“હેય આશુતોષ...
ગુડ મોર્નિંગ!
ટીના તારે ત્યાં કામ કરવા આવવા તૈયાર છે. આજથી જ સુખી ને રુચિને બદલે એ તારે ત્યાં આવશે.
ઇન્જોય યોર ડે!”
સવારે ઉઠીને ફોન હાથમાં લેતા જ આશુતોષે નિર્ઝરનો મેસેજ જોયો અને એણે એના હોઠ ભીડ્યા.
આજે સવારે એણે ચાલવા જવાનું ટાળ્યું હતું. એણે ઊઠતા વેંત એના બેડ પરની ચાદરનો એક છેડો પકડી ખેંચ્યો હતો અને એને અસ્ત્વસ્ત કરી મૂકી. રસોડામાં જઈ દેખાયા એટલા વાસણ સિંકમાં નાંખી એની પર અથાણું તથા ટોમેટો કેચઅપ નાંખી ગંદા કર્યા. એના સ્ટડી ટેબલ પર ગોઠવાયેલા ચોપડા, કાગળિયા, ઉઠાવી આમથી તેમ ફેંક્યા. કબાટમાંથી એના ઈસ્ત્રી કરીને ઘડી વાળેલા કપડાં કાઢી નીચે ઢગલો કર્યો. બાથરૂમમાં વૉશિંગ પાઉડર ઢોળ્યો અને બેઠકખંડમાં પણ ગોઠવીને મૂકેલું બધી વસ્તુઓ વેરણછેરણ કરી મૂકી.
બરાબર આઠ વાગ્યે ટીનાએ આશુતોષના ઘરની બેલ વગાડી હતી. પાંચ મિનિટ રાહ જોવડાવ્યા બાદ આશુતોષે બારણું ખોલી એનું સ્વાગત કર્યું હતું.
“વેલકમ ટીના. આશા રાખું છું કે તને અહીં કામ કરવામાં કોઈ તકલીફ નહીં પડે." આશુતોષે એને ધ્યાનથી જોતા કહ્યું. રુચિ અને સુખી કરતા આ વધારે સુંદર હતી. એના ચહેરા પરની રેખાઓ પણ એ બંને કરતાં વધારે હલતી હતી, મતલબ કે વધારે હાવભાવ દર્શાવતી હતી. એના વાળ બિલકુલ દોદોહી જેવા જ હતા. એની ચામડીનો રંગ સહેજ શ્યામ કહી શકાય એવો હતો અને કદાચ એટલે જ એ વધારે સુંદર લાગતી હતી. એણે ઘેરવાળું ટૂંકું પીળું ફ્રોક પહેર્યું હતું. એના સીના અને કમર પર ચુસ્ત રીતે ચોંટી જતું એ ફ્રોક કમરથી નીચે લહેરાતું ઢીંચણ સુધી માંડ પહોંચતું હતું. એના ડ્રેસનું ગળું ખાસ્સું નીચું હતું. એની છાતીના બે ઉન્નત ઢોળાવો એમાંથી ડોકિયા કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
ઘરમાં દાખલ થતા જ એણે કહ્યું, “ઓહ માય ગોડ! આશુતોષ આ ઘરની શું હાલત કરી છે? ગઈ કાલે રાત્રે ભૂકંપ આવ્યો હતો?
“ભૂકંપ ગઈ કાલે રાત્રે નહીં પણ આજે, અત્યારે હાલ આવ્યો છે. તને જોઈને મારા દિલમાં ઉથલપાથલ મચી ગઈ છે." આશુતોષે દિલફેંક આશિકની જેમ નફ્ફટાઇથી કહ્યું.
“તું રોજ ઘરમાં આટલી ગંદકી કરે છે?" ટીનાએ નીચે પડેલી વસ્તુઓ ઉઠાવી એની જગ્યાએ ગોઠવતા પૂછ્યું.
