ઓર્ગેનિક ઉત્તરાયણ Thummar Komal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓર્ગેનિક ઉત્તરાયણ

છેલ્લા અડધા દાયકાથી આ ઓર્ગેનિક શબ્દ એટલો યુવાન થતો જાય છે કે સૌને એ શબ્દનું ઘેલું લાગતું જાય છે. બધા ના દિલ દિમાગમાં સ્થાન મેળવનાર ઓર્ગેનિક શબ્દનો મૂળ અર્થ વૈજ્ઞાનિક ભાષામાં તો સેન્દ્રીય ખાતર એવો થાય છે. પરંતુ આપણી ઓરીજનલ માતૃભાષામાં તો ઓર્ગેનિક એટલે શુદ્ધ, ભેળસેળ વગરનું, ચોખ્ખું એવો કરી શકાય. હવે વાત કરીએ ઉતરાયણની તો સૂર્ય જ્યારે ઉત્તરમાં આયણ એટલે કે પ્રવેશ કરે તે દિવસ એટલે ઉત્તરાયણ. સૂર્ય એટલે પ્રકાશનો સ્ત્રોત. સૂર્ય એટલે અટલ સત્ય. ઉત્તરાયણ નો બીજો અર્થ એ પણ કરી શકાય કે આપણા ઉત્તરમાં, આપણા પ્રત્યુતરમાં, આપણા કથનમાં સત્યનો પ્રવેશ, સમાવેશ હોવો. તો આપણી પોતાની વ્યાખ્યા પ્રમાણે ઉતરાયણ એટલે આપણા પ્રત્યેક કથનમાં ઓર્ગેનિક, કોઈપણ જાતની ભેળસેળ વગરના શુદ્ધ સત્યનું અસ્તિત્વ હોવું. ખરા અર્થમાં તો ઉત્તરાયણ નો તહેવાર રોજે રોજ આપણા વર્તનમાં, આપણી પ્રતિક્રિયામાં ઉજવાવો જોઈએ. પરંતુ એવું છે નહીં.

દરેક બે સંબંધો વચ્ચેની પારદર્શકતા ઓછી થતી જાય છે. બે સંબંધો વચ્ચે મૂંઝવણ, ગુંચવણ અને ગેરસમજના પડદા એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે માણસ પોતાના પ્રિયજનને નજીકથી જોઈ - જાણી પણ શકતો નથી. એક જ છતની નીચે રહેવા છતાં માણસ એકબીજાને ઓળખવામાં, જાણવામાં, પારખવામાં થાપ ખાઈ રહ્યો છે. કારણ કે માણસ પોતાના જ સ્વજન સાથે પારદર્શક નથી. સાથે રહેતા હોવા છતાં ખાલી થવા માટે, હૃદય ઠાલવવા માટે માણસને બહારની વ્યક્તિની જરૂર પડવા લાગી છે. કારણ કે સાથે રહેનાર વ્યક્તિ સામે તો માણસ કઈ કેટલાયે માસ્ક લગાવીને ફરે છે. સાથે રહેનાર વ્યક્તિ સ્વજન મટીને સહજન બનીને રહી જાય છે. પછી જરૂરી નથી કે આ સંબંધ માત્ર પતિ પત્નીનો જ હોય. મહદઅંશે દરેક સંબંધમાં આ ગ્રહણ લાગી ચૂક્યું છે. માણસ જેટલો બહારની વ્યક્તિ સામે ખુલે છે એટલો પોતાની વ્યક્તિ સામે રજૂ થઈ શકતો નથી.

