પુણેનાં ટ્રાફિક અને ભીડભાડ વાળા રસ્તાઓ પરથી પસાર થતી લાલ સરકારી બસ અભિગમની જિંદગીનો એક અનિવાર્ય હિસ્સો હતી, એક મહિના પહેલા કોલેજ જવા અને હવે નવી લાગેલી નોકરી પર જવા માટે. રોજ સવારે બરાબર ૮:૩૦ વાગ્યે એ પોતાના સ્ટોપ પરથી બસ પકડતો અને ૮:૫૫ એ ઓફિસના સ્ટોપ પર ઉતરી જતો. ૨૫ મિનિટની આ મુસાફરીમાં તેના મનમાં કંઈ કેટલા સપનાઓનાં ફણગા ફૂટતા. બસની આ સફર તેના માટે જરાયે કંટાળાજનક નહતી. તે બીજા પ્રવાસીઓની જેમ ફોન સ્ક્રોલ કરતા, કે કાનમાં ઈયરફોન ભરાવીને ગીતો સાંભળતો જોવા ક્યારેય ન મળતો. આ આખી દુનિયાથી તે અલિપ્ત હતો. તેને તો લોકોનાં સંવાદો, તેમની દિનચર્યા, શું તેમનાં જીવન જેવા સામાન્ય દેખાઈ રહ્યા છે, તેવાજ હશે? એવી તો ઘણી ઉત્કંઠાઓ તેને થતી. પણ સ્ટોપ આવતાં બધી કલ્પનાઓને બરણીમાં પૂરી દઈ તે જીવનનિર્વાહ તરફ આગળ વધતો.
એક સોમવારે બસમાં ભારે ભીડ હતી. કંડક્ટરની કચકચ અને મુસાફરોની ધક્કામુક્કી વચ્ચે, એક હોઠ પર હળવું સ્મિત ધરાવતો આધેડ વયનો માણસ અભિગમની બાજુની સીટ ખાલી થતા આવીને બેઠો. એક પ્રકારની સકારાત્મક ઉર્જા જાણે તેની બાજુમાં આવીને બેઠી હોય તેવો તેને એહસાસ થયો. બસ ઉપડી અને થોડીવાર પછી એ માણસે બારી બહાર દોડતી જિંદગી તરફ જોતાં સહજતાથી કહ્યું, "બસનો અનુભવ કેટલો અદ્ભુત છે, નહીં? અલગ-અલગ ઉંમરના, જુદી-જુદી વિચારધારા ધરાવતા લોકો થોડા સમય માટે અહીં એક જ છત નીચે એક બની જાય છે. કોઈ અમીર, કોઈ ગરીબ, કોઈ સુખી, કોઈ દુઃખી... પણ બસ બધાને એક જ ગતિથી આગળ વધારે છે. ગજબ છે ને આ આખી વ્યવસ્થા!"
અભિગમનાં મોઢાપર ઉત્સુકતાની રેખાઓ ઊપસી આવી અને તેણે ઉત્સાહથી કહ્યું, "હા, તમારી વાત સાચી છે. આ ભીડમાં પણ કેટલા બધા રહસ્યો છુપાયેલા છે! કાશ, આપણે ડોકિયું કરીને આ બધાનાં જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકતા હોત!" અભિગમ એક ક્ષણ રોકાયો, પછી આંખોના ઇશારે તેણે આગળ બોલવાનું ચાલુ કર્યું,"જેમ કે, પેલા સામે બેઠેલા અંકલ, જે રોજ કડક ઈસ્ત્રીવાળો બ્લેક સૂટ પહેરીને ઉર્જાકંપનીનાં સ્ટોપ પર ઉતરે છે, તેમની ઓફિસમાં શું થતું હશે? એ વટવાળા બોસ હશે, કે કોઈ સામાન્ય મેનેજર?" અને નજર બીજી તરફ વાળી નિર્દેશ કર્યો, "પેલી યુવાન બહેન! જે ફોન પર કોઈની સાથે સતત ઊંચા અવાજે વાતો કરે છે, તેના મનનો ઉભરો ઠાલવવા માટે એ રોજ બસની આ કેટલીક ક્ષણોજ કેમ પસંદ કરતી હશે?"
