૩. ભેદી માણસો
બીજા દિવસથી અમે લાંબી, થકાવનારી જહેમત શરૂ કરી દીધી. લીમાની ચારેય દિશામાં અમે પાંચ મિત્રો વહેંચાઈ ગયા. મેં પૂર્વ દિશા પકડી, થોમસ અને જેમ્સે પશ્ચિમ દિશાની લાઈબ્રેરીઓ તરફ કૂચ કરી. વિલિયમ્સ ઉત્તર દિશામાં અને ક્રિક દક્ષિણ તરફ રવાના થયો.
દરેક દિશામાં પાંચ-સાત નાના-મોટા પુસ્તકાલયો હતાં. અંતર મોટેભાગે એકબીજાથી વધુ હતું એટલે એક દિવસે એક જ લાઈબ્રેરીમાં શોધખોળ કરવાનું નક્કી કર્યું હતું. લા-બિબિલીયો, નેશનલ લાઈબ્રેરી અને મ્યુનિસિપલ લાઈબ્રેરીઓ મુખ્ય હતી, એટલે અમે પહેલાં એ લાઈબ્રેરીઓમાં પુસ્તકો ઉથલાવવાનું શરૂ કર્યું.
છાપામાં પેરુની ભૂગોળની વાત હતી એટલે ભૂગોળ સિવાયના પુસ્તકો કોઈ કામના નહોતાં. મેં બધાને કહી રાખ્યું હતું કે માત્ર ને માત્ર ભૂગોળ વિભાગમાં જ તપાસ કરવાની છે.
મોટો ટેક્સીએ મને મ્યુનિસિપલ લાઈબ્રેરી પાસે ઉતાર્યો. બે માળની આધુનિક ઈમારતમાં પ્રવેશી હું કાઉન્ટર પાસે ગયો.
‘ભૂગોળ વિભાગ ?’ મેં કાઉન્ટર પાછળ બેઠેલા લાઈબ્રેરીયનને પૂછ્યું.
‘સામેથી ડાબી બાજુએ વળશો એટલે છેલ્લે આવશે.’ પાંત્રીસેક વરસના લાઈબ્રેરીયને જવાબ આપ્યો.
લાઈબ્રેરીયનનો આભાર માનીને હું એ તરફ આગળ વધ્યો. ભૂગોળ વિભાગ શોધવામાં તકલીફ ન પડી. નજર કરી તો આદમકદના દસેક કબાટો હતા. બધામાં પુસ્તકો ભર્યાં હતાં. શરૂઆત કરતાં પહેલાં જ મને પરસેવો વળી ગયો. પણ ગમે તે ભોગે પુસ્તક અને તેમાંની કડી શોધવી અનિવાર્ય હતી.
હું કામે વળગી ગયો. પેરુની ભૂગોળની સામાન્ય બાબતોથી માંડીને તેના હવામાન, ફરવાના સ્થળો, એમેઝોન નદીકાંઠાના પ્રદેશો, એન્ડીઝ પર્વતમાળા, આબોહવા સહિતના વિષયોવાળાં પુસ્તકો હતાં. હું દરેક પુસ્તક ઉઠાવીને પાનાં ફેરવવા લાગ્યો. ક્યાંય પણ કાંઈ અજુગતું દેખાય તો તેના તરફ ધ્યાન આપવાનું હતું.
મેં પુસ્તકો ઉથલાવવાનું શરૂ કર્યું. બે-ચાર-દસ પુસ્તકોનાં પાનાં ફેરવી ગયો. કાંઈ શંકાસ્પદ દેખાયું નહીં. અમુક ચોપડીઓમાં લોકોએ ચિતરામણ કરીને વિકૃતિ દર્શાવી હતી. લોકોએ દોરેલાં અસ્પષ્ટ ચિત્રો જોવાનો કોઈ મતલબ નહોતો.
આખરે ચારેક કલાકને અંતે હું આખા ભૂગોળ વિભાગમાં ફરી વળ્યો. મને નિષ્ફળતા સાંપડી. મારા મિત્રો કેવા સમાચાર લઈને આવે છે એ જાણવાની મને ઉત્સુકતા હતી. હું થાક્યો-પાક્યો ઘરે પહોંચ્યો. સાંજે બધાએ મારા ઘરે આવીને રિપોર્ટીંગ કરવું એવું નક્કી થયું હતું.
