Featured Books
શ્રેણી
શેયર કરો

પાછા વળ્યા પાછલા દિવસો - 12

ભાગ ૧૨

સવારના સાત વાગ્યા હતા. જાનવીએ ઊઠીને જોયું તો મમ્મી રસોડામાં ધીમા પગલે કામ કરી રહી હતી. જાનવીએ તરત જ મમ્મીના હાથમાંથી વાસણ લઈ લીધા અને ચિંતાભર્યા અવાજે કહ્યું, મમ્મી, આજે તારે ક્યાંય જવાનું નથી અને કોઈ કામ પણ નથી કરવાનું. કાલે જ મેં તને કહ્યું હતું ને કે હું આજે કોલેજે નથી જવાની. હું બસ એક કલાક ટ્યુશન લઈને ઘરે આવી જઈશ અને આખો દિવસ તારી પાસે રહીશ. તું આરામ કર!

મમ્મીએ પ્રેમથી જાનવીના માથા પર હાથ ફેરવ્યો અને હસીને કહ્યું, અરે મારી ગાંડી દીકરી! ચાર દિવસ પછી તો તારી ફાઈનલ એક્ઝામ શરૂ થાય છે. ઉપરથી તું છોકરાઓને ટ્યુશન પણ ભણાવે છે. હવે તારે તારા ભણવા અને વાંચન પર પૂરૂં ધ્યાન આપવું પડે. જો તું આવી રીતે ખોટી ચિંતા કરીને કોલેજે નહીં જાય તો કેમ ચાલશે? તારે કોલેજે જવું જ પડશે!

જાનવીએ દલીલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મમ્મી, તારી તબિયત...

મને કંઈ નથી થયું બેટા, હું એકદમ સાજી-નરવી છું, મમ્મીએ તેને વચ્ચેથી જ અટકાવતાં મક્કમતાથી કહ્યું, તું તારા ફાઈનલ વર્ષના ફોર્મની વિગતો અને હોલ ટિકિટની પ્રોસેસ પૂરી કરી આવ. આ વખતે તારે સારા માર્ક્સે પાસ થવાનું છે. ભૂતકાળની ભૂલો હવે સુધારવાની છે, યાદ છે ને?

મમ્મીના આગ્રહ અને પ્રેમાળ દબાણ સામે જાનવીએ નમતું જોખવું પડ્યું. તે મન મારીને કોલેજ જવા માટે તૈયાર થઈ.

કોલેજ પહોંચીને જાનવીએ સૌથી પહેલાં ઓફિસે જઈને ફાઈનલ એક્ઝામના ફોર્મ ક્યારે ભરવાના છે, તેની ફી અને તારીખો અંગેની તમામ માહિતી મેળવી. તેણે હોલ ટિકિટ અને એક્ઝામ સેન્ટરની બધી જ ડિટેલ્સ ડાયરીમાં નોંધી લીધી. આ વખતે તે ભણવામાં સહેજ પણ કચાસ રાખવા માગતી નહોતી.

ત્યારબાદ, જાનવીએ પોતાના ટ્યુશનના બાળકોનો ક્લાસ લીધો. બાળકોને પરીક્ષા માટેનું જરૂરી રિવિઝન કરાવ્યું અને ઝડપથી હોલ તરફ આવી. ત્યાં મનોજ તેની રાહ જોઈને ઊભો હતો.

જાનવીની ભણવાની ધગશ જોઈને મનોજે સામેથી મદદનો હાથ લંબાવતા કહ્યું, જાનવી, તું આ એક-બે સબ્જેક્ટમાં થોડી કાચી છે. જો તારે મારી મદદ જોતી હોય તો તને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આપણે બે કલાક સાથે બેસીને વાંચી શકીએ છીએ.

જાનવીએ આભાર સાથે તેની વાત સ્વીકારી. ત્યાં જ જતીન આંટા મારતો નીકળ્યો. મનોજે જતીનને જોઈને ઠપકો આપતા કહ્યું, જતીન, તું ભણવામાં સહેજ પણ ધ્યાન નથી આપતો. ચાર દિવસ પછી પરીક્ષા છે અને તું આમ નકામો ટાઈમ પાસ કરે છે! તું ક્લાસમાં પણ સરખો બેસતો નથી, આવી રીતે કેમ ચાલશે?

જાનવી આ બધું ચુપચાપ સાંભળી રહી હતી, પણ તે કંઈ બોલી નહીં. કોલેજનો સમય પૂરો થતાં જાનવી ઝડપથી નીકળવાની તૈયારી કરતી હતી. મનોજે તેને કહ્યું, જાનવી, આજે કોલેજમાં આગળના ક્લાસ નથી લેવાવાના, તું રોકાઈ જા.

