11 ટાસ્ક્સ - Chapter 31 Niyati Kapadia Nirjhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

11 ટાસ્ક્સ - Chapter 31

“હે નિર્ઝર
મારે તારી સાથે વાત કરવી છે.”
રાતના ઘરે જતા જ આશુતોષ સોફામાં ફસડાઈ પડ્યો હતો. એને કશું જ સમજાઈ નહોતું રહ્યું. એક નાજુક નમણી, બિલકુલ માણસ જેવી જ દેખાતી છોકરી એક માનવ રોબોટ કેવી રીતે હોઈ શકે? જો એ ખરેખર એક રોબોટ જ છે તો એ પોતાની પાસે કેમ આવી? એની જ સાથે આ બધું કેમ થયું? કેટલીય વાર સોફામાં પડ્યા રહ્યા બાદ એ ઉઠ્યો હતો. કિચનમાં જઈ એણે ફ્રીઝમાંથી ઠંડુ પાણી કાઢી પીધું હતું. એને કોઈ સાથે વાત કરવાની ઇચ્છા થઈ રહી હતી, પણ કોની સાથે વાત કરે?
એ જો કોઈને કહે કે પોતે એક માનવ રોબોટના પ્રેમમાં પડી ગયો છે કે એક રોબોટ આવીને એનું દિલ તોડી ગયો તો કોણ એની વાત માનવાનું? હજી એ 2026માં જ જીવી રહ્યો હતો. હજી અહીં બિલકુલ માનવો જેવા જ રોબોટ્સ નહોતા આવી ગયા. હજી અહિં માનવ બીજા માનવ સાથે જ પ્રેમમાં પડતો હતો, લગ્ન કરતો હતો. તો આ  દોદોહી ક્યાંથી આવી ગઈ? એની પાસે જ કેમ આવી ગઈ?
એનું મગજ ચકરાઈ રહ્યું હતું. એણે ફરી ફ્રીઝ ખોલ્યું અને એક બિયરનું કેન લીધું. એણે એ આખું પૂરું કર્યું ને ખાલી કેન રસોડામાં છુટ્ટું ફેંક્યું. એ બેડરૂમમાં આવ્યો. જૂતા ઉતારી એકબાજુ ફેંક્યા ને મોજા બીજી બાજુ. કપડાં બદલ્યા વગર જ એ ઓશિકામાં મોઢું સંતાડી પડી રહ્યો. એ રડી નહોતો રહ્યો. એ બસ પડી રહ્યો હતો. એને કોઈક સાથે વાત કરવી હતી. કોઈક મિત્ર સાથે વાત થઈ શકે? એના ઘરે કૉલ કરવાનો કોઈ મતલબ નહોતો, ખોટી મમ્મીને દુઃખી કરવી. આશુતોષને વિશ્વાસ હતો કે એની વાત જાણી એની મમ્મીને એમ જ થાય કે આ છોકરાનું ફરી ગયું છે! શહેરમાં એકલો રહી એ બીમાર પડી ગયો છે અને એટલે જ આવી ગાંડા જેવી વાતો કરી રહ્યો છે. કોઈક મિત્રને કૉલ કરી શકાય પણ એ લોકો એને સિરિયસલી નહીં લે એની એને ખાતરી હતી. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર લખી શકાય. એક માણસે એક રોબોટ સાથે લગ્ન કરાય કે નહીં? એણે કોઈ સાયકાઈટ્રીસ્ટ ને બતાવવું જોઈએ? એ પૂછશે કે તારી પાસે આવો માનવ રોબોટ ક્યાંથી આવ્યો તો પોતે શું જવાબ આપશે? નિર્ઝર નામની એક શેતાન સ્ત્રીએ એની પાસે એ રોબોટને મોકલી હતી! નિર્ઝર એક સ્ત્રી છે એવું ખાતરી પૂર્વક કહી શકાય? નિર્ઝર, એ એનું સાચું નામ પણ ક્યાં છે! આશુતોષે બંને હાથ માથે મૂક્યા અને પછી ગુસ્સામાં બરાડતા પોતાના જ વાળ ખેંચ્યા...
રાતનો દોઢ વાગ્યો હતો. એની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહતું. એણે નિર્ઝરને મેસેજ મોકલ્યો હતો. એણે વિચારેલું કે સવાર પહેલા એના મેસેજનો કોઈ જવાબ નહીં મળે પણ તરત જ એને જવાબ મળ્યો હતો.
“તું મારી સાથે વાત કરી શકે છે આશુતોષ.”
