માનવશંકરની આત્મકથાઓ Hiral Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવશંકરની આત્મકથાઓ

માનવશંકર: "હું આત્મકથાકાર બનવા માંગુ છું!"

સવાર-સવારમાં મોબાઈલ પર મારા મિત્ર માનવશંકર ઉર્ફે 'મા..ર' નો મેસેજ ફ્લેશ થયો.

માનવશંકર: "અરે...બનવા શું, હું તો આત્મકથાકાર છું જ!"
આટલુ વાંચતા-વાંચતા તો હું ડાઈનિંગ ટેબલની ખુરશી પરથી પડવાનો જ હતો.

માનવશંકર: "બસ, હવે બધી આત્મકથા ફક્ત ટાઈપ કરવાની બાકી છે અને ૭૫ આત્મકથાઓ તો આમ ચપટી વગાડતા લખાઈ જશે. પછી તો આપણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ લખાવવાની તૈયારી કરવા લાગવાની જ !"
આ ત્રીજો મેસેજ વાંચતાં જ મને થયું કે સવારમાં ઉઠતા જ ભાઈની ડાગળી ચસકી ગઈ લાગે છે. શ્રીમતીજીને "જરા પગ છુટ્ટો કરી આવું" કહી હું ઘરની બહાર, લૉન તરફ વળ્યો.

મોબાઈલ પર ફરી પાછો મેસેજ ટોન ટહુક્યો, ચાલતા-ચાલતા મેં મેસેજ પર નજર નાખી,
માનવશંકર: "મારા પહેલા પુસ્તકનું નામ 'એક આત્મકથાકારની આત્મકથા' હશે."

બસ હવે સહેવાયું નહીં, મેં સીધો તેને ફોન જોડ્યો.
"હેલ્લો , કેમ છો? શું ચાલે છે?" જેવી પ્રથા તો અમારા ભાઈના વાર્તાલાપ બુકમાં છે જ નહીં. એણે સીધુ જેટ સ્પીડની ગતિએ બોલવાનું શરું કરી દીધું,
" અરે હું તને ફોન કરવાનો જ હતો, પણ વિઝિટિંગ કાર્ડ શોધવામાં સવારથી સમયજ ન મળ્યો."

મેં એક ઊંડો શ્વાસ લઈ તેને પૂછી નાખ્યું, "સવારના પહોરમાં આ બધું શું ચાલી રહ્યું છે, યાર?"

એણે અતિઉત્સાહમાં આવી કહ્યું, "કાલે ઓફિસમાં એક પ્રકાશન કંપનીથી બે વ્યક્તિ મને મળવા આવેલા. કોઈએ તેમને જણાવ્યું હશે કે હું સારી આત્મકથા લખું છું...બસ તો તેઓ મારી લખેલી આત્મકથાઓની બુક છાપવા માંગે છે!"

મને પોતાના જ કાન પર વિશ્વાસ ન થયો. કોણ ડફોળ હોઈ શકે જે મા..રનું લખેલું પુસ્તક પ્રકાશિત કરવામાં રુચિ દેખાડી શકે!

સામે છેડે આપણા ભાઈની શેખચલ્લી જેવી વાતો ચાલુ જ હતી, "...આપણે એટલા મોટા ગજાના આત્મકથાકાર બની જઈશું કે આપણી આત્મકથા બાળકોના અભ્યાસક્રમમાં પણ આવશે!"

