18. બખેડાનો આવ્યો અંત
સતત પાંચેક મિનિટ સુધી ગોળીબાર ચાલુ રહ્યા. પાંચ મિનિટ બાદ અચાનક સાયમન જીપમાં બેઠો અને ચાલુ કરીને જીપ મેદાનથી રસ્તા પર વાળીને આગળ મારી મૂકી. જીપની પાછળ ઊભેલા અમે લોકો એકદમ ખુલ્લા પડી ગયા. સાયમન ભાગ્યો એટલે પેલી બીજી ટીમ પણ પોતપોતાના હથિયારો મૂકીને જીપમાં બેઠી.
‘અરે બેટા, માઇકલ, અમને પણ સાથે લઈ જા.’ ફ્રેડી જોસેફે પોતાના દીકરા પિન્ટોના મિત્રને વિનંતી કરી.
‘સૉરી ! આમાં માત્ર એક જણની જ જગ્યા છે. જેને આવવું હોય એ જલદી બેસો.’ કહીને માઇકલ સૌથી આગળ ડ્રાઈવરની બાજુની સીટ પર બેસી ગયો.
‘હું જાઉં છું.’ મેં ત્વરિત નિર્ણય લઈ લીધો. ‘જ્યાં પણ પહોંચીશ ત્યાંથી તમને લોકોને કોઈક ને કોઈક રીતે ખબર પહોંચાડી દઈશ.’
‘ઠીક છે, પણ સંભાળીને જજે, એલેક્સ !’ ફ્રેડીસાહેબે મારા ખભા પર હાથ મૂકી સૂચના આપી. મેં હકારમાં માથું હલાવ્યું. મારા મિત્રો સામે અંગૂઠાથી ‘થમ્સ અપ’ની નિશાની બતાવી હું જીપમાં સૌથી પાછળ બેસી ગયો. મને લઈને જીપ તેજ ગતિએ દોડવા લાગી.
સાયમન એની જીપને ડૉકયાર્ડ તરફ લઈ જતો હતો. આમ પણ આ વિસ્તારમાં બે-ચાર છૂટાંછવાયાં મકાનો અને ખેતરો સિવાય કંઈ હતું નહીં. આગળ રસ્તો પૂરો થાય ત્યાં દરિયો જ આવી જતો હતો. એ બંદર તરફ જઈ રહ્યો હતો એનો અર્થ એ કે એ સમુદ્રના રસ્તે અહીંથી દૂર ભાગવાનો પ્રયત્ન કરવાનો હતો. તો પછી અમારે એને કોઈ પણ સંજોગોમાં રોકવો પડે એમ જ હતું. આ તબક્કે માઇકલની ટીમનો અને અમારો હેતુ એક થઈ ગયો હતો.
સાયમને એની જીપને બંદરના મુખ્ય દ્વારમાંથી અંદર ન લઈ જતાં જમણી બાજુ થોડે સુધી જીપ ચલાવ્યે રાખી. અમે એનો પીછો કરતા હતા તે એને ખબર હતી કે નહીં એની મને કોઈ ખાતરી નહોતી.
પાંચેક મિનિટે એક નિર્જન જગ્યા આવી. અમારી જીપના ડ્રાઈવરને માઇકલે ઝડપ ઘટાડી નાખવા કહ્યું અને સાયમનની જીપથી અમારું અંતર વધવા લાગ્યું. સાયમને એક કટાઈ ગયેલા, જૂના દરવાજાની બહાર એની જીપ પાર્ક કરી. એ જગ્યાની ફરતે દસેક ફૂટ ઊંચી દીવાલની વાડ હતી. સાયમન અને એના સાગરિતો ઊતરીને પેલા દ્વારમાંથી અંદર પ્રવેશી ગયા.
માઇકલે અમારી જીપને જ્યાં હતી ત્યાં જ ઊભી રખાવી દીધી. ત્યાંથી એણે અમને નીચે ઊતરી જવા કહ્યું. એની બદમાશ ટુકડી સાથે હું ઊતરી ગયો. માઇકલે ઈશારો કરીને સાયમન એન્ડ ગેંગ જે દરવાજામાંથી અંદર ગઈ હતી એ દરવાજામાંથી જવા જણાવ્યું અને પોતે આગળ થયો. મારા સિવાય બધાના હાથમાં પિસ્તોલ હતી.
માઇકલના માણસો ધીમેધીમે આગળ વધ્યા. હું એમની પાછળ હતો. અહીં આસપાસ ક્યાંય કોઈ પબ્લિક ટેલિફોન બૂથ નહોતું જેમાંથી હું મિત્રોને ફૉન કરીને અહીં બોલાવી શકું. એટલે હાલ પૂરતું તો કોઈ ઉપાય નહોતો.