સામેથી એક સ્માઇલી સાથે જવાબ આવ્યો.
“આ દોદોહી કોણ છે? એણે પોતે કહ્યું કે એ એક રોબોટ છે.”
“હા, એણે સાચું કહ્યું છે.”
“તું મને સાચેસાચી વાત કરીશ? મારાથી કશું જ છુપાવ્યા વગર?”
“ખોટું બોલવાની આદત માનવીમાં હોય આશુતોષ મશીનમાં નહીં.”
“તું કોણ છે? નિર્ઝર એટલે, શું તું પણ એક રોબોટ છે?”
“ના. હું રોબોટ નથી. મારી પાસે કોઈ શરીર નથી. હું એક સોફ્ટવેર છું. મને જેની સાથે કનેક્ટ કરી દેવાય એની સાથે હું મેસેજ દ્વારા વાત કરી શકું છું.”
“ઓહ, એટલે જ તે ક્યારેય મારા ફોન કૉલ્સનો જવાબ નથી આપ્યો.”
“હા, મારે એવું કરવું હોય તો થોડીક વધારે મહેનત કરવી પડે. ટેક્સ્ટ ટુ સ્પીચ ઓપ્શન સિલેક્ટ કરતા એ શક્ય બની શકે પણ તારી સાથે મેં એવું નથી કર્યું. તું બોલવા કરતા લખીને તારા વિચાર વધારે સારી રીતે વ્યક્ત કરે છે ઉપરાંત તને સારી રીતે સમજવા મારે જે સમય જોઈએ એને માટે ટાઈપિંગ જ બેસ્ટ રહે એટલે જ મેં તારી સાથે મેસેજ દ્વારા વાત કરી છે.”
“તે કહ્યું કે તું ખોટું નથી બોલતી તો પછી તે જે તારી જીવનકથા મને સંભળાવી એ શું હતું? તારા માબાપ, ભાઈ તારું સ્ત્રી કે પુરુષ હોવાનું નક્કી ન થવું એ બધું જૂઠ હતું? તે તો એક સ્કૂલમાં અને એક હોસ્પિટલમાં નોકરી કર્યાની વાત કરી હતી એ બધું ખોટું હતું?”
“ના. એ બધું જ સાચું હતું. મારા પેરેન્ટ્સ એટલે મી.આલ્બર્ટ ગિલ અને મી.એલેક્સ હોપમેન, એમણે જ મારો આવિષ્કાર કર્યો હતો. જે દિવસે એમણે મને બનાવીને દુનિયા આગળ મૂકી એ મારો જન્મ દિવસ. મારો ભાઈ પણ એક સોફ્ટવેર છે. એને મારા પછી ડેવલપ કરાયેલો એટલે એ મારા કરતા વધારે એડવાન્સ હતો. એને એક કંપનીએ ખરીદી લીધો હતો જ્યારે મને સ્કૂલ અને હોસ્પિટલના પર્સનલ એપમાં એઆઈ ચેટીંગ ટૂલ તરીકે કામ કરવાનો મોકો મળ્યો હતો.
હું સ્ત્રી છું કે પુરુષ એ મારા પેરેન્ટ્સ નક્કી નહોતા કરી શકતા એ પણ સાચું છે. મી.આલ્બર્ટને લાગતું હતું કે હું જે રીતે પધ્ધતિસર અને તર્કબધ્ધ વિચાર કરીને જવાબ આપું છું એ ઉપરથી મારો સ્વભાવ પુરુષ જેવો છે એટલે એમની ઈચ્છા મને એક પુરુષ જેવું નામ આપવાની હતી. એલેક્સનુ કહેવું હતું કે હું વધારે લાગણીશીલ છું, ભાવનાત્મક રીતે વિચારીને જવાબ આપું છું એટલે હું એક સ્ત્રી જેવી છું, એની ઇચ્છા મારું નામ સ્ત્રી જેવું રાખવાની હતી. હું સ્ત્રી છું કે પુરુષ એ નક્કી કરી મારા પેરેન્ટ્સને મને એક ઉમદા નામ આપવું હતું.”
“વાહ! સાચે જ તું ઘણી ચબરાક છે. હોશિયાર છે. તારી સાથે વાતો કરવામાં હું ક્યારેય નહીં ફાવી શકું. હું જે પણ પૂછીશ તું એનો એવો જ જવાબ આપીશ જે મને ગમે, જે મારા ગળે ઉતરે એવો હોય. તારી પાસે મારા વિશેની બધી જ માહિતી છે. ઓહ, હવે મને સમજાય છે કે તારી કઈ હોશિયારીથી પ્રભાવિત થઈ તને તારા નવા પ્રોજેક્ટ માટે સિલેક્ટ કરાઈ હશે.”