“અરે ના, આ બધું મેં નથી કર્યું. મને લાગે છે કે મારે તને મારા વિશેની બધી જ જરૂરી માહિતી આપી દેવી જોઈએ જેથી તને અહીં કામ કરવામાં તકલીફ ના પડે. મારું નામ આશુતોષ છે એ તો તને ખબર છે હવે આગળ સાંભળ, મારા લગ્ન મારી મરજી વિરુધ્ધ એક સ્ત્રીરોબોટ સાથે થવા જઈ રહ્યા છે. એ રોબોટનું નામ દોદોહી છે. એ એક રોબોટ હોવા છતાં એનામાં અમુક સ્ત્રીઓના ગુણ ઠાંસી ઠાંસીને ભરેલા છે. એ ખૂબ શંકાશીલ અને પઝેસીવ છે. એની ચોવીસ કલાક મારા પર નજર હોય છે અને હું જો કોઈ સ્ત્રી સાથે સહેજ હસીને વાત કરું તોય એને નથી ગમતું. એ ગુસ્સે થઈ જાય છે અને જ્યારે એ ગુસ્સે થાય ત્યારે તોડફોડ કરે છે. ઘરની બધી વસ્તુઓ આમથી તેમ ફેંકી દે છે. તારા પહેલા અહીં રુચિ અને સુખી નામની બે છોકરીઓ કામ કરતી હતી. બંને છોકરીઓ બિચારી એટલી સરળ અને હસમુખી હતી. એમની પર પણ દોદોહીને શંકા થતી હતી. એને એવું લાગતું હતું કે હું સુખી અને રુચિના પ્રેમમાં પડી જઈશ ને એને છોડી દઈશ. એના મનને શાંતિ મળે એટલે જ મારે સુખી અને રુચિને બદલે તને કામ પર રાખવી પડી. બે ને બદલે બધું કામ એક જ છોકરી કરી લે એવી માંગણી પણ દોદોહીની જ હતી. એનું તો એમ પણ કહેવું હતું કે નવી આવનાર છોકરી સુખી અને રુચિ જેવી રૂપાળી ન હોવી જોઈએ. એણે જ નિર્ઝરને કહી તને અહીં કામ કરવા પસંદ કરી કેમ કે તું રંગે થોડી શ્યામ અને શરીરે થોડી ભરાવદાર છે!"
આશુતોષ થોડીવાર અટક્યો અને ટીના સામે જોઈ રહ્યો. એ દેખાવે થોડીક શ્યામ છે એટલે એ બીજી એના જેવી છોકરીઓ કરતા ઓછી રૂપાળી છે એવું જાણીને એને થોડો આઘાત લાગ્યો હોય એવા હાવભાવ એના ચહેરા પર આવી ગયા હતા.
“જો તારી ચામડીનો રંગ જે પણ હોય મને એનાથી કોઈ ફરક નથી પડતો. ભગવાનના બનાવેલા માણસો પણ કાળા કે ધોળા હોય છે અને એમાં અમે એમનો રંગ નહીં પણ ગુણ જોતા હોઈએ છીએ. એમનું દિલ સાફ ને સાચું હોય એ મહત્વનું છે. જો કે મને એક વિચાર આવે છે, તું તો કંઈ ભગવાનનું બનાવેલું માણસ નથી. તને માનવીએ જ બનાવી છે. તને બનાવનાર સારી રીતે જાણે છે કે આ દુનિયામાં ધોળા લોકોને સુંદર કહેવાય છે તો પછી એણે તને આવો શ્યામ રંગ કેમ આપ્યો? તારું દિલ સાફ અને સાચું છે કે નહીં એ પણ કોઈ કેવી રીતે નક્કી કરી શકે? તારે તો દિલ જેવું પણ કંઈ નથી! તારી કંપનીએ તારી સાથે આવો અન્યાય શા માટે કર્યો?" આશુતોષ જાણે ટીનાને લઈને ચિંતિત હોય એમ કહી રહ્યો હતો.
“તમે ઢીંગલીઓ દુકાને ગયા છો ક્યારેય? ત્યાં બધી જ ઢીંગલી ગુલાબી રંગના પ્લાસ્ટિકમાંથી બનાવેલી નથી હોતી. અમુક ઢીંગલીઓ ડાર્ક રંગની પણ હોય છે અને એને પસંદ કરનાર લોકો પણ હોય છે. બની શકે છે મારી કંપનીની મને ડાર્ક શેડ એટલા માટે આપ્યો છે જેથી ડાર્ક શેડ પસંદ કરનારને પણ એમની પસંદની યુવતી મળી રહે. તમે ગાર્ડનમાં ખીલેલા ફુલ જોયા જ હશે. એ ફૂલ એકબીજા સાથે સરખામણી નથી કરતા એમની તો આદત છે ખીલવાની અને એ બસ ખીલી ઊઠે છે, મારું પણ એવું જ છે, હું બીજા સાથે મારી સરખામણી શા માટે કરું?“
“વાહ, વાહ," આશુતોષ જોરથી તાળીઓ પાડતા કહી રહ્યો, “શું ઉચ્ચ વિચાર છે તમારા. સાચું કહું છું આજ સુધી મેં મારા જીવનમાં જેટલી પણ યુવતીઓ જોઈ છે એમાંથી તું બેસ્ટ છે. કાશ દોદોહી પણ તારા જેવી સમજદાર હોત."
