શિક્ષક એક શિલ્પી Thummar Komal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિક્ષક એક શિલ્પી


શિક્ષણ એ માત્ર દેશ માટે નહીં આખા વિશ્વ માટે મૂળભૂત પાયો છે. તેથી સમાજને સક્ષમ બનાવવા એક શિક્ષકનું મહામૂલ્ય યોગદાન હોય છે. એક બાળક મા-બાપ પછી તરત જેના હાથમાં સોંપાય છે તે શિક્ષક છે. મા બાપનું કાર્ય જ્યાં પૂર્ણ થાય ત્યાંથી શિક્ષકનું કાર્ય આરંભ થાય છે. બાળક પર મા બાપ પછી સૌથી વધુ પ્રભાવ શિક્ષકનો જોવા મળે છે. શિક્ષકોના ખભે ખૂબ જ મોટી જવાબદારીઓ હોય છે. કારણ કે બાળક પર જ દેશનું ભાવિ નિર્ભર કરે છે. એટલે તો શિક્ષકને શિલ્પી કહેવામાં આવે છે. એક કોરી પાટી સમાન સોંપવામાં આવેલા બાળકમાં જ્ઞાનની રેખાઓ દોરી, ખરબચડા પથ્થરને કંડારીને મનમોહક મૂર્તિ તૈયાર કરવાની કળા માત્ર એક શિક્ષક જ જાણે છે.

શિક્ષકના જીવનમાં તો માત્ર બે જ રંગ હોય છે, એક કાળો (બ્લેકબોર્ડ) અને બીજો સફેદ (ચોક) પરંતુ આ બે રંગોની મદદથી તે હજારોના જીવનને રંગીન બનાવે છે. વિદ્યારૂપી અમૂલ્ય ધન મેળવવા એક સારા શિક્ષકની જરૂર પડે જ છે. કારણ કે 'ગુરુ બિન જ્ઞાન ન હોઈ'. શિક્ષક માટે કેવો સરસ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે ' માસ્તર ' જેનું મા જેવું સ્તર છે તે શિક્ષક. ઘણીવાર સાંભળ્યું છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. પરંતુ હું તો કહીશ કે સાધારણ ક્યારેય શિક્ષક ના હોઈ શકે, શિક્ષક બનવું એ ક્યારેય વિકલ્પ ન હોઈ શકે. શિક્ષકો તો જન્મજાત હોય છે. કોઈ બી. એડ. કે પીટીસી ની ડિગ્રીઓથી શિક્ષકના બની શકે. ડિગ્રીઓ તો માત્ર ભરેલી ફી ની રસીદો હોય છે. ડિગ્રીઓ મેળવવાથી શિક્ષકના ગુણ નથી મળતા. બી.એડ પીટીસી કરીને તો એ શીખવવામાં આવે છે કે વર્ગખંડની ચાર દીવાલમાં એક શિક્ષકનું વર્તન કેવું હોવું જોઈએ. જ્યારે એક શિક્ષક તો વર્ગખંડની બહાર, સમાજમાં પણ શિક્ષક જ રહે છે. કારણ કે એક બાળકના માનસ પર એના શિક્ષકના સમગ્ર જીવનની અસર વર્તાય છે. એટલે શિક્ષકને સર્વદા સુસજ્જ, પ્રામાણિક અને નીતિમત્તાથી વર્તવું પડે છે.

વ્યક્તિ માત્ર ના જીવન સાથે એક શિક્ષક સંકળાયેલો હોય છે. કોઈપણ વ્યક્તિ એમ કહી શકે કે મને મારા જીવનકાળ દરમિયાન કોઈપણ વકીલની જરૂર નથી પડી. કોઈ એમ પણ કહી શકે કે ડોક્ટરની જરૂર નથી પડી કે પોલીસની જરૂર નથી પડી. પરંતુ કોઈ એમ ના કહી શકે કે મને મારા જીવનકાળ દરમિયાન કોઈ શિક્ષકની જરૂર નથી પડી. શિક્ષક તો વ્યક્તિ માત્ર માટે અનિવાર્ય છે. ભગવાન જેવા ભગવાન પણ સદાયે ગુરુના શરણે સમર્પિત રહ્યા છે. કારણકે માત્ર ગુરુ જ છે જે અજ્ઞાન રૂપી અંધકારમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવીને માણસને ચાલવાનો સાચો માર્ગ બતાવે છે.