સાત વાગતાં સુધીમાં અમે પાંચેય દોસ્તો ભેગા થઈ ગયા. મારા સહિત બધાના ચહેરા ઊતરેલા હતા. પશ્ચિમ તરફ ગયેલા થોમસ અને જેમ્સ બે-ચાર પુસ્તકો ઘરે લઈ આવ્યા હતા. અમે તરત જ એ પુસ્તકોનાં પાનાં ફેરવવા માંડ્યાં. એ બધી ચોપડીઓમાં જુદાં જુદાં પ્રકરણોમાં હાઈલાઈટર પેન વડે અમુક શબ્દો અને વાક્યો રંગેલાં હતાં. એ રાત્રે મોડે સુધી અને બીજા દિવસની સવાર અમે એ વાક્યો અને શબ્દોની કડીઓ જોડવામાં વિતાવી. સંદેશાને ઉકેલવાની અમને આવડતી હતી એ તમામ રીતો અજમાવી જોઈ. પરિણામ ન મળ્યું.
‘અરે યાર ! આ ફ્રેડી કાકાએ કોણ જાણે કઈ જગ્યાએ અને કયાં પુસ્તકમાં કડી છુપાવી હશે. હું તો કંટાળી ગયો.’ ક્રિક ધબ દઈને ટેબલ પાસેથી સોફા પર ઢળી પડયો. એક જ દિવસમાં એનો નકારાત્મક સ્વભાવ એના પર હાવી થઈ ગયો.
‘આ કાંઈ સહેલું કામ તો નથી જ ને, ક્રિક !’ મેં નારાજગી સાથે કહ્યું, ‘આપણે અત્યારે નજર સામે માત્ર ને માત્ર વોટ્સનને રાખવાનો છે. આપણે જેટલી ઝડપ કરીશું એટલી જ વહેલી તકે એને છોડાવી શકીશું. આ રીતે શરૂઆતમાં જ ફસકી ન જા.’
‘સારું, ચાલો. ફરી કામે વળગું.’ ક્રિકે મોટો નિસાસો નાખ્યો અને પોતાની જાતને માંડમાંડ ઊભી કરીને ટેબલ પાસેની ખુરશી પર બેઠો. ચહેરા પર હજી કંટાળો પ્રસરેલો હતો. મને એને જોઈને બે ઘડી હસવું આવ્યું, પણ પછી હું ગંભીરતાપૂર્વક કામે ચડી ગયો.
લાવ્યા હતા એ બધાં પુસ્તકો બપોર સુધી ફેંદી નાખ્યાં. ક્યાંય અમને એવું કશું લખેલું ન જડ્યું કે જેને ફ્રેડી જોસેફના દલ્લા સાથે અથવા તો એન્ડીઝ પર્વતમાળાના કોઈ પહાડ સાથે સંબંધ હોય. પરિણામથી લગભગ અમે બધા નાસીપાસ થઈ ગયા.
બીજે દિવસે ફરી ઉપડ્યા બીજી લાઈબ્રેરીઓમાં. કેટલીક લાઈબ્રેરીઓમાં પુસ્તક લઈ જવા માટે સભ્ય બનવું ફરજીયાત હતું. ત્યાં ફોર્મ ભરીને સભ્ય બન્યા. ફરી ભૂગોળના નાના-મોટાં થોથાં ઉથલાવવા શરૂ કર્યાં.
પાંચમે દિવસે હું સેન્ટ પાબ્લો લાઈબ્રેરીમાં પુસ્તકો ઉલટસુલટ કરી રહ્યો હતો. એ વિભાગમાં એકાદ-બે લોકો જ આંટા મારતા હતા. એક સમયે ચોપડીઓ પરથી મારી ત્રાંસી નજર મારી જ લાઈનમાં થોડે દૂર ઊભા રહીને કબાટ ફંફોસતા એક માણસ પર પડી. એ માણસ પણ મારી જ સામે જોઈ રહ્યો હતો. મારી આંખો મળી એટલે એણે મોઢું ફરી કબાટમાં નાખ્યું. ખબર નહીં કેમ પણ મને એની હિલચાલ શંકાસ્પદ લાગતી હતી. જાણે મારી જાસૂસી કરતો હોય એવું તરત જ કળાઈ આવતું હતું. જોકે એમાં કાંઈ નવાઈ થોડી હતી ! અમને જે શખ્સે આ કામ સોંપ્યું છે એ અમે બરાબર કરીએ છીએ કે નહીં એ જાણવા માટે એણે અમારી પાછળ એના માણસો મૂક્યા હોઈ જ શકે.