“થૅન્ક યુ." ટીનાએ એનું કામ કરવાનું ચાલું કર્યું. આખું ઘર અસ્તવ્યસ્ત હતું. એને એ બધું કરવામાં ઘણો સમય લાગી શકે એમ હતું. એ ખૂબ ઝડપથી કામ કરી રહી હતી એ જોઈ આશુતોષે કહ્યું,
“એક કામ કર તું પહેલા મારા માટે ચા નાસ્તો બનાવી લે. હું ઓફિસ જવા નીકળી જાઉં પછી તું બાકીનું કામ પતાવજે."
“જી સર."
“અને સાંભળ મને થોડીક ગળી ચા પસંદ છે તો જ્યારે પણ તું ચા બનાવે ત્યારે એમાં સામાન્ય કરતા બે ચમચી વધારે ખાંડ નાંખજે. નાસ્તામાં જે કંઈ બનાવે એમાં મીઠું સહેજ ચઢિયાતું રાખજે અને વાનગીમાં તેલમસાલાની માત્રા થોડીક વધારે રાખજે. મને સાદુ ખાવાનું પસંદ નથી. મને તો ગુજરાતી નાસ્તો જ ફાવે છે. આખો દિવસ કામ કરવાનો ફાયદો શું જો માણસ એની મરજી મુજબનું ખાઈ પણ ના શકે, હેં ને?"
“જી સર. હું ધ્યાન રાખીશ."
આશુતોષ ઓફિસ જવા તૈયાર થયો ત્યાં સુધીમાં ટીનાએ એને માટે બટાટાના ભજીયા ને ચા બનાવી હતી. આશુતોષે એક ભજીયું ચાખ્યું. એ સહેજ ખારું હતું. ચાનો એક ઘૂંટડો ભર્યો, અતિશય ગળી હતી.
“વાહ, અહીંયા આવ ટીના મને તારા હાથ ચૂમવા દે, શું જાદુ છે તારા હાથમાં! આહા...હા...કેટલા દિવસોએ આજે જાણે મારી મમ્મીનાં હાથનું ખાવા મળ્યું."
ટીના આશુતોષ સામે આવીને ઊભી રહી હતી. આશુતોષે એના બંને હાથ પકડ્યા અને એને પહેલા પોતાના કપાળે પછી હોઠ સાથે અડકાડી કહ્યું, “તું ખરેખર અન્નપૂર્ણા છે ટીના! તારા હાથમાં જાદુ છે."
“તો હું રોજ આ જ પ્રમાણે વાનગીઓ બનાવું ને?"
“હા, બિલકુલ આ જ સ્વાદ મારે રોજ જોઈએ અને સાંભળ, મારા ટિફિનમાં મારે કોઈ સલાડ કે પાસ્તા–ફાસ્તા નથી જોઈતા. તું તારે લસણિયા બટેટા, સેવ ટામેટાનું ચટાકેદાર લાલચોળ શાક કે પછી ઊંધિયું જલેબી એવું કંઈક મોકલજે. મારે જીવવા માટે નથી ખાવું, ખાવા માટે જીવવું છે! સ્વાદિષ્ટ ભોજન મારો પહેલો પ્રેમ છે અને એમાં હું કોઈ બાંધછોડ કરવા નથી ઇચ્છતો."
“જી સર, હું ધ્યાન રાખીશ."
ટીના રસોડા તરફ ગઈ કે તરત જ આશુતોષે એની ચા અને ભજીયા એક પ્લાસ્ટિકની કોથળીમાં ઠાલવી, કોથળીને ગાંઠ મારી એની બેગમાં મૂકી દીધી. એ ઑફિસ જવા નીકળ્યો ત્યારે રસ્તામાં આવતી એક કચરાપેટી આગળ ઊભો રહ્યો હતો. એણે બેગમાંથી ચા તથા ભજીયા ભરેલી કોથળી કાઢી એને કચરા પેટીમાં ઉછાળીને ફેકી દીધી. એણે એ ઘટનાનો એના ફોનમાં વિડિઓ પણ ઉતાર્યો હતો ને વીડિયોમાં છેલ્લે એનું દયામણું મોઢું દેખાડ્યું હતું.
