ભાગ ૧૩
જાનવી પોતાના ગુસ્સા પર કાબૂ રાખીને રૂમમાં જવાને બદલે સીધી રસોડામાં ગઈ અને અધૂરું રહેલું ઘરનું કામ ઝડપથી પતાવવા લાગી. તેનો જીવ મમ્મીમાં જ પરોવાયેલો હતો.
પપ્પા મમ્મી પાસે ગયા અને તેમનો હાથ પકડીને પૂછ્યું, ;તારી તબિયત આટલી બધી ખરાબ છે? શું થયું છે તને?
મમ્મીએ અશક્ત અવાજે કહ્યું, ;કંઈ નહીં... બસ સવારનું પેટમાં બહુ દુખે છે અને વારંવાર ઊલટીઓ થાય છે.
મમ્મીની હાલત જોઈને પપ્પાને પણ ચિંતા થઈ. તેમણે તરત જ કહ્યું, ચાલ, આપણે એકવાર ડોક્ટર પાસે જઈને બતાવી આવીએ.
જાનવી પણ ઘરનું કામ પડતું મૂકીને તરત જ પપ્પા અને મમ્મી સાથે હોસ્પિટલ જવા નીકળી ગઈ.
હોસ્પિટલ પહોંચીને ડોક્ટરે મમ્મીની પ્રાથમિક તપાસ કરી અને કેટલીક સોનોગ્રાફી તથા બ્લડ ટેસ્ટ કરાવવા કહ્યું. બધી તપાસ પૂરી થયા પછી ડોક્ટરે કહ્યું,આજે રિપોર્ટ તૈયાર થતાં વાર લાગશે. તમે કાલે સવારે આવીને રિપોર્ટ લઈ જજો.
જાનવીને તો પૂર્વજન્મની સ્મૃતિઓને કારણે અંદરથી બધી ખબર જ હતી કે શું બીમારી છે, છતાં તે કંઈ બોલી નહીં અને મન મક્કમ રાખીને શાંત રહી.
બીજે દિવસે સવારે જાનવી અને તેના પપ્પા ડોક્ટરની કેબિનમાં ગયા. ડોક્ટરે રિપોર્ટ જોયા પછી ગંભીર થઈને કહ્યું, "સારું થયું કે તમે સમયસર આવી ગયા અને આ બધી તપાસ વહેલી કરાવી લીધી. હજી બહુ મોડું નથી થયું. મમ્મીના પેટમાં એક નાની ગાંઠ છે. જો આપણે ઓપરેશન કરીને આ ગાંઠ સમયસર કાઢી નાખીશું, તો તેમને આગળના ૧૦ વર્ષ સુધી કોઈ વાંધો નહીં આવે.
જાનવીના ચહેરા પર એક પળ માટે આશાનું કિરણ ચમક્યું, પણ પછી તેણે ડોક્ટરને પૂછ્યું, ડોક્ટર સાહેબ, આ ઓપરેશન કરાવવાનો ખર્ચ કેટલો થશે?
ડોક્ટરે જ્યારે ઓપરેશનનો મસમોટો ખર્ચ કહ્યો, ત્યારે જાનવી અને તેના પપ્પા બંને ચિંતામાં પડી ગયા. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી કે આટલી મોટી રકમ એકસાથે ભેગી કરી શકાય. આટલો મોટો ખર્ચ સાંભળીને પપ્પા પણ સાવ ભાંગી પડ્યા.
હોસ્પિટલમાંથી બહાર નીકળીને પપ્પા મમ્મીની સંભાળ રાખવા ઘરે જવા રવાના થયા અને જાનવી કોલેજ જવા માટે બસ સ્ટેન્ડ તરફ ચાલી.
બસ સ્ટેન્ડ પર ઊભી ઊભી જાનવી સતત વિચારતી હતી કે આટલા બધા પૈસા ક્યાંથી લાવવા? શું કરવું અને શું ન કરવું? મમ્મીને બચાવવાનો રસ્તો સામે હોવા છતાં પૈસાના અભાવે તે લાચાર અનુભવી રહી હતી. જોતજોતામાં તેની આંખોમાંથી સતત અશ્રુધારા વહેવા લાગી.
