આશુતોષે એડ એજન્સીમાં નોકરી સ્વીકારી ત્યારથી અનેક સુંદર મોડલ, એક્ટ્રેસને નજીકથી નિહાળી હતી. ઘણી બધી છોકરીઓ સુંદર હતી, એને ગમી હતી પણ દોદોહીની વાત જ નિરાળી હતી. એ કોઈ સામાન્ય છોકરી નહીં પણ સ્વર્ગમાંથી ઊતરી આવેલી કોઈ અપ્સરા, કોઈ પરી, જેવી હતી.
બંને કાફેમાં પહોંચ્યા. આજે અહીં ખાસ્સી ભીડ હતી છતાં એમને એક કોર્નર પર ત્રણ જણા બેસી શકે એવું ટેબલ ખાલી મળી ગયું. બંનેએ બેસીને એકમેકને હળવું સ્મિત આપ્યું.
“મારી નિર્ઝર મેડમ સાથે વાત થઈ હતી. એમણે તને એ વિશે વાત કરી હશે." એણે ધીમેથી વાત ચાલુ કરી.
“હા, તમે મારી સાથે લગ્ન કરવામાં રુચિ દાખવો છો અને એટલે જ આજે આપણી આ મુલાકાત ગોઠવાઈ છે. મેમે મને વાત કરી છે. તારે જે પણ પૂછવું હોય તે પૂછી શકે છે."
“મારે ખાસ કંઈ પૂછવાનું નથી. મારી તો હા જ છે પણ હું તને પસંદ આવ્યો?" આશુતોષે ધીરેથી સંકોચ સાથે પૂછ્યું.
“એ નિર્ણય લેવાનાં મારા હાથમાં નથી. નિર્ઝરમેમ જે કહે એ જ મારે કરવાનું હોય છે.”
“આ કેવી વાત થઈ? તારા લગ્નનું પણ તારી મેડમ ગોઠવે ત્યાં જ થાય?"
“હા અને એ પણ એક કોન્ટ્રાક્ટ પેપર પર સહી કર્યા બાદ."
“કોન્ટ્રાક્ટ પેપર? એવી તો મારે કોઈ વાત નથી થઈ!"
“જેવી તું મારી સાથે લગ્ન કરવાની હા પાડીશ એવા જ નિર્ઝરમેમ તને કેટલાક પેપર્સ મોકલી આપશે."
“ઓહ, હજી સુધી મેં કોન્ટ્રાક્ટ મેરેજ વિશે સાંભળ્યું જ હતું. મારી સાથે જ એ સાચુકલું થશે એવી તો કલ્પના પણ નહતી."
“નિર્ઝરે મને તારા વિશે ઘણી બધી માહિતી આપી છે પણ હું એ બધું જ તારી પાસેથી સાંભળવા ઈચ્છું છું. લગ્નની વાત ચાલતી હોય ત્યારે લોકો બઢાઈચઢાઈને વાતો કરતા હોય છે. હું એમાં નથી માનતો. મારા મતે તો આપણે બંનેએ એકબીજાથી કંઈ પણ છુપાવ્યા વગર જે હોય એવું સાચું જ કહેવું જોઈએ.” આશુતોષ આટલું કહીને દોદોહી સામે જોઈ રહ્યો.
એણે હકારમાં માથું હલાવ્યું એટલે આશુતોષે આગળ કહ્યું, “તમને કૂકિંગ કરતા આવડે છે મતલબ કે રસોઈનો શોખ ખરો? ના આવડતું હોય તો," આશુતોષે વાક્ય અધૂરું છોડ્યું જેથી આગળ શું કહેવું એ નક્કી કરી શકાય.
“મને રસોઈ કરતા આવડે છે. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, રાજસ્થાની દરેક વાનગી હું બનાવી શકું છું. ચાઇનીઝ, મેક્સિકન અને ઇટાલિયન ફૂડ પણ રાંધી શકું. વેજ, નોનવેજ, વિગન ફૂડ બનાવતા મને આવડે છે. કોઈ પણ નવી રેસિપી હોય, હું રાંધી શકું છું." દોદોહી એ આત્મવિશ્વાથી કહ્યું.
“અરે વાહ! આ તો ખરેખર નવાઈની વાત છે. તમારા જેવી મોર્ડન છોકરી આટલું બધું રસોઈ વિશે જાણતી હોય એ આનંદની વાત છે."
“હું ઘરની દરેક પ્રકારની સાફસફાઈ પણ કરી શકું છું. મારા રહેતા તમારે ક્યારેય કામવાળાની જરૂર નહીં પડે."
“વાવ, વન્ડરફુલ! તમે તો મને અચરજમાં મૂકી દીધો છે. હજી બીજા કોઈ શોખ ખરા?"