ઓફિસે પહોંચી એણે મહેન્દ્રને ફોન કર્યો હતો. મહેન્દ્ર જાણે કોઈ માણસ સાથે વાત કરવા તલસી રહ્યો હોય એમ લાગણીશીલ થઈ વાત કરી રહ્યો હતો. એનું કહેવું હતું કે એ હવે કંટાળી ગયો હતો!
મહેન્દ્રએ થોડીક આડીઅવળી ચર્ચા કરી મુખ્ય વાત પર આવતા સૌથી પહેલા એક સંસ્કૃત શ્લોક ટાંક્યો, "न जातु कामः कामानामुपभोगेन शाम्यति। हविषा कृष्णवर्त्मेव भूय एव अभिवर्तते॥"
એણે શ્લોકનો અર્થ સમજાવતા કહ્યું કે, “વાસના ભોગવવાથી કદી એ અંત પામતી નથી. તમે આગમાં ઘી નાંખો તો આગ હોલાવવાને બદલે તેજ થાય એવું જ કંઈક વાસનાનું પણ છે. હું મારા શરીરની આગ ઠારવા આ રોબોટ્સની દુનિયામાં આવી ગયો હતો. સુંદર છોકરીઓનો સહવાસ ઉપરાંત પગાર વત્તા રહેવાનું, જમવાનું, મારે મન આ જિંદગી સ્વર્ગ જેવી હતી પણ સાચું કહું તો હવે મને આનાથી કંટાળો આવી ગયો છે. સાચુકલી સ્ત્રી હોય તો એ ક્યારેક ના કહે, આપણે એને મનાવવી પડે, કાલાવાલા કરવા પડે અને એનીય એક અલગ મજા હોય. અહિયાં તો બસ એક બટન દબાવતા હો એમ એના શરીરના એક ચોક્કસ ભાગને અડો એટલે એ તૈયાર. ગમ્મે તે ઘડીએ, ગમ્મે તે સંજોગોમાં, આ રોબોટ છોકરીઓ એક બટન દબાવતા જ તૈયાર થઈ જાય છે. પહેલા મને એ સ્થિતિ ખૂબ ગમી હતી. મેં એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો, હજી ઉઠાવી રહ્યો છું, પણ હવે પહેલા જેવી મજા નથી આવી રહી. હવે મારું મન કોઈ સાચુકલી સ્ત્રી માટે તડપી રહ્યું છે. કોઈ એવી સ્ત્રી જે મારી સાથે સંભોગ માટે તૈયાર થતા પહેલા થોડા નખરા કરે, જેને મારે મનાવવી પડે, જે રોજ રોજ એકસરખી રીતે વર્તવાને બદલે કંઈક અલગ રીતે મારી સાથે હોય. તમને મારી વાત સમજાય છે ને સાહેબ?"
“હમ્મ, ચોક્કસથી સમજાય છે. મને તો એ પહેલા દિવસથી જ સમજાઈ ગયું હતું પણ જો ત્યારે હું તને આ કહેત તો તું ના સમજત."
“સાચી વાત છે. શરૂઆતના થોડાક દિવસો તો મેં ખૂબ મજા કરી હતી. હજી કરી રહ્યો છું પણ હવે,"
“તું મારી થોડીક મદદ કરી શકીશ?"
“હા, બોલોને સાહેબ.“
“પહેલા તો તું એ સમજ કે આપણી વાત ખાનગી નથી. એને બીજા લોકો સાંભળી રહ્યા છે. મારા ફોન પર નિર્ઝરની ચોકી હોય છે. તારો ફોન પણ નિર્ઝર કે કોઈ બીજાએ હેક કરેલો હશે."
“એ બધું હું જાણું છું સાહેબ અને એને માટેનો રસ્તો મેં વિચારી લીધો છે. હું આજે બપોરે લંચ બ્રેકમાં તમને રૂબરૂ મળવા આવી જાઉં?"
“હા, એ જ બેસ્ટ રહેશે."