એવામાં ત્યાંથી તેની ખાસ બહેનપણી સેજલ તેના સ્કૂટર પર નીકળી. તેણે બસ સ્ટેન્ડ પર જાનવીને ઉદાસ ઊભેલી જોઈ એટલે તરત જ સ્કૂટર ઊભું રાખ્યું અને મસ્તીના મૂડમાં બોલી, એ ડાર્લિંગ! ક્યાં જાય છે? ચાલ મારી પાછળ બેસી જા, હું તને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દઉં!
પણ જેવી તેની નજર જાનવીના આંસુથી ભરેલા ચહેરા પર પડી, તે ગંભીર થઈ ગઈ. સેજલે સ્કૂટર સાઈડમાં મૂકીને પૂછ્યું, ;શું થયું જાનવી? તું કેમ રોઈ રહી છે?
જાનવીએ આંસુ લૂછતાં કહ્યું, કંઈ નથી થયું...
;મને ઝૂઠું ન બોલ, ચાલ પહેલા સ્કૂટર પાછળ બેસી જા, સેજલે તેને પકડીને સ્કૂટર પર બેસાડી દીધી અને કોલેજ તરફ ચલાવવા લાગી. રસ્તામાં તેણે ફરી પૂછ્યું, ;હવે બોલ જાનવી, શું વાત છે? તું આટલી બધી કેમ રડે છે?
જાનવીથી હવે પોતાનું દુઃખ રોકી ન શકાયું. તેણે મમ્મીની પેટની ગાંઠ, ઓપરેશન અને પ્રાઈવેટ હોસ્પિટલના અસહ્ય ખર્ચ વિશે વિગતવાર બધી વાત કરી દીધી.
આ સાંભળીને સેજલે તરત જ કહ્યું, ;અરે! એમાં શું ચિંતા કરે છે? મારી પાસે આનું એક મસ્ત સોલ્યુશન છે, તું કહે તો કહું!
જાનવીએ આશાભરી નજરે પૂછ્યું, ;કહે ને, શું સોલ્યુશન છે?
સેજલે કહ્યું, ;મારી એક ઓળખીતી ફ્રેન્ડ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર છે. હું તેને બધી વાત પૂછીને, ગવર્નમેન્ટ સ્કીમ અને ઓપરેશનની બધી તપાસ કરીને તને થોડીવારમાં કહું. એ સરકારી હોસ્પિટલમાં બધી સુવિધા પણ બહુ સરસ છે અને સારો ઉપાય પણ નીકળી જશે!
બહેનપણીની આ વાત સાંભળીને જાનવીના જીવમાં જીવ આવ્યો. કોલેજ પહોંચ્યા પછી સેજલે મનોજને પણ વાત કરી દીધી કે જાનવીની મમ્મીની તબિયત બહુ ખરાબ છે અને ઓપરેશન કરાવવું પડે તેમ છે. મનોજ પણ જાનવીની મદદ કરવા માટે પોતાના લાગવગવાળા ડોક્ટરો અને ટ્રસ્ટોમાં તપાસ કરવા લાગ્યો કે ક્યાંયથી આર્થિક મદદ કે સરકારી સ્કીમનો લાભ મળી શકે છે કે નહીં.
બીજી તરફ, જાનવીનો ભાઈ રોહન, જે અત્યાર સુધી પોતાની મસ્તીમાં જ મસ્ત રહેતો હતો અને કોઈ જવાબદારી નહોતો લેતો, તેને જ્યારે મમ્મીની બીમારી અને મોટી રકમની જરૂરિયાત વિશે ખબર પડી ત્યારે તેનું દિલ ડંખી ઊઠ્યું. તેને પોતાની નાદાનીઓ પર પસ્તાવો થયો.
રોહન પૈસાની સગવડ કરવા માટે પોતાના મિત્રો અને ઓળખીતાઓ પાસે દોડધામ કરવા લાગ્યો. તેણે બધે ફાફા માર્યા, પણ કોઈ તેને મોટી રકમ આપવા તૈયાર નહોતું. છેવટે થાકીને તે એક પાર્કના ખૂણામાં આવેલી બેન્ચ પર માથું પકડીને બેસી ગયો. તે મનોમન પોતાને કોસવા લાગ્યો, હું કેટલો નકામો છું! આજે મારી મમ્મી હોસ્પિટલમાં છે અને હું એક રૂપિયો પણ મદદ કરી શકતો નથી!
