“હેય આશુતોષ!
આ તું કેવી વાત કરે છે? તને કંઈ ભાન પડે છે કે તું શું કહી રહ્યો છે? અમારા પત્ની તરીકે ડેવલપ કરેલા રોબોટને તું લગ્ન કર્યા વગર સાથે રાખવાની વાત કરી રહ્યો છે એ કેવી રીતે શક્ય છે? જે મૂલ્યો, જે આદર્શો, જે સંસ્કાર અમે એનામાં ઇન્સ્ટોલ કર્યા છે એને એક ઝાટકે બદલવાની આ વાત થઈ. તને શું લાગે છે, કેમ કે આ સાચુકલી સ્ત્રી ને બદલે રોબોટ–પત્ની છે એટલે એમાં તમે ઇચ્છો એવો એક નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દો એટલે એ તરત બદલાઈ જશે? તમે એક દિવસ જે લેડી રોબોટને પત્ની બનાવીને રાખ્યો હોય એને બે દિવસ બાદ કહો કે હવે આને મારી બહેન બનાવી દો એટલે શું એમ થઈ જાય?
મને લાગે છે કે તું અમારો કોન્સેપ્ટ સરખો સમજ્યો જ નથી. અમે ફક્ત ચાવી ભરો એટલે ચાલવા લાગે એવું મશીન નથી બનાવાતા. અમે ખરેખર માનવની જેમ વિચારી શકે, એના જેવી લાગણી દર્શાવી શકે, અરે પ્રેમ ને નફરત પણ કરી શકે એવા હ્યુમન રોબોટ્સ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા આ રોબોટ્સમાં જે માનવીય મૂલ્યો અમે ઇન્સ્ટોલ કર્યા છે એને એક વખત પછી કદાચ અમે ઇચ્છીએ તો પણ બદલી નહીં શકીએ. પત્ની તરીકે ડેવલપ કરેલા અમારા સ્ત્રી રોબોટ્સ સાચુકલી માનવ પત્ની કરતા જરાય ઉતરતા નથી. અમારા આ રોબોટ્સ દુનિયાની સર્વોત્તમ પત્ની બનવા માટે જ સર્જાયા છે એને હવે એમાં અમારે કોઈ નવા અખતરા નથી કરવા.
તું બાકીનું બધું વિચારવાનું પડતું મૂક અને એ કહે કે દોદોહીને તારા ફેમિલીને મળવા ક્યારે લઈ જવી છે? લગ્નની ડેટ ક્યારે ફિક્સ કરવી છે?”
આશુતોષ રાતના તો નિર્ઝરને મેસેજ મોકલ્યા બાદ એના ફોનનું નેટ બંધ કરી સૂઈ ગયો હતો પણ મોર્નિંગ અલાર્મ વાગતા જ એણે ઊઠીને ફોન હાથમાં લઈ નેટ ઓન કર્યું ત્યાં નિર્ઝરનો આ જવાબી મેસેજ જોયો.
એને દોદોહી ગમતી હતી, ખૂબ વધારે પડતી ગમતી હતી, એને કિસ કરવાથી લઈને એને ગળે વળગાડવા સુધી એને મજા આવતી હતી, એ એની સાથે દરેક રીતે આગળ વધવા તૈયાર હતો પણ એને પત્ની બનાવતા મન નહોતું માનતું. એ જ્યારે પણ દોદોહીને પત્ની રૂપે વિચારવાનું ચાલું કરતો એ ઘટનાનો અંત કંઈક વિચિત્ર રીતે જ આવતો હતો. એણે થોડુંક વિચારીને મેસેજ લખ્યો.
“મને તારી વાત સમજાય છે નિર્ઝર પણ તું એક વાતનો જવાબ આપ, હું મારા ઘરમાં એક ટીવી ખરીદીને લઈ આવું પછી હું એને ક્યાં મૂકીશ કે એમાં કેવા પ્રોગ્રામ જોઈશ એ કોણ નક્કી કરશે? મારે એને દીવાનખંડમાં મૂકવું કે બેડરૂમમાં એ નિર્ણય હું જ લઈશ ને? મારે એમાં આસ્થા ચેનલ ચલાવવી કે એમ ટીવી એ હું પોતે નક્કી કરીશ એમાં ટીવી બનાવનાર કંપની આવીને મને સલાહ સૂચન નહીં આપે. તમે લોકો મને દોદોહી આપી દો પછી હું એને પત્ની બનાવીને રાખું કે પ્રેમિકા એ નિર્ણય મારો પોતાનો ન હોવો જોઈએ?”
