“હાઈ આશુતોષ,
તારા ઘરેથી રિપેરિંગ માટેનો સામાન લેવા અમારી ટ્રેક નવ વાગ્યે આવી જશે.”
આશુતોષે નિર્ઝરનો મેસેજ જોયો ત્યારે એ ચા–નાસ્તો કરી રહ્યો. ટીના કિચનમાં પડેલા રાતના વાસણ સાફ કરી રહી હતી. હજી આઠ વાગીને દસ મિનિટ થઈ હતી. સાડા આઠથી પોણા નવની વચ્ચે આશુતોષને ઓફિસ જવા નીકળવાનું હતું. એ દોદોહી આવે એની જ રાહ જોઈ રહ્યો હતો. એણે કહ્યું હતું કે એ સવા આંઠે આવી જશે મતલબ કે એક્ઝેક્ટ સવા આંઠે એ આવી જવી જોઈએ. આશુતોષે ફરી ઘડિયાળ જોઈ. આઠને અગિયાર મિનિટ થઈ હતી. એ ઊભો થયો અને ફલેટના મુખ્ય દરવાજાનું લૉક અંદરથી ખોલી નાખ્યું. હવે સહેજ ધક્કો મારતા જ એ ખુલી જવાનું હતું.
એણે કિચનમાં જઈ ટીનાને કહ્યું, “ટીના, તું બધું કામ પડતું મૂકીને બેડરૂમમાં આવીશ, પ્લીઝ!"
“હા, સર." એણે હાથમાંની પ્લેટ નીચે સિંકમાં મૂકી અને સાબુવાળો હાથ ધોઈ, નેપકિનથી લૂછી એ બેડરૂમમાં ગઈ.
બેડરૂમમાં આશુતોષ પલંગ પર બેઠો હતો. એના શર્ટના ઉપરના બે બટન ખુલ્લા હતા. ટીનાને જોતા જ એણે કહ્યું, “જો ને મારા શર્ટનું બટન તૂટી ગયું. શર્ટ ચેન્જ કરવાનો હવે સમય નથી. તું આ બટન પર બે ટાંકા લઈ આપીશ. સાંજે ઘરે આવું ત્યાં સુધી એ ટકી જાય એટલું તું મને કરી આપીશ?“
“હા, સર. હાલ જ કરી આપું છું."
ટીનાએ તરત જ કબાટના એક ખાનામાંથી સોય દોરો લીધો અને આશુતોષની બાજુમાં બેસી એના શર્ટના બટન પર ટાંકા લેવા લાગી. બે આડા ને બે ઊભા એમ ચાર ટાંકા લઈ એણે દોરો કાપી કાઢી કહ્યું, “થઈ ગયું."
“વાહ, ખબર નહીં તું ના હોત તો મારું શું થાત. યુ આર અ ડાર્લિંગ!" આશુતોષે ટીનાની આંખોમાં જોતા એના ખભે હાથ મૂક્યો ને એને પોતાની તરફ સહેજ ખેંચી. ટીના એની નજીક ખેંચાઈ ગઈ અને એણે આશુતોષને એક હળવું આલિંગન આપ્યું. બરાબર આ જ વખતે દોદોહી આવી ગઈ હતી. એણે ફ્લેટની બેલ વગાડી હતી પણ એ વાગી નહોતી. આશુતોષે જ અંદરથી બેલની સ્વિચ બંધ કરી દીધી હતી જેથી દોદોહી બેલ વગાડે તો અંદર ટીનાને સંભળાય નહીં ને એ દરવાજો ખોલવા ના જાય. બારણું અટકાવીને રાખેલું હોવાથી દોદોહી પછી સીધી જ અંદર આવી ગઈ હતી.
