Featured Books
શ્રેણી
શેયર કરો

પાછા વળ્યા પાછલા દિવસો - 2

પહેલા ભાગમાં આપણે જોઈ ગયા કે...

અંધારું છવાઈ ગયું હતું ત્યાં જ અચાનક જાનવીની આંખો ખુલી. તેની સામે પોતાના જૂના ઘરની ભીંતો હતી, હવામાં એ જ જૂની અને અતિ જાણીતી સુગંધ હતી.

એવામાં રસોડામાંથી અવાજ આવ્યો, "જાનુ, એય જાનુ! ક્યારની ઊઠી છે, ચાલ હવે મોડું થાય છે, તારે કોલેજે નથી જવું?"

એ અવાજ સાંભળતાં જ જાનવીના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. આ તો તેની મા, સુમિત્રાબેનનો અવાજ હતો! જે માને ગુજરેલા કેટલાય વર્ષો થઈ ગયા હતા, તેનો અવાજ સંભળાતાં જાનવીનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેનાથી મનોમન બોલાઈ ગયું, 'આ કેમ બની શકે? મા તો...!'

તે ઝટપટ ઊભી થઈ અને દોડતી રસોડા તરફ ગઈ. સામે સુમિત્રાબેન શાક સમારી રહ્યા હતા. જીવતીજાગતી માને સામે જોઈને જાનવીને પોતાની આંખો પર જરાય વિશ્વાસ ન આવ્યો. તેની આંખોમાંથી દડ-દડ અશ્રુઓ વહેવા લાગ્યા. તે દોડીને માને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી.

સુમિત્રાબેન તો ડઘાઈ ગયા. તેમણે જાનવીના પીઠ પર હાથ ફેરવતાં ચિંતાથી પૂછ્યું, "અરે! શું થયું જાનુ? કેમ આટલું રોવે છે? કાઈ ખરાબ સપનું જોયું કે શું?"

જાનવીએ રોતાં રોતાં જ માનો ચહેરો પોતાના બે હાથમાં લીધો અને બોલી, "મમ્મી! તુંય મરી ગઈ ને હુંય મરી ગઈ! આપણે બંને સ્વર્ગમાં ભેગાં થઈ ગયાં ને? કેટલા વર્ષો પછી તને જોઈ મમ્મી! હું તને કેટલી યાદ કરતી હતી!"

સુમિત્રાબેને ક્ષણવાર માટે જાનવી સામે જોયું અને પછી વહાલથી તેના ગાલ પર એક હળવી થાપટ મારીને ખડખડાટ હસી પડ્યા,

"હું શું કામ મરી જાઉં ઘેલી થઈ ગઈ છે કે શું?

મારા દુશ્મનો મરે! સવાર-સવારમાં આ શું

ઊંધા ચશ્મા પહેરીને બોલે છે? મગજ ફસકી ગયું છે કે શું તારું?"

પણ જાનવી તો હજીય માના ગાલ અડીને, તેના હાથ પકડીને ચકાસતી હતી કે આ સાચે જ તેની મા છે કે કોઈ આભાસ. તે માની પાછળ ને પાછળ જ ફરવા લાગી.

સુમિત્રાબેને કહ્યું, "લે હવે રોવાનું બંધ કર અને નાસ્તો કરી ને છાનીમાની તૈયાર થા, તારે કોલેજે નથી જવું?"

જાનવીએ તરત જ માનો હાથ પકડી લીધો અને સ્પષ્ટ ના પાડી દીધી, "ના મમ્મી! મારે આજે કોલેજે કે ક્યાંય નથી જવું. મારે બસ આખો દિવસ તમારી સાથે જ રહેવું છે."(તેના મનમાં એમ થતું હતું કે આ સપનું કેવું છે સરસ બસ આમ જ ચાલ્યા રાખે)

બપોર સુધી જાનવી છાયાની જેમ માની પાછળ જ રહી. સુમિત્રાબેન રસોઈ બનાવે તો જાનવી બાજુમાં ઊભી રહીને તેને એકીટશે જોયા કરે. સુમિત્રાબેન રૂમ સાફ કરે તો જાનવી ત્યાંય પહોંચી જાય અને ઘડીએ ઘડીએ માના ગાલ અને હાથ સ્પર્શીને ખાતરી કર્યા કરે.