બાજુમાં બેસેલા માણસે રહસ્યમય રીતે હસીને કહ્યું, "દરેકનાં જીવનમાં કંઈક અલગ કથા લખાઈ રહી હોય છે, હેં કે નહીં યુવાન?" અભિગમએ હુંકાર માં માથું હલાવી કહ્યું, "પણ બધા હંમેશાં આપણા જેવા વિચારો અને નસીબ નથી ધરાવતા". બાજુમાં બેસેલા માણસે એક ખોંખારો લેતા કહ્યું, "સારું, જો તને બીજાની જિંદગી જાણવામાં આટલો રસ હોય, તો શું તારે આજે આમાંથી કોઈ એકનું જીવન જીવવું છે? શું તારે પ્રત્યક્ષ અનુભવ કરવો છે?"
અભિગમ અટ્ટહાસ્ય સાથે બોલ્યો, "શું મજાક કરો છો? એનો શું મતલબ કે એની લાઈફ જીવવી? માણસ પોતાનું શરીર છોડીને બીજાની જિંદગી કેવી રીતે જીવી શકે?"
તે રહસ્યમય માણસ એકદમ ગંભીર જણાયો. અભિગમને તેની આંખો જાણે કોઈ શાંત સમંદર જેવી લાગી. તેના ઊંડાણમાં એક એવું સાતત્ય હતું કે જે પણ તેમાં જુએ, તે બધું જ ભૂલીને બસ સાંભળ્યા જ કરે. તે બોલ્યો, "આ કોઈ મજાક નથી. જિંદગીની આ રમત ના કેટલાક નિયમો છે, સાંભળ!" "તારા સ્ટોપથી ચઢ્યા પછી તારી ઓફિસ આવતા ૨૫ મિનિટ લાગે છે, બરાબર? આ ૨૫ મિનિટ દરમિયાન તારો આત્મા, આ બસમાં બેઠેલા તું ધારે એ વ્યક્તિના શરીરમાં જઈ શકે છે. તું ત્યાં માત્ર એક પ્રેક્ષક તરીકે હોઈશ. તારું મન અને આત્મા તેના શરીરમાં હશે, એટલે કે તું બધું જોઈ-સાંભળી અને અનુભવી શકીશ, પણ એ વ્યક્તિના શરીર પર તારો કાબૂ નહીં હોય. એ આખો દિવસ જે કરશે, જે નિર્ણય લેશે, એ તારે બસ ચૂપચાપ ભોગવવું અને માણવું પડશે. તું કંઈ બદલી નહીં શકે. અને હા, આવતીકાલે સવારે જ્યારે આ જ બસ આ જ સમયે અહીંથી પસાર થશે, ત્યારે તું પાછો તારા અસલ શરીરમાં આવી જઈશ."
અભિગમનાં શરીરમાં એક રોમાંચ મિશ્રીત ભયનું લખલખું પસાર થઈ ગયું, તેણે થોડા ડરથી પૂછ્યું, "પણ જો મારો આત્મા એના શરીરમાં આખો દિવસ રહે, તો આ દરમિયાન મારા પોતાના અસલી શરીરનું શું થશે? મારી ઓફિસનું શું થશે?"
તે માણસે ધીરેથી અભિગમની આંખો સાથેનો સંપર્ક તોડી બારી બહાર જોતા કહ્યું, "આ બ્રહ્માંડમાં સમયની પરિભાષા બધા માટે અલગ છે. જે તારા માટે ૨૫ મિનિટ છે, એ સમાંતર વિશ્વમાં બીજા માટે કલાકો પણ હોઈ શકે છે! તારી આત્મા જયારે ત્યાં ૨૪ કલાક વિતાવશે, આ ભૌતિક દુનિયામાં ફક્ત ૨૫ મિનિટ જ વિતી હશે. તું જ્યારે આવતીકાલે એ શરીરમાં રહી પાછો આ બસમાં ચઢીશ, ત્યારે તારા માટે અહીં બસમાં માત્ર ૨૫ મિનિટ જ થઈ હશે. તારી ઓફિસ, તારું શરીર... બધું જ યથાવત રહેશે, તારા સમયમાંથી માત્ર ૨૫ મિનિટ જ ઓછી થશે."