જ્યારે ટીનાએ આશુતોષને આલિંગન આપ્યું ત્યારે દોદોહી ફ્લેટની અંદર આવી ચૂકી હતી અને બેઠકખંડમાં કોઈ ન દેખાતા એ સીધી બેડરૂમ તરફ આગળ વધી હતી. આશુતોષને ખ્યાલ આવી ગયો હતો કે દોદોહી આવી રહી છે અને એણે ટીનાની છાતી પર આંગળી લઈ જઈ એની નીપલ સહેજ દબાવી હતી. ટીનાએ એના શરીરનું એક બટન દબાતા પ્રતિક્રિયા આપી હતી, એણે આશુતોષને હોઠે એક ગરમાગરમ કિસ કરી હતી...
દોદોહી બેડરૂમમાં પ્રવેશી ત્યારે સીન કંઈક એવો હતો કે આશુતોષ ટીનાને દૂર જવા કહી રહ્યો હતો જ્યારે કે ટીના આવેગથી એના હોઠ ચૂમી રહી હતી!
“આશુતોષ...?"
“ટીના?"
દોદોહીએ પહેલા આશુતોષને જોઈ બૂમ પાડી હતી પછી આખો સીન સમજાતા એણે ટીનાને બૂમ પાડી હતી. ટીના તરત જ આશુતોષથી દૂર થઈ હતી. એના હોઠ પર હજી લાળ જેવું ચીકણું પ્રવાહી ચોંટેલું દેખાઈ આવતું હતું જે જણાવી રહ્યું હતું કે એ કિસ કરવા આતુર છે.
“પ્લીઝ તું મારી સાથે આવું ના કર. હું દોદોહીને ચાહું છું." આશુતોષ ઠાવકો થઈ કહી રહ્યો હતો.
“સોરી સર," ટીના આટલું કહી આગળ કંઈ બોલવા જાય એ પહેલા જ આશુતોષે એને કિચનમાં જવા કહી દીધું હતું ને એ ચાલી ગઈ હતી.
“તે જોયું ને? એ છોકરી મારા પર બૂરી નજર રાખે છે. હાલ તું ના આવી હોત તો ખબર નહીં એ મારી સાથે શું કરી લેત. એનામાં ખરેખર કોઈ મોટી ગરબડ છે. આમ તો એ શાંતિથી એનું કામ કરે જતી હોય છે ને અચાનક જ પછી બદલાઈ જાય છે. એનામાં જાતીય વૃતિ માટેનો જે કોઈ સોફ્ટવેર મુકેલો હોય એમાં મોટી ખામી છે." આશુતોષ જાણે કોઈ મોટી મુસીબતમાંથી બચી ગયો હોય એવા ભાવ ચહેરા પર લાવી કહી રહ્યો.
“ઓ દોદોહી, યુ આર માય સેવિયર ડાર્લિંગ! તું ના આવી હોત તો," એણે આગળનું વાક્ય અધૂરું મૂક્યું. એણે નોંધ્યું કે દોદોહી એક શબ્દ નહોતી બોલી રહી.
“મારે લેટ થાય છે, નીકળવું પડશે. નિર્ઝરનો મેસેજ હતો કે એક ટ્રક નવ વાગ્યે આવી જશે ને એ બધો બગડેલો સામાન લઈ જશે. એ બધું પતે પછી તારે જવું હોય તો તું જઈ શકે છે."
“અરે હા, તારા માટે મેં એક સરસ ટીવી સીરિયલ શોધીને રાખી છે. એમાં એક સ્ત્રી એના જીવનમાં કેવી કેવી મુશ્કેલીનો સામનો કરે છે અને કેવી રીતે એમાંથી બહાર આવે છે એ સરસ રીતે દેખાડ્યું છે. તને એ સિરિયલ જોવી ગમશે. હું એ ચાલું કરતો જાઉં છું તું એ જોજે."
આશુતોષે ટીવી ચાલુ કર્યું. એણે દોદોહીને કપાળે હોઠ અડાડયા અને ‘લવ યુ’ કહીને એ ઑફિસ જવા નીકળી ગયો.