જાનવીએ બેગ ખાંધે નાખતા કહ્યું, મનોજ, આજે મારી મમ્મીની તબિયત થોડી ખરાબ છે એટલે મારે વહેલા ઘરે પહોંચવું પડશે. તું જે ક્લાસ એટેન્ડ કરે તેમાં જે પણ કાઈ કરાવે તે મને ફોનમાં સમજાવી દેજે અથવા તો કોઈની સાથે નોટ્સ મોકલી દેજે.

જાનવી ઝડપથી નીકળી ગઈ. પણ જતીને તેનો પીછો કર્યો અને તે બસ સ્ટેન્ડે જઈને જાનવીની પાછળ પહોંચી ગયો. જાનવી જતીન સાથે કોઈ વાત કરવા માંગતી નહોતી, એટલે બસ આવતાં જ તે ફટાફટ અંદર ચડી ગઈ. પણ જતીન પણ તેની પાછળ બસમાં ચડી ગયો. જાનવી એક સીટ પર બેસી ગઈ, તો જતીન તેની સીટ પાસે આવીને ઊભો રહી ગયો.

જતીને અકળાઈને કહ્યું, જાનવી, તું કેમ મારી સાથે વાત કરતી નથી? શું પ્રોબ્લેમ છે? તને થયું છે શું?

જાનવીએ ગંભીર થઈને તેની સામે જોયું અને કહ્યું, પરીક્ષા નજીક આવે છે જતીન! હું મારા ભણવા ઉપર ધ્યાન આપું છું. જ્યારે તારે તો બસ ટાઈમ પાસ જ કરવો છે! તારે તારા જીવનમાં કોઈ સિરિયસનેસ જ નથી, ભણવામાં સહેજ પણ ધ્યાન નથી આપવું.

એટલામાં વચ્ચેનું એક બસ સ્ટોપ આવ્યું. જાનવી કંઈ સમજે તે પહેલાં જતીને તેનો હાથ પકડ્યો અને બસમાંથી નીચે ઉતારી દીધી. જાનવીએ ત્યાં ઉતરવાનું નહોતું, છતાં તેને જતીનના દબાણથી ઉતરવું પડ્યું. બસ ઉપડી ગઈ.

જાનવીએ ગુસ્સામાં હાથ છોડાવતા કહ્યું, તારું મગજ ખરાબ થઈ ગયું છે જતીન? કેમ મને નીચે ઉતારી દીધી? મારી મમ્મીની તબિયત ખરાબ છે, મારે ઘરે જવું છે. મને મોડું થાય છે, જવા દે મને!

જતીને શાંતિથી કહ્યું, જાનવી, મારે તારી સાથે વાત કરવી છે, પ્લીઝ ચાલ મારી સાથે.

તે જાનવીને નજીકના ગાર્ડનમાં એક ખાલી બેન્ચ પર લઈ ગયો. બંને બેઠા એટલે જતીને દિલ ખોલીને કહ્યું, જાનવી, તું મને ખૂબ ગમે છે. તું મારી ફીલિંગ્સ સારી રીતે સમજે છે, છતાં તું મને કેમ આમ હડધૂત કરે છે? હું તને સાચો પ્રેમ કરું છું!

જાનવીએ જતીનની આંખોમાં આંખ પરોવીને ચોખ્ખું કહી દીધું, જતીન, પ્રેમ કરવો એ સાવ અલગ વાત છે અને ભવિષ્ય જોવું એ સાવ અલગ વાત છે! તું કોઈ કામ-ધંધો કરતો નથી, તું ભણતો નથી અને આખો દિવસ આમ જ રખડીને ટાઈમ પાસ કરે છે. તું જ વિચાર, કોઈ પણ છોકરી તને કેમ પસંદ કરે? જે ભણેલો-ગણેલો છોકરો હોય તે પોતાના ઘરની બધી જવાબદારી ઉપાડી શકે. પણ કોઈ અભણ અને રખડુ છોકરાને કોઈ છોકરી કેમ પસંદ કરે?

જાનવીના આ અણીદાર શબ્દો સીધા જતીનના દિલ પર વાગ્યા. તેને ખૂબ ખોટું લાગી ગયું. જતીને નીચું જોઈને કહ્યું, ઠીક છે જાનવી... જો હું આ કોલેજની એક્ઝામમાં સારા માર્કે પાસ થઈ જાઉં, તો તું મને પસંદ કરીશ?