"શું હંબક છે આ બધું!" અભિગમને આ બધી વાતો કપોળકલ્પિત લાગી રહી હતી. "તમે કોઈ જાદુગર છો, કે હિપ્નોટિસ્ટ?" અભિગમે નકારમાં માથું ધુણાવ્યું. તેને આ બધું કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગતું હતું.
તે માણસે પડકાર ફેંક્યો, "યુવાન, તું દરરોજ જે કલ્પનાઓ કરતો હતો આજે તે પૂરી કરવાનો સમય આવ્યો, ત્યારે તું પાછલી પાટલીએ જઈ બેઠો છે?" તેણે ભાર આપી આગળ ઉમેર્યું, "ફક્ત, થોડા નિયમો યાદ રાખજે". "નિયમ એક -એ વ્યક્તિ રોજ તારી સાથે આ જ બસમાં યાત્રા કરતી હોવી જોઈએ, તો જ તું બીજા દિવસે બસમાં ચઢ્યા પછી તારા અસલી શરીરમાં પાછો આવી શકીશ. નિયમ બે -જો એ વ્યક્તિના શરીરમાં રહીને આખા દિવસમાં તું તારા પોતાના અસલી શરીરને ક્યાંય સમાંતર વિશ્વમાં ભટકતો જોઈ જાય, તો તું તે જ સમયે પાછો પોતાના શરીરમાં આવી જઈશ. અને ત્રીજો, સૌથી મહત્વનો નિયમ એ કે જો એ વ્યક્તિ ઘણા દિવસો સુધી બસની યાત્રા પાછી કરેજ નહીં તો તું..." રહસ્યમય માણસ ત્રીજો નિયમ પૂરો કરે તે પહેલાં જ અભિગમે ઉત્સાહ અને અધીરાઈમાં આવીને તેનો હાથ પકડી લીધો અને કહ્યું, "હા..હા...કંઈ વાંધો નહીં. મને બધું મંજૂર છે. ચાલો, બતાવો તમારો સમાંતર વિશ્વનો જાદુ!"
અભિગમને ખાતરી હતી કે આ કોઈ સપનું છે, અથવા કોઈ માનસિક રમત છે અને ઓફિસ આવતા જ આ ભ્રમ તૂટી જશે. તેણે મનોમન પેલા બ્લેક સૂટવાળા અંકલ તરફ ઈશારો કર્યો. તેને હતું કે તે કોઈ તીવ્રગતિએ બ્લેક હોલ જેવા સ્પેસમાં જશે અને કોઈ સમાંતર વિશ્વમાં બસમાં પેલાની બાજુમાં ફંગોળાશે. પણ એવું કંઈ ન થયું! એક ક્ષણ માટે અભિગમની આંખો સામે ઘોર અંધારું છવાઈ ગયું અને જ્યારે અભિગમની આંખો ખૂલી, ત્યારે દ્રશ્ય બદલાઈ ચૂક્યું હતું. તે બસમાં પોતાની સીટ પર નહીં પણ એ બ્લેક સૂટવાળાનાં શરીરમાં હતો. તે માણસ પોતાનું બસ સ્ટોપ આવતાં ઊભો થયો, અભિગમને પાછળ વળીને તેના શરીર પર નજર કરી લેવાની જિજ્ઞાસા થઈ, પણ તેને સમજાઈ ગયું કે તે પોતાના મનથી એક આંગળી પણ હલાવી નથી શકતો. તે તો હવે માત્ર એક નિરીક્ષક છે!