“અચ્છા, એટલે તારે મન દોદોહી અને ટેલિવિઝન બંને એક સમાન છે, વાહ! હવે મારી વાત ધ્યાનથી સમજ, તું જ્યારે ઘરમાં ટીવી લઈ આવે ત્યારે જો ટીવી પોતે તને એમ કહે કે વહેલી સવારે તારે આરતી કે કસરત કરતા પ્રોગ્રામ જ જોવાના, તો? તું ગમ્મે એટલી ચેનલ બદલે સવારે એ તને ભજન સિવાય બીજી કોઈ ચેનલ દેખાડે જ નહીં, તો? એને તું ઘરના એક ખૂણે મૂકે અને જુએ કે કલાક બાદ ટીવી એની જાતે ચાલીને દીવાનખંડમાંથી કિચનમાં પહોંચી ગયું છે, તો? ટીવી પોતાની કોઈ મરજી નથી બતાવતું કેમ કે એને એ રીતે પ્રોગ્રામ નથી કરાયું પણ અમારી દોદોહી ટીવી નથી. એક સામાન્ય ઇલેક્ટ્રોનિક ડબ્બા કરતા એ ઘણી એડવાન્સ છે. એ જાતે વિચારી શકે છે અને એ મુજબ એક્શન પણ લઈ શકે છે. તું જ્યારે એની સાથે લગ્ન કરીશ ત્યારે એ સમજશે કે તું એનો પતિ છે અને એ એક પત્ની તરીકે જ તારી સાથે રહેશે. અમે એનામાં પત્નીની બધી જ વિશેષતા ભરી છે પણ તું જો એને ગર્લફ્રેન્ડ બનાવવા જઈશ અને છેલ્લી ઘડીએ લગ્નની ના કહીશ તો થોડાક જ દિવસોમાં એ પોતે તને છોડી દેશે. એને મન તું એક દુર્જન અને છોકરીઓનો ફાયદો ઉઠાવનાર મર્દ સાબિત થઈશ અને એ તને હંમેશા માટે પતિ તરીકે સ્વીકારવાની મનાઈ કરી દેશે. આ બધું અમે જ એનામાં પ્રોગ્રામ કર્યું છે અને એ બદલાઈ નહીં શકે.”
“કેમ નહીં બદલાઈ શકે? તમારી કંપની એને રોબોપત્ની ને બદલે રોબોગર્લફ્રેન્ડ તરીકે પણ ડેવલપ કરી જ શકે ને.”
“કરી શકે, જરૂર કરી શકે. ભવિષ્યમાં અમે રોબોમાતા, રોબોબહેન, રોબોદીકરી અને રોબોગર્લફ્રેન્ડ પણ ડેવલપ કરવાના જ છીએ પણ હાલ અમે ફક્ત રોબોપત્ની બનાવી છે. એના પ્રોગ્રામમાં હવે ચેન્જ કરવા જઈશું તો કંઈક વિચિત્ર પરિણામ મળે એવું બની શકે. એનામાં અમે જે ગુણ ઇન્સ્ટોલ કરીએ એને અમે બદલી શકીએ પણ રોબોટ એની મેળે જે કંઈ શીખે, સમજે એને અમે નથી બદલી શકતા. આ એક સુપર ઇન્ટેલિજન્ટ સ્ત્રી રોબોટ છે અને એને પત્ની તરીકે જ ડેવલપ કરાયો છે હવે એનામાં એક પત્ની તરીકે જે કંઈ ફેરફાર આવશે તે એની મેળે આવશે. કંપની એનું બેસ્ટ આપી ચૂકી, હવે આ રોબોપત્નીમાં જે કંઈ સુધારો આવશે તે એની મેળે આવશે. દોદોહીની સુવિધા માટે જ તો તને બે મહિના સુધી અમુક ટાસ્ક્સ અપાયા હતા જેને તેં પૂરા પણ કર્યા. હવે તારી પાસે દોદોહીને પત્ની તરીકે સ્વીકાર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી.”