ત્યાં જ તેના ફોનની રિંગ વાગી. તેની ગર્લફ્રેન્ડનો ફોન હતો. ફોન ઉપાડતા જ સામેથી ગર્લફ્રેન્ડ ખીજાઈને બોલી, મેં તને ત્રણ દિવસ પહેલાં જે પૈસા આપવાનું કહ્યું હતું તે હજી કેમ નથી મોકલ્યા? તું મને પૈસા ક્યારે આપે છે?
રોહનનો મગજ પહેલાંથી જ ચિંતામાં છટકેલો હતો. તેણે ગુસ્સામાં ચીસ પાડીને કહ્યું, ;તારું મગજ ઠેકાણે છે કે નહીં? ઘરમાં મારી મમ્મીની તબિયત ખરાબ છે, ઓપરેશન કરાવવાનું છે અને હું પૈસાની સગવડ કરવા દોડાદોડ કરું છું. તને બસ જ્યારે જુઓ ત્યારે પોતાના પૈસાની જ પડી હોય છે! ક્યાંથી કાઢું પૈસા? હવે પછી મને ક્યારેય ફોન ન કરતી!આટલું કહીને તેણે ગુસ્સામાં ફોન કાપી નાખ્યો.
રોહનનો આ ગુસ્સો અને વાતચીત નજીકમાં ઊભેલા તેના એક જુના મિત્રે સાંભળી લીધી. તે રોહન પાસે આવ્યો અને તેના ખભા પર હાથ મૂકીને પૂછ્યું, શું થયું રોહન? તું આટલા બધા ગુસ્સામાં કેમ છે? તું તો ક્યારેય આટલો અકળાતો નથી.
રોહને આંખોમાં આંસુ સાથે મિત્રને બધી વાત કરી કે મમ્મીના ઓપરેશન માટે પૈસાની જરૂર છે અને તેની પાસે કોઈ રસ્તો નથી.
મિત્રે શાંતિથી કહ્યું, જો રોહન, મારી પાસે એટલા બધા પૈસા તો નથી કે હું તને આપી શકું. પણ જો તારે મહેનત કરવી હોય તો હું તને એક કામ અપાવી શકું છું. મારી ઓળખાણમાં એક ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ છે, જેમાં અત્યારે એક મોટા ઓર્ડર માટે માણસોની જરૂર છે. તું ત્યાં પાર્ટ ટાઈમ કામ કરીને સારા પૈસા કમાઈ શકે છે.
રોહને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ હા પાડી દીધી, ;હા, હું કામ કરવા તૈયાર છું! મને બસ કામ અપાવી દે.
બીજી તરફ, જાનવી લાઈબ્રેરીમાંથી નીકળીને બહાર આવી. તે પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. થોડું વાંચન કરવા માટે તેણે લાઈબ્રેરીના એક ખૂણા તરફ નજર કરી તો ત્યાં જતીન બેઠો હતો.
જાનવી સ્તબ્ધ થઈને તેને જોઈ રહી. જતીન આજુબાજુની દુનિયાથી સાવ બેખબર બનીને ચોપડીઓમાં મગ્ન હતો. તેની આસપાસ કોણ આવે છે કે કોણ જાય છે, તેનો તેને સહેજ પણ ખ્યાલ નહોતો. તે અત્યંત ગંભીરતાથી અને ધ્યાનપૂર્વક વાંચી રહ્યો હતો.
જે જતીન ક્યારેય લાઈબ્રેરીનું મોઢું પણ નહોતો જોતો, તેને આટલી ગંભીરતાથી ભણતા જોઈને જાનવીના ચહેરા પર એક મીઠું સ્મિત આવી ગયું. મુશ્કેલીઓના આ કાળા વાદળો વચ્ચે પણ તેને લાગ્યું કે "ચાલો કંઈક તો સારું અને હકારાત્મક થઈ રહ્યું છે!,
To be continued... (ક્રમશ:)