તે માણસ બસમાંથી ઉતરતા એક ગાડીની પાછલી સીટ પર જઈ બેઠો. અભિગમ પોતાના હાથ જોવા લાગ્યો. કરચલીવાળા પણ સશક્ત! તે જે માણસનાં શરીરમાં હતો તે માણસ ડ્રાઈવર સાથે ખૂબ જ શાંતિથી વાત કરી રહ્યો હતો. કોઈ બીજાના શરીરમાં હોવાનો અનુભવ એકદમ ગજબ હતો. વૃદ્ધ હોવા છતાં એ વ્યક્તિનાં ચાલમાં એક જોશ જણાતો હતો, તેમનો અને અભિગમનો જીવન માટે નો દૃષ્ટિકોણ ઘણોખરો સરખો હતો. અભિગમનો આખો દિવસ ખૂબ અદ્ભુત રહ્યો. તેને ખબર પડી કે આ અંકલ જેમનું નામ વનરાજ છે, એ એક રબર કંપનીના રીટાયર્ડ સીઈઓ હતા. તેમની પાસે સારી એવી કહી શકાય એટલી સંપત્તિ હતી, પણ ઘરે એકલતા કોતરી ખાતી હોવાના કારણે તે માત્ર સમય પસાર કરવા દરરોજ ઓફિસે જતા હતા. ઓફિસમાં તેમનું માન-સન્માન અને વૈભવ જોઈ અભિગમ થોડો અંજાઈ ગયો હતો.
આજે પહેલી વાર એવું થયું કે આખા દિવસના થાક છતાં પણ તેનું મન ચગડોળે ચઢ્યું હતું. કંઈ કેટલું બની ગયું આખા દિવસમાં! મંગળવારે સવારે જ્યારે મિસ્ટર વનરાજ બસમાં ચઢ્યા અને અભિગમ પોતાના શરીરમાં પાછો આવ્યો, કે તરતજ તેણે પોતાની ઘડિયાળ તરફ નજર કરી, તેમાં સોમવાર અને ૧૭ તારીખ જ હતી અને સમય ૮.૫૫ થયો હતો! "રિંગ રોડ" કન્ડક્ટરનાં અવાજથી વાતાવરણ ગુંજી ઊઠ્યું અને તે બેગ લઈ ઊભો થયો, બાજુમાં જોયું તો તે રહસ્યમય વ્યક્તિ બારીની બહાર જોતા-જોતા કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. કંઈ પૂછવા કે કહેવાનો સમય હતો નહીં! તે દોડી ને બસના પગથિયાં ઉતરી ગયો.
અભિગમની અંદર એક ન કળી શકાય તેવી હલચલ મચી હતી. આ જે પણ થયું અકલ્પનીય હતું! આખો દિવસ અભિગમનું કામમાં પણ મન ન લાગ્યું. રહી રહીને તેને લાગ્યા કરતું કે તેણે કોઈ સપનું જ જોયું હશે. આવું હકીકતમાં સંભવ છે?!
આખી રાત અતિશય વિચારોમાં વિતાવ્યા પછી, મંગળવારે બસમાં ચઢતા તેની નજર કાલે મળેલા રહસ્યમય વ્યક્તિ પર પડી. તેની આંખોમાં ચમક ઉપસી આવી, તે તેની બાજુમાં જઈ બેઠો. "મેં કાલે જે અનુભવ્યું એ સપનું નહતું બરાબર!?" અભિગમએ સમય ન વેડફતા સીધું પૂછી લીધું. બાજુમાં બેઠેલા વ્યક્તિએ એક ગૂઢ સ્મિત આપ્યું. "શું.. હું સમાંતર વિશ્વનો પાછો અનુભવ કરી શકું?" અભિગમએ ખચકાટ સાથે પૂછ્યું. અભિગમ પેલા ફોનવાળી મહિલાના શરીરમાં પ્રવેશવાનું વિચારતા જ, ક્ષણભરમાં તે એ સ્ત્રીના શરીરમાં હતો. એક જ પળમાં બ્રહ્માંડ જાણે ફરી ગયું. વર્ષોથી જે આક્રમકતા અને પૌરુષત્વ તેણે માણ્યું હતું, તે ઓગળી ગયું. અભિગમ એક એવા ઢાળમાં ઢળ્યો જે પવનની લહેરખી જેવો હળવો અને નદીના વહેણ જેવો લયબદ્ધ હતો. આખો એહસાસ સંવેદનશીલ અને નજાકતભર્યો