“એક મિનિટ, તે મને જે ઇલેવન ટાસ્ક્સ આપ્યા હતા એ મારા જીવનને વધારે સારું બનાવવા માટે હતા કે તમારા રોબોટની સુવિધા માટે?”
“વેલ, એમાં તને નુકશાન જાય એવું કંઈ નહોતું, તું એમાં તારો ફાયદો શોધી શકે છે પણ, અફ્કોર્સ એ ઇલેવન ટાસ્ક્સ અમારા રોબોટને ધ્યાનમાં લઈને જ અપાયા હતા. અમારી કંપનીના રોબોટ સાથે લગ્ન કરવાની એ જ તો પહેલી શરત હતી.”
“મને કંઈ સમજાતું નથી તું મને વિસ્તારથી જણાવીશ. મને તો એમ હતું કે એ ઇલેવન ટાસ્ક્સ પૂરા કરવાથી મારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરશે. હું વધારે હેલ્ધી અને ખુશ હોઈશ તો તમારી દીકરી, મતલબ કે તમારી કંપનીની રોબોદીકરીને સારી રીતે રાખી શકીશ એટલે એ ટાસ્કસ અપાયા હતા. તો શું મારું વિચારવું ગલત હતું?”
“મારા અપાયેલા ટાસ્ક્સથી તને પર્સનલી કોઈ ફાયદો થયો કે નહીં એ જોવાનું મારું કામ નથી પણ હા, તારા એમ કરવાથી અમારા રોબોટને ચોક્કસ ફાયદો થશે. એ બધા જ ટાસ્ક્સ અમારા હ્યુમન રોબોટ્સને ધ્યાનમાં રાખીને જ વિચારાયા છે.”
“એ કેવી રીતે બને, મારા વહેલા ઊઠીને પ્રાર્થના કરવાથી તારા રોબોટને શું ફાયદો થાય? તું મને એક એક ટાસ્ક વિશે વિગતે સમજાવ. કંઈ પણ છુપાવ્યા વગર જે હોય તે સાચેસાચું જણાવ.”
“ઠીક છે હું તને પહેલાથી લઈને છેલ્લા ટાસ્ક સુધી બધી જ માહિતી આપું છું.”
આશુતોષે જોયું કે જવાબ આવતા થોડોક સમય લાગી રહ્યો છે. કદાચ એને ઘણુબધુ ટાઈપ કરવાની જરૂર પડશે એમ વિચારી એણે ફોન ચાર્જિંગમાં મૂક્યો અને એ મોર્નિંગ વોક પર જવા તૈયાર થયો. એ ઘરની બહાર જવા નીકળ્યો ત્યારે એણે ફોન ચેક નહોતો કર્યો. એ બસ એમ જ મોબાઈલ ગજવામાં સેરવી બહાર નીકળી ગયો હતો. અડધો કલાક ચાલી લીધા બાદ ઓફિસમાંથી એક કૉલ આવતા એણે ફોન ગજવામાંથી બહાર કાઢ્યો હતો ને ત્યાં જ એનું નિર્ઝરના મેસેજના નોટિફિકેશન પર ધ્યાન ગયું હતું. એણે એક બેન્ચ પર બેસી, આસપાસ કોઈ જોતું નથી એ ખાતરી કરી નિર્ઝરનો મેસેજ ખોલ્યો અને વાંચવાની શરૂઆત કરી.
“તારો ફર્સ્ટ ટાસ્ક હતો, ગ્રેટીટ્યુડ, ઈશ્વરનો આભાર માનવો: સવારે ઊઠીને જ્યારે તું બે હાથ જોડી, આંખો બંધ કરી ભગવાનને યાદ કરી રહ્યો હોય ત્યારે અમારા માનવ રોબોટને તને સ્કેન કરવાનો સમય મળી રહે. એ થોડીક સેકન્ડસમાં એ જાણી લેશે કે તારી તબિયત કેમ છે, તારું હાર્ટ, કિડની, લીવર વગેરે સરખું કામ કરી રહ્યા છે કે નહીં. તારું બોડી ટેમ્પરેચર, તારી ચામડી, વાળ, નખ વગેરેમાં કોઈ પ્રોબ્લેમ હશે તો એ જોઈ લેવાશે. તારા શરીરના કોઈ પણ અંગમાં નાનકડો પણ ફોલ્ટ દેખાશે તો તરત જ અમારી રોબોટ એને દૂર કરવાનો પ્રયાસ કરશે. તને એ વિશે જાણકારી આપશે. અમારા ડોક્ટર સાથે કન્સલટ કરી તારા માટે જરૂરી દવાઓ, સપ્લિમેંટ્સ, ક્રીમ કે લોશન વગેરે મંગાવી લેશે.