એ બપોરે આશુતોષ માટે ફરીથી બે ટિફિન આવ્યા હતા. એક ટીના આપી ગઈ હતી અને બીજું દોદોહી લઈને આવી હતી. એના ફોન પર નિર્ઝરના કેટલાક મેસેજિસ પણ આવ્યા હતા જેને જોવાનું આશુતોષે ટાળ્યું હતું.
“ઓહ, માય ડાર્લિંગ! તું કેટલી મહેનત કરી રહી છે. ખરેખર મને આ બધું નથી ગમી રહ્યું. ઘરમાં કૂક હોવા છતાં તારે રસોઈ કરવી પડે એ ક્યાંનો ન્યાય થયો."
“ટીનાને આજે મેં ફરી સમજાવી હતી. થોડુંક ગરમ થઈ એની કમ્પ્લેઇન કરવા કહ્યું હતું પણ એ મારી એક વાત સાંભળવા તૈયાર નહતી. એનામાં નક્કી કોઈક ગરબડ છે. હું એની ફરિયાદ કરીશ.”
“મને નિર્ઝરે કહ્યું હતું કે એ લોકો એવા રોબોટ્સ બનાવી રહ્યા છે જે બિલકુલ માણસો જેવા જ હોય. એક યાંત્રિક ડબ્બો કે રિમોટથી ચાલતા રમકડાં ન બની રહેતા એ લોકો સાચુકલા માણસો જેવું વિચારી શકે, એમની જાતે નિર્ણય લઈ કામ કરી શકે એવા રોબોટ્સ બનાવવા તરત આગળ વધી રહ્યા છે. તું અને ટીના બન્ને એવા જ રોબોટ્સ છે. રુચિ અને સુખીને એમણે ફક્ત ઘરકામ કરી શકે કે રસોઈ બનાવી શકે એવી રીતે જ તૈયાર કર્યા હતા. મેં એમને કહ્યું કે મારે એવા કામવાળા નથી જોઈતા એટલે એક પ્રયોગ તરીકે એમણે ટીનાને મારે ત્યાં મોકલી આપી છે. હવે મને એવું લાગે છે કે ટીના તારી અને મારી જોડી જોઈ મનોમન ઈર્ષા કરી રહી છે. કદાચ એને મારા પ્રત્યે કોઈ લાગણી થઈ રહી છે. એ મને પ્રેમ કરવા લાગી હોય એ શક્ય નથી?”
દોદોહી એક શબ્દ પણ બોલ્યા વગર શાંતિથી આશુતોષની વાત સાંભળી રહી હતી એ જોઈ આશુતોષે આગળ કહ્યું, “તને મારી પર ભરોસો છે ને ડાર્લિંગ? એ ગમ્મે તેવા પ્રયત્ન કરી લે હું ડગી જાઉં એવો પુરુષ નથી. મારી પાસે એક જ દિલ હતું ને એ મેં તને આપી દીધું છે. હવે તો જો હું મરી પણ જાઉં તોય મારા મુખેથી બોલાયેલું છેલ્લું વાક્ય તારું નામ હશે. આઈ લવ યુ દોદોહી!”
“તું કેમ આટલી ચુપ છે? તને કંઈ થયું છે? ટીના એ તારી સાથે કંઈ કર્યું?" દોદોહીની ચુપ્પી જોઈ અકળાયેલા આશુતોષે સીધુ પૂછ્યું.
“તે મને જે સિરિયલ જોવા માટે આપી હતી એ મેં આખી જોઈ લીધી."
“એક કલાકનો એક એવા પચીસ એપિસોડ વાળી સીરિયલ તે બે ત્રણ કલાકમાં કેવી રીતે જોઈ લીધી?"