હતો. અભિગમના આત્માને જાણવા મળ્યું કે કાવ્યા એક સિંગલ મધર હતી. તેનું પાંચ વર્ષનું બાળક તે ડે કેરમાં મૂકી ઓફિસ જતી. બાળકની જવાબદારી અને ઓફિસના કામો વચ્ચે આ બસની સફરમાં તે કેટલીક ક્ષણો પોતાના માટે છાંટી લેતી. આ સફર દરમ્યાન ગામમાં રહેતા સ્વજનો અને મિત્રો સાથે વાતચીત કરી મન હળવું કરી લેતી. કાવ્યાનો આખા દિવસનો હૃદયદ્રાવક સંઘર્ષ જોઈ અભિગમના મનમાં મહિલાઓ માટે અતૂટ સન્માન જાગ્યું. તેના મનમાં લાગણીઓ હવે પૂરની જેમ ઉમટી રહી હતી. તેને લાગતું હતું કે તે માત્ર જીવી નથી રહ્યો, પણ કંઈક જિંદગીઓ એક સાથે માણી રહ્યો છે. તેને સમજાયું કે જિંદગી બહારથી દેખાય છે એટલી સરળ નથી હોતી! બુધવારે તેણે એક કૉલેજના પ્રોફેસરની લાઈફનો અનુભવ કર્યો અને ગુરુવારે એક પટ્ટાવાળાનો. સતત ચાર દિવસ ચાર અલગ મુસાફરોની જિંદગી જીવીને અભિગમ અંદરથી બદલાઈ રહ્યો હતો. શરૂઆતમાં તેનામાં સહાનુભૂતિ વધી રહી હતી પણ હવે તે અહંકારમાં રૂપાંતરિત થઈ રહી હતી. તેને આ રમત કોઈ વરદાન જેવી લાગવા માંડી હતી.
શુક્રવારનો સૂરજ ઊગતાંની સાથે અભિગમ કોઈ નવી જિંદગીનો સ્વાદ ચાખવા આતુર હતો. તે ચાર રાત્રીથી બરોબર ઊંઘ્યો પણ નહતો. અર્ધનિદ્રામાં તે બસમાં ચઢ્યો. બસ થોડી આગળ ચાલી, તે કોઈના શરીરમાં જવા તલપાપડ થઈ રહ્યો હતો. તેના હાથ ઉપર પોતાનો હાથ મૂકી રહસ્યમય માણસ બોલ્યો, "યુવાન, આટલી લાલસા સારી નહીં!" ત્યાં જ એક સ્ટોપ પરથી એક માણસ ચઢ્યો. તેના હાથમાં એક કાળા રંગની ખૂબ જ ભારે લેધર બેગ હતી. તેનો ચહેરો પરસેવાથી લથપથ હતો, તેની આંખોમાં એક અજીબ પ્રકારનો ભય ચોખ્ખો દેખાતો હતો. તે વારંવાર પાછળ વળીને જોતો હતો. અભિગમની અંદરનો ઉત્સુક જીવ જાગી ઉઠ્યો. તેણે વિચાર્યું, 'આ માણસ આટલો ગભરાયેલો કેમ છે? આ ભારે બેગમાં એવું તે શું હશે?' બાજુમાં બેસેલા રહસ્યમય માણસ તરફ જોયા વગર કે તેની કહેલી વાત ગણકાર્યા વગર, અભિગમે મનોમન આ ભારે બેગવાળા માણસની સામે આંગળી ચીંધી અને ક્ષણભરમાં તેનો આત્મા પેલા ભારે બેગવાળા માણસના શરીરમાં પ્રવેશી ગયો. બસ ઉભી રહી. એ માણસ (જેની અંદર હવે અભિગમ હતો) ઉતરીને ઝડપથી ગલીઓમાં ચાલવા લાગ્યો. અભિગમનો આત્મા જ્યારે તે માણસના વિચારોથી રૂબરૂ થયો, તો તેના હોશ ઊડી ગયા! આ માણસ એક ફાઇનાન્સ કંપનીમાં એકાઉન્ટન્ટ હતો. તે ઘણા મહિનાઓથી કંપનીના ખાતામાંથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહ્યો હતો. આ કાળી બેગમાં કંપનીના ચોરેલા રોકડા રૂપિયા અને કાનૂની દસ્તાવેજો હતા. તે ઓફિસેથી બધો સામાન અને કેશ લઈને કાયમ માટે ભાગવાની ફિરાકમાં હતો.