એ બપોરે આશુતોષ માટે ટીના ટિફિન લઈને આવી હતી. એણે ટિફિન મહેન્દ્રની જગ્યાએ આવેલા નવા પટાવાળાને સોંપ્યું હતું અને એ પાછી વળી ગઈ હતી. એ જ્યારે બહાર નીકળી રહી હતી ત્યારે એની પર મહેન્દ્રની નજર પડી હતી. મહેન્દ્ર એ સમયે ઓફિસમાં પ્રવેશી રહ્યો હતો.
“આ ટીના સાથે હવે તમારું શું ચક્કર ચાલી રહ્યું છે?" મહેન્દ્રએ આશુતોષને મળતા જ પૂછ્યું હતું.
“એ હવે મારી નવી કામવાળી છે. તું એને ઓળખે છે?"
આશુતોષ અને મહેન્દ્ર એમના બેઝમેન્ટમાં આવેલ એ ઓરડામાં પહોંચી ગયા હતા જ્યાં નેટવર્ક નહોતું આવતું અને જ્યાં કોઈ સીસીટીવી કેમેરા પણ નહોતા.
“આ પણ એ જ બિલ્ડિંગમાં રહે છે જ્યાં સુખી, રુચિ અને તમારી દોદોહી રહે છે. એની સાથે હું બે દિવસ અને બે રાત રહી ચૂક્યો છું. એના શરીર પર કઈ જગ્યાએ કયું બટન આવેલું છે અને એને દબાવતા શું થાય એ પણ હું સારી રીતે જાણું છું."
“વેરી ગુડ, મારે એ જ જાણવું છે."
“અરે વાહ મારા સાહેબ તમે પણ,"
“સ્ટોપ ઈટ. તું કોઈ બકવાસ કરે એ પહેલા જ કહી દઉં કે જે રીતે તું વિચારી રહ્યો છે એવું મારા મગજમાં કંઈ નથી ચાલી રહ્યું."
“આમ જુઓ તો આ કંપનીના બધા રોબોટ્સની રચના લગભગ એકસરખી જ છે. તમે જો કોઈ પણ રોબોટને ખભે હાથ મૂકી, એની આંખોમાં પ્રેમથી જોઈ પોતાની તરફ ખેંચશો તો એ તમને હળવું આલિંગન આપશે. એના ચોક્કસ અંગ પર આંગળી અડાડી દબાવવાથી એ કિસ પણ કરશે અને તમારી સાથે સુવા પણ તૈયાર થઈ જશે."
મહેન્દ્રએ આશુતોષને ટીનાના શરીર પર આવેલા હિડન બટન વિશેની જાણકારી આપી. એ ક્યારે આલિંગન આપવા તૈયાર થશે ને ક્યારે તસતસતું ચુંબન આપવા તૈયાર થઈ જશે એ જાણીને આશુતોષને આંચકો લાગ્યો હતો. આ બંને બાબત દોદોહી સાથે પણ મેચ થતી હતી. એને એક વિચાર એ પણ આવી ગયો હતો કે કોઈ પણ વ્યક્તિ સ્ત્રી રોબોટનો ફાયદો ઉઠાવી શકે, એણે બસ કેટલાક બટન વિશે જ જાણવાનું રહે? પહેલા વિચારની સાથે જ બીજો અને વધારે ભયંકર વિચાર પણ આવી ગયો, “શું મહેન્દ્રએ દોદોહીને પણ ચકાસી હશે?" એણે એ પૂછવાનું જો કે ટાળ્યું હતું ને મહેન્દ્રએ પણ એ વિશે કોઈ વાત કરવાનું ટાળ્યું હતું.
એ બંને છૂટ્ટા પડ્યા. આશુતોષ એની કેબિનમાં આવ્યો ત્યારે ટેબલ પર ઘરેથી આવેલું ટિફિન પડ્યું હતું. એણે એમાંની વાનગી ચાખી. સેવ ટામેટાનું શાક ખારું અને તીખું હતું. તેલમાં ડૂબાડૂબ હતું. એણે તરત એ વાનગી ખાઇ મોઢું બગાડ્યું ને એવો વિડિઓ રેકોર્ડ કર્યો. એણે એ ખાવાનું પણ પ્લાસ્ટિકની કોથળીમાં ભરી લીધું ને કહ્યું કે આ પણ કચરાપેટીમાં જશે.
