અપહરણ - 1 Param Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપહરણ - 1

લગભગ છ વર્ષ પછી ‘માતૃભારતી’ પર પાછો ફરી રહ્યો છું. મારી પહેલી વાર્તા ‘સ્પેક્ટર્નનો ખજાનો’ સાથે મેં ‘માતૃભારતી’થી જ લેખન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. અહીંના વાચકોએ મને ખૂબ સારો આવકાર આપ્યો. ત્યાર બાદ ‘સ્પેક્ટર્નનો ખજાનો’ને અમોલ પ્રકાશન તરફથી પુસ્તકનું પણ સ્વરૂપ મળ્યું. એ પછી છ-છ વર્ષ સુધી વાર્તા ન લખી શકાઈ. સતત વાંચન પ્રવૃત્તિ જ ચાલી. પણ એક દિવસ દિમાગે ઢંઢોળ્યો. ‘સ્પેક્ટર્ન...’માં છોડેલા એક છેડાએ નવો પ્લોટ સુઝાડ્યો અને આ બીજો ભાગ રચાઈ ગયો. મારી ઈચ્છા ‘સ્પેક્ટર્ન...’ના પ્રથમ વાચકો સમક્ષ જ આ કથાને મૂકવાની હતી, એટલે હું લાંબા સમય બાદ હાજર થઈ ગયો છું. આ વખતે આપણે એન્ડીઝના પહાડોમાં જવાનું છે ! તો ચાલો, તમારો વધુ સમય ન લેતાં કથા શરુ કરીએ. સારો-માઠો ગમે તેવો અભિપ્રાય લખી મોકલશો તો ગમશે.

 

- પરમ દેસાઈ

(desaiparam1997@gmail.com)

(Whatsapp: 7990504181)

 

***

 

૧. નનામી જાસાચિઠ્ઠી

 

૧૯૬૧ના જૂન મહિનાનો દિવસ.

દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે આવેલા દેશ પેરુનું પાટનગર લીમા.

સિટી બસે મને એન્કોન બીચના સ્ટોપ પર ઊતાર્યો. આજે, જૂનની એક ઠંડી સાંજે અમે ચાર મિત્રો ગ્રેજ્યુએટ થયા તેના માનમાં એન્કોનના દરિયાકાંઠે કૉફી-પાર્ટીનું આયોજન કર્યું હતું. મારા દોસ્તો ક્યારના બીચ પર પહોંચી ગયા હતા. મારે ઘરનું એક કામ હતું એ પતાવીને એમની સાથે જોડાઈ ગયો.

પેરુના સૌથી મોટા શહેર અને ઔદ્યોગિક નગર લીમામાં અમારો વસવાટ. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળાઓમાંની એક એન્ડીઝ પણ પેરુની ઓળખને વધારે ખ્યાતિ અપાવે છે. આટલું ઓછું હોય એમ દુનિયાની સૌથી લાંબી નદીઓમાં બીજા નંબરની એમેઝોન નદીના હરિયાળાં જંગલો અને પહાડોના ખોળે વસેલાં પેરુનાં કેટલાંક નગરો તેને વિશિષ્ટ દેશ તરીકે જુદો પાડી આપે છે.

રેતાળ કિનારા પર ઊભેલા ‘ગોમેઝ બાર’માં હું પ્રવેશ્યો. બારની બરાબર સામે જ મસ્ત દરિયો ઘૂઘવતો હતો.

‘અરે, એલેક્સ આવી ગયો !’ વાતોનાં વડાં ઝીંકતા થોમસે મને જોયો એટલે બધાને શાંત પાડ્યા. ગોળ ટેબલની ફરતે મારા ચાર મિત્રો થોમસ, જેમ્સ, ક્રિક અને વિલિયમ્સ ખુશખુશાલ ચહેરે બેઠા હતા.

‘લઈ આવ્યો ઘર માટે બ્રેડ-બેડ, ભાજી-તરકારી ?’ થોમસે આંખ મિચકારી.

‘કરી લે જેટલી મશ્કરી કરવી હોય એટલી !’ મેં એક ખુરશી પર બેઠક જમાવી. ‘તારા જેવું આળસુ ખાતું નથી મારું.’

‘હીહીહી !’ થોમસે દાંત દેખાડ્યા. પછી ઉમેર્યું, ‘ચાલો હવે ઓર્ડર આપી દઈએ.’