અભિગમનો આત્મા આ બધું જોઈ અંદરથી ચિત્કારી રહ્યો હતો. "ના! મારે આ ચોરની જિંદગી નથી જીવવી! મને પાછો મોકલો!' પણ તે લાચાર હતો. શરીર પર તેનો કોઈ કાબૂ નહોતો. તે માત્ર એક બંધક હતો. હજુ એ માણસ રેલવે સ્ટેશન તરફ વળે છે, ત્યાં જ અચાનક એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી આવીને ઉભી રહી. તેમાંથી સિવિલ ડ્રેસવાળા પોલીસ ઉતર્યા અને એ માણસને ચારેય તરફથી ઘેરી લીધો. એક પોલીસે આવીને સીધી એ માણસના ગાલ પર ઝાપટ મારી, "મિસ્ટર મલય! યુ આર અંડર અરેસ્ટ!" અને બેગ આંચકી લીધી. અભિગમ એ માણસના શરીરમાં રહીને બૂમો પાડવા માંગતો હતો કે, "સાહેબ, હું ચોર નથી! હું તો અભિગમ છું, મારી નવી જોબ લાગી છે!" પણ મલયનાં મોઢામાંથી માત્ર ગભરાટભર્યો અવાજ નીકળ્યો, "સાહેબ, મને માફ કરી દો..." પોલીસે તેની ધરપકડ કરી લીધી. શનિવાર અને રવિવાર—આ બે દિવસ અભિગમ માટે નરક સમાન હતા. પોલીસે મલયને થર્ડ ડિગ્રી ટોર્ચરનો સ્વાદ ચખાડ્યો. અંધારી, ગંદી કોટડીમાં બેસીને તે અસહ્ય પીડાથી રડતો રહ્યો.
સોમવારની સવાર થતા અભિગમ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે ૮:૩૦ વાગશે અને ક્યારે તે પોતાના શરીરમાં પાછો ફરશે. પણ ૮:૩૦ થયા... ૯ વાગ્યા અને પછી તો આખો દિવસ વીતી ગયો... તે પોતાના શરીરમાં પાછો જ ન ફર્યો! સાંજ સુધીમાં મલયનાં વકીલે કોઈક રીતે મોટી લાંચ આપીને માંડ-માંડ જામીન મેળવ્યા. જેલમાંથી બહાર નીકળતા જ, બદનામી અને પોલીસના ડરથી ગભરાઈ તેણે તરત જ રેલવે સ્ટેશન જઈને મધ્યપ્રદેશના એક અજાણ્યા ગામડા તરફ જતી ટ્રેન પકડી લીધી.
અભિગમના મનમાં કેટલાએ ભાવો ફૂદડી રમી રહ્યા હતા. પેલા રહસ્યમય માણસના શબ્દો તે ટેપ રેકોર્ડની જેમ વારે વારે મનમાં વગાડી રહ્યો હતો. પેલો અધૂરો ત્રીજો નિ.. ય..મ...જે તે ઉત્સાહમાં સાંભળ્યા વગર જ નીકળી ગયો હતો: "જો તું જેના શરીરમાં ગયો છે એ વ્યક્તિ ૩-૪ દિવસ સુધી એ જ બસમાં પાછી મુસાફરી ન કરે, તો તુ......"