એણે જોયું કે એના ફોન પર નિર્ઝરનો મેસેજ આવેલો હતો. એ પૂછી રહી હતી કે ટીનના હાથની વાનગી કેવી લાગી? એણે ખાવાનું કચરાપેટીમાં કેમ ફેંક્યું?
આશુતોષે એ મેસેજની શરૂઆતની બે લાઇન્સ નોટિફિકેશમાં જોઈ હતી. એણે એ મેસેજ ઓપન કરી આખો વાંચવાનું ટાળ્યું હતું.
સાંજે એ ઘરે પહોંચ્યો ત્યારે ઘર ચોખ્ખું ચણાંક હતું. ટીનાએ બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું હતું. એણે પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કર્યો ને ટીપોય પર મૂકી દીધો. પછીથી એણે ફ્રીઝમાંથી કેચઅપની એક બોટલ કાઢી અને બેઠકખંડમાં જઈ એને જોરથી જમીન પર પછાડી. કાચની બોટલ તૂટી ગઈ હતી. નીચે કાચના ટુકડા વેરાયા હતા અને ચારેબાજુ કેચઅપના છાંટા ઉડ્યા હતા. એણે એક પાણી ભરેલી ડોલ અને પોતું ત્યાં મૂક્યું અને પછી ફોન ઓન કરી જોમેટો પરથી ખાવાનું ઓર્ડર કર્યું.
દોદોહી આશુતોષના ઘરે આવી ત્યારે સાંજના સાત વાગવા આવ્યા હતા. ફ્લેટનું બારણું ખુલ્લું જ હોવાથી એણે ત્યાં હળવા ટકોરા મારી આશુતોષને બૂમ મારી હતી. સામેથી કહેવાયું કે અંદર આવી જા. જેવી એ અંદર પ્રવેશી એણે જોયું કે આશુતોષ જમીન પર ઢોળાયેલ કેચઅપમાંથી કાચના ટુકડા ભેગા કરી રહ્યો હતો.
“આ તું શું કરી રહ્યો છે, ડીયર? જો તને કાચ વાગી જશે. ઊભો રહે હું સાફ કરી દઉં છું." દોદોહીએ આશુતોષના હાથમાંથી કાચનો એક મોટો ટુકડો લઈ લીધો અને એ અંદર જઈ ક્યાંકથી એક વાઇપર અને કચરો ભરવા માટેની સૂપડી લઈ આવી હતી. એણે તરત જ એ બધું સાફ કર્યું.
“વાહ, તારા હાથમાં તો જાદુ છે ડાર્લિંગ. કેટલું ઝડપથી તે બધું સાફ કરી દીધું. આ જ કામ સવારે મેં ટીના ને સોંપ્યું હતું. તું જુએ છે ને હજી એવું ને એવું પડ્યું છે. એ છોકરી મને કહે કે કાચના ટુકડા તમે જાતે ઉઠાવી લો પછી હું પોતું ફેરવી દઉં. મારે ઑફિસ જવાનું લેટ ના થતું હોત તો હું કાચના ટુકડા ઉઠાવી લેત. મેં એ ના ઉઠાવ્યા એટલે તું જુએ છે ને. પોતું મારવા લાવેલી પાણી ભરેલી ડોલ અને પોતું પણ હજી અહીં જ પડ્યું છે." આશુતોષ એકદમ દયામણું મોઢું કરીને કહી રહ્યો હતો.
“એ આવો જવાબ કેવી રીતે આપી શકે?"
“અરે શુ વાત કરું તને. તું આ વિડિઓ જો. ખાસ તને બતાવવા જ મેં એ રેકોર્ડ કર્યો છે." આશુતોષે સવારે ખાવાનું કચરાપેટીમાં ફેંકતા અને બપોરે જમતી વખતે જે વિડિઓ રેકોર્ડ કર્યો હતો એ બતાવ્યો.
“આ બધું શું છે આશુતોષ?" દોદોહી આશ્ચર્યથી વિડિઓ અને આશુતોષ સામે જોઈ રહી હતી.
“એનું રાંધેલું શાક મેં ખોટું ફેંકી દીધું. મારે તને એ ચખાડવા જેવું હતું. મારા જેવા હેલ્થ કોન્સિયસ માણસ માટે એ કેવું રાંધે છે એ તારે જોવાની જરૂર છે."
