ઈજ્જતથી કામ કરતો જોઈને જતીનનો અહંકાર ઘવાયો. તે મનમાં જ બળવા લાગ્યો, "આ મનોજ અહીં શું કરી રહ્યો છે? આ જાનવીનો કોઈ સગો નથી કે દોસ્ત નથી, તો આની શું ઓકાત છે અહીં?"

જતીન મનોજને નીચો પાડવા સીધો કેટરિંગ કાઉન્ટર પર ગયો અને કોલ્ડ ડ્રિંક્સનો ગ્લાસ જોરથી ટેબલ પર મૂકીને મોટેથી બોલ્યો, "હેલો મિસ્ટર! આ કેવું કેટરિંગ છે? આ કોલ્ડ ડ્રિંક્સ સાવ ગરમ છે! તારા જેવા માણસોને વગર લાયકાતે આટલા મોટા પ્રસંગનું કામ કોણે આપ્યું?"

મનોજ પ્રસંગ બગાડવા નહોતો માંગતો, એટલે તેણે વિનમ્રતાથી કહ્યું, "સર, જો ડ્રિંક ઠંડુ ન હોય તો હું તમને બીજો આઈસ-કોલ્ડ ગ્લાસ આપાવું છું." પણ જતીન તેને વધુ અપમાનિત કરવા લાગ્યો.

ત્યાં જ પાછળથી જાનવીનો ધારદાર અવાજ આવ્યો:

"કોલ્ડ ડ્રિંક તો એકદમ ઠંડું જ છે મહાશય! પણ જો છતાંય તમને વધારે ઠંડું જોતું હોય, તો બે બરફના ટુકડા વધારે નખાવી આપું? તમે અહીં સગાઈના પ્રસંગમાં આવ્યા છો, તો આ મનોહર વાતાવરણ અને મેજબાનીનો આનંદ માણો! બાકી તમે તો સમજુ છો... સુમિત શેઠના પરિવારના કોઈ ખાસ રિલેટિવ તો છો નહીં, કંપનીના એકમાત્ર એકાઉન્ટન્ટ હોવાની તમારી શું હેસિયત છે એ તો તમને ખબર જ હશે! એટલે અહીં બીજું કંઈ કરવાની જરૂર નથી, બસ શાંતિથી પ્રસંગ એન્જોય કરો!"

જાનવીનો આ સણસણતો અને આકરો જવાબ સાંભળીને જતીનની બોલતી સાવ બંધ થઈ ગઈ. આખા મંડપ વચ્ચે પોતાની સાચી હેસિયત સમજાઈ જતાં જતીનનો ચહેરો સાવ ફીકો પડી ગયો. તે કાંઈ બોલી પણ ન શક્યો અને કશું સાંભળી પણ ન શક્યો. જતીન ઝંખવાણો પડીને મૌન થઈ ગયો અને પોતાનું મોં કાળું કરીને ભીડમાં ગાયબ થઈ ગયો.

જાનવીએ મનોજ તરફ જોઈને શાંતિથી સ્મિત કર્યું. સગાઈનો આ ગ્રાન્ડ પ્રસંગ એક બાજુ ખુશીઓ સાથે સંપન્ન થયો, તો બીજી બાજુ જાનવીએ પોતાના આત્મવિશ્વાસથી જતીનને તેની સાચી જગ્યા બતાવી દીધી હતી.

આગળ આપણે જોશું રિલેટિવ વિદાય લે છે ત્યારબાદ ..........

(ક્રમશઃ - એપિસોડ ૧૯ માં જુઓ, હવે આગળ જાનવી અને સુમિતના પરિવાર વચ્ચે કેવો નવો વળાંક આવશે?)