દેડકા તારા દિવસો આવ્યા Hiral Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દેડકા તારા દિવસો આવ્યા

દેડકાંઓના સામ્રાજ્યમાં, દરેક દેડકાને જન્મથી જ ચોમાસાની ઋતુનું મહત્વ સમજાવવામાં આવતું. મોટા અને અનુભવી દેડકાંઓ, યુવાન દેડકાંઓને વર્ષા ઋતુનો મહિમા ગાઈને સંભળાવતા અને વરસાદમાં બહારની દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની તાલીમ આપતા. વરસાદી માહોલ આ દેડકાંઓનાં સામ્રાજ્ય માટે પુષ્કળ હર્ષોલ્લાસ અને વૃદ્ધિનો સમય હતો. આ સામ્રાજ્યના નવા ઊભરતા દેડકાંઓમાં મેઘ નામનો એક નાજુક દેડકો હતો. જેના પગ બીજા દેડકાંઓ જેટલા હજુ વિકસ્યા નહતા, પણ તેની આંખોમાં આ જળાશય અને તેના પરિસરની બહાર જે અદ્ભૂત વિશ્વ ધબકે છે, એને લઈને બહુ મોટા સપનાઓ હતા.

સામ્રાજ્યમાં યુવાન દેડકાંઓનો આખો દિવસ સખત તાલીમમાં જતો. તેમને તળાવના અને બહારના જીવનની જટિલતાઓ શીખવવામાં આવતી. તેમની દ્રષ્ટિને કેવી રીતે તીક્ષ્ણ બનાવવી કે જેથી ખોરાક પકડવાનું અને શત્રુથી બચવાનું તેમનાં માટે સહેલું બને, તેમના અવાજનો ઉપયોગ કેટલી તીવ્રતાથી કરવાનો કે માદા સાથીને તેઓ આકર્ષી શકે, ક્ષેત્રીય પ્રસ્થાપન કરવામાં કેવી રીતે અવાજનો વપરાશ કરવાનો, હવામાનમાં થતા ફેરફાર જાણવા માટે તેમની ઇન્દ્રિયોનો કેવી રીતે ઉપયોગ કરવાનો, વગેરે વિવિધ પ્રકારનું પ્રશિક્ષણ તેમને આપવામાં આવતું. સાંજે તેમની કૂદવાની અને તરવાના કૌશલ્યની ચકાસણી થતી અને રાત્રીના સમયે બધા સાથે બેસીને વરસાદને રીઝવવા ગીતો ગાતા.

તાલીમકાળ દરમ્યાન મેઘ સખત મહેનત કરતો હોવા છતાં તેના સાથીદારો તેને તેના કદ માટે ચીડવતા રહેતા. તેઓ ઘણીવાર તેની મજાક ઉડાવતા, "તારા જેવો નાનો, તુચ્છ દેડકો બહારની દુનિયામાં શું ટકવાનો!" ક્યારેક મેઘને પણ શંકા થતી કે તેના નાના પગ ક્યાંક તેના સપનાઓમાં અવરોધ તો નહીં ઉભો કરે ને? પણ ગગન નામના એક સમજદાર વૃદ્ધ દેડકાંએ મેઘને નાસીપાસ થયા વગર તેના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. "મેઘ, ઘણીવાર તમારામાં રહેલી ખામી તમારી તાકાત બની જાય છે. તું આત્મવિશ્વાસ સાથે નવા વિશ્વમાં ઝંપલાવ".
દર વર્ષે પ્રથમ વરસાદના થોડા દિવસ પહેલા એક વાર્ષિક પરીક્ષા યોજાતી. જેમાં કૂદકા મારવાની દોડને બાકાત રાખતા, મેઘ બીજા બધા વિષયમાં સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયો. મેઘનું પરિણામ જાહેર થતા તેના સાથીદારો તેના ઉપર ખૂબ હસ્યા! પણ મેઘ પોતાની જાત ને ચોમાસા માટે તૈયાર કરવા અથાક મહેનત કરતો રહ્યો.