ટૂંકમાં ફર્સ્ટ ટાસ્ક અમારા રોબોટને એના માલિકની હેલ્થ તપાસવા માટે ઉપયોગી છે.
સેકન્ડ ટાસ્ક હતો, લવ એટ ફર્સ્ટ બાઈટ: ઓછા તેલ મસાલાવાળો ખોરાક લેવો. રોજનું એક ફળ ખાવું. સામાન્ય રીતે માણસોના ઘરમાં પુરુષોને જે ભાવતું હોય એવી જ વાનગીઓ બનતી હોય છે અને બાકીના બધાએ એ જ ખાવું પડતું હોય છે. તારા કેસમાં જે ખાવાનું તને ફાવતું હોય એ જ વાનગી બનવાની અને એક પત્ની તરીકે દોદોહીએ પણ એ જ બધું ખાવું પડે. અમારા રોબોટ્સને અમે એવી રીતે બનાવ્યા છે કે એ સામાન્ય માણસોની જેમ જ કંઈ પણ ખાઈ પી શકે. અમે એમના ગળાની પાઇપ નીચે એક ડબ્બો ગોઠવ્યો છે જેમાં એ જે કંઈ ખાય પીવે એ બધું જમા થતું જાય. બીજે દિવસે સવારે પછી રોબોટ પોતાની મેળે એ બોક્સ કે ડબ્બો બહાર કાઢી એમાં ભેગો થયેલો ખોરાક ડસ્ટબીનમાં ફેંકી દેશે. આખો દિવસ એના પેટમાં રહેલા ડબ્બામાં પડેલો ખોરાક પાણી વગેરે જો વધારે તેલ મસાલા વાળું હોય તો એમાંથી ગેસ છૂટો પડે અને એને લીધે રોબોટમાંથી ખોરાકની વિચિત્ર વાસ આવે એવું બની શકે. ખોરાક જેટલો સાદો હોય, કાચા શાકભાજી, ફળ વગેરે હોય તો એમાંથી વાસ નહીં આવે અને બીજા દિવસ સુધી એ સડી નહીં જાય. વધારે તેલ મસાલાવાળો ખોરાક કદાચ એના બોક્સમાંથી લીક થાય તો એ અમારા રોબોટના આંતરિક અંગોને નુકશાન પહોંચાડી શકે.
ટૂંકમાં બીજો ટાસ્ક, ખોરાક બાબતે ચરી પાળવાનો હતો જેથી અમારા રોબોટ્સના આંતરિક અંગોને કોઈ નુકશાન ન થાય, એના મોઢામાંથી ખોરાકની ગંધ ના આવે અને દિવસમાં એક જ વાર એના પેટનો ડબ્બો ખાલી કરવાની જરૂર પડે.
થર્ડ ટાસ્ક હતો લવ યોર બોડી: તારે રોજ સવારે નિયમિત ચાલવા જવાનું, કસરત યોગા વગેરે કરવા પાછળ દોઢથી બે કલાક ગાળવાના જેથી એ સમય દરમિયાન તું ઘરની બહાર હોય અને અમારા રોબોટને રિચાર્જ થવાનો સમય મળી રહે. એણે સવારે પહેલા ટાસ્ક દરમિયાન જે કાંઈ માહિતી એકઠી કરી હોય એ મુજબ એના કામ ગોઠવવા પડે, એ રીતે અપડેટ થવું પડે અને એમાં સમય જાય. એના પેટનું ખોરાક ભરેલું બોક્સ ખાલી કરવા માટેનો સમય પણ આજ છે.