“હું એવું કરી શકું છું. એક કલાકનો એપિસોડ જોવામાં મારે એટલો જ સમય લાગે જેટલો એ સિરિયલને એક ફોનમાંથી બીજા ફોનમાં ડાઉનલોડ થતા લાગે. મને એ સિરિયલ જોઈ ઘણું બધું શીખવા મળ્યું. થૅન્ક યુ ફોર ધેટ. મેં પછી એના જેવી જ બીજી ટીવી સિરિયલ સર્ચ કરી હતી. મેં અનુરાધા જોઈ, ક્યોંકિ સાસ ભી કભી જીંદા થી, પરીક્ષા જિંદગી કી, અશાંતિ, યે રિશ્તા ક્યા હૈ, નાચે નાગિન અને બીજી પણ કેટલીક. હવે હું વિચારી રહી છું. આ દુનિયામાં સ્ત્રી બનીને જીવવું હું માનતી હતી એના કરતા અનેક ઘણું મુશ્કેલ છે. પુરુષો ને સમજવું તો બિલકુલ જ શક્ય નથી. આજ સવારે બેડરૂમમાં જોયેલા આશુતોષ પર મારે ભરોસો કરવો કે અત્યારે જે મારી સામે બેઠો છે એની વાતનો સ્વીકાર કરવો? ટીના ખરેખર એક ડિફેક્ટિવ પીસ છે કે પછી એ મને કે કદાચ આપણે બંનેને છેતરી રહી છે? નિર્ઝર શા માટે મને તારી સાથે પરણાવવા માંગે છે? એ પાછળ એનો શું સ્વાર્થ હશે? એ ધારત તો મને કોઈ કરોડપતિ બિઝનેસમેન ને ત્યાં મોકલી શકત પણ એણે એમ ન કરી તારા જેવા એક સામાન્ય નોકરિયાત માણસ પાસે મને કેમ મોકલી?"
આશુતોષ અજાણતા જ તાળીઓ પાડી ઊઠ્યો એ જોઈ દોદોહી અટકી.
“સરસ, સરસ, હવે જ તું કંઈક સાચી દિશામાં વિચારી રહી છે, આગળ વધ. તું વિચાર કે આ નિર્ઝર કોણ છે અને તારે કોની સાથે લગ્ન કરવા કે નહીં એનો નિર્ણય લેવાવાળી એ છે કોણ? તું વિચાર કે કદાચ લગ્નના થોડા વરસો બાદ તું મને ના ગમે, આપણી વચ્ચે ઝઘડા થવા લાગે અને હું તને ડિવોર્સ આપી દઉં તો પછી તારું શું થશે? ટીના જે રીતે વર્તી રહી છે એની પાછળ નિર્ઝર કે તારી કંપનીનો હાથ હશે કે નહીં એ પણ વિચારવા જેવું છે. કોને ખબર કે આ પણ એમના પ્રયોગનો એક ભાગ હોય? કદાચ એમણે જ ટીનાને આવી રીતે વર્તવા કહ્યું હોય અને એ જોઈ રહ્યા હોય કે હું અને તું શું કરીએ છીએ? એનાથીય આગળ, શું ખબર કે ટીનાને એમણે શા માટે બનાવી છે અને એને શું શું શીખવાડીને મારે ઘરે મોકલી છે? હું તો એમને મન પ્રયોગ માટે વપરાતા એક ઉંદરથી વધારે કંઈ નથી પણ એ તારા માટે શું વિચારે છે એ પણ તારે વિચારવું રહ્યું. ભવિષ્યમાં તું મારી પર ઓળગોળ થઈ જાય અને એમની વાત માનવાને બદલે તું મારા પક્ષે નિર્ણય લેવા લાગે ત્યારે એ લોકો તને કોઈ નુકશાન તો નહીં પહોંચાડે ને? તને ખરીદી શકું એટલી મારી હેસિયત નથી ધાર કે તારી કંપનીવાળા મારી અને એમની વચ્ચેનો કોન્ટ્રાક્ટ રદ કરે ને તને પાછી લઈ જાય તો મારું શું થાય? હું તારા વગર નહીં જીવી શકું, આઈ લવ યુ સો મચ ડાર્લિંગ.” આશુતોષે સહેજ ગળગળા થઈ કહ્યું. એ હવે દોદોહી સામે તાકી રહ્યો હતો.
