અપહરણ - 6 Param Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સીમાંકન - 6

    ડૉરબેલનાં રણકારે ત્રિજ્યા વિચારોમાંથી બહાર આવી, ઉભી થઇ દરવાજ...

  • અગ્નિસંસ્કાર - 89

    અંશે પિસ્તોલ આર્યન પર નહિ પરંતુ થોડેક દૂર દીવાલ પર ચલાવી હતી...

  • લાશ નું રહસ્ય - 6

    લાશ નું રહસ્ય પ્રકરણ_૬આખા રૂમમાં અનિલની જિસ ગુંજી અને પડઘા પ...

  • શ્રાપિત પ્રેમ - 9

    તે જેલ ખૂબ મોટી હતી એટલે રાધા ને તેની બાકીની ચાર સખીઓ સાથે મ...

  • વિષ રમત - 25

    વાચક મિત્રો , CHALLANGE ..!!!CHALLANGE ..!!!CHALLANGE ..!!!મ...

શ્રેણી
શેયર કરો

અપહરણ - 6

૬. વાસ્કરન

 

(અત્યાર સુધી આપણે જોયું કે એલેક્સની ટીમનો એક મિત્ર વોટ્સન ગાયબ થઈ ગયો છે અને એલેક્સના સરનામે એક નામ વગરની જાસાચિઠ્ઠી મળે છે. તેમાં વોટ્સનના છુટકારાના બદલામાં લીમાના માજી સાહસિક ફ્રેડી જોસેફની સંપત્તિ એન્ડીઝ પર્વતમાળાના પહાડ પરથી લાવી આપવાનું ફરમાન હોય છે. ટીમ એલેક્સને લાઈબ્રેરીમાંથી એક પુસ્તક મળે છે જેમાં સંપત્તિ સુધી પહોંચવાની પહેલી કડી છે. તેને ઉકેલીને મિત્રો વાસ્કરન નામના શિખર તરફ રવાના થાય છે. આ દરમિયાન એમનો ભેદી માણસો પીછો કરે છે. એલેક્સ પર હુમલો પણ થાય છે. હવે આગળ...)

 

લીમાથી ઉત્તર તરફ 440 કિલોમીટરનું અંતર કાપીને અમે વારાઝ પહોંચ્યા. વારાઝ પેરુનું ઠીકઠીક મોટું નગર છે. કોઈ સુંદર ફોટોફ્રેમ જેવું લાગે. એન્ડીઝના સફેદ-ભૂખરા પર્વતોની ગોદમાં વારાઝ વસેલું છે. નગરમાં ઊંચી ઈમારતો ભાગ્યે જ જોવા મળે. તેને કારણે પાછળનું પહાડોનું બેકગ્રાઉન્ડ શહેરના કોઈ પણ ખૂણેથી દેખાય. રોમન કેથોલિક શૈલીનાં કેટલાંક સુંદર બાંધકામો અહીં છે. વારાઝની ચારે બાજુ પર્વતો હોવાથી ટ્રેકિંગ પ્રવૃત્તિઓ ખૂબ ફૂલીફાલી હતી.

સાંજે ત્રણેક વાગ્યે બસે અમને વારાઝ ઉતાર્યા. વારાઝ લીમા કરતાં પ્રમાણમાં શાંત શહેર હતું. વાહનોની વધારે આવનજાવન નહોતી.

થોડા કલાક પહેલાં મારી સાથે બનેની ઘટના જ મારા મગજમાં ઘુમરાયા કરતી હતી. મને હવે થોડી થોડી ચિંતા સતાવા લાગી હતી. અમારે સંભવિત બદમાશ સાથે બાથ ભીડવાની હતી, પણ સામાનમાં અમે એક પણ હથિયાર સાથે લાવ્યા નહોતા. કંઈ મોટું જોખમ આવી પડે તો અમને કોણ બચાવે ? અમારે જાતે જ અમારું રક્ષણ કરવાનું હતું. મારા મિત્રો પણ મારી આ વાત સાથે સહમત થયા.

વારાઝ આવ્યા પછી સૌથી પહેલું કામ અમે જરૂરી હથિયારો ખદીવાનું કર્યું. અમે લીમાના જાણીતા સાહસિકો હતા એટલે અમને હથિયારો રાખવાનું લાયસન્સ મળ્યું હતું. એ બતાવીને અમે બે પિસ્તોલ અને પાંચ છૂરી ખરીદ કરી.