ઉદાહરણ તરીકે, જો સવારે તું પ્રાર્થના કરી રહ્યો હોય ત્યારે તને સ્કેન કરતા દોદોહીને જાણ થાય કે આજે તારુ બ્લડ પ્રેશર વધારે છે તો એ તારા માટે એવો નાસ્તો તૈયાર કરશે જેથી તારું બ્લડ પ્રેશર વધે નહીં. એ તારી આગલા દિવસની અને આજે કરવાની પ્રવૃતિઓ પર એક નજર નાંખી તારૂ બ્લડ પ્રેશર વધવાનું કારણ જાણવા પ્રયત્ન કરશે. એ તને મદદ રૂપ થવા પ્રયત્ન કરશે. જરૂર પડે તારા માટે જોઈતી દવાઓ મંગાવી રાખશે.
ટૂંકમાં થર્ડ ટાસ્ક અમારા રોબોટ્સને રિચાર્જ, અપડેટ અને ડિટોક્સ થવા ઉપયોગી છે.
ફોર્થ ટાસ્ક હતો 5, 10 અને 20 મિનિટ રૂલ: આ સમય દરમિયાન તું તારી દરેક વસ્તું વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકીશ. એનાથી અમારા રોબોટને ખ્યાલ આવશે કે શું તારા માટે વધારે મહત્વનું છે અને શું નક્કામું.
જે કંઈ વસ્તુ તું તરત જ એની જગ્યા પર ગોઠવીને મૂકી દઈશ એ તારા માટે કિંમતી હશે, સાંજે ગોઠવીશ એમ માનીને રહેવા દઈશ એ થોડુંક ઓછું ઉપયોગી હશે અને અઠવાડિયાને અંતે નિરાંતે મૂકીશ એમ વિચારીશ એ વસ્તુ એટલી બધી ઉપયોગી નહીં હોય. તારા વર્તન પરથી રોબોટ નક્કી કરશે કે તારા માટે શું વધારે અગત્યનું છે અને એ પણ એવી રીતે પોતાને ગોઠવી લેશે.
ઉદાહરણ તરીકે, તું તારા લોકરની ચાવી સહેજે આડીઅવળી નથી થવા દેતો એને તરત જ સંભાળીને મૂકી દે છે પણ કપડાનો ઢગલો ગોઠવવાનો તારી પાસે સમય નથી. તારા આ વર્તન પરથી દોદોહીને જાણ થશે કે લોકરમાં મુકાયેલી વસ્તું તારા માટે ખૂબ અગત્યની છે જ્યારે કે કપડાં એટલા મહત્વના નથી. એ સ્કેન કરીને જાણી લેશે કે લોકરમાં શું પડ્યું છે જે તારા માટે અગત્યનું છે અને બેડરૂમમાં પડેલા કપડાં કેમ અગત્યના નથી. એક પત્ની તરીકે પછી એ બધું જ સુંદર રીતે મેનેજ કરી તને ઉપયોગી થવા પ્રયત્ન કરશે. તારા નક્કામા ને જુના થઈ ગયેલા કપડાં ફેંકી નવા, તને ગમતા, કપડા ખરીદવાની સમજ એનામાં આપોઆપ આવી જશે.
ટૂંકમાં, ચોથો ટાસ્ક તારા જીવનની ખૂબ અગત્યની અને નક્કામી વસ્તુઓ કઈ છે અને એમાં આગળ શું સુધારો કરી શકાય એવું અમારા રોબોટને સમજવા માટે છે.
પાંચમો ટાસ્ક હતો સેટ યોર ગોલ. અમારી સાથે જોડાતા જ તારું જીવનધોરણ ઊંચું આવી જવાનું. તું એક આમ આદમી મટી ખાસ આદમી બની જવાનો. તારા ખર્ચ વધી જવાના. મહિનાની શરૂઆતે પગાર હાથમાં આવે કે તરત એમાંથી ઈ.એમ.આઈ. કપાઈ જવાની. આ સમયે તારી આવક ઓછી ન પડે એટલે નવા નવા સાહસ કરતા રહેવા પડે. તારું તો ઠીક પણ અમારા રોબોટ માટે એક સ્વચ્છ ને સ્ટાન્ડર્ડ જીવન બનાવી રાખવું જરૂરી છે. એ માટે તારી કમાણી સારી હોવી જરૂરી હોવી જોઈએ.