મને મનમાં થયું, આના દિમાગમાં આવા ખયાલી પુલાવ ક્યાંથી આવી રહયા છે!
જે મહાપુરુષ સાથે મારો આ વાર્તાલાપ થઈ રહ્યો છે એ મારો આત્મીય મિત્ર "માનવશંકર હરિવંશ દેસાઈ" જેને પ્રેમથી અમે 'મા..ર' કહી બોલાવીએ છીએ. હું એને અમારા શાળાના દિવસોથી ઓળખું. આ આત્મકથા લખવાનું ભૂત તેને છઠ્ઠા ધોરણથી વળગ્યું હતું. હિંદી વિષયની પરીક્ષામાં 'એક પેડ કી આત્મકથા' પૂછાઈ હતી. આપણો ભાઈ નિબંધનો વિષય વાંચી એટલો તો ઉત્સાહી થઈ ગયો કે આખું પેપર લખવા માટે જેટલા પાના નહતા ભર્યાં એટલા તો આત્મકથા લખવામાં બગાડી દીધા. અને જ્યારે પરિણામનો સમય આવ્યો ત્યારે માસ્ટરજી એટલા બધા તો પ્રભાવિત થયેલા કે આખા વર્ગની સામે માનવશંકર ને નિબંધ વાંચવા કહેલો.
ગજબ આત્મકથા હતી!
મતલબ એ વૃક્ષને પણ પછતાવો થઈ જાય પૃથ્વી પર અવતરિત થવાનો. એક તો ભાઈની હિંદી માશા અલ્લાહ, એક નંબર! ઉપરથી આત્મકથા! એટલે થઈ રહ્યું.
"હું એક બરગદ કા ઘનઘોર પેડ હું!"
અરે ભાઈઈઈ પોતે જ્યારે પેન્સિલથી પણ પાતળા હોઈએ ને ત્યારે પોતાની જાતને બરગદનું પેડ ન ઈમેજીન કરાય. અને ચાલો તેને ઘટાદાર એક વખત સમજી પણ લઈએ, પણ ઘનઘોર!?!
"મેરી ટહનીયાં મેરે આજુબાજુ વીંટળાઈ હે. બહુ પક્ષીલોગ મેરે યહાં માડા બાંધ કર વસતે હે. મેં સબકો છાંયડો પ્રદાન કરતા હું..."
બસ બસ! અરે આગળનું સાંભળતા-સાંભળતા અમે અમારું હિંદી ભૂલી ગયા હતા! ત્યાર પછી તો ભાઈ ને છાશવારે આવા આત્મકથા લખવાના જુવાળ ઉઠતા. 'પેનના તૂટેલા ઢાંકણા' થી લઈ 'દફ્તરની તૂટેલી ઝિપ' સુધી. 'ફુસ્કી ગયેલા ફટાકડાથી' લઈ 'હવાઈ ગયેલી ચકરી' સુધી લિસ્ટ ઘણુંય લાબું હતું. મા..રને એમ લાગતું હતું કે સાજીવારોપણ અલંકાર નો અવિષ્કાર તેના માટે જ થયો છે! અને તે પોતાનાથી બનતું પ્રદાન કરી અલંકારોની કીર્તિમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે!

મા..રના પિતાજીનું નામ હરિવંશ. હવે તેના માતાજી ને એવો વહેમ કે હરિ નામ હોવાથી એમના 'એ' ની ઘણી ગોપીઓ છે. તો બસ, એમણે ગાંઠ વાળી લીધી કે પોતાના તનુજનું નામ શંકર રાખવું, જેથી તે ભોળો માણસ બને! એટલે મા..રનું નામ "માનવશંકર" પાડ્યું. પણ આપણો ભાઈ કાંઈ વિચાર્યું એટલો ભોળો ના નીકળ્યો. અરે કોલેજકાળમાં છોકરીઓ ને ઈમ્પ્રેસ કરવા જ્હોન અબ્રાહમની જેમ લાંબા વાળ રાખતો, આમ વાળની અતિશય દેખભાળ રાખતા-રાખતા તેને 'ખરેલા વાળની આત્મકથા' પણ લખવી પડી. આપણા ભાઈને વેલેન્ટાઈન ડે પણ ક્યારે ફળ્યા નહતા. ગમતી છોકરીને વેલેન્ટાઈન ડે પર ન અપાઈ શકાયેલી 'સૂકાઈ ગયેલી નેઇલ પોલિશની આત્મકથા' પણ એ છોકરી ને જઈ સંભળાવી અને એ વંતરીએ એજ નેઇલ પોલિશની બાટલીનો માનવશંકરના માથે છૂટો ઘા કરેલો. બિચારાનાં માથે જે ઢીમચુ થયું હતું! મારા પ્રતિભાશાળી મિત્રે આશા અમર રાખી, 'માથે થયેલા ઢીમચાની આત્મકથા' પણ પેપર પર ટપકાવી લીધી.

હવે કોઈ પોતાના હનીમૂન પર ગયું હોય ત્યાં થોડી કદી આત્મકથા બનાવે? પણ આપણા ભાઈ તો મનાલી જતા 'ટ્રેનમાંથી પડી ગયેલા એક ચપ્પલની આત્મકથા' હોટેલ પહોંચતા વેંત જ લખવા બેઠા અને પાછા વળતા 'હોટેલથી ચોરાયેલા ટોવેલે' પણ આત્મકથાઓના અભૂતપૂર્વ લિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું.

હું ઓફીસ પહોંચ્યો ત્યાં તો મા..રનો ફરી મેસેજ આવ્યો,
"યાર, સવારથી પેલા બે માણસોએ દીધેલું વિઝિટિંગ કાર્ડ શોધી રહ્યો છું, દરેકે દરેક ખાના ફંફોસી લીધા! પણ જડતું જ નથી."
કંટાળી મેં જવાબ આપ્યો, "ભાભીને પૂછી જો."