“તું ફિકર ના કર. હું બધું જ સંભાળી લઈશ. આઈ લવ યુ ટુ. એ લોકો જો મારી અંદરનો બધો જ ડેટા ડિલીટ કરી નાંખે તો હું તને ભૂલી જઈશ પણ એ પહેલા તો તું જ મારા માટે સર્વસ્વ છે. ટીવી સિરિયલોમાં જ્યારે પણ એક પત્ની કે પ્રેમિકા જુએ કે એના પરિવાર પર મુસીબત આવી છે ત્યારે એ રણચંડી બની મેદાનમાં ઉતરે છે. હું પણ તારા માટે આખી દુનિયા સામે લડી શકું એમ છું. આપણા જીવનમાં ટીના એક નાગણ બનીને આવી છે એને જો હું પાછી એના પટારામાં ના પૂરી દઉ તો મારું નામ દોદોહી નહીં. એક સામાન્ય સ્ત્રી જો એના પતિ કે પ્રેમીની રક્ષા માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર થઈ શકતી હોય તો હું તો એક રોબો–સ્ત્રી છું. મારી પાસે બધાનો ડેટા છે. હું ધારું તેને નમાવી શકું છું. આપણને જુદા કરવાનું વિચારનારને માફી માંગતા કરી શકું છું. તે મારો પ્રેમ જોયો છે ડાર્લિંગ પણ એક રોબો–સ્ત્રી જ્યારે પોતાના પ્રેમી અને પતિની સાથે ઉભી હોય ત્યારે એ શું કરી શકે છે એ હું હવે તને દેખાડીશ."
આશુતોષે તાળીઓ પાડતા કહ્યું, “વાહ ડાર્લિંગ વાહ, હવે મને કોઈના બાપની ચિંતા નથી. તું તારે આપણા ઘરે જઈ આરામથી બેસી બીજી ડઝનેક પારિવારિક ટીવી સીરિયલ જોઈ લે. હું સાંજે પાછો આવું પછી આપણે રોમેન્ટિક કેન્ડલ લાઇટ ડિનર સાથે લઈશું."
દોદોહી ગઈ કે તરત આશુતોષના ચહેરા પર એક મોટું સ્મિત ફરકી ગયું. એણે વિચાર્યું પણ નહતું કે દોદોહી પાંચ પાનાનું ભાષણ આપતી થઈ જશે! એનામાં જે પરિવર્તન આવ્યું હતું એ ગજબનું હતું અને એ સાથે જ આશુતોષને એ પણ સમજાયું કે ગમ્મે તે થઈ જાય પોતે દોદોહીને ચાહે છે, એના વગર એક પળ પણ જીવી શકે એમ નથી એ ભ્રમ દોદોહીના મનમાં જળવાઈ રહેવો જોઈએ. ભૂલેચૂકે પણ જો એનું ફરી જાય અને એ આશુતોષને નુકશાન પહોંચાડવા પર આવે તો આશુતોષ પાસે એનાથી બચવાનો કોઈ ઉપાય નહોતો. એવા સંજોગોમાં નિર્ઝર કે એની કંપની પણ એની શી મદદ કરી શકે એની કોઈ ખાતરી નહોતી.
નિર્ઝર આશુતોષને મેસેજ કરી રહી હતી. છેક સાંજે ઘરે જતા પહેલા એણે એ મેસેજિસ જોયા.
“આ શું છે આશુતોષ? તારા ઘરે મોકલેલી દરેક ઇલેક્ટ્રોનિક આઇટમ આટલી ખરાબ રીતે કેવી રીતે ડેમેજ થઈ? આ એની મેળે નથી થયું તે હાથે કરીને કંઈક કર્યું છે કે કરાવડાવ્યું છે. એમાંની એક પણ વસ્તુ રિપેર થાય એવી કન્ડિશનમાં નથી.”