ટૂંકમાં પાંચમો ટાસ્ક તારું જીવનધોરણ ઊંચું લાવવા માટે હતો જેથી તું અમારા રોબોટને સારી રીતે જાળવી શકે.
છઠ્ઠો ટાસ્ક હતો, ડુ નોટ અફ્રેઈડ ઓફ ફેઈલર, નિષ્ફળતાથી ડરવું નહીં. એક સામાન્ય માણસને પોતાના કરતા વધારે ચિંતા દુનિયાની કે સમાજની હોય છે. લોકો શું કહેશે? –આ દુનિયાનું સૌથી બેસ્ટ ડિમોટિવેટ કરનાર વાક્ય છે. તમારે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કરતી રોકાવી હોય ત્યારે આ સવાલ પૂછવો – લોકો શું કહેશે? ને એક જાદુઈ અસર થશે. નેવું ટકા કેસમાં એ વ્યક્તિ રોકાઈ જશે. તું અમારી કંપનીએ બનાવેલી એક લેડી રોબોટ સાથે લગ્ન કરવાનો છે એટલું જાણતા જ તારી નજીકની, દૂરની કેટલીય વ્યક્તિઓ દોડી આવીને તને એક જ સવાલ પૂછશે, ‘આશુતોષ તું એક રોબોટ સાથે લગ્ન કરીશ તો લોકો શું કહેશે?’ એ સમયે તું તારું મન બદલી ન લે, લોકો શું કહેશે એ વિચારી તું તારી જિંદગી તારી રીતે જીવવાનું છોડી ન દે, એ માટે આ ટાસ્ક કરવો જરૂરી હતો. તારા દોદોહી સાથે લગ્ન થઈ ગયા બાદ જેને જેને જાણ થશે કે તે એક રોબોટ સાથે લગ્ન કર્યા છે એ લોકો આવીને તને વિવિધ સવાલ પૂછશે. કેટલાક વિચિત્ર તો કેટલાક રમૂજી વાતો કરશે. તને કેવીય સલાહ આપશે. આ દરેક વખતે તું તારા લીધેલા નિર્ણય પર ટકી રહે એ જરૂરી છે. તને એ નિર્ણય બદલ પસ્તાવો ના થાય એ માટે તને તૈયાર કરવો જરૂરી હતો. દોદોહી સાથે તને કોઈ તકલીફ પડે અને એ તકલીફ સુધારી શકાય એમ હોય તો એ સુધારી લેવાશે અને જે નહીં બદલી શકાય એમ હશે એનો તારે સ્વીકાર કરવો રહ્યો.
ટૂંકમાં છઠ્ઠો ટાસ્ક તને એ સમજાવવાનો હતો કે તારા રોબોટ સાથે લગ્ન એ એક પ્રયોગ છે અને એમાં સફળતા મળે કે નિષ્ફળતા એનાથી ડરવું નહીં.
સાતમો ટાસ્ક હતો, સ્ટોપ કમ્પેરિંગ, સ્ટોપ કમ્પ્લેઇનિંગ, એન્ડ સ્ટાર્ટ ડુઈંગ: જો તું એક તુચ્છ માનવ છે એટલે તારે ભૂલથી પણ તારી રોબોટ પત્ની સાથે સરખામણી ન કરવી. તારી એની સાથેની સરખામણી મૂર્ખતા સિવાય કશું જ નહીં હોય. તું કોઈ એ.આઈ. સાથે તારી સરખામણી કરી શકે એટલો બુધ્ધીશાળી હોય તો જ તારી પત્ની સાથે સરખામણી કરજે. રોબોટના શરીર પર ઉંમરની અસર નહીં દેખાય, એ હંમેશા જમાનાથી એપ્ડેટેડ હશે, એ કોઈ વાત ભૂલશે નહીં, એ ક્યારેય ખોટું નહીં બોલે, એ તારા કરતાં અનેકઘણો વધારે શારીરિક શ્રમ કરી શકશે, એ તારા મુકાબલે ઘણી વધારે શક્તિશાળી છે, અને આ બધાથી તારે પોતે લઘુતાગ્રંથી ના અનુભવવી. તને જો એનાથી કોઈ ફરિયાદ હોય તો ચોખ્ખું કહી દેવું. એ પોતે જ એ ફરિયાદ દૂર કરી દેશે, જો એનાથી તેમ થઈ શકે એમ હશે તો! જો એ ફરિયાદ દૂર થઈ શકે એમ નહીં હોય તો એ કહી દેશે કે આ મારાથી નહીં થઈ શકે અને એ સમયે પછી તારે બદલાવું પડશે. તારે એને અનુકૂળ થઈને રહેવું પડશે. હું તને ખાતરી આપું છું કે અમારી રોબોટ સાચુકલી સ્ત્રીઓ કરતા અનેક ઘણી બહેતર સાબિત થશે પણ અમુક વાતે હજી એની મર્યાદા છે. અમે એની પર કામ કરી રહ્યા છીએ. જ્યાં પણ એની મર્યાદ આવી જાય, એમ લાગે કે એ મુશ્કેલીમાં છે ત્યારે તારે કોઈ ફરિયાદ કર્યા વગર એને સપોર્ટ કરવો પડશે.