છેવટે યુવાન દેડકાંઓ જે વર્ષાની રાહ જોઈ રહ્યા હતા તેની ગાજવીજ સાથે પધરામણી થઈ. પ્રથમ વરસાદના ટીપા ધરતી પર પડતા યુવાન દેડકાંઓ આતુરતાથી માનવ વિશ્વમાં કૂદી પડવા સજ્જ થઈ ગયા. દેડકાંઓ એ ડ્રાઉં ડ્રાઉં ના અવાજ સાથે વર્ષારાણીના આગમન ને ઉત્સાહથી વધાવી લીધું. આખું વાતાવરણ ડ્રાઉં ડ્રાઉંથી ગૂંજી ઉઠ્યું. ભીની માટીની સુગંધ આવતા મેઘના મનમાં અનેક તરંગો ઉઠ્યા. તેણે જળાશયના પરિસરની બહાર પહેલો કૂદકો માર્યો. તે થોડો અચકાયો, અજાણ્યા વિશ્વમાં તેની પહેલી સફર! "શું હું ટકી શકીશ?" તેનું મન શંકાઓથી ઘેરાવા લાગ્યું. પણ તેના અંતરનાં અવાજે તેને તેના ગુણોને સ્વીકારવા અને આગળના પડકારોનો સામનો કરવા પ્રોત્સાહિત કર્યું. અને એક નવા નિશ્ચય સાથે, મેઘે અજાણ્યા વિશ્વમાં સાહસ કરવા એક મોટી છલાંગ લગાવી...ધરતી પર વરસતા વરસાદના ટીપાનો મધુર અવાજ, પવનની અનુભૂતિ, ભીના પાંદડા પર બેસી લસરીને કૂદકો મારવો કે તેની ત્વચા પર વરસાદની અનુભૂતિ કરવી, મેઘ માટે આ બધું ઘણું રોમાંચક હતું!

જેમ જેમ તેણે આજુબાજુના વિસ્તાર ખૂંદયા, તેણે જાણ્યું કે તેના નાના કદના કારણે ખૂણે ખૂણા ફરી વળવામાં તેનાં સાથીદારો કરતા તેને વધારે સરળતા રહે છે. તે બૌદ્ધિ નામના કાચબાનો પાડોશી પણ બન્યો, જેણે તેને ધીરજ અને દ્રઢતા વિશે શીખવ્યું. મોટા પ્રાણીઓ અને વાહનોનો સામનો થતા મેઘને થોડો સંઘર્ષ કરવો પડતો પરંતુ તેની સતત મહેનત અને દ્રઢતાએ તેને તેના ડરને દૂર કરવામાં મદદ કરી. મેઘને સમજાયું કે તેની વિશિષ્ટતા નબળાઈ નહીં પણ તાકાત છે. તેની જિજ્ઞાસાભરી મોટી આંખોને અદ્ભૂત બગીચાઓ, ગુપ્ત તળાવો અને ઘનઘોર જંગલો જેવા અનેક જોવાલાયક સ્થળો જોઈ સંતોષ મળતો. મેઘનું સાહસ તેને દૂર દૂર સુધી ખેંચી જતું, જેના લીધે તેને વિવિધ અવાજો અને ગંધની નવી દુનિયાનો અનુભવ મળતો.

જેમ જેમ વર્ષો વીતતા ગયા અને ચોમાસાની ઋતુ આગળ વધતી ગઈ તેમ તેમ, મેઘ તેના સાથીદારોમાં એક સાહસનું ઉદાહરણ બની ગયો. તેણે તેની હિંમત અને નિશ્ચયથી બહારની દુનિયામાં દૂર દૂર સુધી યાત્રાઓ કરી. દેડકાંઓના સામ્રાજ્યના યુવાન દેડકાંઓ મેઘના ઉદાહરણથી આખરે સમજી ગયા કે તેમની પ્રિય ઋતુ ચોમાસું, માત્ર વરસાદ વિશે જ નહીં, પરંતુ તે તેની સાથે લાવતી તકો વિશે છે.