સુમિત્રાબેન કંટાળીને બોલ્યા, "એય તું મારી પાછળ કેમ ભૂતની જેમ પડી છે? આજે તને થયું છે શું?"

બપોરે જ્યારે સુમિત્રાબેન આંગણામાં કપડાં ધોવા બેઠા, ત્યારે જાનવી દોડીને બાજુમાં બેસી ગઈ અને ડોલમાંથી કપડાં લઈને બોલી, "લાવ મા, આજે હું તને કપડાં ધોવરાવી આપું."

જે દીકરી ક્યારેય ઘરમાં કચરો-પોતું કે વાસણને હાથ નહોતી અડાડતી, તે આજે સામેથી કપડાં ધોવા બેઠી! સુમિત્રાબેને નવાઈથી જાનવી સામું જોયું, પોતાના કપાળે હાથ ટેકવ્યો અને મનોમન બોલ્યા, "નક્કી આને કઈંક મેળવવું છે અથવા તો આનું ચાસટકું છટક્યું છે! કોઈ દિવસ સામો રોટલો ન આપવા વાળી આજે કપડાં ધોવા બેઠી!"

જાનવી કપડાં ધોતાં ધોતાં પણ વારંવાર માના ગાલ અડ્યા જ રાખતી હતી—આ સાચું છે કે ખોટું તે પારખવા માટે.

સુમિત્રાબેન આ જોઈને અકળાયા અને જાનવીને વધારે મારે છે: "શું ગાંડા વેળા કરે છે તું ક્યારની? હાથ આઘા રાખ ને!"

જાનવી બોલી, "હું તો જોઉં છું કે આ સાચું છે કે ખોટું..."

સુમિત્રાબેને તેને વધુ બે-ત્રણ વહાલભરી થાપટો ચોડી દીધી: "હજુ તને ખોટું લાગે છે? હવે છાનીમાની બેસ!"

માનો માર પડતાં જ જાનવીને મનમાં શંકા ગઈ, 'ના ના, આ તો ખોટું જ હોવું જોઈએ, આટલી બધી મા મારી સામે સાચે થોડી હોય?' તે ચકાસવા માટે તેણે પોતે જ પોતાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી! તેને સણસણતો દુખાવો થયો. તેને લાગ્યું કે લાગે તો છે!

"ના, આ સપનું નથી, આ તો સાચું છે!" બોલતાં જ તે ઊભી થઈ અને દોડતી પોતાના રૂમમાં ગઈ.

 તે રૂમની દીવાલ તરફ દોડી. ત્યાં દીવાલ પર લટકાવેલા જૂના કેલેન્ડર પર તેની નજર પડી. કેલેન્ડરની તારીખ, વાર અને વર્ષ જોઈને જાનવીના હોશ ઊડી ગયા.

પોતાને હજીય પૂરો વિશ્વાસ ન આવતાં તેણે ફરીથી પોતાના ગાલ પર એક થપ્પડ મારી અને જોરથી ચીટી ભરી. શરીર પર દુખાવો ઉપડતાં જ તેના મનમાં ચોક્કસ ખાતરી થઈ ગઈ કે આ કોઈ સ્વપ્ન કે ભ્રમ નથી—તે ખરેખર ટાઈમ ટ્રાવેલ કરીને પોતાના ભૂતકાળમાં પહોંચી ચૂકી છે! એ પોતાના ગાલ પર હળવેકથી હાથ ફેરવતા ફેરવતા બોલી કે આવું થોડું થાય આવું થોડું થાય હું પછી ભૂતકાળમાં વહી ગઈ છું હું પછી કોલેજ ગર્લ બની ગઈ છું. તેને વિશ્વાસ નહોતો હતો એટલી વારમાં બાજુના રૂમમાંથી તેની મોટી બહેન બહાર આવી અને પૂછવા લાગી તું કેમ આજે કોલેજો નથી કરી મોટી બહેનને જોઈ અને તે ખૂબ રાજી થઈ ગઈ તે પાછી જુવાન અને સરસ લાગતી હતી...

To be continue......