મા..ર ભાભીને પ્રેમ તો બહુ કરે પણ એમની સામે આવતાં જ મિયાં મીંદડી જેવો થઈ જાય! ભાભી તેને દરરોજ પ્રેમથી ટિફિન બનાવી આપે અને આપણા ભાઈ ખુશ થઈ ને ભોજન આરોગે, પણ ક્યારેક ન ભાવતાં શાકનો ડબ્બો નીકળ્યો તો એ કમનસીબ દિવસે ડબ્બાને બીજાને ચિપકાવી દેતા વાર પણ ન લગાડે. એમાં એક દિવસ બન્યું એવું કે મા..રને કોબીનું શાક ડબ્બામાં દેખાયું. કોબી અને મા..રનું જન્મજાત વેર! ઉપરથી જેને ડબ્બો પધરાવે એ ભાઈ આજે રજા પર! ટેંશનમાં આપણા ભાઈએ ઢાંકણા સહ ડબ્બો ઓવનમાં મૂકી ૬૦ સેકન્ડનું ટાઈમર લગાવી દીધું. પછી શું? ડબ્બો જે હાલતમાં બહાર આવ્યો તે જોવા લાયક હતો! બિચારા ડબ્બાના બધા અંગ અષ્ટાવક્રની જેમ વાંકા થઈ ગયા હતા અને અંદર સંકોચાઈ ગયેલી કોબીની ભાજી પોતાની જાત ને બહાર કાઢવા રાડો પાડી રહી હતી! હવે ભાભીને પોતાના આ ડબ્બા બીજાઓને પધરાવવાના પરાક્રમો તો કહેવાય નહીં, પોતે કાંઈ ભૂલ કરીજ નથી તેનો ડોળો કરવા એણે ભાભીને 'કોબીનું શાક ભરેલા ડબ્બાની આત્મકથા' એકદમ ડાહ્યા બની લખી મોકલાવી.

મેં કરેલા મેસેજ સામે મા..રનો એક કલાક જતા રીપ્લાય આવ્યો,
"તારી ભાભીએ કહ્યું કે, રાતે તમે ઘરે મોડા આવેલા. મેં તમારી બેગ ને હાથ પણ નથી લગાડયો. કોણ જાણે જેમ મારો ડબ્બો ફેંકતા આવેલા, બીજું શું શું ફેંકતા આવો છો...
છોડ યાર, હવે તો ફટાફટ ઓફીસ જઈ ડ્રોવરમાં ચેક કરવું પડશે."

ફેંકાવું, ચોરાવું, પડી જવું આ બધું આપણા ભાઈ માટે નવાઈની વાત નહતી. બિલાડીના ટોપ જેમ વરસાદમાં ઉગી નીકળે એમ આવા બધા પરાક્રમોના પ્રતાપે તેના દિમાગમાં ડગલેને પગલે આત્મકથાઓ ફૂટી નીકળતી. 'રિક્ષામાં રહી ગયેલ છત્રીની આત્મકથા' , ઓફિસમાંથી ચોરાઈ ગયેલ 'ટપ્પરવેરની બાટલીની આત્મકથા' , 'ટામેટાના રેકડી પરથી ગબડી પડેલા ટામેટાની આત્મકથા' વગેરે વગેરે...

મારા લંચ ટાઈમમાં મોબાઈલ સ્ક્રીન પર ફરી મા..રનું નામ ઝળક્યું,
"મેં અને સેક્રેટરીએ એક એક ખૂણો જોઈ લીધો, વિઝિટિંગ કાર્ડ કશે જ નથી. અને ઉપરથી સેક્રેટરી તો કહે છે કે કાલે તમને કોઈ બે ભાઈ મળવા આવ્યા જ ન હતા..."
નિરાશા સાથે હવે ક્રોધ તેના શબ્દોમાંથી ડોકાઈ રહ્યો હતો
માનવશંકર- " બધા કહી રહ્યા છે હંબગ છે આ બધું...હંબગ!!! છોડ આ મૂર્ખ લોકો શું સમજશે મારા આ કૌશલ્યને!"

"કૌશલ્ય!?! " હું હસી પડયો. બિચારો મારો ભોળો મિત્ર!

એક કલાક પછી આપણા ભાઈનો ફરી મેસેજ આવ્યો, "યાર મને લાગે છે, મને કોઈ બે જણ મળવા આવ્યા એ કદાચ મારું સપનું હતું... મને તો તે લોકોના નામ પણ યાદ નથી!"

મારા મુખ પર એક રાહતભર્યું સ્મિત ઉપસી આવ્યુ.

તેણે આગળ ઉમેર્યું,
"તો હવે વિચારું છું..."

અને હું એકાએક સતર્ક થઈ ગયો, ના... ના... પ્લીઝ આ વીતેલી પરિસ્થિતિ પર કોઈ આત્મકથા નહીં...

માનવશંકર: "હવે આઈડિયા આવી છે, તો આત્મકથાઓ કોઈ પ્રકાશક ને દેખાડી જ આવીએ, ચાલ સાંજે મળીએ"

કપાળ પર મોબાઈલ પટકી મારાથી જોરથી બોલાઈ ગયું,
"થઈ રહ્યું!!!"