ત્યાં જ કોઈએ દરવાજે ઘંટડી વગાડી હતી. ઝોમેટોમાંથી ઓર્ડર આવી ગયો હતો. આશુતોષે એ ઓર્ડર લીધો અને દોદોહીને બતાવી ખાવાનું ટીપોય પર મૂકતા કહ્યું, “ઘરે કૂક હોવા છતાં મારે બહારથી ખાવાનું મંગાવવું પડે છે."
“બની શકે છે કે આજે પહેલો દિવસ હોવાથી ટીનાએ ગરબડ કરી હોય. આવતી કાલે તું એને પહેલેથી જ યોગ્ય સૂચનાઓ આપી રાખજે. પછીથી એ ભૂલ નહીં કરે."
“મને નથી લાગતું કે એ સુધરે પણ તું કહે છે તો હું એમ જ કરીશ. એનો ઇરાદો મને ઠીક નથી લાગતો. સાચું કહું તો મને એની બીક લાગે છે."
“તને એનાથી શેની બીક લાગે છે?"
“બીક તો ખરી જ ને. એ એક રોબોટ છે. હું એના કામમાં ભૂલ બતાવું ને એનું મગજ જાય તો? એ ગુસ્સે થઈને ક્યાંક મને મારી બેસે તો?"
“તારે એવી કોઈ ફિકર કરવાની જરૂર નથી. અમારી કંપનીના રોબોટ્સને એવી રીતે ટ્રેઈન કરવામાં આવ્યા છે કે એ ક્યારેય એમના માલિક પર હાથ નહીં ઉપાડે."
“હાથ નહીં ઉપાડે પણ પગ ઉપાડે તો?"
દોદોહી હસી પડી ને કહે, “એવું પણ નહીં બને."
“મને એક વાત જણાવ, શું તારા જેવા રોબોટ્સની પણ ઈચ્છા, ગમો અણગમો હોય શકે? મતલબ કે અમે લોકો એને હુકમ આપીએ એ રીતે એ કામ કરે છે પણ ક્યારેક એવું ના થઈ શકે કે એ એની મેળે નિર્ણય લે. ઉદાહરણ રૂપે હું એને કહું કે આજે શાકમાં બટેટા બનાવજે અને એ કહે ના આજે મારું ભીંડા બનાવવાનું મન છે અને એ ભીંડા જ બનાવે?"
“અમારા રોબોટ્સને એવી રીતે તૈયાર કરાયા છે કે એ એમની જાતે વિચારીને નિર્ણય લે, પણ એ સ્ટેજ પર પહોંચતા સુધી એમને ખૂબ લાંબા સમયનો અનુભવ જોઈએ. તું જો રોજ ભીંડાનું શાક ખાવાનું પસંદ કરે એવો માણસ હોય, તને ભીંડા અતિપ્રિય હોય અને કોઈ કારણોસર જો તારી રોબો કુકને એવું લાગે કે આજે સરને ભીંડા ખાવાનું વધારે પસંદ આવશે તો તું બટેટા બનાવવાનું કહે છતાં એ ભીંડા બનાવી શકે.“
“મને કંઈ સમજાતું નથી. તું થોડું સરખી રીતે સમજાવીશ."
“હા ચોક્ક્સ, રોબોટ્સ એમની જાતે વિચારીને નિર્ણય લઈ શકે પણ એ ત્યારે જ શક્ય બને જ્યારે એમને સો ટકા ખાતરી હોય કે એમનો લીધેલો નિર્ણય જ એમના માલિક માટે શ્રેષ્ઠ છે. બીજા શબ્દોમાં કહું તો કોઈ પણ સંજોગોમાં એ એના માલિકને ફાયદો થવાનો હોય તેવો જ નિર્ણય લેશે."
“તું પણ હંમેશા મારા ફાયદા વિશે જ વિચારે છે?" આશુતોષે દોદોહીની નજીક જઈ, એની આંખોમાં આંખો પરોવી, એના ખભા પર હાથ મૂકી એને પોતાની તરફ સહેજ ખેંચતા કહ્યું હતું ને બીજી જ પળે દોદોહી આગળ વધી એને વીંટળાઈ પડી હતી. આશુતોષે પણ એને પોતાની છાતીમાં દબાવી દીધી અને એને કપાળે હોઠ અડાડી કહ્યું, “ડાર્લિંગ તું મારી સાથે એક જગ્યાએ આવીશ?"
“હા, જરૂર આવીશ ને હું હંમેશા તારા ફાયદા વિશે જ વિચારીશ."