જાનવીએ પણ મનોમન તેને સુધરવાની તક આપવા માટે કહ્યું, હા, ઠીક છે! તું કોલેજમાં સારા માર્કે પાસ થઈ જા અને તને કોઈ સારી જોબ લાગી જાય, પછી જ હું તારા માટે કંઈક વિચારીશ.

જતીને આ ચેલેન્જ સ્વીકારી લીધી. તેના ચહેરા પર એક અલગ જ ખુમારી આવી ગઈ અને તે ત્યાંથી શાંતિથી જતો રહ્યો.

બીજી તરફ, જાનવી રસ્તામાંથી મમ્મી માટે થોડાં તાજાં ફ્રૂટ્સ ખરીદીને ઘરે પહોંચી. ઘરમાં આવીને તેણે જોયું તો મમ્મી પલંગ પર સુતા હતા અને તેમની તબિયત ખરેખર ખરાબ લાગતી હતી.

જાનવીએ તરત જ ફ્રૂટ્સ બાજુ પર મૂક્યા અને મમ્મી પાસે જઈને કહ્યું, મમ્મી, તું શાંતિથી બેસી જા કે સૂઈ જા. આજે ઘરનું બધું કામ હું એકલી જ કરી લઈશ.

જાનવીએ મમ્મીને આરામ કરવા દીધો, થોડાં ફ્રૂટ્સ સુધારીને પ્લેટમાં આપ્યા અને પોતે ઘરના કામમાં લાગી ગઈ.

એટલામાં બહારથી પપ્પા આવ્યા. પપ્પા ખુશ દેખાતા હતા. તેમણે ઘરમાં આવીને જ મમ્મીને સૂતેલા જોઈને મોટેથી કહ્યું, અરે! તું આમ અહીં સૂતી છે? લે ઊભી થા! આજે તો હું રસોઈનો કેટલો મોટો ઓર્ડર લઈને આવ્યો છું, આપણે આ ઓર્ડરનો સામાન મોકલવાનો છે. જલ્દી ઊભી થા!

પપ્પાની આ વાત સાંભળીને જાનવીનો મગજ છટકી ગયો. તે રસોડામાંથી દોડીને બહાર આવી અને પપ્પા પર ખીજાઈને બોલી, પપ્પા! તમને દેખાતું નથી? આજે મમ્મીની તબિયત સારી નથી! તમારે આ ઓર્ડર અત્યારે ને અત્યારે કેન્સલ કરી નાખવો જોઈએ!

પપ્પાએ નવાઈ પામીને કહ્યું, તારું મગજ ઠેકાણે છે જાનવી? આટલો મોટો ઓર્ડર કંઈ કેન્સલ કરાતો હશે? તબિયત ભલે થોડી ખરાબ હોય, પણ થોડું કામ કરવામાં શું થઈ જવાનું છે?

પપ્પાના આ શબ્દો સાંભળીને જાનવીનો સંયમ તૂટી ગયો. ભૂતકાળની બધી કડવી યાદો તેના મગજમાં ઘૂમરાવા લાગી. જાનવીની આંખોમાંથી ધડધડ આંસુ વહેવા લાગ્યા અને તે હાથ જોડીને રડતી રડતી બોલી, પપ્પા, પ્લીઝ! મમ્મીને હંમેશા કામમાં જ પીસાઈ જવાનું? તમને ક્યારેય એની તબિયતની ચિંતા જ નથી થતી! આવી રીતે કામ કરાવી કરાવીને જ તમે એને વધારે બીમાર કરી દેશો!

આટલું કહીને જાનવી રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી.

પપ્પા તો બસ સ્તબ્ધ થઈને જાનવી સામે જોઈ જ રહ્યા! તેમને સમજાતું નહોતું કે આ શું થઈ ગયું. તેમણે તો ફક્ત એક ઓર્ડરની વાત કરી હતી, એમાં જાનવી આટલી બધી કેમ ભડકી ગઈ અને રડવા લાગી?

પપ્પા ગંભીર થઈને મમ્મીની પથારી પાસે ગયા. તેમણે મમ્મીનો હાથ પકડીને ચિંતાથી પૂછ્યું, તારી તબિયત આટલી બધી ખરાબ છે? શું થયું છે તને?

મમ્મીએ ધીમેથી આંખો ખોલી અને અશક્ત અવાજે કહ્યું, કંઈ નહીં... બસ સવારનું પેટમાં બહુ દુખે છે, ઠીક નથી લાગતું અને વારંવાર ઊલટીઓ થાય છે...

To be continued... (ક્રમશ:)