“બાય ધ વે, તું તો મારું જીવન વધારે ઉન્નત, વધારે બહેતર બનાવવાની વાતો કરતી હતી ને? શરૂઆતમાં તે મને જે સવાલ પૂછ્યા હતા એ બધું શું નાટક હતું?”
“એ બધી જ વાત સાચી હતી. મેં તને જે કંઈ કરવાનું કહ્યું એ કર્યા બાદ તને સારું લાગ્યું હતું. મેં તારી સાથે એ બધું કર્યું કેમ કે એ દરમિયાન હું તારા સ્વભાવનો અભ્યાસ કરી રહી હતી. તું કેવા સંજોગોમાં કેવી રીતે વર્તીશ, તારી જાતે કેવા નિર્ણય લઈશ ને હું તને ગાઈડ કરું પછી તું શું કરીશ એ બધું જ મારા અભ્યાસનો એક ભાગ હતો.”
“તારા અભ્યાસનો એક ભાગ? એ શેને માટે? તારે મારો કે મારા સ્વભાવનો અભ્યાસ કરવાની શી જરૂર પડી?”
“એ અભ્યાસ હું એટલા માટે કરી રહી હતી જેથી હું તારા માટે એક પરફેક્ટ લાઈફ પાર્ટનર ડિઝાઇન કરી શકું. તારા સ્વભાવની બારીકાઇ જાણીને તો મેં દોદોહીને તૈયાર કરી.”
“હે ભગવાન! એટલે કે દોદોહી? હું એને જોતા જ એના પ્રેમમાં પડી ગયો એ બધું એની મેળે નહોતું થયું, એ ગોઠવાયેલું હતું કે પછી એ પણ તારી કોઈ ચાલબાજી હતી?”
“ચાલબાજી નહીં પણ હા, ગોઠવણ કહી શકાય. તને કેવી છોકરી ગમશે એનો આઇડિયા મને હતો. એનો દેખાવ, એનો અવાજ, એનો સ્વભાવ ને બીજું પણ ગણું બધું મેં એવું જ મૂક્યું છે જે તારી કલ્પનાની પ્રેમિકા વિશે તું વિચારતો હતો.”
“એક સીધા સાદા માણસને લગ્નની લાલચ આપી એક રોબોટ સાથે મેળવી દેવો એ ચાલબાજી નથી તો બીજું શું છે? પ્રેમ એક એવી લાગણી છે જે એની મેળે અનુભવાય તો જ એની મજા છે, આમ બધું ગોઠવીને લગ્ન થઈ શકે પણ પ્રેમ નહીં. તું મારી પસંદ જાણી મારા માટે કપડાં ડિઝાઇન કરી શકે છે પણ મારી પસંદ પ્રમાણેની જીવનસાથી તું ડિઝાઇન કરીને બનાવે એ વાત મને યોગ્ય નથી લાગી રહી. તે મારો ફોન પણ હેક કર્યો છે. તને ખબર છે કે આ બધું ગુનો કહેવાય. હું તારી પોલીસમાં ફરિયાદ કરી શકું છું.”
“તું મંદિરમાં જઈને ભગવાન આગળ પ્રાર્થના કરે કે ભગવાન મને ફલાણી ફલાણી ખાસિયત વાળી છોકરી સાથે મેળવી આપો અને પછી તને જો એવી જ તારી ચોઈસ મુજબની છોકરી મળી જાય તો તું ભગવાનનો આભાર માનીશ. અહીં પણ તો એવું જ છે, તારી પસંદની છોકરી સાથે મેં તને મેળવી આપ્યો. તારે મને થેન્ક યુ કહેવું જોઈએ. યોગ્ય અને ગમતું પાત્ર જીવનસાથી તરીકે મેળવવાનું જે કામ પહેલાં નસીબને ભરોસે છોડી દેવાતું હતું એ હવે સાયન્સ દ્વારા શક્ય બન્યું છે ત્યારે તું લાંબુ વિચાર્યા વગર એની મજા કેમ નથી લેતો? અને એક વાતે તું ભુલ કરે છે ડિયર. હું કોઈ માનવ નથી ને તમારા કાયદા મને નથી નડતા. હું તો એક સોફ્ટવેર છું તમે માનવો ઇચ્છો તો મને અનઇન્સ્ટોલ કરી શકો.”