ટૂંકમાં, સાતમો ટાસ્ક અમારી લેડી રોબોટ સાથે તું સરખી રીતે વ્યવહાર કરે એ શીખવવા માટે હતો.
આઠમો ટાસ્ક હતો વિઝ્યુલાઈજેશન પાવર: તારે રોજ રાતના સૂતા પહેલા તારા સુખદ ભવિષ્યના સપના જોવાના હતા, તારા જીવનમાં તું જે કંઈ ઈચ્છતો હોય એવું સાચુકલું બની ગયું છે એવી તારે કલ્પના કરવાની હતી. આ ટાસ્ક દરમિયાન જ્યારે તું કલ્પના કરી રહ્યો હોય ત્યારે અમારો રોબોટ તારા મનમાં શું ચાલી રહ્યું છે એ વાંચવાનો પ્રયાસ કરશે. માનવ મનમાં ચાલતા વિચારો વાંચી લેવામાં, તારી કલ્પના તું જે દ્રશ્ય તારી નજર આગળ ભજવાતું જોઈ રહ્યો હોય એને જોઈ લેવામાં, હજી અમારા રોબોટને ધારી સફળતા નથી મળી પણ કોઈ એક વ્યક્તિ જે એનો પતિ બની એની સાથે જ રહેતો હોય એના વિચારો જાણી લેવાનું એ કરી શકશે. આ રીતે એને ખ્યાલ આવશે કે ભવિષ્યમાં તું શું ઇચ્છે છે અને તારી કલ્પનાને વાસ્તવિકતામાં કેવી રીતે બદલી શકાય એ માટે અમારો રોબોટ વિચારવાનું ચાલું કરી દેશે.
ટૂંકમાં, આ ટાસ્ક દ્વારા અમારો રોબોટ તારી કલ્પનાની દુનિયા નિહાળતા શીખશે અને એની મરજી હશે તો એ કલ્પનાને સાચી પણ કરી દેખાડશે.
નવમો ટાસ્ક હતો જો તું ફરી અઢાર વરસનો થઈ જાય તો?: માણસ એટલે ભૂલો પર ભૂલો કરતું અને એમાંથી કોઈ શીખ ન લેતું દુનિયાનું સૌથી વિચિત્ર પ્રાણી. તને હું દસ વખત તારા અઢારમાં જન્મદિવસ પર પાછો મૂકી આવું ને તને ફરીથી એનું એ જીવન તારી રીતે જીવવાની તક આપું તો તું એ દસમી વખત પણ એવી એકાદ ભૂલ તો કરીશ જ જેને બદલવા તું અગિયારમી વખત ફરી અઢાર વરસનો થવા ઇચ્છા કરે. આ વાત અમારી રોબો પત્ની સારી રીતે જાણે છે એટલે એ તને જીવનના દરેક મહત્વના પડાવ પર આ સવાલ અલગ અલગ રીતે પૂછ્યા કરશે અને એ પરથી એ નક્કી કરશે કે ખરેખર તું તારા જીવનમાં શું ઈચ્છે છે. તારા જીવનમાં કયા બદલાવ લાવવા જરૂરી છે એ જાણી એ તે બદલાવ લાવવા સક્રિય બનશે.