“શોખ તો નહીં પણ મારું કામ માનીને જે હું કરી શકું એ જણાવું. હું કોઈ પણ પ્રકારના ફોર વ્હીલર્સ, ટુ વ્હીલર્સ ચલાવી શકું છું. બેન્કને લગતું કોઈ પણ કામ કરી શકું છું. ક્યાંય લીગલ નોટીસ મોકલવાની હોય કે નોટિસનો જવાબ આપવાનો હોય તો હું એ કરી શકું. નાની નાની શારીરિક તકલીફ માટે ઘરેલું નુસખા, આયુર્વેદીક, હોમિયોપેથ કે એલોપથી દવા સૂચવી શકું, દર્દીનું દરેક રીતે ધ્યાન રાખી શકું, જરૂર પડે એને માટે એપાઈન્ટમેન્ટ લઈ એને હોસ્પિટલ પણ પહોંચાડી શકું. હું ગમ્મે તે ઉંમરના બાળકોને ભણાવી શકું, એમનું ધ્યાન રાખી શકું. ગાર્ડનિંગ કરી શકું. મને લગભગ દરેક પ્રકારના છોડ વિશે જાણકારી છે. તમને જરૂર પડે પાર્લર જેવી બ્યૂટી ટ્રીટમેન્ટ ઘરે આપી શકું, તમારું ફેશિયલ, મેનીક્યોર, પેડીક્યોર, હેર કટીંગ, હેર સ્પા, બોડી મસાજ કરી શકું, તમે હાલ જે કપડા પહેર્યા છે એમાં શું સુધારો કરવાથી તમે વધારે સારા દેખાઈ શકો એ પણ સૂચવી શકું, કપડાંને ધોઈ, પ્રેસ કરી, કબાટમાં ગોઠવીને મૂકી શકું."
આશુતોષને અચાનક જ ખરેડી પડી ને એ ઉધરસ ખાવા લાગ્યો. દોદોહી એ તરત ગ્લાસમાં પાણી ભર્યું ને ઊભા થઈ, આશુતોષની નજીક આવી, એની પીઠ પર હાથ પસવારતા એને પાણી આપ્યું. એણે માંડ પોતાની જાતને શાંત પાડી. પાણી પીધું પછી કહ્યું, “અમેઝિંગ, અમેઝિંગ" એ બે હાથે તાળીઓ પાડી ઊઠ્યો પછી ધીમેથી કહ્યું, “ઘડીભર તો મને લાગ્યું જાણે હું કોઈ કોરિયન વેબસિરિઝ જોઈ રહ્યો છું અને એમાની એલિયન ગર્લફ્રેન્ડ મારી સામે બેઠી છે ."
દોદોહી એની જગ્યાએ જઈને બેસી ગઈ હતી. બંનેએ ઓર્ડર આપ્યો પછી આશુતોષે મજાક ખાતર પૂછ્યું, “તમને ફિલ્મ જોવાનો કે પુસ્તકો વાંચવાનો શોખ ખરો? તમે ડાન્સ કરી શકો? એમાં એવું છે ને કે મુંબઈની નાઇટ લાઈફ મજાની છે. એમાં જો મનગમતું પાર્ટનર સાથે હોય તો ઔર મજા પડી જાય. ડ્રીંક એન્ડ ડાન્સ વાળી પાર્ટીની તમને આદત છે?"
“ફિલ્મ જોવાનો કે પુસ્તક વાંચવાનો મને શોખ નથી પણ જરૂર પડે હું એ બંને કરી શકું. મેં ઘણી બધી ફિલ્મ જોઈ છે. હજારથીએ વધારે પુસ્તકો વાંચ્યા છે. પાર્ટીમાં હું ક્યારેય ગઈ નથી પણ ડાન્સ કરી શકું. વેસ્ટર્ન, કલાસિકલ, ઉપરાંત ગુજરાતી ગરબા અને પંજાબી ભાંગડા કરતા મને આવડે છે. કોઈ પણ ડાન્સ હોય એકવાર સ્ટેપ્સ જોઈ હું એને કોપી કરી શકું છું."
“હે ભગવાન! તમને વાંચવાનો શોખ નથી છતાં હજારથીએ વધારે પુસ્તકો વાંચ્યા છે, જો વાંચવાનો શોખ હોત તો આ આંકડો કેટલે પહોંચ્યો હોત? હું મજાક કરી રહ્યો છું! ઓકે, કંઈ એવું ખરું જે તમે ના કરી શકો?" આશુતોષે ફરી મજાકમાં જ પૂછ્યું. એને હવે લાગી રહ્યું હતું કે આ છોકરી એના લગ્ન થઈ જાય એ માટે અમુક વાતો વધારીને કહી રહી છે. જો કે એનોય એને કોઈ વાંધો ન હતો. એણે જેટલા ગણાવ્યા હતા એના અડધા કે ચોથા ભાગના કામ પણ કરી લે તો જિંદગી ન્યાલ જ છે.
બંનેની કૉફી આવી ગઈ હતી. થોડીવાર બંને ચુપ રહ્યા ને કૉફી પીવામાં ધ્યાન આપ્યું. અચાનક જ આશુતોષને રામ જાણે શું વિચાર આવ્યો ને એણે પૂછ્યું કે તમને કેવો જીવનસાથી ગમે? પૂછતા તો પૂછી લીધું પણ પછી એને જ અફસોસ થયો.