ત્યાર બાદ એક સાંકડા ઢોળાવવાળા રસ્તા પરની રેસ્ટોરન્ટમાં નાસ્તા-કૉફી માટે બેઠા. એ રોડ નીચેની તરફ ઢળતો જતો હતો. બંને તરફ જૂની બાંધણીના મકાનો હતાં અને રોડની છેવાડે દૂર એક પહાડ દેખાતો હતો. એની પાછળ તેનાથી ઊંચો બરફ મઢ્યો પહાડ હતો. કદાચ એ જ વાસ્કરનનું શિખર હતું.

‘તો હવે આપણો આગળનો પ્લાન ?’ ગોળ ટેબલ ફરતે બેસીને અમે વાતચીત શરુ કરી. પ્રશ્ન થોમસે પૂછ્યો હતો.

‘પહેલાં અહીંથી વાસ્કરન તો જઈએ.’ મેં કહ્યું, ‘પછી ત્યાંથી વિચારીશું કે આગળ શું કરવું છે.’

‘આપણા ભેદી શત્રુનો અત્યાર સુધી કોઈ સંદેશો કેમ નહીં આવ્યો હોય ?’ જેમ્સે આશંકા વ્યક્ત કરી.

‘કદાચ એ વાસ્કરનમાં આપણી રાહ જોતો હોય.’ ક્રિક બોલ્યો, ‘આપણે ત્યાં પહોંચીએ પછી આગળની કોઈક કડી આપણને આપે.’

‘મને લાગે છે કે એ આપણને હવે કાંઈ નહીં આપે.’ મેં અનુમાન બાંધતાં કહ્યું, ‘ફ્રેડી જોસેફે જે કડીઓ મૂકી હશે એને જ આપણે અનુસરવી પડશે. કારણ કે આપણો શત્રુ ખજાના સુધી નથી પહોંચી શકતો એટલે જ તો એણે આપણા જેવા કસાયેલા સાહસિકોને એ કામે મોકલ્યા છે.’

બધાને મારી વાતમાં તથ્ય જણાયું.

‘બીજી વાત, આપણી પાસે હવે હથિયારો છે. આજુ બાજુ નજર સતેજ રાખજો. મારા ઉપર થયો એવો બીજો હુમલો ગમે તેના પર થઈ શકે છે.’ મેં સૌને ચેતવણી આપી.

સૌએ એ વાતમાં પણ હામી ભરી. અમે કૉફી પીધી, સેન્ડવિચ ખાધી અને રેસ્ટોરન્ટની બહાર નીકળી ગયા. એક જણને સ્પેનિશ ભાષામાં વાસ્કરન જવા માટે પૂછ્યું. બે-ત્રણ દિશાઓથી ત્યાં પહોંચાતું હતું. અમે થોડું વિચારીને નક્કી કર્યું કે જ્યાંથી વધારે પ્રમાણમાં પ્રવાસીઓ જાય છે એ જ રસ્તેથી જઈએ. પેલાએ અમને એક જીપવાળાનું એડ્રેસ આપ્યું. અમે ત્યાં પહોંચ્યા.

માથે હેટ પહેરેલા ખડતલ ડ્રાઈવરને મેં વાસ્કરન લઈ જવા સ્પેનિશમાં કહ્યું. પછી દૂર દેખાતી બર્ફીલી ટોચ તરફ આંગળી ચીંધી. પેલાએ એ દિશામાં જોયા વગર જ જીપની ડ્રાઈવિંગ સીટ પર સ્થાન લીધું. એના માટે આ રોજનું હતું. એને સુંદર પહાડો જોવામાંથી રસ ઊઠી ગયો હતો.

અમે બધા સમાન સાથે જીપમાં ગોઠવાયા. હજી ડ્રાઈવરની બાજુની એક જગ્યા ખાલી પડી હતી. તેના પર મેં એક થેલો મૂકી દીધો.

જીપવાળાએ જીપ ચાલુ કરીને સહેજ આગળ લીધી ત્યાં જ એક યુવાન દોડતો-દોડતો અમારી જીપ પાસે ધસી આવ્યો. એણે ડ્રાઈવરની વિરુદ્ધ બાજુનો જીપની છતનો સળિયો પકડી લીધો એટલે ડ્રાઈવરે જીપને બ્રેક લગાવી. પેલો યુવાન હાંફતો હતો.