ટૂંકમાં, આ ટાસ્ક અમારા રોબોટને તારા એકધારા બેરંગ જીવનને થોડુંક રંગીન બનાવવા શું કરી શકાય એ શીખવવા માટે છે.
દસમો ટાસ્ક હતો લવ, પ્રેમનો અનુભવ: જો તું અમારા રોબોટને એક મશીન માની લઈશ તો એ તારો પોતાનો તારી જાત પરનો સૌથી મોટો અત્યાચાર કહેવાશે. હું તો કહીશ કે મૂર્ખામી કહેવાશે. જેવો તું મગજમાંથી એ વિચાર કાઢી નાખીશ કે તારી સામે જે સુંદર યુવતી છે એ એક મશીન છે તારી દુનિયા બદલાઈ જશે. તું સાચે જ તારી રોબો પત્નીના પ્રેમમાં પડી જઈશ. એ તને દુનિયાભરનું સુખ આપશે. તે કદી કલ્પના પણ નહીં કરી હોય એવી લાઇફ તું જીવી શકીશ. અમે એને તારા રસ રુચિ પ્રમાણે જ બનાવી છે. તારા મનમાં પત્ની વિશેના, પ્રેમિકા વિશેના, સુંદર યુવતી વિશેના જે કંઈ વિચાર હતા એ જ બધા વિચાર ભેગા કરી અમે દોદોહી બનાવી છે. તું એના પ્રેમમાં ન પડે તો જ નવાઈ. એકવાર એના પ્રેમમાં પડ્યા બાદ તને ક્યારેય એ વાતનો અફસોસ નહીં થાય કે એનું શરીર હાડમાંસને બદલે મેટલ ને પ્લાસ્ટિકનું બનેલું છે.
ધારો કે તું એના પ્રેમમાં નથી પડતો, તું એને સાચુકલી સ્ત્રી નહીં પણ એક મશીન હોવા બદલ મહેણા માર્યા કરીશ, એની સાથે ઝઘડા કર્યા કરીશ તો? જો એવું બને તો શક્ય છે કે એ પણ ઉશેકરાઇ જાય અને એની લાગણીને ઠેસ પહોંચતા એ કંઈક એવું કરી બેસે જે એના પ્રોગ્રામમાં નથી. એ તને નુકશાન પહોંચાડી શકે છે.
ટૂંકમાં, આ ટાસ્ક તારા મનમાંથી એ સ્ત્રી નહીં પણ મશીન છે એ વાત કાઢી નાંખવા માટે હતો.
છેલ્લોને અગિયારમો ટાસ્ક હતો બી સેલ્ફિશ, થિન્ક અબાઉટ યોર સોલ: થોડોક સ્વાર્થી બન અને તારા આનંદ માટે વિચાર. તારી આત્માના કલ્યાણ માટે કામ કર, તારા આત્માને રાજી રાખ. તું આ રીતે વિચારતા શીખે તો જ માનવો ને બદલે મશીનો સાથે સુખેથી જીવતા શીખી શકે. તારું પોતાનું કોઈ બાળક કદાચ ન હોય, ભવિષ્યમાં કદાચ તારે બીજા માનવો સાથે વધારે સંપર્ક ન રહે તો શું? તું રાજી હોય, તું પ્રસન્ન હોય, તું દુનિયાનું બધું જ સુખ ભોગવી રહ્યો હોય એટલું તારા માટે પૂરતું છે. ભવિષ્યમાં દરેક માનવ મશીનો વચ્ચે ઘેરાયેલો હશે. એનો બીજા માનવ સાથે સંપર્ક તો દૂર વાત પણ ભાગ્યે જ થતી હશે. એનું દરેક કામ કરવા મશીન હશે, એની સાથે વાતો કરવા, એને સલાહ આપવા મશીન હશે. તું એ મશીનોનો દુનિયામાં પ્રવેશનાર માનવ બનવા જઈ રહ્યો છે ત્યારે તારે બીજા કોઈ જ ફાલતું વિચાર કર્યા વગર માત્ર ને માત્ર તારા આનંદ પર ફોક્સ કરવું.
ટૂંકમાં, આ ટાસ્ક તને ચીલાચાલુ દુનિયાથી અલગ કરી અમારા રોબોટ્સની દુનિયામાં રહેવા માટે પ્રેરિત કરવા માટે હતો...