કરુણા - 1 Rushil Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરુણા - 1

કરુણા


લેખક : રવીન્દ્રનાથ ટાગોર

અનુવાદ : રૂષિલ ડોડીયા


ભૂમિકા


ગામમાં અનુપકુમાર જેવું ધનવાન બીજું કોઈ નહોતું. અતિથિશાળા બંધાવવી, દેવાલયની પ્રતિષ્ઠા કરવી, તળાવ ખોદાવવા જેવા અનેક સત્કર્મોમાં તેઓ ધન ખર્ચતા હતા. તેમની પાસે તિજોરી ભરેલા નાણાં હતાં, દેશવિખ્યાત યશ હતો અને રૂપવતી કન્યા હતી. આખું યૌવન ધન કમાવવામાં વિતાવીને અનુપ હવે વૃદ્ધાવસ્થામાં વિશ્રામ કરી રહ્યા હતા. હવે તેમને માત્ર એક જ ચિંતા હતી કે કન્યાના વિવાહ ક્યાં કરવા. યોગ્ય વર મળતો નહોતો અને વૃદ્ધાવસ્થાના એકમાત્ર આશરા જેવી દીકરીને પારકા ઘરે મોકલવાની ઈચ્છા નહોતી—તેથી જ 'આજ-કાલ' કરતા તેમની દીકરીના લગ્ન થતા નહોતા.


સખીના અભાવે કરુણાને સહેજ પણ કષ્ટ થતું નહોતું. તે એટલી કલ્પનાશીલ હતી કે કલ્પનાના સપનાઓમાં તે આખો દિવસ અને રાત એટલા સુખમાં વિતાવતી કે તેને એક ક્ષણ માટે પણ દુઃખનો અનુભવ થયો નહોતો. તેની પાસે એક પક્ષી હતું, તે પક્ષીને હાથમાં લઈને અંતઃપુરના તળાવના કિનારે તે કલ્પનાનું સામ્રાજ્ય રચતી. ખિસકોલીની પાછળ દોડાડોડી કરીને, પાણીમાં ફૂલો પધરાવીને, માટીના શિવ બનાવીને તે સવારથી સાંજ સુધીનો સમય વિતાવતી. એક-એક ઝાડને પોતાની સખી, બહેન, પુત્રી કે પુત્ર માનીને તેમની ખરેખર તે રીતે જ સંભાળ રાખતી, તેમને ખાવાનું આપતી, હાર પહેરાવતી, અનેક રીતે વહાલ કરતી; અને જો તેમના પાંદડા સુકાય કે ફૂલ ખરી પડે તો તે ખૂબ જ વ્યથિત થઈ જતી. સાંજે પિતા પાસેથી જે કંઈ વાર્તાઓ સાંભળતી, બગીચામાં પક્ષીને તે જ સંભળાવતી. આ રીતે કરુણાએ તેના જીવનના પ્રભાતકાળનો ખૂબ જ સુખદ પ્રારંભ કર્યો હતો. તેના પિતા અને પાડોશીઓ માનતા હતા કે આખી જિંદગી કદાચ આ રીતે જ વીતી જશે.


થોડા સમય પછી કરુણાને એક સાથી મળ્યો. અનુપના એક વિશ્વાસુ વૃદ્ધ બ્રાહ્મણ મૃત્યુ સમયે તેમના અનાથ પુત્ર નરેન્દ્રને અનુપકુમારના હાથમાં સોંપી ગયા હતા. નરેન્દ્ર અનુપના ઘરે રહીને અભ્યાસ કરતો હતો. પુત્રહીન અનુપ નરેન્દ્રને ખૂબ જ સ્નેહ કરતા હતા. નરેન્દ્રનો ચહેરો બહુ પ્રીતિદાયક (આકર્ષક) નહોતો, પરંતુ તે કોઈની સાથે ભળતો નહીં, રમતો નહીં કે વાત કરતો નહીં, તેથી તે એક ભલો માણસ હોવાની તેની ખૂબ ખ્યાતિ થઈ હતી. આખા ગામમાં એવી વાત ફેલાઈ ગઈ હતી કે નરેન્દ્ર જેવો શાંત અને ડાહ્યો છોકરો બીજો કોઈ નથી. મહોલ્લામાં એવો કોઈ વૃદ્ધ નહોતો જે પોતાના ઘરના બાળકોને દરેક કામમાં નરેન્દ્રનું ઉદાહરણ ન આપતો હોય.