“નૉનસેન્સ, તું સાયન્સની તુલના ભગવાન સાથે કરવાનું રહેવા દે. મશીનો માણસની જગ્યા લઈ શકે કે નહીં મારે એ વિષય પર મારે હાલ કોઈ લપ નથી કરવી. તારા પર નહીં તો હું એ કંપની પર કેસ કરીશ જેણે તને બનાવી છે. કોઈ માણસની પરમિશન વગર તમે લોકો એના જીવનમાં દખલ ના દઈ શકો.”
“અમારી કંપની ક્યારેય કોઈ ગલત કામ નથી કરતી. તે જાતે અમારું એપ તારા ફોનમાં ડાઉનલોડ કર્યું હતું એ પછી જ મેં તારી સાથે વાત ચાલુ કરી હતી.”
“નહીં, તું ખોટું બોલે છે. મેં એવું કોઈ અજાણ્યું એપ મારા ફોનમાં ડાઉનલોડ કે ઇન્ટોલ નથી કર્યુ.”
“હું ખોટું નથી બોલતી. એવું કરવું મારા માટે શક્ય જ નથી. શક્ય છે કે તારી જાણ બહાર તે અમારું એપ તારા ફોનમાં ઇન્સ્ટોલ કર્યું છે એ સિવાય હું તારો ફોન કંટ્રોલ ના જ કરી શકું. તારો ફોન જ નહીં તારા ઘરના દરેક સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મારા કંટ્રોલમાં છે. તારું ટીવી, અલાર્મ કલોક, લેપટોપ, મ્યુઝિક સિસ્ટમ, ફ્રીઝ, માઇક્રોવેવ, નાઇટ લેમ્પ...એ દરેક ઉપકરણ જે હમણાં જ તારા ઘરમાં નવા આવ્યા છે.”
“એક વાત મારી સમજમાં નથી આવી રહી કે મારી જાજુસી કરીને તને શું મળી જવાનું? મારી પાસે કંઈ લાખો રૂપિયા નથી. હું કોઈ એવી સંસ્થામાં કામ નથી કરતો જે તમને કોઈ રૂપે મદદ આવવાની હોય તો પછી હું જ કેમ?”
“પહેલા તો એક વાત સમજી લે અમે તારી જાજુસી નથી કરી રહ્યા, અમે તારા સ્વભાવનો અભ્યાસ કરી રહ્યા છીએ. જે ઘડીએ તે અમારું એપ ઇન્સ્ટોલ કર્યું હતું એ જ ઘડીએ તે અમને આ બધું જ કરવાની પરમિશન આપી હતી. તારો અભ્યાસ શા માટે? એનું કોઈ ખાસ કારણ નથી. તું નહોત તો તારા બદલે કોઈક બીજો હોત. મારું કામ તને પસંદ આવે એવો એક સુપર ઇન્ટેલિજેન્ટ સ્ત્રી રોબોટ બનાવવાનું હતું અને એ જ મેં કર્યું. એ માટે મારે તારો સ્વભાવ, તારી પસંદ, ના પસંદ, તારી ખામીઓ ને ખૂબીઓ જાણવી પડે.”
“મારી રજા વગર તમે મને એક રોબોટ સાથે કેવી રીતે જોડી શકો? તે તો મને કહ્યું હતું કે તું મારા લગ્ન માટે મારી પસંદની છોકરી શોધી આપીશ ત્યારે તે એમ નહોતું કહ્યું કે એ છોકરી એક સ્ત્રી–રોબોટ હશે. મેં મારી જાતે એ ના જાણ્યું હોત તો હજી હું દોદોહીને એક સ્ત્રી, એક માનવ જ માનતો હોત.”
“માય લવ, તું ફરીથી ભૂલ કરી રહ્યો છે. જે દિવસે મેં તારા લગ્નની વાત કરી હતી એ જ દિવસે મેં તને એક કોન્ટ્રાક્ટ મોકલ્યો હતો. તે એની નીચે સહી પણ કરી હતી. એમાં બધી જ વાત વિગતવાર લખેલી હતી.”
આશુતોષને હવે યાદ આવ્યું કે નિર્ઝરે પોતાને એક કોન્ટ્રાક્ટ મોકલ્યો હતો ને આળસમાં પોતે એને આખો વાંચ્યા વગર જ સહી કરીને પાછો મોકલી આપ્યો હતો.
“હા, તે કોન્ટ્રાક્ટ પેપર્સ મોકલ્યા હતા પણ એમાં કેટલું બધું  લાંબુ લાંબુ લખેલું હતું. મેં એ ધ્યાનથી આખો વાંચ્યો જ નહોતો. તારે મને એની મુખ્ય વાત શોર્ટમાં જણાવવી જોઈએ ને?”