અભિગમ પર જાણે આભ તૂટી પડ્યું હતું. મલય તો કાયદાથી ભાગીને સેંકડો કિલોમીટર દૂર એક ગામડામાં આવીને સંતાઈ ગયો હતો. તે પાછો એ શહેરમાં કે એ બસમાં જવાનો જ નહોતો. તેને પોતાના આ જિજ્ઞાસાવશ લીધેલા ઉતાવળિયા નિર્ણય પર ભારે અફસોસ થઈ રહ્યો હતો. તે ધમપછાડા કરી રહ્યો હતો, પણ બધું વ્યર્થ હતું. તે કોઈપણ રીતે આ માણસના મગજને કંટ્રોલ કે મજબૂર નહોતો કરી શકતો કે તે પાછો પેલા શહેરમાં જાય. મલય હવે ગામડામાં મજૂરી કરીને નવું નામ ધારણ કરીને છુપાઈને જીવવાની યોજના બનાવી રહ્યો હતો.
આમ ને આમ એક આખો મહિનો વીતી ગયો. ૩૦ દિવસ... ૭૨૦ કલાક! અભિગમ માટે દરેક ક્ષણ એક યુગ બરાબર હતી. આ દરમિયાન પુણેમાં તેના અસલી શરીરનું શું થયું હશે? શું તે કોમામાં હશે? શું તેના માતા-પિતાએ તેને મૃત માની લીધો હશે? તેની નોકરી છૂટી ગઈ હશે. શું તેની આખી ઓળખ, તેનું અસ્તિત્વ બધું જ ભૂંસાઈ ચૂક્યું હશે!?. તેનું મન એક જીવતી લાશની જેમ મલયનાં શરીરમાં કેદ થઈને માત્ર પસ્તાવાના આંસુ સારી રહ્યું હતું. બીજાની જિંદગીના રહસ્યો જાણવાની ઉત્સુકતાએ તેને ક્યાંયનો નહોતો રાખ્યો. હવે ગામથી દૂર, પહાડી વિસ્તારના એક અંતરિયાળ ગામમાં પૂલનાં બાંધકામ માટે મજૂરો જોઈતા હતા, મલયે ત્યાં જવાનું શરુ કર્યું હતું. એ ગામમાં જવા માટે દરરોજ તે એક સ્થાનિક ખખડધજ બસ પકડતો. એક મહિના અને બે દિવસ પછી,
સોમવારનાં દિવસે બસ ખાડા-ટેકરાવાળા રસ્તા વચ્ચેથી, ધૂળના ગોટેગોટા ઉડાડતી આગળ વધી રહી હતી. બસમાં ભીડ સાવ ઓછી હતી. બારીમાંથી આવતી સૂકી હવા મલયનાં ચહેરા પર વાગી રહી હતી, અને તેનાં શરીરમાં અંદર રહેલ અભિગમ શૂન્યમનસ્ક થઈને સહપ્રવાસીઓને જોઈ રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું હવે આ જ તેનું નસીબ છે. તેને ક્યારેય મુક્તિ નહીં મળે! અને ઝટકા સાથે એક સૂમસામ સ્ટોપ પર બસ ઉભી રહી. એક પ્રવાસી બસમાં પાછળના દરવાજાથી ચઢ્યો અને સીધો ચાલતો આવી મલયની બરાબર બાજુની ખાલી સીટ પર બેસી ગયો.
નવા આવેલા મુસાફરે મલય તરફ મોઢું ફેરવી ખૂબ જ પરિચિત અને ગૂઢ અવાજમાં બોલવાનું શરુ કર્યું, "બસનો અનુભવ કેટલો અદ્ભુત છે, નહીં...?" અભિગમના આત્માએ એક જોરદાર આંચકો અનુભવ્યો! "અલગ-અલગ ઉંમરના, જુદી-જુદી વિચારધારા..." આ એ જ શબ્દો હતા! એ જ અવાજ હતો!!!
રહસ્યમય વ્યક્તિ આગળ બોલી રહ્યો હતો, "થોડા સમય માટે અહીં એક જ છત નીચે એક બની જાય છે!" અભિગમનાં મનમાં થરથરાટ મચી ગયો...અંતે તેનાં મુક્તિનો સમય આવી ગયો!? કે હજું ઊંડા ચક્રવ્યૂહમાં ફસાવાનો!?