દોદોહીએ આંખો પટપટાવી હળવું સ્મિત આપ્યું ને કહ્યું, “મારી કોઈ મોટી અપેક્ષાઓ નથી, હું કોઈ પણ એવા પુરુષ સાથે રહેવાનું પસંદ કરીશ જેને નિર્ઝર મેડમ મારા માટે પસંદ કરશે. એમના આપેલા ઇલેવન ટાસ્ક્સ પ્રમાણે જીવતો કોઈ પણ પુરુષ મને મારા માટે યોગ્ય જીવનસાથી લાગશે."
“નિર્ઝર મેડમે આપેલ ઇલેવન ટાસ્ક? તે અગાઉ પણ આ વિશે વાત કરી હતી કદાચ પણ નિર્ઝરે તો મને આ વિશે કંઈ નથી કહ્યું. એણે મને અગિયાર સવાલ પૂછ્યા હતા અને પછી એ સવાલો પર કામ કરવાનું કહ્યું હતું. મેં અમુક સવાલ પર કામ કર્યું હતું. એના ઇનામ રૂપે જ તો હું તને મળી શક્યો. હજી કોઈ બીજા ટાસ્ક પૂરા કરવા પડશે?"
“હા, તમે અત્યાર સુધી જે પણ સવાલોના જવાબ આપ્યા કે નિર્ઝર મેડમે આપેલ કામ કર્યું એ તો તમારી એન્ટ્રન્સ ટેસ્ટ હતી. તમે એમાં સફળ રહ્યા એટલે તમારી મારી સાથે મુલાકાત કરાવાઈ. હવે આ વાત આગળ વધે એ માટે તમારે મેડમે આપેલ ઇલેવન ટાસ્ક્સ પૂરા કરવા પડશે."
આશુતોષ હવે ટેન્શનમાં આવી ગયો હતો. એને નિર્ઝર પર ગુસ્સો પણ આવી રહ્યો હતો. એ કોણ હતી એ સવાલનો જવાબ હજી મળ્યો નહોતો એમાં પાછા આ નવા ટાસ્ક્સ. એ હવે દોદોહીને સાચે જ ચાહવા લાગ્યો હતો. પહેલી મુલાકાતમાં એ એની સુંદરતાથી આકર્ષાયો હતો, આજની મુલાકાતમાં તો એ એક આદર્શ પત્નીની હરીફાઈમાં 100 માંથી 110 માર્ક્સ લઈ જાય એવી લાગી હતી. એણે નક્કી કરી લીધું હતું કે ગમ્મે તે થાય હવે એ પાછો નહીં હટે. એ દોદોહીને પોતાની અર્ધાંગિની બનાવીને જ રહેશે.
એ રાત્રે ઘરે આવ્યા બાદ એણે નિર્ઝર ને મેસેજ કર્યો,
“હે નિર્ઝર,
આઈ લવ દોદોહી! હું એને વિશે સિરિયસલી વિચારી રહ્યો છું અને હું એને પત્ની રૂપે મેળવવા કંઈ પણ કરવા તૈયાર છું. તારે મને જે ટાસ્ક આપવા હોય તે આપ. જે કોન્ટ્રાક્ટ પર મારી સહી લેવી હોય તે લઇ લે. હું તૈયાર છું.”
તરત જ સામેથી જવાબ આવ્યો,
“ઓકે...!
હું તને પહેલા અમારો કોન્ટ્રાક્ટ મોકલી આપું છું એને શાંતિથી વાંચી લે. વાંચ્યા બાદ એમાં નીચે સહી કરી મને એ પાછો મોકલી આપ.”
તરત જ એક પીડીએફ ફાઇલ આવી. આશુતોષે એને ખોલી. ઝીણા અક્ષરે લખાયેલું એ પાંચેક પાનાનું મટીરિયલ હતું. આશુતોષને હાલ આટલું લાંબુ વાંચવાની કોઈ જ ઇચ્છા નહોતી. એણે શરૂઆતના પાના પર સહેજ નજર કરી ત્યાં માનવસ્વભાવ વિશે કેટલુંક લખેલું હતું. એણે વિચારેલુ કે કોન્ટ્રાક્ટમાં દોદોહી માટે કેટલીક રકમ ફીક્સ કરવાનું કે ભવિષ્યમાં જો એમના ડિવોર્સ થાય તો એને શું આપવું એ મતલબનું જ બધું ગોળ ગોળ લખેલું હશે. એણે લખાણ પર ઉપછલ્લી નજર ફેરવી પણ એને એવું રૂપિયા કે પ્રોપર્ટી વિશે કશું જ ના મળ્યું. ઉલટાનું ત્યાં તો એને સમજાય નહીં એવી ટેનિકલ ભાષામાં લાંબુ લાંબુ લખેલું હતું. એણે આગળનું વાંચ્યા વગર જ નીચે ડીજીટલ સહી કરી ફાઇલ પાછી મોકલી આપી.
સામેથી પછી કોઈ જવાબ ના આવ્યો. આશુતોષ મોડે સુધી રાહ જોતો જોતો પછી સૂઈ ગયો.