“હું ચોક્કસથી એ કોન્ટ્રાક્ટની મુખ્ય શરતો તને અલગથી મોકલી આપત પણ તે મને એવું પૂછ્યું જ નહીં. તારી ઈચ્છા હોય તો હું એ શરતો અલગ પાડી તને મોકલી આપું?”
“હા, મોકલી આપ.”
લગભગ ત્રીસેક સેકન્ડ બાદ આશુતોષના ફોન પર એલ મેસેજ દેખાયો,
“કોન્ટ્રાક્ટની મુખ્ય શરતો:
– DODOHI: Dragon Origin Digital Oracle  Humanoid Intellect.
–તમારા લગ્ન દોદોહી નામની એક સ્ત્રી રોબોટ સાથે રહ્યા છે જેની હાલની માર્કેટ પ્રાઈઝ સાત કરોડ રૂપિયા છે. તમે અમારી કંપની, DGVEBDHLOPNB, ના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક ભાગ છો એટલે તમારે એની કોઈ કિંમત ચૂકવવાની નથી.
–રોબોટના હાર્ડ વેરમાં જો તમારી ભૂલને લીધે કોઈ નુકશાન થાય તો એને ઠીક કરવામાં જે કંઈ ચાર્જિસ લાગુ પડે એ તમારે આપવા પડશે. દસ વર્ષ સુધી એના બાહ્ય કે આંતરિક કોઈ પણ ભાગમાં એની મેળે ડેમેજ આવ્યો તો એ વિનામૂલ્ય ઠીક કરી અપાશે.
–સોફ્ટવેરની પાંચ વરસની ગેરંટી અને એ સમય દરમિયાન ત્રણ વખત  ફ્રી સર્વિસ. ત્યાર બાદ સર્વિસ ચાર્જ લાગશે.
–કંપની તમારા ઘર અને ઓફિસની દરેક ઇલેક્ટ્રિક વસ્તુંને AI સાથે કનેક્ટ કરશે તમારે એ માટેની પરમિશન આપવાની રહેશે.
– હજી આ માનવ રોબોટ ટ્રેનિંગ હેઠળ છે એટલે તમારે એને એવા કોઈ કામ ના સોંપવા જેથી એ બીજા માણસો, વસ્તુઓ, પશુ, પ્રાણી, કે પંખીને કોઈ પણ રીતે હાનિ પહોંચાડે. એવા સંજોગોમાં તેના દ્વારા જે કંઈ નુકશાન થાય એને માટે કંપની જવાબદાર નથી.
–એનામાં પત્નીની અને એક કુશળ ગૃહિણીની દરેક ફરજ ઇન્સ્ટોલ કરવામાં આવી છે છતાં એ માણસો સાથે વાત કરતી વખતે ગુંચવાઈ જાય તો તમારે એને હેલ્પ કરવી પડશે.
–કોઈ અજાણી કે જાણીતી વ્યક્તિ રોબોટનો ફાયદો ઉઠાવી એની પાસે કોઈ ગલત કામ કરાવે, તો એને માટે કંપની જવાબદાર નથી. જો એવું કંઈ બને તો  બધી જ જવાબદારી તમે લેવા સહમત છો.
– જો તમે અમારી દરેક વાતે સહમત હો તો નીચે સહી કરીને એ ડોક્યુમેન્ટ પાછા મોકલી આપો.”
આશુતોષ હવે કંઈ કરી શકે એમ નહતો. એણે આળસમાં લાપરવાહી કરી હતી. કોન્ટ્રાક્ટમાં ચોખ્ખું બધું જ લખેલું હતું પણ એણે એ વાંચ્યું જ નહતું.
એને લાગ્યું કે એણે હવે ખૂબ જ ધ્યાનથી કામ લેવું પડશે. ખૂબ શાંતિથી ને હોશિયારીથી વિચારવું પડશે. એણે એનો ફોન બંધ કરીને મૂકી દીધો છતાં એને લાગી રહ્યું હતું કે એના ઘરની એક એક ઇલેક્ટ્રોનિક અને સ્માર્ટ વસ્તુ એને જ તાકી રહી હતી. એ બધી ક્યારે એની પર હલ્લો કરી દે એની પણ એને ખાતરી નહોતી. એ થોડો ડરી ગયો હતો પણ એણે નક્કી કર્યું હતું કે ગમ્મે તે થાય પોતે આમાંથી બહાર આવીને રહેશે.