‘અરે પણ વોટ્સન ક્યાં છે ? દેખાતો નથી.’ મેં ઉત્સુકતાથી પૂછ્યું. ‘આમેય મને તો ઘણો વખત થઈ ગયો એને મળ્યે.’

‘એને કાંઈક ઘર બદલવાની માથાકૂટ ચાલતી હતી. છેલ્લે અઠવાડિયા પહેલાં હું મળ્યો હતો.’ જેમ્સે જવાબ આપ્યો. ‘પછી મુલાકાત નથી થઈ.’

મને નવાઈ લાગી. ઘર બદલવું એ કાંઈ એવી મોટી સમસ્યા નથી કે વોટ્સન અમારી સાથે આનંદ-ઉજવણી ન કરી શકે. કૉલેજ પૂરી થયે તો બે મહિના થઈ ગયા હતા. ત્યાર પછી પણ એણે એક-બે વખત દેખા દીધા હતા. પણ પછી રોજિંદા જીવનની વ્યસ્તતા વચ્ચે એના વિશે કોઈ વિચાર નહોતા આવ્યા. જેમ્સે કહ્યું તેમ એ જો અઠવાડિયાથી દેખાયો ન હોય તો અમારે એના હાલચાલ પૂછવા જરૂરી હતા.

‘વોટ્સન તો છે જ એક નંબરનો નમૂનો !’ જેમ્સે રમૂજ કરી. ‘જોયું નહીં આપણે ‘સ્પેક્ટર્ન’ વખતે ? સાલો એક નંબરનો નાટકિયો નીકળ્યો.’

જેમ્સની વાત પરથી મને અમારી પાછલી સફર યાદ આવી ગઈ. લીમાના નાગરિકોની અમૂલ્ય અમાનત સહીસલામત પાછી લઈ આવવા માટે અમારે પેસિફિક મહાસાગરના ‘સ્પેક્ટર્ન’ ટાપુ પર જવું પડ્યું હતું. જાનની બાજી લગાવીને અમે એ સાહસ ખેડ્યું અને છેલ્લે આખા બખેડામાં વોટ્સને ભજવેલા ભાગનો જ્યારે ઘટસ્ફોટ થયો હતો ત્યારે અમે મોઢામાં આંગળા નાખી ગયા હતા. (વાંચો ‘સ્પેક્ટર્નનો ખજાનો.’)

‘આખીય સફર માટે એ નિમિત્ત બન્યો એટલે શું એણે આમ ખોટા તોરમાં રહેવાનું ?’ વિલિયમ્સે પહેલી વખત મોઢું ખોલ્યું. ‘ચાલો હવે, એને અત્યારે તડકે નાખો અને જે મંગાવવાનું હોય એ મંગાવવા માંડો.’

અમે લોકોએ અમારી ટેવ મુજબ અહીંની જાણીતી ફિલ્ટર કૉફીનો ઓર્ડર આપી દીધો. આજે બારમાં ઠીકઠીક ભીડ હતી. લોકો પોતપોતાની વાતોમાં એવા મશગુલ હતા કે બારમાં સંભળાતું ધીમું સંગીત વધુ મંદ બની ગયું હતું. 

કૉફી આવી એટલે અમે તેને ન્યાય આપ્યો. થોડી ઠઠ્ઠામશ્કરી કરી અને પછી બારમાંથી નીકળ્યા. સૂરજ હવે પશ્ચિમ દિશામાં ઢળવાની તૈયારીમાં હતો. તેના કેસરિયા પ્રકાશમાં એન્કોનનો કાંઠો સોનેરી દેખાતો હતો. લોકો બીચ પર મજા માણી રહ્યાં હતાં તેનો શોરબકોર ફેલાયેલો હતો.

‘ચાલો, અત્યારે તો આપણેય મોજ મસ્તીનો જ વખત છે ને !’ જેમ્સ રમતિયાળ અંદાજમાં બોલ્યો. એ અમારા મંડળમાં બધાથી નાનો હતો – પણ માત્ર એક જ વરસ.

