ઓપરેશન સાગર મંથન - પ્રકરણ 6 Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપરેશન સાગર મંથન - પ્રકરણ 6

પ્રકરણ ૬: કાઉન્ટડાઉન: દિલ્હી પર ખતરો

કનેક્ટો ટનલ પ્રોજેક્ટ - નવી દિલ્હી

વહેલી સવારના ૫:૦૦ વાગ્યા હતા. દિલ્હીમાં લ્યુટિયન્સ ઝોન અને સંસદ ભવન નજીક બનાવવામાં આવી રહેલી અંડરગ્રાઉન્ડ 'કનેક્ટો ટનલ' ના કન્સ્ટ્રક્શન સાઇટ પર ભયાનક શાંતિ હતી. અહીં કોઈ અવરજ્વર ન હતી. શમસુદ્દીન પાસેથી મળેલી બાતમીના આધારે કબીર રાઠોડ અને આયશા ખાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને વીસ કમાન્ડોઝ સાથે ટનલની અંદર પ્રવેશ્યા.
ટનલની અંદર હજી કામ ચાલુ હોવાથી ચારેય બાજુ સિમેન્ટના પિલરો, વાયરો અને ખુબ અંધારું હતું. માત્ર કમાન્ડોઝની ટોર્ચના લાઈટ બીમ હવામાં ફરી રહ્યા હતા.
આયશાએ પોતાના ટેબ્લેટ પર ટનલનો બ્લુપ્રિન્ટ ખોલ્યો. "કબીર, જો શમસુદ્દીનની વાત સાચી હોય, તો RDX નો જથ્થો આ ટનલના મુખ્ય પિલર નંબર સી-૪ પાસે હોવો જોઈએ, જે સીધો દિલ્હીના નોર્થ બ્લોકના સચિવાલયની નીચે આવે છે. જો અહીં બ્લાસ્ટ થયો, તો આખું સચિવાલય નીચે ધસી પડશે."
તેઓ ઝડપી પગલે પિલર સી-૪ પાસે પહોંચ્યા. ટોર્ચના પ્રકાશમાં દેખાયું કે પિલરની અંદર ખોદકામ કરીને એક વિશાળ બ્લેક કલરની મિલિટ્રી શૂટકેસ ફિટ કરવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ ઓફિસર કેપ્ટન વર્મા આગળ આવ્યા. તેમણે હાઈ-ટેક સ્કેનરથી શૂટકેસ ચેક કરી.
સ્કેનરનો અવાજ તીવ્ર થયો - *બીપ... બીપ... બીપ!*
"સર! આમાં પૂરો ૨૦૦ કિલોગ્રામ RDX છે. અને આની સાથે એક ડિજિટલ ટાઈમર કનેક્ટેડ છે," કેપ્ટન વર્માના અવાજમાં ગભરાહટ હતો.
તેમણે શૂટકેસનું કવર ખોલ્યું. અંદર લાલ, લીલા અને વાદળી વાયરોની જાળ હતી અને મધ્યમાં લાલ અક્ષરોમાં ડિજિટલ કાઉન્ટડાઉન ચાલી રહ્યું હતું: **૧૧ મિનિટ ૩૨ સેકન્ડ**.
"આયશા, તું બધા કમાન્ડોઝને લઈને તરત જ ટનલની બહાર નીકળ અને આખો એરિયા ખાલી કરાવો, અહીંથી દુર જતાં રહો !" કબીરે ઓર્ડર આપ્યો.
"ના કબીર, હું તને અહીં એકલો મૂકીને નહીં જાઉં," આયશાએ મક્કમતાથી કહ્યું.
"આ મારો ઓર્ડર છે, આયશા! બહાર જાઓ!" કબીરે ખુબ મોટેથી રાડો પાડી. આયશા ભારે હૈયે કમાન્ડોઝ સાથે બહાર દોડી.
હવે ટનલની અંદર માત્ર કબીર અને કેપ્ટન વર્મા હતા. સમય ઝડપથી ઘટી રહ્યો હતો - ૫ મિનિટ... ૩ મિનિટ... ૨ મિનિટ. કેપ્ટન વર્માના હાથ ધ્રૂજી રહ્યા હતા. તેમણે લાલ વાયર કાપવા માટે ટૂલ આગળ વધાર્યું.
"ઉભા રહો, કેપ્ટન!" કબીરે અચાનક તેમનો હાથ પકડ્યો. કબીરની આર્મી ટ્રેનિંગ કામે આવી. તેણે જોયું કે લાલ વાયરની નીચે એક નાનો માઇક્રો-સ્વિચ છુપાયેલો હતો. જો લાલ વાયર કપાય, તો સર્કિટ તરત જ ટ્રિગર થઈ જાય તેમ હતી. આ એક 'ટ્રિપ-વાયર' બોમ્બ હતો.
"અસલી વાયર વાદળી છે," કબીરે ઠંડા કલેજે કહ્યું. સમય બાકી હતો માત્ર **૧૦ સેકન્ડ**.
૧૦... ૯... ૮... કબીરે કેપ્ટન વર્માના હાથમાંથી કટર લીધું.
૭... ૬... ૫... તેણે વાદળી વાયર પર કટર રાખ્યું.
૪... ૩... ૨... કબીરે આંખો બંધ કરીને વાયર કાપી નાખ્યો.
આખી ટનલમાં ભયાનક નીરવ શાંતિ છવાઈ ગઈ. કાઉન્ટડાઉન ટાઈમર **૦૦:૦૧** સેકન્ડ પર આવીને અટકી ગયું. બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો હતો. કબીરે રાહતનો શ્વાસ લીધો અને કપાળ પરનો પરસેવો લૂછ્યો.
તે જ સમયે કબીરના જેકેટની અંદર રહેલો પર્સનલ ફોન વાગ્યો. સ્ક્રીન પર નંબર અનનોન હતો. કબીરે ફોન ઉઠાવ્યો.
"હેલો કબીર... બોમ્બ ડિફ્યુઝ કરીને તને લાગ્યું કે તું જીતી ગયો?" ફોન પરથી જે અવાજ આવ્યો તે ધ્રુજાવી દેનારો હતો. એ અવાજ NCB ના ચીફ સુરેન્દ્ર વર્માનો હતો. "તું હજી બહુ નાનો ખેલાડી છે, કબીર. જરા ટનલની બહાર આવીને જો, તારી કિંમતી પાર્ટનર આયશા ક્યાં છે?"
તરત જ કબીર પાગલની જેમ ટનલની બહાર દોડ્યો. બહાર કમાન્ડોઝ ઉભા હતા, પણ આયશાની ગાડી ગાયબ હતી. જમીન પર આયશાનું આઈડી કાર્ડ અને તેનો ફોન પડેલો હતો, જેના પર લોહીના તાજા ડાઘ હતા!