ભાદરવા સુદ ચોથના દિવસે વિઘ્નહર્તા ઘરે ઘરે બિરાજે છે. આ તહેવાર કોઈ પ્રાંત કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી રહ્યો. દેશમાં એકતા અને વિચારમાં એક સૂત્રતા લાવવા ગણેશોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ચાલનારો આ તહેવાર વાતાવરણમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. દસ દિવસના અંતે આપવામાં આવતી ભાવભીની વિદાય સાથે માત્ર પ્રતિમા જ નહીં પરંતુ આંખો પણ આંસુથી ઉભરાતી હોય છે. પ્રકૃતિના નિયમથી પરમાત્મા પણ બાકાત નથી જે આવે છે તેને જવાનું નિશ્ચિત છે. જેનું સર્જન છે તેનું વિસર્જન અચૂક છે. ખરેખર તો વિસર્જન વ્યવહારમાં વ્યાપેલું છે, પરંતુ જેનું વિસર્જન થવું જોઈએ એનું થતું નથી.
વિસર્જન શબ્દનો અર્થ પાણીમાં વિલીન થવું એવો થાય છે. પંચમહાભૂતમાં પાણી સૌથી પવિત્ર છે, અને ગણપતિ પાણીના આરાધ્યદેવ છે. તેથી તેને જળમાં વિદાય આપવામાં આવે છે. દસ દિવસ સુધી જેની પૂજા, આરતી, પ્રસાદ કર્યા હોય અને જ્યારે દસમા દિવસે એને પાણીમાં પધરાવવા જઈએ ત્યારે સ્વાભાવિક રીતે આંખો ભીની થઈ જાય. પરંતુ ભાગ્યે જ કોઈ ભગવાન માટે રડતું હશે. મહદંશે આંખમાં આંસુ એટલે આવે છે કે આ જે દસ દિવસ સુધી ધામધૂમ હતી એ હવે નહીં હોય. ઘર - સોસાયટી સુનુ લાગશે. દસ દિવસના આનંદ પછી એની આદત છોડવી પડશે એટલે તકલીફ થાય છે.
જરાક વિચારીએ તો સમજાય કે આ દસ દિવસના આનંદની આદતનું વિસર્જન કરતા આટલી તકલીફ થાય છે. તો આપણે તો આપણા જીવનમાં એવી કેટલીય નકામી, વણ જોઈતી, પાયા વિહોણી અને જેનાથી કોઈ જ ફાયદો નથી હોતો, માત્ર કંઈકને કંઈક નુકસાન હોય છે એવી આદતો પાડીને રાખી છે. શું એવું ન થઈ શકે બાપા ના વિસર્જન સાથે આવી નકામી આદતોનું પણ વિસર્જન કરીએ. ઘણા એવા લોકો હશે જેમને ભાત ભાતના વ્યસનો હશે. એવું પણ બની શકે એ લોકો વ્યસન છોડવા માંગતા હોય. તો આજના દિવસથી સારું મુહૂર્ત બીજું કયું હોઈ શકે. બાપાની મૂર્તિની સાથે તમામ વ્યસનોનું પણ વિસર્જન કરીએ.
સમાજમાં કેટલા એવા પરિવારો હશે, સગા સંબંધીઓ હશે, જ્યાં લોકો લોકો વચ્ચે નાના મોટા મતભેદ થતા હોય. એ નાના મોટા મતભેદ ક્યારે મનભેદમાં ફેરવાઈ જાય ખબર જ નથી પડતી. નાના નાના મતભેદ ક્યારે મોટા સ્વરૂપો ધારણ કરી લે છે માણસ સમજી શકે ત્યાં સુધીમાં સંબંધોની મજબૂતી ખવાઈ જતી હોય છે. અને સંબંધો ખોખલા થઈ જતા હોય છે. આ વખતે બાપાના વિસર્જન સાથે એવા મતભેદ - મનભેદ નું પણ વિસર્જન કરીએ. એકબીજાને માફ કરીને સુકાઈ ગયેલા સંબંધના છોડને પાણી પીવડાવીને ફરીથી તાજા કરીએ. જે વાત, જે વિચાર સંબંધના છોડમાં એસિડનું કામ કરે છે એ વાત, એ વિચારનું જ વિસર્જન કરીએ. એક લાઈન સાંભળેલી છે,
"એણે એક નાની ભૂલ કરી પરંતુ એને યાદ રાખીને મે મોટી ભૂલ કરી" ત્યારે જે માણસો આપણી પ્રાથમિકતા ના લિસ્ટમાં છે. તેના ગુસ્સામાં કે દલીલમાં બોલાયેલા બે ચાર વણ જોઈતા શબ્દો ને મ્યુટ કરીને ફરીથી સંવાદ શરૂ કરીએ. ભૂલી જઈએ એ ભૂલોને જે ખરેખર ભૂલવા જેવી છે. ભૂલ રૂપી એક પાના માટે આખું પુસ્તક ન ફાડી શકાય. નિર્ણય કરીએ કે એ તમામ વસ્તુ જેના હોવાથી જીંદગી અટપટી છે પછી એ વ્યસન હોય કે મતભેદ હોય પાણી માં પધરાવીએ.
એ વાત સાચી છે કે 'તલવારના ઘા રુઝાઈ છે પણ વાણીના ઘા રુઝાતા નથી' પરંતુ હવે આપણું મેડિકલ સાયન્સ એટલું આગળ આવી ગયું છે કે કોઈ પણ ઘા રુઝાઈ જાય છે. એટલે વાણીથી લાગેલા ઘા ને વધારે ખુરેદવા કરતા હૂંફ ભરેલા શબ્દોનું મલમ લગાવીને એને રુજાવા દઈએ.