મલય રહસ્યમય વ્યક્તિનાં બોલેલા શબ્દોથી પ્રભાવિત જણાયો, આમ પણ એ આ ગામડામાં જીવાતી વૈવિધ્યહીન દિનચર્યાથી કંટાળ્યો હતો. સમાંતર વિશ્વને ચકાસવું તો એક એના માટે બહાનું જ હતું, તડીપાર જો હતો એ! રહસ્યમય વ્યક્તિએ નિયમ બોલવાની શરૂઆત કરતા જ અભિગમ સજાગ થઈ ગયો... "અને ત્રીજો સૌથી મહત્વનો નિયમ એ કે જો એ વ્યક્તિ ઘણા દિવસ સુધી બસની યાત્રા પાછી કરેજ નહીં તો તું એના શરીરમાં ફસાઈ ગયો સમજી લેજે!" અભિગમને જેનો ડર હતો તે જ થયું. મલયે થોડો વિચાર કરીને પૂછ્યું, "પણ એમાંથી બહાર આવવાનો કોઈ માર્ગ તો હશે ને?" મલયનો આ પ્રશ્ન સંભાળી, અભિગમને તેના માટે અહોભાવ થઈ આવ્યો. અંતે ચોર છે, તો શાતિર દિમાગ ધરાવતો જ હશે!
રહસ્યમય વ્યક્તિ મલયની આંખોમાં એકધારું જોઈ રહ્યો હતો. તે બોલ્યો, "બેશક! જો તમે જે માણસનાં શરીરમાં ફસાયા છો તેને પણ કોઈ પ્રવાસ દરમ્યાન સહપ્રવાસીઓનાં જીવન પ્રત્યે રસ જાગે અને જો તે સમાંતર વિશ્વમાં જવા સજ્જ થઈ જાય, તો તેના જતાની સાથે તમે તમારા મૂળ શરીરમાં પાછા ફરશો" આ સાંભળતાજ અભિગમનો જીવ હેઠો બેઠો. તેને લાગ્યું જાણે આ તેને મુક્ત કરવા જ બોલાયું હોય! "અને સમયનું શું?" મલય બહુ મોટો તત્વજ્ઞાની હોય એમ પૂછી રહ્યો હતો. "ત્યાંના કલાકો અહીંયાની મિનિટો છે અને ત્યાંના દિવસો અહીંના કલાકો!" રહસ્યમય વ્યક્તિએ સ્પષ્ટતા કરી. આગળનાં વાર્તાલાપ પર હવે અભિગમનું ધ્યાન ન રહ્યું, તે તો બસ કાગડોળે પાછા ફરવાની રાહ જોતો હતો...
અંતે મલય સમાંતર વિશ્વમાં જવા ઉન્મુખ થયો અને અભિગમ એક ક્ષણમાં પોતાના મૂળ શરીરમાં પાછો ફર્યો. એણે આંખો ખોલીને જોયું તો તે હોસ્પિટલમાં બેડ પર હતો. તેને જણાવવામાં આવ્યું કે ૩૨ કલાક પહેલા તે બસમાં બેહોશ થઈ ગયો હોવાથી તેને અહીં એડમિટ કરવામાં આવ્યો હતો. અંતે તેને લાગ્યું સાચા અર્થમાં તેના જીવમાં જીવ આવ્યો!
પણ એક વાત અભિગમને હજું પણ ખટકી રહી હતી કે, જો હું જે માણસનાં શરીરમાં ફસાયો છું તેને કોઈ પ્રવાસ દરમ્યાન સહપ્રવાસીઓનાં જીવન પ્રત્યે રસ જાગે અને તેને સમાંતર વિશ્વમાં જવાની ઇચ્છા થાય, તો તેના જતાની સાથે હું મારા મૂળ શરીરમાં પાછો ફરું મતલબ કે....
અભિગમનું લોહી થીજી ગયું... મારા શરીરમાં પણ કોઈ હતું!???