પેલા તરફ બહુ ધ્યાન ન આપીને હું ફરી કામે વળગ્યો. અડધો-પોણો કલાક પછી એક પુસ્તક મળ્યું. ઉપર લખ્યું હતું – ‘એન્ડિઝનું આકર્ષણ.’ એ પુસ્તકના પાનાં મેં બીજી ચોપડીઓની જેમ જ ઉથલાવ્યાં ત્યાં અમુક પાનાં પર કંઈક દેખાયું. મેં ફરી એ છૂટાછવાયાં પાનાં પર નજર નાખી. પાનામાં નીચે લખેલા પેજ નંબર ફરતે વર્તુળ દોરવામાં આવ્યાં હતાં. આવું આખા પુસ્તકમાં દસેક જગ્યાએ જોવા મળ્યું. ચોપડી જૂની હતી, પણ પાના નંબર ફરતે પેનથી કરેલી ગોળ નિશાની તાજી હોય એવું લાગતું હતું. મારો અંતરઆત્મા કહેતો હતો કે એ પુસ્તકનું બારીકાઈથી અવલોકન કરવું જોઈએ. એમાંથી કંઈક મળવાની શક્યતા પ્રબળ હતી.
પુસ્તક લઈને હું ડેસ્ક તરફ ગયો ત્યારે પેલો માણસ ક્યાંય દેખાતો નહોતો. એને અવગણીને મેં લાઈબ્રેરિયન પાસેથી પુસ્તક ઈશ્યૂ કરાવ્યું અને ઘર ભણી ચાલ્યો.
સાંજે ફરી બધા મારા ઘરે ભેગા થયા.
‘મને એક શંકાસ્પદ પુસ્તક મળ્યું છે, મિત્રો.’ કહીને મેં એમને અમુક પાના નંબર ફરતે કરેલા વર્તુળોની વાત કરી. પુસ્તક ખોલીને એ ગોળ ચિત્રણ તરફ બધાનું ધ્યાન દોર્યું.
સામે થોમસે એક જાડો થોથો પલંગ પર મૂક્યો. પાંચ-સાત પાનાં ઉથલાવી જેમ્સે કહ્યું, ‘અમને આ થોથામાં કંઈક વિચિત્ર લાગ્યું. જુઓ, આમાં અમુક અમુક ઠેકાણે શબ્દોની નીચે લાઈન દોરેલી છે.’ એણે આંગળી વડે અમને બતાવ્યું. એ અને થોમસ પલંગ પર પડેલા પુસ્તકની સામસામે બેઠા હતા. હું, વિલિયમ્સ અને ક્રિક એમની ફરતે ઊભા હતા.
‘ઠીક છે. તમે બંને એ થોથામાં જેટલા શબ્દો નીચે લાઈન કરી છે એ બધા શબ્દો નોંધી લો.’ મેં કહ્યું, ‘હું, વિલિયમ્સ અને ક્રિક આ પુસ્તકમાંથી કુંડાળા કરેલા આંકડાઓ નોંધી લઈએ છીએ.’
અને અમે કામ શરુ કરી દીધું. હું જે પુસ્તક લાવ્યો એમાંથી આંકડા ટપકાવવા શરુ કર્યા. પાના નંબર 9 ઉપર એક સર્કલ હતું. પછી અગિયાર નંબરના પાના પર 1 નંબર ફરતે વર્તુળ કરેલું હતું. એમ કરતાં કરતાં અમને આખા પુસ્તકમાંથી કુલ સાત અંક મળ્યા: 9137726.
અમારું કામ પૂરું થયું એટલે અમે જેમ્સ અને થોમસને મદદ કરાવવા માંડી. એ થોથું હતું તો અંગ્રેજી ભાષાનું પણ એમાં આવતા સ્પેનિશ શબ્દો નીચે લીટી દોરવામાં આવી હતી. કેટલાક વાચકોને પુસ્તકમાં અન્ડરલાઈન કરવાની ટેવ હોય છે. આ એવું જ કંઈક લાગતું હતું. છતાં અમે એ શબ્દો પણ નોટબુકમાં નોંધી લીધા.
થોડીવારે ચા-નાસ્તા માટે બધાએ કામ પડતું મૂક્યું. આ દરમિયાન મેં એમને લાઈબ્રેરીમાં દેખાયેલા શંકાસ્પદ માણસની વાત કરી. તે બાબતે મારા મિત્રોના અલગ અલગ મત પડ્યા. થોમસે કહ્યું કે એ ફ્રેડી જોસેફનો માણસ હશે, તો ક્રિકને એ આદમી વોટ્સનના અપહરણકર્તાનો માણસ હોવાનું લાગ્યું. તો વળી વિલિયમ્સના મતે એ શખ્સ લાઈબ્રેરીમાં આવેલી કોઈ એકલદોકલ વ્યક્તિથી વિશેષ નહોતો લાગતો. જે હોય તે, પણ અત્યારે અમારે ચોપડીઓમાંથી મળેલા આંકડાઓ અને શબ્દો પર જ ધ્યાન આપવાનું હતું. કશુંક તો મળશે જ એવી મને આશા હતી.
(ક્રમશઃ)