પરંતુ મેં ત્યારે જ કહ્યું હતું કે, ‘નરેન્દ્ર, તું બહુ સારો છોકરો નથી.’ કોણ જાણે કેમ, નરેન્દ્રનો ચહેરો મને કોઈ રીતે ગમતો નહોતો. અસલ વાત એ છે કે, આવા નાની ઉંમરે મોટા જેવી ગંભીરતા રાખનારા અને અતિશય ડાહ્યા-શાંત છોકરાઓ મને નથી ગમતા.


અનુપકુમારે સ્થાપેલી પાઠશાળામાં રઘુનાથ સાર્વભૌમ નામના એક ગુરુજી હતા. તેઓ નરેન્દ્રને અત્યંત ચાહતા હતા, નરેન્દ્રને વારંવાર પોતાના ઘરે લઈ જતા અને અનુપ પાસે તેની ખૂબ પ્રશંસા કરતા.


આ નરેન્દ્ર જ કરુણાનો સાથી બન્યો. કરુણા નરેન્દ્ર સાથે તે તળાવના કિનારે જઈને માટીના ઘર બનાવતી, ફૂલોના હાર ગૂંથતી અને પિતા પાસેથી જે વાર્તાઓ સાંભળી હોય તે નરેન્દ્રને સંભળાવતી. કલ્પનાશીલ બાળકીની બધી જ કલ્પનાઓ નરેન્દ્ર પર કેન્દ્રિત થઈ ગઈ. કરુણા નરેન્દ્રને એટલી ચાહતી કે થોડીવાર પણ તેને ન જુએ તો તેને ગમતું નહીં. નરેન્દ્ર પાઠશાળા જાય ત્યારે તે પક્ષીને હાથમાં રાખીને ઘરના દરવાજે ઊભી રહીને તેની રાહ જોતી. દૂરથી નરેન્દ્રને જોતા જ દોડીને તેનો હાથ પકડીને પેલા તળાવના કિનારે નાળિયેરીના ઝાડ નીચે લઈ આવતી, અને તેની કલ્પનાની અવનવી વાતો સંભળાવતી.


નરેન્દ્ર જેમ-જેમ મોટો થયો તેમ તેને કોલકાતાની અંગ્રેજી શાળામાં ભણવા મોકલવામાં આવ્યો. કોલકાતાની હવા લાગતા ગ્રામીણ બાળકમાં કેટલાક ગંભીર રોગ (દુર્ગુણો) પેદા થયા. મેં સાંભળ્યું છે કે શાળાની ફી અને પુસ્તકો ખરીદવા માટે જે કંઈ ખર્ચ મળતો, તેનાથી નરેન્દ્રના તમાકુનો ખર્ચ સારી રીતે નીકળી જતો. દર શનિવારે ગામ જવાનો નિયમ હતો, પરંતુ નરેન્દ્રએ તેના સાથીદારોના મોઢે સાંભળ્યું હતું કે જો શનિવારે કોલકાતા છોડીને જવું પડે, તો એના કરતાં ગળે ફાંસો ખાઈને મરી જવું શું ખોટું! બાળકે ઘરે જઈને અનુપને સમજાવી દીધું કે જો તે અઠવાડિયામાં બે દિવસ ઘરે રહેશે તો તે પરીક્ષામાં પાસ થઈ શકશે નહીં. નરેન્દ્રની વિદ્યા પ્રત્યેની રુચિ જોઈને અનુપના મનમાં નક્કી થઈ ગયું કે મોટો થઈને તે 'ડેપ્યુટી મેજિસ્ટ્રેટ' બનશે.