આશુતોષે ઉપરનો મેસેજ વાંચ્યો ને જવાબ લખ્યો,
“આ જો ઊલટા ચોર કોટવાલ કો દાટે! તારી કંપની જ તકલાદી વસ્તુઓ બનાવે છે અને મારા જેવા ગ્રાહકો પાસેથી ત્રણ ગણી કિંમત વસૂલી છેતરે છે. ફ્રીઝ, વોશિંગમશીન, માઇક્રોવેવ જેવી સામાન્ય આઇટમ તો તમે સરખી બનાવી નથી શકતા ને માણસો જેવા રોબોટ્સ બનાવવા નીકળી પડ્યા છો? તમારા આ રોબોટ્સ કાલે મિસ–બિહેવ કરે અને મારો જીવ લે તો? મારા પરિવારને નુકશાન પહોંચાડે તો? શું ખબર તમારા આ રોબોટે જ મારા ઘરની વસ્તુઓ ખરાબ નથી કરી? મને તો લાગે છે કે તમે જ એની પાસે એવું બધું કરાવ્યું છે જેથી હું નવો સામાન ખરીદું ને તમારા ગજવા ભર્યા કરું.”
“આ તું શું કહી રહ્યો છે ભાનમાં તો છે? મેં તારા ઘરમાં જેટલા પણ કેમેરા લાગેલા છે એમાંથી જોયું છે કે દોદોહી તારા ઘરના સમાન સાથે ચેડા કરી રહી હતી. તું એ સમયે એની સાથે હતો એટલે એ તે જ કરાવ્યું હોય એ શક્ય છે. આવી પરિસ્થિતિમાં કંપની તારી કોઈ પણ મદદ કરવાની ના કહી શકે છે. તારે એ ખરાબ થયેલા સામાનને સરખું કરાવવું હોય તો એનો ચાર્જ અલગથી થશે.”
“વાહ ભાઈ વાહ! એમ તો તે એ પણ જોયું હશે કે આજ સવારે ટીના મને વળગી પડી હતી. એની સાથે મને એવી હાલતમાં જોઈ દોદોહીને ગુસ્સો આવ્યો હતો પણ મેં એને સમજાવી લીધી હતી. હવે તું એમ કહીશ કે મેં જ ટીનાને મને ગળે વળગી પડવા અને મને હોઠ પર કિસ કરવા ઉશ્કેરી હતી? એ રોજ મારી રસોઈમાં દાટ વાળી રહી છે એની પાછળ તું શું કારણ આપીશ?”
“એક સાચી વાત કહું? હું હવે આ બધાથી કંટાળી ગયો છું. તું મારો કોન્ટ્રાક્ટ રદ કરી દે. મારે દોદોહી કે ટીના બંનેમાંથી એકેય નથી જોઈતી. તું તારી કંપનીમાંથી આવેલી દરેક વસ્તુ પાછી મંગાવી લે અને જે થાય તે રકમ મને મોકલી આપજે. હવેથી આગળ હું એક રૂપિયાની પણ ઇ.એમ.આઇ. હું ભરવાનો નથી. મારા બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન હું બંધ કરાવી લેવાનો છું. તારાથી થાય એ કરી લે.”
આશુતોષે મેસેજ સેન્ડ કર્યો ને ફોન બંધ કરી ગજવામાં સેરવી દીધો. અચાનક એને એટલી રાહત અનુભવાઈ. એક પળ તો એને થયું કે પોતે કેટલી શાંતિની જિંદગી જીવી રહ્યો હતો એ તરફ આજ સુધી એનું ધ્યાન જ કેમ નહોતું ગયું? નિર્ઝર નામની બલા એની જિંદગીમાં આવી અને એ પછી જે કંઈ એની સાથે બની ગયું, બની રહ્યું છે એનાથી એ હવે ખરેખર કંટાળી ગયો હતો ને એમાંથી છૂટકારો મેળવવા સિવાય એને બીજું કંઈ જોઈતું નહતું. એણે નક્કી કરી લીધું હતું કે હવે જો નિર્ઝર, કે એની કંપની તરફથી કોઈ પણ જાતની હેરાનગતિ કરવામાં આવી તો એ સીધો પોલીસમાં જઈ ફરિયાદ નોંધાવશે.