‘હા, સાચી વાત.’ મેં એની વાતમાં ટાપશી પૂરાવી. ‘ચાલો, નીકળી પડીએ ક્યાંક ! પ્રોફેસર બેન સાથે કાંઈ વાત થઈ ?’ પ્રોફેસર બેન પણ ‘સ્પેક્ટર્ન’ વખતે અમારી સાથે જોડાયા હતા અને અમને ઘણા મદદરૂપ થયા હતા. શહેરના સમૃદ્ધ વિસ્તાર અલ્બિનો હરેરા સ્ટ્રીટના છેડે એમનું બે મજલું સુંદર ઘર હતું.

‘ના રે ના ! કાંઈ વાત નથી થઈ.’ જેમ્સે કહ્યું.

‘ઠીક ત્યારે. અત્યારે તો ઘેર જઈએ. આગળનું પછી વિચારીશું.’ મેં કહ્યું અને અમે બસ સ્ટેન્ડ તરફ ચાલતા થયા. અમારા બધાના ઘર પહાડી ઢોળાવ પાસે એક જ હાઉસિંગ કૉલોનીમાં હતાં એટલે અમે સાથે જ નીકળ્યા. બહારથી બધાના ચહેરા પર મલકાટ હતા, પણ અંદરથી તો બધા વોટ્સન વિશે જ વિચાર કરી રહ્યા હતા. એ હમણાંથી કેમ દેખાતો નહોતો ? 

  ***

તરત પછીના જ દિવસે હું થોમસને લઈને અમારી હાઉસિંગ કૉલોનીમાં વોટ્સનના જૂના ઘરે પહોંચ્યો. ત્યાંના ચોકીદારે અમને એનું નવું એડ્રેસ આપ્યું. અઠવાડિયા પહેલાં જ વોટ્સન પરિવાર સાથે બીજે રહેવા ચાલ્યો ગયો હોવાનું જણાવ્યું. સેન માર્ટીન સ્ટ્રીટ નામની એ ગલી અમારી કૉલોનીથી ઝાઝી દૂર નહોતી.

અમે રાજમાર્ગ જેવા સેમ્યુઅલ માર્ગ પર થઈને માર્ટીન સ્ટ્રીટમાં પ્રવેશ્યા. અહીં બધાં ઘર એકસરખાં જ હોય એવું લાગતું હતું. અમને વોટ્સનનું ૧૨ નંબરનું ઘર શોધવામાં તકલીફ ન પડી.

મેં નાનકડી ઝાંપલી ખોલી, પગથિયાં ચડી ડોરબેલ દબાવ્યો. થોમસ મારી જમણી બાજુ ઊભો હતો.

થોડી વારે વોટ્સનની મમ્મીએ દરવાજો ખોલ્યો. પણ... હંમેશા હસમુખ રહેતી એની મમ્મીનું ગમગીન મોઢું જોઈને આઘાત લાગ્યો. એમણે અમને એમની ઉદાસીની જાણ ન થવા દીધી અને સ્મિત સાથે આવકાર આપ્યો. પણ એ સ્મિત ફિક્કું હતું.

‘અરે ! એલેક્સ, થોમસ ! આવો ને.’ કહી એ ખસી ગયાં. અમે અંદર પ્રવેશ્યા. એમણે બારણું બંધ કર્યું. સામે સોફા પર વોટ્સનના પપ્પા બેઠા હતા. એમણે પણ પરાણે સ્વસ્થતા જાળવી હોય એવું લાગતું હતું.

‘વાહ ! આ નવું ઘર મસ્ત છે.’ થોમસે ઉદ્દગાર કાઢ્યો. ‘અમને જાણ તો હતી કે તમે લોકો શિફ્ટિંગ કરવાના છો, પણ પાક્કી તારીખ ખબર નહોતી.’

વોટ્સનનાં મમ્મી-પપ્પાએ મુસ્કાન ફરકાવી.

‘ક્યાં છે અમારો દોસ્તાર ? ઘણા સમયથી મળ્યા નહોતા તો વિચાર્યું કે મળતા આવીએ.’ મેં ઘરમાં ચોતરફ નજર ઘૂમાવીને પૂછ્યું. વોટ્સનના મા-બાપે જાણે જવાબ ગોઠવતાં હોય તેમ બે પળ વિચાર્યું.

‘અ... અહીં મોલમાં જ ગયો છે. કેમ, કંઈ કામ હતું ?’ એના પપ્પા બોલ્યા.