‘એક જગ્યા ખાલી હોય તો પ્લીઝ મને સાથે લઈ લો.’ શ્વાસ કાબૂમાં કરી યુવાને વિનંતી કરી. એ અમારી જ ઉંમરનો છોકરો લાગતો હતો. એનો અંગ્રેજી ઉચ્ચાર અમેરિકન જેવો હતો. ફૂલોની પ્રિન્ટવાળું ટી-શર્ટ અને હાફ પેન્ટ પહેર્યું હતું. ટોપી અને ગોગલ્સ સાથે એનો દેખાવ એકદમ પ્રવાસી જેવો જ હતો.

અમે કોઈ જવાબ આપીએ તે પહેલાં જ એણે આગળ ચલાવ્યું, ‘હાઈ, હું સ્ટીવ.’ એણે પાછલી સીટ તરફ જમણો હાથ લંબાવ્યો, ‘વાત એમ છે કે મારે વાસ્કરન પહોંચવું બહુ જ જરૂરી છે. અને હજી ત્યાં ટ્રેકિંગ વિકસી રહ્યું છે એટલે બહુ વાહનો મળતાં નથી. અહીં આ એક જ જીપ મેં જોઈ એટલે મને થયું કે તમને સાથે લઈ જવા માટે કહું.’

એનો મસ્તીભર્યો ચહેરો જોઈને અમે એને રોકી ન શક્યા. એણે હાથ હજી પણ લંબાવેલો જ રાખ્યો હતો. સૌથી પહેલાં મેં એની સાથે હાથ મિલાવ્યો. પછી વારાફરતી થોમસ અને વિલિયમ્સે પણ હસ્તધૂનન કર્યું. એ બંને મારી ડાબી અને જમણી બાજુ ગોઠવાયા હતા.

મેં આગળની સીટ પર પડેલો થેલો ઊંચકીને મારા ખોળામાં લઈ લીધો એટલે સ્ટીવ ત્યાં બેસી ગયો. પછી એણે ડ્રાઈવરને કહ્યું, ‘મારું જે ભાડું થતું હોય એ અલગથી લઈ લેજો.’

ડ્રાઈવરે સહેજ માથું હલાવીને જીપને મારી મૂકી.

વારાઝ છોડ્યું પછી રસ્તો એકદમ સમતળ હતો. ધીમે ધીમે અમે ઊંચાઈ પર જઈ રહ્યા હતા. એક વળાંક પર અમારી જમણી બાજુ વારાઝનાં બેઠાઘાટના મકાનોનો જુમલો નાનકડો દેખાતો હતો. ક્યાંક ક્યાંક ઊંચા ટાવરો અને દેવળો દેખાતાં હતાં.

જેમ ઊંચાઈ વધતી ગઈ તેમ ઠંડી પણ વધવા માંડી. એમાંય વળી શિયાળો હતો એટલે અમે બરાબરના ઠુંઠવાઈ જવાના હતા એ નક્કી હતું.

આગળની સીટ પર બેઠેલા સ્ટીવે પાછળ ફરીને પૂછ્યું, ‘તો તમે લોકો ટ્રેકિંગ માટે ?’

‘અમે તો ખજાનો...’ જેમ્સના મોઢામાંથી આખું વાક્ય નીકળે તે પહેલાં જ થોમસે બાજી સંભાળી લીધી, ‘હીહીહી... ટ્રેકિંગ કરવું એ અમારા માટે કોઈ ખજાનો મળવાથી ઓછું નથી એવું કહેવાનું હતું ને તારું, જેમ્સ ?’ એણે છેક છેલ્લી આડી સીટ પર બેઠેલા જેમ્સ સામે જોઈને દાંત બતાવ્યા. પછી આગળ સ્ટીવ સામે જોઈને મોટેથી હસ્યો.

સ્ટીવે પણ દાંત કાઢી હાસ્ય કર્યું.

‘પણ હું અહીં સાચો ખજાનો શોધવા જ આવ્યો છું.’ સ્ટીવે ધડાકો કર્યો. અમે એકબીજાનાં મોં જોવા લાગ્યા. ડ્રાઈવરની સામે એ શું બકી રહ્યો હતો ?