સાંજે મોડેથી એ ઘરે ગયો ત્યારે એનું ઘર ખાલીખમ હતું. સાંજની રસોઈ પણ બની નહતી. કિચનમાં રસોઈ બનાવવાની તૈયારી થયેલી હતી. અમુક શાકભાજી કપાયેલી હાલતમાં પડી હતી. એક તપેલીમાં અડધા રંધાયેલા ભાત પડ્યા હતા, કદાચ એ પૂરા રંધાઈ જાય એ પહેલા જ ગેસ બંધ કરી દેવાયો હતો. એણે ટીનાને ફોન જોડ્યો. રિંગ જ ના વાગી. સામેથી કહેવાયું કે તમે ડાયલ કરેલો નંબર ગલત છે. એણે નંબર ચેક કર્યો.. એને એ નંબર સારી રીતે યાદ હતો. એણે ફરી વાર સરખી રીતે નંબર ડાયલ કરી રિંગ મારી તો પણ એ જ જવાબ મળ્યો. એણે કોન્ટેક્ટ લિસ્ટમાં જઈ એ નંબર શોધ્યો તો એના ફોનમાં ટીના, રુચિ કે સુખી નામે કોઈ સેવ નહોતું કરેલું. એણે વોટ્સએપમાં નિર્ઝર સાથેની ચેટ જોઈ તો એ આખી ચેટ જ ગાયબ હતી. એણે ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં હવે નિર્ઝર નામ સર્ચ કર્યું તો એ નામે સેવ થયેલો કોઈ નંબર કે નામ ન મળ્યું. એણે એની ગેલેરી ચેક કરી. દોદોહીનો એક પણ ફોટો એમાં નહતો. એના ફોનમાંથી એનો જૂનો કૉલ લોગ ડિલીટ કરી દેવાયો હતો. હવે એની પાસે નિર્ઝર, દોદોહી, સુખી, રુચિ, ટીના કે એ અજાણી વિચિત્ર નામવાળી કંપનીના એક પણ એકાઉન્ટનો નંબર કે નામ સેવ થયેલું નહતું! એણે સોશ્યલ મીડિયા પર નિર્ઝર સર્ચ કર્યું. એ જેને શોધી રહ્યો હતો એ ત્યાં ક્યાંય ન મળી!
આશુતોષને ખૂબ નવાઈ લાગી રહી હતી. અચાનક આ બધું શું થઈ ગયું એ એની સમજમાં નહોતું આવી રહ્યું. કદાચ એ દોદોહી અને ટીનાને હથિયાર બનાવી એમને આપસમાં લડી મરવા કે એકબીજાને ભયંકર નુકશાન પહોંચાડવા ઈચ્છતો હતો એ વાતની નિર્ઝરને જાણ થઈ ગઈ હોય અને એણે જ આશુતોષને એમની કંપનીને લગતા દરેક નંબર પર બ્લૉક કરી દીધો હોય એ શક્ય હતું. આમ તો આ જે થયું એનાથી આશુતોષને નિરાંતનો અનુભવ થવો જોઈતો હતો પણ એવું ન થયું. એના મનમાં એક છુપો ભય આકાર લઈ રહ્યો હતો. આ બધું આટલી સરળતાથી પૂરું થઈ જાય એ વાત એના માન્યમાં નહોતી આવી રહી. ક્યાંક આ નિર્ઝરનો કોઈ પ્લાન તો નહીં હોય? એ જો ઇચ્છે તો ખૂબ જ સરળતાથી આશુતોષનું મર્ડર કરી શકે!