‘ના ના. બસ આમ જ એને મળવા આવ્યા હતા.’ થોમસે હસીને કહ્યું. એના જવાબમાં દંપતી ફરી પરાણે મલકાયું. ફરી એની એ જ ઉદાસીએ એમના ચહેરા પર કબજો જમાવી લીધો. મને લાગ્યું કે એમને હશે કોઈક અંગત પ્રશ્ન. અમારે તેમાં માથું ન મારવું જોઈએ.

પછી તો અમે ફેરવી ફેરવીને ઘણા સવાલો એમને પૂછ્યા, પણ એ લોકો જાણે વાત કરવા રાજી ન હોય તેમ બહુ જ ટૂંકા જવાબો આપતાં હતાં. એમની સ્થિતિ જોઈને મેં થોમસને નીકળી જવાનો ઈશારો કર્યો અને અમે વિદાય લીધી.

‘અંકલ-આંટી કોઈક ચિંતામાં હતાં, નહીં ?’ અમે મોટો ટેક્સી કહેવાતી રીક્ષામાં બેઠા ત્યારે મેં થોમસને પૂછ્યું.

‘હા, લાગતું હતું તો એવું જ. હશે કંઈક. એ તો આપણને વોટ્સન કહેશે.’ એણે કહ્યું. મોટો ટેક્સી અમારી હાઉસિંગ કૉલોનીમાં પ્રવેશી ત્યારે સૂર્ય એકદમ માથે તપતો હતો.

***

સાંજે મારા ઘરની ડોરબેલ વાગી. દરવાજો ખોલ્યો તો સામે કોઈ નહોતું. મેં આમ-તેમ નજર ફેરવી. કોઈ દેખાયું નહીં. મારું ધ્યાન નીચે ગયું. ઉંબરા પાસે એક કવર પડ્યું હતું. એને ઉઠાવીને હું અંદર આવ્યો. કવર ફોડ્યું તો અંદરથી એક કાગળ નીકળ્યો. તેમાં લખ્યું હતું :

 

‘હેલ્લો દોસ્તો ! તમારો પ્યારો મિત્ર વોટ્સન હમણાં થોડા સમય સુધી તમને નહીં મળી શકે, કારણ કે અત્યારે મેં એને મારો મહેમાન બનાવ્યો છે. જો એ કાયમ માટે તમારાથી દૂર થઈ જાય એવું તમે ન ઈચ્છતા હો તો માત્ર એક કામ કરવાનું છે. પીઢ સાહસિક ફ્રેડી જોસેફનું તો નામ સાંભળ્યું જ હશે. એક જમાનામાં એ ઉમદા સાહસિક સંશોધક અને પ્રવાસી હતા. હવે જિંદગીના પાછલાં વર્ષો ખૂબ આનંદથી વીતાવે છે. ફ્રેડી જોસેફે એક મજેદાર રમતની શરૂઆત કરી છે. આપણી એન્ડીઝ પર્વતમાળાના કોઈક શિખર પર એમણે પોતાની સંપત્તિ છુપાવી છે અને દેશભરના યુવા સાહસિકોને એ શોધી કાઢવા આહ્વાન કર્યું છે. બીજું કોઈ એને શોધી લે તે પહેલાં તમારે લોકોએ એમની સંપત્તિ ખોજી લેવાની છે. જો ખજાનો શોધી લેશો તો એ રકમ એને શોધનારને આપવાનું ફ્રેડી વચન આપે છે. તમારે મને એ દલ્લો લાવી આપવાનો છે. બદલામાં વોટ્સન તમને પાછો સોંપી દઈશું. અને હા, પોલીસને જાણ કરવાની કોશિશ બેકાર છે, કેમ કે મારા ભેદિયાઓ બધે જ છે ! એ જ રીતે જો ફ્રેડી જોસેફને પણ વોટ્સન અંગે કાંઈ પણ જણાવ્યું છે તો પરિણામ બૂરું આવશે. છતાં દુઃસાહસ કર્યું તો વોટ્સનને ભૂલી જજો !

 

નનામો પત્ર વાંચીને મારા માથે વીજળી ત્રાટકી. મારા હાથ ધ્રૂજવા લાગ્યા. બે ઘડી હું સુન્ન બની એમ જ ઊભો રહી ગયો. પછી સોફામાં ઢળી પડયો.

(ક્રમશઃ)