‘લીમાના પીઢ સાહસિક ફ્રેડી જોસેફનું નામ સાંભળ્યું છે ?’ સ્ટીવે પૂછ્યું.

‘હા...’ થોમસે ધીમેથી કહ્યું.

‘એમણે થોડા સમય પહેલાં અખબારમાં...’

‘સ્ટીવ !’ થોમસે એને હોઠ પર આંગળી મૂકી ચૂપ રહેવા કહ્યું અને ડ્રાઈવર તરફ ઈશારો કર્યો. ઉત્સાહમાં આવી ગયેલો સ્ટીવ સતર્ક બન્યો અને વાત ફેરવી તોળી.

‘...અખબારમાં એમના વિશે સરસ લેખ છપાયો હતો. એમણે કયા કયા ખજાના શોધેલા એની માહિતી હતી.’

પછી સ્ટીવ એ રીતે હસ્યો કે એને જોઈને કોઈ પણ વ્યક્તિ એને ગાંડો ધારી લે.

અમને હાશકારો થયો. પણ સાથે જ દિલમાં એક ધ્રાસકો પડયો. ફ્રેડી જોસેફની સંપત્તિ મેળવવા પાછળ પડેલો અમારો પહેલો પ્રતિસ્પર્ધી અમને મળી ગયો હતો. ફ્રેડી જોસેફે જાહેરમાં જ બધાને આમંત્રણ આપ્યું હતું એટલે અમારાથી કોઈને અટકાવી તો શકાય જ નહીં ને. પણ હા, સ્ટીવ પર નજર ચોક્કસ રાખવી જોઈએ.

અડધા કલાક પછી રસ્તો ઉબડખાબડ આવ્યો. છતાં ચોપાસ ફેલાયેલાં કુદરતી દૃશ્યો એટલાં મનમોહક હતાં કે તેની સામે બિસ્માર રોડનું કોઈ મહત્વ નહોતું. અમારી ડાબી-જમણી તરફ નાના-મોટા પર્વતોએ રચેલી ખીણો હતી. પર્વતોની ટોચ પર બરફ જામ્યો હતો. રસ્તો હજી પણ સર્પાકાર જ હતો. અમે લગભગ 6,000 ફૂટની ઊંચાઈ પર આવી પહોંચ્યા હતા. ઠંડી નીચે હતી એનાથી બેવડાઈ ગઈ હતી.

અમારી જીપ પથરાળ જગ્યા પર પહોંચી એક સ્થાને ઊભી રહી ગઈ. ડ્રાઈવરે અમને સામેની તરફ બોર્ડ બતાવ્યા. અલગ અલગ ટ્રેકિંગવાળાઓએ ત્યાં પોતાના નામનાં બોર્ડ લગાવેલાં હતાં.

અમે જીપમાંથી ઊતર્યા. ભાડું ચૂકતે કર્યું. ખભા પર બેગ નાખી એ તરફ ચાલ્યા. સામે જ આંખોને ઠારી દેતું દૃશ્ય હતું. પેરુનું સૌથી ઊંચું શિખર વાસ્કરન બરફની ચાદર ઓઢીને ફેલાયેલું હતું. ચોતરફ ઠીંગણાં વૃક્ષો અને ઝાડીઓથી છવાયેલું પહાડી જંગલ હતું.

પ્રવાસીઓની હાજરી પાંખી હતી.

ત્યાં જુદી-જુદી ચાર ટ્રેકિંગ એજન્સીઓ હતી. દરેકના તંબુ પર અમે વારાફરતી નજર કરતા ગયા. એક એજન્સીનું નામ ફન એન્ડ જોય હતું. એકાએક થોમસે મારો ખભો થપથપાવીને એજન્સીના લોગો તરફ જોવા કહ્યું. કલાત્મક રીતે F અને J ચીતરેલું હતું.

‘ફ્રેડી જોસેફ !’ થોમસ ધીરેથી બોલ્યો. અને મારા મનમાં ઝબકારો થયો. બીજી કોઈ એજન્સીના નામ એ બંને મૂળાક્ષરોથી શરુ નહોતા થતાં. ગણતરીની સેકન્ડોમાં મેં નિર્ણય લીધો. હોય ન હોય, આ એજન્સી જ અમને આગળની કડી આપવાની હતી.

(ક્રમશઃ)