કટાયેલા દરવાજામાંથી અંદર ગયા ત્યાં મોટું મેદાન હતું. શરૂઆતમાં ચારે તરફ જહાજોનો ભંગાર પડેલો હતો. સિમેન્ટનું લાંબું પ્લેટફોર્મ હતું, જે આગળ જતાં દરિયાને અડતું હતું.
સાયમન ક્યાંય દેખાતો નહોતો. જગ્યા ખુલ્લી હતી. ગમે ત્યાંથી ગમે તે વસ્તુથી અમારા ઉપર વાર થઈ શકે એવું હતું.
દસેક મિનિટે સાયમન કોઈક જર્જરિત ઓરડી જેવી જગ્યામાંથી બહાર આવ્યો. એની સાથે અમારો દોસ્ત હતો... વોટ્સન! હું એ દૃશ્ય જોઈને બે પળ માટે જડ બની ગયો. પછી મારામાં આનંદનો સંચાર થયો. દિલમાં જબરી શાંતિ થઈ. કેટલા દિવસે આખરે વોટ્સનને હું જોવા પામ્યો હતો. એ બિલકુલ સુરક્ષિત હતો એ જોઈને મારી હિંમત વધી ગઈ.
અમે અંતર રાખીને મેદાનમાં આગળ ને આગળ ચાલતા રહ્યા. પણ ત્યાં તો અમારે અટકી જવું પડ્યું. અમારી ચારે બાજુ ગોળાકારમાં સાયમનના બદમાશો આવીને ઊભા રહી ગયા. એ લોકોએ હાથમાં પકડેલી પિસ્તોલો અમારા તરફ તાકેલી રાખી. એમણે અમને ઘેરી લીધા. અમારી ટુકડીએ પણ પોતપોતાની પિસ્તોલો કાઢીને એ લોકો સામે ધરી.
‘કોઈ જ કામની નથી એ પિસ્તોલો !’ દૂરથી સાયમન અમારી તરફ ફરીને બોલ્યો. એણે વોટ્સનને ખભેથી જકડી રાખ્યો હતો. વોટ્સન પણ ઊંધો ફર્યો. મારી સાથે એની નજર મળી અને એનો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો. મેં પણ સ્મિતથી એને જવાબ આપ્યો. પછી જમણો હાથ પહેલાં હૃદય પર મૂકીને પછી એને શાંત રહેવાનો ઇશારો કર્યો. એણે સહેજ ડોકું હલાવ્યું.
‘ઓહ ! તમે પણ આવી પહોંચ્યા છો ?’ સાયમને મને જોઈને કડવાશથી કહ્યું. ‘યાદ રાખજે, એલેક્સ. તમે લોકો દસ્તાવેજ પર સહી કરવા સહમત થાઓ પછી જ મારી પાસે આવજો અને તમારા મિત્રને છોડાવી જજો. મારું સરનામું મારો માણસ આપી દેશે. ત્યાં સુધી તો તમને તમારો મિત્ર નહીં મળે... આવજો...’
સાયમન વોટ્સનને ખેંચીને ઝડપથી આગળ વધ્યો અને ત્યાં પડેલી એક બોટ પર વોટ્સનને ચડાવીને પોતે પણ ચડી ગયો. અંદર કેબિનમાં જઈને એન્જિન ચાલુ કર્યું અને બોટ પાણીમાં સરકવા લાગી.
હું લાચારીથી મારા મિત્રને હાથમાંથી છૂટી જતો જોઈ રહ્યો. હાલની સ્થિતિમાં શું કરવું એની મને સમજ નહોતી પડતી. જેમ-જેમ બોટ દૂર જતી હતી, તેમ-તેમ ભયને લીધે મારી ધડકનો તેજ થતી જતી હતી. વોટ્સનને હું છેલ્લી વાર તો નથી જોઈ રહ્યો ને એવો કુવિચાર મનમાં આવતો હતો. હાથમાં આવેલી બાજી હું ગુમાવી રહ્યો હતો. બોટને આગળને આગળ સરકતી જોઈને મારું મગજ બહેર મારી ગયું હતું. બધા રસ્તા બંધ થઈ ગયા હોય એવું લાગતું હતું. થોડો સ્વસ્થ થયો એટલે મેં માઇકલના એક માણસને વિનંતી કરી કે એ અમારી મિત્રમંડળીને જઈને અહીં લઈ આવે. થોડી સમજાવટને અંતે એ માની ગયો અને એ લોકોને લેવા રવાના થયો.
મારી જ ભૂલને કારણે આજે વોટ્સન હાથમાંથી સરકી ગયો હોય એવો અપરાધભાવ થવા લાગ્યો. હું ઘૂંટણભેર નીચે બેસી પડ્યો. બોટ દૂર ને દૂર જતી જોઈ રહ્યો.