સમય સમયનું કામ કરે છે. જે વાસ્તવિકતા છે એમાં કશી નવાઈ ની વાત નથી. યે તો ઘર ઘર કી કહાની હૈ. યાદ કરીએ તો જ્યારે કોરોના કાળમાં સતત ઘરમાં રહેવાનું થયું, અમુક માણસોને તો ત્યારે ખબર પડી કે ઘરના સભ્યો પણ મજાના માણસો છે. આપણે આપણા પોતાના જ માણસથી, પરિવારથી સરહદ કરીને રહેતા હોઇએ છીએ દો ગજ દુરી તો હમણાં હમણાં આવ્યું. આપણે તો પહેલેથી જ સો ગજ દૂરી એ રહેતા હતા. પ્રેવીસી નામનો રાક્ષસ ઘરમાં ઘૂસ્યો અને ઘરનો કલરવ હણાઈ ગયો. ઘરમાં ગુંજતા કિલ્લોલ ને બેડરૂમની ચાર દીવાલોમાં કેદ કરી દીધો. પ્રિવેસી ના ચક્કરમાં એટલું પ્રાઇવેટ થઈ જવાયું કે હવે અંદર ધરબી રાખેલી લાગણીઓને કોઈ શબ્દો નથી મળતા. અને સામેવાળાને સ્ક્રીન ની ભાષા સમજવામાં મૌનની ભાષા ભુલાતી જાય છે એટલે કોઈ શબ્દો વગર મૌનની ભાષા સમજી લે એવી અપેક્ષા નિરર્થક છે.

થોડીવાર કલ્પના કરીએ કે પ્રત્યેક માણસ એકબીજાને તદ્દન પ્રમાણિક અને પારદર્શક છે. દરેક વ્યક્તિના કથનમાં શુદ્ધ ઓર્ગેનિક સત્ય છે. જૂઠ, અપ્રમાણિકતા માટે કોઈ જ સ્થાન નથી. દુનિયા કેવી તેજોમય લાગે. આખી દુનિયાની પંચાત છોડીએ. એવું ન થઈ શકે કે માણસ પોતાના પરિવાર પ્રત્યે, પોતાના પ્રિયજન, સ્વજન પ્રત્યે આવું વલણ ધરાવતો થઈ જાય. પરિવારમાં કંઈક અલગ જ ઉર્જા નો સંચાર થશે. બધા જ પરિવારોમાં આવું શક્ય થઈ શકે તો તો પછી સમગ્ર સૃષ્ટિ આપમેળે અલૌકિક દેખાશે. તો આપણે આપણા જ પરિવારથી ઓર્ગેનિક ઉતરાયણ ઉજવવાની શરૂઆત કરીએ.

ઉતરાયણ આમ તો પતંગનો તહેવાર છે. અને પતંગ પરથી એક શેર યાદ આવે છે "પગમાં પડી રહે તો કોઈ અડતું નથી, અહીં બધા ઉડતા પતંગને કાપે છે." આપણા સમાજની કડવી વાસ્તવિકતા છે કે આ શેર પતંગ અને માણસ બંનેને લાગુ પડે છે. એટલે મોકળું અવકાશ જોઈને ઉડવાનો શોખ ધરાવનારા માણસો સાવધાન! અહીં ખેંચીને નીચે પાડવા વાળા ની સંખ્યા વધારે છે. એટલે સાવચેતી રાખીને ઊંચાઈએ ઊડવું. એક વાત યાદ રાખવી કે ઉડવું અને ચગવું એ બંનેમાં તફાવત હોય છે. ઉડતી પતંગ ને જોઈને આકાશ મુઠ્ઠીમાં કર્યાનો ઉમંગ અનેરો છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે એ જ આકાશ પક્ષીઓને વિહરવાનો માર્ગ છે. એક બે કલાકના આનંદ માટે કેટલાએ અબોલ, નિર્દોષ પક્ષીઓનો જીવ હણાય છે. તો સૌને નમ્ર નિવેદન છે કે કાચ પાયેલો, પાકી દોરીનો માંજો વાપરીને પક્ષીઓના મૃત્યુનું કારણ બનતા પહેલા અચકાઈ જવું. બે પાંચ રૂપિયાની પતંગ લૂંટાઈ જાય તો આપણું એટલું મોટું નુકસાન નથી થઈ જવાનું. માત્ર પક્ષીઓ જ નહીં કેટકેટલાય માણસોના ગળા કપાઈ જવાના બનાવો પણ બને છે. થોડાક દિવસ માણસ જ બનીને રહીએ અને હૃદયમાં ઊગેલી ઓર્ગેનિક લાગણીઓને અમલમાં મૂકીને તહેવારો ઉજવીએ અને એ જ તહેવારો બીજાના ઘરમાં પણ ઉજવાતા રહે એવો સંકલ્પ કરીએ.