ત્યારે બે-ત્રણ મહિને એકવાર નરેન્દ્ર ઘરે આવતો. પણ આ તે જૂનો નરેન્દ્ર નહોતો. પાનથી રંગાયેલા હોઠ, માથા પર ચાદર બાંધેલી, બે બાજુ બે મિત્રોના ગળે હાથ નાખીને, કોન્સ્ટેબલોને પણ ડરાવે તેવો નરેન્દ્ર સાંજ સમયે કોલકાતાની ગલીઓમાં ઝઘડા શોધતો ફરતો; ગાડીમાં કોઈ સજ્જનને જોતા જ અંગૂઠો બતાવી મજાક કરતો; બિચારા નિર્દોષ વટેમાર્ગુઓ પર ધૂળ ફેંકીને પોતે કંઈ નથી કર્યું તેમ આકાશ તરફ જોતો રહેતો—પણ ઘરે આવતા જ તે પાછો નિરીહ બની જતો અને આવતાની સાથે જ અનુપને વાંકા વળીને પ્રણામ કરતો. કોઈ વાત પૂછવામાં આવે તો મૃદુ સ્વરે, નીચું જોઈને, દીન ભાવે ઉત્તર આપતો અને જે રસ્તેથી અનુપ વારંવાર પસાર થતા હોય ત્યાં એક 'વેબસ્ટર ડિક્શનરી' કે તેના જેવું જ કોઈ મોટું પુસ્તક ખોલીને બેસી જતો.


નરેન્દ્ર ઘણા સમય પછી ઘરે આવતો ત્યારે કરુણા આનંદથી ખીલી ઉઠતી. નરેન્દ્રને બોલાવીને કેટલીય વાતો સંભળાવતી. બાળકી વાર્તા સંભળાવવા જેટલી આતુર હતી, તેટલી સાંભળવા માટે નહીં. કોઈની પાસેથી કોઈ નવી વાત સાંભળે તો જ્યાં સુધી તે નરેન્દ્રને ન કહી દે ત્યાં સુધી તે તેને બોજ જેવી લાગતી. પણ કરુણાની આવી બાળચેષ્ટાઓ પર નરેન્દ્રને હસવું આવતું, ક્યારેક તો તે કંટાળીને ભાગવાનો પ્રયત્ન કરતો. નરેન્દ્ર તેના મિત્રો પાસે કરુણાની વાતો કરીને તેની મજાક ઉડાવતો.


નરેન્દ્ર ઘરે આવે ત્યારે પંડિતજી (ગુરુજી) સૌથી વધુ ઉત્સાહિત થઈ જતા. તે સાંજે પણ ઘરની બહાર નીકળીને વાંસની ઝાડીઓવાળા રસ્તા પર રામ-નામ જપતા જપતા નરેન્દ્રને મળવા જતા. નરેન્દ્રને ઘરે જમવા બોલાવીને તેના ખબર-અંતર પૂછતા. આ પંડિતની વાતો સાંભળીને નરેન્દ્રના એક-બે મિત્રોએ તેની ચોટલી કાપવાની સલાહ આપી હતી, આ બાબતે ગંભીરતાથી ઘણી ચર્ચાઓ અને ષડયંત્રો થયા હતા, પણ ગામમાં નરેન્દ્રનો એવો કોઈ દબદબો નહોતો, તેથી પંડિતજીની ચોટલી સલામત હતી.


આ રીતે ગામમાં આદર અને શહેરમાં મોજ-મસ્તી મેળવીને નરેન્દ્ર મોટો થવા લાગ્યો. નરેન્દ્રનું બાળપણ વીતી ગયું.


અનુપ હવે અત્યંત વૃદ્ધ થઈ ગયા હતા, આંખે દેખાતું નહોતું, પથારીમાંથી ઉઠી શકતા નહોતા, અને એક ક્ષણ પણ કરુણાને પોતાની નજરથી દૂર કરતા નહીં. અનુપના જીવનના દિવસો પૂરા થવા આવ્યા હતા; તેમણે નરેન્દ્રને કોલકાતાથી બોલાવ્યો અને અંતિમ સમયે નરેન્દ્ર તથા પંડિતજીને બોલાવીને તેમના હાથમાં પોતાની કન્યા સોંપી દીધી.


અનુપના મૃત્યુ પછી સાર્વભૌમ મહાશયે (પંડિતજીએ) પોતે ગોરપદું કરીને નરેન્દ્ર સાથે કરુણાના વિવાહ


ક્રમશઃ