વધારે અફસોસમાં સરી પડું એ પહેલાં એક નવાઈની વાત બની. બોટ દરિયામાં આગળ વધતી અટકી ગઈ. મેં આંખો પર ભાર દઈને જોયું તો એક બીજી યાંત્રિક હોડી એ બોટની આસપાસ ચકરાવા લેતી હતી. કંઈક ધડાકા જેવું પણ સંભળાયું. થોડીવારે આગળ-પાછળ બંને બોટ ફરી પાછી કિનારા નજીક આવતી દેખાઈ. શું બની રહ્યું હતું એ અમારામાંથી કોઈ સમજી ન શક્યું, પણ બધાના જીવમાં જીવ પાછો આવ્યો. મને લાગ્યું કે કદાચ શંકા જતાં કોસ્ટગાર્ડે સાયમનની બોટને આંતરી હોય અને કાંઠા ભણી પાછી લઈ આવતા હોય.
વીસેક મિનિટમાં તો બંને હોડીઓ એ પ્લેટફોર્મ પાસે આવી પહોંચી. પેલી બીજી બોટને જોઈને મને ન સમજાય એવો આનંદ થવા લાગ્યો. એમાંથી કોણ નીકળશે એ જોવાનું ભારે કુતૂહલ જાગ્યું હતું.
‘ચાલ, બહાર નીકળ !’ બીજી હોડીમાંથી આકરો અવાજ આવ્યો. એ ઘાંટો મને ખૂબ જાણીતો લાગ્યો. ‘અને છોકરાને પણ કાઢ !’ એણે હુકમ જ આપ્યો. એ સાથે જ એ પોતે પણ નીચે, જેટી પર કૂદીને ઊતરી પડ્યો. હાથમાં પિસ્તોલ હતી.
એને જોતાં જ હું એકદમ ઊછળીને ઊભો થઈ ગયો. મારી ખુશીનો કોઈ પાર નહોતો. એ હતો એડગર. ‘સ્પેક્ટર્ન’ના પ્રવાસ વખતે અમારો દોસ્ત બની ગયેલો ચાંચિયો – એડગર.
મેં એડગર તરફ હાથ હલાવ્યો. મારી સામે જોઈને એ પણ એકદમ રાજી થઈ ગયો. કામ અધૂરું હતું એટલે માત્ર મોઢું હલાવીને ફરી સાયમનને ધમકી આપી, ‘ઊતર નીચે !’
સાયમન એકદમ નરમ પડી ગયો હતો. વોટ્સન સાથે એ પણ બોટમાંથી નીચે ઊતરી પડ્યો. વોટ્સનને બીજી વખત આંખ સામે જોઈને મારો શ્વાસ હેઠો બેઠો. એને જોઈને મેં સ્મિત કર્યું. સાયમનને ફરી કબજામાં આવેલો જોઈને માઇકલ ગેંગ પણ મલકાઈ ઊઠી.
‘આ છોકરાને છોડી દે. મિત્ર છે મારો.’ એડગરે હુકમ કર્યો. સાયમન આનાકાની કરવા લાગ્યો ત્યાં એડગરે એના પગ પાસે ગોળી ચલાવી. જોરદાર અવાજ થયો. સાયમને ડરીને વોટ્સનને છૂટો કરી દીધો. વોટ્સન થાકેલી ચાલે મારી પાસે આવી પહોંચ્યો. સૌથી પહેલાં અમે એકબીજાને ભેટવાનું જ કામ કર્યું. આખરે આ આખાય સાહસ-દુઃસાહસને અંતે અમને અમારો ભાઈબંધ સહીસલામત મળી ગયો હતો. પાંચેક મિનિટે અમે એકબીજાને છૂટા કર્યા. એ થોડો નબળો પડી ગયેલો હતો.
અમે બીજી કોઈ વાત કરી શકીએ તે પહેલાં જ અમારી ટોળકીને લઈને માઇકલનો માણસ આવી પહોંચ્યો. એ લોકો વોટ્સનને જોઈને ગાંડા થઈ ગયા. બધા એને વળગી પડ્યા. ક્રિક અને જેમ્સ તો રડવા જેવા થઈ ગયા.
આ બધું ચાલતું હતું ત્યાં એડગર મારી પાસે આવ્યો. એનો બાંધો હજી એવો જ, એકવડિયો હતો. ચહેરો કરડો હતો અને એક બાજુ જૂના ઘાનો જખમ હતો.
‘કેમ એલેક્સ ! શું ચાલે છે ?’ એણે હાથ મિલાવ્યા.
