દીવાળી કામ Thummar Komal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીવાળી કામ

દિવાળીનો તહેવાર નજીકમાં છે. દરેક ઘરમાં દિવાળી કામ પૂરજોશ માં ચાલી રહ્યું છે.દીવાળી નજીક આવતા ઘરનો ખૂણે ખૂણો સાફ કરવો એવો ગૃહિણી યુનિયન નો વણલખ્યો નિયમ છે. જેમાં કોઈ ફેરફારની શક્યતા નથી. દરેક ઘરની બહાર ખાટલામાં ગાદલા, ગોદડા, ચાદર તપવેલા જોવા મળશે. ઘરના દરેક નાના મોટા સભ્યોને એને લાયક કામ સોંપાઈ ગયા હોય છે. અને ઘરના પુરુષો પણ બની શકે એવી નાની મોટી મદદ કરતા હોંશે હોંશે કરતા હોય છે. બીજું કંઈ વધારે નહીં તો વેરવિખેર થયેલા ઘરમાં વસ્તુ આઘી પાછી કરીને પોતાનો રસ્તો તો કરી જ શકે કે પછી "આજે ટિફિન લેતો આવીશ, જમવાનું નહીં બનાવતા" આવું નાનું મોટું યોગદાન આપતા હોય છે.

ચાલીસેક વર્ષના ગૌરીબેન માળીએથી ઉતારેલા ખોખા માંની વસ્તુને લૂછી ને એક બાજુ મુકતા જાય છે. ગૌરીબેન ના લગ્નને પંદરેક વર્ષ થયા હશે. સંતાનમાં એક દીકરો અને દીકરી છે જે હોસ્ટેલમાં રહીને ભણે છે. તેમના પતિ સવારે ટિફિન લઈને ઓફિસે નીકળે છે અને સાંજે ઘરે આવે છે. ગૌરીબેન ઘરની સાથે સાડીમાં ટીકી ચોંટાડીને પોતાના દિવસ પસાર કરે છે. સતત વ્યસ્ત રહેવા છતાં મન ની અંદર રહેલા મુંજારા ને હડસેલી નથી શકતા. લગ્ન જીવન જાણે શુષ્ક અને નીરસ બની ગયું હોય એમ માત્ર દિવસો જ પસાર થતા જાય છે. વસ્તુઓ લૂછતાં લૂછતાં એના હાથમાં લગ્નનો આલ્બમ મળી આવ્યો. આલ્બમ લૂછીને જોવાનું શરૂ કરે છે. આલ્બમ ની વચ્ચે એક સરસ મજાનું કાર્ડ પણ મળ્યું. કાર્ડ હાથમાં આવતા ગૌરીબેન એ કાર્ડ આપ્યા ના દિવસો વાગોળવા લાગ્યા. લગ્ન પહેલા અને સગાઈ પછી જ્યારે પહેલીવાર બંને ફરવા ગયા હતા ત્યારે તેમના પતિએ આ કાર્ડ આપેલું હતું. જેમાં સુંદર અક્ષરો એ તેના પતિ એ એક શાયરી પણ લખી હતી. એ સોનેરી દિવસોને યાદ કરતા ગૌરીબેન ની આંખ માંથી આંસુ સરી પડ્યું.

વસ્તુઓ પર ધૂળ બાજે છે યાદો પર નહીં. બધી જ યાદો જાણે હમણાં જ અનુભવી હોય એમ નજર સમક્ષ આવીને ઊભી રહી ગઈ. નાની વાતમાં એકબીજાને સ્પેશિયલ ફિલ કરાવવું. એકબીજાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવી. થોડા થોડા દિવસોએ બહાર જઈને એકબીજાને સમય આપવો. કામ તો ત્યારે પણ હતું. ત્યારે પણ તેના પતિને ઓફિસ અને પોતાને ઘર સંભાળવાનું હતું. તો પણ સમય કાઢીને સંબંધના છોડને પોષણ આપવાનું ચૂકતા નહીં. ગૌરીબેન વિચારવા લાગ્યા કે હવે એવું તો શું બદલાઈ ગયું છે. સમય જતા આ સંબંધનો છોડ મટી ને વટવૃક્ષ બની ગયું છે છતાં એ વૃક્ષ પર સતત પાનખર શું કામ? શું ફરીથી આ વૃક્ષ પર વસંત ન આવી શકે? કાર્ડ હાથમાં રાખીને વિચારોના વમળમાં ખોવાયેલા ગૌરીબેન ઝબકી ઉઠે છે.

ગૌરીબેન ઉભા થયા. ફટાફટ ઘરની સાફ-સફાઈ પૂર્ણ કરી. પછીના દિવસે હંમેશા તેલ નાખીને બંધાયેલા અંબોડા ની ગાંઠ છૂટી. હંમેશા બંધાયેલા રહેતા કાળા ભમ્મર વાળ કમર સુધી પહોંચી ગયા હતા. બાજુ વાળી છોકરી ને બોલાવીને શરીરની થોડી મરમ્મત કરાવી. બજારમાં જઈ ફુલવાળાની દુકાનેથી થોડા ફૂલો અને થોડી સુગંધી મીણબત્તીઓ લાવ્યા. પતિનું મનગમતું જમવાનું બનાવ્યું. ફૂલો અને મીણબત્તીથી રૂમ સજાવ્યો. અને પતિને આવવાના સમયે ધોયેલા લાંબા વાળ છુટા રાખીને છૂટા પાલવની સાડી પહેરીને તૈયાર થઈ ગયા.

જ્યારે તેના પતિ ઘરે આવ્યા ત્યારે ખૂબ જ નિર્દોષ સ્માઇલ સાથે વેલકમ કર્યું. આજે પતિને ગૌરીબેન નું આ સ્વરૂપ જોઈને જાણે આખા દિવસનો બધો થાક ઉતરી ગયો હોય એવો અનુભવ થયો. ગૌરી બહેને ખૂબ જ ભાવપૂર્વક પતિને જમાડ્યા અને પેલું કાર્ડ જે વર્ષો પહેલાં તેને મળ્યું હતું તે પતિના હાથમાં આપીને કહ્યું કે 'આ તમને યાદ છે' બંને ખૂબ જ ભાવથી એક મેક ની સામે જોઈ રહ્યા. સમયના વાવાઝોડામાં સુકાઈના ખરી પડેલા વૃક્ષ પર નવી કૂંપળો ફૂટવા લાગી. મોડે સુધી બંનેએ મન ભરીને જૂની યાદો વાગોળી. દિવસને ખૂબ જ યાદગાર બનાવ્યો અને સમયાંતરે આમ એકબીજાને સમય આપીને જીવનમાં વસંતના વધામણા કર્યા.

ઘણીવાર ઘર અને મનની સાફ સફાઈ કરવાથી ખોવાયેલું ઘણું બધું મળી આવે છે. ગૌરી બહેનને તેની ખોવાયેલી ક્ષણો ફરી મળી આવી. અને ઘણીવાર એવું બધું સાચવી રાખ્યું હોય જેની બિલકુલ જરૂર ન હોય તે જગ્યા રોકતું બંધ થાય છે.