શિક્ષક પોતે પોતાને શોભતું વર્તન કરવા માટે પોતાના કેટલાયે સપનાઓ, ઈચ્છાઓને બાળી શકે છે. જેથી તેના ખરાબ વર્તનની અસર પોતાના વિદ્યાર્થીઓ પર ના પડે. જાતે બળીને સમાજમાં સુગંધ પ્રસરવાનું કામ એક શિક્ષક જ કરી શકે. શિક્ષકો બે પ્રકારના હોય છે એક શોખથી થયેલા શિક્ષકો અને બીજા બોજથી થયેલા શિક્ષકો. જે શોખથી શિક્ષક બન્યા છે એ સમાજનું સાચું ઘડતર કરે છે. એને તો શિક્ષક જ બનવાની ઈચ્છા હોય એટલે એ પોતાના શૈક્ષણિક કાર્યને વ્યવસાય ની દ્રષ્ટિએ ક્યારેય નહીં જોઈ શકે. પોતાની શાળાને પોતાની કર્મભૂમિને ક્યારેય પણ વ્યવસાયનું માધ્યમ નહીં માની શકે. તે પોતાના વિદ્યાર્થીઓ સાથે મનથી જોડાયેલો રહે છે. પોતાના બાળકમાં રહેલું શ્રેષ્ઠતમ કઈ રીતે બહાર લાવવું, પોતાના બાળકોનું એક સારા નાગરિક તરીકે કઈ રીતે ઘડતર કરવું, માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેના વાલીઓ સાથે સતત સંપર્કમાં રહીને બાળકનો સર્વાંગી વિકાસ કઈ રીતે કરી શકાય, કોઈપણ જાતની ગણતરી વગર એ કરી શકે છે. આવા શિક્ષકો પાસેથી જ ભારતના રત્નો કહી શકાય તેવા તારલા ઓ મળે છે. દરેક વર્ગખંડમાં એકાદ નરેન્દ્ર મોદી કે અબ્દુલ કલામ હોય છે. અને સાચો શિક્ષક તેને ઓળખીને, તેને કંડારી ને દુનિયાની સમક્ષ રજૂ કરે છે. જ્યારે કોલસામાંથી કોઈ હીરો મળે ત્યારે તેનો દેખાવ એટલો સરસ નથી હોતો. પરંતુ એ હીરાને ઘસીને એના પર પાસ પાડીને જ્યારે એને બજારમાં મૂકવામાં આવે છે, ત્યારે તેની કિંમત અનેક ગણી વધી જાય છે. બસ આવી જ રીતે શિક્ષકો રફ ડાયમંડને ઘસીને સમાજમાં રજૂ કરે છે. જ્યારે એક માણસને પૂછવામાં આવ્યું કે તમે શું વ્યવસાય કરો છો, ત્યારે એણે કહ્યું કે હીરા ઘસવાનું કામ કરું છું. પછી પાછળથી ખબર પડી કે શિક્ષક હતા. અને એ ખરા અર્થમાં શિક્ષક હોય છે. જ્યારે બોજ થી બનેલા શિક્ષકો એટલે કે પરિવારના કહેવાથી કે પછી ક્યાંય પણ એડમિશન ના મળ્યું તો બી. એડ કે પીટીસી કરીને બનેલા શિક્ષકો જે માત્ર ડિગ્રીથી બનેલા શિક્ષકો હોય છે. એ સાચા અર્થમાં શિક્ષકો મટીને વેપારી હોય છે. એના માટે શાળા એ પોતાનો વ્યવસાય હોય છે. એ પ્રકારના શિક્ષકો માત્ર પોતાના વિષય પૂરતા મર્યાદિત હોય છે. જેને વર્ષ દરમિયાન સોંપવામાં આવેલો વિષય અને વિષય માં આવેલા પ્રકરણ નિશ્ચિત સમય મર્યાદામાં કઈ રીતે પૂર્ણ કરવું બસ એટલી જ ફરજ પૂરતું વિચારી શકે છે. આવા શિક્ષકો બાળકનો સર્વાંગી વિકાસ નથી કરી શકતા. 

હાલના સમયમાં શિક્ષકો પર વધારાની કામગીરીનો અતિરેક એટલો થઈ રહ્યો છે કે શિક્ષક ચાહે તો પણ બાળકને પ્રતિભા નિખારવા માટે પૂરતો સમય ના આપી શકે. માત્ર પુસ્તકીયું જ્ઞાન, માર્કશીટ ની માયાજાળ, માર્ક્સની સ્પર્ધાની હરોળ માં ઊભા રહેલા વિદ્યાર્થીઓને નિહાળતો મજબૂર શિક્ષક આખરે વ્યાપારી બનીને રહી જાય છે.