‘અરે એડગર, વાત ન પૂછ. હું બધું તને શાંતિથી જણાવીશ. પણ આજે તો તેં અમારી જે મદદ કરી છે એ તો હું ક્યારેય નહીં ભૂલું, દોસ્ત.’ મેં ઉમળકાભેર હસ્તધૂનન કર્યું. પછી ઉમેર્યું, ‘પણ તને ખબર કેવી રીતે પડી કે આ સાયમન વોટ્સનનું અપહરણ કરીને લઈ જાય છે ?’
‘અરે આ જગ્યા મારી રોજની છે. હું અહીં માછીમારીનો પણ ધંધો કરું છું. હું બોટ લઈને નીકળ્યો. આ સાયમનની બોટને જોઈ. એમાંથી આ વોટ્સન મને ઓળખી ગયો. એણે જોરથી મને બૂમ પાડી. હું ચોંક્યો અને તરત મારી હોડી એ તરફ લઈને એની બોટને આંતરી. પહેલાં તો આ સાયમન દાદાગીરી કરવા લાગ્યો. બંદૂકના ધડાકા કર્યા. પછી મેંય સામે દમ માર્યો એટલે ભાઈ સીધાદોર થઈ ગયા. છેવટે હું ય એક વખતનો ચાંચિયો ખરો ને !’ કહીને એડગર હસ્યો.
મેં પણ હસીને એનો જવાબ વાળ્યો.
ત્યાં સુધીમાં તો લીમાની પોલીસની ગાડીઓ પણ ધસી આવી. કેટલાય પોલીસ નીકળ્યા અને આખા વિસ્તારને ઘેરી લીધો.
‘તું ગયો પછી અમે સીધા પોલીસ સ્ટેશને પહોંચીને બધી જ વાત કરવાનું કામ કર્યું.’ ફ્રેડી જોસેફે મને ફોડ પાડ્યો, ‘એ લોકોએ છાપો મારીને બધાને પકડી લેવાનો પ્લાન બનાવ્યો. ત્યાં માઇકલનો માણસ અમને શોધતો મારા ઘરે આવી ચડ્યો. એ અમને અહીં લઈ આવ્યો.’
હું સમજી ગયો છું એમ દર્શાવવા ડોકું ઉપર-નીચે હલાવ્યું. ત્યાં તો ધમાચકડી મચી ગઈ હતી. પોલીસે બધા એક-એક બદમાશની ધરપકડ કરી. અમને ઘરે જવા માટે મુક્ત કર્યા. બીજે દિવસે નિવેદનો નોંધાવવા જવાનું હતું.
***
એ પછી બીજા બે-ચાર દિવસ વીતી ગયા. વોટ્સને અમને એની આપવીતી કહી. એને એક દિવસ સાયમનના માણસોએ ઉઠાવી લીધો અને પછી આ જેટી જેવી જગ્યાએ ગોંધી રાખ્યો. અમે એની શોધમાં નીકળતાં કેવા-કેવા અનુભવો થયા એની વાતો સંભળાવી.
એ જ દિવસે ફ્રેડી જોસેફને અમે મળવા ગયા. એમણે અમારી સહી લેવા માટે કાગળો તૈયાર જ રાખ્યા હતા. થોડા અચકાટ પછી મેં એમને કહ્યું, ‘ફ્રેડી સાહેબ, અમે આ પૈસા લઈ તો લઈશું. પણ અમારી એક શરત તમારે માન્ય રાખવી પડશે. અમે આ દોલતનો ઉપયોગ માત્ર દેશને ઉપયોગી થાય એવા સાહસના અને ખોજના અભિયાનો માટે જ કરીશું. બોલો, મંજૂર ?’
એ જોરથી હસી પડ્યા, ‘હા..હા..હા..હા..! અરે છોકરાઓ, તમારી સંપત્તિ છે. જે કરવું હોય એ કરો. જે કહેશો એ મંજૂર છે.’
અમે સૌએ પણ એમના હાસ્યમાં સાથ આપ્યો.
(સંપૂર્ણ)
લેખકનાં અન્ય પુસ્તકો:
1. સ્પેક્ટર્નનો ખજાનો – માતૃભારતી પર ઈ-બુક સ્વરૂપે તેમજ અમોલ પ્રકાશન દ્વારા પુસ્તકરૂપે ઉપલબ્ધ
2. રહસ્યરંગ – અમોલ પ્રકાશન, પુસ્તકરૂપે ઉપલબ્ધ
3. મિલનું ભૂત – ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક વિજેતા, અમોલ પ્રકાશન, પુસ્તકરૂપે ઉપલબ્ધ
4. નમસ્કારમ્ કેરલમ્ – હાસ્યરસિક પ્રવાસકથા, આર.આર. શેઠ પ્રકાશન, પુસ્તકરૂપે ઉપલબ્ધ